સ્ટેમ્પ પેપર ઉપર ચમત્કાર!

સ્ટેમ્પ પેપર ઉપર ચમત્કાર!

– રમેશ સવાણી

“ચતુરભાઈ ચૌહાણ બોલો છો?”

“હા, ચતુરભાઈ બોલું છું. આપ કોણ?”

“હું રાણપુરથી દશરથસીંહ પરમાર બોલું છું. અમદાવાદમાં ચાંદખેડા શીવશક્તી બસ સ્ટોપ ઉપર ચમત્કાર કરી બતાઓ અને પાંચ લાખ રુપીયાનું ઈનામ જીતો, એવું બોર્ડ તમે લગાવ્યું છે?”

“હા, લોકજાગૃતી માટે ‘ચમત્કાર ચકાસણી કેન્દ્રઅમદાવાદ દ્વારા બોર્ડ મુક્યું છે.”

“ચતુરભાઈ! પાંચ લાખ રુપીયા તૈયાર રાખો!”

“દશરથસીંહ! તમે કોઈ ચમત્કાર કરવાના છો?”

“ચતુરભાઈ! અઘોરીબાપુ દેવદત્તજીએ યોગસીદ્ધી દ્વારા ચમત્કાર કર્યો છે! મારા પુત્ર રામસીંહ ઉપર શક્તીપાત કરીને, કુંડલીને જાગૃત કરીને, અઘોરી બાપુએ ઉપકાર કર્યો છે!”

“શું ઉપકાર કર્યો છે?”

“ચતુરભાઈ! અધોરીબાપુએ રામસીંહને યોગસીદ્ધી ટ્રાન્સફર કરી છે! હવે રામસીંહ પણ ચમત્કાર કરે છે!”

“કયો ચમત્કાર કરે છે?”

“ચતુરભાઈ! તમે નહીં માનો! રામસીંહ આંખો બન્ધ રાખીને, આંખે પાટા બાંધીને ચલણી નોટનો નમ્બર કહી દે છે! બોલો આ ચમત્કાર કહેવાયને?”

“આ તો ચમત્કાર જ કહેવાય! પણ રામસીંહ બનાવટ કરે છે કે કેમ? એ નક્કી કરવું પડે!

“ચતુરભાઈ! રામસીંહ હજુ નવ વર્ષનો જ છે! બાળક છે! બનાવટ એના સ્વભાવમાં નથી! તમે જાતે જ ખાતરી કરી લેજો! અમે તમારા નીવાસસ્થાને આવીને તમને ચમત્કાર બતાવી જઈએ?”

“દશરથસીંહ! ઉતાવળ ન કરો. આવતા શુક્રવારે તારીખ 07 નવેમ્બર, 2014ના રોજ રાણપુર હાઈસ્કુલમાં ચમત્કાર ચકાસણી કેન્દ્રનો જાહેર કાર્યક્રમ છે. તમે રામસીંહને લઈને ત્યાં આવજો. યોગસીદ્ધીનો ચમત્કાર મારે પણ જોવો છે!”

“ચતુરભાઈ! તમે પાંચ લાખ સાથે લેતા આવજો!”

“ભલે. દશરથસીંહ!” ચતુરભાઈએ ફોન મુક્યો. તેણે વીચાર્યું : ચલણી નોટના નમ્બર વાંચી બતાવે તેને યોગસીદ્ધી કહેવાય? આવું તો જાદુગરો પણ કરે છે! નક્કી ભેદભરમ છે! છેતરપીંડી છે!

શુક્રવારે ચતુરભાઈ (ઉમ્મર : 69) પોતાની ટીમ લઈને રાણપુર હાઈસ્કુલમાં પહોંચ્યા. ત્યાં દશરથસીંહ અને રામસીંહ હાજર હતા. ચતુરભાઈએ વીદ્યાર્થીઓ સમક્ષ જુદા જુદા ચમત્કારનો પર્દાફાશ કર્યો.

કાર્યક્રમ પુરો થયો ત્યારે દશરથસીંહે કહ્યું : “ચતુરભાઈ! રામસીંહનો ચમત્કાર જુઓ! તમે ચમત્કારમાં વીશ્વાસ કરવા લાગશો! દુનીયામાં ચમત્કાર જેવું કંઈક છે, એવું તમે માનતા થઈ જશો! અઘોરીબાપુ દેવદત્તજી મહાન ચમત્કારીક છે!”

“દશરથસીંહ! વીદ્યાર્થીઓની હાજરીમાં જ ચમત્કારની ચકાસણી કરીએ!”

“હું તૈયાર છું!” રામસીંહે ક્હ્યું.

“રામસીંહ, અઘોરીબાપુ દેવદત્તજી હાલ ક્યાં છે?”

“હાલ કયાં છે, તેની ખબર નથી. છ મહીના પહેલાં અઘોરીબાપુ રાણપુર આવેલા. તેમણે કુંડલી–યોગથી મારું ત્રીજું લોચન ખોલી નાખ્યું! હું ત્રીજા લોચનથી ચલણી નોટનો નમ્બર વાંચી શકું છું!”

ચમત્કારની ચકાસણી શરુ થઈ. રામસીંહે આંખો બન્ધ કરી. તેના હાથમાં ચતુરભાઈએ નોટ મુકી. રામસીંહે ચલણી નોટના નમ્બર કહી દીધા! સૌ અચરજ પામી ગયા! રામસીંહની આંખો ઉપર પાટો બાંધવામાં આવ્યો અને પછી તેના હાથમાં ચતુરભાઈએ બીજી ચલણી નોટ મુકી. રામસીંહ તે ચલણી નોટના નમ્બર સડસડાટ બોલી ગયો! સૌ રામસીંહને કુતુહલતાથી તાકી રહ્યા!

દશરથસીંહે કહ્યું : “ચતુરભાઈ! હવે તમને શાંતી થઈને? હવે તમને ચમત્કારમાં વીશ્વાસ બેઠોને? આ બધાંની હાજરીમાં જ મને ઈનામના રુપીયા પાંચ લાખ આપો! રામસીંહના ચમત્કારના કારણે મારી છાતી ગજ–ગજ ફુલે છે. મારા સમાજમાં, રામસીંહની ચમત્કારીક શક્તીના કારણે મારો વટ પડે છે! મારા પ્રત્યે લોકોનો આદર અનેક ઘણો વધી ગયો છે. રામસીંહ સેલીબ્રીટી બની ગયો છે!”

દશરથસીંહ! આ ચમત્કાર નથી!”

“ચતુરભાઈ! પાંચ લાખ રુપીયા આપવા ન પડે તે માટે તમે ચમત્કારને સ્વીકારતા નથી!”

દશરથસીંહ! આ ચમત્કાર તો હું પણ કરી શકું છું!

“ચતુરભાઈ! તમે આંખો બન્ધ કરો. હું તમને પાંચ સોની નોટ આપું છું, તેનો નમ્બર કહી દો!”

ચતુરભાઈએ આંખો બન્ધ કરી અને ચલણી નોટના નમ્બર કહી દીધા! દશરથસીંહ નવાઈ પામી ગયા! દશરથસીંહે ચતુરભાઈની આંખે પાટો બાંધ્યો અને બીજી ચલણી નોટ ચતુરભાઈને આપી, ચતુરભાઈએ તે નોટના નમ્બર સડસડાટ કહી દીધા! દશરથસીંહની મુંઝવણ વધી ગઈ! રામસીંહ યોગસીદ્ધીના કારણે, ચલણી નોટના નમ્બર કહી દે છે, અને ચતુરભાઈ કોઈપણ સીદ્ધી વીના ચલણી નોટના નમ્બર કહી દે છે! આવું કઈ રીતે બને? દશરથસીંહનું વીચારતન્ત્ર ખોરવાઈ ગયું.

ચતુરભાઈએ કહ્યું : “દશરથસીંહ! આમાં કંઈ વીચારવા જેવું નથી. રામસીંહ આ ચમત્કાર માત્ર દીવસે જ કરી શકે અથવા તો લાઈટ હોય તો કરી શકે! નોટનો નમ્બર વાંચવા પ્રકાશ જોઈએ! રામસીંહ આ ચમત્કાર અન્ધારામાં ન કરી શકે! તમે રામસીંહને પુછીને ખાતરી કરો!”

દશરથસીંહના ચહેરા ઉપરથી ઉત્સાહ નાસી ગયો અને તેની જગ્યાએ ગમગીની પથરાઈ ગઈ! દશરથસીંહે પુછ્યું : “રામસીંહ! ચલણી નોટના નમ્બર કહી દેવાનો ચમત્કાર તું અન્ધારામાં કરી શકે?”

“ના બાપુ! અન્ધારામાં આ ચમત્કાર ન થાય!”

“રામસીંહ! પ્રકાશમાં જ આ ચમત્કાર થાય તેનું કારણ શું?”

બાપુ! સાચું કહું? અઘોરી બાપુએ ચાલાકીનો ભેદ કોઈને નહીં કહેવા કુળદેવીના સમ ખવડાવેલા. એટલે હું ચાલાકીને ચમત્કાર કહેતો હતો!”

“રામસીંહ! આમાં શું ચાલાકી છે?”

બાપુ! આંખો પોચી–પોચી બન્ધ કરવાની. નાકના નીચેના ભાગે દેખાય. ત્યાં ચલણી નોટ લઈ જવાની એટલે તેના નમ્બર વાંચી શકાય! આંખ ઉપર પાટો બાંધવામાં આવે ત્યારે પણ નીચે જોઈએ તો પાંચ ફુટ સુધી દેખાય! ત્યાં ચલણી નોટ લઈ જવાથી તેના નમ્બર વાંચી શકાય! આ ચાલાકી છે, ચમત્કાર નથી! આંખની બરાબર સામે ચલણી નોટ રાખવામાં આવે તો તેના નમ્બર વાંચી શકાય નહીં!”

દશરથસીંહ, પુત્ર રામસીંહને તાકી રહ્યા. થોડીવાર પછી દશરથસીંહે હૈયાવરાળ કાઢી : “રામસીંહ! તેં તારા બાપને છેતર્યો? મારી સાથે છેતરપીંડી કરી? તારા ચમત્કારનો હું સર્વત્ર ઢોલ પીટતો હતો! લોકોનો આદર છલકાતો હતો! આપણી વાહ વાહ થતી હતી! હવે નાક કપાઈ ગયું! ચતુરભાઈ પાસેથી રુપીયા પાંચ લાખનું ઈનામ મેળવીને પાંજરાપોળમાં દાન કરવાનું મેં જાહેર કરી દીધું હતું! રામસીંહ તેં મારા સ્વપ્નાઓનો કચરો કરી નાખ્યો! તેં આવું કેમ કર્યું?”

બાપુ! મારી ઈચ્છા બીલકુલ ન હતી, પરન્તુ તમે અઘોરીબાપુની પાછળ પડ્યા હતા કે રામસીંહને એકાદ ચમત્કાર શીખવાડો! અઘોરીબાપુ તમારી પાસેથી પચાસ હજાર રુપીયા લઈ ગયા અને મને–તમને આ શરમજનક સ્થીતીમાં મુક્તા ગયા!”

ચતુરભાઈ દશરથસીંહને સમજાવ્યા : “તમારા દીકરાને ચમત્કારીક ન બનાવો. એને ભણવા દો. ભણશે તો ચમત્કાર કરશે!

ચતુરભાઈએ આ કીસ્સો, લોકજાગૃતી માટે નયામાર્ગ સામયીકમાં લખ્યો. દસમા દીવસે, સવારના આઠ વાગ્યે ચતુરભાઈના નીવાસસ્થાને સાત–આઠ માણસોનું ટોળું પહોંચ્યું. તેમાં દશરથસીંહ પણ હતા. તેણે આંખો કાઢીને કહ્યું : ચતુરભાઈ! તમે તો અમારી આબરું લીધી! રાણપુરમાં તમે રામસીંહના ચમત્કારનો પર્દાફાશ કર્યો. તેનાથી તમને સન્તોષ ન થયો? શા માટે તમે આખો કીસ્સો ‘નયામાર્ગ’માં લખ્યો? લોકો અમને પુછ્યા કરે છે, અમે જવાબ દઈ શક્તા નથી! હવે તમે સો રુપીયાના સ્ટેમ્પ પેપર ઉપર અમને લખી આપો કે રામસીંહનો ચમત્કાર સાચો હતો!”

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’ (05, ઓક્ટોબર, 2016)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી e.Mail : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   –મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 13–04–2018

6 Comments

  1. It is a very nice and truthful article. It can help others to understand these kind of incidents in life.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Liked by 1 person

  2. શરુઆતમાં રમેશભાઇ સવાણિને હાર્દિક અભિનંદન આપવાના કારણકે તેમણે બને અેટલાં ઓછા શબ્દોમાં આ કેસને વર્ણવીને સંપૂર્ણ રીતે સમજાવી દીઘો. સરસ રીપ્રેઝન્ટેશન. રાણપૂરની શાળામાં ચમત્કાર ચકાસણી કેન્દ્ર બનાવ્યુ તેવું કેન્દ્ર, સરકાર, દરેક શાળામાં અઠવાડીયામાં અેક વર્ગ ચલાવે….તેવું કેમ કરવામાં નહિ આવે ? પ્રાઇવેટ શાળાના માલિકોઅે તો કોઇની પરવાનગી લેવા જવું નહિ પડે. તેઓ જો આ વિષયનો અેક વર્ગ અઠવાડીયે રાખે તો ઉત્મ સમાજસેવાના મૂળ નંખાશે. સરકારથી ચાલતી શાળાઓમાં ચોર પોલીટીશીયનો કદાચ તે ચાલુ કરવા નહિ દે. તો મા બાપે ભેગા થઇને અભ્યાસક્રમમાં આ વિષય દાખલ કરાવવો જોઇઅે. સમાજસેવકોનો સાથ લઇને આ કાર્ય કરવું જોઇઅે.અભિવ્યક્તિમા પબ્લીશ થાય તે બરાબર છે પરંતું કુમળા મગજના બાળકોને જેમ વાળવા જોઇઅે તેમ વાળીઅે તો આવતી પેઢીને માટે આજે ાાપણે થોડા ચિંતા મુક્ત થઇઅે.
    સરસ. ગમ્યુ.
    અભિનંદન.
    અમૃત હઝારી.

    Liked by 1 person

    1. Tamara suchan sathe sampurna sammat school ma aava karyakramo thava joiye rationalism na lekho vanchavva joiye balako na kumla magaj par andhshraddha na jala na baze te mate khub jaruri ane sathe ghana shikshako pan andhshraddhalu hoi chhe te pan sudhare.

      Liked by 1 person

  3. સરસ વાત.
    મને સૌ જાણે પણ કોઈ મને જાણી ન જાય…મારા કાવ્યની યાદ આવી.
    સરયૂ પરીખ

    Liked by 1 person

Leave a comment