ધર્મ પરિવર્તનની હાટડીઓ અન્ધશ્રદ્ધાના કારણે ચાલે છે

– નીતા સોજીત્રા (નીશો)

આજે એક સળગતા મુદ્દા વીશે વાત કરવી છે.

આમ તો ‘ધર્મ’ એ આપણા દેશનો સૌથી જ્વલનશીલ મુદ્દો છે. ધર્મના નામથી એક થનારો દેશ ધર્મથી જ સળગી જાય છે.

આપણો એક જ દેશ એવો છે જ્યાં સર્વધર્મ સમભાવનું સુત્ર અમલી છે. દરેકને પોતપોતાના ધર્મ વીશે બોલવા, માનવા, ઉજવવા, વીચારવા અને પ્રચારવાની છુટ માત્ર આપણા દેશમાં છે. આમ તો કોઈ પણ ધાર્મીક ગ્રંથો લઈ લો, બધા એક જ વાત કરે છે કે માનવતા મુકવી નહીં, ઈન્સાનીયત જ સૌથી મોટો ધર્મ છે. હા, ભાષા જુદી હોય; પણ વાત દરેક ધર્મ આ જ કરે છે.

મારે વાત કરવી છે શ્રદ્ધા અને અન્ધશ્રદ્ધાની. આજે પણ આપણા દેશમાં ધર્મના નામ પર અન્ધશ્રદ્ધા એટલી હદે ફેલાયેલી છે કે એ દુનીયામાં ડોકીયું કરો તો જીવન પ્રત્યેનો આપણો દૃષ્ટીકોણ બદલાઈ જાય.

આજે વીજ્ઞાને એટલી તરક્કી કરી છે કે માનવ શરીરમાં માત્ર પ્રાણ પુરવાનું જ બાકી રહ્યું છે. બાકી, વીજ્ઞાન આબેહુબ માણસ તૈયાર કરી દે છે. આગળ જતાં એ પ્રાણ પુરવાનું પણ શોધી લે તો નવાઈ નહીં, આજે જટીલ અને જીવલેણ મનાતા એવા કેન્સરનો પણ ઈલાજ શક્ય છે. ત્યારે આપણે દોરાધાગા કે ભુવા ભારાડીમાં માનીએ એ અજુગતું નથી? અને વાત માત્ર અભણ કે ગામડાના લોકોની નથી બહુશીક્ષીત અને શહેરી વીસ્તારના લોકો પણ આવી માન્યતા ધરાવે છે એ દુઃખની વાત છે.

એક ગામમાંથી કોઈ એક રખડતો ભટકતો વ્યક્તી પસાર થતો વીશ્રામ માટે કોઈ વૃક્ષની છાંયામાં લમ્બાવે છે. અને અચાનક કોઈ નગરવાસી નીકળે ને એમને મહાત્મા સમજી પગે લાગે, પોતાને ત્યાં જમવા નીમન્ત્રે અને ગામવાસીઓને એકઠાં કરે ને મહાત્માને ઝુંપડી બનાવી આપવાનું નક્કી થાય. આમ એક ઝુંપડી બને એ પછી તો સત્સંગ, પ્રસાદ અને ગોષ્ઠી ચાલે. ધીમે ધીમે આવા લે–ભાગુને સમજાય કે ગામ મુર્ખાઓથી ભરેલું છે એટલે ત્યાં રોગ ચીકીત્સા ચાલુ થાય. પ્રચાર થાય કે મહાત્મા હાથ ફેરવીને દર્દ મટાડી દે છે, આવી ન શકો તો દર્દીના કપડા લાવવા. કપડા સુંઘીને દર્દ ઓળખીને મટાડી પણ દે છે. આવા કીસ્સાઓ આપણા દેશમાં જ બને છે, ને એ પણ એક બે નહીં, હજારોની સંખ્યામાં. લોકો ક્યાં ક્યાંથી આવા સ્થળે દોડી જાય છે.

આજે પહેલાં જેવો સમય નથી લોકોમાં જાગૃતી આવી છે, ખાનપાન અને રહેણીકરણીના લીધે બીમારીઓ વધી છે. સાથે સાથે નાના ગામોમાં મલ્ટીસ્પેશીયાલીસ્ટ ડૉક્ટર્સની હૉસ્પીટલો પણ છે. અત્યાધુનીક સાધનોથી રોગનું પરીક્ષણ પણ શક્ય છે ત્યારે આવી અન્ધશ્રદ્ધા આપણને આખરે ડગાવી દે છે. દુઃખ કે બીમારી મટી જશે એ શ્રદ્ધા જરુરી છે; પણ લાખોના ખર્ચે થતા ઑપરેશન આમ કોઈ બાવો હાથ ફેરવીને મટાડે એવો વીશ્વાસ એ અન્ધશ્રદ્ધા નહીં તો બીજું શું?

ધર્મ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા એટલી હદે વધે કે એ આપણને આપણા ઈશ્વર અને કર્મ કે સમાજ થઈ દુર કરે ત્યારે એ શ્રદ્ધા મટીને અન્ધશ્રદ્ધા બને છે. પંજાબમાં બહુ મોટા પાયે આવા ધર્મપરીવર્તનો થઈ રહ્યાં છે. ઓરીસ્સામાં પણ પછાત લોકોથી લઈને શીક્ષીત અને સમૃદ્ધ લોકોને આવી વાતોમાં ફસાવી ધર્મપરીવર્તન કરાવવામાં આવે છે, એવી વાત પ્રકાશમાં આવી છે.

આજે પણ શરીરમાં માતાજી આવવા, ધુણવું, દોરાધાગા અને મેલીવીદ્યાથી લોકોને વશમાં કરવા અને વશીકરણ ઉતારવાના આવા કાંડ જો આમ જ ખુલ્લેઆમ ચાલતા રહેશે તો આપણો ધર્મ, આપણી સંસ્કૃતી ધીમે ધીમે એક ઈતીહાસ બનીને રહી જશે.

અન્ધશ્રદ્ધાનો ભયાનક ચીતાર જોવો હોય તો ગુગલ પર  No Conversion  પેજ સર્ચ કરશો તો આ વીષયની ગમ્ભીરતા આસાનીથી સમજાશે કે અન્ધશ્રદ્ધાના નામે ધર્મપરીવર્તનનું એક પીઠું ચાલે છે.

જાતને, ધર્મને અને દેશને આવા બાવાઓના હાથે લીલામ થતા બચાવવા એ આપણી ફરજ પણ છે અને એટલા તો આપણે માતૃભુમીના ઋણી પણ છીએ.

– નીતા સોજીત્રા (નીશો)

લેખીકા અને કવીયત્રી સમ્પર્ક :  

સુશ્રી. નીતા સોજીત્રા મેઈલ : nitasojitra1@gmail.com

વર્તમાન ન્યુઝ.com વીજાણુ દૈનીકમાં પ્રગટ થયેલ લેખ, તેઓની કૉલમ ‘વીચાર યાત્રા…’ (તા. 05 જુલાઈ, 2017)માંથી, લેખીકાના અને ‘વર્તમાન ન્યુઝ.comના સૌજન્યથી સાભાર…

રૅશનાલીસ્ટમીત્ર અને નીવૃત્ત આચાર્ય શ્રી. સુનીલ શાહે આ લેખ ‘અભીવ્યક્તી’ બ્લૉગ માટે  મોકલ્યો તે બદલ સુનીલભાઈનો આભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ :  govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 15–06–2018

15 Comments

 1. જાતને, ધર્મને અને દેશને આવા બાવાઓના હાથે લીલામ થતા બચાવવા એ આપણી ફરજ પણ છે અને એટલા તો આપણે માતૃભુમીના ઋણી પણ છીએ. –– નીતા સોજીત્રા (નીશો)

  આ પ્રકાર ના પાખન્ડી બાબાઓ, પીરો, ભુવાઓ, અને પાસ્ટરો પણ (ઉત્તર અમેરીકા માં ટેલીવેઝન ના કાર્યક્રમો મારફત) આ ઍકવીસમી સદી માં પણ પોતાના ગોરખધંધાઓ મારફત અન્ધશ્રદ્ધાળુઑ ને મૂર્ખ બનાવી ને પોતાનો ધંધો ચલાવી રહયા છે. આ કાર્ય ને લગામ લગાવવા માટે પ્રજા માં જાગૃતિ લાવવા ની સખત જરૂરત છે.

  Liked by 2 people

 2. This is only possible by legislative rule- which is not possible in our country.. to make it cast less- only National identity- like AAdhar number. But awareness articles are going to help few and those few spread further and like that makes Karawa– from single to many–its on going movment. thx Neeta Sojitra and Govindbhai

  Liked by 2 people

  1. ‘ધર્મ પરીવર્તનની હાટડીઓ અન્ધશ્રદ્ધાના કારણે ચાલે છે’ લેખને ‘RKD-रंग कसुंबल डायरो’ બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..

   Liked by 1 person

 3. ધર્મ પ રીવર્તન કરાવવા કે કરવાના કારણ જાણીતા છે. કરાવવાળા કયા તો પાખન્ડી સાધુ-ગુરુ હોય અથવા ધર્મ ના અનુયાયી ની સન્ખયા વધારવા। જે માટે દેશના બે ધર્મ જાણીતા છે–હીન્દુ ધર્મ કદી એવું કર્યું નથી. પરિવર્તન માટે પૈૈસા બહારથી જ આવે છે,ખેર આવું રોકવા માટે કોઇ કાયદો કરવો જ જોઈએ .

  Liked by 2 people

 4. મિત્રો,
  ઘર્મ પરિવર્તન માટે ભારતમાં સૌ પ્રથમ બે મુખ્ય કારણો ગણાવાયા છે અને આજે પણ તે બન્ને કારણો જ જીમ્મેવાર છે. ૧. વર્ણવ્યવસ્થા અને ૨. ગરીબી.
  અંઘશ્રઘ્ઘાને કદાચ ૨૦ ટકા કારણભૂત ગણાય.
  બીજો પોઇન્ટ કહેવો છે. આજકાલ આંતરઘર્મીય લગ્નો થાય છે. હિંદુ ને મુસ્લીમ કે હિન્દુ અને ખ્રિસ્તિ….વિ…વિ…આ બઘા પ્રેમ લગ્નો હોય છે. અથવા બીજા કારણો પણ હોઇ છકે….ગરીબી તો અેક કારણ ગણી જ શકાય.
  ઘર્મપરિવર્તનના ટોપીક ઉપર આપણે આ લેખમાં અંઘશ્રઘ્ઘ્ાની વાતને નીચોડી બેઠા છીઅે. રસ્તો બદલાઇ ગયો છે.
  વઘુ પછી લખીશ.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 2 people

 5. સ્વેચ્છાએ ધર્મ બદલવાનો વિચાર મને પણ આવેલો. બીજા ધર્મોનો અભ્યાસ કર્યા પછી માંડી વાળ્યો કારણ કે God is above and beyond all religions. અને It does not make sense to give up one imperfect religion in preference to another imperfect religion.
  લાલચ કે ધમકી આપીને અથવા છેતરપીંડી વડે કરાવવામાં આવતા ધર્મપરિવર્તનો ને “અંધશ્રધ્ધા પરિવર્તન” જ કહેવા જોઈએ.

  Liked by 2 people

 6. It is a good article but we should try honestly to find out the root cause of these things among poor people. I fully agree with Amrut Hazari’s views.

  Thanks,

  Pradeep H. Desai
  USA

  Liked by 2 people

 7. અભણ માણસો તો કદાચ સમજી શકાય પણ આપણા રાજકીય નેતાઓ એમાં ગળાડૂબ છે. જે આવે તે ગરીબ, અભણ લોકોને અંધશ્રધ્ધાને માટે ઝૂડી કાઢે છે. ઘણા લેખો લખે છે પણ કોઈ ખુલીને કેમ કહેતું નથી કે મોદી સાહેબ “આશારામ” પ્રત્યે તમારી અંધશ્રદ્ધા હતી? આ તો એક દાખલો આપ્યો એજ રીતે ઇન્દિરા ગાંધી પણ હતા. પણ કોઈની તાકાત ન હતી. ભુવાઓને ઉઘાડા પાડો એ સારી વાત છે. સામાન્ય રીતે ગરીબ પ્રજા આમાં ફસાયેલી છે પણ ભણેલા ગણેલા નેતાઓને કોઈ કઈ કહી શકતું નથી. વચ્ચે ગુજરાતના એક પ્રધાને આવું જ કઈ કર્યું હતું. મેં કોઈ પણ સુધારાવાદીને એમની ટીકા કરતો જોયો નથી. પ્રદીપભાઈએ કહ્યું તે સાચું જ છે કે એનું મૂળ શું છે? મૂળમાં તો આપણી ભ્રષ્ટાચારવાળી અને મોંધી સારવાર છે. પૈસા ખરચ્યાં પછી પણ કોઈ ઉપાય કારગત નથી થતા એટલે ગરીબ હતાશ માણસ ભૂવાઓ પાછળ પડે છે. ડોક્ટરોની પણ આખી ચેઈન હોય છે. જી.પી. ડોક્ટર સુપર સ્પેશ્યાલીસ્ટને પેશન્ટ મોકલે તો એનું તગડું કમીશન હોય છે. લેબવાળા સાથે, કેમીસ્ટ સાથે બધા ડોક્ટરોના કનેક્શન હોય છે. આ બધું સરકારે કંટ્રોલ કરવું જોઈએ અને ગરીબોને સસ્તે દરે સારવાર મળે તો પ્રશ્ન સહેલાઇથી ઉકેલાઈ જાય. ભુવાઓને કોઈને કડક સજા થઇ છે? કોઈ એવો કાયદો ઘડાયો છે કે આવા તત્વોને સજા થાય. આવા ભૂવાઓ કરતા તો મોટા ભૂવાઓ સંત/કથાકારોના નામે ધુપ્પલ ચલાવે છે, એમને રાજકીય નેતાઓનું પીઠબળ હોય છે. આવા સંતો/કથાકારો સામે ભોપાળું બહાર આવે ત્યારે કોર્ટમાં જ ૧૫/૨૦ વરસ નીકળી જાય. જ્યાં સુધી આ ભોપાળું બહાર નથી આવતું ત્યાં સુધી નેતાઓ એને ખુશ રાખે છે. આ લોકો માટે તો જેલમાં પણ મહેલ જેવી જ સગવડો નેતાઓ કરી આપે છે કારણ કે એમને વોટ બેંકો સાચવવાની હોય છે. મૂળમાં ખાટલે જ મોટી ખોડ છે, તેને સુધારવી જરૂરી છે.

  Liked by 2 people

 8. નીતાબેન, ધર્મપરિવર્તનમાં મારી સમજણ પ્રમાણે ત્રણ મુદા છે. લાલચ. જેતે સતાધીશ પક્ષ એ રાજા હોય કે સરમુખત્યાર હોય.ખાસ કરીને રાજા ને મોગલોના સમયમાં રાજાનો ધર્મ ગણાતો. રાજા બદલાય એટલે આપોઆપ પ્રજાનો ધર્મ બદલાય. ધર્મ રાજ્યાશ્રિત હતો. મોગલોના સમયમાં ધર્મપરિવર્તન કરનારને સારી નોકરીની લાલચ અપાતી. તો બળજબરીથી પોતાના તાબાના રાજ્યમાં વિજેતાનો ધર્મ ઠોકી બેસાડાતો. એ રીતે લોકોને વટલાવવામાં આવતા. આપણે ત્યા ખોજા, વોરા,મેમણ એવી મુસ્લીમોની પેટાજાતિ મુળ તો હિંદુ છે. હિંદુધર્મ એક જ એવો છે કે જેમાં હિંદુ બનવા જન્મલેવો પડે. એટલે એક વખત કોઇ કારણસર બીજા ધર્મમા ગયેલા ફરીથી હિંદુ બની શકતા નથી, એની સામે ખ્રિસ્તીધર્મમાં ધર્મપ્રચાર તલવારથી નહિ પણ પ્રેમથી થયો છે. દુનિયાના એવા અજ્ઞાતસ્થળોમાં ગરીબ,તરછોડાયેલા, ને મજબુર લોકોને એમની સાથે રહીને સેવા કરી છે. આફ્રિકામાં ને એમેઝોનનાજંગલોમાં પછાત ને બિમાર લોકોને ખાવાનું ને રહેઠાણ આપ્યા છે. એમના બાળકોને શિક્ષણ આપ્યું છે. લોકોએ એ પાદરી ને એ સેવિકાઓનું સ્વાર્પણ જોયું છે. દુનિયાના કોઇ ધર્મે ઇતર ધર્મના લોકોની આટલી સેવા કરી નથી. આપણા દેશમાં મધરટેરેસાએ જે કામ કર્યુ છેએ કેટલા ધર્મના નેતાઓએ કર્યુછે? આપણા ધર્મે જેને તરછોડીને સદીઓથી સમાજની ગંદકી ઉપાડવા મજબુર કર્યા છે એ લોકોને આ ધર્મે અપનાવ્યા છે ને માણસનો દરજ્જો આપ્યો છે. બાબાસાહેબ ડૉ. આંબેડકરે સાચું જ કહ્યું છે કે ‘જે ધર્મ તમને માણસ તરીકે જીવવાનો હક પણ ન આપે એ ધર્મમાં પડી રહેવાનો શું અર્થ છે?’

  Liked by 2 people

  1. સાચું. પણ અહીં વાત છે અંધશ્રદ્ધામાં કે કોઈના જાસામાં આવી જઈને ધર્મપરિવર્તન કરવાની . બીજું અંધશ્રદ્ધા પાછળ કારણ કોઈ પણ હોય પણ એ બુદ્ધિપૂર્વકનું પગલું તો નથી જ. અને પછાતવર્ગમાં થાય ત્યાં સુધી સમજી શકાય પણ શિક્ષિતવર્ગમાં પણ એનું પ્રમાણ ઊંચું છે.

   Liked by 2 people

 9. પોસ્ટના હેડીંગમાં ધર્મપરીવર્તનનો ઉલ્લેખ છે. 
  ગીતામાં વર્ણસંકરનો ઉલ્લેખ છે એ ધર્મપરીવર્તન કહેવાય.
  આમ ધર્મપરીવર્તન એટલે કે પોતાના ધર્મમાં શ્રદ્ધા ન હોવી એ ખબર પડી જાય છે.

  લેભાગુઓ, બાવાઓ, ધર્મગુરુઓએ પોતાના વાડામાં આવવા ઘેટાઓને અમંત્રણ આપ્યું. 
  ઘેટાઓ વાડા બદલવા લાગ્યા અને વરુઓને જલસા થઈ ગયા.

  કલ્પના કરો પોસ્ટમાં લખેલ છે કે …. પોતે આવી ન શકો તો દર્દીના કપડા લાવવા. કપડા સુંઘીને દર્દ ઓળખીને મટાડી પણ દે છે.

  છેલ્લા બે ચાર વરસમાં કોર્ટે ધર્મગુરુઓને સજા આપવાનું શરુ કરેલ છે. 
  કોઈક બચવા બંદુકનું નાળચું કપાળે મુકી બટન ડબાવેલ છે.

  પોસ્ટના અંતે લખેલ છે કે …  બાવાઓના હાથે લીલામ થતા બચાવવા એ આપણી ફરજ પણ છે….

  પોસ્ટ વાંચનાર, કોમેંન્ટ મુકનાર, આવી પ્રવૃત્તી કે બ્લોગ ઉપર સગવડ કરી આપનાર, 
  હજી ઘણું કરવાનું બાકી છે. કળસાથી અંધશ્રદ્ધાનો મહાસાગર ઉલેચવો છે.

  Liked by 2 people

 10. અંધ શ્રદ્ધા આપણા દેશમાં ” શરીરમાં લોહીનું ભ્રમણ” થાય એમ ફેલાઈ છે. ‘લોભીઆ હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે”. આ ઉક્તિ આપણા દેશના બાવાઓ, કહેવાતા ધર્મગુરૂઓ અને પ્રધાનો બરાબર જાણે છે. આપણી અભણ, લેભાગુ, અંધશ્રદ્ધાળુ પ્રજાનો ગેરલાભ ઉઠાવે છે.

  શરમજનક અને નિરૂપાય.

  Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s