ભક્તી અને શ્રદ્ધા
–રશ્મીકાન્ત ચ. દેસાઈ
ભક્તી અને પ્રાર્થના પવીત્ર અને સાત્ત્વીક પ્રવૃત્તીઓ મનાય છે; પણ શું આપણે તેમનું હાર્દ સમજ્યા છીએ ખરાં?
‘માણસાઈના દીવા‘ પ્રગટાવનાર હૃદયસ્થ રવીશંકર મહારાજે ભક્તીને વરાળની ઉપમા આપી હતી. વરાળ તો બધે જ હોય. રણમાં, અલ્પ માત્રામાં ભલે હોય; પણ છે ખરી. તે સર્વવ્યાપી વરાળ એટલી બધી ઉપયોગી નથી નીવડતી. જ્યારે બૉઈલરમાં પુરાયેલી વરાળ તો લાંબી લાંબી આગગાડીઓને તેમજ મોટા મોટા જહાજોને કે કારખાનાઓને ચલાવી શકે છે. શરત એટલી જ કે બોઈલરમાં છીદ્ર ન હોવું જોઈએ. નહીં તો જરુરી દબાણ પેદા ન થાય. તેવી જ રીતે ભક્તીરુપી વરાળની શક્તી પેદા કરવા માટે આપણા મનના બોઈલરમાં છીદ્ર ન હોવું જોઈએ. રવીશંકર મહારાજ અનુસાર આ છીદ્ર હતા– ગાયન, નર્તન અને પ્રદર્શન; કારણ કે ધ્યાન તેમાં ફંટાઈ જાય છે.
ભક્તી એટલે જીવાત્મારુપી પત્નીનો પરમાત્મારુપી પતી માટેનો ઉત્કટ પ્રેમભાવ. તે જાહેરમાં કે સમુહમાં કરવાની ના હોય; છતાં તેને માટે કેટકેટલાં મન્દીરો, ચર્ચો, સીનાગોગો, મસ્જીદો, ગુરુદ્વારાઓ વગેરે બાંધવા અને નીભાવવામાં આવે છે! આ બધા સામાજીક જીવન માટે જરુરી ખરાં; પણ ભક્તી કરવા માટે નહીં. ત્યાં ન જનારી બધી વ્યક્તીઓને દુષ્ટ કે નાસ્તીક ન ગણી શકાય.
કેટલાક મીત્રો ભક્તી કરવા માટે બીજાઓને પ્રોત્સાહીત કરવાની પ્રવૃત્તી કરે છે; પણ ભુલી જાય છે કે ભક્તી તો થઈ જાય, કરવાની ન હોય. ખાસ તો તેને માટે અગાઉથી સ્થળ સમય નક્કી ન કરી શકાય. વળી કોણે ક્યાં, કઈ ભાષામાં, કયા શબ્દોમાં, ક્યારે, કેવી રીતે પ્રાર્થના કરવી તે જે તે વ્યક્તીની પસન્દગી પર છોડવું જોઈએ. તેને બદલે ગુરુઓ તેમના અનુયાયીઓની પ્રાર્થનાનું નીયન્ત્રણ કરતા હોય છે તે કેટલે અંશે યોગ્ય છે?
શ્રદ્ધા વીના ભક્તી ન થઈ શકે; પણ શ્રદ્ધા એટલે શું? જે માન્યતા સાચી કે ખોટી સાબીત ન થઈ શકે તેને સાચી માનવી તેનું નામ શ્રદ્ધા. કોઈ વાત માનવા માટે કારણ આપીએ તો તે શ્રદ્ધાની વાત નથી રહેતી. જેમ કે કોઈ ધર્મપુસ્તકમાં લખ્યું હોય કે પૃથ્વી સપાટ છે તો તે વાતને, ધર્મપુસ્તકમાં લખ્યું છે તેથી જ સાચી માનવી તે શ્રદ્ધા નથી.
આવો, થોડા દાખલા વડે સ્પષ્ટ કરીએ. નીચે લખેલા પ્રસંગો ખરેખર બનેલા છે, આ લખનારે ઉપજાવી કાઢેલા નથી.
એક સજ્જનને તેમના ગુરુ પ્રત્યે ઘણી શ્રદ્ધા છે. તેમના કહેવા પ્રમાણે તેમના ગુરુએ તેમને બઢતી અપાવી હતી. તેમની સરકારી નોકરીમાં તો વરીષ્ઠતા (સીનીઓરીટી) પ્રમાણે જ બઢતી મળતી હતી. હવે જો તેમનો વારો હતો જ તો ગુરુકૃપા વીના પણ બઢતી મળી હોત. અને વારો ન હોવા છતાં ગુરુકૃપાને લીધે તે બઢતી મળી હોય તો બીજા કોઈને અન્યાય થયો. ગુરુજીએ કોઈ વીદ્યા શીખવી હોય જેને લીધે તેમની આવડત વધી હોય અને વધુ સારી નોકરી મળી હોય તો તે સાચી અને સારી ગુરુકૃપા ગણી શકાય.
એક ખુબ ધાર્મીક વડીલે કહેલું, ‘તલાટીની નોકરીમાં તો શું પુરું થાય; પણ ઈશ્વરકૃપાથી ઉપરની આવક સારી છે તેથી ગાડું ગબડે છે.’ ઈશ્વર જો કૃપા જ કરવાનો હતો તો તેમને ભણવામાં મદદ કરી સારી નોકરી ના અપાવત?
એક સામયીકમાં એક લેખ હતો કે કોઈ ખાસ મન્ત્રના જાપ કરવાથી એક પરીવારને કોર્ટ કેસમાં જીત મળી હતી. જરા વીચારીએ. જો સત્ય તેમને પક્ષે હતું તો જાપ વગર પણ જીત થવી જોઈતી હતી. અને નહોતું તો જાપને લીધે બેવડો અન્યાય થયો. મન્ત્રના જાપથી સામા પક્ષે, કોર્ટમાં ગયા વગર, સમાધાન કર્યું હોત તો જુદી વાત હતી.
એક બીજા ભક્ત એક વીખ્યાત ઐતીહાસીક સંતને તેમના ઈષ્ટદેવ માને. તેમની પુત્રીનું વેવીશાળ તે જ સંતના એક બીજા ભક્તના પુત્ર સાથે થયું. વરના કુટુમ્બની ઈચ્છા તે વરસે લગ્ન લેવાની હતી. આ ભાઈ પાસે પૈસા નહોતા. કહે, ‘મેં તો મારી સમસ્યા મારા ઈષ્ટદેવને સોંપી દીધી. મારા વેવાઈના જમાઈનું અકસ્માતમાં મરણ થવાથી લગ્ન મુલતવી રહ્યા. જોયો મારા ઈષ્ટદેવનો પ્રભાવ?’ ઈષ્ટદેવ શું એવા નાદાન હોઈ શકે કે એક ભક્તને સહાય કરવા તેમના જ બીજા ભક્તનું ઘોર અહીત કરે? જુની ઉઘરાણી અણધારી વસુલ થવાથી કે બીજી કોઈ નૈતીક રીતે પૈસા મળી ગયા હોય તો તે ઈષ્ટદેવનો પ્રભાવ.
એક મીત્રે કહ્યું કે તેમના ગુરુના ગુરુ પાંચસો વરસથી જીવતા હતા. શું તે ગુરુવરને પોતાનો નશ્વર દેહ એટલો બધો વ્હાલો હતો કે ચારસો વરસથી પકડી રાખ્યો હતો? તો કહે કે હીન્દુ ધર્મની રક્ષા માટે હીમાલયમાં તપ કરતા હતા. છેલ્લા ચારસો વરસોમાં હીન્દુ ધર્મ પર વારંવાર આપત્તીઓ આવી હતી ત્યારે તેઓ ક્યાં હતા? ધર્મનું રક્ષણ ક્યારે ક્યારે અને કેવી રીતે કર્યું? જવાબ નથી.
આવી શ્રદ્ધાને આપણે શું કહી શકીએ? તેને ખોટી અથવા અન્ધશ્રદ્ધા ન કહીએ તો પણ કાચી તો કહી શકાય. આપણી શ્રદ્ધા એવી તો ન જ હોવી જોઈએ કે જેથી બીજાનું અહીત થાય.
કોઈ તહેવારના દીવસે એક સજ્જન ગરીબોને લાડવા વહેંચતા હતા. એક ખુબ ગરીબબાઈ સાથે તેનું નાનું બાળક હતું તે જોઈને તેમણે તેને ત્રણ લાડવા આપ્યા. તે બાઈએ કહ્યું, ‘સાહેબ મને બે જ લાડવા આપો.’ સજ્જને કહ્યું કે ત્રીજો લાડવો તેના બાળકને સાંજે ખાવા માટે આપ્યો હતો. તો કહે, ‘સાંજે તો __મા અમને પહોંચાડશે. અત્યારે તો બીજા ઘણા ભુખ્યા પાછળ છે તેમને આપો.’ (આ પણ બનેલી વાત છે, કાલ્પનીક નથી.)
ટુંકમાં કહીએ તો જે વીચારસરણી ખોટું કે ખરાબ કામ કરતાં પહેલા ચેતવે અને અટકાવે તથા ભુલથી થઈ ગયું હોય તો પસ્તાવો કરાવે અને સારું સાચું કામ કરવાની પ્રેરણા તથા હીમ્મત આપે તેને સાચી શ્રદ્ધા કહી શકાય.
પરન્તુ શીતળામા અને બળીયાબાપા જેવા દેવ–દેવીઓની પુજાને અન્ધશ્રદ્ધા ન કહેવાથી શ્રદ્ધાની વીભાવનાનું ઘોર અપમાન થાય છે. વીમો લઈને પ્રીમીયમ ભરીને પોતાની ગેરહાજરીમાં પોતાના કુટુમ્બના યોગક્ષેમની જવાબદારી વીમા કમ્પનીને સોંપવાને બદલે પરમેશ્વર પર ઢોળવી તે સાચી શ્રદ્ધા નથી, નીષ્કાળજી છે, પરાવલમ્બી મનોવૃત્તીનું લક્ષણ છે. બીમાર સ્વજનની દાકતરી સારવાર કરાવવાને બદલે પાણીના કે કાળી માટીના પોતા મુકવા અને પ્રાર્થના કર્યે રાખવી તે પણ બીનજવાબદાર પગલું છે, શ્રદ્ધા નથી.
વીશ્વાસ એ શ્રદ્ધા નથી. વીશ્વાસ જીવન્ત વ્યક્તી પરત્વે હોય, શ્રદ્ધા માટે તેવું કશું બન્ધન નથી. વીશ્વાસ મેળવવો પડે, તેમાં આદાન–પ્રદાન (quid pro quo) હોય પછી ભલે તે મૌખીક અથવા અવ્યક્ત હોય. શ્રદ્ધા એકતરફી હોય, વીશ્વાસ પરસ્પર હોય. સાચા શીષ્યને સાચા ગુરુ પ્રત્યે શ્રદ્ધા હોય, ગુરુને તો શીષ્ય માટે વીશ્વાસ જ હોઈ શકે, શ્રદ્ધા નહીં. વીશ્વાસઘાત કરી શકાય, શ્રદ્ધાઘાત નહીં. વીશ્વાસ વીના શ્રદ્ધા શક્ય નથી, શ્રદ્ધા વીના વીશ્વાસ સંજોગવશાત રાખવો પણ પડે. જેમ કે પ્રવાસ દરમ્યાન વાહન ચાલક આપણને લક્ષ્ય પર સહીસલામત અને સમયસર પહોચાડશે તેવો વીશ્વાસ (શ્રદ્ધા નહીં) રાખીએ છીએ. તેનો બીજો કશો વીકલ્પ નથી હોતો અને ચાલકને સીધેસીધું અથવા આડકતરી રીતે મહેનતાણું આપેલું હોય છે. ચાલકે જરુરી તાલીમ લીધી હશે અને કસોટી પસાર કરીને પરવાનો લીધો હશે એમ માની લેવું પડે. અમેરીકન પ્રમુખ રોનાલ્ડ રેગન કહેતા ‘Trust, but verify વીશ્વાસ કરો; પણ ચકાસણી કરતા રહો.’ વીશ્વાસની ચકાસણી કરી શકાય, શ્રદ્ધાનો તો અખતરો જ કરી શકાય. સોદાબાજી માટે વીશ્વાસમાં અવકાશ હોઈ શકે, શ્રદ્ધા અંગે નહીં. બાધા આખડી, માનતા, કથા જેવી ફળનો લાભ મેળવવા કરેલી વ્યાપારી ભક્તીને શ્રદ્ધા ન કહી શકાય; કારણ કે તેમાં લેવડદેવડ આવી જાય છે. ફળ મળ્યા પછી જ પુજા કરવાની હોય તો તેનો અર્થ એમ કે જેની માનતા માની હોય તે દેવ કે દેવી વાંછીત ફળ ન પણ આપે એવો ભય ‘ભક્ત’ના મનમાં સુતેલો છે. આને તમે શ્રદ્ધા કહેશો?
કોઈ વ્યક્તી શ્રદ્ધાને પાત્ર ન હોય એવું બને જેમકે શ્રીકૃષ્ણ. અર્જુન સદેહે સ્વર્ગમાં જઈ આવ્યો હતો. ત્યાર બાદ ગીતા સાંભળી. શ્રીકૃષ્ણે કહ્યું : ‘અહમ્ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયીષ્યામી’ (હું તને બધા પાપમાંથી મુક્ત કરીશ.) છતાં તેને સ્વર્ગમાં પ્રવેશ ન મળ્યો (કુતરાને મળ્યો). યુધીષ્ઠીરે સમજાવ્યું કે તેના થોડા પાપ રહી ગયા હતા. શ્રીકૃષ્ણનો આશય વચનભંગ કરવાનો નહીં હશે, આપત્તી સમયે અર્જુનને આદેશ અને સધ્યારો આપવા ખાતર આવું કહેવું પડ્યું હશે. તેઓ એક અત્યન્ત મહાન લોકહીતેચ્છુ રાજપુરુષ (statesman) હતા; પણ પરમેશ્વર તો નહીં જ. કોઈના પાપ માફ કરવાની સત્તા તેમને નહોતી. તેમને ભગવાન માનવાથી ક્યારેક અર્જુનની જેમ પસ્તાવું પણ પડે. માટે શ્રદ્ધા સીદ્ધાન્ત પર જ રાખવી જોઈએ, કોઈ વ્યક્તી પર નહીં.
શ્રદ્ધા કોનામાં કે શાનામાં રાખવી જોઈએ? આપમેળે આવી મળતી શ્રદ્ધા અંગે પસન્દગીનો અવકાશ ના હોય. છતાં જો શક્ય હોય તો વીચારવું જોઈએ કે પોતાની શ્રદ્ધા ખરેખર શ્રદ્ધા છે? હોય તો તે પરમેશ્વરમાં કે બીજા કોઈ કે બીજા કશામાં? આપણે કશે જવા માટે કોઈ વાહનમાં બેસીએ, આંખ મીંચીને પડી રહીએ કે ઉંઘી જઈએ તેનો ઉપયોગ ધર્મપ્રચારકો શ્રદ્ધાના ઉદાહરણ તરીકે કરતા હોય છે. તે કાંઈ ચાલક પ્રત્યેની આપણી શ્રદ્ધાને લીધે નહીં; પણ લાચારીને લીધે હોય છે. આને શ્રદ્ધા ના કહેવાય. જુઠું બોલવાથી લાભ થતો હોય; છતાં તે ના બોલીએ તો તે સત્ય પરની સાચી શ્રદ્ધા કહી શકાય.
ઘણી વાર એવું પણ બને છે કે જેને આપણે પરમેશ્વર પ્રત્યેની શ્રદ્ધા માનતા હોઈએ તે તેમ નથી હોતું. દાખલા તરીકે ઘણા લોકો કોઈને કોઈ એક પુસ્તકને, પછી ભલે તે વેદ, ગીતા, બાઈબલ, કુરાન, ગ્રંથસાહેબ કે તે કક્ષાનું બીજું કોઈ પુસ્તક હોય તેને, ઈશ્વરનો શબ્દ માનતા હોય છે. તેમને તો કોઈ વડીલ, પીતા, માતા, શીક્ષક અથવા ધર્મગુરુએ કહ્યું હોય કે તે પુસ્તક ઈશ્વરનો શબ્દ છે. તે કહેનાર પ્રત્યેના વીશ્વાસને લીધે લોકો માની લેતા હોય છે; પણ આ વીશ્વાસ કંઈ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા નથી હોતી. આમ કહેનારને પણ બીજા કોઈએ કહ્યું હોય તે માની લીધું હોય. આવી રીતે આગળથી ચાલી આવતી માન્યતાને શ્રદ્ધાનું નામ ન આપવું જોઈએ.
બીજા કેટલાક ભક્તોની શ્રદ્ધા ચમત્કાર અથવા વ્યક્તીગત ઉપકારને લીધે ઉત્પન્ન થયેલી હોય છે. તે પણ કાચી શ્રધ્દ્ધા ગણી શકાય. આવી શ્રદ્ધાને બદલે આપણે ઈશ્વર અને સત્ય, ન્યાય, પ્રેમ જેવા ઈશ્વરીય ગુણો પર શ્રદ્ધા રાખીએ તો સારું.
આપણે આપણા સંતાનોને સારા સંસ્કાર આપવાને નામે પ્રાર્થના કરતાં શીખવીએ છીએ. સારી વાત છે; પણ તે પ્રાર્થના સમજ્યા વગર યન્ત્રવત ના કરે તેનું ધ્યાન રાખવું જોઈએ.
–રશ્મીકાન્ત ચ. દેસાઈ
લેખક : Rashmikant C Desai
35 Raleigh Road, Kendall Park, NJ 08824–1040 USA
ફોન : 732 422 9766 (Home) ઈ.મેઈલ : tatoodi@gmail.com
વેબસાઈટ : https://sites.google.com/site/tatoodi/ લેખકશ્રીની પરવાનગીથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
પોસ્ટ કર્યા તારીખ : 20/04/2018
શ્રદ્ધા સાથે પુરુષાર્થ પણ જરૂરી છે. રોટલો મેળવવા માટે કેવળ શ્રદ્ધા રાખવી કે આકાશમાંથી રોટલો ટપકશે અથવા તો કોઈ દેવદૂત આવી ને આપી જશે તે નરી મૂર્ખતા જ છે. શ્રદ્ધા સાથે પુરુષાર્થ હશે, તો પુરુષાર્થ વધુ બળવાન સાબિત થશે.
કાસીમ અબ્બાસ
LikeLiked by 2 people
પુરુષાર્થ તો અત્યંત આવશ્યક છે જ. તે ઉલ્લેખ કરવાનો રહી ગયો તે ધ્યાન પર લાવવા બદલ આપનો ઘણો આભાર.
પુરુષાર્થને ગૌણ મહત્વ આપવાનો હેતુ અહીં નહોતો. મારા અંગત સંબંધોમાં હું ‘Best of luck’ ને બદલે ‘May your hard work bring you a brilliant success.” અને ‘God bless you’ ને બદલે “May you have the health, strength and a firm resolve to work very hard to accomplish your noble goals.’ એમ કહું કે લખું છું.
પુરુષાર્થ વિનાની શ્રદ્ધા તો અંધશ્રદ્ધા જ ગણાય. પુરુષાર્થ સાથેની શ્રદ્ધા કેવી હોવી જોઈએ તે વિચારવાનો આ પ્રયાસ છે.
LikeLiked by 2 people
ભાઈ શ્રી Rashmikant C Desai કહે છે:
“બીમાર સ્વજનની દાકતરી સારવાર કરાવવાને બદલે પાણીના કે કાળી માટીના પોતા મુકવા અને પ્રાર્થના કર્યે રાખવી તે પણ બીનજવાબદાર પગલું છે, શ્રદ્ધા નથી.”
ગાંધીજીએ આવું “બીનજવાબદાર પગલું“ ભરેલું, પણ દીકરાનો તાવ ઉતરી ગયેલો!!! તો પછી ગાંધીજીએ “આરોગ્યની ચાવી“માં બીનજવાબદાર વાતો લખેલી છે એમ કહેવાય!! માટીના પ્રયોગો પણ ગાંધીજીએ એમાં જણાવ્યા છે. હા, પ્રાર્થના કર્યે રાખવાથી રોગ જતો રહે એની સાથે સંમત થઈ ન શકાય, શરીર ભૌતીક છે, આથી ભૌતીક ઉપાય કરવા જરુરી. પણ એલોપથી એક માત્ર વૈદકશાસ્ત્ર નથી.
LikeLiked by 2 people
ગાંધીજી અત્યંત મહાન માનવ હતા તેમ હું પણ માનું છું. પરંતુ તેમના પ્રત્યે અંધશ્રદ્ધા રાખતો નથી.
જે વૈદકશાસ્ત્ર પોતે ભણ્યા ના હોઈએ તેનો અખતરો પોતાના પર કરીએ ત્યાં સુધી ઠીક છે, પણ પુત્ર પર કે બીજા દરદી પર કરવો તે બીનજવાબદાર પગલું છે. તેમના પુત્રનો તાવ ઉતરી ગયો તે તેમનું અને તેમના પુત્રનું સારું નસીબ હતું, પોતા મુકવાનો પ્રભાવ હતો કે નહિ તે તો કોણ જાણે? એકાદ વ્યક્તિના અનુભવ પરથી બધા દરદીઓને માટે તે સુયોગ્ય સારવાર છે તેવું તારણ કાઢવું તે અનુચીત છે. મહાપુરુષના આવા પગલાંનું સામાન્ય જનતા અનુસરણ કરે તો ઘણા દરદીઓના પ્રાણ સંકટમાં મુકાય.
LikeLiked by 3 people
શ્રી રશ્મીકાંત દેસાઈ ભાઈ,
હું એટલુજ કહેવા માંગું છું કે “શ્રદ્ધા પરમ દુલ્લહા” આ મહાવીર પ્રભુનું સત્ય વચન છે. શ્રદ્ધા અતિ દુર્લભ છે. એક કવિતામાં મેં વાંચ્યું છે કે “કોઈને સુધારવાની કોશિશ કરશો નહી. આપણે આપણા સંતાનોને સારા સંસ્કાર આપવાને નામે પ્રાર્થના કરતાં શીખવીએ છીએ. સારી વાત છે; પણ તે પ્રાર્થના સમજ્યા વગર યન્ત્રવત ના કરે તેનું ધ્યાન રાખવું જોઈએ. વાત બરાબર છે પ્રાર્થના સમજાવતી વખતે આપણે એનો અર્થ પણ સમજાવતા હોઈએ છે. જૈનોમાં સામાઈક શીખવતી વખતે એને અર્થ સહીત શીખવીએ છીએ. ” તમારા લેખ માટે હું ૫૦ ટકા સહમત છું.”
ચીમનભાઈ દેસાઈ નાં જયજીનેન્દ્ર
LikeLiked by 3 people
પ્રાર્બધ્ધ્વાદી ન બનાવે પણ પુરૂષાર્થી બનવાની પ્રેરણા આપે એવી શ્રદ્ધા જ આવકાર્ય ગણાય.
LikeLiked by 2 people
બુઘ્ઘનો સંદેશો જે લેખોની શરુઆતમાં હવે પાછો મુકવાની શરુઆત કરી છે તેને બરાબર વાંચીને સમજીને સમજીઅે તે બઘુ જરુરી છે.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 2 people
ભક્તિ અને શ્રદ્ધા ક્યાંય જરૂરી નથી.
તે બંને વગર સરસ જિંદગી જીવી શકાય છે.
@ રોહિત દરજી”કર્મ”,હિંમતનગર
LikeLiked by 2 people
Many people are not at all clear about the difference among Trust (Vishwaas), Faith (Shraddhaa) and Devotion (Bhakti). It is not easy to distinguish between such abstract nouns. We generally neglect to use the correct words when we speak.
I congratulate the writer for doing a very good job of explaining the real meanings.
For example the he has said: “શ્રદ્ધા સીદ્ધાન્ત પર જ રાખવી જોઈએ, કોઈ વ્યક્તી પર નહીં.” Very very true. Gandhiji was great, but will you depend on Naturopathy when your son has typhoid fever? Mahavir was great but should we stop killing mosquitoes?
Every antibiotic medicine kills millions of germs in our body but should we stop using them? Such knowledge was not available when good saints lived many years ago.
Reason, Rationality, Intelligence and Common sense are more desirable than Bhakti, Shraddhaa or Vishwas. All of us can think of many examples to prove that.
Thanks. — Subodh Shah.
LikeLiked by 2 people
ભક્તી અને શ્રદ્ધા એ ગુરુ બાવાઓને ઠગાઈ કરવા માટે સાધન છે. શ્રદ્ધા રાખો ભક્તી કરો એને રેશનલ વીચારસરણી સાથે મેળ ખાતો નથી.
LikeLiked by 2 people
Aatma patni ane parmatma pati had kari nakhi have to reshanal blog par
LikeLiked by 1 person
તે ફકરાના પહેલા વાક્યને આધારે બીજું વાક્ય છે. તે બીજા વાક્યનો ઈશારો આરતી, ભજનમંડળી, પ્રાર્થનાસભા વગેરે તરફ છે જેમાં ભક્તિનો દેખાડો જ થાય છે.
LikeLike
Shradhha par saras vishleshan karyu chhe
LikeLiked by 1 person