દીલ દે કે દેખો

દીલ દે કે દેખો

–જીગીષા જૈન

અહીં કોઈ વ્યક્તી પર દીલ વારી જવાની વાત નથી; પરન્તુ કોઈ વ્યક્તીને દીલ દાનમાં આપી તેને નવજીવન બક્ષવાની વાત છે. 1994માં ભારતમાં પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ (હૃદયનું પ્રત્યારોપણ) કરવામાં આવ્યું હતું. એના પછી અઢળક પ્રયત્નોના ફળ સ્વરુપે વર્ષમાં એવરેજ 150 જેટલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય છે; પરન્તુ એક સર્વે મુજબ ભારતમાં 50,000 લોકોને હૃદયના પ્રત્યારોપણની જરુર છે. આ જરુરતને પહોંચી વળવા માટે આપણે શું કરી શકીએ તે જાણીએ.

વીશ્વભરમાં દર વર્ષે લગભગ 3500–4000 હાર્ટ–ટ્રાન્સપ્લાન્ટ ઑપરેશન થાય છે. ડૉ. પી. વેણુગોપાલ અને તેમની ટીમે 3 ઓગસ્ટ, 1994માં ભારતમાં પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું ઑપરેશન કર્યું હતું. ત્યારથી લઈને નવેમ્બર 2015 સુધીમાં ફક્ત 350 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થઈ હતી. 2015 સુધી પરીસ્થીતી એવી હતી કે મુમ્બઈ જેવા શહેરમાં પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ શક્ય બનતું ન હતું. 47 વર્ષ પછી ઓગસ્ટ, 2015માં મુમ્બઈ ખાતે હૃદયનું સફળ પ્રત્યારોપણ થયું હતું. ત્યાર પછી તો ઘણા ટ્રાન્સપ્લાન્ટ થઈ ચુક્યા અને થઈ રહ્યા છે. મુમ્બઈ પછી મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં પણ હૃદયનાં સફળ પ્રત્યારોપણો થવા લાગ્યા છે. ડીસેમ્બર 2016માં અમદાવાદમાં પણ સૌ પ્રથમ હૃદયનું સફળ પ્રત્યારોપણ થયું હતું.

હૃદયદાનથી પ્રત્યારોપણ સુધીની સફરને સફળ બનાવવા માટેના હેલ્થ પ્રૉફેશનલ્સ અને સરકારના યથાર્થ પ્રયત્નોને કારણે 2016 કરતાં 2018 સુધીમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનમાં 10 ગણો વધારો જોવા મળ્યો છે. કેડેવરીક ઓર્ગન ડોનેશનનું કો–ઓર્ડીનેશન સમ્ભાળતી રાષ્ટ્રીયસ્તરની સંસ્થા ‘નેશનલ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઈઝેશન’ના જણાવ્યા મુજબ આ બે વર્ષની અન્દર ભારતમાં 300થી પણ વધુ હૃદયનાં સફળ પ્રત્યારોપણો થયા છે. જે ઘણી મોટી સીદ્ધી ગણાવી શકાય. જો કે સાગર જેવડી મસમોટી જરુરીયાતની સામે આપણે હાંસલ કરેલી આ સીદ્ધી એક ટીપુંની ગરજ સારે છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં આજે 50,000 લોકોને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરુર છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની આ જરુરીયાતને પહોંચી વળવા માટે ટ્રાન્સપ્લાન્ટની સુવીધાઓ, ઍડવાન્સ ટૅકનોલૉજી, આરોગ્ય તન્ત્રનું ઝડપી કામકાજ વગેરે પરીબળો પ્રત્યે આપણે પ્રતીબદ્ધ થવાની જરુર છે. તેમાય સૌથી વધુ મહત્વનું છે હૃદયદાતાઓની સંખ્યા વધારવી. નીષ્ણાતના મત મુજબ આજે પણ લોકો હૃદયદાન પ્રત્યે ઉદાસીનતા સેવે છે. એવા ઘણા લોકો છે જે કીડદાનની અને લીવરદાન કરે છે; પરન્તુ હૃદયદાન કરતાં નથી. અંગદાન કરવાથી આપણે બીજી વ્યક્તીને નવજીવન બક્ષી શકીએ છીએ તે ધ્યાનમાં રાખવું જરુરી છે. જયારે દાન થશે ત્યારે જ ટ્રાન્સપ્લાન્ટ શક્ય બનશે તે ભુલવું જોઈએ નહીં.

રજીસ્ટ્રેશન કરાવવું :

મુમ્બઈમાં ત્રણ હૉસ્પીટલો પાસે હૃદયનું પ્રત્યારોપણ કરવાની પરવાનગી છે. (1) ફોર્ટીસ હૉસ્પીટલ (2) એશીયન હાર્ટ હૉસ્પીટલ અને (3) જસલોક હૉસ્પીટલ. રજીસ્ટ્રેશન અને બીજી જરુરી બાબતો વીશે જણાવતાં કાર્ડીઍક સર્જન ડૉ. નીલેશ મારુ કહે છે, ‘જેમના પર એક પણ પ્રકારની સર્જીકલ પ્રોસેસ કરીને તેમના હાર્ટનો પ્રૉબ્લેમ સૉલ્વ થઈ શકતો ન હોય એવા લોકોને જ હૃદયનું પ્રત્યારોપણ કરવાની જરુર પડે છે. મોટા ભાગે કાર્ડીયોમાયોપથી એટલે કે જેમનું હાર્ટફેઈલ થઈ ગયું હોય તેવા લોકોને હાર્ટ–ટ્રાન્સપ્લાન્ટની જરુર રહે છે. ટ્રાન્સપ્લાન્ટના ઑપરેશનના ખર્ચા સીવાય સર્જરી પછી દર મહીને પણ દવાઓ અને ફૉલો–અપ્સના ખર્ચાઓને મેળવીને જોઈએ તો રુપીયા 20–25 લાખ જેટલી રકમ થાય છે. લગભગ લીવર–ટ્રાન્સપ્લાન્ટ જેટલો જ ખર્ચ એનો ગણી શકાય. મહત્વની વસ્તુ એ છે કે દરેક હૉસ્પીટલમાં જે દરદીઓને હૃદયનું પ્રત્યારોપણની જરુર છે એ દરદીઓએ રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ. બધી હૉસ્પીટલમાંથી આ નામો ભેગાં થઈ એનું લીસ્ટ શહેરની રજીસ્ટ્રેશન ઑફીસમાં જાય છે. આ રજીસ્ટ્રેશન અત્યન્ત ઉપયોગી બાબત છે. જેવું એક વ્યક્તીનું હૃદયનું દાન થયું કે તરત જ લીસ્ટ મુજબ એ હાર્ટનું મૅચીંગ શોધી કાઢવામાં સરળતા રહે છે અને દાનમાં મળેલ હૃદય વેડફાઈ જતું અટકાવી શકાય છે.

પ્રોસેસ :

એક હાર્ટ–ટ્રાન્સપ્લાન્ટમાં શું–શું વસ્તુઓ ધ્યાનમાં રાખવી જરુરી છે એ વીશે વાત કરતાં ફોર્ટીસ હૉસ્પીટલ, મુલુંડના ફૅસીલીટી ડીરેક્ટર ડૉ. એસ. નારાયણી કહે છે, ‘હાર્ટ– ટ્રાન્સપ્લાન્ટ માટે અત્યન્ત જરુરી ફૅક્ટર છે કોઈ હૃદયદાતા મળી આવે; કારણ કે કોઈ જીવીત વ્યક્તી હૃદયનું દાન કરી શકતી નથી. એક બ્રેઈન–ડેડ વ્યક્તીના પરીવારજનો જ હૃદયનું દાન કરી શકે છે. વળી એ હૃદય તન્દુરસ્ત હોવું જરુરી છે. એની સાથે જે દરદીને આ હૃદયની જરુર છે તે દરદી સાથે એ હાર્ટ મૅચ થવું જોઈએ. હાર્ટ મૅચ થવા માટેના અમુક પૅરામીટર્સ છે જેમાં લોહીનાં ઘણાંબધાં તત્ત્વો છે જે મૅચ થવાં જોઈએ. જો હાર્ટ મૅચ થઈ ગયું તો દાતાના શરીરમાંથી હૃદયને કાઢીને દરદીના શરીરમાં લગાવવા માટે ફક્ત ચાર કલાક જેટલો ઓછો સમય હોય છે, જેમાં ટ્રાન્સપ્લાન્ટ કરી નાખવું જ જરુરી છે. આમ, કોઈ વ્યક્તી એક શહેરમાંથી બીજા શહેરના દરદીને દાન કરે એ થોડું અઘરું કામ થઈ જાય છે. હૃદયદાતા અને દરદી બન્ને એક જ શહેરમાં હોય એ જરુરી બની જાય છે. વળી ઑપરેશન પછી પણ દર મહીને અમુક પ્રકારનાં ચેક–અપ્સ અને ફૉલો–અપ માટે દરદીએ સતત આવવું પડે છે.’

હૃદયદીલ સેક્યુલર છે. ધર્મ, જાતી, રંગ–રુપના ભેદ વીના એકનું દીલ, બીજાના દીલની જગ્યાએ ઉગાડી–ઉછેરી શકાય છે. માનવવાદીઓ પોતાના દીલનું પ્રત્યારોપણ કરવાની મંજુરી આપીને વધુ સમય સુધી મહોરીને જીવનાનન્દ માણી શકે છે. જ્યારે રુઢીચુસ્ત લોકો પોતાનું દીલ સડી જાય, બળી જાય તેવું વીચારે છે.

દીલને ખીલવા દો. તે સડે કે બળે તેના કરતા બીજી વ્યક્તીને ઉછળતી–કુદતી કરી મુકે, એમાં ખોટું શું? કુદરતી અંગો નવી જગ્યાએ ખીલે, મહોરી ઉઠે એનાથી મોટો ચમત્કાર હોઈ શકે નહીં.

–જીગીષા જૈન ઈ–મેલ : jigishadoshi@gmail.com

મુમ્બઈના મીડડે દૈનીકે તા. 30 એપ્રીલ, ઓગસ્ટ, 2015ના રોજ પ્રગટ થયેલો લેખ, આ લેખના લેખીકા અને મીડડેના સૌજન્યથી સાભાર…

દર વર્ષે હજારો બ્રેઈન–ડેડ કે એક્સીડેન્ટના કારણે મૃત્યુ પામ્યા હોય તેવા મૃતદેહને સ્મશાન કે કબ્રસ્તાનમાં અનુક્રમે અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર કરવામાં આવે છે. તેમ કરવાથી મૃતકનાં અંગો રાખ થઈ જાય છે કે માટીમાં ભળી જાય છે. આ મૃતકનાં અંગો મૃત્યુની રાહ જોતા અને રીબાતા દરદીઓને દાન કરી, સમયસર અંગોનું પ્રત્યારોપણ કરી; અનેક લોકોને નવજીવન આપી શકાય છે. તારીખ 2 જુલાઈથી દર સોમવારે સાંજે 7.00 વાગ્યે પ્રગટ થતી આ લેખમાળા વાંચીને વાચકમીત્રો શરીરનાં અંગદાન કરવાનો નીર્ણય કરશે તો લોકજાગૃતીનો મારો આ પ્રયાસ સાર્થક થશે.

–ગોવીન્દ મારુ

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ .મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 23/07/2018

14 Comments

  1. દીલે દે કે દેખો…એટલે કે એકના શરીરનું અંગ કાઢી બીજાના શરીરમાં પ્રત્યારોપણ કરવું.
    આંખ, કીડની, ચામડી વગેરે અંગ એક શરીરમાંથી બીજા શરીરમાં પ્લાન્ટ કરે એમ.

    ટુંકા સમયમાં ઘણીં વીધી અને ખર્ચ થાય છે.

    હાલના પ્રધાન મંત્રી માનનીય શ્રી નરેંદ્ર ભાઈ મોદી ના બે કે વારંવારના
    મંતવ્યમાંથી ગણપતીના માથા ઉપર મદનીયાનું શીર લગાડી દીધું એ વીધી..
    એના ઉપર ૧૩૦ કરોડમાંથી થોડાક લોકો વીચારે તો પ્રશ્ન હલ થાય એમ છે.

    આ વીધીની આડ ઓસર નજીવી અને વીધી સરળ તથા સસ્તી પણ છે.

    પોસ્ટ પછી ગોવીન્દ ભાઈએ છેવટે નવજીવન અને અંગદાન બાબત જણાંવેલ છે.
    જ્યારે પોસ્ટ મુકનાર જીગીષા બહેને કયો જીવતો માણસ દાન કરી શકે એ જણાંવેલ છે.

    જુના જમાનામાં ઋષીમુનીઓ યજ્ઞ પછી શાંતી કે બૃહદ શાંતી વીધી કરતા અને
    નગર ધારાવડી કરતા. જેમાં મોટી ટાંકીમાં યજ્ઞ કર્યા પછી જળ સાથી કાંઈક કરી,
    એકઠું કરી નગરની ચોફેર એ છંટકાવ કરતા.

    બસ પછી શાંતી અને શાંતી. દીલ દે કે દેખો પા હોવું તો જોઈએ.

    Liked by 3 people

  2. મનુષ્યની આ પામર જગતથી વિદાય પછી મનુષ્યનો સંબધ જગતથી તુટી જાય છે, અને તેના સર્વે અવયવો નષ્ટ થઈ જાય છે. પરંતુ જો મનુષ્ય પોતાનું હૃદય–દીલ દાન કરી જાય, તો તેના મૃત્ય પછી પણ તેનું ધડકતું રહેશે, અને આ ઍક પુણ્ય નું કામ પણ કહેવાશે, કારણકે તેના હૃદય–દીલ થકી કોઈ બીજા મનુષ્યને નવું જીવન મળશે..

    તે માટે:

    “દીલ કીસી કો દે દો, અપને મરને કે બાદ,
    દીલ ફીર ઝિન્દા રહેગા, તુમ્હારે જાને કે બાદ.”

    Liked by 3 people

    1. “દીલ કીસી કો દે દો, અપને મરને કે બાદ,
      દીલ ફીર ઝિન્દા રહેગા, તુમ્હારે જાને કે બાદ.”

      બહુ જ સુંદર સંદેશ . દિલ દેને કે લિયે દિલ ચાહીએ.

      Liked by 2 people

  3. જિગીષા જૈન નો લેખ માહિતી સાબનાર છે. એમના લખ્યાનુસાર ઓપરેશન પછીનો ખર્ચ પણ લગભગ ૨૦ થી ૨૫ લાખનો થાય છે. ગરીબ કે માધ્યમ વર્ગના લોકોને આ ખર્ચો પોષાય? આ સુવિધા ફક્ત અમીરો માટે? આ અને આના જેવા ઘણા પ્રશ્નોના જવાબો માટે શું કરવું? ક્યાં જવું? કોઈ સંસ્થા છે જે આર્થિક સહાયતા પણ કરે છે? આ બધા પ્રશ્નોના જવાબો કે માહિતી પણ આપી હોત તો સારું થાત.

    ફિરોજ ખાન
    ટોરંટો, કેનેડા.

    Liked by 3 people

    1. આદરણીય ફિરોઝભાઈ,
      તમારી વાત સાચી છે. આ અત્યંત ખર્ચાળ સર્જરી છે; કારણકે એક શરીરમાંથી દિલ કાઢીને એને સાંચવીને બીજી જગ્યાએ ખુબ જ ઓછા સમયમાં પહોંચાડવું એ ખુબ અતિ કઠીન પ્રક્રીયા છે. ટ્રાન્સપ્લાન્ટ કરવાના હોય તે હૉસ્પીટલે હૃદય પહોંચી જાય પછી તેને શરીરમાં બેસાડવું એટલે જાણે કે કોઈ મડદામાં પ્રાણ પૂરવા સમાન છે. મેડીકલ એક્સીલન્સ વગર એ અશક્ય છે. ડૉક્ટર જો સાવ પૈસા ન લે તો પણ અટ્રાન્સપ્લાન્ટ કરવાનો ખર્ચો તો થવાનો જ છે.

      હવે રહી વાત ગરીબ વ્યક્તિની. એવું નથી કે ફક્ત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કે બીજા કોઈપણ ટ્રાન્સપ્લાન્ટની સર્જરી જ મોંઘી છે. એક વખત જે માણસ હૉસ્પીટલમાં ભરતી થયો હોય છે એને અંદાજ હોય છે કે કેટલા અને કેવા-કેવા ખર્ચાઓ થાય છે. હૉસ્પિટલનો ખર્ચો એક ગરીબ માણસ તો શું એક મિડલ-ક્લાસ વ્યક્તિને પણ નથી પોસાય એમ હોતો. આ પરિસ્થિતિમાં ઘણા જુદા-જુદા ટ્રસ્ટ છે જે લોકોની આર્થિક મદદ કરતા હોય છે. મોટાભાગે જે-તે હૉસ્પિટલવાળા જ દરદીની આર્થીક સ્થીતી સારી ન હોય તો કેટલીક હદે પૈસા માફ કરી દેતા હોય છે; કારણકે દરેક હૉસ્પિટલના પોતાના ટ્રસ્ટ હોય છે. આ સિવાય બીજા ઘણા સામાજિક ટ્રસ્ટ છે જેની યાદી જે તે ડૉક્ટર તમને આપી શકે છે. આ દરેક ટ્રસ્ટ પાસે જઈને અરજી કરવી પડે છે. તમારી અરજી અનુસાર ટ્રસ્ટ નક્કી કરે છે કે તમને એ કેટલી મદદ કરી શકે એમ છે. આ સિવાય ક્રાઉડ ફંડિંગ આજકાલ ખુબ પોપ્યુલર બન્યું છે જેમાં ઇન્ટરનેટ ઉપર મદદની માંગણી કરવામાં આવે છે અને લાખો અજાણ્યા લોકોની મદદ દરદીને મળી રહે છે. મીડિયા પણ આમાં ભાગ ભજવે છે. જે-તે ન્યુઝ પેપરમાં મદદની અરજી આપી શકાય છે. આમ, ટીપે-ટીપે સરોવર ભરાય એમ અલગ-અલગ જગ્યાએથી મળેલી મદદથી આપણે આપણા સ્વજનને બચાવી શકીએ છીએ.

      જેટલા પણ ટ્રાન્સપ્લાન્ટ કરતા ડૉક્ટર્સ હોય છે એ લોકો સમજે છે કે દરદી માટે એકસાથે આટલા પૈસા ભેગા કરવા મુશ્કેલ છે. હું જેટલા પણ ડૉક્ટર્સને મળી છું એ બધા અત્યંત પરોપકારી છે અને આવા કોઈપણ દરદીને નિરાશ થવા દેતા નથી. મેં એવા પણ ડૉક્ટર જોયા છે કે જે જાતે દરદીને પૈસા આપીને બચાવે છે. કેટલાક એવા પણ છે કે જે પોતે ન આપી શકે તો કોઈ ડોનર શોધી આપે જેના દ્વારા દરદી બચી શકે.

      પૈસાનો પ્રોબ્લેમ જેટલો મોટો લાગે છે એટલો મોટો રહેતો નથી જયારે સમાજ એકત્ર થઈને દરદીને મદદ કરે છે. પૈસાનું ટેન્શન સખ્ત હોય છે અને એક બિમારી પાછળ આખો પરિવાર ખુવાર થઇ જતો હોય છે. એવા પણ ઘણા લોકો હશે જે ઈલાજ વગર જ મૃત્યુ પામે છે. એવા પણ લોકો હશે જેને સરકારી હોસ્પિટલમાં યોગ્ય ઈલાજ ન મળવાને લીધે એ મૃત્યુ પામ્યા હશે. આ બાબતે પણ જાગૃતિની જરૂર છે. દાન આપવા માટે એક જ નિયમ લાગુ પડે છે કે તમારી આપવાની વૃત્તિ હોવી જોઈએ. પછી એ આર્થિક દાન હોય કે અંગદાન. આ આપવાની વૃત્તિ આપણા સૌમાં જાગૃત થાય અને કોઈના જીવથી ઉપર કશું છે જ નહીં એમ સમજીને આપણે ખુલ્લા હૃદયથી દાન કરીએ એ અનિવાર્ય છે.

      Liked by 2 people

      1. ધન્યવાદ.. જીગીષાબહેન,

        Like

      2. જિગીષાબેન,

        મારા કૉમેન્ટ્સ નો પ્રતિભાવ આપવા માટે આભાર. તમારી દરેક વાત સાથે સંમત છું. તમે જે વાતો દાન આપનારા વિષે લખી કે પછી CROWD FUNDING એ બધી વાતોની મને પણ જાણ છે. આ બધી માહિતી તમે જો તમારા મૂળ લેખમાં લખી હોત તો સારું થાત એવો મારો અંગત મત છે. બલ્કે મારુ તો માનવું છે કે એકાદ, બે એવી સંસ્થાઓનો ઉલ્લેખ માહિતી સાથે કર્યો હોત તો સારું રહેતે.

        અવ્યવદાન વિષે આપણા ધર્મ ગુરુઓ અને મોલ્વીઓએ લોકોને પ્રોત્સાહન કરવું જોઈએ. આજે પણ વધુ પડતા લોકો એમની વાતો માને છે.

        લખતાં રહેજો.

        ફિરોજ ખાન
        ટોરંટો.કેનેડા.

        Liked by 2 people

  4. ખૂબ ઉત્તમ વાત. ઘણા સમયથી અંગદાન કરવાની તથા તેની પ્રોસેસ જાણવાની ઇચ્છા થતી હતી.
    ઘણી માહિતી મળી. આભાર.

    Liked by 3 people

  5. દીલ ખોલીને દીલ….હૃદય…..દાનમાં આપો…અે જ વિનંતિ ….
    .અંગદાન કરો….અેક બુઝાતી જીંદગીને પ્રકાશ આપો…
    ..અને…
    .‘ અસતો મા સદ્ ગમય, તમસો મા જ્યોતિર્ગમય….મૃત્યોર્મા અમૃતં ગમય ‘
    ….અર્થાત..
    …અસતમાંથી મને સતમાં લઇ જા….અંઘકારમાંથી મને પ્રકાશમાં લઇ જા….મૃત્યુમાંથી મને અમરતામાં લઇ જા.
    અંગદાન આ વિનંતિને સાકાર કરે છે.
    સાથે સાથે હંમેશા આ પ્રાર્થના કરતાં રહીઅે…….
    ‘ આ નો ભદ્રા ક્રત્વો યન્તુ વિશ્વત:‘
    અર્થાત……
    અમને કલ્યાણકારી કર્મ સર્વ દિશાઅેથી પ્રાપ્ત થતાં રહો.
    અમે પામર માણસ..‘.માનવ ‘ બનવા માંગીઅે છીઅે.
    અમૃત હઝારી.

    Liked by 2 people

    1. વહાલા અતુલભાઈ,
      ‘દીલ દે કે દેખો’ લેખને ‘RKD-रंग कसुंबल डायरो’ બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      –ગો. મારુ

      Liked by 1 person

  6. સરસ માહિતી શરીરને મૃત થયા પછી રાખમાં ફેરવ્યા કરતા બીજાના શરીરમાં કોઈ અંગને જીવિત રાખવું ઉચ્ચ કામ છે. અને બીજા જીવિત લોકોના કામમાં આવીને એમનામાં જીવિત રહેવાનો અવસર એટલે અંગદાન.

    Liked by 2 people

  7. તારીખ 2 જુલાઈથી દર સોમવારે સાંજે 7.00 વાગ્યે પ્રગટ થતી આ લેખમાળા વાંચીને વાચકમીત્રો શરીરનાં અંગદાન કરવાનો નીર્ણય કરશે તો લોકજાગૃતીનો મારો આ પ્રયાસ સાર્થક થશે.
    –ગોવીન્દ મારુ
    આપના પ્રયાસોને મારુ હ્રદયપૂર્વક સમર્થન છે.
    @ રોહિત દરજી” કર્મ “, હિંમતનગર

    Liked by 1 person

Leave a comment