દીકરીએ ‘મા’ને આપ્યું જીવનદાન
–જીગીષા જૈન
‘મા’ બાળકને જન્મ આપતી હોય છે, તેનું પાલનપોષણ કરતી હોય છે, પોતાની મમતાથી તેનું સીંચન કરતી હોય છે. ‘મા’ની આ મમતા અને ત્યાગનું ઋણ ચુકવવું અઘરું છે; પણ મારા જેવાને ‘મા’નું ઋણ ચુકવવાનો મોકો મળતો હોય છે. ‘મા’નું સ્થાન દરેક બાળકના જીવનમાં ખાસ હોય છે. હું ખુશ છું કે મારા ‘અંગદાન’થી આજે મારી ‘મા’ મારી સાથે છે. તે ન હોય એ કલ્પના પણ મારા માટે અસહ્ય છે.
આ શબ્દો છે ૩૦ વર્ષની તન્વી મહેતાના, જેણે 2015ના જુનમાં પોતાની મમ્મી વર્ષા મહેતાને પોતાના લીવરનો એક ભાગ દાનમાં આપીને તેમને નવજીવન આપ્યું હતું. આજે વર્ષાબહેન એક નૉર્મલ વ્યક્તીની જેમ તન્દુરસ્ત જીવન જીવી રહ્યાં છે.
2007માં વર્ષાબહેનના ઝાડામાં લોહી પડતું હતું, જેને લીધે ડૉક્ટરે ટેસ્ટ કરાવવા કહ્યું ત્યારે ખબર પડી કે વર્ષાબહેનને લીવરની બીમારી ‘હેપેટાઈટીસ C’ છે. આ બીમારીનું કારણ ‘હેપેટાઈટીસ C’ નામનો વાઈરસ છે, જે લોહી દ્વારા ફેલાતો હોય છે. પોતાના આ રોગનું કારણ સમજાવતાં વર્ષાબહેન કહે છે, ‘મારે બે દીકરીઓ છે. બીજી દીકરી એટલે કે તન્વીના જન્મ વખતે મને બે બૉટલ લોહી ચડાવવામાં આવી હતી. એક બૉટલ લોહી મારા ઘરની વ્યક્તીએ જ આપેલું અને બીજી બૉટલ બહારથી લાવ્યા હતા. જે બ્લડ દાનમાં આપવામાં આવે એ બ્લડમાં હેપેટાઈટીસના વાઈરસ છે કે નહીં એ ચકાસીને પછી જ લોહી ચડાવવાનો નીયમ 1985માં નહોતો. સન 2002થી બ્લડમાં હેપેટાઈટીસ ચકાસીને જ દરદીને લોહી ચડાવવું એવા નીયમ અમલમાં આવ્યો છે. વળી આ વાઈરસ તમારા શરીરમાં જાય એટલે તરત અસર કરે એવું નથી હોતું. વર્ષો પછી એ સામે આવે છે અને એવું જ મારી સાથે થયું.’
લગભગ આજથી નવ વર્ષ પહેલાંની પોતાની ભાવના વ્યક્ત કરતાં તન્વી કહે છે, ‘જ્યારે મને ખબર પડી કે મમ્મીને મારા જન્મ વખતે ચડેલા લોહીથી આ પ્રૉબ્લેમ થયો છે ત્યારે તે માટે ક્યાંક ને ક્યાંક હું જવાબદાર છું તેવું મને લાગતું હતું. હૉસ્પીટલનાં ચક્કર, આર્થીક પ્રૉબ્લેમ્સ, મારી મમ્મીને આટલી બધી પીડા ભોગવવી પડે છે આ બધા માટે હું અપરાધભાવથી ભરાઈ ગઈ હતી.. મને સતત લાગતું કે હું એવું શું કરું કે જેથી મમ્મીની આ પીડાને દુર કરી શકું.’
––––––––––––––––––––––––
ખુશ ખબર
ફીલસુફી, તર્કવીજ્ઞાન, મનોવીજ્ઞાન, વૈજ્ઞાનીક પદ્ધતીના અભ્યાસી અને અધ્યાપક ડૉ. બી. એ. પરીખનું રૅશનલ પુસ્તક ‘મન્ત્ર–યન્ત્ર–તન્ત્રનું અવીજ્ઞાન’ની ઈ.બુક ‘મણી મારુ પ્રકાશન’ દ્વારા આજે પ્રકાશીત કરવામાં આવી છે.
મારા બ્લૉગ ‘અભીવ્યક્તી’ના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ https://govindmaru.wordpress.com/e-books પરથી વાચકમીત્રોને તે ડાઉનલોડ કરવા વીનન્તી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો પોતાનાં નામ–સરનામા સાથે મને લખશે તો હું તે વાચકમીત્રને તે ઈ.બુક સપ્રેમ મોકલી આપીશ.
–ગોવીન્દ મારુ
––––––––––––––––––––––––
‘હેપેટાઈટીસ C’ ને કારણે વર્ષાબહેનની તબીયત બગડતી ચાલી. હૉસ્પીટલમાં દાખલ થવાના કીસ્સાઓ વધતા ચાલ્યા. શરીરમાં ખુબ પાણી ભરાઈ જતું હતું, જે ખેંચવા માટે હૉસ્પીટલમાં દાખલ થવું પડતું. ઘરની તમામ જવાબદારી તન્વી પર આવી ગઈ અને તેણે એ ખુબ સારી રીતે નીભાવી. વર્ષાબહેનને ‘હેપેટાઈટીસ C’ની તકલીફ વધતાં લીવર વધુ બગડતું ચાલ્યું અને સીરૉસીસની બીમારી પણ આવી પડી એટલે કે લીવર ફેલ થવાની અણી પર આવી ગયું. ડૉક્ટર્સ દ્વારા જણાવવામાં આવ્યું કે જો લીવર ટ્રાન્સપ્લાન્ટ ન થયું તો વર્ષાબહેન નહીં બચે. વળી ડૉક્ટરે આ માટે નીર્ણય જલદી લેવાનું પણ કહ્યું હતું; કારણ કે જો વાર લગાડશો તો વર્ષાબહેનનો જીવ જોખમમાં હતો. કોઈ મૃત વ્યક્તી જીવીત હતી ત્યારે પોતાની સ્વેચ્છાએ અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી હોય અથવા ઘરના લોકો જ દરદીને લીવર દાનમાં આપી શકે છે એવો નીયમ છે. બહારથી દાન મળે એની રાહ જોવા જેટલો સમય નહોતો. વર્ષાબહેનની ફૅમીલીમાં તેમના પતીને ડાયાબીટીઝ અને બ્લડ–પ્રેશર છે એટલે ડૉક્ટરે તેમનું લીવર લેવાની ના પાડી. તેમની મોટી દીકરીનું લીવર મૅચ ન થયું અને તન્વીનું લીવર મૅચ થઈ ગયું. વર્ષાબહેનના જમાઈ પણ પોતાનું લીવર આપવા તૈયાર હતા; પરન્તુ તન્વીનું લીવર મૅચ થયું એટલે તન્વીએ નીર્ણય લીધો કે મમ્મીને હું જ લીવર આપીશ.
જીવનનું સૌથી પહેલું ઑપરેશન અને એ પણ આટલું મોટું હોય ત્યારે ડર ન લાગ્યો? આ પ્રશ્નનો જવાબ આપતાં તન્વી કહે છે, ‘મને એક પણ વાર એવું નથી લાગ્યું કે મારે આવું ન કરવું જોઈએ. પહેલી વાત એ કે મારા અંગદાનથી મારી મમ્મીનો જીવ બચવાનો હતો. બીજી વાત એ કે ઑપરેશન પહેલાં ડૉક્ટરે અમને આખી પ્રોસેસ સમજાવી હતી. મારા લીવરનો એક ભાગ મમ્મીને દાનમાં આપવાથી મારા શરીરમાં કોઈ અસર થવાની નહોતી. મારા અંગત જીવનમાં પણ એનાથી કોઈ ફરક પડવાનો નહોતો. આ ખુબ સેફ હતું. ડૉક્ટરની વાત પર મને પુરો વીશ્વાસ બેઠો હતો અને એટલે જ મને કોઈ ડર નહોતો. ડરની વાત તો જવા દો, હું તો ખુબ ખુશ હતી; કારણ કે મારો જે અપરાધભાવ હતો કે મારે લીધે મમ્મીને આ રોગ થયો એ પણ આ ઘટનાથી જતો રહ્યો હતો.’
તન્વીના અંગદાન વીશે ગર્વ અનુભવતાં વર્ષાબહેન કહે છે, ‘મને ખુબ ગર્વ છે કે તન્વી મારી દીકરી છે. તે હજી અપરીણીત છે છતાં તેણે એક વાર પણ એવો વીચાર ન કર્યો કે તેના આ પગલાથી જો તેને છોકરો મળવામાં તકલીફ થશે તો શું થશે? બને કે લોકો તેના સ્વાસ્થ્યને લઈને શંકા કરે તો તે કેટલા લોકોને સમજાવતી ફરશે કે તે સાવ નૉર્મલ છે? હજી આજે પણ લોકો દીકરીને બોજ સમજતા હોય છે, પરન્તુ એવા લોકોને હું સમજાવવા માગું છું કે દીકરી હમ્મેશાં નીસ્વાર્થભાવે માતા–પીતાને પ્રેમ કરતી હોય છે અને જરુરતના સમયે તે કોઈ પણ પ્રકારનો ત્યાગ કરવા તૈયાર રહે છે.’
વર્ષાબહેનની ચીંતા વીશે તન્વી કહે છે, ‘જે લોકો ભણેલા–ગણેલા છે અને સમજુ છે તેમને ખબર છે કે લીવરદાન કરવાથી વ્યક્તીના જીવન પર કોઈ અસર થતી નથી. મારા જીવનસાથીમાં હું આટલી સમજણ હોવાની અપેક્ષા રાખું છું અને જો એ કોઈ છોકરો ન સમજી શકે તો હું સમજીશ કે તે મારે લાયક જ નથી. ઉલટું જેટલા પણ લોકો જાણે છે કે મેં આ કર્યું છે તે મારી કર્તવ્યનીષ્ઠાને બીરદાવી રહ્યા છે. વ્યક્તી પોતાનાં માતા–પીતા માટે નહીં કરે તો બીજા કોના માટે કરી શકે? મેં જે કર્યું છે એ મારી ફરજ સમજીને કર્યું છે અને મને ખુશી છે કે મેં મારી ‘મા’ને બચાવી લીધી છે.’
–જીગીષા જૈન
લેખીકા સમ્પર્ક : jigishadoshi@gmail.com
મુમ્બઈના ‘મીડ–ડે’ દૈનીકે તા. 13 જાન્યુઆરી, 2016ના રોજ ‘પીપલ-લાઈવ’ કૉલમમાં પ્રગટ થયેલ લેખ. આ લેખના લેખીકા અને ‘મીડ–ડે’ના સૌજન્યથી સાભાર…
દર વર્ષે હજારો બ્રેઈન–ડેડ કે એક્સીડેન્ટના કારણે મૃત્યુ પામ્યા હોય તેવા મૃતદેહને સ્મશાન કે કબ્રસ્તાનમાં અનુક્રમે અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર કરવામાં આવે છે. તેમ કરવાથી મૃતકનાં અંગો રાખ થઈ જાય છે કે માટીમાં ભળી જાય છે. આ મૃતકનાં અંગો મૃત્યુની રાહ જોતા અને રીબાતા દરદીઓને દાન કરી, સમયસર અંગોનું પ્રત્યારોપણ કરી; અનેક લોકોને નવજીવન આપી શકાય છે. તારીખ 2 જુલાઈથી દર સોમવારે સાંજે 7.00 વાગ્યે પ્રગટ થતી આ લેખમાળા વાંચીને વાચકમીત્રો શરીરનાં અંગદાન કરવાનો નીર્ણય કરશે તો લોકજાગૃતીનો મારો આ પ્રયાસ સાર્થક થશે.
–ગોવીન્દ મારુ
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 03/08/2018
વાહ… કેવું સરસ… ધન્ય છે દીકરીને…
LikeLiked by 1 person
VERY SUPER DAUGHTER AND GOD BLESS YOU EVERYTIME
LikeLiked by 1 person
સરસ. તન્વીને અભિનંદન અને આશિષ. જીગીશા જૈને ખૂબ જ સરસ રીતે આખો પ્રસંગ વર્ણવ્યો અને સરળ રીતે સમજાવ્યો. મા, દિકરી બન્નેના ભાવો અને લાગણીઓની સાથે લીવર ટરાન્સપ્લાંટના વિજ્ઞાનને પણ સમજાવ્યા.
ગોવિંદભાઇ, ‘ જીવનદાન‘ વિષયમાં ‘ અભિવ્યક્તિ‘ ને અેક સુંદર સમાજોપયોગી વિષય મળી ગયો છે. વાચકો પોતપોતાના નજીકના સ્નેહી…કુટુંબીઓના દાખલાઓ મોકલતા રહે અને લોકજગૃતિ જગાવવામાં મદદરુપ થતાં રહે તે હવે ગોલ બની રહે તે જોવું રહ્યું.
તન્વીઅે અેક સુંદર દાખલો સમાજને આપ્યો છે. તેને તેના ભાવિ જીવન માટે અંતરના આશિષ.વર્ષાબહેનને , તન્વી જેવી દિકરી પામવા માટે અભિનંદન.
કથાકારોના બનાવેલાં માતૃભક્તિના દાખલાઓ કરતા આવા જીવતા દાખલાઓ વઘુ અસરકારક બની રહેશે.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
દીકરીની કર્તવ્યનીષ્ઠાને સલામ.
LikeLiked by 1 person
ધન્ય છે દીકરીને…તન્વીને અભિનંદન અને આશિષ.
LikeLiked by 1 person
ધન્ય તન્વી, એટલેજ કહેવાય છે , દીકરી વહાલનો દરિયો.
LikeLiked by 1 person
દીકરીએ વહાલનો દરિયો છે તે પુરવાર કરી આપ્યું. ધન્ય છે દીકરી તન્વીને કે પોતાની ભવિષ્યના જીવનની પરવા કર્યા વગર મા ની જિંદગી બચાવી ! શાબાશ બેટા ! બાળકો હો તો આવા હોજો ! ગોવિંદભાઈ આપને પણ ધન્યવાદ કે આવા પ્રસંગો બ્લોગ ઉપર મૂકી ભલે અન્ય લોકોને માત્ર પ્રેરણા જ નહિ પણ જીવનનો બોધ પણ આપતા રહો છો . ફરી એક વાર ધન્યવાદ અને આભાર !
LikeLike