મન્ત્ર–યન્ત્ર–તન્ત્ર વીદ્યાની અવૈજ્ઞાનીકતા અને નીરર્થકતા

9

–ડૉ. બી. એ. પરીખ

દુર્ગારામ મંછારામ મહેતા (ઈ.સ. 1809થી 1875)

શું આ મન્ત્ર–યન્ત્ર–તન્ત્ર વીદ્યા

વૈજ્ઞાનીક અને સાર્થક છે?

આ પ્રશ્નનો સીધો જવાબ એ જ હોઈ શકે અને એ જ છે કે, ‘આ મન્ત્ર–યન્ત્ર–તન્ત્ર, એ અજ્ઞાન, અન્ધશ્રદ્ધાનું, કેવળ પરમ્પરાવાદી યુગનું સર્જન છે.’ જે જમાનામાં સમસ્યાઓના ઉકેલ માટે કે સમસ્યાઓને અટકાવવા, સમસ્યા ઉપજે જ નહીં તે માટે વ્યક્તીને જાતજાતના તુક્કા ઉપજે કે નવીન, પ્રભાવ ઉપજાવે તેવી યુક્તીઓ કરામતો સુઝે તે મન્ત્ર–તન્ત્ર બની ગયાં. આમ, આ મન્ત્રો, તન્ત્રો, યન્ત્રો અને તરકટી, ભેજાબાજ, બુદ્ધીશાળી વ્યક્તીઓનાં ભેજાંની નીપજ છે. આજે આ યુક્તીઓ ભોળા, અજ્ઞાની લોકોને આકર્ષક, ડરાવનારી, અકસ્માતથી કોઈકવાર પરીણામ ઉપજાવનારી લાગી અને તે યુક્તીઓ, મન્ત્ર–યન્ત્ર–તન્ત્રની રુઢી, પ્રણાલીકા રુઢ બની ગઈ. વળી ધર્મશાસ્ત્રોમાં પણ જાતજાતની પ્રાર્થના, પુજા, યાચનાના મન્ત્રો દાખલ થઈ ગયાં. આ મન્ત્ર–યન્ત્ર–તન્ત્રના પાયામાં કેવળ વહેમ, અધુરી–ખોટી માહીતી તેમ જ ભ્રમ અને પ્રભાવ ઉપજાવે તેવી રજુઆતો છે અને તેથી આ મન્ત્ર–યન્ત્ર–તન્ત્રનું કોઈ સાર્થકતા નથી અને માંગેલાં પરીણામ આવતાં જ નથી, આવે જ નહીં. આજના વૈજ્ઞાનીક, જ્ઞાન, સમૃદ્ધ સમાજ અને સમયમાં આ વીદ્યાઓની, તેમાંની કરામતો, યોજનાઓની પુરી કસોટી, પરીક્ષણ થયાં છે. મન્ત્ર–યન્ત્ર–તન્ત્ર ની:શંક પોકળ, નીરર્થક તો છે જ અને વાસ્તવમાં તે વ્યક્તીને શારીરીક, વૈચારીક, માનસીક હાની પણ ઉપજાવે છે. આજે વીજ્ઞાન અને ટેકનોલૉજીના યુગમાં મન્ત્ર–યન્ત્ર–તન્ત્ર પ્રચલીત છે તે વદતો વ્યાઘાત છે, કરુણતા છે. વીજ્ઞાન સાથે વહેમ એ વક્રતા નથી?

આપણે માનીએ કે જંગલી, અર્ધવીકસીત પ્રજાઓમાં મન્ત્ર, જાદુ, ટોણા જેવી રુઢીઓ વધારે પ્રચલીત હોય; પણ આમ માનવું ખોટું છે. ભારત જેવી પ્રમાણમાં વધારે વીકસીત અને સંસ્કૃત પ્રજામાં પણ સમાજનો એક વર્ગ સાધુ, સન્તો, ઋષી, મુનીઓ દ્વારા તો જાતજાતની પુજાવીધીઓ, હોમહવનના કર્મકાંડો, પ્રાર્થના–મન્ત્રો વગેરે વીકસ્યાં છે. ભારતમાં ઋષીમુનીઓએ તો જાતજાતનાં દેવો, દેવીઓ, પ્રકૃતીનાં બળોને રીઝવવા તેમનો કોપ શાંત પાડવા તેમના ઉપર નીયન્ત્રણ કેળવવા અનેકવીધ પ્રકારનાં મન્ત્રો, યન્ત્રો અને તન્ત્રો વીકસાવ્યાં છે. આ મન્ત્ર–તન્ત્રમાં સાધકો પોતાના દુન્યવી સુખના હેતુઓ સીદ્ધ કરવા સાથે અન્યને, દુશ્મનને નુકસાન પહોંચાડવા માટે તેમ જ ભુત–પ્રેતનો વળગાડ, ગાંડપણ અન્યને પજવણી વગેરે નકારાત્મક હેતુઓ માટે પણ મન્ત્ર–યન્ત્ર–તન્ત્રનો ઉપયોગ થતો હતો અને આજે પણ થાય છે.

વૈજ્ઞાનીક તેમ જ વાસ્તવીક રીતે આ મન્ત્ર–યન્ત્ર–તન્ત્રના બન્ધારણ તેમ જ ઉપયોગ વીશે તપાસ કરતાં સ્પષ્ટ અને ની:શંકપણે જણાય છે કે તેનાં કાંઈ ધારેલાં, અપેક્ષા મુજબનાં પરીણામ આવતાં જ નથી. કારણ આ પ્રકારની કાર્યવીધીમાં કારણ–પરીણામની દૃષ્ટીએ મન્ત્ર–તન્ત્ર અને તેનાં પરીણામ વચ્ચે કાંઈ સમ્બન્ધ જ નથી. કદાચ કોઈ પરીણામ મળ્યાનો દાવો કરે તો તેનો આભાસ, ભ્રમ છે. અથવા અકસ્માત બનેલી ઘટના છે. અથવા જુઠું બોલે છે. આજના જ્ઞાન–વીસ્ફોટ તેમ જ વીજ્ઞાનના યુગમાં મન્ત્ર–યન્ત્ર–તન્ત્ર એ પ્રાચીન જંગલી અવસ્થાનાં અવશેષ જ કહેવાય.

આ તમામ મન્ત્ર–તન્ત્ર, યાત્રા, પાઠ, પુજા વગેરે પુરી શ્રદ્ધા, વીશ્વાસથી કરવા છતાં તેનાં ઈચ્છીત પરીણામો ભક્તોને જોવા અનુભવવા મળે છે ખરાં? મળ્યા છે ખરાં? વાસ્તવમાં આ મન્ત્ર–તન્ત્રના નીયમીત શ્રદ્ધાપુર્વકના પ્રયોજન પછી શ્રદ્ધાળુ માણસો તો તેવાને તેવા જ દુ:ખી, ઓશીયાળા રહેતા હોય છે. માણસોને પોતે ધારેલાં પરીણામો શુભ વળતર, બદલો મળતાં નથી; છતાં એ તો જેવાં જેનાં કર્મ, જેવું જેનું નસીબ. આપણી ભક્તીમાં, વીધી કરવામાં ઉણપ, કચાશ હશે વગેરે બહાનાં કાઢીને જાતને છેતરે છે. સમાધાનો મેળવે છે. આ મન્ત્ર, તન્ત્રને વ્યક્તીના, સમાજના રોજીન્દા જીવનમાં ઉભી થતી વીટમ્બણાઓ, અવરોધો, તકલીફો, સફળતા–નીષ્ફળતા સાથે કોઈ કાર્ય– કારણનો સમ્બન્ધ જ નથી. આ મન્ત્ર, યન્ત્ર, તન્ત્રની, જીવન જરુરીયાતો, વ્યવહારો સાથે કોઈ કાર્ય–કારણનો સમ્બન્ધ નથી; છતાં આ તમામ પરમ્પરાઓ રુઢીગત જીવનની ટેવો, શ્રદ્ધા, અન્ધશ્રદ્ધાના પ્રયોજન દ્વારા તેના એજન્ટો, પુજારીઓ, કથાકારો, સાધુ, બાબાઓ, માતાજીઓ પવીત્ર મનાતી આધ્યાત્મીક વીભુતીઓ, ભુવા–ભગતો તમામ; મહદ્ અંશે તો જાણી જોઈને, સભાનપણે, લોકોનાં ભોળપણ, મુર્ખતા, ગરજ તેમ જ અન્ધશ્રદ્ધા અને વીચારહીનતાનો ગેરલાભ ઉઠાવી, તેમનું શારીરીક, જાતીય, માનસીક, વૈચારીક શોષણ કરે છે.

ભલે સદીઓથી, પેઢીઓથી આ મન્ત્ર–તન્ત્ર પારાયણ, પાઠ, પુજા, મન્તર–જન્તરની રુઢી ચાલતી આવે છે; છતાં આ રીતરીવાજ, માન્યતાઓ તો અજ્ઞાન યુગ, પછાત મનોદશાનાં જ અવશેષો છે. મન્ત્ર–યન્ત્ર–તન્ત્રની નીરર્થકતા, પોકળતા સમજાવવા નક્કર દલીલો અને સત્ય ઘટનાઓ, ઉદાહરણો, સંશોધનો, તપાસ સાથે રજુઆત કરીએ છીએ.

આપણા પૌરાણીક ભુતકાળમાં અનેક કથાઓ છે કે ઈચ્છા, કામના પુરી કરવા કોઈક શક્તી પ્રાપ્ત કરવા દેવોની સાધના, તપ, યજ્ઞો વગેરે કરવામાં આવતા હતા. રાજા દશરથને યજ્ઞ કરવાને પરીણામે રામ સહીત ચાર પુત્રો પ્રાપ્ત થયા. રાજા દ્રુપદને પુત્રી દ્રૌપદી જન્મી. રામ, દ્રૌપદીના જીવનનો પછીનો ઈતીહાસ કેટલો દુ:ખ, યાતના, કંકાસથી ભરેલો છે તે આપણે જાણીએ છીએ. વીશ્વામીત્ર, રાવણ, ધ્રુવ વગેરે અનેકોએ શીવ વગેરે દેવોનાં તપ કરી, વરદાન દ્વારા અમોઘ–અમાપ શક્તીઓ પ્રાપ્ત થઈ હતી. માતા કુન્તીને મન્ત્રો દ્વારા લગ્ન પહેલાં કર્ણ, લગ્ન પછી યુધીષ્ઠીર, ભીમ, અર્જુન પુત્રો પ્રાપ્ત થયા અને માદ્રીને નકુલ–સહદેવ બે પુત્રો થયા. હનુમાનજી વીશે અનેક કથાઓ છે. જો મન્ત્ર સાધના, તન્ત્રથી કદાચ આવું તમામ નહીં; પરન્તુ થોડું પણ વાસ્તવીક પરીણામ મળતું હોત તો આ તમામની સાર્થકતા, વૈજ્ઞાનીકતા માટે કંઈક વીશ્વાસ ઉત્પન્ન થાત; પરન્તુ આ તમામ તો પૌરાણીક કેવળ કાલ્પનીક ધડમાથા વગરની માત્ર ભ્રમયુક્ત મીથ્યાભીમાન, ગૌરવમાં રાચવાની કથાઓ જ છે!

યજ્ઞો, હવનો, મન્ત્રસાધનાની નીરર્થકતા

વળી યજ્ઞો, હવનો, મન્ત્રસાધનાથી પરીણામો આવતાં હોય તો આપણા દેશમાં આજે પણ ક્રીકેટ, ચુંટણી, કૉર્ટના મુકદ્દમા, પરીક્ષા, યુદ્ધ વગેરેમાં જીત મેળવવા એક નહીં, હજારો યજ્ઞો સ્થળે સ્થળે થાય છે. અરે, જેને પુરા વૈજ્ઞાનીક, સમજદાર કહેવાય એવાં ઈન્દીરા ગાંધીએ પણ પ્રત્યક્ષ, પરોક્ષ રીતે યાત્રા, હોમ, હવન, કર્મકાંડ, મન્ત્ર–તન્ત્રનો આશ્રય લીધો હતો! ઈસરોના વડા વૈજ્ઞાનીક રાધાકૃષ્ણન્ મંગળયાનની પ્રતીકૃતી શ્રી બાલાજીને અર્પણ કરવા ગયા હતા. આજ તો આપણી કરુણતા છે કે જેની વૈજ્ઞાનીકતા, માનસીક સજ્જતા અને નૈતીકતા ઉપર પુરો વીશ્વાસ હોય તેવી જાણીતી વ્યક્તીઓ કટોકટીના સમયે વીવેકબુદ્ધી ગુમાવી દે છે અને પરીણામે મન્ત્ર–તન્ત્રનો આશ્રય તરણોપાય તરીકે લે છે. મજબુત મનના માણસો પણ કટોકટી આવતા હીમ્મ્ત ગુમાવી મન્ત્ર–તન્ત્રમાં પડે છે. એ જ તો માનવ સ્વભાવની કરુણતા છે!

મહાભારતના યુદ્ધમાં અણુશસ્ત્રોનો ઉપયોગ

આપણા પૌરાણીક ઈતીહાસમાં ઘણી કાલ્પનીક, આકાશી કલ્પનાકથાઓ છે. દા.ત. મહાભારતના યુદ્ધમાં જાતજાતની શક્તી ધરાવતાં શસ્ત્રોનો ઉપયોગ થયો હતો. મીથ્યાભીમાન અને ખોટા ગૌરવમાં રાચનારા, સંસ્કૃતી, પ્રેમીમાં કંઈક નવીન શોધ નહીં કરી શકનારા આપણે જાહેર કરીએ છે કે અમારા દેશમાં મહાભારતના યુદ્ધમાં અણુશસ્ત્રોનો ઉપયોગ થયાના પુરાવા છે. કેવું મુર્ખતાભર્યું વીધાન! અરે મહાભારત–રામાયણ તો ધનુષ–બાણનો યુગ, લોહયુગ હતો. દારુગોળો અને બન્દુક પણ હતાં નહીં આ 3000 વરસ કે તેથી જુનો કાળ.

કમનસીબે આ મન્ત્ર–જન્તરની પરમ્પરા આજે પણ પુરજોશથી ચાલી રહી છે, આજે પણ ગાયત્રી યજ્ઞો, શતકુંડી યજ્ઞો થાય છે. અને લોકો વીવેકબુદ્ધીને ગીરવે મુકીને તેમનું જીવન જીવી રહ્યા છે એટલું જ નહીં; પરન્તુ અદ્યતન વીજ્ઞાન અને ટૅકનોલૉજીનો ઉપયોગ આપણે અવીજ્ઞાન, અન્ધવીશ્વાસનો પ્રચાર કરવામાં કરી રહ્યા છીએ.

ટી.વી.–ચૅનલોના ધંધા થકી

ધાર્મીક સંસ્થાઓ અને ગુરુઓને કમાણી

ટી.વી. ઉપર દરેક ધર્મના નામે ચૅનલો ચાલે છે. આવી આઠદસ ચૅનલો ઉપર સ્વામી–બાબાઓ, મૌલવીઓ, પાદરીઓ, શીવગુરુઓ સતત ધર્મગ્રંથોનું પઠન, સ્તવન કરી રહ્યા છે. ભક્તોની ભીડ વચ્ચે મન્ત્રો પ્રાર્થના કરતા–કરાવતા હોય છે. ચમત્કારોથી રોગ મટે છે. અપંગ સાજા થાય છે, ધન પ્રાપ્ત થાય છે. ધંધામાં બરકત આવે છે, હરીફોનો નાશ થાય છે વગેરે માટે અનેક પ્રકારના તાન્ત્રીક ઉપાયો બતાવતા હોય છે. સામુહીક ભજન, પ્રવચનો ચાલતાં હોય છે. શું મેળવવા? આનું પરીણામ શું? શુન્ય.. સમયનો બગાડ, ધાર્મીક સંસ્થાઓ અને ગુરુઓને કમાણી, ચૅનલોનો ધંધો. લોકોનાં સુખ, દુ:ખ, સમસ્યાઓમાં કોઈ પ્રભાવ, ફરક તો નહીં જ. આજે સુરત જેવાં અનેક શહેરોમાં રોજ ને રોજ સ્વામીનારાયણ, જૈન, હીન્દુ, કથાકારો, મુનીઓનાં પ્રવચનો, ભાગવત–રામાયણ કથાઓ, ભજનકીર્તન, મન્ત્રોનાં રટણ ચાલતાં હોય છે. છતાં આ શહેરના ધંધાવ્યવસાય તેમ જ લોકોની નીતીમત્તા, પ્રામાણીકતા ઉપર કોઈ વીધાયક પ્રભાવ અસર પાડે છે ખરો? પરન્તુ આપણે એમ માનીએ કે મન્ત્રો, યજ્ઞો, તન્તર–મન્તરથી ગામ, શહેરના વાતાવરણમાં પવીત્ર હવા ફેલાય છે. લોકો સન્તોષી અને આનન્દી બને. આવું કંઈ પણ, એકાદ ટકા જેટલું પણ થાય છે ખરું? ઉલટું રોજબરોજના વ્યવહારોમાં ધંધા–રોજગારમાં અનીતી, જુઠ, છેતરપીંડી, બળાત્કાર, અપહરણ, હત્યા, ખુનામરકીના કીસ્સા વધતા જાય છે. મન્ત્રોથી ઉભરતી પવીત્રતા ક્યાં ઓગળી ગઈ?

માદળીયાં, યન્ત્રો વગેરેની નીરર્થકતા

કોઈને મોહાન્ધ કરવો, તેની ઉપર કાબુ જમાવવો, નજર ઉતારવી, શત્રુને મહાત કરવો, ધનવર્ષા થવી, ધન્ધામાં બરકત આવે તે માટે જાતજાતના માદળીયાં, યન્ત્રો, તન્ત્રવીદ્યાથી અભીમન્ત્રીત તન્ત્રો, વીષ્ણુયન્ત્ર, કુબેરયન્ત્ર, શનીનો મન્ત્ર, નવગ્રહ મન્ત્ર વગેરે વીશેના અભીમન્ત્રીત તન્ત્રો, તાન્ત્રીકો તૈયાર કરી તેની ટી.વી. ઉપર જાહેરાત કરે છે. આ જાહેરાતોના સમર્થનમાં જાણીતા અભીનેતાઓ પણ(નાણાં મેળવીને જ તો) પોતાના અભીપ્રાયો જાહેર કરે છે અને ગરજવાન, મુર્ખ, નીરાશ થયેલા, જાત મહેનત કર્યા વગર, પોતાની સમસ્યાને સમજ્યા વગર, ઝટ­પટ ઉકેલ મેળવવાની લાલચમાં આ તન્ત્રો ઢગલાબન્ધ 100 રુપીયાની ચીજ હજારોની કીમ્મતમાં વેચે છે અને શઠ, ચતુર લોકો તકનો લાભ લઈ વેચનારા લોકોને કમાણી થાય છે.

ગાયત્રી મન્ત્ર

હીન્દુઓમાં ગાયત્રી મન્ત્ર બહુ જ પવીત્ર અને અસરકારક મનાય છે. ઘણા રોજ પુરી શ્રદ્ધાથી ગાયત્રી મન્ત્રનું રટણ કરે છે. હવન પણ કરે. આમ તો ગાયત્રી મન્ત્ર એ સુર્યપુજા, સુર્યની તેજસ્વીતા, તેની શક્તીના ગુણગાન ગાતા મન્ત્ર છે. તે ગાયત્રી છંદમાં લખાયો છે. એટલે તેને ગાયત્રી મન્ત્ર કહે છે. હવે આપણી ઘેલછા જુઓ. આ ગાયત્રી છન્દને ‘ગાયત્રી માતા’ બનાવી, તેનાં મન્દીરો ઉભાં કર્યા, ગાયત્રીનાં અનુષ્ઠાનો થાય, હોમ, હવન, યજ્ઞો પણ થાય. લોકપ્રવાહ જોઈને ગાયત્રીનો મહીમા કરનારા સ્વામીઓ પણ ફુટી નીકળ્યા છે!

ગાયત્રી મન્ત્ર’નાં ત્રણ ઉદાહરણો

અમારી જાણમાં એવાં ત્રણ ઉદાહરણો છે. એક હરદ્વારના સ્વામી રામ શર્મા. ગાયત્રીના પ્રચાર માટે બીજા અમદાવાદના એક ગુરુજી અને ત્રીજા પણ એક અમદાવાદમાં છે.

(1) હરદ્વારના એક સ્વામીનો તો બહુ મોટો પથારો છે. આ ગાયત્રી–પ્રચાર એટલો મોટા વળતરવાળો છે કે આ હરદ્વારના સ્વામીના એક ભત્રીજા જે નીષ્ણાત તબીબ છે, ડૉક્ટરી છોડીને ગાયત્રી–પ્રચારમાં જોડાયા છે! વધારે વળતરવાળો ધન્ધો અને જુઓ, આ તબીબ જાણે છે કે સન્તાન કેવી રીતે પેદા થાય, તેની વૈજ્ઞાનીક રીતે તબીબી ઉપચારની સલાહ આપવાને બદલે ‘પુત્ર કામેષ્ઠી યજ્ઞ’નો પ્રચાર અને આયોજન કરે છે! અમે આ પુત્ર કામેષ્ઠી યજ્ઞ વડોદરામાં બન્ધ કરાવ્યો હતો. વળી, આ હરદ્વારના સ્વામીએ એક પાના ઉપર દસ ખાનાં પાડી, હજાર ચોરસ આકૃતી બનાવી, નોટબુકો બહાર પાડી તેમાં ‘રામનામ’ મન્ત્ર લખી, ચોપડી પુરી કરી, હરદ્વારની પુણ્ય બેંકમાં જમા કરાવવાની યોજના અમલમાં મુકી છે! જેટલા હજાર વાર રામનામ લખાય તેટલું પુણ્ય ભક્તની પુણ્ય બેંકમાં ભક્તના ખાતામાં જમા થાય અને મરણ પછી તેની સદ્ગતી થાય. હવે મજાક જુઓ, મારી જાણમાં એવા ઘણા શીક્ષીત, અધ્યાપક સ્ત્રી–પુરુષો છે, જે પોતાની વ્યાવસાયીક ફરજો બાજુએ મુકી, તે સમયમાં રામનામ લખી પોતાની નોકરીના ખર્ચે પુણ્ય કમાય છે!

(2) અમારા એક મીત્ર ગાયત્રી ગુરુજી છે. બ્રાહ્મણ જ હોય તે સ્વાભાવીક છે જ અને તેમને ગાયત્રી મન્ત્ર સાધ્ય છે. પછી તો તેઓ સરકારી નોકરી છોડી ગાયત્રીની સાધનામાં પડ્યા. આ સાધના ફળવા માંડી. ભક્તવૃન્દ જમા થવા લાગ્યું. હવે તે ગુરુજી કહેવાયા. તેમણ ગાયત્રી મન્ત્રની શક્તીના પરચા(સાવ કાલ્પનીક) બતાવવા માંડ્યા. ગુજરાતમાં જુદાં જુદાં શહેરોમાં તેમનું ભક્તવૃન્દ ગુરુજીને બોલાવે. સભાઓમાં ગાયત્રીમન્ત્રનું રટણ થાય. પાણીના લોટામાં તાંબાની સળીથી પાણી હલાવવાની સાથે ગાયત્રીમન્ત્રનું રટણ થાય. હવે આ જળ પવીત્ર બન્યું. તે હવે અભીમન્ત્રીત જળ કહેવાય. આ અભીમન્ત્રીત જળ તમારા કોઈ પણ રોગના ઉપચાર માટે કારગત નીવડે એવું ઠસાવાય. આમ, આ અભીમન્ત્રીત જળનો વેપાર શરુ થયો! અરે ગાયત્રીની શક્તી જુઓ – દર્દી હાજર હોય અને તેના ઉપર ગાયત્રી અભીમન્ત્રીત જળનો ઉપચારમાં અભીષેક થાય; પરન્તુ આ ગુરુજી અને ગાયત્રી મન્ત્રની શક્તી તો એવી કે દર્દી હાજર ન હોય તો પણ તેના ફોટા ઉપર અભીમન્ત્રીત જળનો અભીષેક કરી, તેના રોગનો ઉપચાર કરી શકાય!  અમે સુરતમાં આ ગુરુજી અને તેમના ભક્તોને તેમના આ તુત સામે ચેતવણી આપી અને પછી તેઓ કદી સુરતમાં આવ્યા નહીં.

(3) ત્રીજા એક અમદાવાદમાં ગાયત્રી ઉપાસક છે. આ પણ બ્રાહ્મણ, અમદાવાદમાં ટૅક્સટાઈલ મીલમાં નોકરી કરે; પરન્તુ ઘરમાં એક ઓરડામાં ગાયત્રી સાથે અનેક દેવીઓની પુજા થાય. તેઓ એમ દાવો કરતા કે તેમનામાં ખોવાઈ ગયેલા, ગુમ થયેલા બાળક વ્યક્તીને શોધી કાઢવાની શક્તીનું ગાયત્રી માતા તરફથી વરદાન છે અને પોલીસ ખાતું પણ ગુમ થયેલી વ્યક્તીને શોધવા તેમની પાસે મદદ માટે આવે છે. અમે આ ગાયત્રી ભક્તની છેતરપીંડી, બનાવટ પણ ખુલ્લી કરી.

ગીરીધામોના અઘોરીઓ અને તાન્ત્રીકો

હીમાલય કે આબુ કે ગીરનાર પર્વતના ડુંગરાઓ ઉપર ત્યાંની ગુફાઓમાં અઘોરીઓ, સીદ્ધ તાન્ત્રીક વસે છે એવી લોકવાયકા છે. આ તાન્ત્રીકો રાત્રે પ્રાણી– વાઘ, સીંહ, દીપડો બની જાય, પાછા દીવસે માણસ બની જાય. તેમના માટે કશું અશક્ય નથી. તેમને દુન્યવી સુખોમાં રસ હોતો નથી. કોઈ નસીબવન્તાને જ આ અઘોરી, સીદ્ધ તાન્ત્રીકનો ભેટો થાય અને તેમની મહેરબાનીથી કાર્યસીદ્ધી થાય. તપાસ કરતાં જણાયું છે કે, કેટલાક ખરેખર સાચા વૈરાગ્યની ભાવનાથી સાધુ–બાવા બન્યા હોય છે; પરન્તુ મોટાભાગના સાધુ, તાન્ત્રીકો, અઘોરીઓ તો વેશધારી બનાવટીઓ, ઢોંગી હોય છે. તેઓ ભારતના જુદાં જુદાં પ્રદેશોમાં ગુના કરેલા ‘મોસ્ટ વોન્ટેડ’ હોય છે અને પોલીસથી બચવા સાધુવેશ ધારણ કરી, આવી રીતે ડુંગરાઓમાં છુપાઈ રહે છે. તેમને સાધુ બાવા જાણી પ્રવાસીઓ પ્રભાવીત થઈ આકર્ષાય છે. તેમની ખ્યાતી પ્રસરે છે. તેઓ લોકોને ભરમાવી દાન, નાણાં મેળવી, સરકારી જમીનમાં અતીક્રમણ કરી આશ્રમો સ્થાપે છે. આવા સાધુ, બાવા તેમનો દેખાવ ભય પમાડે તેવો રાખે છે અને અસ્ટં–પષ્ટં હીન્દી ભાષામાં જ વાતો કરે છે.

મુઠ મારવાનો કીસ્સો

અમારા એક મીત્રે અમને તેમના અનુભવનો સાચો કીસ્સો વર્ણવ્યો. આ મીત્રનું કહેવું હતું કે તેમના એક સમ્બન્ધીને તેમના હરીફ, દુશ્મને તાન્ત્રીક પાસે મુઠ મરાવી હતી. અનેક ઉપચારો કર્યા હનુમાનજીના સ્થાનકે ગયા, દરગાહો ઉપર માથું ટેકવી આવ્યા, બીજા તાન્ત્રીકોને સાધ્યા; પરન્તુ તેમને મારવામાં આવેલી મુઠ એટલી સજ્જડ કે તે પાછી વળી નહીં. પૈસાનું પાણી થયું. ઘણા હેરાન થયા છેવટે ત્રણેક વર્ષ પછી એક ઑલીયા ફકીરે આ મુઠ પાછી વાળી આપી. હવે આ કીસ્સામાં જરા ઉંડાણથી તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ ભાઈને કોઈક નીદાન ન થઈ શકેલો એવો વ્યાધી હતો. હેરાન થતા હતા તેથી ઔષધીય ઉપચારો તો કરતા હતા; પરન્તુ વહેમીલું માનસ એટલે મેલીવીદ્યાનો ભોગ બન્યા છે, તેવો ડર પેસી ગયો. કાળાંતરે દવાઓ, ઉપચારો અસરકારક નીવડવા લાગ્યા અને તે તાકડે જ ફકીરનો મેળાપ થયો એટલે ઉપચારનો યશ ફકીરને મળ્યો. રોગનો ઉપચાર થયો; પણ વહેમ મજબુત બન્યો.

અમારા એક મેલીવીદ્યાના સમર્થક અધ્યાપકમીત્ર જોરદાર દલીલો કરે કે ઈન્દીરા ગાંધી જેવી મર્દ સ્ત્રી પણ હોમ, હવન, મન્ત્ર, તન્ત્રનો સહારો લીધો હતો.

હવે જો ખરેખર આવી કોઈ અસરકારક મરણતોલ બનાવી શકે તેવી શક્તી, મુઠ મારવાની વીદ્યા તાન્ત્રીક્માં હોય તો આપણે નવાજ શરીફ, દાઉદ, અફઝલ, હાફીઝ સઈદની ઉપર મુઠનો પ્રયોગ કેમ કરાવતા નથી? અરે આ પાકીસ્તાની આતંકવાદીઓ તો દુર રહ્યા; પરન્તુ ઘર આંગણે કાશ્મીરમાં આતંકવાદના સમર્થક, નક્સલવાદના સમર્થક નેતાઓ ઉપર તો આ મુઠ મારવાનો, મેલીવીદ્યાનો પ્રયોગ કરી તેમનું નીકંદન કાઢી શકાય જ ને? આપણા સીદ્ધ તાન્ત્રીકો, માતાજીના ઉપાસકો, ગાયત્રીના ઉપાસકોમાં એટલી સમજ તો હોવી જ જોઈએ કે તેઓ ભારતની સરહદો ઉપર અનુષ્ઠાનો કરે, માઓવાદીઓ–નક્સલીઓ તો ભારતમાં જ છે! તેમની નજીક જઈ તેમની ઉપર મારણના પ્રયોગો કરે તો? આપણા પરમ આધ્યાત્મીક, શક્તીશાળી દેશોમાં કેવી સરળતા અને ઝડપથી કોઈ જાનીહાની થયા વગર શાંતી સ્થપાય! પરન્તુ આવો સુન્દર અસરકારક વીચાર રાજકારણીઓ, અમલદારો કે લોકોને કેમ સુઝ્યો નથી, સુઝતો નથી? કેમ આ ઉપાય અજમાવતા નથી?

આ બધી ચર્ચાનો અર્થ અને તારવણી

મેલીવીદ્યા, કાળો–જાદુ, ભુત–પ્રેત, યોગીની જેવી કોઈ વાસ્તવીકતા નથી. મન્તર–તન્તર–જન્તર, કોઈના શ્રાપ, કટુ વચનો, મુઠ–ચોટ કે મેલીવીદ્યાથી મૃત્યુ તો શું વાળ પણ વાંકો થઈ શકતો નથી. આપણા આ અતી ધર્મપરસ્ત, પરમ્પરાવાદી, વહેમ–અન્ધશ્રદ્ધા તેમ જ અર્થહીન કર્મકાંડો, પ્રથાઓ, રીવાજોમાં ડુબેલા લોકવાળા દેશમાં હજી લોકોમાં વીજ્ઞાનનો યુગ છતાં, વીજ્ઞાનની સત્યશોધનની માનસીકતા તેમ જ હીમ્મ્ત વીકસ્યાં નથી. કરુણતા એ છે કે તે તેઓ વીકસાવવા માંગતા નથી. તેથી જ આ દેશમાં અનેક કૌભાંડો પકડાયા છતાં સાધુ, બાબા, બાપુ, સ્વામી, માતાજીના આશ્રમો ચાલે છે. બાબા–માતાજી–સ્વામી પોલીસની કસ્ટડીમાં, જેલમાં હોય છતાં તેમના અનુયાયીઓ બહાર તેમની પુજા કરે છે, કેવી દયનીય તેમ જ તીરસ્કારભરી પરીસ્થીતી! આપણામાં સાદી સમજ, સારા–ખોટાને પારખવાની, હીત–અહીત વીચારવાની વીવેકબુદ્ધી ક્યારે વીકસશે?

10 લાખનો પડકાર

સુરતની અમારી સત્યશોધક સભાએ છેલ્લા ચાલીસ વર્ષોથી પડકાર ફેંક્યો છે કે ‘અમારા કોઈની ઉપર મન્ત્ર–તન્તર, મુઠ–ચોટ, મેલીવીદ્યાનો પ્રયોગ અજમાવો. અમને હાની થાય તેની જવાબદારી અમારી છે. આ ઉપરાંત એવું કોઈ પણ કાર્ય કરી બતાવો કે જે સામાન્ય વીજ્ઞાનના નીયમોની મર્યાદા બહાર હોય, ઉપરવટ હોય. અમે આવા સીદ્ધ સ્વામી તાન્ત્રીકોને રુપીયા 10 લાખ આપવા તૈયાર છીએ.’ વર્ષો વીત્યાં પણ કોઈ સીદ્ધ, માઈના લાલે તણખલું હલાવવાનો પણ પડકાર ઝીલ્યો નથી.

1842માં સુરતમાં કાળીચૌદશના દીવસે દુર્ગારામ મહેતાજીએ આ મન્ત્ર–તન્ત્રના સાધકોને પડકાર ફેંક્યો હતો. તેનો કોઈએ જવાબ આપ્યો ન હતો. આજે 175 વર્ષ પછી પણ કોઈ પડકાર ઝીલવા આવતું નથી. હવે તો જાગો, સમજો!

––––––––––––––––––––––––––––––––––––––––

મારણ–તારણના મન્ત્રોથી ભગતોની સમસ્યા દુર કરવાનો દાવો કરતા એક ઢોંગીને સત્યશોધક સભાના કાર્યકર મધુભાઈ કાકડીયાની આગેવાની હેઠળ પડકારવામાં આવ્યો હતો. એ ઢોંગીએ પોતાના ગુના કબુલ્યા હતા અને પોતાની પાસેના ચોપડા આપી દીધા હતા. આ ચોપડાઓ પર આધાર રાખીને અમારી સત્યશોધક સભાના કાર્યકારી પ્રમુખ પ્રા. સુર્યકાન્ત શાહે ‘આપણો માંદો સમાજ’ પુસ્તીકા પ્રસીદ્ધ કરી છે.

––––––––––––––––––––––––––––––––––––––––

–ડૉ. બી. એ. પરીખ

ડૉ. બી. એ. પરીખની મનોવીજ્ઞાનીક સુઝ ધરાવતી આ રોચક પુસ્તીકા ‘મન્ત્રયન્ત્રતન્ત્રનું અવીજ્ઞાન’ પ્રકાશીત થઈ છે. (પ્રકાશક : સાહીત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત – 395 001 ફોન નંબર : (0261) 259 7882/ 259 2563  પૃષ્ઠ : 48, મુલ્ય : રુપીયા 50/-)માંનો આ નવમો લેખ, પુસ્તકનાં પાન 38થી 45 ઉપરથી, લેખકના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક :

ડૉ. બી. એ. પરીખ, 154, સર્જન સોસાયટી, પાર્લે પોઈન્ટ, સુરત–395 007 સેલફોન : 99241 25201 –મેઈલ : bhanuprasadparikh@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ  મેઈલ : govindmaru@gmail.com

પુસ્તક અને પ્રુફવાચન સૌજન્ય : 

ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ :  18/06/2018

17 Comments

  1. આ લેખ સારો છે.આટલું કહેવા આગળના આઠ લેખની કોઇ જરૂર નથી.અને,એટલે જ ગોવિંદભાઇએ વચ્ચેના લેખ ઉડાવી દીધા અને સીધો જ નવમો લેખ આજે મુક્યો.ખૂન કરવાના શસ્ત્રોની ખૂબ જ વિગતો જણાવ્યા પછી એમ કહેવામાં આવે કે ખૂન કરવુ એ ખરાબ વાત છે અને અપરાધ છે.આવી સ્ટાઈલ સાથે હું અસહમત છું.છાશ લેવા જવુ ને દોણી સંતાડાય નહીંં.
    મંત્ર, તંત્ર, યંત્ર તદ્દન નકામી અને હંબગ ચીજ છે.મૂઠથી નહીં,જૂઠથી ડરવાનુ હોય.મંત્ર, તંત્ર, યંત્ર નો ફેલાવો કરનારનો બહિષ્કાર કરીએ.મૂઠના તરકટી માસ્ટરોને ઉઘાડા પાડીએ.
    @રોહિત દરજી ” કર્મ “, હિંમતનગર મો.9426727698

    Liked by 2 people

  2. મંત્ર, તંત્ર વગેરે નો રૉગ લગભગ દરેક ધર્મ માં જોવા મળે છે. આ ઍક કળા છે, જેના થકી લેભાગુ બાબાઓ, પીરો, ભુવાઓ, સાધુઓ, મહંતો, પૂજારીઓ વગેરે અન્ધ્શ્રદ્ધાળુઑ પાસેથી અઢળક પૈસા બનાવે છે.

    આ બ્લોગ પર આ પ્રકાર ના લખાણો કેવળ રેશનલીસ્ટો જ વાંચે છે. આ લખાણો અન્ધ્શ્રદ્ધાળુઑ ને વંચાવવાની સખત જરૂરત છે.

    Liked by 2 people

  3. એક સામયિકમાં એક લેખ હતો કે કોઈ ખાસ મંત્રના જાપ કરવાથી એક પરિવારને કોર્ટ કેસમાં જીત મળી હતી. જરા વિચારીએ. જો સત્ય તેમને પક્ષે હતું તો જાપ વગર પણ જીત થવી જોઈતી હતી. અને નહોતું તો જાપને લીધે બેવડો અન્યાય થયો. મંત્રના જાપથી સામા પક્ષે, કોર્ટમાં ગયા વગર, સમાધાન કર્યું હોત તો જુદી વાત હતી.

    Liked by 2 people

  4. ડો. બી.અે. પરીખને હેટસ્ ઓફની સલામ. અહિં પ્રશ્નના ઉકેલની વાતો જાણી. સુરતની સત્યશોઘક સભાને હાર્દિક અભિનંદન. સુંદર લેખ. પરિણામજન્ય લેખ.

    બઘાને ભેગા કરવાની તાકાત ‘વિશ્વાસ‘માં હોય છે અને બઘાને જુદા કરવાની તાકાત ‘વહેમ‘ મા હોય છે.

    મોટે ભાગે માણસોની ‘શ્રઘ્ઘા‘…‘અંઘશ્રઘ્ઘ્ા‘માં હોય છે.

    જેને મરણનો ડર લાગે છે, ઇશ્વર તેની નબળાઇ છે. જે મૃત્યુથી નથી ડરતો અે મુક્ત છે….કોઇ ઘાર્મિક અર્થમાં નહિ…..
    અખાજીની ભેટોમાંથી થોડી……….ગરબડ છે ઘણા ગ્રંથની, જેવા ડહોળા હોય પાણી.
    તિલક કરતાં ત્રેપન થયા, જપમાળાનાં નાકા ગયા, કથા સુણી ફૂટયા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
    કવિ થઇ શું અદકું કવ્યું, જો જાણયુ નહી બ્રહ્મ અ ચવ્યુ ?, રાગ દ્વેષની પૂજી કરી, કવિ વ્યાપાર બેઠો આદરી, તેમાં ખા શો પામ્યો લાભ ?…વાયે ગયો જ્યમ સ્ત્રીનો ગાભ.
    મને ગમી તે વાત કે પરીખ સાહેબ સત્ય શોઘક સભાના સદસ્ય છે..અેક્ટીવ સદસ્ય.
    અમૃત હઝારી.

    Liked by 3 people

  5. મંત્ર, તંત્ર, જાપનું શાસ્ત્ર વેદ, ઉપનીષદ, રામાયણ, મહાભારતથી ચાલે છે. 
    આ કાલ્પનીક કથાઓના ઋષી મુનીઓએ દેશને ગરીબાઈ અને આળસમાં ધકેલી દીધા છે. 

    હાલની નરેંદ્ર મોદીની સરકારમાં હજી વેદ યુનીવર્સીટી અને રામ મંદીર બાબત રોજે રોજ સમાચાર આવે છે.

    રાષ્ટ્રપતી કે વડા પ્રધાન કોઈ પણ નાના મોટા મંદીરની મુલાકાત લે છે અને 
    પુજારીઓ મંત્ર, તંત્ર, જાપ કરી મંદીરનું અભીષેક કરે છે.

    વડા પ્રધાન કે રાષ્ટ્રપતી,  મંદીર કે અજમેર શરીફની મુલાકાત લે છે અને 
    સમાચાર આવે છે પછી જેમને ખોટા ધધા કે તુત કરવા છે એ એમાં વધારો કરે છે.

    Liked by 3 people

  6. “આપણામાં સાદી સમજ, સારા–ખોટાને પારખવાની, હીત–અહીત વીચારવાની વીવેકબુદ્ધી ક્યારે વીકસશે? ” “બઘાને ભેગા કરવાની તાકાત ‘વિશ્વાસ‘માં હોય છે અને બઘાને જુદા કરવાની તાકાત ‘વહેમ‘ મા હોય છે.”
    LEKH KHAREKHAR KHUBAJ SARAS CHHE. AA BE VAKYO KETLA SADA ANE SARAL CHHE. DAREK VYAKTI FAKTA AATLU SAMJE TO BAS….

    Liked by 2 people

    1. વહાલા વલીભાઈ,
      આપના બ્લોગ પર ‘મન્ત્ર–યન્ત્ર–તન્ત્ર વીદ્યાની અવૈજ્ઞાનીકતા અને નીરર્થકતા’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Liked by 1 person

    1. ‘મન્ત્ર–યન્ત્ર–તન્ત્ર વીદ્યાની અવૈજ્ઞાનીકતા અને નીરર્થકતા’ લેખને ‘RKD-रंग कसुंबल डायरो’ બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      –ગો. મારુ

      Liked by 1 person

  7. ખુબ સુદર અને ઉપયોગી લેખ. પણ આગળ કહેવાયું છે તેમ કદાચ માત્ર રશનાલીસ્ટો જ આ વાંચતા હશે. ખરેખર જરુર છે જે લોકો ખોટા વહેમોમાં ફસાયા છે તેમને કાને આ વાત પહોંચે તેની. એ ખરું કે સત્યશોધક સભા એ કામ કરી રહી છે, જે અભીનંદનને પાત્ર છે. સત્યશોધક સભાના કામોનો પ્રસાર શી રીતે વધારી શકાય તે વીચારવું જોઈએ.

    Liked by 3 people

    1. નાસ્તીકો કરતાં આસ્તીકોમાં ‘અભીવ્યક્તી’ બ્લૉગ વધુ વંચાય છે! યુવાનો રૅશનલ વીચારધારાને ઠીક રીતે સમજીને અપનાવશે તો તેઓ પોતાનાં સંતાનોનું વૈચારીક ઘડતર કરી, તેમની પછીની પેઢીમાં પણ રૅશનાલીઝમની આગેકુચ કરશે એવો મને દૃઢ વીશ્વાસ છે. આ રૅશનલ વીચારધારાને યુવાનો સુધી પહોંચાડવાના મારા અભીયાનમાં સાથ આપવા માટે વાચકમીત્રો અને પ્રતીભાવકમીત્રો આ લેખને વહેંચવા અથવા ‘ગુગલ પ્લે સ્ટોર’ પરથી આ બ્લૉગની ‘એપ’ https://play.google.com/store/apps/details?id=com.digifarm.govindmaru 10 મીત્રોને ડાઉનલોડ કરવા માટે ભલામણ કરવા વીનન્તી છે.

      Liked by 1 person

  8. આ મન્ત્ર–યન્ત્ર–તન્ત્રના પાયામાં કેવળ વહેમ, અધુરી–ખોટી માહીતી તેમ જ ભ્રમ અને પ્રભાવ ઉપજાવે તેવી રજુઆતો છે અને તેથી આ મન્ત્ર–યન્ત્ર–તન્ત્રનું કોઈ સાર્થકતા નથી અને માંગેલાં પરીણામ આવતાં જ નથી, આવે જ નહીં. આજના વૈજ્ઞાનીક, જ્ઞાન, સમૃદ્ધ સમાજ અને સમયમાં આ વીદ્યાઓની, તેમાંની કરામતો, યોજનાઓની પુરી કસોટી, પરીક્ષણ થયાં છે. મન્ત્ર–યન્ત્ર–તન્ત્ર ની:શંક પોકળ, નીરર્થક તો છે જ અને વાસ્તવમાં તે વ્યક્તીને શારીરીક, વૈચારીક, માનસીક હાની પણ ઉપજાવે છે. આજે વીજ્ઞાન અને ટેકનોલૉજીના યુગમાં મન્ત્ર–યન્ત્ર–તન્ત્ર પ્રચલીત છે તે વદતો વ્યાઘાત છે, કરુણતા છે. વીજ્ઞાન સાથે વહેમ એ વક્રતા નથી?
    This is ultimate then all illustrations are par excellent including gayatri mantra which was surya upasana only. Thank you Govindbhai and will share your appeal to many friends on whats app again.

    Liked by 2 people

  9. રામાયણ અને મહાભારતમાં મંત્ર બો લી સામેની 
    વ્યક્તી ઉપર તીર છોડવામાં આવે છે.
    એટલે કે સામેની વ્યક્તીનું નુકશાન કરવામાં આવે છે.
    આને મુઠમાર કે હલકે મનોવૃતીની પ્રવૃત્તી સમજવી.
    એટલે કે રામ, કૃષ્ણ, કર્ણ, અર્જુન, હનુમાન બધાં 
    આવી હલકી પ્રવૃત્તીમાં સામેલ હતા.

    Liked by 2 people

  10. I am very happy that there are responses to my writing. t least a lot of people read and they are motivated to think on the problem. They may hold whatever opinion there after. I appreciate the views of Rohit Darji. But I wish he has a dialogue or debate whatever he prefers with me , but at my place. I at 85+ to day feel great difficulties in travelling and going elsewhere. I wish people may read my other monographs also, especially one on-Atma, Punarjanma ane Karmno Siddhant There are 15 such monographs.
    B.A.Parikh

    Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s