એમને સુશીક્ષીત કેવી રીતે કહેવાય?

એમને સુશીક્ષીત કેવી રીતે કહેવાય?

વર્ષા પાઠક

ત્રીસ વર્ષ પહેલાં લગ્ન કરીને અત્યારે સુખી ઘરસંસાર માણતી અપર મીડલક્લાસ ગૃહીણીનો આ કીસ્સો છે. એનાં ‘અરેન્જ્ડ’ મેરેજ હતાં. નાની વયે પીતા ગુમાવી દેનાર છોકરી અઢાર વર્ષની થઈ કે તરત માતા, મામા અને બીજા પરીવારજનોએ મળીને જ્ઞાતીમાંથી જ શોધી કાઢેલા છોકરા સાથે પરણાવી દીધી. પરન્તુ જોવાનું એ કે પરમ્પરાવાદી ગણાતા હોવા છતાં, આ લોકોમાંથી કોઈને જન્માક્ષર મેળવવાની જરુર નહોતી લાગી. છોકરો બહુ ભણેલો, સારું કમાતો હતો. છોકરી બહુ સુન્દર હતી. બન્નેની ઉમ્મરમાં ઝાઝો ફરક નહોતો, પરીવાર એકમેકને ઓળખતાં હતાં.. આટલું આ જોડી જમાવી દેવા માટે પુરતું હતું. જન્મકુંડળી જોવાનો સવાલ જ નહોતો ઉઠ્યો. આજે લગભગ ત્રણ દાયકાનું એમનું લગ્નજીવન બહુ સુખી છે.

જેમને ખરા અર્થમાં Happily married કહેવાય, એવું આ યુગલ છે. ગૃહીણીને રોજ સવારે છાપામાં સોનાનો ભાવ અને ભવીષ્યવાણીની કૉલમ વાંચવાની ટેવ છે. ઘરમાં આ રમુજનો વીષય છે; કારણ કે આ તબક્કે એને નવી જ્વેલરી ખરીદવામાં ખાસ કોઈ ઈન્ટરેસ્ટ નથી. એના જ શબ્દોમાં કહીએ તો ‘જેટલું છે, એટલું પણ પહેરાતું નથી’ અને જ્યોતીષશાસ્ત્રમાં એને ખાસ શ્રદ્ધા નથી. પોતાનાં લગ્ન જેવા મહત્ત્વના પ્રસંગે પણ એ છોકરીએ કે એની માતાએ જ્યોતીષીને કન્સલ્ટ કરવાની તસ્દી નહોતી લીધી. એમની એકની એક દીકરીના જન્મકુંડળી પણ એમણે નથી બનાવી. પણ હવે આટલાં વર્ષે, એમના જીવનમાં જન્માક્ષર નામની ઝંઝટનો પ્રવેશ થયો છે.

એમાં થયું એવું કે થોડા વખતથી એમણે દીકરીનાં લગ્ન માટે યોગ્ય પાત્ર શોધવાની શરુઆત કરી. એન્જીનીયરીંગની ડીગ્રી ધરાવતી છોકરી સારી જૉબ કરે છે, સ્માર્ટ ઍન્ડ ગુડ લુકીંગ છે; પણ સારો હસબન્ડ શોધવાની જવાબદારી એણે માબાપ પર નાખી દીધી. એકના એક સન્તાન માટે સારું પાત્ર શોધવા નીકળેલાં માબાપને નાતજાતનો છોછ તો પહેલેથી નહોતો. મેટ્રીમોનીયલ સાઈટ્સ અને અપમાર્કેટ ગણાતા મૅરેજ બ્યુરોમાં પણ એમણે રજીસ્ટ્રેશન કરાવી દીધું. જન્માક્ષરમાં માને નહીં; પણ છોકરીની પ્રોફાઈલમાં જન્મનો દીવસ, સમય જેવી માહીતી લખવાની હોય, એ લખી. અને પછી એક છોકરાવાળાએ કહ્યું ત્યારે ખબર પડી કે છોકરીને મંગળ છે. આ કારણસર પહેલીવાર ના આવી તો એમણે ઝાઝી પરવા ન કરી. ઉલટું રાહત અનુભવી કે આવા બધા તુતમાં માનતા ઘરમાં આપણી છોકરી ન જાય એ જ સારું. પરન્તુ શોધ શરુ થયાને લગભગ છ મહીના થવા આવ્યા છે, ત્યારે એમણે કડવી વાસ્તવીકતા સ્વીકારવી પડી છે કે છોકરો અને એનાં માબાપ ભલે ગમે તેટલાં એજ્યુકેટેડ હોય, મોટા શહેરના પોશ વીસ્તારમાં રહેતાં હોય, પોતાને મૉડર્ન એન્ડ બ્રૉડ માઈન્ડેડ ગણાવતાં હોય, હાઈ સોસાયટીમાં ફરતાં હોવાનાં ફાંકા મારતાં હોય; પણ લગ્નની વાત આવે ત્યારે એ લોકો અડધુંપડધું ભણેલા જ્યોતીષીના શબ્દ પર વીશ્વાસ રાખે છે. પોતાની અક્કલ તડકે મુકે છે. અને કમનસીબે સમયની સાથે આવા અગડંબગડંમાં માનનારાની સંખ્યા ઘટવાને બદલે વધતી જાય છે. ડૉક્ટર, એન્જીનીયર થયેલા છોકરા સાયન્સના સબ્જેક્ટમાં હોશીયાર હશે એવું માની લઈએ; પણ પછી એ પરણતી વખતે મંગળબુધની વાત કરે તો શું કહેવું?

ત્રણચાર જગ્યાએ મંગળ નડ્યો, ક્યાંક વળી કુંડળીમાં ગુણ મળતા નથી એવું સાંભળ્યું ત્યારે છોકરીને વીચાર આવ્યો કે, મમ્મીપપ્પાની જન્મકુંડળી ચેક કરીએ. એ આટલાં સુખી છે તો એમનાં જન્માક્ષર પરફેક્ટલી મૅચ થતાં હશે. મા–દીકરીએ મળીને એમના ફોન પર જ્યોતીષશાસ્ત્રને લગતી એક ઍપ ડાઉનલોડ કરીને પતીપત્નીની બધી ઈન્ફર્મેશન ફીડ કરી તો મળેલું પરીણામ આશ્ચર્યજનક હતું. જન્માક્ષર કહેતાં હતાં કે આ બે પાત્રના છત્રીસમાંથી માત્ર દસ ગુણ મળે છે, એમાંય એક જણને તો મંગળ છે, એટલે આ બે જણનાં લગ્ન કરાય જ નહીં, અને થાય તો ભાંગી પડે કે મોટું દુઃખ ત્રાટકે. ગૃહીણી કહે છે કે, સારું થયું, અમારાં લગ્ન વખતે કુંડળી મેળવી નહીં. જ્યોતીષ વચ્ચે પડ્યા હોત તો અમારાં લગ્ન થાત જ નહીં. એ કહે છે, હું માત્ર અગીયારમું ધોરણ પાસ છું, અને મારી મમ્મી તો મારાથીયે ઓછું ભણેલી પણ અમે જન્માક્ષરની લપ નહોતી કરી. પરન્તુ આજે એન્જીનીયર થયેલી મારી દીકરીનાં લગ્નમાં જન્માક્ષર આડા આવતા હોવાની વાત સાંભળું છું ત્યારે લાગે છે કે આપણાં કરતાં આપણી આગલી પેઢી વધુ સેન્સીબલ હતી.

આ ગૃહીણીની વાત સાથે હું પણ સહમત છું. આસપાસ નજર નાખો. ભણેલાંગણેલાં લોકોમાં પણ શ્રદ્ધાને નામે ધતીંગનું પ્રમાણ વધી રહ્યું છે, અને માત્ર લગ્નની બાબતમાં નહીં, વાસ્તુશાસ્ત્ર ભલે સેંકડો વર્ષ પ્રાચીન ગણાય, પણ એના નામે જે દુકાનો ચાલે છે એની તો કલ્પના પણ આપણા પુર્વજોએ નહીં કરી હોય. વધુ મૉડર્ન ગણાતાં લોકો ફેંગ શુઈવાળું ફારસ ચલાવે છે. પોતાનું ભાગ્ય બદલવા માટે પોતાના નામનો સ્પેલીંગ બદલનારાની સંખ્યા તો અગણીત છે. જન્મતારીખ જોઈને ડાયેટ એન્ડ એક્સરસાઈઝ સુચવવાનાં રૅકેટ્સ ધમધોકાર ચાલે છે. જોવાનું એ કે આ બધું કથીત એજ્યુકેટેડ લોકો કરે છે અને એ જ પાછાં ગ્રામ્યવીસ્તારોમાં પ્રવર્તતી માન્યતાઓની ટીકા કરે છે. હૉસ્પીટલમાં સીઝેરીયનથી પ્રસુતી કરાવવાની ફરજ પડે ત્યાં પણ શ્રીમન્તો મુહુર્ત જોવડાવે છે. છાશવારે કોઈને કોઈ નવા દેવદેવીનું નામ અને વ્રત ફુટી નીકળે છે. ટીવી પર ભુતપ્રેત અને નાગીનવાળી સીરીયલ્સનો રાફડો ફાટ્યો છે. ધાર્મીક કથાઓ કરનારાની ડીમાન્ડ અને પોપ્યુલરીટી કોઈ ફીલ્મસ્ટારને પણ ઈર્ષ્યા કરાવે એવી હોય છે.

‘નવી પેઢીમાં ધાર્મીકતા વધી છે’ એવું ઘણાં બહુ ખુશ થઈને કહે છે. જાહેર કથાઓમાં યુવાપેઢીની સંખ્યા વધી છે, એ વાત ફરીફરીને કહેવાય છે. પણ જરા વીચારો તો ખરા કે, આમાં ખુશ થવા જેવું શું છે? કૉમન સેન્સ કહે છે કે, લોકોમાં અસુરક્ષીતતાની લાગણી વધે, ત્યારે ધર્મના નામે ચાલતી પ્રવૃત્તીઓ વધે. માણસને પોતાની જાતમાં ભરોસો ઘટે ત્યારે એ પુજાપાઠ, કર્મકાંડ જેવી ટેકણલાકડીનો સહારો શોધે. કથામાં યુવાનોની સંખ્યા વધે ત્યારે ચીંતા થવી જોઈએ કે આનન્દ? કોઈને થોડો સમય શાંતી, રાહત મળે તો હજીયે સમજ્યાં; પણ સુખી થવામાં એ માન્યતાઓ જ આડી આવવા લાગે તો શું ફાયદો?

જે ગુરુને ચરણે પડો, એ તમને ગ્રહદશા બદલવા માટે વીધીઓ કરાવે, નામની જોડણી અને ઘરના બારીબારણાંની દીશા બદલી નાખવા કહે એને પગે પડનારા કયા મોઢે પોતાને સુશીક્ષીત, સુધરેલાં ગણાવતાં હશે? અને હા, જન્માક્ષર જોવડાવીને લગ્ન કરનારાં બધાં સુખી થઈ જાય છે?

વર્ષા પાઠક

‘દીવ્ય ભાસ્કર’, દૈનીક, સુરતની તારીખ 18 ઓગસ્ટ, 2017નું  ‘અભીવ્યક્તી’ પેજમાં વ્યક્ત થયેલ એમના લેખમાંથી.. લેખીકા બહેનના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક : વર્ષા પાઠક, સીનીયર પત્રકાર અને નવલકથાકાર ઈ.મેઈલ : viji59@msn.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે બપોરે 2.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુમેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 14–05–2018

 

15 Comments

  1. જ્યાં સુધી સમાજ માં જ્યોતીષીઓ નું અસ્તિત્વ હશે અને છાપાઓ માં ભવિષ્યવાણી ની ધતિન્ગ કોલમો આવતી રહેશે ત્યાં સુધી અંધશ્રદ્ધા કાયમ રહેશે. આ માટે કોઈ મોટી ઝુંબેશ ની સખત જરૂરત છે.

    Liked by 2 people

  2. જ્યોતીસ ધતીંગ, ભવીસ્યવાણી રોજે રોજ સમાચાર આવે છે. 

    રામાયણ કે રામલીલા વખતે રામ, હનુમાન પાત્રની વડા પ્રધાન કે રાષ્ટ્રપતી આરતી ઉતારે,  કહેવાય વૈજ્ઞાનીક અને ચુંટણીનું ફોર્મ ભરતા અગાઉ અજમેર શરીફ કે શીરડી સાઈબાબાબી મુલાકાત લે.

    સમાચાર રોજે રોજ આવે એટલે ધતીંગ શરુ થાય. રથયાત્રાઓ નીકળે એટલે સમજવું કોઈક મંદીર કે મસ્જીદ જરુર તુટશે. 

    Liked by 3 people

  3. ખુબ સુંદર લેખ. હાર્દીક અભીનંદન ગોવીન્દભાઈ અને વર્ષાબેન પાઠકને.
    ભાઈ કાસીમ કહે છે, “જ્યાં સુધી સમાજમાં જ્યોતીષીઓનું અસ્તિત્વ હશે અને છાપાઓમાં ભવિષ્યવાણીની ધતિન્ગ કોલમો આવતી રહેશે ત્યાં સુધી અંધશ્રદ્ધા કાયમ રહેશે.” પણ મને લાગે છે કે જ્યાં સુધી આપણા સમાજમાં કહેવાવાતા ભણેલા પણ અભણ અને મુર્ખ લોકો હશે ત્યાં સુધી સમાજમાં જ્યોતીષીઓ અને છાપાંમાં ભવીષ્યવાણીની ધતીંગ કોલમો આવતી રહેશે. કહેવાતા અભણ પણ આવા મુર્ખ તો નથી હોતા. અક્ષરજ્ઞાન અક્કલ નથી આપી શકતું.

    Liked by 3 people

  4. નમસ્તે
    આવો અતિ સુંદર લેખ મેં ક્યારેય વાંચ્યો નથી. ધન્યવાદ!
    જ્યાં સુધી સામાન્ય મનુષ્યમાં આત્મવિશ્વાસ નહિ જાગે ત્યાં સુધી આવું અન્ધશ્રદ્ધાવાળું કાર્ય ચાલુ રહેશેજ.
    ભણ્યા પણ ગણ્યા નહિ. પશ્ચિમ દેશોમાં પણ આવું કાંઈક ચાલી રહ્યું છે જે મારા ખ્યાલ પ્રમાણે એક ચેપી રોગની જેમ ફેલાયી રહ્યો છે.
    મારી વાત કરું તો અમે કોઈ આવું માનતા નથી અને કુટુંબના મોટા તેમજ નાના બાળકોને આવું શિક્ષણ આપતા જ નથી. અરે, એમાં ખોટો સમય વ્યર્થ કરવો જ, એક અન્યાય છે.
    We don’t encourage any of the above non-sense: Jyotish, Feng-Shui, Birthday Charts, Mangal, Janmakshar etc.
    Ok, we do check the Weather on a Daily basis to decide what to wear for the day! Do I need an umbrella or a warm coat?
    Life is too short.
    Learn good things
    Follow your heart.
    Live an honest life.
    But most importantly, Trust your own instincts and be Confident!
    I rest my case.
    Thank you Varshaben and Govindbhai for the Article.
    With my kind regards.

    Liked by 4 people

  5. It is a very beautiful article full of truth. I fully agree with the author and all comments especially by Urmilaben Sharma.
    Thanks so much for your article.

    Thanks,
    Pradeep H. Desai
    USA

    Liked by 3 people

  6. અભણ અને અજ્ઞાની લોકોમાં આ પ્રદુષણ ખુબજ છે. રસોડું પૂર્વ પૂર્વ તથા દક્ષિણના માધ્યમાજ હોવું જોઈએ એવું માણનારા અબુધ લોકો છે. લેખ આંખ ઉઘાડનારો છે. વર્ષાબેન પાઠકને. ખુબ ખુબ ધન્યવાદ.

    Liked by 3 people

  7. જે ગુરુને ચરણે પડો, એ તમને ગ્રહદશા બદલવા માટે વીધીઓ કરાવે, નામની જોડણી અને ઘરના બારીબારણાંની દીશા બદલી નાખવા કહે એને પગે પડનારા કયા મોઢે પોતાને સુશીક્ષીત, સુધરેલાં ગણાવતાં હશે? અને હા, જન્માક્ષર જોવડાવીને લગ્ન કરનારાં બધાં સુખી થઈ જાય છે?
    ગુરુ પ્રત્યે ભલે શ્રધ્ધા રાખો, પણ તમારી સંસ્કારિક બાબતોમાં બધાયે ઘરમેળે નિર્યણ લેવો. સારું ખરું તમારા કર્મને આધીન છે.

    Liked by 3 people

  8. ગાંડાભાઇ વલ્લભની વાત સાથે હું સો ટકા સહમત છું. જ્યોતિષ બનવું અને સમાજમાં પ્રવર્તિ અંઘશ્રઘ્ઘાનો વેપાર કરી પેસા કમાવામાં લાભ ઉઠાવવો તે તેમની આવડત છે. સામાન્ય લોકોની ( ભણેલા કે અભણ ) સૌથી વઘુ શ્રઘ્ઘા અંઘશ્રઘ્ઘામાં હોય છે અને તેનો પેલા સ્માર્ટ લોકો લાભ ઉઠાવે છે. ટૂંકમાં વાંક લોકોનો છે. અહિં અેક ડોક્ટરે સાંઇ સેન્ટર ખોલ્યુ છે. ખૂબ ચાલે છે. દક્ષિણ ભારતથી કોમ્પયુટરના ભણેલાં નોકરી કરવાં અમેરિકા આવેલાંઓ ઝુંડમાં ત્યાં આવીને પેસા મુકી જાય છે. આ સેન્ટર ( મંદિર નહિ…સેન્ટર) ના પહેલાં પુજારીઅે જોયું કે આ બીઝનેસ તો લ્યુક્રેટીવ છે…નો ઇન્વેસ્ટમેંટ, નો બાય અેન્ડ નો સેલ, ઓન્લી ઇન્કમ……તો તે પુજારીઅે છુટા થઇને નવું સેન્ટર ખોલ્યુ…આજે તે કદાચ લક્ષાઘિપતી બની ગયો હશે. આ લેખમાં વર્ણવેલો કિસ્સો લાખોમાનો અેક હશે જેની તે ફેમીલી શીવાય કોઇને પડેલી નથી. મેં ગયા વિકે અેક સિનીયરોની મીટીંગમા કહ્યુ કે નાસા અને બીજી પ્રાઇવેટ કંપનીઓ ૨૦૨૨ થી ૨૦૩૨ના વરસોમાં મંગળ ઉપર માનવ કોલોની બાંઘી લેશે અને સવાલ અે થશે કે મંગળ ઉપર વસનારાઓનું ભાવિ અને જીંદગી કેવા હશે? મંગળ નડશે, તેમને ?
    હકીકતમાં ઘેર ઇઝ નો સોલ્યુશન ટુ સચ પ્રોબ્લેમ્સ. કરોડો અંઘશ્રઘ્ઘાળુઓને કોણ સુઘારી શકશે ? માટે જ તે અંઘશ્રઘ્ઘાળુઓને પોતાને મોતે મરવા દો. જેને સાચુ..ખોટુની સમજ છે અને તે રસ્તે ચાલે છે તેઓ પોતાનું જીવન પોતાની રીતે જીવી જશે.

    ટોળાની સામે થવાં કરતાં ટોળાથી દૂર રહેવામાં જ સાચુ ભણતર દેખાશે.
    અમૃત હઝારી.

    Liked by 3 people

  9. enlightening article by varsh bahen pathk – thx
    Lobhiya Hoi Tya sudhi Duthara rahevana… astrology- vastu- fengsui – grah puja–and other religious ceremonies all are result of our inner weakness- where we search help of other – unless we learn ” Khudi Ko Bana Buland Itana Ki, Kudha Puche Bata teri Raza (Wish) Kya Hai”

    Liked by 3 people

    1. The correct couplet of Urdu poetry is:
      KHUDI KO KAR BULAND ITNA, KE HAR TAQDEER SE PEHLE,
      KHUDA BANDE SE KHUD PUCHHE, BATA TERI RAZA KYA HEY.
      ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પેહલે
      ખુદા બન્દે સે ખુદ પુછે બતા તેરી રઝા ક્યા હે

      Liked by 1 person

  10. All of us here agree that this is wrong. But I wish to see them asking: Why?
    How did we become so silly that even modern education does not cure our orthodox
    beliefs and superstitions?
    Many will say yes, they know why.
    But an opinion is not an analysis. Does anyone go deeper to analyze our mindsets? Until that happens, this kind of silliness will continue as usual.
    — Thanks.
    –Subodh Shah

    Liked by 3 people

  11. “ભાઈ કાસીમ કહે છે, “જ્યાં સુધી સમાજમાં જ્યોતીષીઓનું અસ્તિત્વ હશે અને છાપાઓમાં ભવિષ્યવાણીની ધતિન્ગ કોલમો આવતી રહેશે ત્યાં સુધી અંધશ્રદ્ધા કાયમ રહેશે.” પણ મને લાગે છે કે જ્યાં સુધી આપણા સમાજમાં કહેવાવાતા ભણેલા પણ અભણ અને મુર્ખ લોકો હશે ત્યાં સુધી સમાજમાં જ્યોતીષીઓ અને છાપાંમાં ભવીષ્યવાણીની ધતીંગ કોલમો આવતી રહેશે. કહેવાતા અભણ પણ આવા મુર્ખ તો નથી હોતા. અક્ષરજ્ઞાન અક્કલ નથી આપી શકતું.” ગાંડાભાઇ વલ્લભની વાત સાથે હું સો ટકા સહમત છું.
    ગોવીન્દભાઈ અને વર્ષાબેન પાઠકને અભીનંદન..
    અભીનંદન.. ગાંડાભાઇ વલ્લભને…

    Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s