દૈવ અને અનીશ્ચીતતાનો નીયમ

–વીક્રમ દલાલ

સલામત રહેવું એ પ્રાણી માત્રનું પ્રાથમીક લક્ષણ છે. મૃત્યુને ટાળી શકાતું નથી. તેથી તેના વીકલ્પે ‘જીવનયાત્રાને કેવી રીતે લમ્બાવવી અને સરળતાથી પુરી કરવી’ એ વીચારના કેન્દ્રની આસપાસ માણસની બધી જ પ્રવૃત્તીઓ ગુંથાયેલી છે. ખેતી, ઘર, કુટુમ્બ, દવાખાનાં, ન્યાયતન્ત્ર, સમ્પ્રદાય, ન્યાત, તહેવારો, ધર્મસ્થાનો, તીર્થો, કેળવણી, વ્યવસાય, દેશભક્તી, લશ્કર, પોલીસ, વીજ્ઞાન, બૅન્ક, વીમો, આનન્દપ્રમોદ, જુઠું બોલવું, લાંચ આપવી – અને છેલ્લે ઈશ્વરનું સર્જન, એ તમામ માનવીય પ્રવૃત્તીઓનું પ્રેરકબળ એક જ છે – સલામત રહેવાની વૃત્તી.

ગીતા સમજાવે છે કે માણસ પ્રવૃત્તી કર્યા વગર એક ક્ષણ પણ રહી શકતો નથી(3/5). પ્રવૃત્તી કરવા માટે ડગલે ને પગલે નીર્ણય લેવો પડે છે. નીર્ણય લેવામાં જો ભુલ થાય તો નીષ્ફળતા સાંપડે છે. કેળવણી અને અનુભવને આધારે લેવાયેલા નીર્ણયમાં ભુલ થવાની શક્યતા ઘટે છે ખરી પણ સમ્પુર્ણપણે નાબુદ થઈ શકતી નથી; કારણ કે નીર્ણય લેવાં માટેનાં બધાં જ જરુરી પરીબળોને કોઈ પણ વ્યક્તી કદીએ પુરેપુરાં જાણી શકતી નથી. અજ્ઞાત પરીબળોને કારણે અનીશ્ચીતતા પેદા થાય છે. આ વાસ્તવીકતા ઉપર જ વીમા કમ્પનીઓ અને જુગારખાનાં નભે છે તથા પ્રારબ્ધવાદીઓ ફુલાતા ફરે છે.

જેમ આપણાં અસ્તીત્ત્વ, દેખાવ તથા સ્વભાવનું પગેરું છેક આદીમાનવ સુધી પહોંચે છે તેમ આપણા દરેક કાર્યની સફળતાનો આધાર તે માટે જરુરી હોય તે બધા જ પ્રકૃતીના નીયમોનું પાલન થયું છે કે નહીં તેની ઉપર રહેલો છે(3/27 પૈકી). વૈજ્ઞાનીક સંશોધનને કારણે પ્રકૃતીના નીયમોની જાણકારી દીનપ્રતીદીન વધતી જાય છે; પરન્તુ વીજ્ઞાનનો ગમે તેટલો વીકાસ થાય પણ અન્તે એક સ્થીતી એવી આવે જ કે જ્યાં જાણકારીની સીમા આવી જાય. આમ, જ્ઞાન હમ્મેશાં સીમીત જ હોય. અજ્ઞાત પરીબળોની સંખ્યા જેમ ઘટે તેમ સફળતાની શક્યતા વધે અને તેથી જ સુર્યથી લગભગ 15 કરોડ કી.મી. દુર આવેલી પૃથ્વી અને પૃથ્વીથી લગભગ 4 લાખ કી.મી. દુર આવેલા ચન્દ્રની ગતીની ચોક્કસાઈભરી જાણકારીને કારણે આજથી 100 વર્ષ દરમીયાન થનારા ગ્રહણોની સચોટ આગાહી કરી શકતું વીજ્ઞાન આવતીકાલની આબોહવાની આગાહી કરવામાં પણ ઘણીવાર ખોટું પડે છે.

અજ્ઞાત પરીબળોના સમુહને ઈશ્વરવાદીઓ ‘ઈશ્વરેચ્છા’, ‘નસીબ’ કે ‘પ્રારબ્ધ’ કહે છે. ગીતા એને ‘દૈવ’ કહે છે. ગુરુત્ત્વાકર્ષણની માફક અનીશ્ચીતતાને પણ નીવારી શકાતી નથી. અણુવીજ્ઞાનીઓ તેને ‘અનીશ્ચીતતાનો નીયમ’ કહે છે. જેમ ‘ઉંડા અન્ધારેથી પરમ તેજ’ તરફ જવું એ ઈશ્વરવાદીઓનું ધ્યેય છે તેમ પ્રકૃતીના અભ્યાસ દ્વારા અનીશ્ચીતતામાંથી નીશ્ચીતતાની દીશા તરફ જવું એ વીજ્ઞાનીઓનું ધ્યેય છે.

જેમ જેમ જાણકારી વધતી જાય તેમ તેમ ‘ઈશ્વરેચ્છા’નું ક્ષેત્ર ક્ષીતીજની પેઠે આગળ ખસતું જાય છે; પણ નાબુદ થઈ શકતું નથી અને કદી થઈ શકવાનું પણ નથી. કારણ કે છેલ્લે શોધાયેલું પરીબળ પણ અનન્ત અજ્ઞાત પરીબળોનું પરીણામ હોય છે. વીજ્ઞાનની આ મર્યાદા એ ભૌતીક જગતની વાસ્તવીકતા છે અને વીજ્ઞાનનો લાભ લેવા છતાં વીજ્ઞાનની હાંસી ઉડાડવા માટે નગુણા ઈશ્વરવાદીઓનું બ્રહ્માસ્ત્ર છે.

જાણેઅજાણે પણ જો નીર્ણય લેવામાં ભુલ થઈ હોય તો નીષ્ફળતાના રુપમાં મળેલી શીક્ષામાંથી છટકી શકાતું નથી; કારણ કે ભુલનું તે કુદરતી અને અનીવાર્ય પરીણામ છે. (3/27 પૈકી). આમ હોવાને કારણે આપણા દરેક કામમાં ‘નીષ્ફળતા’ મળવાની શક્યતા છુપાયેલી છે જ. નીષ્ફળતાથી હતાશ થઈને જો કામ છોડી દઈએ તો વીકાસ જ અટકી જાય. તેથી શીક્ષાનો ધક્કો હળવો કરવા માટે ગીતા સમાઝાવે છે કે કામ કરવાનો તને અધીકાર છે; પરન્તુ તેનું પરીણામ શું આવશે તે નક્કી કરવાનું તારા હાથમાં હોતું નથી(2/47 વીવરણ માટે જુઓ આગામી લેખ : 09). નીષ્ફળતા સામે ઝઝુમવાની સમઝણ આપતો ગીતાનો આ બહુ જાણીતો વીરોધાભાસી શ્લોક માનસીક ‘શૉક ઍબસોર્બર’ની ગરજ સારે છે. બીજી રીતે કહીએ તો કામ કરવાની સ્વતન્ત્રતાની સાથે સાથે નીષ્ફળતા માટે તૈયાર રહેવા અને હતાશ થયા વગર પ્રયત્ન ચાલુ રાખવાના બોધ મારફત ગીતા જીવન જીવવાની કળા શીખવે છે.

કામની સફળતા માટે ગીતા પાંચ પરીબળો ગણાવે છે. દેશ–કાળ, કર્તા, જુદાં જુદાં સાધનો, જુદી જુદી ક્રીયાઓ ને પાંચમું દૈવ(18/14). આપણે નોંધવું જોઈએ કે કામની સફળતામાં દૈવનું સ્થાન ગીતાએ છેલ્લું માન્યું છે – પહેલું નહીં. વૈજ્ઞાનીક જાણકારી, કામની કુશળતા અને યન્ત્રોનું મહત્ત્વ દૈવ કરતાં આગળ સ્વીકારાયું છે. કામની કુશળતાના મહત્ત્વ માટે તો ગીતા એટલે સુધી કહે છે, ‘કુશળતાપુર્વક કરેલું કામ એ જ યોગ છે’(2/50). આધ્યાત્મીકતાના આંચળા હેઠળ જીવતા આળસુઓને લપડાક મારતા ગીતા કહે છે કે તેઓ સંયાસી કે યોગી નથી(6/1).

આવી સમઝણ હોય તો જ્યારે માનવી નીષ્ફળ જાય ત્યારે હતાશ થયા વગર નીષ્ફળતા માટેનાં કારણો શોધીને તેને દુર કરવા મંડી પડે છે. આમ, નીષ્ફળતા એ કાર્યનું અન્તીમ નહીં; પણ સફળતાની દીશા તરફ પ્રયાણ કરવાનું આરમ્ભબીન્દુ બને છે. વીજળીના દીવાના શોધક એડીસન, વીમાનના શોધક રાઈટ ભાઈઓ અને રૉકેટ બનાવનારા ભારતના એન્જીનીયરો તેના આદર્શ ઉદાહરણો છે.

દરેક વીજ્ઞાની આ હકીકત સમઝે છે માટે જ તેના ચીન્તનમાં પ્રયોગનું મહત્ત્વ સૌથી વધારે છે. જો કોઈ પરીબળની અસર ધ્યાનમાં લેવાની રહી ગઈ હોય તો પ્રયોગ સફળ થતો નથી. આમ, પ્રયોગની સફળતા એ ‘સત્ય’ને પારખવાની કસોટી છે. જુના વખતના કીમીયાગરોએ રંગના સરખાપણાને કારણે સીસામાંથી ચાંદી અને તાંબામાંથી સોનું બનાવવાના કરેલા પ્રયોગોથી રસાયણશાસ્ત્રની શરુઆત થઈ. ભલે તેમનો મુળ હેતુ સીદ્ધ ન થયો પણ તેથી તેમની મહેનત સાવ એળે ગઈ નથી. પ્રયોગોને કારણે જ તો રસાયણશાસ્ત્રનો આટલો વીકાસ થયો છે.

કલ્પનામાંથી જન્મેલો વીચાર એ ખરો છે કે ખોટો તે ચર્ચા કરવાથી નહીં; પણ પ્રયોગથી જ નક્કી થઈ શકે. પ્રયોગનું અપેક્ષીત પરીણામ ન આવે તો પણ આ કહેવાતી નીષ્ફળતા નકામી જતી નથી; કારણ કે તેનાથી પણ ‘શું થઈ ન શકે’ તેવું નકારાત્મક ‘જ્ઞાન’ તો પેદા થાય જ છે. પ્રયોગની નીષ્ફળતાની હાંસી ઉડાડનાર અજ્ઞાની હોઈને ‘મુર્ખાઓના સ્વર્ગમાં’ રાચતા હોય છે.

સ્વાધ્યાય

દૈવ એટલે શું?

સ્વીચ દબાવી હોય છતાં પંખો ન ચાલે તોતેનાં જેટલાં કારણો તમે જાણતા હો તે એક કાગળ ઉપર લખો. તમારી યાદીને હવે પછીના લેખ : 07માં આપેલી યાદી સાથે સરખાવવા વીનન્તી છે.

–વીક્રમ દલાલ

દરેક પ્રશ્નને ખુલ્લા દીલથી અને બધી બાજુએથી તપાસનારા રૅશનાલીસ્ટ અને વડીલ લેખકમીત્ર વીક્રમ દલાલે 12 સંજ્ઞાઓ ઓછી શીખવી પડે તથા જોડણી યાદ રાખવી ન પડે તેવી સરળ લીપીમાં પ્રગટ કરેલી પુસ્તીકા રૅશનાલીસ્ટની દૃષ્ટીએ ગીતાનો સંદેશ[પાનાં : 40, મુલ્ય : મફત (લેખકમીત્ર વીક્રમભાઈ ઘરની બહાર જઈ શકે તેમ નથી. જે વાચકમીત્રો લેખકશ્રીના ઘરે લેવા  જશે તેમને પુસ્તીકા મફત મળશે.)]નો આ છઠ્ઠો લેખ, પુસ્તકનાં પાન 24થી 26 ઉપરથી, લેખક અને પ્રકાશકશ્રી વીક્રમભાઈના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : 

શ્રી. વીક્રમ દલાલ, 2/15, કલ્હાર બંગલોઝ, શીલજ ગામ પાછળ, અમદાવાદ – 380 058 સેલફોન : 94273 25820 મેઈલ : inkabhai@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 06–07–2018

6 Comments

 1. નીષ્ફળતા મળે છતાં પ્રયત્ન ચાલુ રાખવાથી છેવટે સફળતા મળી શકે એવો એક અનુભવ થોડા સમય પહેલાં જ થયો. વેક્યુમ ક્લીનરનું બ્રશ બરાબર અંદર-બહાર થઈ શકતું ન હતું. સાધન ખોલી જોયું. સાફ કરીને ફરીથી ગોઠવી જોયું, પણ ઉલટું વધુ ખરાબ થયું. ઘણા પ્રયત્નો જુદી જુદી રીતે ગોઠવવાના કરી જોયા. છેવટે રહેવા દીધું-સમયના અભાવે. ફરીથી કેટલાક દીવાસ બાદ પ્રયત્ન કર્યો. નીષ્ફળતા. આમ જુદા જુદા દીવસોએ પ્રયત્ન ચાલુ રાખ્યો અને એક દીવસ ખુબ સરળતાથી બ્રશ અંદર-બહાર થતું કરી શકાયું – પહેલાં કરતાં પણ વધુ સરળતાથી.

  Liked by 2 people

 2. મુંબઈમાં લોકલ ટ્રેનમાં બારી વાળી સીટ પાસે બેસવું એટલે હીમાલયની ટોંચ સુધી પહોંચવું.

  આવી પરીસ્થીતીમાં આજે સવારના લોકલ ટ્રેનમાં પંખો ચાલુ કરવા બટન દબાવી ઉપર જોયું તો ખબર પડી કે પંખો બંધ હતો અને એની પાંખો જ ન હતી….

  Liked by 2 people

 3. વિક્રમભાઇનો લેખ વાંચ્યો. આજનું ,૨૦૧૮ના વરસનું માનવજીવન…ગીતાનો ઉપદેશ. અભિવ્યક્તિના મથાળે ગૌતમ બુઘ્ઘનો સંદેશ. અને ઘણા બઘા વિચારો….
  અેક વાત યાદ આવ્યા કરી અને તે….બાળપણમાં શીખેલાં અને મગજમાં અમર થઇને બેઠી છે તે….‘ કરંતા જાળ કરોળીયો…….
  આભાર….
  અમુત હઝારી.

  Liked by 2 people

 4. ”નીષ્ફળતા એ કાર્યનું અન્તીમ નહીં; પણ સફળતાની દીશા તરફ પ્રયાણ કરવાનું આરમ્ભબીન્દુ બને છે. ”
  બિલકુલ સાચી વાત..

  Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s