આપણું બેવડું અસ્તીત્ત્વ

4

આપણું બેવડું અસ્તીત્ત્વ

        –વીક્રમ દલાલ

નવજાત માનવબાળ અને પ્રાણીના બચ્ચા વચ્ચે શરીરની રચના સીવાય ઝાઝો તફાવત હોતો નથી. સમય જતાં આસપાસ થતી ઘટનાઓ વીશે બાળક સભાન થતું જાય છે, જ્યારે પ્રાણીઓમાં આવી સભાનતા કદી આવતી નથી. તે માત્ર વૃત્તીથી જ જીવે છે તેથી માનવીની માફક તેમને ઈશ્વરની કલ્પનાની કે કુદરતના અભ્યાસની જરુર પડતી નથી.

આપણે એકસાથે બે દુનીયામાં જીવીએ છીએ – ભૌતીક અથવા બહારની અને માનસીક અથવા મનની કે અન્દરની. જીવનને સમઝવા માટે આ બે વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે સમઝી લેવો જરુરી છે.

ભૌતીક દુનીયામાં આપણું અસ્તીત્ત્વ શરીર મારફત છે. વ્યક્તીની ઓળખ ચહેરા મારફત થતી હોય છે. તેથી ચહેરાને એક નામ આપવામાં આવે છે. જ્યાં વ્યક્તીનું નહીં; પણ શરીરનું મહત્ત્વ હોય ત્યાં નમ્બર આપવામાં આવે છે. આ દુનીયાનું ભાન આપણને શરીરની પાંચ જ્ઞાનેન્દ્રીઓ મારફત થાય છે. પદાર્થ, ઉર્જા અને અવકાશ (Matter, Energy and Space)થી બનેલા ભૌતીક જગતનું વર્ણન ગીતાએ આ આ પ્રમાણે કર્યુ છે – પદાર્થનાં ત્રણ સ્વરુપો ઘન, પ્રવાહી અને વાયુ માટે અનુક્રમે પૃથ્વી, જળ અને વાયુ, ઉર્જા માટે ‘અગ્ની’ અને અવકાશ માટે ‘આકાશ’ (7/4 પૈકી).

આ દુનીયામાં દેખાવ, સગવડ, પ્રતીષ્ઠા, સત્તા, ચાલાકી, ન્યાત, સમ્પ્રદાય, દમ્ભ, આડમ્બર, હરીફાઈ, બહુમતી, નાણાં અને વીજ્ઞાનનું ચલણ ચાલે છે. તેમાં ગુનો થાય ત્યારે ફરીયાદી, તહોમતદાર, સાક્ષી અને ન્યાયાધીશ એ ચારેય વ્યક્તીઓ જુદી હોઈને કાયદાકીય ચાલાકીથી ‘હોંશીયાર’ ગણાતા વકીલો સત્યને છુપાવી કે ગુંચવી શકે છે. અને તેથી ઘણા ગુન્હેગારોને શકનો લાભ આપીને છોડી મુકવા પડે છે. ઘણીવાર તો આવી રીતે છટકી ગયેલાઓ સમાજમાં પાછા મોટાભા થઈને ફરતા હોય છે. પૈસા, સત્તા અને કીર્તી એ વ્યક્તીને તેની બહારની દુનીયામાં મળેલી ‘સફળતા’ માટે સમાજે આપેલા એવા પ્રમાણપત્રો છે કે જે ખોટા રસ્તે પણ મળી શકે છે.

સામાન્ય માણસો પણ સારા દેખાવા માટે માવતર આગળ, જીવનસાથી આગળ, સંતાનો આગળ, મીત્રો આગળ, ઑફીસમાં, ધર્મસ્થાનમાં અને ક્લબમાં જરુરત મુજબ જુદાંજુદાં મહોરા પહેરે છે. રાવણનાં દસ માથાં એ આ મહોરાઓનું પ્રતીક છે. મહોરાઓને અકબન્ધ રાખવાની વેતરણમાં જ જીવનનો એટલો બધો સમય અને શક્તી વેડફાઈ જાય છે કે ભૌતીક દુનીયામાં રાચનારાઓ પાસે અન્દરની દુનીયામાં ડોકીયું કરવા માટે સમય બચતો નથી (2/44) – જેમ પોતાના વ્યવસાયમાં ગળાડુબ રહેતા લોકોને કુટુમ્બ માટે સમય રહેતો નથી તેમ.

માનસીક દુનીયા એ લાગણી, બુદ્ધી અને ‘હું’નો પ્રદેશ છે (7/4 પૈકી). એ દુનીયામાં આપણે એકલા અટુલા અને તદ્દન ઉઘાડા હોઈએ છીએ. ભૌતીક દુનીયાની સીદ્ધીઓનું તેમાં કોઈ મુલ્ય કે ચલણ નથી. તેમા ચલણ છે વીશ્વાસનું અને માત્ર વીશ્વાસનું જ. વીશ્વાસ એ બે વ્યક્તીઓને જોડતો સીમેન્ટ છે માટે તે સુખ અને પ્રેમનું ઉદ્ ભવસ્થાન છે. અવીશ્વાસને કારણે માતા અને સંતાનના સૌથી ઘનીષ્ટ અને કુદરતી સમ્બન્ધમાં પણ તીરાડ પડી જતી હોય છે. તેથી બીજા સાથેના સમ્બન્ધોમાં પણ તેમ જ થાય તે સમઝવું અઘરું નથી. પ્રેમ, આનન્દ અને સન્તોષ એ વ્યક્તીની અન્દરની દુનીયામાંથી મળતા જીવનની સફળતાના પ્રમાણપત્રો છે. આ પ્રમાણપત્રો કદીએ ખોટી રીતે મળી શકતા નથી અને માટે ભરોસાપાત્ર છે.

બન્ને દુનીયામાં પ્રશ્નો ઉભા થાય છે. બહારના પ્રશ્નો અગવડો ઉભી કરે છે જ્યારે આંતરીક પ્રશ્નો દુ:ખ ઉત્પન્ન કરે છે. સુખી થવું હોય તો બહારના પ્રશ્નો કરતાં આંતરીક પ્રશ્નો ઉકેલવા વધારે જરુરી છે. માણસની ખરી મુશ્કેલી એ છે કે ભૌતીક દુનીયાના ચલણને માનસીક દુનીયામાં ચલાવવાની ગમે તેટલી સીફતપુર્વકની કોશીશ કરવામાં આવે; પણ તેમાં હમ્મેશાં નીષ્ફળતા જ મળે છે. કારણ કે માનસીક દુનીયામાં ફરીયાદી, અપરાધી, સાક્ષી અને ન્યાયાધીશ એ ચારેય આપણે પોતે જ હોઈને બચાવ પક્ષના ચાલાક વકીલ જેવા ‘મન’નું કશું ઉપજતું નથી. મહોરાઓ બદલી બદલીને સમાજ આખાને છેતરી શકતો માણસ પોતાની જાતને કુદરતને છેતરી શકતો નથી. તેથી ચીંતા અને ભયને કારણે મનમાં તનાવ અને શોક પેદા થાય છે. તનાવની કીમ્મત હતાશા જેવા માનસીક રોગો દ્વારા ચુકવવી પડે છે. જ્યારે મહોરાની જાળવણી માટે સત્યને ગુંગળાવવામાં આવે ત્યારે પ્રૅશરકુકરની રુન્ધાયેલી વરાળની માકફ તે અન્દરથી સતત દબાણ કરીને મનને કોસે છે એટલે માણસનું મન અશાંત રહે છે. ગીતા કહે છે, ‘અશાંત (માણસ)ને સુખ ક્યાંથી હોય?’ (2/66). ગીતાનો આ માત્ર એક જ વાક્યનો ‘માસ્ટર સ્ટ્રોક’ ભૌતીક દુનીયાની દૃષ્ટીએ ‘સુખી’ ગણાતા માનવીના મહોરાને ઉડાવી લઈને તેની આંતરીક ગરીબાઈનું દારુણ દર્શન કરાવે છે.

સુખી થવા માટે સૌ તનતોડ પ્રયત્નો કરે છે; છતાં એવું કેમ થાય છે કે લગભગ દરેક માણસ દુ:ખી જણાય છે? સ્પષ્ટ છે કે જ્યાં સુધી માનસીક દુનીયાના ‘સુખ’ નામનો પદાર્થ મેળવવા માટે ભૌતીક દુનીયાના ચલણની નીષ્ફળતાની ચોક્કસ ખાતરી માણસને થઈ ન જાય ત્યાં સુધી તે ગુંચવાયેલો અને અશાંત રહે છે (5/22). સાચા સંતો સમાજમાં આવી સભાનતા લાવવાની કોશીશ કરતા હોય છે; પરન્તુ તેઓ ‘ચીંથરે વીંટેલાં રતન’ હોઈને લોકોમાં બહુ જાણીતા થતા નથી. બીજી બાજુ જો ‘સગવડ’ અને ‘સુખ’ વચ્ચેનો તફાવત સમઝવા જેટલી સમાજમાં સમઝણ પેદા થઈ જાય તો ભક્તોના પૈસાથી ઐશ્વર્યમાં રાચતા અને ધર્મને નામે ધતીંગ ચલાવીને બહુજનસમાજને આંજી નાખતા દમ્ભી ધર્મગુરોનું હીત જોખમાય, તેથી તેઓ ધન્ધાદારી રીતરસમો અજમાવીને ‘સત્સંગ’ના નામે ગુંચવાયેલાઓનાં ટોળાંને સાબીત ન થઈ શકે તેવી ગોળગોળ વાતોથી વધારે ગુંચવે છે. જેમ ગુંચવણ વધારે તેમ શોષણ સરળ. ધર્મનું બજારીકરણ કરવાની આવડત ધરાવતા પ્રદર્શનકારી ગુરુઓ ગુંચવાયેલા ધનીકોને લાડકા ભક્તો બનાવીને તેમની કોણીએ સુખનો ગૉળ લગાડે છે. ભોટ બનવામાં પણ ધન્યતા અનુભવતા ધનીક ભક્તો સમાજમાં ગુરુનો મહીમા વધારવા માટે સામાન્ય લોકોને ગુરુ સુધી પહોંચવા ન દઈને તથા ગુરુના ચમત્કારો કે શક્તી વીષે ગપગોળા ચલાવીને ગુરુનું મુલ્ય કુત્રીમ રીતે વધારે છે. આવા વીષચક્રને કારણે દમ્ભી ધર્મગુરુઓના અનુયાયીઓની સંખ્યા વધતી જાય છે.

યાત્રાધામો, કાળાનાણાંનાં દાન વડે ઠેકઠેકાણે બન્ધાતાં આલીશાન ધર્મસ્થાનો અને આશ્રમો, પાનના ગલ્લાની માફક રસ્તા ઉપર રાતોરાત આડેધડ ઉભી થઈ જતી દેરીઓ. ક્લબો, ધાર્મીક પ્રવચનોમાં જામતી ભીડ, ક્રીયાકાંડ, બેસણામાં ‘મરેલાનો શોક ન કરવો’ એમ સમજાવતી ગીતાની ટેપ વગાડવી, નશીલા પદાર્થોનું સેવન, બાધા–આખડી, શુભ–અશુભ ઘટનાઓ, ચોઘડીયાં, શુકન–અપશુકન, વહેમ, જ્યોતીષ, એકના ડબલ થઈ શકે કે ગણેશની મુર્તી દુધ પીએ તેવી અન્ધશ્રદ્ધા, વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ, છાપામાં આવતી શ્રદ્ધાંજલીની જાહેરખબરો, એ બધાં ગુંચવાયેલા સમાજનાં લક્ષણો છે. સમાજમાં ગુંચવાયેલાંઓની બહુમતી રહેતી હોય છે; કારણ કે મોટા ભાગનાં બાળકોના ઉછેરમાં સમઝણને બદલે માર, ધમકી, બીક, લાલચ અને જુઠાણાંનો આશરો લેવામાં આવતો હોય છે. જ્યારે માવતર (અને શીક્ષક) પોતે જ ચુંચવાયેલા હોય ત્યારે કોરી સ્લેટ જેવા બાળકને સમઝણ આપવાની તેમની ક્ષમતા કેટલી? પેઢી દર પેઢી આ વીષચક્ર ચાલ્યાં જ કરે છે. અકસ્માત જો ‘કાગનું બેસવું અને ડાળનું તુટવું’ જેવી એકાદ પણ ઘટના બને તો વહેમના કુંડાળાને ભેદવું લગભગ અશક્ય થઈ પડે છે.

–વીક્રમ દલાલ

દરેક પ્રશ્નને ખુલ્લા દીલથી અને બધી બાજુએથી તપાસનારા રૅશનાલીસ્ટ અને વડીલ લેખકમીત્ર વીક્રમ દલાલે 12 સંજ્ઞાઓ ઓછી શીખવી પડે તથા જોડણી યાદ રાખવી ન પડે તેવી સરળ લીપીમાં પ્રગટ કરેલી પુસ્તીકા રૅશનાલીસ્ટની દૃષ્ટીએ ગીતાનો સંદેશ(પાનાં : 40, મુલ્ય : મફત)નો આ ચોથો લેખ, પુસ્તકનાં પાન 19થી 21 ઉપરથી, લેખક અને પ્રકાશકશ્રી વીક્રમભાઈના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : 

શ્રી. વીક્રમ દલાલ, 2/15, કલ્હાર બંગલોઝ, શીલજ ગામ પાછળ, અમદાવાદ – 380 058 ફોન : (02717) 249 825 મેઈલ : inkabhai@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 04–05–2018

8 Comments

 1. Very nicely written and enjoyable article, elucidating the values of rationalism. True saints are very rare to be found nowadays, the whole world is full of saints in name only, who are nothing but cheaters and decievers in the name of God and Dharma, and they also are stealers of their gullible followers wealth.

  Thank you Vikrambhai and Govindbhai for such a nice article.

  Liked by 2 people

 2. વિક્રમ દલાલનો લેખ રેશનાલીઝમને વેગ આપનારો છે.

  Liked by 2 people

 3. હ્યુમન સાયકોલોજી અને ગીતાના મિશ્રણથી બનેલો લેખ વાંચ્યો. તેના તારતમ્યો જોયા. પ્રાણિ અને હ્યુમન વચ્ચેનું જુદાપણું પણ વાંચ્યુ. વિકસિત મગજ માનવીને બીજા પ્રાણિઓથી જુદા પાડે છે.
  ગીતાનાશ્લોકોના અર્થો અને તેનો માનવજીવનમાં ઉપયોગ કે યોગ ? પરંતુ ?
  અમૃત હઝારી.

  Liked by 2 people

 4. બેવડા અસ્તીત્વ બાબત ગીતામાં બધી જગ્યાએ હું જ છું અને પોતાનું ઠેકાણું જ નથી. વેદ અને ઉપનીષદનો સાર ગીતામાં છે અને જ્યારે ઘણાં કહે છે અમારા ઉપનીષદમાં અલગ છે.

  હું કહું કે હું પાકો રેશનલીસ્ટ છું અને ઘરે જાઉં ત્યારે મુર્તી પાસે દીવો જરુર કરું.

  આમંત્રણ પત્રીકામાં શરુઆત માતાજી કે દેવ દેવીઓની અસીમ કૃપાથી જરુર લખું. 

  ઘરના સભાસદો પણ કહે અમે રેશનલીસ્ટ છીએ અને શીરડીના સાઈ બાબાના દર્શન જરુર કરે.

  દેશની પ્રગત્તીની વાત કરતાં કરતાં કેદારનાથ કે બદ્રીનાથના દર્શન કરવા જરુર જાઉં. સુપરીમ કોર્ટમાં એફીડેવીટ રજુ કરે કે બાબરીના ઢાંચાને નુકશાન નહીં કરીએ અને મુખ્ય મંત્રી, ગવર્નર કે પક્ષનો વડો જ ટોળાને ઉશ્કેરી તોડી નાખવાની કાર્યવાહી કરે.. હવે રામ મંદીર કે સોમનાથ મંદીરને કોઈક ડ્રોન કે મીસાઈલથી પાછો તોડી નાખશે… આ છે બેવડા અસ્તીત્વ નો સાર….

  Liked by 2 people

 5. Very thoughtful article. Like it. Thank you. Forwarded to other members of family with a wish for them that they get out of so called “Satsung” ASAP.

  Liked by 2 people

 6. માનવી જાણે હું મોટો થાઉં છું
  દુનિયાની દ્રષ્ટિએ સમજણો
  થતો જાઉં છું
  પણ એ નથી જાણતો કે તે પળપળ
  પળોટાતો જાય છે વાતે વાતે પલટતો જાય છે
  ને ભીતરથી ખોખલો થતો જાય છે

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s