ઈસ્લામ અનુસાર અવયવોનું દાન

–કાસીમ અબ્બાસ

આ જગતમાં સમાજમાં અતી મહત્ત્વના સભ્ય તરીકે રહેતો માનવી પોતાનું ટુંકું જગતજીવન વીતાવ્યા પછી તેનો એક નક્કી કરેલો ચોક્કસ સમયનો ગાળો પુર્ણ કર્યા પછી આ પામર જગતમાંથી વીદાય લે છે. પોતાના જગતજીવન દરમીયાન તે એક મનુષ્ય હોવાના કારણે પોતાના જેવા અન્ય મનુષ્યોના કલ્યાણ તથા ઉત્કર્ષ કાજે તથા તેમને સહાય કરવાના હેતુથી ઘણાં સુકર્મો કરે છે. અને આ અનુસાર તે પોતાના મૃત્યુ પછી પણ જગતમાં પોતાનું નામ, પોતાની સારી શાખ, પોતાની ઓળખ અને પોતે કરેલ ભલાં કાર્યોની યાદ છોડી જાય છે.

આ પ્રકારનો પરદુ:ખભંજન માનવી પોતાના મૃત્યુ પછી પણ શું અન્ય માનવીઓને કામ આવી શકે કે કેમ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે અવશ્ય તે પોતાના મૃત્યુ પછી પણ અન્ય માનવીઓને કામ આવી શકે છે. એક રીત એ કે તે પોતાના જીવન દરમીયાન એવી સંસ્થા કે સંસ્થાઓ સ્થાપીત કરી જાય અને એવો બન્દોબસ્ત કરી જાય કે તે સંસ્થાઓનાં કાર્યો થકી તેના મૃત્યુ પછી પણ અન્ય માનવીઓને ફાયદો પહોંચતો રહે. બીજી રીત એ કે તે પોતાના મૃત્યુ પછી પોતાની લેખીત ઈચ્છા અનુસાર પોતાના શરીરનાં અંગો એટલે કે પોતાના અવયવો(ઈન્દ્રીઓ)નું અથવા તો પોતાના પુરા શરીરનું અન્ય જીવન્ત માનવીઓના ફાયદા માટે દાન કરી જાય. આનો અર્થ એ થયો કે તેના મૃત્યુ પછી તેના શરીરના અવયવો અન્ય જીવન્ત માનવીઓ, જેઓ આ અવયવોથી વન્ચીત છે, તેમના માટે છોડી જાય, જેથી આ માનવીઓ તે અવયવો થકી ફાયદો ઉપાડી શકે. આ કાર્યનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ એ છે કે એક માનવી પોતાની લેખીત ઈચ્છાથી પોતાના મૃત્યુ પછી પોતાના ચક્ષુઓ (આંખો)નું દાન કરી જાય છે. આ ચક્ષુઓ તેના મૃત્યુ પછી તેની ઈચ્છા અનુસાર તરત જ તબીબી નીષ્ણાતો દ્વારા કાઢી નાંખવામાં આવે છે. અને મૃત્યુ પામેલા માનવીના દાન કરેલાં ચક્ષુઓ બીજા કોઈ ચક્ષુહીન જીવન્ત માનવીઓને વાઢકાપ (ઑપરેશન) દ્વારા લગાવી દેવામાં આવે છે. અને તે બન્ને માનવીઓ આ દાન કરેલા ચક્ષુઓથી જગતની વસ્તુઓને જોઈ શકે છે. આ રીતે એક માનવી પોતાના મૃત્યુ પછી પણ અન્ય માનવીઓને ફાયદો પહોંચાડી શકે છે.

અહીં પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે શું આ રીતે માનવી પોતાની ઈચ્છા અનુસાર પોતાના મૃત્યુ પછી પોતાના શરીરના અવયવો કે પુરેપુરું શરીર માનવજાતના કલ્યાણ તથા ફાયદા કાજે દાન કરી શકે છે? સમાજ, કાયદો, સરકાર તથા ધર્મશાસ્ત્રો આ વીષે શું કહે છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલાં આપણે સમાજ, કાયદો તથા સરકારના સન્દર્ભમાં વાસ્તવીકતા જોઈએ.

સમાજના નીતીનીયમો અનુસાર અવયવોના દાનનું આ કાર્ય એક બીજા જીવન્ત માનવીના કલ્યાણ તથા ફાયદા કાજે થઈ રહ્યું હોવાથી સેવાના કાર્યમાં સામાજીક રીતે કોઈ બાધ નથી આવતો. કાયદા અને સરકાર વીષે એ સત્ય છે કે અત્યારે જગતના અસંખ્ય દેશોમાં માનવજાતના કલ્યાણ તથા ફાયદા કાજે મૃત્યુ પછી માનવીની પોતાની ઈચ્છા અનુસાર તેના અવયવોના દાન પર કોઈ પ્રતીબન્ધ કે અવરોધ નથી. ઘણા દેશોમાં તો મૃત્યુ પછી અવયવોના દાન માટે સરકારી કે ખાનગી ધોરણે ઝુમ્બેશ પણ ચલાવવામાં આવે છે. આનું એક ઉદાહરણ એ છે કે ઘણા દેશોમાં, જેમાં યુરોપ, અમેરીકા, કૅનેડા વગેરેનો પણ સમાવેશ થાય છે, વાહન ચલાવવાના પરવાના (ડ્રાઈવીંગ લાઈસન્સ)ના નવીનીકરણ (રીન્યુઅલ) માટેની અરજીની સાથે મૃત્યુ પછી પોતાના અવયવોનું દાન આપવા માટે ઈકરારનામું (ફોર્મ) પણ હોય છે, જેમાં માનવી આ કાર્ય માટે પોતાની સહી કરીને અનુમતી આપી શકે છે.

હવે આપણે માનવીની પોતાની ઈચ્છાનુસાર મૃત્યુ પછી પોતાના શરીરના અવયવો કે પુરા શરીરના દાનને ધર્મશાસ્ત્રો અનુસાર જોઈએ. સામાન્ય રીતે જગતના કોઈ પણ ધર્મના ધર્મશાસ્ત્રમાં આ પ્રકારના દાન વીષે કોઈ ચોક્કસ રીતે ચોખવટ નથી કરવામાં આવી. મુસ્લીમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદમાં પણ આ વીષે કોઈ ચોક્કસ પ્રકારની ચોખવટ કરતાં બોધવચનો નથી આપવામાં આવ્યાં; પરન્તુ માનવજાતના જીવ બચાવવા માટેનાં બોધવચનો અવશ્ય આપવામાં આવેલ છે અને એક બોધવચનમાં તો એક માનવીના જીવને બચાવવાને સમસ્ત માનવજાતના જીવ બચાવવા સમાન લેખવામાં આવેલ છે.

સૌ પ્રથમ આપણે વીસમી સદી તથા એકવીસમી સદીના મુસ્લીમ ધર્મગુરુઓનાં મન્તવ્યો જોઈએ કે તેઓ આ વીષે શું કહે છે? આ વીષેની લમ્બાણપુર્વક છણાવટ કરતું 100 પૃષ્ઠનું એક પુસ્તક ‘ઈસ્લામી દૃષ્ટીએ આંખોનું દાન’ ગુજરાતી ભાષામાં 1986માં પાકીસ્તાનના શહેર કરાચીમાં પ્રગટ થયું હતું. તે પુસ્તકમાં અસંખ્ય મુસ્લીમ ધર્મગુરુઓના ‘ફતવાઓ’ (રાજાજ્ઞા – સત્તાધીશનો આદેશ) આપવામાં આવેલ છે. અહીં આ લેખમાં એ સર્વે ‘ફતવાઓ’ પ્રગટ કરવાનો અવકાશ તથા ઉદ્દેશ નથી; પરન્તુ અહીં આ ટુંકા લેખમાં તેના ખુલાસાઓ અને એ શરતો આપવામાં આવેલ છે, જે શરતોને આધીન ઈસ્લામ ધર્મ અનુસાર એક મુસ્લીમ પોતાની મરજીથી અને પોતાની ઈચ્છા અનુસાર પોતાના મૃત્યુ પછી પોતાના શરીરના અવયવોનું દાન માનવજાતના કલ્યાણ તથા ફાયદા કાજે કરી શકે છે.

આ વીષેના જુદા જુદા દેશોના મુસ્લીમ ધર્મગુરુઓના ફતવાઓનો સાર આ પ્રમાણે છે :

 • ઈસ્લામી દેશો સઉદી અરેબીયા, મીસર તથા જોર્ડનની સરકારના ઉચ્ચ ધાર્મીક અભ્યાસીઓ અને ધર્મગુરુઓએ માનવીના મૃત્યુ પછી તેની મરજી અને ઈચ્છા અનુસાર માનવજાતના કલ્યાણ, ફાયદા તથા અન્ય માનવીનો જીવ બચાવવા કાજે તેના શરીરના અવયવોના દાનને અમુક શરતોને આધીન ઈસ્લામ ધર્મ અનુસાર કાયદેસર ગણાવેલ છે.
 • પાકીસ્તાનની ઘણી ધાર્મીક સંસ્થાઓ જેને ‘દારુલ ઉલુમ’ (જ્ઞાનનું રહેઠાણ) કહેવામાં આવે છે, તેમના મોવડીઓનો પણ ઉપર પ્રમાણેનો અભીપ્રાય છે.
 • પાકીસ્તાન દેશની સરકારી ‘ઈસ્લામી રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ’ (ઈસ્લામી સંશોધન સંસ્થા)નો પણ ઉપર પ્રમાણેનો અભીપ્રાય છે.
 • પાકીસ્તાન તથા ભારતના અન્ય ધાર્મીક અભ્યાસીઓ તથા ધર્મગુરુઓનો પણ ઉપર પ્રમાણેનો અભીપ્રાય છે.

આ વીષેની શરતો, જે સર્વે ધર્મગુરુઓએ ગણાવેલ છે, તે આ પ્રમાણે છે :

 1. માનવી પોતાની મરજી અને ઈચ્છા અનુસાર તથા કોઈ પણ પ્રકારના દબાણ વીના પોતે લેખીત પરવાનગી આપતો હોય કે તેના મૃત્યુ પછી તેના શરીરના અવયવોનો ઉપયોગ માનવજાતના કલ્યાણ તથા ફાયદા કાજે કરવામાં આવે. તે ઉપરાંત તેના વાલીની, અગર તેનો કોઈ વાલી ન હોય, તો સત્તાધીશ અધીકારીની મંજુરી પણ જરુરી છે.
 2. માનવીના મૃત્યુ પછી તેની લેખીત ઈચ્છા અનુસાર તેના મૃત શરીરમાંથી તેના અવયવો કાઢવાનું કાર્ય તબીબી ક્ષેત્રના નીષ્ણાતો દ્વારા થાય, અને આ કાર્યનો ઉદ્દેશ જરુરતની ભુમીકાએ જ માનવજાતના કલ્યાણ અને ફાયદા કાજે જ હોવો જોઈએ. એટલે કે આ અવયવોને આવા અવયવોથી વંચીત માનવીને લગાડવામાં આવે, અથવા તો આ અવયવો તબીબી જ્ઞાનના વીદ્યાર્થીઓને અભ્યાસ માટે આપવામાં આવે એ ધ્યાનમાં રાખતાં કે માનવજાતના કલ્યાણ કાજે તબીબી જ્ઞાન મેળવવાનો આ એક જ વ્યવહારુ માર્ગ છે, અને માનવના શરીરના અવયવોના અભ્યાસ વગર તબીબી જ્ઞાન ખરા અર્થમાં મેળવવું શક્ય નથી.
 3. જે જીવન્ત માનવીને મૃત્યુ પામેલા માનવીના શરીરના અવયવો તેની લેખીત પરવાનગીથી લગાડવામાં આવે, તે જીવન્ત માનવી ખરેખર તે અવયવોનો જરુરતમન્દ હોય અને તેની શારીરીક વહીવટ ક્રીયાની સલામતીનો આધાર તે અવયવો મેળવવા પર હોય.
 4. મૃત્યુ પામેલા માનવીના શરીરના અવયવો કાઢતી સમયે તે વાતને લક્ષમાં રાખવી જરુરી છે કે તેના શરીર પર કોઈ અસામાન્ય કુરુપતા ઉત્પન્ન ન થાય.
 5. મૃત્યુ પામેલા માનવીના શરીરના અવયવો માટે કોઈ ભૌતીક વળતર ન લેવામાં આવે તથા અન્ય કોઈ ભૌતીક લાભ દૃષ્ટી સમક્ષ ન હોય.
 6. આ કાર્યને ‘જરુરત’ની સીમા સુધી જ મર્યાદીત રાખવું જોઈએ.

ઈસ્લામ ધર્મ એક વ્યવહારીક અને વાસ્તવીક એટલે કે પ્રેક્ટીકલ ધર્મ હોવાના કારણે તેમાં અન્ધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી. માનવજાતના કલ્યાણ વીષેની તથા અન્ય એવી દરેક બાબતને પાલનહાર અલ્લાહના આદેશો, તેના અન્તીમ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)નાં અધીકૃત કથનો (હદીસો) તથા આજના સમયને અનુલક્ષીને સાચી અને સચોટ દલીલો, બુદ્ધી અને તર્કશાસ્ત્ર(લૉજીક) દ્વારા પરખવામાં આવે છે.

––––––––––––––––––––––––––––––––––––––––

દર વર્ષે હજારો બ્રેઈન–ડેડ કે એક્સીડેન્ટના કારણે મૃત્યુ પામ્યા હોય તેવા મૃતદેહને સ્મશાન કે કબ્રસ્તાનમાં અનુક્રમે અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર કરવામાં આવે છે. તેમ કરવાથી મૃતકનાં અંગો રાખ થઈ જાય છે કે માટીમાં ભળી જાય છે. આ મૃતકનાં અંગો મૃત્યુની રાહ જોતા અને રીબાતા દરદીઓને દાન કરી, સમયસર અંગોનું પ્રત્યારોપણ કરી; અનેક લોકોને નવજીવન આપી શકાય છે. તારીખ 2 જુલાઈથી દર સોમવારે સાંજે 7.00 વાગ્યે પ્રગટ થતી આ લેખમાળા વાંચીને વાચકમીત્રો અંગદાન કરવાનો નીર્ણય કરશે તો લોકજાગૃતીનો મારો આ પ્રયાસ સાર્થક થશે.

–ગોવીન્દ મારુ

––––––––––––––––––––––––––––––––––––––––

આ અનુસાર ઉપસંહારમાં એ જરુર કહી શકાય કે કોઈ માનવી પોતાના જીવન દરમીયાન માનવજાતના કલ્યાણ કાજે તથા અન્ય જીવન્ત માનવીને સહાય કરવા માટે અથવા તેનો જીવ બચાવવા માટે અથવા તેના અન્ધકારમય કે દુ:ખી જીવનને સુધારવા માટે પોતાની લેખીત પરવાનગીથી પોતાના મૃત્યુ પછી, અમુક શરતોને આધીન, પોતાના શરીરના અવયવોનું દાન કરે છે, તો તે સદ્કાર્ય અસંખ્ય મુસ્લીમ ધર્મગુરુઓના મંતવ્યો અનુસાર તથા પાલનહાર અલ્લાહના માનવજીવનની અગત્યતા વીષેના આદેશો અનુસાર ઈસ્લામ ધર્મમાં કાયદેસર ગણવામાં આવેલ છે, જેનું અમલીકરણ અસંખ્ય ઈસ્લામી દેશો તથા ગેરઈસ્લામી દેશો યુરોપ, અમેરીકા, કૅનેડા વગેરેમાં થઈ રહ્યું છે.

–કાસીમ અબ્બાસ

ગુજરાતી, ઉર્દુ, અંગ્રેજી અને અરબી ભાષા પર સારું પ્રભુત્વ ધરાવતા અને સ્પષ્ટ વક્તા જનાબ કાસીમ અબ્બાસ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. ટોરંટો (કેનેડા)ના ગુજરાતી સાપ્તાહીક ‘સ્વદેશ’માં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટાર ‘ઈસ્લામની આરસી’ (22 ઓગસ્ટ, 2016)માંથી ટુંકાવીને.. લેખકના અને સ્વદેશના સૌજન્યથી સાભાર…

લેખકસમ્પર્ક : 

Qasim Abbas, Toronto, Canada
E-mail: qasimabbas15@hotmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 09–07–2018

17 Comments

 1. જનાબ કાસિમ અબ્બાસ સાહેબને હાર્દિક અભિનંદન.
  ઇસ્લામ ઘર્મ અંગદાન વિષયે શું અભિપ્રાય ઘરાવે છે અને તેના અમલીકરણ માટેના નિતિ.. નિયમોના ઘડતર વિષે શું કહે છે તે સમજાવીને જુદા જુદા વિચારો ઘરાવનાર સૌને અેક સરળ રાહ બતાવ્યો છે. ઘર્મમા માનનાર કે નહિ માનનાર.. બનનેના મન, હૃદયને સમજ આપી છે જે સર્વમાન્ય છે. બીજા ઘર્મોના અભ્યાસુઓ પણ વાચકવર્ગને પોત પોતાના ઘર્મોના આદેશોનો ખ્યાલ આપે તેવી અભ્યર્થના.
  જનાબ કાસીમ અબ્બાસને હાર્દિક અભિનંદન. તેમનું આ કર્મ સમગ્ર માનવજાત માટે છે. ફક્ત ઇસ્લામ ઘર્મના ફોલોઅર્સ માટે જ નહિ.
  આ અેક હ્યુમાનીટીનું કર્મ તેમણે કર્યુ છે. કોઇ વાચકના મનના ગુચવાડાને ક્લીયર કરે છે.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 2 people

 2. Khub saras lekh kasimbhai ane aabhar Govindbhai lekh pahochadva Badal kasimbhai na anya lekho hoi to prasiddh karva vinanti.

  Liked by 2 people

 3. માનવ શરીરનુ કોઇપણ અંગ દરેક પૃથ્વીવાસી પ્રાણીઓ પૈકી માણસના શરીર માટે કામ લાગી શકે છે. તેમાં માનવનુ શરીર જોવાય,ધર્મ નહીં. અંગદાન અને દેહદાન ધર્મથી પર હોય.માનવોએ બનાવેલા ધર્મના વાડા માનવજાતને વિકાસથી વંચિત રાખનાર પરિબળ ગણી શકાય. વસુધૈવ કુંટુંબકમની વિભાવના જ કહે છે કે આ પૃથ્વી જ આપણું કુટુંબ છે, પરિવાર છે. લેખના ટાઇટલમાં ઇસ્લામ અનુસાર અવયવોનુ દાન એમ લખીને દરેક ધર્મ મુજબ આ દાન અલગ હશે એવુ લાગે.
  અવયવોના દાન વિષયમાં લેખકશ્રી કાસીમ અબ્બાસની રજુઆત કાબીલેદાદ છે. એટલી જ ગોવિંદભાઇની મુહિમ કાબીલેદાદ છે.
  @ રોહિત દરજી ” કર્મ “,હિંમતનગર
  મો.94267 27698

  Liked by 2 people

 4. Kurane sharif ma je 1400 varas pahela kaheva ma aavyu hatu te aaje badhu precticle thay rahyu chhe.etle j islam ek precticle dhrm chhe em kahevay chhe. Kasim abbas saheb ne khub khub abhinandan
  Imtiyaz G. Khatri
  Netrang Dist.Bharuch.9925863484

  Liked by 2 people

 5. શ્રીમાન ગોવીન્દ મારુ સાહેબનો અત્યંત આભારી છુ કે તેઓઍ ઍક સત્ય ને અભીવ્યક્તી દ્રારા વાંચકો સમક્ષ રજૂ કરેલ. વાંચકોનો પણ અત્યંત આભાર કે લેખ ને પસંદ કરેલ.

  ઈસ્લામી દેશો ના ઉચ્ચ ધાર્મીક અભ્યાસીઓ અને ધર્મગુરુઓ, ધાર્મીક સંસ્થાઓ, ધાર્મીક અભ્યાસીઓ તથા અન્ય ધર્મગુરુઓના અંગદાન સ્વીકાર્ય વિષે ના અભીપ્રાયો છતા પાકીસ્તાન તથા ભારતમાં અત્યારે પણ હજી ઍવા રુઢિચૂસ્ત મોલવીઓ અને મુલ્લાઓ અસ્તિતવ ધરાવે છે, જેઓ અંગદાન ને બિલકુલ હરામ ઍટલે કે ઈસ્લામ અનુસાર પ્રતિબંધિત માને છે, કારણકે તેઓ હજી દોઢ હજાર વર્ષ પહેલાના સમયમાં જીવી રહ્યા છે, અને ઍ સમજવાનો પ્રયત્ન નથી કરી રહ્યા કે ઈસ્લામ ધર્મ એક વ્યવહારીક અને વાસ્તવીક એટલે કે પ્રેક્ટીકલ ધર્મ છે. આ જ રુઢિચુસ્તો આજે આ આધુનિક જગતની દરેક આધુનિક વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ ધર્મને દોઢ હજાર વર્ષ પહેલાની દ્રશ્ટિઍ જોઈ રહ્યા છે.

  Liked by 3 people

 6. Kasim abbas needs our hearty congratulation to write this learned article as as per Islam also it is allowed keeping few conditions in mind.also gave few news paper cuttings which are very useful ,thx and thx to Govind bhai for this benevolent movement.

  Liked by 2 people

 7. હાર્દીક આભાર કાસીમભાઈ અને ગોવીન્દભાઈ. ખુદાને ત્યાં અખંડ શરીર લઈને જવું પડે એવી ઈસ્લામ ધર્મમાં માન્યતા છે એવું સાંભળેલું તેનું નીરસન થયું. ખરેખર ખુબ જ ઉપયોગી લેખ.

  Liked by 2 people

 8. અવ્યય દાન – ધર્મ અને ખાવામાં માંસ ખાવું.

  આમ તો કોમેન્ટ લખવાનો વીચાર ન હતો. પણ બાવા બન્યા પછી હીંન્દી તો બોલવું જ પડે. 
  હલાલ અને હરામ મારી હીસાબે કાંઈ જ ફરક નથી. 
  મહાવીર અને બૌદ્ધ નાસ્તીક હતા અને આત્મા કે કર્મ માનતા જ ન હતા. 
  શીષ્યોના પેટમાં ચુંક ઉપડી અને મહાવીર બૌદ્ધના મૃત્યુ પછી પાંચસો વરસમાં આત્મા આત્મા શરુ થયું.

  આપણેં એમાં મારો સમાવેશ થાય.માંસનું ભક્ષણ કરીએ એટલે પ્રાણીના અન્ય અવ્યય આપણે વાપરીએ. 
  ગાયનું દુધ કે ઘી અને ડુક્કર ના નખ, નકામા હાડકા, ચામડું વગેરે ઉકાળી જે ચરબી તરી આવે એમાંથી 
  બનાવેલ ઘી એમાં રુપ, રંગ, ગંધ, સ્વાદ, બધી રીતે એક જ છે. ગાયના પગ બાંધી, બુચકારી, 
  વાછરડાને આગળ લાવી, ગાયની પાસેથી ગોવાળીયો દુધ છીનવી લે છે અને મસીનથી દોહીએ અને
  દુધ સાથે પીડા દાયક ક્રીયાથી ચરબી છીનવી લઈએ છીએ અને છતાં 
  ઘણાં જૈન, હીન્દુ સાધુઓ ને ભીક્ષામાં દુધ જોઈએ જ.

  પેટમાં દુધ કે માંસ જઈ શકે પછી કોઈ પણ અવ્યય ડોકટર ચાલીકીથી દાખલ કરી શકે છે. 
  મને દેખાતું બરોબર હતું. જાયન્ટ ઈન્ટરનેશલ કે એવાકોઈક કાર્યક્રમમાં મારી આંખો સમજો ફરજીયાત તપાસવમાં આવી અને કહેવામાં આવ્યું આમ અને આવી રીતે 
  આ દીવસે એંબ્યુલેંન્સ લેવા આવશે એમા બેસી આમ કે તેમ જઈ સવારના સાત વાગે 
  દાખલ થઈ પાંચ સાત મીનીટની કાર્યવાહી પછી સમુસુતર થઈ જતાં સવા સાતે રજા 
  આપવામાં આવશે. ૯ઃ૩૦ સુધી આંખોની ચાલી ગયેલી રોશની આવવાની શરુઆત થશે
   અને બાર વાગે બધું સામાન્ય. જાણે ગણપતીના માથા ઉપર 
  સર્જરી કરી હાથીનું માથું લગાવી દેવું.

  પોસ્ટમાં વ્યવ્સ્થીત અથ થી ઈતી સુધી, ઈશ્લામની શરુઆત થી હાલના ફતવા 
  કાર્યવાહી સુધી, સમજાવવામાં આવેલ છે કે ભલા માટે માનવના અવ્યયો ડોક્ટર 
  જે રીતે રોપણ કરી આપે છે એ બરોબર છે. 
  ઈન્ટરનેટ, વેબ, બ્લોગની આ સગવડ અને ગોવીન્દ ભાઈ, કાસીમ ભાઈ, 
  વગેરે જે જણાંવેલ છે એ આપણાં સૌના ભલા માટે સમજવું…

  Liked by 2 people

  1. કોમેન્ટમાં હલાલ અને હરામનો ઉલ્લેખ કરેલ છે. 
   અમેરીકામાં આ બાબત દરેક પેકેટ ઉપર ગ્રીન ટપકાની જેમ 
   ઉલ્લેખ કરવામાં આવે છે જાણે નેપાલના પશુપતીનાથના મંદીરમાં
   પાડાનું ડોકું કાપવાની વીધી…

   Liked by 1 person

  1. આદરણીય વલીભાઈ,
   ‘ઈસ્લામ અનુસાર અવયવોનું દાન’ લેખને ‘માનવધર્મ’ બ્લૉગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
   ..ગો. મારુ

   Liked by 1 person

  1. આદરણીય અરવીન્દભાઈ,
   ‘ઈસ્લામ અનુસાર અવયવોનું દાન’ લેખને આપના બ્લૉગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
   ..ગો. મારુ

   Liked by 1 person

 9. શ્રીગોવિંદંભાઈ, સુદર લેખ, મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ કરું છું. આભાર !

  Liked by 2 people

 10. બહુજ ઉમદા કાર્ય, દેહ દાન કે અન્ગદાન ને ધર્મ સાથે ન જોડાય.

  Liked by 2 people

 11. મારી પાસે કોમેન્ટ માટે એક પણ શબ્દ નથી…
  ક્યારેક લખાણ એટલું સુંદર અને સરળ રીતે સમજાવવામાં આવેલ હોય છે કે,
  નિઃશબ્દ
  એક જ શબ્દ છે.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s