અંગદાનનો નીર્ણય લેવો કેટલો અઘરો?

–જીગીષા જૈન

‘‘સ્વજનનાં પાછા આવવાની પાંગળી આશા, ડૉક્ટર્સ પરનો અવીશ્વાસ અને જાતજાતની આશંકાઓમાં ઘેરાયેલો પરીવાર, પોતાનું દુ:ખ ભુલી, બીજાને નવજીવન બક્ષવા માટે અંગદાનનો નીર્ણય લે છે. આ નીર્ણય બીલકુલ સહેલો હોતો નથી. જેમણે આ અઘરો નીર્ણય લેવાની હીમ્મત દાખવી છે એવા લોકોને આજે મળીએ. આ નીર્ણય લેવામાં આપણને મદદ કરી શકે એવી અમુક જરુરી વાતો નીષ્ણાત પાસેથી પણ જાણીએ.’’

અંગદાનનું મહત્ત્વ દરેક નાગરીકને સમજાય અને દરેક નાગરીક આ માટે પ્રતીબદ્ધ થાય એ માટે 13 ઓગસ્ટને ‘ઑર્ગન ડોનેશન ડે’ ઉજવવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તીનું કોઈ અંગ નબળું હોય કે વ્યવસ્થીત કામ ન આપતું હોય, ત્યારે તેને કોઈ બીજી વ્યક્તીના સ્વસ્થ અંગ સાથે બદલીએ એટલે કે ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો એ વ્યક્તીને નવું જીવન મળે છે, નહીંતર આંખ અને ચામડી સીવાયનાં જેટલાં પણ અંગો છે એ ખરાબ થઈ જાય તો માણસ જીવી શકતો નથી. અંગદાન અન્તર્ગત જેની બહોળા અર્થમાં જરુર પડે છે એવાં અંગો છે– આંખ, હૃદય, કીડની, લીવર અને ચામડી. આ સીવાયનાં પણ અમુક અંગો છે જેનું ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે; પરન્તુ મુખ્ય અંગો આ જ છે જેમાંથી કીડની અને લીવર જીવતી વ્યક્તી પણ દાનમાં આપી શકે છે; પરન્તુ તે વ્યક્તી એ દરદીની સમ્બન્ધી હોવી જરુરી છે. કોઈ અજાણી જીવીત વ્યક્તી દરદીને કીડની–લીવર ન આપી શકે. મૃત્યુપર્યંત કોઈ પણ વ્યક્તી અજાણી હોવા છતાં જરુરતમન્દ દરદીને દાન આપી શકે છે; પરન્તુ અંગદાન સાથે એક બીજી બાબત પણ એ જોડાયેલી છે કે દરેક વ્યક્તી બધાં જ અંગોનું દાન કરી શકતી નથી. જો કોઈ વ્યક્તીનું સામાન્ય સંજોગોમાં મૃત્યુ થાય તો તે આંખ અને ચામડી દાન કરી શકે છે; પરન્તુ જે વ્યક્તી હાર્ટ, લીવર અને કીડની દાન કરવા માગતી હોય એ ત્યારે જ શક્ય છે, જ્યારે તે બ્રેઈન–ડેડ થઈ હોય.

સ્વજન જ્યારે હૉસ્પીટલમાં હોય, તે બ્રેઈન–ડેડ ઘોષીત થયું હોય ત્યારે એવા કેટલા લોકો છે જે અંગદાનનો નીર્ણય લઈ શકે છે? આ નીર્ણય જેટલો દેખાય છે એટલો લેવામાં સહેલો નથી. સ્વજન મરી રહ્યું છે ત્યારે તમે ઈમોશનલી ભાંગી પડ્યા હો ત્યારે અંગદાન વીશે સુઝવું જ અઘરું છે. વળી અંગદાન મગજથી લેવાતો નીર્ણય છે અને મગજ તો ત્યારે બહેર મારી ગયું હોય છે! આ નીર્ણય સાથે શંકાઓ, અપરાધભાવ, પાપ–પુણ્યનો સરવાળો ઘણું બધું જોડાયેલું છે. આમ પણ પોતાનું અંગદાન કરવું હોય તો વ્યક્તી જાતે નીર્ણય લઈ લેતી હોય છે; પરન્તુ સ્વજનનાં અંગદાનનો અઘરો નીર્ણય લેનારાં પરીવારો વીશે આજે જાણીએ. તેમની એ સમયની પરીસ્થીતી અને માનસીકતાને સમજવાનો પ્રયાસ કરીએ :

દીકરાની અન્તીમ ઈચ્છા

મીલી અને રુપેશ ઉદાણીદીકરા દેયાન(જમણેથી બીજો)નાં અંગો દાન કર્યા

ઑસ્ટ્રેલીયામાં રહેતાં મીલી અને રુપેશ ઉદાણીને બે સન્તાનો છે, જેમાં મોટી દીકરી નાયસા અને નાનો દીકરો દેયાન. દર વર્ષે એક વાર ભારત આવવાના રીવાજ મુજબ તેઓ આ વર્ષે પણ જાન્યુઆરીમાં અહીં આવ્યાં હતાં. જે દીવસે પાછાં જવાનાં હતાં એ દીવસે જ દેયાન એકદમ બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલીક હૉસ્પીટલ લઈને ભાગવું પડ્યું. તે બેભાન થયો એના બે–ત્રણ દીવસથી તે માથું દુ:ખવાની ફરીયાદ કરતો હતો; પણ એ નગણ્ય લાગતાં ઉદાણી દમ્પતી આ બાબતે ગમ્ભીર બન્યું નહીં અને જ્યારે હૉસ્પીટલ ગયાં ત્યારે ખબર પડી કે દેયાનને હૅમરેજ થઈ ગયું છે. દેયાનને ઠીક કરવા માટે ઑપરેશન કર્યું; પરન્તુ એ થયા પછી પણ મલ્ટીપલ હૅમરેજ થવા લાગ્યાં. તાત્કાલીક થયેલી બે સર્જરી પછી પણ દેયાનની પરીસ્થીતી વણસતી જતી હતી અને આખરે તેને બ્રેઈન–ડેડ જાહેર કરવામાં આવ્યો.

પરીવારની એ સમયની પરીસ્થીતી વર્ણવતાં ઘાટકોપરમાં રહેતાં દેયાનનાં મામી અમીરા બાવીસી કહે છે, ‘અમારે માથે તો આભ ફાટી પડ્યું હતું. એક જ રાતમાં હસતો–રમતો છોકરો હૉસ્પીટલ પહોંચી ગયો અને ડૉક્ટરોએ તેને બ્રેઈન–ડેડ જાહેર કર્યો!’ આ સમયે નીયમ મુજબ ડૉક્ટરોએ અંગદાન માટેની મંજુરી માગી. અમને થયું કે આ વાત મીલી પાસે પહોંચી તો તેનું શું થશે; કારણ કે બધામાં, મા તરીકે સૌથી ખરાબ હાલત તો તેની જ હતી. આ નીર્ણય મીલીએ જ લેવાનો હતો; પરન્તુ એ નીર્ણય લેતાં પહેલાં એ વાતનો સ્વીકાર કરવાનો હતો કે હવે દેયાન તેના જીવનમાંથી જતો રહ્યો છે, જે સહેલું નહોતું.

બ્રેઈન–ડેડ થવાની સાથે અંગદાનની વાત મીલી અને રુપેશ સુધી પહોંચી ત્યારે તેમને તરત જ દેયાન સાથે ઑસ્ટ્રેલીયામાં થયેલી વાતચીત યાદ આવી ગઈ. અમીરા આ વીશે માહીતી આપતાં કહે છે, ‘દેયાનની સ્કુલમાં તેના શીક્ષકે અંગદાન કરવું જોઈએ એ બાબતે વાત કરેલી. ઑસ્ટ્રેલીયામાં એક નીયમ છે કે જો તમે ઑર્ગન–ડોનર હો તો ડ્રાઈવીંગ લાઈસન્સ પર જ એ લખાઈ જાય છે. મીલીના લાઈસન્સ પર એ લખેલું હતું અને રુપેશના લાઈસન્સ પર નહીં. એટલે દેયાને તેની મમ્મીને પુછ્યું કે મમ્મી, ‘કેમ તારા લાઈસન્સ પર જ આ લખ્યું છે, પપ્પાના લાઈસન્સ પર કેમ નહીં?’ ત્યારે રુપેશે કહ્યું કે, ‘મને થોડી બીક લાગે છે.’ ત્યારે આટલા નાના દેયાને કહ્યું કે, ‘એમાં બીક શેની? હું તો ચોક્કસ ઑર્ગન ડોનેટ કરવાનો જ છું અને પપ્પા, તમે પણ કરજો.’ આ બનાવ આંખ સામે તાદૃશ થતાં તે બન્નેએ દેયાનની આ વાતને તેની આખરી ઈચ્છા સમજી પુરી કરવાનું પ્રણ લીધું અને અંગદાન માટે હા પાડી.

આ અઘરા નીર્ણય પછી જ્યારે દેયાનને ઑપરેશન–થીયેટરમાં લઈ જઈ રહ્યા હતા એ ક્ષણ મીલી અને રુપેશ માટે સૌથી અઘરી હતી. ત્યારે માને ખબર હતી કે તેનો દીકરો અત્યારે જીવતો જઈ રહ્યો છે અને જે બહાર આવશે એ ફક્ત તેનો મૃતદેહ જ હશે. આ પરીસ્થીતીમાં પણ જ્યારે ડોનેશન માટે ડૉક્ટર્સને આવતાં વાર લાગી રહી હતી, ત્યારે મીલી બેબાકળી થઈ ગઈ હતી કે ડૉક્ટર્સ જલદી આવતા કેમ નથી. જો તેઓ આમ જ વાર લગાડશે તો મારા દીકરાનું હૃદય ડોનેટ નહીં કરી શકાય. એ સમયે એક માની આવી હીમ્મત જોઈને ડૉક્ટર્સ પણ નતમસ્તક બન્યા હતા. દેયાનની યાદમાં ઉદાણી પરીવાર જેમનામાં શ્રદ્ધા ધરાવે છે એ શ્રીમદ્ રાજચન્દ્ર મીશન દ્વારા અંગદાનનું મોટું કૅમ્પેન ભારતમાં જ નહીં; વીશ્વનાં જુદાં–જુદાં સ્થળોએ આજે ચાલી રહ્યું છે.

મૃત્યુનો ભાર હળવો થયો

ત્રણ મહીના પહેલાં મુમ્બઈનાં અખબારોમાં ‘ગુજરાતથી હૃદય મુમ્બઈ આવ્યું’ના ટાઈટલ હેઠળ એક સમાચાર આવ્યા હતા કે કુલ 77 મીનીટમાં હાર્ટ સુરતથી મુમ્બઈ પહોંચ્યું હતું. આ એ જ હૃદય આપનારા પરીવારની વાત છે. ત્રેપન વર્ષના રમેશ પટેલનું સ્કુટર સ્લીપ થયું અને તેમને માથામાં ઈજા થઈ. આસપાસના એકઠા થયેલા લોકો તેમને હૉસ્પીટલ લઈ ગયા અને તેમના ઘરે તેમની પત્નીને ફોન કર્યો કે તમે તાત્કાલીક આવી જાઓ. રમેશભાઈને હૅમરેજ થઈ ગયું હતું અને બધા જુદા–જુદા રીપોર્ટ્સ દર્શાવી રહ્યા હતા કે તેમની હાલત નાજુક હતી.

પપ્પા રમેશભાઈનાં અવયવો દાન કરવાનો નીર્ણય લીધો સુરતના જય પટેલે

આ સમયની વાત કરતાં તેમનો દીકરો જય પટેલ કહે છે, ‘અમારી હાલત ખુબ જ ખરાબ હતી. પપ્પા, મારા પપ્પા જ નહીં; બેસ્ટ ફ્રેન્ડ પણ હતા. તે જ પરીવારનું સર્વસ્વ હતા અને તેમને આ હાલતમાં જોવા અમારા માટે મુશ્કેલ હતું. ખાસ કરીને મમ્મી તો અન્ન–જળત્યાગ કરીને બેસી ગયાં હતાં. તેમણે પ્રણ લીધેલું કે પપ્પાને ઠીક થાય પછી જ હું કંઈ પણ મોઢામાં નાખીશ. મને જ્યારે ખબર પડી કે પપ્પા બ્રેઈન–ડેડ છે ત્યારે હું તો એ પરીસ્થીતી સ્વીકારવા જ તૈયાર નહોતો. મને લાગ્યું કે હું તેમને અમેરીકા લઈ જઈશ, સારામાં સારો ઈલાજ કરાવીશ. મારા પપ્પા મને પાછા જોઈએ.’

જયનો પોતાના પપ્પા માટેનો મોહ અને તેમને પાછા લાવવાની જીદ ત્યાં સુધીની હતી કે તેણે સારામાં સારા ડૉક્ટર્સની લાઈન ખડી કરી દીધી.

બ્રેઈન–ડેડ સર્ટીફીકેટ માટે બે ડૉક્ટરના મત પર્યાપ્ત છે; પરન્તુ જયે ચાર ડૉક્ટરના મત લીધા. એમાંથી એક જાણીતા ડૉક્ટરે તેને સમજાવ્યું કે, ‘ભાઈ, તું આમને ગમે ત્યાં લઈ જા; પરન્તુ હવે આમાં કંઈ થઈ શકે એમ નથી.’ ડૉક્ટરે રમેશભાઈનાં પત્ની કાશ્મીરાબહેનને પણ સમજાવ્યું અને અંગદાન માટેની વાત કરી. કાશ્મીરાબહેન જ્યારે આ બાબતે અસમંજસમાં હતાં, ત્યારે હૉસ્પીટલમાં લાગેલું ઑર્ગન–ડોનેશનનું પોસ્ટર જોયું અને એ ઘડીએ પ્રતીબદ્ધ બન્યાં કે આ કરવું જ જોઈએ.

રમેશભાઈની કીડની, લીવર, આંખ અને હૃદય દાનમાં આપવામાં આવ્યાં. તેમના વીશે વાત કરતાં જય કહે છે, ‘મારા પપ્પાને કોઈ વ્યસન નહોતું અને તેમના નખમાં પણ રોગ નહોતો એટલે તેમનાં અંગો એકદમ તન્દુરસ્ત હતાં. હમણાં થોડા દીવસ પહેલાં જ હું એ બધા લોકોને મળ્યો જેમને મારા પપ્પાનાં અંગો મળ્યાં હતાં. તેમને મળીને મને લાગ્યું કે હું પપ્પાને જ મળ્યો છું; મારા પપ્પા ક્યાંય ગયા નથી, બસ અહીં જ છે. આ અંગદાનથી તેમના મૃત્યુના દુ:ખનો જે ભાર છે એ થોડો હળવો થયો છે. યોગાનુયોગ તો જુઓ, જ્યારે મારા પપ્પાના અગ્નીસંસ્કાર પણ થયા નહોતા ત્યાં સુધીમાં તેમના થકી બીજી ચાર જીન્દગી બેઠી થઈ ગઈ હતી !’

શંકા થવી તો સહજ જ છે

આશુતોષ મીને મમ્મી સ્મીતાની કીડની, આંખો અને લીવર દાન કર્યા

ભાઈન્દરમાં રહેતા આશુતોષ મીનનાં મમ્મી અને પપ્પાનો આજથી બે વર્ષ પહેલાં 2014ના જુનમાં ઍક્સીડન્ટ થયો. તેમનું સ્કુટર સ્લીપ થઈ ગયું અને બન્ને જખમી થયાં, જેમાં તેના મમ્મી સ્મીતાબહેન વધુ ગમ્ભીર હાલતમાં હતાં; કારણ કે તેમના મગજમાં ક્લૉટનું પ્રમાણ વધતું જતું હતું. પપ્પાની પણ હાલત એ સમયે ખરાબ જ હતી; પરન્તુ તેમના ક્લૉટ મમ્મીની સરખામણીમાં નાના હતા.

મમ્મીની હાલત ખરાબ થતી ચાલી. તેમના મગજમાં સોજાનું પ્રમાણ વધી રહ્યું હતું. આ દીવસો યાદ કરીને આશુતોષ કહે છે, ‘તેમને અમે મોટી હૉસ્પીટલમાં દાખલ કર્યાં હતાં; સાથે–સાથે બીજી જગ્યાના ડૉક્ટર્સનો મત હું લઈ જ રહ્યો હતો. આ સમય જ એવો છે કે તમારું કોઈ માંદુ હોય તો સેકન્ડ ઑપીનીયન લેવા માણસ આમતેમ નીષ્ણાતો પાસે દોડ્યા કરે છે. આ સમયમાં જ્યારે તેમની હાલત લથડી ત્યારે એ લોકોએ તેમની ફરજ મુજબ મને અંગદાન માટે વાત કરી અને મને આ વાતથી તેમના પર વધુ શંકા ગઈ.’

ન્યુઝમાં આપણે અવારનવાર સાંભળીએ છીએ કે ઑર્ગન્સની ખરીદારી અને લે–વેચ થતી હોય છે. હૉસ્પીટલવાળા પણ એમાં ભળેલા જ હોય. આ બધું સાંભળી–સાંભળીને અને જે સમયે આપણું સ્વજન એ પરીસ્થીતીમાં હોય ત્યારે તો તમને બધું નકારાત્મક જ દેખાય. એવી જ હાલત આશુતોષની હતી. તેને પણ લાગ્યું કે આ લોકો સાચું જ બોલી રહ્યા છે કે શું ફક્ત ઑર્ગન્સ મેળવવા માટે આવું કહી રહ્યા છે? પરન્તુ જેટલા ડૉક્ટર્સના મત તેણે લીધા, એ બધાએ કહ્યું કે મમ્મીની હાલત ખરેખર ગમ્ભીર છે.

એક વખત વાતનો સ્વીકાર થઈ જાય પછી આગળ મગજ ચાલે એમ જણાવતાં આશુતોષ કહે છે, અંગદાન વીશે અમારો પરીવાર પહેલેથી જાગૃત હતો. છાપાં અને મૅગેઝીનના લેખ, ટીવી પરની જાહેરાતો અને સમાજમાં બનતા બનાવો જ્યારે પણ સામે આવે ત્યારે અમારા ઘરમાં આ વીશે ચર્ચા થાય અને અમને બધાને લાગે કે અંગદાન તો કરવું જ જોઈએ. મમ્મી પણ હમ્મેશાં આગ્રહપુર્વક કહેતા કે મને કંઈ થાય તો મારાં અંગોનું દાન ચોક્કસ કરજે અને એટલે જ અમે નીર્ણય લીધો કે અમે અંગદાન કરીશું.’

સ્મીતાબહેનના હાથ–પગ ઘાયલ થયેલા હતા. એટલે તેમની સ્કીન દાન ન કરી શકાઈ. આ ઉપરાંત તેમનું હાર્ટ પણ દાન કરી શકાય એમ નહોતું. તેમની આંખો, લીવર અને કીડની ત્રણેય વસ્તુનું દાન થયું. આજે મીનપરીવારમાં દરેક વ્યક્તી અંગદાન માટે પ્રતીબદ્ધ બની છે. સ્મીતાબહેનની જેમ બધા જ ઈચ્છે છે કે તેમનું મૃત્યુ સાર્થક બને.

શું–શું મેળવી શકાય?

ભારતમાં રોડ–ઍક્સીડન્ટથી લાખો લોકો હૉસ્પીટલમાં ઍડ્મીટ થાય છે અને એમાંથી મોટા ભાગના બ્રેઈન–ડેડ ડીક્લેર થાય છે. આવા સંજોગોમાં બ્રેઈન–ડેડ વ્યક્તીના પરીવારની મંજુરી મેળવીને 11 જેટલાં મહામુલ્ય ઑર્ગન અને ટીશ્યુ દાનમાં મેળવી શકાય છે. હૃદય, લીવર, ફેફસાં, કીડની, સ્વાદુપીંડ, આંતરડાં, આંખ, ત્વચા, હાડકાં, હૃદયના વાલ્વ અને કાનનો પડદો બ્રેઈન–ડેડ વ્યક્તી પાસેથી ડોનેશનમાં મળી શકે છે.

કેટલો સમય સચવાય?

આ મહત્ત્વપુર્ણ અંગો બ્રેઈન–ડેડ વ્યક્તીમાંથી તરત જ મેળવી લઈ અને એની યોગ્ય જાળવણી કરીને વીવીધ સમય સુધી સાચવી શકાય છે. હૃદય અને ફેફસાં ચારથી છ કલાક સુધી જાળવી શકાય છે, જ્યારે કીડનીની 48થી 72 કલાક સુધી જાળવણી કરી શકાય છે. હાડકાં અને ચામડી પાંચ વર્ષ સુધી જાળવી શકાય છે. એટલે કે ઉપરોક્ત સમયમાં આ અંગો અન્ય માનવીમાં ફીટ કરી દેવાં પડે છે.

બ્રેઈન–ડેડ એટલે શું?

જ્યારે કોઈ વ્યક્તીને મગજમાં માર લાગે અને હૅમરેજ થવાને લીધે તેનું મગજ કામ કરતું અટકી જાય એને બ્રેઈન–ડેડ કહે છે. આવી વ્યક્તીના શ્વાસ ચાલતા હોય છે એટલે દરદીના સમ્બન્ધી માને છે કે જીવે છે; પરન્તુ માણસ બ્રેઈન–ડેડ થાય એના 1–2 દીવસમાં કે ક્યારેક અમુક કલાકોમાં જ તે સમ્પુર્ણ રીતે ડેડ થઈ શકે છે. એવું ન થાય એટલે તેને વેન્ટીલેટર પર રાખવામાં આવે છે. વેન્ટીલેટર જેવું હટાવવામાં આવે કે તે થોડા દીવસમાં કે કલાકોમાં મરી જાય છે. જ્યારે વ્યક્તી બ્રેઈન–ડેડ થાય ત્યારે ડૉક્ટર દરદીના ઘરના લોકોને ઈન્ફૉર્મ કરે છે કે વ્યક્તી બ્રેઈન–ડેડ થઈ છે, તમને ઑર્ગન ડોનેટ કરવાની ઈચ્છા છે કે નહીં? આ સમયે એક યક્ષ પ્રશ્ન એ છે કે વ્યક્તીના શ્વાસ ચાલી જ રહ્યા છે, એક સામાન્ય માણસ માટે શ્વાસ જ જીવન છે, પોતાના આપ્તજનને કોઈ ચમત્કાર બચાવી લેશે એવી તેના મનમાં ભાવના ચોક્કસ હશે; તો તે કેવી રીતે માની લે કે આ વ્યક્તી હવે ઠીક નહીં જ થાય? આ પ્રશ્નનો જવાબ આપતાં વૉકહાર્ટ હૉસ્પીટલ, મુમ્બઈ સેન્ટ્રલના ન્યુરોલૉજીસ્ટ ડૉ. શીરીષ હસ્તક કહે છે, ‘કોમા અને બ્રેઈન–ડેડ બન્ને અવસ્થા જુદી છે. જો વ્યક્તી કોમામાં હોય તો વર્ષો પછી પણ એ પાછી આવી શકે છે; પરન્તુ જે વ્યક્તી બ્રેઈન–ડેડ હોય એ વ્યક્તી પાછી આવી શકતી નથી. એ શક્ય જ નથી. કોમા એટલે મગજનું બહારનું આવરણ ક્ષતીગ્રસ્ત થયું હોય અને બ્રેઈન–ડેડ એટલે બહારનું જ નહીં; મગજનું અન્દરનું આવરણ પણ ક્ષતીગ્રસ્ત થયું છે. જો 0.01 ટકા પણ શક્યતા બચી હોય, વ્યક્તીના જીવીત રહેવાની, તો તેને બ્રેઈન–ડેડની ઉપાધી કોઈ આપી શકે નહીં.’

અંગદાનની પ્રોસેસ

જ્યારે તમે સમ્બન્ધી તરીકે નીર્ણય લો છો કે, આ દરદીનાં અંગોને દાન કરવામાં અમને વાંધો નથી, ત્યારે એ વ્યક્તીના શ્વાસ ચાલુ હોય છે; પરન્તુ જ્યારે તેને ઑપરેશન થીયેટરમાં લઈ જાય છે અને તેમનાં અંગો કાઢી લેવામાં આવે છે, ત્યારે તેનું આ મૃત્યુ કૃત્રીમ રીતે થાય છે. મેડીકલ સાયન્સ માટે એવું છે કે દરદીનું મૃત્યુ થોડા સમયમાં થવાનું જ છે એ પહેલાં તેનાં અંગો કામમાં લઈ શકાય એટલે આ પ્રક્રીયા જરુરી છે; પરન્તુ એક સામાન્ય માણસની જગ્યાએ ઉભા રહીને વીચારીએ, તો લાગે કે આપણી વ્યક્તીને આપણે જાતે મારી રહ્યા છીએ. આવામાં ડૉક્ટર તો ખોટું નહીં બોલતા હોય? ડૉક્ટરે કહ્યું એટલે કેમ માની લેવું કે આ વ્યક્તી બ્રેઈન–ડેડ થઈ જ ગઈ છે? આવા કેટલાય પ્રશ્નો આ નાજુક સમયમાં વ્યક્તીને આવી શકે છે. આ બાબતે સ્પષ્ટતા કરતાં ડૉ. શીરીષ હસ્તક કહે છે, ‘આ પ્રોસેસ એકદમ કાનુની છે અને એમાં ઘણા બધા લોકો સામેલ હોય છે એટલે પારદર્શી પણ છે. એક ટેસ્ટ છે ઍપ્નયા ટેસ્ટ, જેના દ્વારા ખબર પડે છે કે વ્યક્તી બ્રેઈન–ડેડ છે કે નહીં. આ ઉપરાંત જે તેનો ઈલાજ કરી રહ્યા છે એ સીવાયના બીજા બે ડૉક્ટર આવીને દરદીને તપાસે છે અને તે પણ માને ત્યારે તેને બ્રેઈન–ડેડ ઘોષીત કરવામાં આવે છે. બીજું એ કે અંગદાન એક પ્રૅક્ટીકલ નીર્ણય છે. જ્યારે તમારું સ્વજન મરવાનું છે, એ નીશ્ચીત થઈ જ ગયું છે, ત્યારે તેનાં અંગો બીજી વ્યક્તીને આપીને તેમનું મરણ સાર્થક બનાવી શકાય છે. બાકી જો તેમને કુદરતી મૃત્યુ આપવામાં આવે તો તેમનાં એ અંગ વેડફાઈ જશે અને કોઈ વ્યક્તી જેને જીવનદાન મળવાનું હતું એ નહીં મળી શકે.’

––––––––––––––––––––––––––––––––––––––––

દર વર્ષે હજારો બ્રેઈન–ડેડ કે એક્સીડેન્ટના કારણે મૃત્યુ પામ્યા હોય તેવા મૃતદેહને સ્મશાન કે કબ્રસ્તાનમાં અનુક્રમે અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર કરવામાં આવે છે. તેમ કરવાથી મૃતકનાં અંગો રાખ થઈ જાય છે કે માટીમાં ભળી જાય છે. આ મૃતકનાં અંગો મૃત્યુની રાહ જોતા અને રીબાતા દરદીઓને દાન કરી, સમયસર અંગોનું પ્રત્યારોપણ કરી; અનેક લોકોને નવજીવન આપી શકાય છે. તારીખ 2 જુલાઈથી દર સોમવારે સાંજે 7.00 વાગ્યે પ્રગટ થતી આ લેખમાળા વાંચીને વાચકમીત્રો અંગદાન કરવાનો નીર્ણય કરશે તો લોકજાગૃતીનો મારો આ પ્રયાસ સાર્થક થશે.

–ગોવીન્દ મારુ

––––––––––––––––––––––––––––––––––––––––

શું તમે જાણો છો?

દેશમાં એક અંદાજ મુજબ આશરે પાંચ લાખ લોકો વીવીધ ઑર્ગન ન મળવાને કારણે દર વર્ષે મોતને ભેટે છે, જ્યારે લીવર ન મળવાને કારણે વર્ષે બે લાખ લોકો મૃત્યુ પામે છે. દોઢ લાખ લોકો દર વર્ષે કીડની–ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોઈ રહ્યા છે. એની સામે એક વર્ષમાં માંડ 5,000  કીડની મળી રહે છે. દર વર્ષે દસ લાખ લોકો કૉર્નીયલ બ્લાઈન્ડનેસને કારણે અન્ધાપો અનુભવી રહ્યા છે.

–જીગીષા જૈન

લેખીકા સમ્પર્ક : જીગીષા જૈઈ–મેલ : jigishadoshi@gmail.com

મુમ્બઈના મીડડે દૈનીકે તા. 13 ઓગસ્ટ, 2016ના રોજ ‘ઓર્ગન ડોનેશન ડે’ નીમેત્તે ખાસ પુર્તી પ્રગટ કરી હતી. આ લેખના લેખીકા અને મીડડેના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ .મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 09/07/2018

22 Comments

  1. જીગીષા જૈને ખુબજ સુંદર અને સરળ શૈલીમાં દાખલાઓ આપીને ‘ અંગદાન‘ સમજાવ્યું આભાર. સગા વ્હાલાઓના ઇમોશન્સ બ્રેન ડેડ વ્યક્તિની ઉમર સાથે સંબંઘ ઘરાવે છે. પહેલેથી ડીટરમાઇન્ડ હોય તેઓને આ ઇમોશન્સ થોડા ઓછા હલાવે છે.
    અભિવ્યક્તિમાં આવા સમાજ ઉપયોગી આર્ટીકલો વઘુ આવકાર્ય બનાવવા જોઇઅે. પ્રશ્નોના પરિણામો આપતા લેખો જોઇઅે. લોકજાગૃતિ આપતાં લેખો જોઇઅે.
    ગોવિંદભાઇ અને જીગીષાબેનનો આભાર.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  2. અંગદાનનું મહત્વ અને નિર્ણય અંગેના લેખ માટે જીગીષાબેન તેમજ ગોવિંદ સાહેબને આભાર સહ પ્રણામ.
    શ્રી રાજ્ચંદ્ર મીશન દ્વારા મનવતાનું આ કાર્ય ભારતમાં થઈ રહેલ છે તે જાણ્યું.આ મીશનની કોઈ શાખા અમેરિકામાં
    હશે? જો હોય તો આ અંગે માહિતી ઈચ્છું છું, જે શક્ય હોય ને મળે તો જાણ કરવા વિનંતી .આભાર.

    ________________________________

    Liked by 2 people

  3. ગોવિંદભાઇ, આજનો લેખ બહુ વ્યવહારુ છે. આવી જાગૃતિની જરુર છે. નશ્ર્વરદેહને બાળી કે દાટી દેવાને બદલે જતા જતાય જો કોઇને નવજીવન મળતુ હોય તો માનવદેહ સાર્થક થાય. કારણ કે આવા અવયવ કુદરતના કારખાના સિવાય કયાય બનતા નથી. અહી અમેરીકામાં ડ્રાઇવિંગ લાયસન્સમાં ડ્રાઇવરની સંમતિ ઉમેરેલી હોય છે જ. ધાર્મિક લોકોના સંતોષ ખાતર આપણા પુરાણમાં દધીચિ ઋષિએ દેવોને દાનવો સામેની લડતમાં મદદ કરવા પોતાના શરીરનું દાન કર્યુ હતુ. એના હાડકાના હથિયારથી દેવો જીત્યા હતા.તમે જણાવ્યુ એમ સ્વજનો માટે આબહુ નાજુક સમય હોય છે. પણ કયારેક અંગદાનથી આપણે અજાણ એવા પરિવાર કે વ્યકિત સાથે જોડાઇ જઇએ છીએ જેની આપણે કલ્પના પણ ના કરી હોય. ખરેખર તો આપણુ
    પ્રિયજન એની મારફત જીવે છે. એક સાચું તર્પણ.

    Liked by 1 person

    1. તમારું દધીચિ ઋષિ વાળું ઉદાહરણ એકદમ સ્પર્શી ગયું….આભાર!

      Like

  4. આભાર જિગીષા જૈન.
    આપે લેખ માં જે વિગતવાર માહિતી આપેલ છે ખરેખર ઉપયોગી છે અને આ દ્વારા લોકોને અંગ દાન કરવા લોકોને પ્રેરણા આપે તેમ છે. મને પણ આ માહિતી થી ઘણી કલેરીટી મળી છે અને હું પણ અંગદાન કરીશ. માહિતી ની કલેરીટી આપવા બદલ તેમજ મને આ નિર્ણય લેવામાં મદદરૂપ થવા બદલ ખુબ ખુબ અભિનંદન!

    Liked by 2 people

    1. વહાલા જગદીશભાઈ,
      ‘અભીવ્યક્તી’ બ્લૉગના ઘણાં વાચકમીત્રો/પ્રતીભાવકમીત્રો અંગદાતા તરીકે નોંધણી કરાવી હશે જ. આગામી 13 ઓગસ્ટના રોજ ‘વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે’ નીમીત્તે 2 જુલાઈથી ‘અંગદાન’ અંગે લેખમાળા શરુ થઈ અને આ બીજો લેખ છે. આપશ્રીએ ‘અંગદાન’ કરવાનો સૌપ્રથમ નીર્ણય કર્યો તે બદલ આપને ખુબ ખુબ અભીનન્દન… લોકજાગૃતીનો મારો આ પ્રયાસ સાર્થક થયો તેનો આનન્દ.. ધન્યવાદ..
      ..ગો. મારુ

      Like

    2. તમે અંગદાનનો નિર્ણય લીધ એ જાણી ખરેખર આનંદ થયો. વધુને વધુ લોકો જાગૃત થાય અને આ માનવતાના કામમાં આગળ આવે એ જ અભ્યર્થના.

      Liked by 1 person

    1. વહાલા વલીભાઈ,
      ‘અંગદાનનો નીર્ણય લેવો કેટલો અઘરો?’ લેખને ‘માનવધર્મ’ બ્લૉગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  5. ઓર્ગન ડોનેટરના કિસ્સા સાથે વિગતો સહિત માહિતિ આપતો આ લેખ ખૂબ સરસ છે. લેખિકા બહેનશ્રીને ધન્યવાદ. મૃત્યુ પહેલા જીવતા રહેવાની જડીબુટ્ટી સમાન અંગદાન વિષે બ્લોગ દ્વારા જાગૃતિનુ અભિયાન ચલાવનાર ગોવિંદભાઇ મારુને સો સો સલામ.
    @ રોહિત દરજી “કર્મ”,હિંમતનગર

    Liked by 2 people

  6. ઘણો જ સુંદર અને સરસ માહિતીસભર લેખ. જિગિષાબહેન અને ગોવિંદભાઈ, હાર્દિક અભિનંદન અને ખુબ ખુબ ધન્યવાદ.
    બ્રેઈન ડેડ ‘ વિષે આટલી સરળ અને વિગતવાર માહિતી પહેલીવાર વાચી.
    પરદેશની જેમ આપણે ત્યાં પણ ચક્ષુ દાન અને અંગદાનની ઈચ્છાની વિગત ડ્રાઈવીન્ગ લાઈસન્સ કે અન્ય એવા ડોક્યુમેન્ટ પર કરાય તો વ્યક્તિનું મૃત્યુના કોઇ પણ સંજોગોમાં થાય તો એની તરત જાણ થઈ શકે.
    હમણાં હમણાં અમારે ત્યાં પૂણેમાં શ્રી રાજચંદ્ર મિશને અંગદાન માટેના ઘણા પ્રયત્નો ચાલુ કર્યા છે.
    ત્યાં અમારી દીકરી પણ સહાયરુપ થઈ હોઈ અમો સૌ નામ નોંધાવવાના છીએ.
    પૂણે અંધજન મંડળનો મા. મંત્રી હતો ત્યારે ચક્ષુદાનના ફોર્મ અમે સૌએ ભરેલ છે જ ; પણ ઉપર જણાવ્યા પ્રમાણે છેલ્લી ઘડીએ કોઈ રસ લે તો જ આ બધું શક્ય બને.
    દક્ષિણ ભારતમાં કોઈએ દાતાના કાન્ડા પર નિશાની લગાવવાનુ ચાલુ કરેલ પમ આગળ શું થયું તેની જાણ નથી.
    આપના પ્રયત્નોને ખુબ સફળતા મળે અને સમાજમાં સમગ્ર અંગદાન વિષે જાગરુકતા વધે એવી શુભેચ્છાઓ,
    સવિનય.
    નવીન નાગરેચા.

    Liked by 2 people

  7. દેહ દાન ની અગત્યતા બતાવતી અને માનવતાને ઉજાગર કરતી સત્ય કથાઓ રજુ કરતો લેખ ખુબ જ પ્રેરક વાચન બની રહેશે. મરણ પછી પણ દેહ બીજાના કામમાં આવે એનાથી કોઈ મોટી સેવા નથી.

    Liked by 2 people

  8. અંગદાન કે દેહદાન વિષેનો સમાજને નવી દ્રષ્ટિઅને સમજથી વિચારવા ફરજ પડે તેવો સુંદર લેખ વાંચતા આનંદ થયો. આવા પ્રેરણાદાયી લેખો મૂકાતા રહે તો સમાજ્માં પ્રવર્તતા પુરાણા રૂઢી-રિવાજમાંથી મુકત થનારા લોકોને સમાજની ટીકઓનો ડર નહિ લાગે ! આ વિષે મારા વિચારો વર્ષો પહેલાં મેં અમારા બાળકોને દર્શાવ્યાતો છે જ સાથોસાથ વસિયતનામાંમાં પણ સમાવેશ કરેલ છે.
    મારા સ્વજનો તથા સ્નેહી મિત્રોને પણ આ વિષે જાણ કરેલ છે. મારાં પત્રમાં લખેલ છે તે આપ સૌની જાણ માટે અત્રે રજૂ કરું છું.
    ‘તદુઉપરાંત એક આખરી વિનતિ છે કે આમ તો હું સમાજનું ઋણ ઉતારવા કાંઈ આપી શકું તેમ ના હોય પરંતુ જો મારું મૃત્યુ આકસ્મિક રીતે થાય અને ડૉકટરના કહેવા મુજબ બ્રેઈન ડેડ થાય તો મારાં શરીરના જે કોઈ અંગ-ઉપાગ અન્ય કોઈને ઉપયોગી થઈ શકે તેમ જણાય તો તેવી વ્યકતિને સમર્પિત કરી દેવા અને જો કુદરતી મૃત્યુ થાય તો સમ્રગ દેહ મેડીકલ કોલેજના વિધાર્થીના અભ્યાસ માટે આપી દેવો. આ માટે મારો સહમતી પત્ર મેં જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં સપ્ટે. 2004મા જ આપી રાખેલ છે. ‘
    આ લેખ મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ પણ કરું છું. આભાર ગોવિંદ ભાઈ !

    Liked by 1 person

    1. વહાલા અરવીન્દભાઈ ,
      ‘અંગદાનનો નીર્ણય લેવો કેટલો અઘરો?’ લેખને આપના બ્લૉગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  9. શ્રી ગોવિંદભાઈ મારું, તથા જીગીશાબેન જૈન
    ન્યુઝમાં આપણે અવારનવાર સાંભળીએ છીએ કે ઑર્ગન્સની ખરીદારી અને લે–વેચ થતી હોય છે. હૉસ્પીટલવાળા પણ એમાં ભળેલા જ હોય. આ બધું સાંભળી–સાંભળીને અને જે સમયે આપણું સ્વજન એ પરીસ્થીતીમાં હોય ત્યારે તો તમને બધું નકારાત્મક જ દેખાય. ઘરના બધાયની સંમતિ હોય તોજ અંગદાનનો નિર્ણય લઇ શકાય.
    પ્રચલિત રીતર્રીવાજ મુજબ અગ્નિદાહ દેવાથી આત્મા અંતરીયાળમાં વિલીન થાય છે એ દ્રઢ માન્યતા છે. લેખ ખરેખર સારો છે. પણ હોસ્પીટલમાં દેહ વિક્રય થતો હોય તો તે રોકવો જોઈએ. દેહદાનમા રક્ત ગ્રુપ, ગાત્રની સાઈજ, કયું અંગ ઉપયોગમાં આવી શકે છે. તેનાં સંપૂર્ણ તપાસની જરૂરી છે. ખરો નિર્ણય લાગે તોજ દેહદાન દઈ શકાય. એક વાત નક્કી કે મરનારની પાછળ પ્રાથના સભા રાખીને જમણવારી રાખવી એ કેટલુ યોગ્ય છે.? જીવતાજીવ કોઈ કોઈને યાદ કરતુ હોય તે બહુજ ઓછા. . મર્યા પછી મરનારના ગુણ ગાવા?. ભૂલ ચૂક માફ. – જયજીનેન્દ્ર

    Like

Leave a comment