જુદા જુદા મન્ત્રો વીશે

શરીરનાં અવયવો ઉપર મન્ત્રના શબ્દો અને ધ્વની જુદી જુદી ખાસ અસર કરે છે

3

જુદા જુદા મન્ત્રો વીશે

–ડૉ. બી. એ. પરીખ

ઓમ, ૐ(AUM) (OM)એ હીન્દુ, બૌદ્ધ, જૈન તેમ જ શીખ ધર્મમાં એક પવીત્ર ધ્વની, આધ્યાત્મીક પ્રતીક મન્ત્ર તરીકે ઉચ્ચ સ્થાન ધરાવે છે. ઓમનો ઉલ્લેખ વેદો, ઉપનીષદો તેમ જ ધાર્મીક ગ્રંથોમાં પણ જોવા મળે છે. ઓમનો ઉલ્લેખ અત્યન્ત આધ્યાત્મીક પ્રતીક હોવા ઉપરાન્ત આત્મા(Soul, Self, within) તેમ જ બ્રહ્મ(બ્રહ્માંડનું અન્તીમ તત્ત્વ), વૈશ્વીક સીદ્ધાન્ત તરીકે પણ થાય છે. યોગ, પ્રાણાયામ, ધ્યાન ધરવું જેવી ક્રીયાઓમાં ૐનો ઉચ્ચાર આવશ્યક મનાય છે. ઓમના પ્રતીકનો ઉપયોગ શ્રીલંકામાં તેમ જ દક્ષીણ પુર્વના એશીયાઈ દેશો, થાઈલેન્ડ, કમ્બોડીયા, બાલી વગેરે પ્રદેશોમાં પણ થતો હતો.

‘ઓમનું રટણ’, ‘ઓમ શ્રી હરી’ હરીઓમ જેવા ઉદ્ગારોમાં વારંવાર થાય છે; પરન્તુ મુળ તો દરેક મન્ત્રના રટણ કે લેખનમાં આરમ્ભમાં પ્રથમ શબ્દ ‘ઓમ’નો ઉચ્ચાર કરવામાં આવે છે. ગાયત્રી મન્ત્ર જે ઋગ્વેદમાં (R.V. 3, 62, 10) મન્ત્ર છે. તેમાં પ્રથમ આદ્યાક્ષર ‘ઓમ’ જ છે.

છાંદોગ્યપનીષદ માંડુક્ય, ઐતરેય વગેરે અનેક ઉપનીષદો તેમ જ પતંજલીના યોગસુત્રમાં એક યા બીજી રીતે ‘ઓમ’નો ઉલ્લેખ અને મહીમા ગવાયો છે. શ્રીમદ ભગવદ્ગીતામાં કૃષ્ણ અજુર્નને કહે છે કે :

પીતાહમસ્ય જગતો માતાધાતા પીતામહ:

વેદ્યં પવીત્રમૌંકાર ઋકસામ યજુરેવય: ।। (9, 17)

જ્હોન્સ્ટન(Johnston) કહે છે કે યોગસુત્રમાં ઓમનો ઉલ્લેખ જે સન્દર્ભમાં, જે રીતે થયો છે તે આત્મામાં ત્રણ ભુવનોનો, ત્રણ કાળ, ભુત, વર્તમાન અને ભવીષય તેમ જ ત્રણ દૈવી શક્તીઓ, સર્જન, સંમાર્જન, પરીવર્તન, ચેતનાનાં ત્રણ તત્ત્વો, અમરત્ત્વ, સર્વજ્ઞતા અને આનન્દનાં સુચનો અને સમાવેશ થાય છે.

પુરાણમાં ઓમનો ખ્યાલને વીસ્તારવામાં આવ્યો છે. વાયુપુરાણમાં ઓમ એ ત્રીમુર્તી, બ્રહ્મા(A), વીષ્ણુ(U) અને મહેશ(M)નું પ્રતીનીધીત્વ કરે છે એમ કહેવામાં આવ્યું છે. વળી, AUMના ત્રણ ધ્વની, ત્રણ વેદો, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદનાં પ્રતીક છે. શીવપુરાણમાં શીવને ઓમ સાથે સરખાવી બન્નેનો મહીમા ગાવામાં આવ્યો છે.

બૌદ્ધ ધર્મમાં મન્ત્રો તેમ જ ધરણીના આરમ્ભમાં ઓમને મુકવામાં આવે છે. જેમ કે ‘ૐ મની પદમે હમ’(Om Mani Padme hum)

શીખ ધર્મમાં ગુરુ ગ્રંથસાહેબમાં IK, Omkara તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. IK, Omkaraનો મુળ મન્ત્રને ગુરુ ગ્રંથસાહેબની શરુઆતમાં મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે.

જૈન ધર્મમાં ઓમ એ પંચ પરમ સ્થીતીનો ઉલ્લેખ કરવાનું લઘુ, ટુંકું સ્વરુપ છે. A+A+A+OMAAAUM (અથવા ઓમ) એ પાંચ પરમ સ્થીતીઓ માટેના આદ્યાક્ષરો છે – ‘અરીહંત, અશીરી, આચાર્ય, ઉપાજનીય, મુની.’

વીદ્વાનો કહે છે તેમ, મન્ત્રો તમને તમારા બાહ્ય વીશ્વથી અલગ પાડી, તમારા આંતર વીશ્વ આત્મા સાથે એકાકાર થવાનો અનુભવ કરાવે તે માટેનું સાધન છે. એ તમારા આત્મા, ચીત્તનું બ્રહ્માંડના પરમ તત્ત્વ સાથે જોડાણ કરાવે છે.

એમ કહેવાયું છે કે જૈન ધર્મમાં અરીહંતનો ‘અ’, સીદ્ધીનો ‘સી’ આચારનો ‘આ’, ઉપાધ્યાયનો ‘ઉ’ અને સાધુનો ‘સા’ ભેગા કરતા જે ‘અસીઆઉસા’ થાય છે તેનું ટુંકુ સ્વરુપ ૐ–ઓમ છે.

ૐ આ પ્રતીક વીશ્વના સર્જનનું, મૈથુનનું પ્રતીક છે એવું પણ જણાવવામાં આવ્યું છે.

ભારતમાં ઘણા વીદ્વાન, શાસ્ત્રોના અભ્યાસીઓ, મન્ત્રશાસ્ત્રના સાધક–ઉપાસક તરીકે બહુ જાણીતા છે. તેઓ વીવીધ પ્રકારના મન્ત્રો દ્વારા દુ:ખ, દર્દ દુર કરવાના નીષ્ણાત છે. એટલું જ નહીં; પરન્તુ મન્ત્રથી કળશમાંનું જળ અભીમન્ત્રીત કરી આ જળનો રોગોના ઉપચાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત મન્ત્રેલું માદળીયું, સીક્કો વગેરેના ઉપયોગથી તેને સાથે ગળા કે ખીસ્સામાં રાખવાથી અત્યન્ત ફાયદાકારક પરીણામો મળે છે. વળી, વ્યક્તીની અનુપસ્થીતીમાં ફોટા કે ચીત્ર ઉપર પણ મન્ત્રોચ્ચાર દ્વારા ‘શક્તીપાત’ કરી ધારી અસર ઉપજાવવાના નીષ્ણાત છે. માંદી વ્યક્તી જાતે આ મન્ત્રશાસ્ત્રી પાસે ન આવી શકે તેમ હોય તો, તેના સગાં આ દર્દીનો ફોટો લાવી મન્ત્રશાસ્ત્રી પાસે ઉપચાર કરાવી શકે છે.

જેમાંનાં અવતરણો મન્ત્રો તરીકે વપરાય છે, તેવા ગ્રંથો, વેદો, ઉપનીષદો, ભગવદ્ગીતા, હનુમાન ચાલીસા કે શીવમહીમ્ન સ્તોત્રો વગેરે જેવા અનેક ગ્રંથો, પવીત્ર, પુજનીય મનાય છે. તેમની પુજા થાય છે અરે, વેદ, ભાગવત જેવા ગ્રંથોને પાલખીમાં બેસાડી કે મસ્તક ઉપર મુકી તેમની શોભાયાત્રાઓ કઢાય છે.

આવા મન્ત્રો તથા તન્ત્રો ધરાવનાર ગ્રંથોનો મહીમા માત્ર હીન્દુ ધર્મમાં જ નહીં, તમામે તમામ ધર્મો સમ્પ્રદાયોમાં થાય છે. માનવ સ્વભાવ તો સર્વત્ર સરખો જ, (વીચારવીહીન, રુઢીચુસ્ત) હોયને..

હીન્દુ ધર્મમાં કેટલાક અત્યન્ત બોલાતા, રટણ થતા, ઉપયોગમાં લેવાતા, માળા–જાપ થતા મન્ત્રો નીચે જણાવ્યા છે :

તમસો મા જ્યોતીર્ગમય ।

ૐ સહનાવવતુ, સહનૌભુનક્તુ ।

ૐ નમ: શીવાય ।

ૐ નમો ભગવતે વાસુદેવાય ।

ૐ શ્રી ગણેશાય નમ: ।

શ્રી કૃષ્ણ: શરણમ્ મમ ।

ગાયત્રીમન્ત્ર ।

મહામૃત્યુંજયમન્ત્ર ।

હનુમાન ચાલીસા વગેરે..

ગાયત્રી મન્ત્ર

ગાયત્રી મન્ત્રનો ઉલ્લેખ ઋગ્વેદમાં થયેલો છે. આ મન્ત્ર મુળત: તો સુર્યપુજાનો મન્ત્ર છે. ઋષી વીશ્વામીત્રે આ મન્ત્રનું સર્જન કર્યું છે. ગાયત્રી મન્ત્ર એ સુર્યના રુપમાં પરમ તત્ત્વની પુજા માટેનો મન્ત્ર છે કે, ‘હે સુર્યનારાયણ ભગવાન! તમારા જેવી પ્રચંડ શક્તી, ડહાપણ, પ્રજ્ઞા, અમારામાં આપો, અમને શક્તીમાન, પ્રેરીત બનાવો.’ આ મન્ત્ર ગાયત્રી છંદમાં લખવામાં આવ્યો છે એટલે એને ગાયત્રીમન્ત્ર કહેવામાં આવે છે. હાલમાં થતી આ વેદ મન્ત્રની ‘ગાયત્રી માતા’ તરીકે પુજા તેમ જ ગાયત્રીના નામે થતા હવન, મન્દીરો વગેરે આપણી વીચારણાની વીકૃતીઓ માત્ર છે.

મહામૃત્યુંજય મન્ત્ર

Death Conquering Mantra (ઋગ્વેદમાં 7.59.12)

ત્ર્યમ્બકં યજામહે સુગન્ધી પુષ્ટીવર્ધનમ્ ।

ઉર્વારુકમીવ બન્ધનાજન્મૃત્યો ર્મુકક્ષીય માડ્મૃતાન્ ।।

ઋષી માર્કંડેય આ મન્ત્રના પ્રણેતા છે. એક સમયે દક્ષ રાજાના શ્રાપથી ચન્દ્ર મુશ્કેલીમાં હતો ત્યારે ઋષી માર્કંડેય આ મહામૃત્યંજય મન્ત્ર રાજા દક્ષની પુત્રી સતી(પાર્વતી)ને, ચન્દ્રને મદદ કરવા માટે આપ્યો હતો. આ મન્ત્ર માનસીક, આવેગીક તેમ જ શારીરીક તન્દુરસ્તી માટે ફાયદાકારક મનાય છે. અને તે મોક્ષ મન્ત્ર છે, જે દીર્ઘાયુષ અને અમરત્વ બક્ષે છે. આ મન્ત્ર ભગવાન શીવની પ્રાર્થના કરે છે. ઘરમાં નબળી તબીયત, અન્તીમ કાળ, મૃત્યુનો ડર હોય ત્યારે મહામૃત્યુંજય મન્ત્રનું રટણ થાય છે. આ મન્ત્રના રટણ, પઠનથી, શીવે પ્રસન્ન થઈને ચન્દ્રને શ્રાપમાંથી મુક્તી આપી, મૃત્યુના મુખમાંથી બચાવ્યો અને વળી ચન્દ્રને પોતાના મસ્તક ઉપર સ્થાન આપ્યું.

ધાર્મીક સ્ત્રી–પુરુષો રોજ પાઠ–પુજા કરવાનો નીયમ ધરાવે છે. હમ્મેશાં કોઈને કોઈ મન્ત્રની માળા, રટણ અમુક સંખ્યામાં કરવી તેવો નીયમ ધરાવતા હોય છે. બ્રાહ્મણો વીશેષ કરીને ગાયત્રી મન્ત્રનો પાઠ કરે છે. આજે તો અનેક દેવદેવીઓના સમ્બન્ધે, મન્ત્રો, પાઠ જોવા મળે છે. સ્ત્રી–પુરુષો પોતાના આરાધ્ય દેવ, દેવી જેમ કે શ્રીનાથજી, શ્રીકૃષ્ણ, ગણપતી, હનુમાન, કાલીકા, અમ્બીકાના મન્ત્રોનું રટણ – પાઠ કરે છે. હનુમાન ચાલીસા એક અતી લોકપ્રીય મન્ત્ર છે. શ્રદ્ધાળુ ભક્ત માતાપીતા પોતાનાં સંતાનોને પણ ઈષ્ટદેવના નામના મન્ત્રની માળા કરવા માટે ફરજ પાડે છે. આ મન્ત્રપઠન કરવાનો એક જ હેતુ : જે તે દેવ, દેવી, ભગવાન તેમનાં કષ્ટનું હરણ કરે, તેમને આપત્તીમાંથી બચાવે, પરીક્ષામાં, ધંધામાં સફળતા અપાવે, સમસ્યા દુર કરે વગેરે..

શ્રી સદ્ ગુરુ એમ કહે છે કે મન્ત્રોચ્ચાર, મન્ત્રના રટણ–પઠનથી ભક્ત વ્યક્તીની તમામ આંતરીક શક્તીઓ પ્રગટ થાય છે. મન્ત્રોચ્ચાર વ્યક્તીને અગમ્ય, અગાધ શક્તી પુરી પાડે છે. પુરી સભાનતાથી એકશ્વાસે મન્ત્ર ભણવામાં આવે તો વ્યક્તીનું ચીત્ત પરમ આનન્દ અનુભવે છે અને પરમ તત્ત્વ સાથે એકાગ્રતા અનુભવે છે. અલબત્ત એ સાવધાની રાખવાની જરુર છે કે, જો આ મન્ત્રોનું પઠન પુરી તૈયારી તેમ જ ઈચ્છા વગર અને સાવ પ્રતીકુળ પરીસ્થીતીમાં, ગમે તે રીતે બોલીને, ખોટા ઉચ્ચારોથી કરવામાં આવે તો તન તેમ જ મન બન્ને ઉપર વીપરીત–નુકસાનકારક અસરો ઉપજે છે. સુન્દર, લયબદ્ધ ગીત સાંભળવાથી તમારું ચીત્ત એકચીત્ત અને પ્રફુલ્લીત બને છે. તેમ તમે મન્ત્રોચ્ચાર સાંભળો અને વાતાવરણ સાથે એકાકાર થઈ જીવો, તો મન્ત્રની લાભદાયી અસરો સાંભળનારને પણ થાય છે.

મન્ત્રોમાં શ્રદ્ધા ઉપજે તે માટે ધર્મપુરુષોએ મન્ત્રોચ્ચારના ફાયદા ગણાવ્યા છે.

(1) ચીંતા, તનાવ, અવસાદને ઘટાડે છે. (2) મગજમાં સ્રાવોનો પ્રવાહ વધે છે. (3) કુમળી લાગણીઓ પ્રગટાવે, ઉપજાવે છે. (4) રોગપ્રતીકારક શક્તીને વેગ આપે છે. (5) મુક્ત રીતે ફરી શકાય છે, માનસીક હળવાશ અનુભવવાથી આંતરીક વીચારશક્તી માટે દ્વાર ખોલે છે. (6) તેજસ્વીતા વધારે છે. (7) શક્તીમાં ઉર્જાનો વધારો કરે છે.

અત્રે જે મન્ત્રોનો ઉલ્લેખ કર્યો છે એ મન્ત્રોનું મહદ્ અંશે રટણ, પઠન કે ભજન રુપે ગાન થાય છે; પરન્તુ બીજા એવા અનેક મન્ત્રો દરેક ધર્મમાં છે, જે યન્ત્ર કામગીરી તેમ જ તાન્ત્રીક સાધનામાં તેના એક અનીવાર્ય ભાગ રુપે હોય છે. આવા મન્ત્રોની ચર્ચા યન્ત્ર, તન્ત્રની ચર્ચા સમયે તે સન્દર્ભમાં કરી છે. જાતજાતના મન્ત્રો, તેમનું મહાત્મ્ય તેમ જ તેમના જપ રટણથી કેટકેટલા ફાયદા થાય છે, જીવનનો ઉદ્ધાર થાય છે, જન્મારો ફળે છે. એવું બધુ કહેવામાં આવે છે; પરન્તુ જરા વીચારો કે તમે–આપણે–સૌ, રોજ તેમ જ વાતવાતમાં જાતજાતના મન્ત્રો, ગાયત્રી, ઓમ્ બોલીએ છીએ; છતાં પણ આપણા જીવનમાં કેટકેટલી મુશ્કેલીઓ તો આવે જ છે. તો પછી આ મન્ત્રો નીરર્થક પ્રલાપ જેવા નથી લાગતા?

ગાયત્રી મન્ત્ર અણુશાસ્ત્ર જેવો અત્યન્ત શક્તીશાળી મનાય છે. તો પછી આતંકવાદીઓ સામે લડવા આવે ત્યારે ગોળીઓ છોડવાને બદલે લાઉડસ્પીકર ઉપર આ મન્ત્ર કેમ બોલવામાં આવતો નથી? મન્ત્રોના ડરથી દુશ્મનો ભાગી જાય છે ખરા? ચીન સામે લશ્કર ખડું કરવાને બદલે મન્ત્રશાસ્ત્રી પંડીતોને જ મોકલવા હતા. વાસ્તવમાં તો મન્ત્રો કેવળ સાંભળવા ગમે તેવા ધ્વનીવાળો બકવાસ છે. મન્ત્ર બોલવાથી જીભ, હોઠને કસરત થાય પછી મોઢું દુખવા માંડે, વીશેષ કંઈ નહીં.

જૈન ધર્મમાં મન્ત્રો

જૈન ધર્મના મન્ત્રો

નવકાર મન્ત્ર જૈન ધર્મમાં બહુ જ કેન્દ્રીય મન્ત્ર છે. ધ્યાન, ભક્તી કરવામાં આ મન્ત્રનો ઉચ્ચાર સૌથી પ્રથમ થાય છે. આ મન્ત્રને પંચ નમસ્કાર મન્ત્ર, નવકાર મન્ત્ર અને નમસ્કાર મન્ત્ર પણ કહે છે. આ મન્ત્રના રટણ સમયે ભક્તજન પાંચ પરમ સ્થીતીઓને નમન કરે છે.

અરીહંત : જેણે ચાર દુષ્ટ કર્મોનો નાશ કર્યો છે.

સીદ્ધ : મુક્ત, મોક્ષ પામેલો આત્મા

આચાર્ય : આધ્યાત્મીક ગુરુ–વડા

ઉપાધ્યાય : થોડા ઓછા ઉતરતા પ્રભાવવાળો સાધુ

સાધુ : સંત–સાધુ–ઋષી

ણમો અરીહંતાણં : હું વીજેતા અરીહંતોને નમન કરું છું.

ણમો સીદ્ધાણં : સીદ્ધોને નમન કરું છું.

ણમો આયરીયાણં : આચાર્યને નમન કરું છું.

ણમો ઉવજ્જાયાણં : ઉપાધ્યાયને નમન કરું છું.

ણમો લોએ સવ્વ સાહુણં : સાધુ–સંતોને નમન કરું છું.

એસોપંચ નમુક્કારી : આ પાંચ જાતના સર્વ પાપોને નાશ કરો

સવ્વપાવપ્પણાસણો

મંગલાણમ્ ચ સવ્વેસીં

પઢમમ્ હવઈ મંગલમ્

તમામ પવીત્ર મન્ત્રોમાં આ મન્ત્ર સૌથી વધારે પવીત્ર છે.

જૈન ધર્મમાં આવા 17 મન્ત્રો છે. દરેક મન્ત્ર પોતાની આગવી પ્રતીભા ધરાવે છે, એ દરેક મન્ત્ર વીશીષ્ટ નાદ, ધ્વની, સ્પન્દનો ઉપજાવે છે. આ રીતે વૈશ્વીક ઉર્જા પરાવર્તન થાય છે. મન્ત્રની શક્તી, પ્રભાવ ઉમદા હોય અથવા ફુંર પણ હોય.

જૈનબન્ધુઓને આપણે પુછીએ, અને આપણે જોઈએ છીએ પણ ખરા, કે રોજનું દૈનીક કાર્ય દેરાસરમાં જઈને મન્ત્રપુજા કરવાથી શરુ થાય છે. એવા ‘પરમ પવીત્ર જૈન’ ઘર આવ્યા પછી ધંધા–વ્યવસાય જીવનની નીતીરીતીમાં, શું કરે છે? મન્ત્રનો–પુજાનો તેમના દૈનીક–નૈતીકતા ઉપર કોઈ પ્રભાવ પડે છે ખરો? તો પછી આ મન્ત્રો પુજાપાઠ એ માત્ર ઢોંગ, દૈનીક ટેવ, બ્રશ કરવાની જેમ ન કહેવાય? કોઈ પણ ધર્મમાં મન્દીર, મસ્જીદ, ચર્ચમાં જવાની સાર્થકતા ખરી? આ તો યન્ત્રવત્ રીતે થતો દૈનીક, અઠવાડીક કર્મકાંડ છે.

બૌદ્ધ ધર્મમાં મન્ત્ર

અવલોકીતેશ્વર મન્ત્ર ઓમ મણી પદમે હમ્

ઓમ મણી પદમે હમ્ – એ બૌદ્ધ ધર્મનો વીશેષ કરીને તીબેટમાં પ્રાથમીક, પાયાનો મન્ત્ર છે. આ મન્ત્રોના રટણનો હેતુ પ્રકાશ, અતીજ્ઞાન ઉપજાવવાનો છે. તેમ જ મન્ત્રો ધ્યાન ધરવામાં પણ માધ્યમરુપ હોય છે. આ મન્ત્રને અવલોકીતેશ્વર મન્ત્ર પણ કહે છે. આ ઉપરાંત બીજા મન્ત્રો છે. શક્યમુની મન્ત્ર, અમીતાભા મન્ત્ર, ધવલ તારા મન્ત્ર, લીલા તારા મન્ત્ર, ઔષધ તારા મન્ત્ર, મંજુશ્રી મન્ત્ર, વજ્રપાણી મન્ત્ર, બોધીસત્ત્વ મન્ત્ર, બૌદ્ધ સ્ત્રીઓ માટેના મન્ત્રો વગેરે.. દલાઈ લામા કહે છે કે, ઓમ મણી – પદમે હમ્ મન્ત્રનું ઉચ્ચારણ પુરા ધ્યાન અને તેના અર્થની સમજ સાથે કરવું જોઈએ. તો જ આ મન્ત્ર દ્વારા ઉપજતો પ્રભાવ પ્રગટ થશે.

ઉપર બતાવેલા દરેક મન્ત્રનો અલગ અલગ ખાસ હેતુ છે. અને તેના અલગ અલગ પ્રકારના પ્રભાવ પડે છે. મન્ત્રોના રટણથી આધ્યાત્મીક શીસ્ત વધે છે તેની સાથે ધ્યાનથી સાંભળવાનું કૌશલ વધે છે. તેમ જ આંતરીક ઉર્જામાં વધારો થાય છે અને અન્ય લોક પ્રત્યે કરુણાનું વર્ધન થાય છે. આ મન્ત્રોનું રટણ ભક્તી, ઉપકારભાવ, કરુણા, અનુકમ્પા, પરાનુભુતી ભાવ વગેરે ઉપજાવે છે.

બુદ્ધમ્ શરણમ્ ગચ્છામી ।

સંઘમ્ શરણમ્ ગચ્છામી ।

ધમ્મમ્ શરણમ્ ગચ્છામી ।

આ મન્ત્રનો હેતુ એ સમજાવાનો છે કે કોઈ ઉચ્ચતમ્ શક્તી, પરમ તત્ત્વ છે અને આપણે તેના શરણમાં જવાનું છે. આ રીતે શરણમાં જવાથી પરમ તત્ત્વ સાથે એકાકાર થઈ જવાય છે અને જે ઉચ્ચતમ્ ઉર્જા, શક્તી છે તેનું અંગ, ભાગ બની જવાય છે.

ઈસ્લામમાં મન્ત્ર

કોઈ પણ સમયે કોઈ પણ ઈસ્લામી પ્રાર્થના શરુ થાય તે ‘બીસ્મીલ્લા–હીર્–રહમા નીર્–રહીમ’ના સ્તવનથી જ આરમ્ભ થાય છે. અયાતુલ કુરસી એ એક અત્યન્ત શુભ તેમ જ કલ્યાણકારી, શક્તીશાળી મન્ત્ર છે. જે અત્યન્ત શેતાની પરીબળોમાંથી બચાવ કરે છે. ઉપરાંત આપણી દુન્યવી સમસ્યાનો ઉકેલ લાવે છે.

દુરુદ શરીફ પણ બીજો એક શક્તીશાળી મન્ત્ર છે. જેનો અર્થ થાય છે, તમારા આશીર્વાદ મુહમદ અને તેના પરીવારજનો પર વરસાવો. ઈસ્લામમાં ધન પ્રાપ્તી, નોકરી પ્રાપ્તી, સૌંદર્ય પ્રાપ્તી, પ્રેમમાં સફળતા, જીન–પ્રેતનો નાશ, કાળા જાદુની અસર નકારવા નમાઝ પઢવા માટે આઝાન, સર્વ કાર્ય સીદ્ધી, પત્ની ઉપર કાબુ નીયન્ત્રણ પ્રાપ્ત કરવા વગેરે માટે અલગ અલગ મન્ત્રો જોવા મળે છે.

નમાઝ પઢવા માટે ચોક્કસ પ્રકારનું આસન, બેસવાની રીત હોય છે તેમ જ હાથ પગની ચોક્કસ પ્રકારની ક્રીયાઓ સાથે જ નમાજની પ્રાર્થના, મન્ત્રનું અને તે પણ ચોક્કસ રીતે જ રટણ કરવાનું હોય છે.

ખ્રીસ્તી ધર્મમાં મન્ત્રો

ખ્રીસ્તી ધર્મમાં બાઈબલ એક જ અને અગત્યનો ધર્મગ્રંથ છે. બાઈબલમાં માત્ર એક જ અધીપતી ગૉડ(God)ની કલ્પના છે અને તેની જ પ્રાર્થના થાય છે. આ Godના પ્રતીક રુપ તેના પુત્ર જીસસની મુર્તી, ફોટા તેમ જ જીસસની માતા મેરીની મુર્તી કે ફોટા સમક્ષ કે ક્રોસ વધસ્તમ્ભ સમક્ષ નતમસ્તક પ્રાર્થના, ધ્યાન થાય છે. ચર્ચમાં પ્રાર્થના કરવામાં ગોસ્પેલ ગવાય છે; પરન્તુ મૌન રહીને કેટલાક મન્ત્રોનાં ઉચ્ચારણો પણ થાય છે. આ પ્રાર્થના મન્ત્રોચ્ચાર કરવામાં Psalm 69-2. ‘O God come to my assistance, Oh God make haste to help me’ની મોટેભાગે મૌન રહીને પ્રાર્થના કરવામાં આવે છે. આ પ્રાર્થના, રટણ કરવામાં ચોક્કસ પ્રકારનું આસન ઘુંટણીયે પગ વાળી બેસી શરીરને આગળ નમાવવું વગેરે રીતે કરવામાં આવે છે.

અલબત્ત, જીસસે ચેતવણીના સુરમાં આદેશ આપ્યો છે કે પ્રાર્થના કે મન્ત્રોચ્ચારમાં સતત રટણ કરવાનું નથી. તેમ જ અસમ્બન્ધીત ઉચ્ચારણો, વીધાનો પણ કરવાં નહીં. ઘણા શબ્દો તેમ જ મોટેથી બોલવાથી કંઈ તમારી અરજ, પ્રાર્થના વધારે અસરકારક રીતે ગૉડને પહોંચે એવું માનવું ભુલ ભરેલું છે; કારણ કે, જીસસની પ્રાર્થના કરવામાં, મન્ત્રો પઢવામાં એમ કહેવાય છે કે તમે Fatherને અરજ કરો છો અને વ્યક્તી પોતાના Fatherને અરજ કરે ત્યારે, તેણે યન્ત્રવત એકની એક વાત વારંવાર કહેવાની, સતત રટણ કરવાની જરુર હોતી નથી.

બાળક બાપને એમ કહે છે કે, Daddy I love You. I know You Love me. Here is what I Need. Daddy, Would You Please Help me!

ખ્રીસ્તી ધર્મમાં માળા

બાઈબલમાં અન્ય ધર્મોમાં છે તેવા મન્ત્રો નથી; પરન્તુ Psalms, Hymns અને આધ્યાત્મીક ગીતો છે. જે ગાવાના સુરમાં ગાઈને રજુ કરવાના હોય છે. એટલે બહુ બહુ તો આ સ્તોત્રો ગાવામાં સુન્દર, આનન્દ, ધ્વનીઓ ઉત્પન્ન કરી શકે; પરન્તુ તેમનું વારંવાર રટણ કરવાની જરુર નથી. Rosary એટલે મણકાની માળા. જેનો વીશેષ કરીને ખ્રીસ્તી કેથોલીક પંથના અનુયાયીઓ ઉપયોગ કરે છે. આ માળામાં જાતજાતના મણકા હોઈ શકે છે. લાકડાથી માંડીને રંગીન, કીમતી પથ્થરો મોતી, કાચ, ક્રીસ્ટલના વગેરે.. રોઝરીની રચનામાં 150 મણકા હોય છે. પ્રથમ ક્રોસ મોટો મણકો હોય પછી બીજા મણકા હોય છે. મણકા ફેરવતી વખતે પ્રાર્થના મન્ત્ર બોલવાના હોય છે.

શીખ ધર્મમાં મન્ત્રો

શીખ ધર્મમાં ગુરુદ્વારામાં કોઈ ઈશ્વર, ભગવાનની મુર્તી હોતી નથી; પરન્તુ ધર્મગ્રંથ ‘ગુરુ ગ્રંથસાહેબ’ની સમક્ષ સતત વાંચન, મન્ત્રોચ્ચાર, પ્રાર્થના, પુજા કરી ભક્તી કરવામાં આવે છે.

ગુરુબાનીનો દરેક શબ્દ મન્ત્ર કહેવાય છે અને દરેક શબ્દનો અલગ અર્થ અને ઉપયોગીતા છે.

ગ્રંથસાહેબના આરમ્ભમાં જ જે મન્ત્ર છે તેને મુળ મન્ત્ર કહેવામાં આવે છે અને તે ગુરુ નાનકદેવની રચના છે એમ કહેવાય છે. ગ્રંથ સાહેબનો બાકીનો ભાગ એવા મુળમન્ત્રનાં વીસ્તરણરુપે જ છે.

ઈકઓમકાર, વાહ રે ગુરુ સતશ્રી અકાલ વગેરે મન્ત્રો કહેવાય છે.

ઈકઓમકાર (IK Omkar) મન્ત્રનો મુળ અર્થ છે There is one God. સૃષ્ટી એમાંથી પ્રગટ થઈ છે. તેનાથી શીખ ધર્મમાં એકતાનું સ્થાપન થાય છે.

ઋગ્વેદમાં 10 મંડળમાં 90મું પ્રકરણ પુરુષસુક્તની બહુ જ જાણીતી પ્રાર્થના મન્ત્ર છે. આ મન્ત્રનો અર્થ એ થાય છે કે ‘પુરુષ અને પ્રજાપતી બન્ને એક અને સમાન છે. આ પુરુષથી કોઈ પણ ચડીયાતું કે ઉત્તમ નથી. જે આ પુરુષને જાણે છે તે ‘મુક્ત’ થઈ જાય છે. તેનો મોક્ષ થાય છે અને અમર બની જાય છે.’

અગત્યની બાબત એ છે કે આ પુરુષસુક્ત જેવું જ કથન બાઈબલમાં છે. આવા જ પ્રકારનાં કથન જીસસ નઝારેથના સમ્બન્ધમાં છે.

ઉપનીષદમાં અસતો મા સદ્ગમયનો જે મન્ત્ર, પ્રાર્થના છે, તે સંસ્કૃત ભાષામાં હોય એ સ્વાભાવીક છે; પરન્તુ તેવી જ, તેવા જ અર્થ ધરાવતી પ્રાર્થના, મન્ત્ર, મધ્યપુર્વમાં ઈઝરાયેલી પયગમ્બર ઈસાઈઆહે(Isaiah) હીબ્રુ ભાષામાં રજુ કરી છે.

આવાં અવતરણો બતાવે છે કે સુખ, સમૃદ્ધી, શાંતી માટે, અમરત્વ પામવાની માનવઝંખના છે, જેને પ્રદેશ, ભાષા, સંસ્કૃતીના વાડા મર્યાદા નડતા નથી. માણસ તો સર્વત્ર માણસ જ છે.

દરેક ધર્મમાં કોઈ ને કોઈ પ્રકારની પુજાવીધી કરવામાં આવે છે. જેમ કે મન્દીરમાં હવન, યજ્ઞ; ચર્ચમાં પ્રાર્થના; મસ્જીદમાં નમાજ વગેરે.. મન્ત્રોચ્ચાર એ તેનું અનીવાર્ય પાસું છે.

મન્ત્ર અને પ્રાર્થના વચ્ચે થોડોક તફાવત, ભેદ છે. બન્ને એક સાથે હોય; પરન્તુ બન્ને એક જ નથી, મન્ત્રો કોઈ પણ સમયે, સ્થળે અને સંસ્કૃત ભાષામાં જ બોલાય, ગુજરાતી, હીન્દી કે અન્ય ભાષામાં ભાગ્યે જ. જ્યારે પ્રાર્થના એ ભક્તની પ્રાદેશીક ભાષા ગુજરાતી, હીન્દી, તામીલ કે મરાઠી ગમે તે ભાષામાં, તેની ગામઠી બોલીમાં પણ હોઈ શકે. મન્ત્રમાં શબ્દોના ધ્વની, નાદ, ઉચ્ચાર અને તેનાથી ઉત્પન્ન થતાં સ્પન્દનો મહત્ત્વ ધરાવે છે. ત્યારે પ્રાર્થનામાં ધ્વની, શબ્દોના અવાજ કરતાં ભક્તની ભાવભરી રજુઆતનું વધારે મહત્ત્વ છે. કાલી ઘેલી ભાષામાં પણ પ્રાર્થના થાય.

હીન્દુ ધર્મમાં મન્ત્રોની વીશેષતા

અન્ય ધર્મો કરતાં હીન્દુ ધર્મમાં જાતજાતના દેવદેવીઓ માટેના મન્ત્રો, જાતજાતની પુજાવીધીઓ કરવા માટેના મન્ત્રો રચવામાં આવ્યા છે. વળી મન્ત્રોની સાથે યજ્ઞો, જેમ કે ગાયત્રી યજ્ઞ, હોમ, હવન, ચંડીપાઠ વગેરેનાં અનેક વૈવીધ્યવાળાં વીધીવીધાનો છે. મોટે ભાગે પાઠ, હોમ, હવન, મન્ત્રવીધી માણસો જાતે કરતા નથી. અને તેથી આ મન્ત્રોના કર્મકાંડ કરાવવા માટે પુજારીઓ, પંડીતોનો ખાસ વર્ગ ઉભો થયો છે. આ પુજારીઓ, પંડીતો લોકો વતી પાઠ, પુજા, મન્ત્ર–યજ્ઞ કરવા–કરાવવાનો વ્યવસાય કરે છે. આ પુજારીઓ યોગ્ય નાણાંકીય ફી, દક્ષીણા લઈને યજમાનો વતી કામ કરે છે. મન્ત્રો, કથા સાંભળવાથી પણ પુણ્ય મળે છે. હીન્દુ ધર્મમાં કથાકારો ભાગવત, રામાયણની સાપ્તાહીક કથા–પારાયણ દ્વારા ભાવીક શ્રોતાઓને પુણ્ય કમાવી આપે છે. આજના ટેકનોલૉજીના યુગમાં નવાં ઉપકરણો સામેલ કરી, આ મન્ત્રશાસ્ત્રને પણ આધુનીક બનાવવાના પ્રયાસો થાય છે.

મન્ત્રો દ્વારા રોગોપચાર Mantropathyનું ટુચકાશાસ્ત્ર પણ વીકસ્યું છે.

મન્ત્રોની નીરર્થકતા, માત્ર શાબ્દીક વ્યાયામ

આપણે કેટલા બધા શ્રદ્ધાળુ અને ઈશ્વરભક્તીવાળા છીએ? આપણી સવાર પથારીમાંથી ઉઠતાં જમીન ઉપર પગ મુકતાં ધરતી માતાની ક્ષમા માગતો મન્ત્ર, શ્લોકથી શરુ થાય છે. સ્નાન કરતી વખતે, પુજા–પાઠ કરતી વેળાએ, ભોજન સમયે, સાયંકાળે દીવાઓ કરતી વેળા, રાત્રે શયન વેળા એમ દરેક વખતના વીશીષ્ટ ખાસ મન્ત્રો છે, જે ટેવવશ આપણે બોલી નાખીએ છીએ અને આપણે આ રીતે ભક્તી કરવામાં મન્ત્રો રાખવામાં ફળની અપેક્ષા રાખીએ છીએ; પરન્તુ વીચાર કદી કરો છો કે આ મન્ત્રો બોલવાથી કોઈ પરીણામ ફળ મળતાં નથી જ, સીવાય કે આપણી જીભ ગળાને વ્યાયામ થાય. વળી પાછા આવા મન્ત્રો બોલનાર તો પરમ ધાર્મીક, પ્રામાણીક, ન્યાયી કહેવાય. તમે તમારી જાતને પ્રશ્ન પુછ્યો છે કે તમે ખરેખર તમારા અન્ય સાથેના વ્યવહારોમાં ન્યાયી, પ્રામાણીક છો? ભેદભાવ વગરની નીતીવાળા છો? આવું ભાગ્યે જ કોઈકના કીસ્સામાં હોય!

ટુંકમાં, આપણે બેધારું, બનાવટી જીવન જીવીએ છીએ. આ મન્ત્રો આપણને ‘પવીત્ર’ બનાવવાને બદલે ‘ઢોંગી’, અપ્રામાણીક બનાવે છે. માત્ર કોઈક પ્રકારના શબ્દો બોલવાથી, રટવાથી જો પરીણામો આવતાં હોય તો, આપણે મહેનત કરવાની શી જરુર છે? મહામૃત્યુંજયમન્ત્ર પાઠથી મૃત્યુ ઠેલાતું હોય તો, હૉસ્પીટલમાં શા માટે જવું? હનુમાન ચાલીસાથી કેસ જીતાતો હોય તો, કોર્ટ, કચેરીમાં શા માટે જવું? વકીલને ફીનાં નાણાં આપવાં? ‘જય સ્વામીનારાયણ’, ‘હરી ૐ’ લખવાથી પાસ થવાતું હોય તો વાંચવાની મહેનત કરવાની શી જરુર? મન્ત્રો, પાઠ, પુજાના, અર્થહીન, વીવેક વગરના કર્મકાંડો છોડી પ્રામાણીકપણે મહેનત કરવાની હોય છે.

મન્ત્રોચ્ચારથી શત્રુનાશ થતો હોય તો ટેન્કો, વીમાનો, તોપો વસાવવાને બદલે પંડીતોને ભેગા કરી કાશ્મીર, પાકીસ્તાન, ચીનની સરહદ ઉપર મોકલવા ઘણું સરળ કામ છે. આપણા સૈનીકો નાહક ‘શહીદ’ થાય છે. આપણી હીન્દુવાદી નીતી, ધર્મપરસ્ત નીતી ભવીષ્યમાં આવો અભીગમ અપનાવે તો લશ્કર, શસ્ત્ર, સરંજામનો કેટલો બધો ખર્ચ બચી જાય?

–ડૉ. બી. એ. પરીખ

ડૉ. બી. એ. પરીખની મનોવીજ્ઞાનીક સુઝ ધરાવતી આ રોચક પુસ્તીકા ‘મન્ત્રયન્ત્રતન્ત્રનું અવીજ્ઞાન’ પ્રકાશીત થઈ છે. (પ્રકાશક : સાહીત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત – 395 001 ફોન નંબર : (0261) 259 7882/ 259 2563  પૃષ્ઠ : 48, મુલ્ય : રુપીયા 50/-)માંનો આ ત્રીજો લેખ, પુસ્તકનાં પાન 12થી 22 ઉપરથી, લેખકના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક :

ડૉ. બી.એ. પરીખ, 154, સર્જન સોસાયટી, પાર્લે પોઈન્ટ, સુરત–395 007 સેલફોન : 99241 25201 –મેઈલ : bhanuprasadparikh@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ :  govindmaru@gmail.com

પુસ્તક સૌજન્ય અને પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ :  04/06/2018

24 Comments

 1. “દુરુદ શરીફ પણ બીજો એક શક્તીશાળી મન્ત્ર છે. જેનો અર્થ થાય છે, તમારા આશીર્વાદ મુહમદ અને તેના પરીવારજનો પર વરસાવો. ઈસ્લામમાં ધન પ્રાપ્તી, નોકરી પ્રાપ્તી, સૌંદર્ય પ્રાપ્તી, પ્રેમમાં સફળતા, જીન–પ્રેતનો નાશ, કાળા જાદુની અસર નકારવા નમાઝ પઢવા માટે આઝાન, સર્વ કાર્ય સીદ્ધી, પત્ની ઉપર કાબુ નીયન્ત્રણ પ્રાપ્ત કરવા વગેરે માટે અલગ અલગ મન્ત્રો જોવા મળે છે. ”

  “ધન પ્રાપ્તી, નોકરી પ્રાપ્તી, સૌંદર્ય પ્રાપ્તી, પ્રેમમાં સફળતા, જીન–પ્રેતનો નાશ, કાળા જાદુની અસર નકારવા” માટે મન્ત્રો ની નો ઉપયોગ ઍ પાખંડી મુલ્લાઑ, બનાવટી પીરો, બાબાઓ, બની બેઠેલા રૂહાની તત્વો ની નાણા ઓકાવવાની ચાલો છે.

  જો ધન પ્રાપ્તી મન્ત્રો થકી થતી હોય, તો ન ધંધો કરવાની જરૂરત છે, ન નોકરી કરવાની.
  જો નોકરી પ્રાપ્તી મન્ત્રો થકી થતી હોય, તો અભણ અને ભિખારી પણ કમીશનર કે કલેકટર બની શકે છે.
  જો સૌંદર્ય પ્રાપ્તી મન્ત્રો થકી થતી હોય, તો આફ્રીકા ની કાળા કોયલા જેવી હબસણ પણ ઐશ્વર્યા રાય બની શકે છે

  ધન પ્રાપ્તી, નોકરી પ્રાપ્તી, સૌંદર્ય પ્રાપ્તી, પ્રેમમાં સફળતા વગેરે માટે ન તો કુરાન શરીફ માં કે પયગંબર સાહેબ ના કથનો (હદીસ) માં કશું કહેવામાં આવેલ છે. આ બધું ધતીન્ગ સિવાય બીજુ કશું નથી.

  Liked by 3 people

 2. મંત્રો માત્ર બકવાસ છે. મંત્રો એક જાતનુ ધતિંગ છે. મંત્રોનુ પઠન,ગાયન જેને ગમે છે તે રેશનાલીસ્ટ નથી.
  મંત્રો નકામી ચીઝ છે. તમારી પાસે મંત્રોની ચોપડીઓ હોય તો કચરાપેટીમાં આજે જ નાખી દો. કોઇ યજ્ઞમાં જવાનુ બંધ કરી દો. મંત્રો માત્ર કોઇ મૂર્ખ માણસના ભેજાની પેદાશ છે.
  મંત્ર એક હંબગ વસ્તુ છે, પરંતુ અર્ધ રેશનાલીસ્ટો આ લેખમાંનુ વિગતે આપેલુ વર્ણન વાંચીને તેનાથી રાજી રાજી થાય તો નવાઇ નહીં!!!!!!!!
  મંત્રો બિનજરૂરી નિરર્થક વસ્તુ હોવા છતાં તેનો ઉપયોગ,તેનો ઇતિહાસ વિ. લેખકે આકૃતિઓ સાથે એવો સમજાવ્યો છે કે આ લેખ રેશનલ લાગે નહીં.
  ખૈર, લેખકની જેવી સ્ટાઇલ હોય તેવી, પરંતુ કોઇ મિત્રો આ લેખ વાંચીને મંત્રો પ્રત્યે પ્રેમ પ્રગટાવતા નહીં. નહીં તો બકરુ કાઢતા ઉંટ પેસી જશે!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
  @ રોહિત દરજી ” કર્મ ” , હિંમતનગર
  મો. 94267 27698

  Liked by 3 people

  1. આપની વાત સાથે પુર્ણ સહમત છું. અને મંત્રનું ધંતિગ યુગોથી ચાલતુ આવ્યું છે. અને ચાલતું રહેશે. મંત્રોથી ફક્ત માનસિક આધાર મળે છે. એક જાતનું પલાયન.. માનસિક પલાયન..

   અને આ લેખ કહેવાતા રેશનલિસ્ટ ગોવિંદભાઈ મારુ દ્વારા રજૂ થયું એટલે થોડો આઘાત પણ લાગ્યો.

   મંત્રોના લેખક કોણ? એ જપવાથી કે ભજવાથી ફાયદા થાય એનું કોણ પરિક્ષણ કરે? કેવી રીતે કરે?મંત્રો વિગ્નાનિક જ નથી.

   Liked by 2 people

   1. અભીનન્દન આપવાને બદલે “અને આ લેખ કહેવાતા રેશનલિસ્ટ ગોવિંદભાઈ મારુ દ્વારા રજૂ થયું એટલે થોડો આઘાત પણ લાગ્યો. “ ??!!!!!

    Liked by 3 people

 3. Govind bhai “ત્રીજો લેખ, પુસ્તકનાં પાન 12થી 22 ”
  You have given complete picture of all religions mantras – meaning & also difference between mantra & our famous bhajan to express our bhav.
  And at end expressed it’s only exercise of mind & tongue – that is great message – for people .

  Liked by 2 people

 4. Highly scholarly and researched article. the author is merely preparing a back ground, to refute in later chapters. But as Rohitbhai has mentioned in a preceding comment, many people will take different inference and glorify this humbug ideology of Mantras. This has already happened, as one gentleman got so much impressed by Dr. Parikh’s presentation that he gets peace and solace by reciting Navkar Mantra and he saved that article. Thus the danger is there that people will read this and understand differently.( just like Aankhnu kajal gale ghasyu )
  But have patience later on we read more on refutation of this kind of nonsense, he has already clarified several points in the article itself.

  Liked by 3 people

 5. બધા ઋષિઓમાં સૌથી વધુ નિંદનીય કૃત્યો કરનાર વિશ્વામિત્ર હતા. તે પોતાની નવજાત પુત્રી કોઈ મનુષ્યને સોંપવાને બદલે મોરલાઓને ભરોસે છોડીને ચાલી જવા જેટલા અમાનવીય અને બેદરકાર હતા. વસિષ્ઠની ગાય પચાવી પાડવા માટે વારંવાર ષડયંત્રો કરેલા. બિચારા ત્રિશંકુને અધવચ્ચે લટકાવ્યો. આવા ઋષિએ રચેલા ગાયત્રી મંત્રથી કોઈનું પણ ભલું થાય જ કેમ કરીને?

  Liked by 1 person

 6. I think reciting any mantras create effect of self hypnosis, & there is nothing wrong in recitations of mantras if it gives you peace–mental peace. It can be accepted as one type of therapy. & I don’t understand why the people who claim to be “RATIONALISTS ” say that it’s all nonsense .

  Liked by 1 person

 7. “છે સ્તુવ મીકાન નદ્દત ત્રોમં” નો જાપ રોજ સવારે ઉઠતા ઉંધેથી જપવાથી આપણા બધા જ પ્રશ્નો ઉકલી જાય છે એવો મારો જાત અનુભવ છે.

  Liked by 2 people

  1. “છે સ્તુવ મીકાન નદ્દત ત્રોમં” – ઉંધેથી જપવાથી – મંત્રો તદ્દન નકામી વસ્તુ છે 👌

   Liked by 1 person

 8. ડૉ. પરીખ કહે છે, “વળી પાછા આવા મન્ત્રો બોલનાર તો પરમ ધાર્મીક, પ્રામાણીક, ન્યાયી કહેવાય. તમે તમારી જાતને પ્રશ્ન પુછ્યો છે કે તમે ખરેખર તમારા અન્ય સાથેના વ્યવહારોમાં ન્યાયી, પ્રામાણીક છો? ભેદભાવ વગરની નીતીવાળા છો? આવું ભાગ્યે જ કોઈકના કીસ્સામાં હોય!”
  એમાં છેલ્લું વાક્ય ‘આવું ભાગ્યે જ કોઈકના કીસ્સામાં હોય છે’ આ કોઈક તે હું એવું કહેવાતા મોટા ભાગના દરેક ધાર્મીક માનતા હશે. અને તેથી જ આ દંભ ચાલતો રહે છે, અને કદાચ ચાલતો રહેશે. વળી દરેક કથનનો અર્થ વ્યક્તી પોતાને અનુકુળ હોય તે જ કરે છે, અને તેથી વ્યક્તી વ્યક્તીએ અર્થઘટન અલગ અલગ હોવાનું. એમાં રેશનાલીસ્ટોને દોષ દેવાનો કોઈ અર્થ નથી.

  Liked by 2 people

 9. I am glad to learn that there is very positive and appreciative response from almost all readers.
  Please read my other books also. Most books are between 60 to 100 pages. If any body interested in further talk with me he can contact me on my Email. I am always available.
  Thanks to Govindbhai and Uttambhai. B.A Parikh.

  Liked by 2 people

   1. ‘અભીવ્યક્તી’ બલૉગના દરેક લેખના અંતે લેખકની સધળી વીગત આપવામાં આવે છે.

    Liked by 1 person

 10. સુંદર લેખ.Rationalise શબ્દનો અર્થ જ પોતાની વાત વ્યવશ્થિત રીતે માંડીને સમજાવવી. શ્રી. પરીખે દરેક ધર્મમાં કહેલી વાત સમજાવીને પોતાની વાત કહી છે. આ બધા મંત્રોચ્ચારનો ઉપયોગ વ્યાયામ છે એટલું સમજીએ તો પણ ઘણું. એ સમજણ સાથે મંત્રોચ્ચાર કરો અને કર્મકાન્ડની છુટ્ટી કરો.

  Liked by 2 people

 11. આભાર જેટલો માનીઅે…પરીખ સાહેબનો અેટલો ઓછો પડે. ખૂબ જ ઊંડાણમાં રીસર્ચ કરીને આપણને વહેંચી.
  આંખ ઉઘાડનાર પાઠ.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 2 people

 12. હીન્દુ, બૌદ્ધ, જૈન, ખ્રીસ્તી, ઈશ્લામ, શીખ, વગેરે બધા ધર્મમાં અમુક તમુક મંત્ર હોય છે. એને સીધા વાંચો કે ઉલટા વાંચો, કે પછી ટુંકા અક્ષરોમાં અસીઆઉસા એમ વાંચો. બધું જ કાલ્પનીક છે. કાલસર્પ વીધી કરી ઠગાઈ કરવામાં આવે છે એવું જ આ મંત્ર ઉચ્ચાર બાબત સમજવું.

  આ મંત્રો ઉપર વીવેચન કરવું એ પણ ઠગાઈનો એક ભાગ સમજવો. માણસને છેતરવો સહેલો છે. વેદ, ઉપનીષદ, રામાયણ, મહાભારતમાં મંત્રોની બોલાબોલ જરુર છે. પણ છેવટે રામ અને કૃષ્ણને આપઘાત કરવો પડેલ છે.  કાલ્પનીક કથામાં રામ, સીતા, કૃષ્ણ, દ્રૌપદી, ગાંધારી કે કુંતીના મૃત્યુનો અભ્યાસ કરો. બધાનું અપમૃત્યુ થયેલ છે. 

  જેમને કરવી હોય એમણે કાળસર્પ વીધી માટે હજી તક છે. ઘરના માણસ કરતાં આ રામ કૃષ્ણ બાબત કાળસર્પ વીધી કરવી જોઈએ. વીધી વખતે રાષ્ટ્રપતી કે વડા પ્રધાનને આમંત્રંણ આપવું. ભુતપુર્વ ગવર્નર, રાષ્ટ્રપતી, કે ભુતપુર્વ મુખ્ય મંત્રીઓને પણ બોલાવવા.

  Like

 13. ઘુવડ ને સૂર્યની ખબર જ નથી હોતી. કારણ કે સૂર્ય જોયો હોય તો ને?
  એમ પેલા રોહિત દરજી અને નટવર મેહતા એ મંત્રની શક્તિ જોઈ જ ક્યાં છે? તો રશ્મિકાન્ત દેસાઈ વિશ્વામિત્રને દોષ દે છે. તમારા બધાની હેસિયત શું છે?
  you don’t have answer that why you born?
  You (Who are talking negetive on Mantra ) have never talk to yourself.

  Like

  1. ચર્ચાઓ કરવાને બદલે મન્ત્રનો પરચો પ્રત્યક્શ જોવા યુ ટ્યુબ ઉપર આ જોવા વીનન્તી.

   Liked by 1 person

  2. ચર્ચાઓ કરવાને બદલે મન્ત્રનો પરચો પ્રત્યક્શ જોવા યુ ટ્યુબ ઉપર આ જોવા વીનન્તી.

   Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s