સોનાની બે લગડી

સોનાની બે લગડી

ઘણાં લોકો એવું માને છે કે આંખો કાઢી લેવામાં આવે તો બીજા જન્‍મે માણસ અન્ધ જન્‍મે છે. અમુક કોમના લોકો કહે છે કે અમારા ધર્મમાં ચક્ષુદાન કરવા પર પાબન્દી છે. આપણે નથી જાણતા સાચું શું હશે; પણ ધર્મ અસ્‍તીત્‍વમાં આવ્‍યો ત્‍યારે ચક્ષુદાનનું સંશોધન થયું ન હતું. એથી ધર્મમાં ચક્ષુદાનના ઉલ્લેખની વાત કેટલી સાચી એ સંશોધનનો વીષય છે. વળી અમારો અનુભવ એવો છે કે જેઓ કહે છે કે અમારો ધર્મ ચક્ષુદાન કરવાની ના પાડે છે તેમને બીજાની આંખ વડે દેખતા થવામાં ધર્મનો કોઈ બાધ નડતો નથી.

       ડૉ. અશોક શ્રોફ

–દીનેશ પાંચાલ

         મારે ‘ચક્ષુદાન’નું માહાત્‍મ્‍ય સમજવું હતું એટલે મેં એક ગુસ્‍તાખી કરી. લાયન્‍સ ક્‍લબે તેમના સભ્‍યો માટે નવસારીના સુપ્રસીદ્ધ નેત્રતબીબ ડૉ. અશોક શ્રોફનું પ્રવચન યોજ્‍યું હતું. તેમાં હું વીના આમન્ત્રણે પહોંચી ગયો. ડૉક્‍ટરે આંખ વીશે આંખ ઉઘડી જાય એવું પ્રવચન આપ્‍યું. આંખના એ ડૉક્‍ટર શ્રોફનો માનવતાથી મઘમઘતો એક અલગ પરીચય પણ છે. વર્ષોથી એઓ અઠવાડીયામાં એક દીવસ ગરીબ દરદીઓને વીનામુલ્‍યે તપાસે છે. ઑપરેશનો પણ વીનામુલ્‍યે કરે છે. આજપર્યંત એમણે કરેલા ફ્રી ઑપરેશનોની સંખ્‍યા લાખોમાં હશે. વર્ષોથી નીયમીત તેઓ શ્રી સત્‍યસાંઈ સેવા સમીતીના સહયોગથી દક્ષીણ ગુજરાતના અંતરીયાળ ગામડાઓમાં જઈ દરદીઓને તપાસે કરે છે. જરુરતમંદ દરદીઓને તેમની હૉસ્‍પીટલમાં લઈ આવે છે. અને ઑપરેશન કર્યા બાદ તેમને ઘરે પહોંચાડવામાં આવે છે. માનવતાની આવી હોમડીલીવરી માટે તેમને અભીનન્દન આપીએ તેટલા ઓછા ગણાય. મારું નમ્ર મન્તવ્‍ય છે કેવળ ડૉક્‍ટર અશોક શ્રોફ જ નહીં વીશ્વભરના સર્વ ડૉક્‍ટરો, કે જેઓ ગરીબ દરદીઓ માટે માનવતાનો આવો સુંદર યજ્ઞ આદરે છે તેમને કદી જાહેર સન્‍માન કે ઍવૉર્ડની જરુર રહેતી નથી. તેમના પર પડતી લો કોની માનભરી નજર એક ગુલદસ્‍તાથી લગીરે ઓછી હોતી નથી. આમેય વીશાળ જનસમુદાયની નજરમાંથી વ્‍યક્‍ત થતું આદરનું ખામોશ સન્‍માન ફુલો કે ઍવૉર્ડો કરતાં હજારગણુ કીમ્મતી હોય છે. સચીન તેંડુલકર કે ધોનીને જનતાનું એક પણ સન્‍માન નહીં મળ્‍યું હોય તોય પ્રતીષ્‍ઠા અને સીદ્ધીના ઢગલેબંધ ઍવૉર્ડથી તેઓ માલામાલ છે.

         અમારા બચુભાઈ ડૉક્‍ટર અશોક શ્રોફને કેવળ આંખના નહીં રાંકનાય ડૉક્‍ટર કહે છે. પરન્તુ ચક્ષુદાનની માહીતી માટે હું એમને મળ્‍યો ત્‍યારે તેમણે ભારપુર્વક વીનંતી કરી કે કૃપા કરી એ વાતનો ઉલ્લેખ કરશો નહીં. હું પુઅર પેશન્‍ટની પ્રવૃત્તી માત્ર નીજાનંદ માટે કરું છું. તેનો પ્રચાર થાય તેમાં મને મુદ્દલે રસ નથી. તમે ચક્ષુદાન માટે સમાજમાં અવેરનેસ આવે તે માટે જ લખશો તો તે વધુ ઉપયોગી ગણાશે. વાત ખોટી નથી. આંખ જેવા અતી ઉપયોગી અને નાજુક અંગની ઉચીત કાળજી લઈ શકાય તે માટે ફક્ત ચક્ષુદાન વીશે જ નહીં, ચક્ષુઓ વીશે પણ સૌને પુરી માહીતી હોવી જોઈએ. ઘણા માણસો જીવનભર આંખ નીચેના કાળા કુંડાળાની ચીંતા કરતા રહે છે; પરન્તુ આંખના ગોખલામાં છુપાયેલી ચણીબોર જેવડી કીકીના કુંડાળામાં દષ્ટીનો કેવો અદ્‌ભુત ચમત્‍કાર સમાયેલો છે એ વાતથી અંત સુધી બેખબર રહી જાય છે. આ દુનીયા સારી ખરાબ જેવી છે તેવી, પરન્તુ આંખો વડે જ તેની ઝલક પામી શકાય છે. આંખ વીનાનો માણસ એટલે પાંખ વીનાનું પક્ષી. અન્ધાપો કુદરતનો કેવો કારમો અભીશાપ હોય છે તેનો ચપટીક અંદાજ નબળી આંખોવાળાઓને આવી શકે છે. બાકી લાખ પ્રયત્‍ને પણ આપણે અન્ધજનોની વેદનાને સમજી શકીએ એમ નથી. ગાંધારી જીંદગીભર આંખે પાટા બાંધીને ફરે તોય ધૃતરાષ્‍ટ્રનો અન્ધાપો આત્‍મસાત કરી શકે નહીં. કોઈ કવીએ આંખોને દેહનગરીની બે પટરાણીઓ કહી છે. બચુભાઈ કહે છે : ‘એ પટરાણીઓ અકાળે રીસાય ન જાય તે માટે તેને વી.આઈ.પી. ટ્રીટમેન્‍ટ આપવી જોઈએ. કેમ કે ગયેલી શાખ પાછી મળી શકે છે પણ આંખ જીવનમાં એક જ વાર મળે છે. આ પૃથ્‍વીલોકમાં કુદરતની કોઈ રીટેઈલ શોપ તો છે નહીં  કે જ્‍યાં પૈસા ખર્ચતાં શરીરના સ્‍પેરપાર્ટ મળી શકે. બેટરીના બગડેલા બલ્‍બની જેમ બગડેલી આંખો બદલી શકાતી નથી. ડૉ. અશોક શ્રોફ કહે છે : ‘ગયેલી શાખની જવાબદારી હું ન લઈ શકું પણ આંખ તો હવે બદલી શકાય છે. તમને જણાવું કે ટૉર્ચનો બલ્‍બ બદલ્‍યા પછી તુરત પ્રકાશ મેળવી શકાય છે તે રીતે નવી આંખો મુક્‍યાની બીજી જ મીનીટથી દરદી જોતો થઈ જાય છે. એમ કહો કે તરત દાન અને મહાપુણ્‍ય!’ પરન્તુ મને વધુ આશ્ચર્ય ત્‍યારે થયું જ્‍યારે એમણે કહ્યું કે સાવ નબળી આંખોવાળા પણ ચક્ષુદાન કરી શકે. અર્થાત્‌ વધારે નમ્બરવાળા, મોતીયાના કે આંખનાં અન્‍ય ઑપરેશનવાળા તેમ જ ડાયાબીટીશ, દમ, કેન્‍સર વગેરેના રોગીઓ… ત્‍યાં સુધી કે રતાંધળાના દરદીઓ પણ ચક્ષુદાન કરી શકે છે.’

        લો, કરો વાત…!!! અમારા બચુભાઈની ભાષામાં કહું તો આ એવી વાત થઈ કહેવાય કે કડકો કરોડ રુપીયાનું દાન કરી શકે. મેં પુછ્યું : ‘ડૉ. સાહેબ, નબળી આંખોવાળાના ચક્ષુથી બીજાને દૃષ્ટી પ્રાપ્‍ત થઈ શકતી હોય તો તેને પોતાને કેમ ન થઈ શકે?’

        એમણે ફરી ટૉર્ચના બલ્‍બનો દાખલો આપતાં કહ્યું : ‘અમે મૃત વ્‍યક્‍તીની આંખોમાંથી ફક્‍ત કોર્નીયાનો જ ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર ટૉર્ચ અન્‍ય ખરાબીને કારણે ન ચાલતી હોય; પણ તેનો બલ્‍બ સમ્પુર્ણ કાર્યક્ષમ હોતો હોય છે. તેને અન્‍ય બેટરીમાં નાખીએ તો તુરત સળગે છે. આંખનુંય એવું જ હોય છે. આંખની કીકી (કોર્નીયા)નું પડ અપારદર્શક બની જવાથી દેખાતું બંધ થઈ જાય છે. પણ આંખોની અંદરના અવયવો પુરેપુરાં કાર્યક્ષમ હોય છે. એવા કેસમાં માત્ર કોર્નીયા બદલવાથી માણસ દેખતો થઈ શકે છે. મેડીકલ સાયન્‍સની આ શોધ દૃષ્ટીહીનો માટે અત્‍યન્ત આશીર્વાદરુપ છે. આંખ માનવદેહનું અતી મહત્ત્‍વનું અંગ છે. આંખ ન હોય તો કરોડપતીનેય દુનીયાના સઘળા દુઃખો ફીક્કાં લાગે છે. હું તો આંખને સોનાની બે લગડીઓ ગણું છું. માણસ મૃત્‍યુ પામે ત્‍યારે તેના દેહપરથી સોનાના ઘરેણા ઉતારી લેવામાં આવતાં હોય છે. સોના જેવી કીમતી ધાતુ અગ્નીમાં બળીને ખાક થઈ જાય તેનો કોઈ ફાયદો નથી. જે આંખો અન્ધજનોને નવી રોશની આપી શકે તે આંખો તો સોના કરતાંય અતીમુલ્‍યવાન ગણાય. આપણે તેને વ્‍યર્થ બળી જવા દઈએ છીએ. મૃત વ્‍યક્‍તીની સાથે આપણે તેની મીલકત વગેરેનો અગ્નીસંસ્‍કાર નથી કરતા. કેમ કે તે હયાત માણસોને ઉપયોગી હોય છે. આંખો પણ કુદરતે આપેલી બહુ કીમતી મુડી છે. મૃત્‍યુ બાદ જેનો નાશ જ થવાનો છે તેનો જીવતા માણસો માટે સદ્‌ઉપયોગ કરીએ તો તે વીજ્ઞાનચીંધ્‍યુ પુણ્‍ય ગણાય.’

        ડૉક્‍ટરની વાતો સાંભળી મને થ્રીડી (થ્રી- ડાયમેન્‍શીયલ) ફીલ્‍મનું સ્‍મરણ થયું. થોડા વર્ષોપુર્વે થ્રીડી ફીલ્‍મ આવી હતી. તેને ખાસ પ્રકારના ચશ્‍મા વડે જ જોઈ શકાતી. થીયેટરની ટીકીટબારીએથી ટીકીટની સાથે જ દરેકને એવા એક ચશ્‍મા આપવામાં આવતા. ફીલ્‍મ પતે એટલે તે ચશ્‍મા પરત કરી દેવાના રહેતા, જેથી બીજા પ્રેક્ષકો તેનો લાભ લઈ શકે. આ દુનીયા પણ થ્રીડી ફીલ્‍મ જેવી છે. માણસ જન્‍મની ટીકીટ લઈ આ સંસારના સીનેમાહૉલમાં પ્રવેશે છે. કુદરત દરેકને ચશ્‍મા (આંખો) આપે છે. જીન્દગીનો શૉ પતે એટલે તેણે એ ચશ્‍મા અન્‍ય માટે ઉતારી આપવા જોઈએ. શ્રીલંકામાં એવી ધાર્મીક માન્‍યતાઓ છે કે મર્યાબાદ ચક્ષુદાન કરનારને તથાગત્ બુદ્ધની બાજુમાં સ્‍થાન પ્રાપ્‍ત થાય છે. એ કારણે ત્‍યાં એટલી વીપુલ માત્રામાં ચક્ષુદાન થાય છે કે સ્‍થાનીક જરુરીયાત પુર્ણ થયા પછી પણ સાંઠ દેશોમાં ચક્ષુઓની નીકાસ થાય છે. આપણી ધર્મપ્રધાન સંસ્‍કૃતીમાં પણ ચક્ષુદાન અંગે ધર્મનો એવો સુંદર વીનીયોગ થઈ શકે. બચુભાઈ કહે છે : ‘હું મોરારીબાપુ હોઉં તો જાહેરમાં એક પવીત્ર જુઠ બોલી લોકોને સમજાવું કે મૃત્‍યુ બાદ પોતાની બે આંખો દાનમાં આપનાર માણસને બાર લાખ ગાયોનું દાન કર્યા જેટલું પુણ્‍ય મળે છે. સરકાર પણ ચક્ષુદાન કરનારાઓ માટે ઈન્‍કમટૅક્ષમાં અમુક રાહતો જાહેર કરે તો લોકો ધર્મને અવગણીનેય ચક્ષુદાન કરે. બલકે કેટલાંક કરદાતાઓને તો પછી ફક્‍ત બે જ આંખો હોવાનો પણ અફસોસ થાય!’

        આપણા સમાજમાં ચક્ષુદાન અંગે લોકોને ખાસ ઉત્સાહ કેમ જણાતો નથી એવા મારા પ્રશ્નના જવાબમાં ડૉક્‍ટરે ઘણાં કારણો જણાવ્‍યાં. જેમ કે શ્રીલંકાની જેમ આપણે ત્‍યાં ‘ચક્ષુદાન’ માટેનો કોઈ ધાર્મીક આદેશ નથી. સરકાર ભલી ભાવનાથી પ્રેરાઈને એવો કાયદો બનાવે તો લોકોની ધાર્મીક લાગણી દુભાવાનો ભય રહે છે. ઘણાં લોકો એવું માને છે કે આંખો કાઢી લેવામાં આવે તો બીજા જન્‍મે માણસ અન્ધ જન્‍મે છે. અમુક કોમના લોકો કહે છે કે અમારા ધર્મમાં ચક્ષુદાન કરવા પર પાબન્દી છે. આપણે નથી જાણતા સાચું શું હશે; પણ ધર્મ અસ્‍તીત્‍વમાં આવ્‍યો ત્‍યારે ચક્ષુદાનનું સંશોધન થયું ન હતું. એથી ધર્મમાં ચક્ષુદાનના ઉલ્લેખની વાત કેટલી સાચી એ સંશોધનનો વીષય છે. વળી અમારો અનુભવ એવો છે કે જેઓ કહે છે કે અમારો ધર્મ ચક્ષુદાન કરવાની ના પાડે છે તેમને બીજાની આંખ વડે દેખતા થવામાં ધર્મનો કોઈ બાધ નડતો નથી. માત્ર દશ જ મીનીટમાં આંખો કાઢી લઈ અમે ત્‍યાં બનાવટી આંખો ફીટ કરી દઈએ છીએ એથી મૃતદેહ કદરુપો દેખાતો નથી. કોની આંખો કોને મુકવામાં આવી એ માહીતી પણ ગુપ્‍ત રાખવામાં આવે છે. એથી બે અલગ ધર્મના માણસો વચ્‍ચે કોઈ કોમી ભાવના ઉપસ્‍થીત થવાનો પણ ભય રહેતો નથી.

        ચક્ષુદાન મરણોત્તર ક્રીયા જેટલું જ સહજ અને અનીવાર્ય બની રહેવું જોઈએ. ચક્ષુદાન એજ શ્રેષ્‍ઠ શ્રાદ્ધ ગણાવું જોઈએ. ચક્ષુદાન નહીં કરીશું તો સમાજમાં આપણું નાક કપાઈ જશે એવું લોકો માનવા લાગે એટલી હદે ચક્ષુદાન સમાજસ્‍વીકૃત બની રહેવું જોઈએ. ચક્ષુદાનને એટલું પ્રચલીત ત્‍યારે જ કરી શકાય જ્‍યારે લોકોમાં એ વીશે જાગૃતી આવે. લોકો ચક્ષુદાનની ઉપયોગીતા સમજતા થાય એ માટે સરકારે પણ તમામ જાહેર માધ્‍યમો દ્વારા તેનો સતત પ્રચાર કરવો જોઈએ. લાંબે ગાળે એની જરુર સારી અસર થઈ શકે. બાકી આજે તો અન્ધજનોના લાંબા વેઈટીંગ લીસ્‍ટ પડયાં છે. બીજી તરફ કેટલીય જીવંત આંખો રોજ સ્‍મશાનમાં બળીને રાખ થઈ જાય છે. ડૉક્‍ટર અશોક શ્રોફની વેદના વીચારણીય છે. આ દેશમાં એક દીવસમાં લાખો મૃતદેહોને આંખો સમેત બાળી દેવામાં આવે છે. એ રીતે હજારો સુરદાસોના અંધાપા અમર બની જાય છે. ડૉક્‍ટર અશોક શ્રોફના કથન મુજબ માણસની આંખો સાચે જ સોનાની લગડીઓ છે. મૃતદેહને સ્‍મશાને લઈ જતાં પુર્વે એ લગડીઓ પણ ઉતારી લેવાનું ન ભુલાવું જોઈએ. અગ્નીસંસ્‍કાર પહેલાં ચક્ષુસંસ્‍કાર અચુક થવા જોઈએ. આપણા મૃત–સ્‍વજનની આંખો વડે કોઈના જીવનનો અન્ધાપો દુર થઈ શકતો હોય તો મૃતકની એનાથી ઉત્તમ પુણ્‍યસ્‍મૃતી બીજી કઈ હોય શકે? 

– દીનેશ પાંચાલ

લેખકમીત્ર શ્રી. દીનેશ પાંચાલના 35 ચુંટેલા લેખોનો સંગ્રહ ‘સંસારની સીતાર’ (પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ–380 001 (ફોન : (079) 2214 4663  ઈ.મેઈલ : goorjar@yahoo.com)  પહેલી આવૃત્તી : મે 2015,  પૃષ્ઠ સંખ્યા : 12 + 176, મુલ્ય : 110/-)માંથી લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર….

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી–396 445 સેલફોન : 94281 60508 .મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, .મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 13/08/2018

 

 

 

13 Comments

 1. People may be ready and can be convinced also to donate eye after death of their family members. But, our religious belief plays negative role in eye donation awareness.

  Liked by 1 person

 2. Khub saras mahiti Govind bhai, Dinesh Panchal, ane Dr Ashok shroff khub saras jankari mali aabhar farithi aap traney no khub khub aabhar.

  Liked by 1 person

 3. ડૉક્‍ટર અશોક શ્રોફના કથન મુજબ માણસની આંખો સાચે જ સોનાની લગડીઓ છે.

  હકીકતમાં તો માનવ શરીરના અંગો ઍટલે કે અવયવો “સોના ની ખાણ” સમાન છે.

  વાંચો આ બોધકથા:

  ઍક દરિદ્ર માનવી કોઈ સજ્જન પાસે નાણાકિય મદદ માગવા ગયો. સજ્જને તેને કહ્યું કે “મારો ઍક મિત્ર ડોકટર છે, તેને પોતાની પ્રયોગશાળા માટે બે હાથની જરૂરત છે. જો તું તેને તારા બન્ને હાથો આપી દે, તો તે તને દસ લાખ રૂપિયા આપશે”. દરિદ્રે તરત જ સાફ ના પાડી દીધી. સજ્જને પાછુ તેને કહ્યું કે “તે ડોકટરને બે આંખોની પણ જરૂરત છે, જો તું તેને તારી બન્ને આંખો આપી દે, તો તે તને વીસ લાખ રૂપિયા આપશે”. દરિદ્રે ફરીથી ઘસીને ના પાડી દીધી. તેથી સજ્જને કહ્યું કે “ભલા માણસ, તારી પાસે લાખો રૂપિયા ની મિલકત છે, અને તું આવી રીતે ભીખ માગી રહ્યો છે? મહેનત કર અને તારી આ મિલકતને ઉપયોગમાં લે, અને પૈસા પેદા કર.”

  સારાંશ: માનવીના અંગો ઍક સોનાની ખાણ સમાન છે. તેનો સદઉપયોગ માનવી પોતાના મૃત્ય પછી પણ બીજા જરુરમન્દો માટે કરી શકે છે, “અંગદાન થકી”

  Liked by 1 person

 4. આંખના બે રતન, કરીએ સદાય જતન ,
  મૃત્યુ બાદ જ્યારે નકામુ છે તન,
  અગ્નિમાં શું કામ બાળીને કરીએ પતન,
  ચક્ષુદાન થકી રોશન કરીએ આપણું વતન.
  @ રોહિત દરજી ” કર્મ “, હિંમતનગર
  મો.94267 27698

  Liked by 1 person

 5. શ્રી દીનેશ પાંચાલે, ડૉ. અશોક શ્રોફના ગોલ્ડન શબ્દોને સંદર્ભમાં લઇને ચક્ષુદાનનો આ આર્ટીકલ લખ્યો છે જે સમાજસેવા માટે ખૂબ અગત્યનો છે. આવા લેખો જેટલા વઘારે સરક્યુલેશનમા રહે તે જોવું રહ્યું.
  દીનેશભાઇઅે મોરારી બાપુની વાત લખી છે. આમ તો બાપુઓ લોકોને સલાહ આપવાનું કામ… ગીતા કે મહાભારત કે રામાયણના સંદર્ભને લઇને કરતાં હોય છે. દાખલા… દુખલી… ઉમેરતા જાય અને સલાહ આપતા જાય. જેવા તેમના ભાષણો પુરા થાય કે તરત… ‘શ્મશાનવૈરાગ્ય’ ના દિવસો શરુ થાય. તેરા તેલ ગયા… મેરા ખેલ ગયા…. કથામાંથી બહાર નિકળ્યા કે ફરી પાછા ‘ સંસારી…..‘
  ગાયદાન…. જેવી વાત ???
  પરંતું અેક સનાતન સત્ય છે કે…. ‘સલાહ આપવી જેટલી સહેલી છે તે જ સલાહ પોતાના જીવનમાં પાળીને પહેલાં સાબિત કરવું લગભગ અશક્ય છે. ‘મુરારી બાપુને આ સત્યની ખૂબ ખબર છે. સાચુ કહું તો મુરારી બાપુઅે જાહેરમાં પોતે પોતાના અંગદાનનું જાહેરનામું બહાર પાડવું જોઇઅે જેથી કરીને તેમના અનુયાયીઓ પણ તેમને પગલે પોતાના ‘અંગદાન‘ ના જાહેરનામા બહાર પાડે. કેટલું સરળ થઇ જાય ? કથા કરીને લક્ષાઘિપતિ બનનીને જે દાખલો બેસાડે તેને તેમના અનુયાયીઓ ફોલો કરીને કેમ લક્ષાઘિપતિ બનવું તે જ શીખશે. ચાર્જ કરવા વગર તો કથા કેવી રીતે થઇ શકે ?
  સરસ આર્ટીકલ. જેણે આ આર્ટીકલમાંથી શીખામણ લઇને ‘બુઘ્ઘ ‘ બનવુ હોય તે પોતાની જાતને સાચી રીતે તપાસે. સત્યને જુઠના પદડાનીચે છુપાવે નહિ.
  ગોવિંદભાઇ, જેટલાં બને અેટલાં અંગદાન વિષયના લેખો છાપો.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

  1. વહાલા અતુલભાઈ,
   ‘સોનાની બે લગડી’ લેખને ‘RKD-रंग कसुंबल डायरो’ બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
   –ગો. મારુ

   Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s