હું મામાજી નથી, માતાજી છું!

બી. કોમ. સુધીનો અભ્યાસ કરેલી ડીમ્પલના પાંચ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. તે વારંવાર બેહોશ થઈને ઢળી પડતી હતી. તેના પતી હીમ્મતભાઈએ ભુવાજીનું કામકાજ કરતાં કૌટુમ્બીક મામા–માવજીભાઈને તાન્ત્રીક વીધીથી ડીમ્પલને સારી કરવા વીનન્તી કરી. ભુવા–માવજીભાઈએ કેવી તાન્ત્રીક વીધી કરી? સુરતના ‘કુટુમ્બ સલાહ કેન્દ્ર’ તથા રૅશનાલીસ્ટ મધુભાઈ કાકડીયા અને ખીમજીભાઈ કચ્છીડીમ્પલને ન્યાય અપાવવા શું કર્યું? તે જાણવા ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.

હું મામાજી નથી, માતાજી છું!

– રમેશ સવાણી

પતી, સાસુ–સસરા સાથે ડીમ્પલ રહેતી હતી. પાંચ વર્ષ પહેલાં તેના લગ્ન થયા હતા. તેને ચાર વર્ષનો દીકરો હતો. ડીમ્પલનો પરીવાર સુખી હતો. પરીવારમાં શાંતી અને સુમેળ હતો.

2013ની નવરાત્રી દરમીયાન રાત્રે અગીયાર વાગ્યે ડીમ્પલને અકળામણ થવા લાગી. મુંઝારો થવા લાગ્યો. શરીરે પરસેવો વળી ગયો. થોડીવારમાં તે બેહોશ થઈને ઢળી પડી. તેનો સુન્દર ચહેરો વેદનાથી ખરડાઈ ગયો!

હીમ્મતભાઈ તરત જ ડૉકટરને બોલાવી લાવ્યા. ડૉકટરે ડીમ્પલને તપાસી, સારવાર કરી. એક કલાક પછી ડીમ્પલ હોશમાં આવી. પરીવારને હાશકારો થયો.

ડીમ્પલે બી. કોમ. સુધીનો અભ્યાસ કર્યો હતો. ડાયમંડ પોલીશીંગ ઑફીસમાં નોકરી કરતી હતી. વીસ દીવસ બાદ ડીમ્પલ ઑફીસમાં હતી ત્યારે તેને અકળામણ થઈ. તે બેચેન બની ગઈ. રજા લઈને, સ્કુટર ઉપર ઘેર જવા રવાના થઈ; પરન્તુ રસ્તામાં બેહોશ બની ઢળી પડી! લોકો એકઠાં થઈ ગયા. એક મહીલાએ, ડીમ્પલના ફોનથી તેના પતી હીમ્મતભાઈને જાણ કરી. હીમ્મતભાઈ તરત જ સ્થળ ઉપર પહોંચ્યા અને ડીમ્પલને સુચી હૉસ્પીટલમાં લઈ ગયા. ડીમ્પલ કલાક પછી હોશમાં આવી.

ડીમ્પલ અને તેનો પરીવાર ચીંતામાં ડુબી ગયો! ડીમ્પલે પુછ્યું : “હીમ્મત! મને આવું કેમ થાય છે?”

“ડીમ્પલ! તું ચીતા ન કર! સારું થઈ જશે! ડૉકટર સાહેબ ઉપચાર કરશે, એટલે ડરવાની જરુર નથી!”

પંદર દીવસ બાદ, ડીમ્પલ ફરી બેહોશ બની ઢળી પડી! ડૉકટરને બોલાવ્યા અને અડધા કલાક પછી તે હોશમાં આવી! ડીમ્પલની આ વીચીત્ર બીમારીની ચર્ચા સગાસમ્બન્ધીઓમાં થવા લાગી. ડીમ્પલના સાસુએ નજર બાંધી. મરચાનો ધુપ કર્યો; પરન્તુ ડીમ્પલની અકળામણ દુર ન થઈ!

હીમ્મતભાઈએ પોતાના કૌટુમ્બીક મામાને ફોન કર્યો. ભુવાજીનું કામકાજ કરતા હતા. માવજીભાઈ તરત જ ડીમ્પલના ઘેર પહોંચ્યા. ડીમ્પલની પુછપરછ કરી અને કહ્યું : “ડીમ્પલ! ચીંતા કરવાની જરુર નથી. માનસીક કારણ છે! લે આ ભભુતી. પાણીમાં નાખીને પી જા! આ કાળો દોરો તારા બાવડે બાંધું છું. તારો પગ કુંડાળામાં પડી ગયો છે! ઉપાય કરવો પડશે! હમણાં ઑફીસે જતી નહીં. થોડાં દીવસોમાં માતાજી તારા શરીરમાંથી દરદ ખેંચી લેશે!”

ભભુતીયાનું પાણી પીવાથી ડીમ્પલને સરસ ઉંઘ આવી ગઈ! એક દીવસ ભુવાજી માવજીભાઈ ડીમ્પલના ઘેર આવ્યા અને હીમ્મતભાઈને કહ્યું : “ભાણીયા! મારા દીકરાના લગ્ન છે. મારે વીસ દીવસ, વતન રોકાવું પડશે. તું એક કામ કર. દસ દીવસ માટે ડીમ્પલને મુકી જા. લગ્નની તૈયારીમાં મને મદદ કરો અને હું તેની ઉપર નજર પણ રાખી શકીશ! અમુક વીધીઓ કરવાની બાકી છે તે પણ પુરી કરી શકાશે! ભાણા! હવે તારે ડીમ્પલની ચીંતા કરવાની જરુર નથી, એ ચીંતા હવે મારી!”

હીમ્મતભાઈ, ડીમ્પલને માવજીભાઈના ઘેર મુકી ગયા. માવજીભાઈ ધાર્મીક વૃત્તીવાળા હતા. કપાળમાં તીલક કરતા. જમણા હાથના કાંડા ઉપર દસ–પન્દર રક્ષા પોટલીઓ બાંધતા. ગળામાં માળાઓ ધારણ કરતા! ઘરમાં મન્દીર બનાવ્યું હતું. સવાર–સાંજ ધુપ–દીપ થતા. લોકો નડતર દુર કરાવવા માવજીભાઈ પાસે આવતા. ભુવાજી સાત ચોપડી ભણ્યા હતા.

એક દીવસ, ભુવાજીએ ડીમ્પલને મન્દીરમાં બોલાવી. ડીમ્પલે પુછ્યું : “મામાજી! કંઈ કામ છે?”

“ડીમ્પલ! અહીં બેસ. ભભુતીવાળી વીધી કરવી છે!”

ડીમ્પલ ભુવાજી સામે બેઠી. ભુવાજી ડીમ્પલને તાકી રહ્યા. એના ગોરા ચહેરા ઉપર સ્મીત દોડ્યા કરતું હતું. ભુવાજીએ ડીમ્પલના હાથનો સ્પર્શ કર્યો અને કહ્યું : “ડીમ્પલ! તું બહુ શરમાળ છો! શરમ છોડી દે! તને કાયમ હસતી રાખવાની જવાબદારી મારી છે!”

“મામાજી! મને અકળામણ થાય છે! તમે મારા હાથને સ્પર્શ કરો છો, મારા હાથ ઉપર હાથ ફેરવો છો, મને તાકી તાકીને જોયા કરો છો ત્યારે હું ગભરાઈ જાઉં છું!”

“ડીમ્પલ! હું તને તાકી તાકીને જોતો નથી; પણ તને જે વળગાડ વળગેલ છે તેને તાકીતાકીને જોઉં છું! વીધીનો આ એક ભાગ છે! તારા મનમાંથી ગભરાટ કાઢી નાંખ!”

દસ દીવસ પછી, ડીમ્પલ પાછી ફરી. સાતમા દીવસે ડીમ્પલ બેહોશ બની ઢળી પડી! પરીવારના હોશકોશ ઉડી ગયા. હીમ્મતભાઈએ માવજીભાઈને જાણ કરી. માવજીભાઈ બીજા ચાર ભુવાને સાથે લઈને ડીમ્પલના ઘેર પહોંચ્યા. ડીમ્પલની પુછપરછ કરી અને કહ્યું : “ડીમ્પલ! માંડલું વીધી કરવી પડશે!”

“મામાજી! હું સમજી નહીં!”

“ડીમ્પલ! તારી વારંવારની બેહોશીનું કારણ પકડાયું છે! તને તેર પ્રકારના વળગાડ વળગ્યા છે!”

ડીમ્પલ હેબતાઈ ગઈ, અને રડવા લાગી! પરીવારજનો ડીમ્પલને છાની રાખવા પ્રયત્નો કરવા લાગ્યા. માવજીભાઈએ હીમ્મતભાઈને કહ્યું : “ભાણા! ચીંતા કરવાની જરુર નથી! ડીમ્પલને સારું થઈ જશે. માંડલું વીધી થતાં જ તેર પ્રકારના વળગાડ વીદેશમાં નાસી જશે!”

“મામા! તમે વીધી કરો.”

“ભાણા! 16,000/– નો ખર્ચ થશે!”

“મામા! ખર્ચની ચીંતા નથી. ડીમ્પલને સારું થઈ જવું જોઈએ!”

“ભાણા! ડીમ્પલે મન્ત્રેલો દોરો અને માદળીયું પહેરવું પડશે! તેનો ખર્ચ 6,500/– થશે!”

“મામા! ખર્ચ કરતાં ડીમ્પલની જીન્દગી મહત્ત્વની છે!”

ભુવાજીએ માંડલું વીધી કરી. ડીમ્પલને લાગ્યું કે હવે સારું થઈ જશે! ભુવાજી ડીમ્પલને એકાંતરા ફોન કરીને ખબરઅન્તર પુછતા. એક દીવસ ભુવાજીએ પુછ્યું : “ડીમ્પલ! તને હીમ્મત બહુ પ્રેમ કરે છે?”

“મામાજી! તમે આવું કેમ પુછો છો?”

“ડીમ્પલ! તારી સારવાર માટે તને આવા અંગત ઘણા પ્રશ્નો પુછવા પડશે!”

તારીખ 29 માર્ચ, 2015ને રવીવાર. બપોરના બે વાગ્યા હતા. ડીમ્પલના મૉબાઈલ ફોનની રીંગ વાગી. ભુવાજીનો ફોન હતો. ડીમ્પલે ફોન ઉપાડ્યો અને કહ્યું : “હા, મામાજી! બોલો.”

“ડીમ્પલ! તું તરત જ મારા ઘેર આવી જા! ધ્યાન રાખજે, કોઈને જાણ કરતી નહીં. જાણ કરીશ તો વીધી નીષ્ફળ જશે!”

ડીમ્પલ તરત જ રવાના થઈ અને મામાજીના ઘેર પહોંચી. ઘરમાં મામાજી એકલા જ હતા. ડીમ્પલે પુછ્યું : “મામાજી! પરીવારના માણસો ક્યાં ગયા છે?”

“ડીમ્પલ! બહાર ગયા છે! વીધી માટે એકાંત જોઈએ. એટલે તને તાબડતોબ બોલાવી છે! તું શરમાઈ કેમ ગઈ છો?”

“મામાજી! હું શરમાતી નથી, પણ ગભરાઈ ગઈ છું!”

“ડીમ્પલ! તું ગભરાઈ જઈશ તો વીધી નીષ્ફળ જશે! ચીંતા છોડી દે! શંકા કે સંકોચ રાખ્યા વીના વીધી કરવાની છે!”

“મામાજી! તમારી વીધી કેવી હશે, એ કહો.”

“ડીમ્પલ! તારા રુપ ઉપર તેર જેટલા રાક્ષસોની નજર પડી છે! તારી બીમારીનું કારણ આ છે! તારે બીમારીમાંથી છુટવું હોય તો હું જે કહું તે તારે રાજી થઈને કરવું પડશે!”

ભુવાજીએ બારણું બંધ કર્યું. ડીમ્પલે વીરોધ કર્યો. ભુવાજીએ કહ્યું : “ડીમ્પલ! તું શા માટે ચીંતા કરે છે? હું જે કંઈ કરું તે તારા માટે જ કરું છું! તેમાં મને કોઈ લાભ થવાનો નથી! આ વીધી ગુપ્ત છે! તારા પતીને કે તારા પરીવારને તારે કંઈ જ કહેવાનું નથી. જો તું કોઈને જાણ કરીશ તો તારા આખા પરીવારનો તરત જ નાશ થઈ જશે!”

“મામાજી! તમારે જે વીધી કરવી હોય તે કરો. પણ તમે મારા મામાજી છો, એ ભુલતા નહીં!”

“ડીમ્પલ! તારી ગેરસમજ છે! હાલે હું તારો મામાજી નથી, પણ માતાજી છું!”

ડીમ્પલની અકળામણ વધી ગઈ. તે બેહોશ બની ઢળી પડી! ભુવાજીએ વીધી શરુ કરી. થોડીવારે ડીમ્પલ હોશમાં આવી. ભુવાજીએ કહ્યું : “ડીમ્પલ! આ ઘટના ફકત ને ફકત તારા શરીરના શુધ્ધીકરણ માટે માતાજી દ્વારા ઘટીત થઈ છે!”

ડીમ્પલ આઘાત પામી ગઈ. એનો જીવ નીચોવાઈ ગયો હતો! તે માંડ માંડ ઘેર પહોંચી. તે સુન–મુન થઈ ગઈ. તેણે ખાવાનું છોડી દીધું. હીમ્મતભાઈ ડીમ્પલને ડૉકટર પાસે લઈ ગયા. છતાં ફેર પડ્યો નહીં. ડીમ્પલના પરીવારજનોએ ધરપત આપી, ડીમ્પલને હુંફ આપી, ત્યારે ડીમ્પલે અધમ શોષણની આખી ઘટના વર્ણવી.

હીમ્મતભાઈ અને ડીમ્પલે ‘કુટુમ્બ સલાહ કેન્દ્ર’, સુરતના રેણુકાબેન શાહ અને ગીતાબેન શ્રોફનો સમ્પર્ક કર્યો. તેમણે શોષણ સામે લડવાનો જુસ્સો પુરો પાડ્યો. સુરતની ‘સત્યશોધક સભા’ના મધુભાઈ કાકડીયા અને રૅશનાલીસ્ટ ખીમજીભાઈ કચ્છીએ ન્યાય મેળવવા સક્રીય ટેકો આપ્યો.

ડીમ્પલની પડખે ઉભેલાઓને શંકા હતી. તેમણે પુછ્યું : “ડીમ્પલ! આવી ઘટનાઓમાં ભોગ બનનાર પાછળથી કોર્ટમાં ફરી જાય છે. તું તારી ફરીયાદને વળગી રહીશને?”

“મરી જઈશ, પણ ફરીશ નહીં! મને બદનામીનો ડર નથી. હવે કોઈ ડર મને સ્પર્શે તેમ નથી! મારા માટે જ નહીં, પણ રોજે કેટલીય મહીલાઓ આવા અધમ શોષણનો ભોગ બનતી હશે, તે રોકવાના હેતુથી મારે ફરીયાદ કરવી છે!”

મધુભાઈ કાકડીયા અને ખીમજીભાઈ કચ્છીએ તારીખ 18 એપ્રીલ, 2015ના રોજ ભુવાજીને પકડ્યો! ભુવાજીએ પુછ્યું : “તમારી પાસે પુરાવા છે? ડીમ્પલ ખોટું બોલે છે! ડીમ્પલને સામે બેસાડો!”

ભુવાજીને ડીમ્પલ સમક્ષ રજુ કર્યો, ભુવાજી ડીમ્પલના પગે પડી ગયો અને આજીજી કરવા લાગ્યો : “કહો તેટલા રુપીયા આપું! કહો તેટલો ધર્માદો કરું! મને માફ કરો!”

મધુભાઈ અને ખીમજીભાઈ ભુવાજીને કતારગામ પોલીસ ઈન્સ્પેક્ટર પી. કે. દીયોરાને સોંપ્યો, ત્યારે ભુવાજીએ કહ્યું : ખીમજીભાઈ! મધુભાઈ! મને છોડાવો!”

ખીમજીભાઈએ કહ્યું : “ભુવાજી! તારા શરીરમાં માતાજી છે, એને કહે. છોડાવશે!”

કોઈ માની ન શકે; પણ ભુવાજી માવજીભાઈ બીજે દીવસે કતારગામ પોલીસ સ્ટેશનમાંથી મુક્ત થઈ ગયો હતો! સૌને આશ્ચર્ય થયું! એવો અધમ ગુનો કે જેમાં કોર્ટ પણ સમાધાન ન કરાવી શકે, તેવા ગુનામાં સમાજના અગ્રણીઓએ ભીનું સંકેલી લીધું હતું! અધમ શોષણની ઘટના સાથે જ બળજબરી થઈ હતી! ફાયદો ગુનેગારને મળ્યો હતો! સવાલ એ છે કે ડીમ્પલ અને તેના જેવી અનેક મહીલાઓના જીવ નીચોવાતા જ રહેશે?

(પીડીતાનું નામ કાલ્પનીક છે)

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’ (10, ઓગસ્ટ, 2016)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, ઈ.મેઈલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર સોમવારે અને શુક્રવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ,   ઈ.મેઈલ :govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 24–08–2018

14 Comments

  1. It is a good true story which can inspire other people. Those people who exploit others should be punished severely.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Liked by 1 person

  2. નમસ્તે ગોવિંદભાઇ તથા રમેશભાઇ, મારા સમજવા પ્રમાણે આપણે ત્યા શારીરિક રોગોના નિવારણનું વિજ્ઞાન છે પણ માનસિક રોગોનું બહુ અજ્ઞાન છે. શરીરની માફક મન પણ બિમાર પડી શકે કે થાકી જાય એ આપણને સમજાતું નથી. ભલે ગીતામાં કહ્યું હોય કે મન એ જ મોક્ષ કે બંધનું કારણ છે. એટલે આ માનસીક રોગોના નિરાકરણનું શાસ્ત્ર પ્રાચીન સમયથી માંડી આજતક વિકસ્યુ નથી. કોઇ પણ વ્યકિત સમાજમાન્ય ધારાથી અલગ વર્તન કરે એટલે એ ધુની, તરંગી ને છેવટે ગાંડામાં ખપી જાય. બીજુ આપણે દુનિયાના ધણા સમાજની સરખામણીમાં વધારે સામાજિક હોવા છતા વિચારોની અભિવ્યકિતમાં નિખાલસ નથી. આપણે રામના ઘરની રામાયણ કે પાંડવો ને કૌરવનુ મહાભારત કરીએ પણ આપણી વ્યકિતગત સમસ્યાઓ છુપાવીએ છીએ. કારણ એમાં આબરુનું આવરણ છે. આપણા ઘરમાં આપણે વડીલો સામે આપણા મનભેદ કે મતભેદ વ્યક્ત કરતા ડરીએ. વિવેકના ઓઠા નીચે. સ્કુલમાં શિક્ષકો, ધર્મગુરુ કે નેતા આગળ હાજીયો પુરાવીએ છીએ. બહેનો દિકરીઓને તો ખાસ સહનશીલતાના નામે પોતાનો માનસિક સંતાપ કે સમસ્યા સંતાડવાની તાલિમ બચપણથી જ અપાય છે. પરિણામ એ આવે કે પાણી માથા ઉપરવટ થઇ જાય ત્યારે આવા ગાંડપણના ઓઠા નીચે બહાર આવે. એવે સમયે એને માનસશાસ્ત્રની જરુર હોય,કોઇ ભુવાની નહિ, પણ સમજે કોણ?વળી એકવાર પાગલની છાપ પડી જાય પછી સમાજ એને એજ નજરે જુએ એટલે આવા રોગો છુપાવી રાખવામાં આવે. આવી વિચારસરણીનો લાભ આવા દંભી લોકો લે.

    Liked by 1 person

  3. I fully agree with Vimla Hirpara’s comments and views. We live very double standard life.

    We should allow our children to express their views in a decent way. We should be honest in our daily life.

    Thanks,
    Pradeep H.Desai
    USA

    Liked by 1 person

  4. ધર્મ (કે અધર્મ) ના નામે જાતિય શોષણ તે આનુ નામ. મુસ્લિમ ધર્મમાં પણ બની બેઠેલા પીરો અને આમીલો (તાંત્રિકો) પણ આવું કામ કરતાં શરમાતા નથી. આ કુકર્મો અંધ્ધશ્રદ્ધાના કારણે જ થાય છે. પ્રજા માં જાગૃતિ ની જરૂરત છે.

    Liked by 1 person

  5. આ ડિમપલ બેન બહુ ભોળી કહેવાય, આટલો બધો વિશ્વાસ કોઈના ઉપર ન મુકાય
    છેલ્લે હિંમત બતાવી તે સારું કર્યું
    આવા નરાધમોને તો જાહેરમાં ફટકારવા જોઈએ

    Liked by 2 people

  6. આવા બનાવો સમાજમાં વારંવાર બનતા રહે છે. પરન્તુ આ ઘટનામાં જોયું તેમ સામાજિક રીતે ભીનું સંકેલાઈ જાય ત્યારે ગુનેગારોની હિંમત વધતી જાત છે.

    Liked by 1 person

    1. બહુ જ સાચી વાત, પરમાર સાહેબ,
      સ્ત્રીઓ એ હિંમત કેળવવાની બહુ જરૂર છે,
      તો જ આવા નરાધમોને પાઠ શીખવા મળશે
      એકાદ બે છુટા છવાયા કેઇસ સાંભળવા મળે ત્યારે
      બહુ આનંદ થાય છે
      પરિસ્થિતિ ઘણી સુધરતી જાય છે

      Liked by 1 person

  7. મને તો એ સમજાયું નહીં કે કેવી રીતે અથવા શી રીતે “સમાજના અગ્રણીઓએ ભીનું સંકેલી લીધું હતું!” ? અગ્રણીઓ કોણ હશે? ડીમ્પલબેનનો પરીવાર એમાં કશું નહીં કરી શક્યો?!!
    એકવાર પોલીસમાં ફરીયાદ ગયા પછી ગંભીર ગુનો હોય તો પણ સમાજના અગ્રણીઓના કહેવાથી પોલીસ ગુનેગારને છોડી દઈ શકે? કે ડીમ્પલબેનના પરીવાર પર દબાણ આવવાથી એ લોકોએ કેસ પાછો ખેંચી લીધો હશે?

    Liked by 2 people

    1. આપની ટિપ્પણી સાથે સહમત.
      વ્યક્તિ ઉપર સમાજનું દબાણ કામ કરે છે. પણ અહીં પોલીસે ભીનું સકેલવામાં મદદ કરી તે ચિંતાની બાબત છે, જે અંગે પૃષ્ઠ મર્યાદાને કારણે ઇશારો કર્યો છે. વાચક આગળનું વિચારતો થાય તે હેતુ છે.
      દર વખતે આપના તરફથી ઉષ્માસભર પ્રતિભાવ મળે છે.
      ખૂબ ખૂબ આભાર.
      -રમેશ સવાણી

      Liked by 1 person

      1. આ કિસ્સામાં દરેક સત્ય શોધક સભાના સભ્ય ઑઍ સાથ સહકાર આપવો જોઇએ

        Liked by 1 person

  8. ડીમ્પલને સિઝર આવતું હશે. એપીલેપ્સી જેવું વાલ્પારીન જેવી દવાથી મટી જાય. ન્યુરોલોજિસ્ટને બતાવવું પડે. બ્રેનની અંદર ન્યુરોટ્રાન્સમિટર જે ન્યુરો કેમિકલ હોય છે તેનું ઈમ્બ્લેન્સ થતા આવા રોગ થતા હોય છે. સવાણી સાહેબને ધન્યવાદ.

    Liked by 1 person

  9. આખા અેપીસોડમાં છેલ્લો પેરેગ્રાફ સૌથી વઘુ અગત્યનો છે. આખી વાતમાં ડીમ્પલ અને તેનો હસબન્ડ મુરખ તરીકે જાહેર થાય છે. ભગત, ભૂઆઓને માની લઇને નિસ્ફળ પરિણામો છતાં અક્કલ નહિ મેળવતા બન્ને મુરખ છે. બીજું ડોક્ટરો મુરખ છે. તેઓ જો ડીમ્પલના રોગને સમજી ના શક્યા હોય તો તેઓ ડોક્ટર નથી. તેઓમાંથી અેકે તો રોગની વઘુ જાણ માટે વઘુ પગલાં લેવા જોઇતાં હતાં. હોસ્પીટલમાં વઘુ નિદાન માટે મોકલવી જોઇતી હતી.૨૦૧૮ની સાલમાં પ્રેક્ટીસ કરતાં ડોક્ટરો અને આજ વરસોમાં જીવતાં સ્કુટર ચલાવનાર ડીમ્પલ અને તેનો હસબન્ડ ???? અને સૌથી વઘુ મોટા ગુનેગારો….સમાજના કહેવાતા લીડરો અને પોલીસ ડીપાર્ટમેંટ. ગુનો કબુલ કરનાર ભૂઆને છોડી દીઘો. ગુનેગારો અને મુરખોના આ મેળામાં બાપુ ભૂપેન્દ્રસિંહજીના વિજ્ઞાની જ્ઞાનને કોણ સમજવાનું છે ? સમજીને પણ આંખમીચામણા કરનારને કોણ બચાવી શકે ? આ સાચી ઘટનામાં કોઇ પણ દયાને પાત્ર નથી. ખાસ કરીને ભોગ બનનાર ડીમ્પલ. ભૂઆ, ભગત, સાઘુડા, ગુરુઓ (?), તો હોશીયાર લુચ્ચા ઠગો છે. તેઓ તો પોતાનો લાભ જ જૂઅે છે. માખી જાતે જાળમાં ફસાવા જાય તો જાળ શું કરે? સત્ય શોઘક સંસ્થાના કાર્યકરોની શું માનસિક હાલત થઇ હશે જ્યારે તેમણે જાણયુ કે ‘મામાજી ઉર્ફે માતાજીને ગુનાની કબુલાત છતાં છોડી મુક્યો છે. ? ઘણી વખત મુરખોને સાથ દેવાના પણ ભોગ દેવા પડતા હોય છે. મારે મતે ડીમ્પલ કોઇ પ્રકારની દયાને પાત્ર નથી. ઠોકર ખાઇને શીખવાવાળાઓમાં તેની ગણત્રી થવી જોઇઅે.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a comment