સમ્પ્રદાયો માનવગૌરવનો ભંગ કરે છે

સમ્પ્રદાયો માનવગૌરવનો ભંગ કરે છે

રમણ પાઠક (વાચસ્પતી)

ભારત દેશમાં નાનાંમોટાં સાત લાખથીય વધુ ગામો. અને પ્રત્યેક ગામમાં ઓછામાં ઓછું એક દેવસ્થાન તો હશે જ. યાત્રાધામોમાં તો મન્દીરોનો વસતીવધારો અનેક ગણો હોય છે. એ જોતાં, આ દેશમાં પચીસેક લાખ મન્દીરો તો ઓછામાં ઓછાં ખરાં જ. અને છતાં, મન્દીરોની આ વીરાટ સંખ્યાથી દેશને કશો લાભ થયો કે નહીં? આવું સર્વેક્ષણ કોઈ દેશભક્તે કે પ્રભુભક્તે કે સરકારે કેમ હાથ ધર્યું નહીં? આ પ્રશ્ન અકળ ગણી છોડી દઈએ, તોય, હજી વળી નવું મન્દીર ચણવાનું સાહસ કોઈને સુઝે, ત્યારે થોડુંક વીચારવાની આપણી ફરજ ન ચુકાય. વાસ્તવમાં તો બધાં જ ધર્મસ્થાનો સ્થાપીત હીતોના અડ્ડા તથા શોષણકેન્દ્રો જ છે એવું દૃષ્ટીસમ્પન્ન વ્યક્તી સહેજે જોઈ શકે છે. આ સ્થીતીમાં જાગ્રત વર્ગ પાસે તો પડકારની જ અપેક્ષા રાખી શકાય.

જે ગામમાં લાખ રુપીયા ખર્ચીને મન્દીર નામની મીથ્યા ઈમારત ઉભી કરવાનું વીચારાય છે ત્યાં મેં જોયું કે ગામના કાચા અને ધુળીયા રસ્તાની બન્ને બાજુએ ખુલ્લી હાજતોમાંથી ભારે દુર્ગન્ધ ઉડી રહી હતી. ભગવાનનું ઘર બાંધવા કરતાં વંચીતો માટે, માણસ માટે, પાકાં સગવડભર્યાં રહેઠાણો બાંધવાં એ અનેકગણા વધુ પુણ્યનું કાર્ય છે. એક ગામમાં એક કરોડના ખર્ચે અતીરુદ્ર યજ્ઞ યોજાઈ ગયો. આવું ગામેગામ થાય : હોમહવનો, યજ્ઞો, શતકુંડી કે સહસ્ત્રકુંડી, નવચંડી કે શતચંડી, પ્રાણપ્રતીષ્ઠા અને જીર્ણોધ્ધાર, અમૃતમહોત્સવો અને કૃતજ્ઞતા સમારોહો, અશ્વમેધ, છપ્પનભોગ અને મહાભોગ વગેરે ચાલ્યા જ કરે છે! ક્યારેક કોઈ દેવ દુધ પી જાય, ક્યાંક માતાજી પ્રગટે અને વંધ્યાનેય સગર્ભા બનાવે, મુર્તી ઉપર ચોખ્ખા ઘીનો અભીષેક થાય અને ધુળીયા મહોલ્લામાં ઘીની નદીઓ વહે, આવા પ્રત્યેક પ્રયોગ માટે વીશ્વશાંતી તથા વૈજ્ઞાનીક આધારથી ઓછો દાવો પણ નહીં! આપણે એક એવા મસીહા કે ફરીશ્તાની પ્રતીક્ષા કરવી રહી કે જે એક જ મન્ત્ર આપે : મન્દીર નહીં, સંડાસ બાંધો! એક કરોડ રુપીયાથી તો એક નહીં, અનેક ગામોની સીકલ ફરી જાય. લગભગ જાહેરમાં, ઉભડક તથા ભયભીત હૈયે, અપાર અગવડો અને ગંદકી વચ્ચે, કુદરતી હાજતે બેઠેલી આપણી કરોડો બહેનોને સ્વચ્છ, શાંત–અકાંત તથા નીશ્ચીત સંડાસ મળે તો હજારો મન્દીરો બાંધવા જેટલું પુણ્ય મળે જ!

સમ્પ્રદાયો તમારી પાસે શું માગી લે છે એ ખરેખર સમજવાની જરુર છે. તમારા ચીત્તને સમ્પુર્ણપણે અમારા શરણે ધરી દો એ જ તેની માગ છે; જે સાધુસંતો, શાસ્ત્રીઓ, યોગીઓ, બાપાઓ, સ્વામીઓની ફોજ દ્વારા તેઓ ઉઘરાવતા હોય છે, પછી તમે સુખી થાઓ કે દુ:ખી, એની તેઓને લેશમાત્ર પરવા હોતી નથી; કારણ કે ‘સુખ શું?’ એની વ્યાખ્યા પણ એ લોકો જ તમારે માટે પ્રસ્તુત કરતા હોય છે અને એ વીચારશક્તીની શરણાગતીને પરીણામે, એ જ વ્યાખ્યા સ્વીકારી લેવા તમે મજબુર બનો છો. સ્વમાની આત્મગૌરવવાળો મનુષ્ય કદાપી આધ્યાત્મીકતાને શરણે જતો નથી. અધ્યાત્મવાદી વ્યક્તીઓ આત્મગૌરવવીહોણી, અન્ય દ્વારા હંકારાતી જમાત છે; જેમાં માનવપણાને કે માનવગૌરવને કોઈ સ્થાન નથી. જો ખરેખર આપણે એક માનવી તરીકેના ગૌરવથી જીવવું હોય તો, કોઈના વીચાર કે મત સમક્ષ શરણાગતી સ્વીકાર્યા વીના જ આપણી વીવેકશક્તીને આધારે જીવન ઘડવું પડશે.

–રમણ પાઠક

લેખીકા રચના નાગરીકના કંઠીમુક્ત વીચારલેખોની પુસ્તીકા ‘બૈઠ પથ્થર કી નાવ’ (પ્રકાશક : [1] માનવવીકાસ ટ્રસ્ટ, 9, મહાકાન્ત કૉમ્પલેક્ષ, વી. એસ. હૉસ્પીટલ સામે, એલીસબ્રીજ, અમદાવાદ – 380 006, [2] વૈશ્વીક માનવવાદ, 1–એ, કલ્પના સોસાયટી, મહેમદાવાદ – 387 130 જીલ્લો : નડીયાદ અને [3] નયા માર્ગ, ખેત ભવન, હરીજન આશ્રમની પાસે, અમદાવાદ – 380 027 પાનાં : 64, મુલ્ય : રુ. 40/)માંની આ તૃતીય પ્રસ્તાવના, પુસ્તીકાનાં પાન 8થી 9 ઉપરથી, લેખીકા અને પ્રકાશકોના સૌજન્યથી સાભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 27–04–2018

 

18 Comments

 1. શ્રીમાન રમણ પાઠક લખે છે:

  ભગવાનનું ઘર બાંધવા કરતાં વંચીતો માટે, માણસ માટે, પાકાં સગવડભર્યાં રહેઠાણો બાંધવાં એ અનેકગણા વધુ પુણ્યનું કાર્ય છે.

  કોઈ પણ ધર્મ માનવતા કરતા મહાન નથી. ધાર્મિકતા, તો ઍ તો મનુષ્ય ના હ્રદય માં વસે છે. તેના માટે મંદિર મસ્જીદ કે ચર્ચમાં જવાની જરૂરત નથી. અત્યારના યુગમાં તો ધર્મ ઍ ઍક ધંધો થઈ ગયેલ છે. પૂજારીઓ, મોલવીઓ, અને પાસ્ટરો ને ઘી કેળા છે. ભોળા લોકો મસ્જીદો, મંદીરો તથા દેવળોમાં સ્વર્ગની આશાઍ નાણુ આપે છે, જાણે અલ્લાહ, ભગવાન, ગોડ પૈસાનો ભુખ્યો છે.

  અમારા ઈસ્લામ ધર્મમાં પણ કરોડો અંધ્ધશ્રદ્ધાળુ મુસલમાનો નવી નવી મસ્જીદો, વાઍઝ, ઉર્સ ના મેળા (મરણતીથિ), કવ્વાલી, તાજીયા જુલુસ, મીલાદ જુલુસ અને પ્રકાર પ્રકાર ના નકામા અને ફાલતુ કાર્યક્રમોમાં કરોડોનો ધુમાડો કરે છે અને સમયની બરબાદી કરે છે. બીજી તરફ જગતમાં કરોડો દરિદ્રો ને બે ટંક ખાવાનું નથી મળતું. આ સર્વે વિષે ન તો મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદ માં કશું કહેવામાં આવેલ છે કે પયગંબર સાહેબ ના કથનો માં કશું કહેવામા આવેલ છે. આ બધા ધતિન્ગો મુલ્લા મોલ્વીઑની રોટલી ને કાયમ રાખવા માટે નો ઍક ધંધો છે. આ વિષે મેં કેનેડાના ઉર્દૂ અઠવાડિકમાં “કહેવાતી ધાર્મિક કોન્ફરન્સો (પરિષદો) ની ભરમાર” શિર્ષક હેઠળ લખેલ છે.

  Liked by 2 people

 2. સ્વ. શ્રી રમણભાઇ પાઠકને હૃદયના પ્રણામ.
  તેમણે જે લખ્યુ છે તે સનાતન સત્ય છે.
  કોને પડી છે ?
  ઘાર્મિક અંઘશ્રઘ્ઘાઅે ભારતની બરબાદી નોતરી છે.
  રમણભાઇના આ લેખને ગામે ગામ…ઘરે ઘરે પહોંચાડવો જોઇઅે.
  નવી પેઢીને તો ખાસ સમજાવવો જોઇઅે. જૂની પેઢી તો હવે દિવસો ગણતી થઇ ગઇ કહેવાય. નાની વયના બાળકોને સાચે રસ્તે વાળીઅે. પોલીટીશીયનોને દૂર રાખીઅે. મંદિરના કમીટીના મેંબરોને સમાજમાંથી દૂર કરીઅે.
  સ્વ. રમણભાઇને પ્રણામ.
  અમૃત હઝારી.

  Liked by 2 people

 3. This is very simple but poignant and thought proving article by late Sri Ramanbhai( Vachaspati). Each word is true. He writes about ‘mandirs’ in India, can also add mosques, churches, Jain derasars and Budhhist. places of worship.
  This is even true in USA and Canada, where temples,mosques and gurudwaras abound. I have always have question, how much all these institutions helped in raising the people’s spirituality and moral and ethical standards? The answer is almost none or perhaps deterioration , because God or Swami will take care of any moral lapse.
  Here in west also they perform big,big yagnas, annakuts and what not. Could these money would be better spent,as in building toilets, libraries,schools and better roofs for such places. Now spring is here and summer is approaching and soon the hoards of all kinds of gurus, guru mais,babas,etc will land everywhere in US and Canadians cities and towns and depart with precious Dollars. This is the reality. The devotees in return will earn Poonya.

  Liked by 2 people

 4. સંપ્રદાય થાય એટલે મારો વાદ કે મારો ભગવાન મોટો અને હુંસાંતુસી શરુ થાય. હીન્દુઓએ બૌદ્ધ તથા જૈનો ઉપર અત્યાચાર કર્યા એ હીન્દુ મુસ્લીમ જેવા જ સમજવા.

  ગુજરાતમાં આચાર્ય હેમચંદ્રની બોલા બોલ હતી. પાટણમાં હમણાં પણ યુનીવર્સીટી છે. એ હેમચંદ્રના શીષ્યોને તામ્બાની લાલચોડ ગરમ પાટો ઉપર સુવડાવી આખા સંપ્રદાય ને નુકશાન કરેલ છે.

  બાબરીનો ઢાંચો તોડી પાડવામાં આવ્યો અને આખા જગતને ખબર પડી કે હીન્દુઓ સહીષ્ણુ નથી. 

  જનુની ટોળા સમક્ષ ભાષણ આપવાથી સરકાર તોડી પાડવામાં આવે છે કે ચુંટણી માં મુદ્દો બનાવી ચુંટણી જીતી શકાય છે.

  Liked by 1 person

 5. નાનપણમાં હુ ગામડામાં જ ઉછર્યો છું. ગામડામાં સામાન્ય રીતે ચોરો હોય જ્યાં રામજી મંદીર હોય. સવાર-સાંજ આરતી થાય ત્યારે ગામના લોકોમાંથી, સમય મેળવી શકે તેવા લોકો ત્યાં એકત્ર થાય. અને શ્રદ્ધાપૂર્વક મુર્તિને મસ્તક નમાવે. પુજારી બ્રાહ્મણ પૂજા કરે, જેને વળતરની સીધી અપેક્ષા ન હોય. અહીં વિજ્ઞાન કે રેશનાલીઝમ કામ ન કરે, પણ શ્રદ્ધા કામ કરે. જે માનવીને ‘સારા’ બનવા કે રહેવા પ્રેરણા આપે. શહેરોમાં બંધાતા મંદીરોની સરખામણી ગામડાઓ સાથે યોગ્ય નથી. શહેરોમાં ભગવાનનો વેપાર થાય છે.

  Liked by 2 people

 6. દેશ માં સમજણ કરતા જડતા અને અંધશ્રદ્ધા ધરાવનાર લોકો ની કોઈ કમી નથી અને દુઃખ ની વાત તે છે કે તેમાં સમાજ નો ભદ્ર અને ભણેલો વર્ગ ની સન્ખ્યા વધારે છે. ….
  ધાર્મિક અંધતા એ દેશને વિચાર શૂન્ય કર્યો હોય તેવું નથી લાગતું ????
  એક બળાત્કારીને સજા મળી રહી છે અને ત્રણ રાજ્યોમાં હાઇ-અલર્ટ કરવું પડે છે…!
  દેશનું દુર્ભાગ્ય…
  દેશ ઘેટાંઓથી ભરેલો છે…

  Liked by 2 people

 7. આ સંતો નો જે હમણાં હમણાં રાફડો ફાટયો છે તેનું કારણ માત્ર આર્થિક મદદ છે … એના અનુયાયી થયા પછી સંપ્રદાય નું અછતું એક શેલ્ટર મળે છે …
  ધંધા ,રોજગાર, ખાવું પીવું રહેવું વગેરે ઉપરાંત ભક્ત કે સેવક તરીકે ના આશ્રમ કે મંદિર માં માનપાન મળે… હરામ ના હાડકા હોય તો ભક્તિ ના અંચળા હેઠળ કામચોરી પોષાય ..
  બસ આ જ લાઈન દોરી થી આશ્રમો અને મંદિરો અનુયાયીઓ થી ઉભ રાય …છે…
  હજુ વધશે ઓછા નહિ થાય …
  તમે કદાચ નોધ્યું હશે કે હવે ટાઉન , નાના ગામડા કે શહેર ની આજુબાજુ વીઘા બે વીઘા જમીન ઉપર ફલાણા માં, ફલાણા દેવી, ફલાણા સાધ્વી જી ના આશ્રમો ફૂટી નીકળ્યા છે .
  કોઈ જાત ની ડીગ્રી વગર પદ શોભાવે …
  એકાદ મોટી લક્ઝુરિયસ ગાડી હોય
  કેસરી લીબાસ હોય મોંઘો ફોન હોય જાત જાત ની માળા પહેરી હોય અને બેન બા
  અમદાવાદ કે ગાંધીનગર કામ થી આટા ફેરા કરતાં હોય …
  આવા લોકોને ” સહકુટુંબ” અનુયાયીઓ મળી રહે હો
  હાથ માં સોરી પંથમાં આવી જાય પછી કોનો કેવો ઉપયોગ કરવો તે આ મહાનુભાવ ને શીખવાડવું ન પડે …

  Liked by 2 people

 8. It is a very nice and full of truth article. In this modern time, the religion has become a money making business. The majority of people never try to find the truth in their life. Ignorance becomes curse in life.

  I fully agree with the author’s comments about building toilet instead of temple. Money can be used to improve their life. It is a better choice.

  We are brain washed people in this department.

  Thanks for this article.

  Pradeep H. Desai
  USA

  Liked by 2 people

 9. હું તો રોજેરોજ આ વાત કરૂં છું પણ સાંભળે કોણ ?મારા ઘરમાં, મારી પત્ની જ મને ‘રેશનલ’ સમજવાને બદલે નાસ્તિક ગણે છે અને એના ભગવાન સમક્ષ, મારે માટે માફી માંગતી હોય છે.
  ‘પહેલાં તો કેવો સારો ધાર્મિક માણસ હતો અને હવે, આ મરવાની ઉંમરે (૭૭) ધરમવાળાઓ જોડે બાથડિયા ભરવા નીકળ્યો છે. ‘
  આ આપણું અરણ્યરૂદન છે. આશારામ જેવા વ્યભિચારી અને બળાત્કારીની મુક્તિ માટે પુજા અને હવન કરાવનારી અને આંસુ પાડનારી આપણી અભણ પ્રજા કદી સુધરવાની નથી આપણે કોલમો લખ્યા કરવાની. થોડાક ભણેલા લોકો વાંચશે પણ સુધરશે નહીં. અને..વાંચવા વાળા પણ કેટલા ? પણ આપણે આપણું કામ કર્યે જવાનું. આવી કોલમો અને તેમાં પોતાના પ્રતિભાવ લખનારા બુધ્ધીમાન વાંચકો- ભાવકોને મારા અભિનંદન.

  નવીન બેન્કર ( હ્યુસ્ટન))

  Liked by 2 people

 10. કૃષ્ણભગવાનના જન્મ માટે હજુ પાપો પૂરતા નથી? પોતાની પત્નીને જો સમજાવી ના શકાય તો આટલા મોટા સમુદાય ને સમજાવવો અસમર્થ છે. કવિ અખાએ જે ગીત ‘એક મુરખને એવી ટેવ પથ્થર જોઈ પૂજે દેવ!’ ત્યારે લોકો આજની જેમ ભણેલા નો’તા એટલે ‘મુરખ’ શબ્દ વાપર્યો હતો. એ કાવ્યપરથી મારાથી એવું જ કાવ્ય લખાયું છે. જેની, પ્રથમ લાઈન છે….’એક ડાહ્યાને એવી ટેવ પ્રસાદ માટે પૂજે દેવ!’ આખું કાવ્ય વાંચવું હોય તો જાણ કરો.

  Liked by 2 people

 11. રેશનાલીઝમના પ્રણેતા રમણ પાઠકનો આ ટૂંકો છતા સારો લેખ ગમ્યો. ધર્મસ્થાનો અને માનવગૌરવ પરસ્પર જોડવાની શી જરૂર છે? માનવગૌરવ પાંડવ-કૌરવની વાતોમાં વેડફાઇ રહ્યુ છે. જિંદગી માત્ર એક દિવસની છે. સવારે જાગીએ અને રાત્રે સુઇ જઇએ ત્યાં સુધીનુ જાગૃત આયખુ છે. એ દરમ્યાન માનવને શોભે એવા કર્મ-કામ કરવા એ તો માનવતા છે. સારા કામો કરવાથી દિવસ એટલે કે જિંદગી સારી વિતશે. નહીંતર આશારામ થઇ જવાશે!!! ઉંમરની સાથે સાથે જ્ઞાન અને સમજણ વિકસતી જાય ત્યાં સુધી વાંધો નથી. પરંતુ, ધર્મના પડદા પાછળ ધતીંગની ધજાઓ લટકાવીને ધરાને લજવવાનું કૃત્ય માનવજાત સાથે નકરી ધોખાધડી છે.
  જેને સૌ ધર્મ કહી રહ્યા છે તે ધર્મ જ નથી. ધર્મ હોવાની કોઇ જરૂર નથી. અને તો પછી ધર્મસ્થાનોની પણ જરૂર શી છે? એ બધા સિવાય સરસ જીવી શકાય છે. મંદિરો દ્વારા કેટલાય બિનઉત્પાદક પૂજારી,ગુરૂઓ અને ભક્તો પેદા થઇ રહ્યા છે. પુરુષાર્થને બદલે પથ્થરના પરમાત્માને પ્રીત કરનારા પામર નથી, જિંદગીથી પરાસ્ત થયેલા પાખંડી છે. જેઓ આ ધરતી ઉપર ભારરૂપ છે.
  માનવગૌરવ મધુરી માનવતા સાથે જીવનાર મનુષ્યોમાં સચવાયુ છે. સારા ગુણો,સારી આદતો અને સારી વિવેકશક્તિ માણસની જિંદગી મહેકાવે છે. અને એટલે તો આ લેખમાં લેખકે લખ્યુ છે—સ્વમાની આત્મગૌરવવાળો મનુષ્ય કદાપી આધ્યાત્મીકતાને શરણે જતો નથી.
  જિંદગીમાં જો તૂત પ્રવેશ્યા હોય તો તેને તોડી નાખો. અને મજબૂત રેશનાલીસ્ટ બનો.
  બ્લોગના માધ્યમથી આપણી વચ્ચે આત્મીયતા ઉભી કરનાર ગોવિંદ મારુને સો સો સલામ.
  @ અંધશ્રધ્ધાનો વેરી, માનવતાનો પ્રહરી
  રોહિત દરજી ” કર્મ”, હિંમતનગર
  મો.અને વૉટ્સ એપ. 94267 27698

  Liked by 2 people

  1. જિંદગીમાં જો તૂત પ્રવેશ્યા હોય તો તેને તોડી નાખો. અને મજબૂત રેશનાલીસ્ટ બનો.
   બ્લોગના માધ્યમથી આપણી વચ્ચે આત્મીયતા ઉભી કરનાર ગોવિંદ મારુને સો સો સલામ. વાહ વાહ !!!!

   Liked by 1 person

 12. જોરદાર લેખ.. પ્રા. રમણ પાઠક સાહેબના લેખોમાંથી જ મને ‘અભિવ્યક્તિ’ બલૉગ દ્વારા રેશનાલીઝમની માહિતી મળી છે. જેનાથી મારી આખી વિચારધારા જ બદલાઈ ગઈ.. આપનો ખુબ ખુબ આભાર

  Liked by 2 people

 13. રમણ પાઠક તો ગયા. ક્યાં એ તો એ જ જાણે? ભગવાન પાસે તો નહિ જ જાય હોય કારણ કે ભગવાન અને મંદિર ના તો એ વેરી હતા ને? એમને તો સંડાશ બાંધવા હતા મંદિર ની જગ્યા એ ખરું ને મિત્રો?
  જે જે મિત્રો રમણ પાઠક ના વિચારો થી સહમત છે એ જરૂર જાણી લે કે એ ક્યાં? જવા ના છે? ભગવાન તો એમને બોલવાના નથી? કારણ કે એ પણ ક્યાં? ભગવાનમાં માને છે. તો ક્યાંક સંડાસ ના કીડા બનશે?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s