‘અંગદાન’ના ચાર સાચા કીસ્સા

કીડનીદાન મહાદાન

– અલ્પા નીર્મલ

જીતુ અને રક્ષા શાહ

પત્નીની કીડની સાથે એક જ ટકો મૅચ થતી હોવા છતાં પત્નીને ધરાર પોતાની એક કીડની ડોનેટ કર્યા પછીયે નૉર્મલ અને હેલ્ધી જીવન જીવી રહેલા પતીને મળીએ. ‘સપ્તપદી’ના ફેરા ફરતી વખતે યુગલ એકબીજાનું પોષણ કરીશું, વીકાસ–વૃદ્ધીમાં પરસ્પર મદદગાર રહીશું, સમૃદ્ધી વધારીશું અને સાચવીશું, સંવાદીતા–સમજણ સાથે સહજીવન ગાળીશું, એકબીજાની જવાબદારી નીભાવવામાં સહકાર આપીશું, સન્તાનોનો સારો ઉછેર કરીશું અને દરેક પરીસ્થીતીમાં એકબીજાને સાથ આપીશું જેવાં વચનોથી બન્ધાય છે. જો કે સાંતાક્રુઝમાં રહેતા જીતુ શાહ સપ્તપદીથી એક સ્ટેપ આગળ વધ્યા છે. તેમણે પોતાનાં ધર્મપત્નીને પોતાની કીડની આપીને તન્દુરસ્ત અને આરોગ્યમય જીવન આપવાનું આઠમું વચન નીભાવ્યું છે.

મુમ્બઈ યુનીવર્સીટીમાં જૈનોલૉજીનાં લેક્ચરર અને મેક્સીકો, સ્પેન, ઑસ્ટ્રેલીયામાં પાર્લમેન્ટ ઑફ વર્લ્ડ રીલીજીયનમાં જૈન ધર્મના પ્રતીનીધી તરીકે જઈ આવનારાં રક્ષાબહેન કહે છે, ‘1994માં રુટીન બૉડી ચેકઅપમાં મને ખબર પડી કે મારું ક્રીએટીન–લેવલ હાઈ છે. ડૉક્ટરોએ કહ્યું કે બે–ત્રણ વર્ષમાં કીડની–ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે, પણ બીઈંગ અ નેચરોપૅથ, મને થયું કે હું કુદરતી ઉપચાર વડે આ સમસ્યાનો નીકાલ કરીશ અને મેં કુદરતી ચીકીત્સાપદ્ધતી અનુસાર ડાયટ કન્ટ્રોલ કર્યો અને તુલસીનો રસ ચાલુ કર્યો.’

આ ઉપચાર દ્વારા રક્ષાબહેને કીડની–ટ્રાન્સપ્લાન્ટનો પ્લાન પુરાં 18 વર્ષ પાછળ ઠેલ્યો. 61 વર્ષનાં રક્ષાબહેન કહે છે, ‘જ્યારે કીડની–પ્રૉબ્લેમ ઍક્યુટ લેવલ પર હોય તો એ રીવર્ટ થવાના ચાન્સ હોય છે. યોગ્ય ખોરાક, કસરત, કુદરતી ઉપચારો અને અન્ય પથી અપનાવતાં કીડની–ટ્રાન્સપ્લાન્ટને લમ્બાવી શકાય છે; પણ ક્રોનીક લેવલ આવતાં કીડનીનું પ્રત્યારોપણ જ એકમાત્ર ઈલાજ બની રહે છે.

18 વર્ષ સુધી હેલ્ધી લાઈફ–સ્ટાઈલ અપનાવી વીશ્વના અનેક દેશોમાં જૈનોલૉજીનો પ્રચાર કરનારાં રક્ષાબહેનની તન્દુરસ્તી ટકાટક હતી; પણ અચાનક 2012માં તેમને હેલ્થમાં તકલીફ થઈ અને ડૉક્ટરોએ અલ્ટીમેટમ આપી દીધું કે હવે 10 દીવસમાં કીડની–ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જ પડશે. રક્ષાબહેન કહે છે, ‘એ સાંભળતાં જ મારાં દીકરા–દીકરીએ કહી દીધું કે અમે તને કીડની આપીશું. જો કે મારે કોઈને તકલીફ નહોતી આપવી એટલે હું ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર નહોતી થતી; પણ એ દરમ્યાન મારા હસબન્ડે કહ્યું કે હું જ તને કીડની આપીશ.’

આમ તો કીડની–ફેલ્યૉરના પેશન્ટ માટે ડૉક્ટરો ફસ્ટ પ્રેફરન્સ સગાં ભાઈ–બહેન કે મમ્મી–પપ્પાની કીડનીને આપે છે; કારણ કે દરદીને તેમની કીડની મૅચ થવાના ચાન્સીસ સૌથી વધુ છે; પણ જીતુભાઈની મમતે ડૉક્ટરોએ તેમના બધા ટેસ્ટ કર્યા. જીતુભાઈનું માનવું હતું કે ઘણા પેશન્ટને અજાણ્યા મૃત માનવીઓની કીડની અપાય જ છે, તો મારી પણ આપી જ શકાશે. જીતુભાઈની કીડની રક્ષાબહેનની કીડની સાથે ફક્ત એક ટકો મૅચીંગ હતી; પણ ડૉક્ટરોએ જીતુભાઈનો પત્ની પ્રત્યેનો પ્રેમ જોઈને તેમની કીડની રક્ષાબહેનમાં ટ્રાન્સપ્લાન્ટ કરી આપી.

રાઈડીંગ, રાઈફલ–શુટીંગ, પૅરાસેઈલીંગ જેવી અનેક રમતોના શોખીન જીતુભાઈ કહે છે, 2012ના માર્ચ મહીનામાં મેં કીડની ડોનેટ કરી અને જસ્ટ આઠ દીવસના નૉર્મલ આરામ બાદ હું ફરી પાછો સમ્પુર્ણ સક્રીય થઈ ગયો. એક મહીનામાં તો મેં મને ગમતી બધી ઍડ્વેન્ચર–ઍક્ટીવીટી પણ ચાલુ કરી દીધી. આજે 63 વર્ષની ઉમ્મરે હું ફીટ એન્ડ ફાઈન છું. કીડની આપવાથી મારી હેલ્થ જરા પણ લથડી નથી.’

ઘણી વાર જોવામાં આવ્યું છે કે અમુક વર્ષોના સહવાસ પછી પતી–પત્નીના ગમા–અણગમા, આદતો, – ઈવન દેખાવ પણ; એકસરખો થતો જાય છે ત્યારે શાહદમ્પતીના કેસમાં તો તેમની કીડની પણ એક જ છે. જીતુભાઈ કહે છે, ‘હું ઘણી વખત મજાકમાં કહું છું કે મારી અને રક્ષાની કીડની ટ્વીન્સ છે.’

લેખીકા : અલ્પા નીર્મલ સમ્પર્ક :  alpanirmal@gmail.com

સંજોગો સામે શરણાગતી ન સ્વીકારો,

પૉઝીટીવ રહો

–શર્મીષ્ઠા શાહ

જયા શાહ

પાર્લા (ઈસ્ટ)માં રહેતાં 58 વર્ષનાં જયાબહેન શાહે લીવર–ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યાને સાડાત્રણ વર્ષ થઈ ગયાં છે અને એ પહેલાં ત્રણ વર્ષ સુધી તેમણે આ બીમારીનો સામનો કર્યો હતો. જયાબહેનને હેપેટાઈટીસ થયો હતો અને એને કારણે તેમનું લીવર સીત્તેર ટકા જેટલું બગડી ગયું હતું. જયાબહેને સંજોગો સામે લડી લેવાનું નક્કી કર્યું અને એમ જ બીજો થોડો સમય નીકળી ગયો. જયાબહેનને ફરીથી તકલીફ શરુ થઈ ગઈ. ડૉક્ટરોએ તેમના પેટમાંથી દસ લીટર પાણી કાઢ્યું. આખરે ડૉક્ટરોએ તેમને જણાવ્યું કે હવે ટ્રાન્સપ્લાન્ટ સીવાય કોઈ ઉપાય નથી. મુમ્બઈમાં કૅડેવર લીવર–ટ્રાન્સપ્લાન્ટ થતા નથી. તેથી તેઓ ચેન્નઈની અપોલો હૉસ્પીટલના ડૉક્ટર આનન્દ ખખ્ખર મુમ્બઈમાં આવ્યા ત્યારે તેમને મળ્યાં અને ડૉક્ટરે તેમને ચેન્નઈ બોલાવ્યાં. ત્યાં તેમનું ચેકીંગ થયું અને તેઓ ઑપરેશન માટે ફીટ છે એ નક્કી થયું. તેમણે ત્યાં રજીસ્ટ્રેશન કરાવ્યું. ચેન્નઈમાં બ્રેઈન–ડેડ પેશન્ટનું લીવર મળ્યું એટલે જયાબહેનને છ કલાકની અન્દર ત્યાં પહોંચવા માટે જણાવવામાં આવ્યું અને જ્યાબહેન ત્યાં પહોંચ્યાં. તેમનું ઑપરેશન પન્દરથી સોળ કલાક સુધી ચાલ્યું અને સફળ રહ્યું.

ઑપરેશન પછી શું કાળજી રાખી? એ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે ‘દોઢ વર્ષ સુધી સખત કાળજી રાખ્યા બાદ હવે તેઓ નૉર્મલ બન્યાં છે; પરન્તુ અત્યારે પણ કોઈ જાતનું ઈન્ફેક્શન ન લાગે એની કાળજી તેમણે રાખવી પડે છે.’

જયાબહેન અત્યારે એકદમ નૉર્મલ લાઈફ જીવી રહ્યાં છે. તેઓ કહે છે, ‘કોઈ પણ સંજોગોમાં હીમ્મત ન હારવી અને પૉઝીટીવ રહેવું જરુરી છે. નેગેટીવ વીચારોથી દુર રહેવું જોઈએ અને પરીવારનો સહકાર હોય તો ગમે તેટલી મુસીબત સામે ઝઝુમી શકાય છે.’

લેખીકા : શર્મીષ્ઠા શાહ સમ્પર્ક :  scshah8270@gmail.com

મમ્મીએ દીકરીને કીડની આપીને નવજીવન આપ્યું

– હેતા ભુષણ

કાંદીવલીની ઈરાની વાડીમાં રહેતાં પંચાવન વર્ષનાં ઈન્દુબહેન સાગરે પાંચ વર્ષ પહેલાં 2011ની 26 નવેમ્બરે પવઈની હીરાનન્દાની હૉસ્પીટલમાં કીડની–ટ્રાન્સપ્લાન્ટ ઑપરેશનમાં પોતાની કીડની પરીણીત દીકરી પુનમ સલ્લાને આપી તેના જીવનને બચાવ્યું છે.

એક માએ દીકરીને જાણે ફરી જન્મ આપ્યો. લગ્નનાં ત્રણ વર્ષ બાદ પુનમની તબીયત ખરાબ થઈ. સામાન્ય તકલીફ જણાતાં ફૅમીલી–ડૉક્ટરની દવા લીધી. તકલીફ વધતી ગઈ. પુનમ ન બેસી શકે, ન સુઈ શકે. છેવટે હીન્દુજા હૉસ્પીટલમાં નીદાન થયું કે તેની બન્ને કીડની ખરાબ થઈ ગઈ છે. કારણ ખબર જ ન પડી. ઘણી દવાઓ કરવામાં આવી. એક વર્ષ પુનમે ડાયાલીસીસ પર વીતાવ્યું. પછી કીડની–ટ્રાન્સપ્લાન્ટ એક જ વીકલ્પ બચ્યો. બહારથી ડોનર મેળવવાની કોશીશ કરવામાં આવી; પણ ન મળતાં ડૉક્ટરોએ સલાહ આપી ઘરના જ કોઈ કીડની આપો. એ દીવસોને યાદ કરતાં ઈન્દુબહેન કહે છે, મા પોતાના બાળક માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય. હું પણ દીકરીનું જીવન બચાવવા અને પુનમની નાનકડી બે વર્ષની દીકરી દીયા નમાયી ન થઈ જાય એ માટે કીડની આપવા તૈયાર થઈ ગઈ.’

ઈન્દુબહેન એક ગોળી લેતાં પણ ડરે. ડૉક્ટર, ઈન્જેક્શન, હૉસ્પીટલથી તેઓ હમ્મેશાં દુર જ રહેવા ઈચ્છે. પોતાની સુવાવડ બાદ પહેલી વાર હૉસ્પીટલમાં દાખલ થયાં. 2011ની 26 નવેમ્બરે ઈન્દુબહેને કીડની ડોનેટ કરીને દીકરીનો જીવ બચાવ્યો. તેઓ કહે છે, ‘મારી દીકરીના સાસરાવાળા અને જમાઈ દીપકકુમારે રાત–દીવસ એક કરી દીકરીનું ધ્યાન રાખ્યું, હજી પણ રોજેરોજ દવા–રીપોર્ટનું ધ્યાન રાખે છે.’

આજે પાંચ વર્ષ બાદ પુનમ એકદમ સ્વસ્થ છે. માએ આપેલી કીડની પર સમ્પુર્ણ સ્વસ્થ જીવન જીવે છે. પંચાવન વર્ષનાં ઈન્દુબહેન સ્કુટર પણ ચલાવે છે, ગાડી ચલાવતાં શીખ્યાં છે. ગરબા રમે છે, ડાન્સ પણ કરી જાણે છે અને આરામથી સ્વસ્થ જીવન જીવી રહ્યાં છે.

ઈન્દુબહેન ખાસ જણાવે છે, ‘હું ખુબ જ ડરપોક હતી… મને અમારા ફૅમીલી ડૉક્ટર–પાડોશી ડૉ. દીલીપ રાઈચુરાએ હીમ્મત આપી. હું એક કીડની પર પાંચ વર્ષથી આરામથી જીવી રહી છું એથી જો જીવનમાં આવી વીકટ પરીસ્થીતી આવે તો ડરવું નહીં. મને કુદરતે ખુબ શક્તી આપી.’

પુનમ કહે છે, ‘માતાનું ઋણ તો આમ પણ ન ભુલી શકાય. મમ્મીએ મને ફરી એક વાર જન્મ આપ્યો છે. હું એક કીડની પર આરામથી જીવી રહી છું. મમ્મીના આર્શીવાદ છે.’

લેખીકા : હેતા ભુષણ સમ્પર્ક : hetabvayeda@gmail.com

અંગદાન વીશે શાહદમ્પતીની ઝુમ્બેશ

–જયેશ શાહ

કલ્પેશ શાહ અને હેમીના શાહ

માનવદેહના અવયવોનો મૃત્યુ બાદ કઈ રીતે ઉપયોગ કરીને અનેક લોકોની જીન્દગી બચાવી શકાય એ અંગેની જાગૃતી લાવવા બોરીવલીમાં રહેતા એક કચ્છી દમ્પતીએ બીડું ઝડપ્યું છે. કઈ રીતે, કયા અને કેવા સંજોગોમાં માનવશરીરનાં કેટલાં અંગદાન કરી શકાય એની આ દમ્પતી રોડ–શૉ કરીને, રેલવે–સ્ટેશનોની આસપાસ ફરીને અને સેમીનારો યોજીને લોકોને સમજણ આપી રહ્યું છે. આ ઝુંબેશ અસરકારક બની રહે એ માટે તેમણે વડા પ્રધાનને એક પત્ર લખીને અપીલ કરી હતી અને રેડીયો પર આવતા ‘મન કી બાત’ના એક એપીસોડમાં લોકોને અંગદાન માટે આગળ આવવા નરેન્દ્ર મોદીએ અપીલ પણ કરી હતી. કોઈ પણ સારા કાર્યની શરુઆત પહેલાં આપણાથી કરવી જોઈએ એ કહેવત મુજબ આ કચ્છી દમ્પતીએ પોતે પણ ઑર્ગન અને ટીશ્યુ ડોનેશન અંગેનું ફૉર્મ ભર્યું છે અને ડોનર–કાર્ડ મેળવીને આ જ પ્રકારે અન્ય લોકોને ફૉર્મ ભરવા અને ડોનર–કાર્ડ અપાવવા માટે જરુરી માર્ગદર્શન આપી રહ્યું છે.

કઈ રીતે પ્રેરણા મળી?

પ્રાઈવેટ કમ્પનીમાં એક્સાઈઝ–મૅનેજરની જૉબ કરતા 41 વર્ષના કમલેશ શાહ અંગદાનની ઝુમ્બેશ ચલાવવાની પ્રેરણા કઈ રીતે મળી એ વીશે વાત કરતાં ‘મીડ–ડે’ને કહે છે, ‘કાંદીવલીમાં રહેતી મારી કઝીન ભાવી દીપેશ શાહને એપ્રીલ 2015માં હાર્ટ બદલવાની જરુર ઉભી થઈ. અમે હાર્ટ મેળવવા માટે કોશીશ શરુ કરી દીધી. થાણેની એક હૉસ્પીટલમાં બ્રેઈન–ડેડ મહીલાનું હાર્ટ મળ્યું; પરન્તુ એ નબળું હોવાનું ડૉક્ટરે જણાવ્યું એટલે પરીવારમાં નીરાશા વ્યાપી ગઈ. જો કે અમે કૅડેવર ડોનેશન માટે હૉસ્પીટલ દ્વારા પ્રયત્નો ચાલુ રાખ્યા. ચેન્નઈની એક હૉસ્પીટલમાં હાર્ટ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું એટલે અમને ફરી આશા બંધાઈ. હાર્ટને માનવશરીરમાંથી કાઢ્યા બાદ ચાર કલાકમાં જરુરીયાતવાળા દરદીને બેસાડવું પડે છે. એટલે અમે આ હાર્ટને ચેન્નઈથી મુમ્બઈ ઍર–ઍમ્બ્યુલન્સમાં લાવવા તૈયાર થયા; પરન્તુ આ વખતે અમને ઍર–ટ્રાફીક કન્ટ્રોલે રાતના સમયે સ્પેશ્યલ ઍર–ટ્રાફીકની વ્યવસ્થા કરવાનો નનૈયો ભણી દીધો. ફરી એક વખત અમને હાર્ટ મળવા છતાં મેળવવામાં નીષ્ફળતા સાંપડી હતી.

20 દીવસનો કીમતી સમય વીતી ગયો હતો. ડૉક્ટરના કહેવા મુજબ ભાવીની તબીયત વધુ લથડે એ પહેલાં અમારે કંઈક નીર્ણય કરવાનો હતો. એથી પરીવારે લેફ્ટ વેન્ટ્રીક્યુલર અસીસ્ટ ડીવાઈસ (LVAD) બેસાડવાનું નક્કી કર્યું અને એ માટે ઑપરેશનની તારીખ 2015ની 9 મે નક્કી કરી. જો કે કુદરતને કંઈક અલગ જ મંજુર હશે. ભાવીનું આગલી રાતે જ મોત થયું. પરીવારમાં ગમગીની છવાઈ ગઈ. ભાવીનાં બે ટ્વીન્સ બાળકો નવ વર્ષનો એક દીકરો અને એક દીકરી છે. એથી સમગ્ર પરીવાર આઘાતમાં સરી પડ્યો હતો. મુમ્બઈમાં ભાવીની હાર્ટ–ટ્રાન્સપ્લાન્ટની પહેલી સર્જરી યેનકેન રીતે સફળ ન થઈ એટલે મેં અને પત્ની હેમીનાએ નક્કી કર્યું કે સમાજમાં અંગદાન વીશે અવેરનેસની ઝુમ્બેશ ચલાવવી, જેથી સરળતાથી માનવજીન્દગી બચી શકે અને અનેક પરીવારોનો માળો તુટતો બચી શકે.

કઈ રીતે જાગૃતી?

અવયવદાન વીશે જાગૃતી લાવવા વીશે હેમીના શાહ ‘મીડ–ડે’ને કહે છે, ‘અમે બોરીવલી, કાંદીવલી અને આસપાસનાં રેલવે–સ્ટેશનો તેમ જ શહેરની વીવીધ હૉસ્પીટલોની બહાર અને કચ્છ યુવક સંઘના કાર્યક્રમમાં બૅનરો સાથે લોકોને કઈ રીતે, કેવા સંજોગોમાં ઑર્ગન અને ટીશ્યુ ડોનેટ કરી શકાય છે એની સમજણ આપીએ છીએ અને લોકોએ આપેલાં ઑર્ગન અને ટીશ્યુથી કઈ રીતે માનવજીન્દગી બચી શકે છે એ વીશે જાગૃતી લાવવાનું કામ કરીએ છીએ. સાથોસાથ ઑર્ગન અને ટીશ્યુ ડોનેશન જાહેર કરવા માટે ‘ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કો–ઑર્ડીનેશન સેન્ટર’ નામની સરકારી સંસ્થાનું ફૉર્મ લાવી લોકો પાસે ભરાવીને ડોનર–કાર્ડ લાવી આપીએ છીએ. અમે લોકોને એ વાત પણ સમજાવી રહ્યા છીએ કે કયું ઑર્ગન કેટલા સમયમાં માનવીના મોત બાદ કાઢીને ડોનેટ કરવું જરુરી છે. કેટલીક જ્ઞાતીમાં અન્ધવીશ્વાસના કારણે અંગદાન વીશે પુરતી જાણકારી ન હોવાથી એ વીશે ફેલાતો ભ્રમ દુર કરીએ છીએ. અંગદાન આપ્યા બાદ માનવીનો દેહ પાછો મળે છે એ વાત અમે લોકોને સમજાવીએ છીએ.

લોકોને અંગદાન કઈ રીતે કરવું એની પ્રૉપર ચૅનલ ખબર હોતી નથી એટલે અમે સમાજની વીવીધ જ્ઞાતીમાં સેમીનાર દ્વારા લોકોને સમજણ આપીએ છીએ. અમારા આ પ્રયત્નોથી કેટલાક લોકોએ ઑર્ગન અને ટીશ્યુ ડોનેશનનાં ફૉર્મ ભરીને અમને આપ્યાં છે.’

લેખક : જયેશ શાહ સમ્પર્ક : Jayin2020@gmail.Com

મુમ્બઈના મીડડે દૈનીકે તા. 13 ઓગસ્ટ, 2016ના રોજ ‘ઓર્ગન ડોનેશન ડે’ નીમેત્તે ખાસ પુર્તી પ્રગટ કરી હતી. આ લેખના લેખક/લેખીકા અને મીડડેના સૌજન્યથી સાભાર…

દર વર્ષે હજારો બ્રેઈન–ડેડ કે એક્સીડેન્ટના કારણે મૃત્યુ પામ્યા હોય તેવા મૃતદેહને સ્મશાન કે કબ્રસ્તાનમાં અનુક્રમે અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર કરવામાં આવે છે. તેમ કરવાથી મૃતકનાં અંગો રાખ થઈ જાય છે કે માટીમાં ભળી જાય છે. આ મૃતકનાં અંગો મૃત્યુની રાહ જોતા અને રીબાતા દરદીઓને દાન કરી, સમયસર અંગોનું પ્રત્યારોપણ કરી; અનેક લોકોને નવજીવન આપી શકાય છે. તારીખ 2 જુલાઈથી દર સોમવારે સાંજે 7.00 વાગ્યે પ્રગટ થતી આ લેખમાળા વાંચીને વાચકમીત્રો શરીરનાં અંગદાન કરવાનો નીર્ણય કરશે તો લોકજાગૃતીનો મારો આ પ્રયાસ સાર્થક થશે.

–ગોવીન્દ મારુ

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 30/07/2018

 

 

9 Comments

  1. આ સત્ય કથાઓ થકી પ્રજા માં અંગદાન ની મહતવતા વિષે જાગૃતિ લાવી શકાય છે.

    Liked by 1 person

  2. અહીં વેલીંગ્ટનમાં પણ મોટા ભાઈએ નાના ભાઈને કીડની આપી છે-અમારા સંબંધીઓ જ છે. બંને ભાઈઓ વચ્ચે ખુબ સારો પ્રેમ છે અને કીડની સંપુર્ણપણે મેચ થઈ ગઈ છે. બંને જણા સ્વસ્થ જીવન વીતાવે છે.
    ખુબ સરસ લેખ ગોવીન્દભાઈ. હાર્દીક આભાર અને ધન્યવાદ.

    Liked by 1 person

  3. સરસ. આજે જે ચાર સત્ય ઘટનાઓને ‘ અભિવ્યક્તિ‘ ઉપર રજૂ કરી તે ખૂબ ગમ્યું. સત્ય ઘટનાની રજૂઆત હંમેશા વાંચનારને તે વાત સ્વીકારવા મજબુર કરે છે. ‘ અભિવ્યક્તિ‘ નું તો આ કામ છે. આવા જ દાખલાઓ સમાજસુઘારના કાર્યને વેગ આપશે.
    અભિનંદન અને આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  4. આ તો ૧૯૭૫ થી ૧૯૮૦ના સમયની વાત છે, ચોક્કસ વર્ષ યાદ નથી. નડિયાદમાં ડો.વીરેન્દ્ર દેસાઈએ અમેરિકાથી આવીને રોહિત મિલવાળા જયરામભાઈ પટેલની મદદથી કીડની હોસ્પિટલ શરુ કરી. એના આખા એરકંડિશન્ડ અને બંને ઓપરશન થીયેટરોનો કોન્ટ્રાક્ટ અમારી બ્લુ સ્ટારને મળ્યો હતો. મારે એ પ્રોજેક્ટ સંભાળવાનો હતો. મને ત્યારે જ ખ્યાલ હતો કે ડોક્ટર ગમે તેટલા હોશિયાર હોય તો પણ જો ઓપરેશન થીયેટરમાં ૧૦૦ ટકા બેક્ટેરિયા રહિત હવા પ્રેસર સાથે નહિ હોય તો ઓપરેશન ફેઈલ જવાના ૧૦૦% ચાન્સ. અમારી મેનેજમેન્ટ પણ આ બાબતમાં નફા-નુકશાનની જગ્યાએ માનવીની જિંદગીનો ખ્યાલ રાખવાવાળી હોવાથી મેં અમારી કોસ્ટ ઉપર જઈને ખુબ જ સુંદર સીસ્ટમ નાખી હતી. ત્યારે કમ્પાઉન્ડમાં આવતા દર્દીઓ અને સગાવાહાલાની હાલત જોઇને કંપારી છૂટી જતી. આજ રીતે અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં કેન્સર હોસ્પીટલમાં કામ ચાલતું ત્યારે તમને લોકો કેવી કેવી તકલીફોમાંથી પસાર થાય છે તેનો ખ્યાલ આવે. આજે કોઈ ભલે સિવિલ હોસ્પિટલમાં જવા નહિ માંગતું હોય પણ મારા હિસાબે ખાસ કરીને અમદાવાદની સિવિલ હોસ્પિટલ જેટલા વિભાગો અને સાધનો છે તેવા અમદાવાદની સારામાં સારી હોસ્પીટલમાં ઉપલબ્ધ નથી હોતા. અમદાવાદની સિવિલ હોસ્પિટલનાં કીડની, કેન્સર, હાર્ટ જેવા વિભાગો મોટી મોટી દવાની કંપનીઓની મેનેજમેન્ટ સંભાળે છે. સિવિલમાં થોડી તકલીફ થાય પણ બીજી ખાનગી હોસ્પિટલોમાં કે જે મોટે ભાગે રેસીડન્ટ અને ક્વાલીફાઈડ સ્ટાફ વગર જ ચાલતી હોવાથી સિવિલમાં ઘણી જ સારી સગવડો છે. હાલમાં જ એક ભાઈએ અમેરિકાથી અમદાવાદની સિવિલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું એ ભાઈ તો ત્યાની સગવડોથી ખુબ ખુશ થઇ ગયા. આજે છેલ્લા એક વરસથી હું એમને એકદમ તંદુરસ્ત જોઉં છું. કહેવાનો મતલબ કે જો તમે તમારા અંગોનું દાન કરવાનું પહેલેથી જ જાહેર કરી દો તો એનો ઉપયોગ ખુબ જ જલ્દીથી કરી શકાય. અમેરિકામાં તમારા ડ્રાઈવિંગ લાઈસન્સમાં જ આનું પ્રોવિઝન હોય છે. ભારતમાં શું છે ખબર નથી, નાં હોય તો કોઈ એન.જી.ઓ.એ આ બાબતમાં સરકાર પર દબાણ કરવું જરૂરી છે. જેને લઈને લોકો પોતાના ડાઈવીંગ લાઈસન્સમાં જ કબુલાત આપે અને બીજો ફાયદો કે જો તમને અકસ્માત થાય તો તમને પણ તમારા બ્લડગ્રુપ વગેરે માહિતી ડ્રાઈવીંગ લાઈસન્સમાં હોવાથી જલ્દીથી સારવાર મળી શકે.

    Liked by 1 person

    1. વહાલા વીપુલભાઈ,
      તમે અને તમારા મેનેજમેન્ટે નડીયાદની કીડની હૉસ્પીટલમાં નફા-નુકશાનની જગ્યાએ માનવીની જીન્દગીનો ઉમદા ખ્યાલ રાખીને તમારી કોસ્ટ ઉપર જઈને ખુબ જ સુન્દર સીસ્ટમ નાખી હતી. તે બદલ ‘બ્લુ સ્ટાર’ કમ્પની અને વ્યક્તીગત રીતે તમારો ખુબ ખુબ આભાર.. સલામ..

      –ગોવીન્દ મારુ

      Like

    2. ડો. વિરેન્દ્ર દેસાઇના નામના ઉલ્લેખ સાથે તેમના અમેરિકા છોડીને માતૃભૂમિમાં લોકસેવા માટે જવાના નિર્ણયની યાદ આવે છે. મારા ઓળખીતા ઘણા ડોક્ટરોના તેઓ મિત્ર. કુદરતે તેમની સાથે અને દેશના પેશન્ટો સાથે રમત રમી લીઘી…. ડો. વિરેન્દ્ર દેસાઇને કુદરતે સમાજમાંથી લઇ લીઘા. તેમના મૃત્યુને ઘણા વરસો થઇ ગયા. તેમણે બનાવેલી આ હોસ્પીટલ સમાજસેવાનું કર્મ કરીને તેમના નામને ઉજ્જવળ રાખે છે.
      સ્વ. ડો. વિરેન્દ્ર દેસાઇને શ્રઘ્ઘાંજલી.
      અમૃત હઝારી.

      Liked by 1 person

  5. Reblogged this on and commented:
    આ સત્યક્થાઓ અનેકને પ્રેરણા આપે અને અંગદાન વડે નવજીવન પ્રાપ્ત કરતા રહે તેવી શુભેચ્છાઓ સાથે, ગોવિંદભાઈ આપને ધન્યવાદ આવી સત્યવાતો બ્લોગ ઉપર મિત્રો સાથે શેર કરવા માટે ! મારાં બ્લોગ ઉપર રી બ્લોગ કરું છું. આભાર !

    Liked by 1 person

    1. વહાલા વડીલ અરવીન્દભાઈ,
      ‘અંગદાન’ અંગે ચાર સાચા કીસ્સા’ આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      –ગો. મારુ

      Like

Leave a comment