માળાના મણકામાં પત્ની!
– રમેશ સવાણી
“ભુવાજી! મારું નામ સીદ્ધાર્થ દેગામી છે. મારી સાથે મધુભાઈ કાકડીયા, ગુણવંત ચૌધરી, શાંતીલાલ ગવરીયા, રામભાઈ પંચાલ અને મનીષભાઈ પ્રજાપતી છે. અમે સૌ પાલનપુરથી આવીએ છીએ.”
“સીદ્ધાર્થભાઈ! કામ બોલો.”
“ભુવાજી! લોકમુખે તમારી મેલીવીદ્યાની વાહ–વાહ સાંભળીને અમે અહીં આવ્યા છીએ. તમે સન્તાનપ્રાપ્તી, ખોવાયેલ વ્યક્તીની શોધ અને અસાધ્ય રોગોનો ઈલાજ ખાતરી સાથે કરો છો, એવો દાવો કેટલાક લોકો કરી રહ્યા છે, એ સાચું?”
“શ્રદ્ધા હોય તો પરીણામ મળે!”
“ભુવાજી! અમે શ્રદ્ધાપુર્વક તમને પુછવા માંગીએ છીએ.”
“સીદ્ધાર્થભાઈ, મનમાં હોય તે કહો. માતાજીને કામ કરવું પડશે!”
“ભુવાજી! આ મધુભાઈને વીચીત્ર બીમારી વળગી છે. કામકાજ કરવાને બદલે બાપુઓની કથામાં બેસી રહે છે. ભક્તીના નામે લોકોને દીશાહીન, નીરાશાવાદી, નીષ્ક્રીય અને મહત્ત્વકાંક્ષા–હીન બનાવનાર કથાકારો અન્યાયના પુરસ્કર્તા છે! કથાના આયોજન પાછળ સાધનશુદ્ધીનો કોઈ આગ્રહ રખાતો નથી. કથા પાછળ જંગી ખર્ચ થાય છે તે કરચોરો, સંઘરાખોરો, અસામાજીક તત્ત્વો, બીજાની જમીન–મકાન હડપ કરનારાઓ પાસેથી એકત્ર કરવામાં આવે છે. કથાના પાયામાં જ આટલો ભ્રષ્ટાચાર હોય તે કથામાં અપતા ઉપદેશોનું મુલ્ય કેટલું? સમાજમાં નૈતીક મુલ્યોનું સ્થાપન થાય તે હેતુથી કોઈ મન્દીરનીર્માણ કરીએ અને તે મન્દીરનું ખર્ચ કાઢવા તેના કમ્પાઉન્ડની ઓરડીઓ દારુ–જુગારના અડ્ડા માટે ભાડે આપીએ તો તેનો અર્થ શો? બાપુઓ, શાસ્ત્રીઓ ઉપદેશમાં શુરા છે; પણ સાધન–શુદ્ધીમાં સાવ અશુદ્ધ છે! એક બાજુ કથાકારો ઉપદેશનો ધોધ વહાવે છે, તો બીજી બાજુ સમાજ શુદ્ધ થવાને બદલે વધુ પ્રદુષીત થતો જાય છે! આ બધું અમે મધુભાઈને સમજાવીએ છીએ છતાં તે કથામાં બેસી રહે છે. આનો કોઈ ઉકેલ છે?”
“સીદ્ધાર્થભાઈ! મધુભાઈનો રોગ હું સમજી ગયો. મધુભાઈને બાપુઓની, કથાકારોની નજર લાગી ગઈ છે! નજર ઉતારવી પડશે!”
ભુવાજીનું નામ હતું શમ્ભુભાઈ પટેલ (ઉમ્મર : 40). તે શમ્ભુમહારાજ તરીકે પ્રખ્યાત હતા. મજબુત બાંધો. મોટી આંખો. કાળી વેશભુષા. હાથમાં સતત ફરતી માળા. સુરતના કતારગામ વીસ્તારમાં નીલકંઠ સોસાયટીમાં રહેતા હતા. ઘરમાં માતાજીનું સ્થાનક બનાવી લોકોના દુઃખ દર્દ દુર કરતા હતા. ભુવાજીએ પોતાના મદદનીશ પાસેથી થાળીમાં હળદરવાળું પાણી મંગાવ્યું. પછી તેણે મધુભાઈના માથા ઉપર પાંચેક મીનીટ સુધી હાથ ફેરવ્યા અને મન્ત્રોચ્ચાર કર્યા. ભુવાજીએ પોતાના બન્ને હાથ હળદરવાળા પાણીમાં મુક્યા અને ચમત્કાર થયો! હળદરવાળું પાણી લાલ થઈ ગયું! ભુવાજીએ કહ્યું : “સીદ્ધાર્થભાઈ, મેં નજર ઉતારી દીધી છે. હવે મધુભાઈ કથામાં નહીં જાય!”
મધુભાઈએ ભુવાજીના ચરણસ્પર્શ કર્યા. સીદ્વાર્થભાઈએ કહ્યું : “ભુવાજી! તમે મધુભાઈનો માનસીક અન્ધાપો દુર કરીને મોટી સેવા કરી છે! હવે તમે ગુણવન્ત ચૌધરીની સમસ્યા દુર કરો!”
“બોલો, શું સમસ્યા છે? માતાજીને કામ કરવું પડશે!”
“ભુવાજી! ગુણવન્તભાઈના પત્ની એક મહીના પહેલા, કહ્યા વીના ઘરેથી જતા રહ્યા છે. ઘણી શોધખોળ કરી. પોલીસને જાણ કરી પણ પત્તો મળતો નથી! જ્યોતીષી પાસે ગયા પરીણામ મળ્યું નહીં!”
“સીદ્ધાર્થભાઈ! જ્યોતીષીઓ પાસે જવાથી ભ્રામક શાંતી મળે છે; પણ સમસ્યા દુર ન થાય! જ્યોતીષીની પોતાની દીકરી પ્રેમી સાથે નાસી જાય કે તેના ઘરમાં ચોરી થાય ત્યારે અમારી પાસે આવે છે! જ્યોતીષી પોતાનું શું થવાનું છે, તે જાણી શક્તો નથી, તે બીજાને શું ઉપયોગી થાય?”
ભુવાજીએ આંખો બન્ધ કરી. મન્ત્રોચ્ચાર કર્યા. હાથમાં માળા ફરતી હતી. મણકા પછી બીજો મણકો પસાર થવા લાગ્યો. ભુવાજીએ કહ્યું : “ગુણવન્તભાઈ, માળાના મણકામાં તમારી પત્ની મને દેખાય છે!”
“ભુવાજી! મને કેમ દેખાતી નથી?”
“ગુણવન્તભાઈ, ગુઢવીદ્યાને કારણે હું તેને જોઈ શકું છું! તમારી પત્ની નારાજ છે, તેનું કારણ શું?”
“ભુવાજી! લગ્ન થયાને દસ વર્ષ થયા. સન્તાનપ્રાપ્તી ન થઈ. ઘરમાં કંકાસ રહ્યા કરે છે!”
“ગુણવન્તભાઈ! ચીંતા ન કરો. તમારી પત્ની હાલે વલસાડમાં છે. તેને મારી પાસે લાવો. એકાંતવીધી કરીને તમારા ઘરનો કંકાસ દુર કરી આપીશ!”
ગુણવન્તભાઈએ ભુવાજીના ચરણસ્પર્શ કર્યા. એ સમયે મધુભાઈએ કહ્યું :
“ભુવાજી, મારે નજર ઉતારવી છે! તમને માળાના મણકા વચ્ચે ગુણવંતભાઈની પત્ની દેખાય છે; પણ મને ત્યાં તર્કટ દેખાય છે!”
“મધુભાઈ, તમે શું બોલી રહ્યા છો? તમે મારું નહીં, પણ માતાજીનું અપમાન કરી રહ્યા છો! તમારામાં ત્રેવડ હોય તો નજર ઉતારો!”
ભુવાજીની આંખો ક્રોધથી અંજાઈ ગઈ. તેના રુવાંડા ઉભા થઈ ગયા. તેણે પોતાના મદદનીશને થાળીમાં હળદરવાળું પાણી લાવવા કહ્યું. થાળી આવી. ભુવાજી કહ્યું : “મધુભાઈ! તમારે મારી નજર ઉતારવી છે ને? ઉતારો!”
મધુભાઈએ ડર કે સંકોચ વીના ભુવાજીના માથા ઉપર ચાર–પાંચ વખત હાથ ફેરવ્યા. મન્ત્રોચ્ચાર કર્યા. ભુવાજી મધુભાઈની ચેષ્ટાને તાકી રહ્યા. સૌ સ્તબ્ધ થઈ ગયા. મધુભાઈએ પોતાના બન્ને હાથ હળદરવાળા પાણીમાં મુક્યા અને ચમત્કાર થયો! પાણી લાલ થઈ ગયું! ભુવાજીની આંખો ફાટી ગઈ!
મધુભાઈએ કહ્યું : “ભુવાજી! તમારું તર્કટ પકડાઈ ગયું છે! નજર કોઈની લાગતી નથી! માળાના મણકામાં પત્ની દેખાતી નથી! અમે પાલનપુરથી નથી આવ્યા. સુરતની ‘સત્યશોધક સભા’ના અમે સૌ કાર્યકર છીએ. પાખંડનું પગેરું મેળવવાનું અમારું કામ છે! હું ક્યારેય કોઈ બાપુની કથા સાંભળવા ગયો નથી! ગુણવંતભાઈના પત્ની ઘરે હાજર છે! અને તેમને બે સંતાન છે. કોઈ કંકાસ નથી!”
ભુવાજી શંભુ મહારાજ થોડીવાર વીચારશુન્ય બની ગયા! પરીસ્થીતી પામી ગયેલા ભુવાજી, ‘સત્યશોધક સભા’, સુરતની ટીમના પગમાં આળોટવા લાગ્યા. ભુવાજીએ તારીખ 22 મે, 2001ના રોજ, માળાના મણકામાં તર્કટ જોવાનો ધંધો બન્ધ કરવાની લેખીત ખાતરી આપી!
–રમેશ સવાણી
‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’(12, એપ્રીલ, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી e.Mail : rjsavani@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 11–05–2018
જ્યોતીષી પોતાનું શું થવાનું છે, તે જાણી શક્તો નથી, તે બીજાને શું ઉપયોગી થાય?” અને તર્કટ શરુ થાય છે. બીલાડી ઉંદરને પકડે એ પહેલાં એને પણ વીધી કરવી પડે છે. છેવટે ઉંદર ન મળે તો હજ કરવા જરુર જાય.
પોસ્ટમાં રમેશભાઈએ બહુ જ સરળ રીતે નજર ઉતારેલ છે. આ સરળ વીધી દરેકે શીખી લેવી જોઈએ.
LikeLiked by 2 people
Saras lekh aabhar Govindbhai ane Savanisaheb banneno.
LikeLiked by 2 people
ભાઇઓ,
બહેનો,
યુવાનો
અને બાળકો,
આજનો લેખ અેક ‘ આંખ ઉઘાડનારો લેખ‘ છે.
સુરતની સત્યશોઘક સભા આવા સુંદર કાર્યો કરી રહી છે.
આજે પણ દુનિયાના બીજા દેશોની કમ્પેરીઝનમાં ભારતમાં કદાચ….હાં….કદાચ લોકોની ‘ શ્રઘ્ઘા, અંઘશ્રઘ્ઘામાં‘ વઘુ છે.
અંઘશ્રઘ્ઘા પાકેલા મગજમાં આજીવન ઘર કરીને બેઠેલી હોય છે. કથાકારોનો જે દાખલો અહિં અપાયો છે તે તેનો પુરાવો છે. કુમળા મગજને જેમ વાળીઅે તેમ વળે. બાળમંદિરથી માંડીને હાયસ્કુલ સુઘીના દરેક વર્ગમાં અઠવાડીઅે અેક વર્ગ ‘સુરતની સત્યશોઘક સભાને ‘ મળે તેવી સ્થિતિ ગુજરાત સરકાર પાસે કરાવવા માટે સમાજના અગ્રણીઓનો સાથ લેવો જોઇઅે. મોદીજી તો આ પ્રપોઝલને તરત જ અમલમાં મુકાવી દેશે. અને જો ના મુકાવે તો પછી તેઓ પણ ભૂઆના મિત્ર ગણાસે. મોદીજી જ આમ તો ગુજરાતની સરકાર ચલાવે છે ને ?
અમૃત હઝારી.
LikeLiked by 2 people
Great job.
LikeLiked by 2 people
સત્યશોધક સભા નુ કામકાજ જોરદાર છે
LikeLiked by 1 person