લીવરનો ત્રણ મહીનામાં સમ્પુર્ણ વીકાસ

શરીરનું ખુબ જ અગત્યનું અંગ લીવર કયા કારણસર ખરાબ થઈ જાય? લીવર બગડી જાય અને કામ ન કરે તેને શું કહેવાય? લીવર ટ્રાન્સપ્લાન્ટ ક્યારે કરવું જોઈએ? લીવરને લગતાં રોગોનાં દર્દીઓને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબનું અદ્યતન લીવર ટ્રાન્સપ્લાન્ટ કલીનીક ક્યાં છે? લીવરનારોગથી પીડાતા દર્દીને 75 ટકા સુધીનું લીવર દાન કરનાર દાતાનું લીવર સમ્પુર્ણ કાર્યક્ષમ ક્યારે બને? આ તેમ જ અન્ય પ્રશ્નોની વૈજ્ઞાનીક જાણકારી માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.

લીવરનો ત્રણ મહીનામાં સમ્પુર્ણ વીકાસ

લીવરનારોગથી પીડાતા દર્દીને 75 ટકા સુધીનું લીવર દાન આપવામાં આવે તો પણ દાન આપનાર વ્યક્તીનું લીવર ફરીથી વીકાસ થઈ નોર્મલ કાર્ય કરી શકે છે. માત્ર 3 મહીનામાં દાન આપનાર વ્યક્તીનું લીવર સમ્પુર્ણ રીતે કાર્ય કરવા સક્ષમ બની જાય છે. રક્તદાનથી જેમ શરીરની કાર્યક્ષમતામાં ખાસ કોઈ ફેર પડતો નથી, તેમ લીવરના દાનથી શરીરની કાર્યક્ષમતાને કોઈ અસર થતી નથી. માત્ર ઑપરેશન અને એનેસ્થેશીયામાં જે જોખમ રહેલું હોય તેટલું જોખમ લીવરદાન કરનાર વ્યકીત માટે હોય છે તેમ મુમ્બઈની કોકીલાબહેન અંબાણી હૉસ્પીટલના લીવર ટ્રાન્સપ્લાન્ટ તબીબોએ માર્ગદર્શન આપ્યું હતું.

લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. વીભા વર્મા અને કન્સ્લ્ટન્ટ હીપેટોલૉજીસ્ટ ડૉ. ગૌરવ મહેતાએ લીવર ટ્રાન્સપ્લાન્ટની આધુનીક શસ્ત્રક્રીયા વીશે જણાવ્યું હતું કે લીવરની કાર્યશક્તી બંધ થવાથી કીડની, મગજ અને હૃદયની કાર્યક્ષમતા પર પણ માઠી અસર થાય છે. સમયસર લીવર ટ્રાન્સપ્લાન્ટ ન કરવામાં આવે તો દર્દીનું મૃત્યુ થઈ શકે છે. કમળાનાં દર્દી, દારુના સેવનથી, ખેંચ–ટીબી જેવા રોગોની દવાઓના સેવનથી તેમ જ અમુક જન્મજાત રંગસુત્રોની બીમારીથી લીવર ફેલ થવાની શક્યતા રહે છે.

18 થી 60 વર્ષની તન્દુરસ્ત વ્યક્તી તેમ જ કુટુમ્બીજન સ્વેચ્છાએ લીવર દાન કરી શકે છે. હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના નીયમ મુજબ ઓથોરાઈઝેશન કમીટી દ્વારા કાયદેસર માન્યતા મેળવેલ વ્યક્તી લીવરનું દાન કરી શકે છે.

લીવરના ટ્રાન્સપ્લાન્ટ અંગે ડૉ. અતુલ શાહ અને ડૉ. પરેશ મજમુદારે જણાવ્યું હતું કે વડોદરામાં દર વર્ષે 8 થી 10 દર્દી લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે. લીવર ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ રુા. 25 લાખ સુધીનો થતો હોય છે. ચેન્નાઈ, દીલ્હી અને મુમ્બઈમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ થાય છે, વડોદરા કે ગુજરાતમાં હજુ સર્જરી થતી નથી. પગે સોજા આવે, પેટમાં પાણી ભરાય તો તે લેવલથી દવા શરુ કરી દેવી જેથી લીવર ટ્રાન્સપ્લાન્ટની સ્થીતી ન ઉભી થાય.

લીવર ફેલ થતાં કીડની, મગજ અને હૃદયની કાર્યક્ષમતા પર માઠી અસર :

લીવર સર્જરી અંગેની ચોથી કૉન્ફરન્સ ‘લીવર અપડેટ–2012’ના ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી અને સ્ટર્લીંગ હૉસ્પીટલ, અમદાવાદનાં એચપીબી અને લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગામ ડીવીઝનનાં ચીફ ડૉ. હીતેશ ચાવડાએ જણાવ્યું હતું કે, ‘છેલ્લાં એક દાયકામાં આંતરડાનું કેન્સર ચોથા સ્ટેજના લીવર કેન્સરમાં પરીણમતું જોવા મળી રહ્યું છે. જેનાં ઉપચારમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. એટલું જ નહીં, આંતરડાથી ચોથા સ્ટેજનાં લીવર કેન્સરનાં 15થી 20 ટકા દર્દીની બીમારી હવે ક્યોર કરી શકાય છે. જેમાં કેટલીક કમ્બાઈન્ડ થેરાપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં ઓન્કોલૉજીસ્ટ, રેડીયોલૉજીસ્ટ અને સર્જન સાથે મળીને દર્દીને કીમો થેરાપી, રેડીયો થેરાપી અને સર્જરીની પધ્ધતી નક્કી કરે છે. જેથી દર્દીને ઝડપથી લાભ થાય છે.

સ્ટર્લીંગ હૉસ્પીટલના કોર્પોરેટ હેડ તથા મેડીકલ સર્વીસીસ અને કવૉલીટીના ડૉ. નીખીલ લાલાએ જણાવ્યું હતું કે, દેશમાં જ્યારે લીવરનાં કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે એક જ સ્થળે લીવરને લગતાં રોગોની સઘન અને ઘનીષ્ઠ સારવારની વ્યવસ્થા ઉભી થાય તે આવશ્યક છે. તેમ જ આવાં દર્દીઓને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ અસરકારક સારવાર માટે અમે સ્ટર્લીંગ હૉસ્પીટલમાં ખાસ આ પ્રકારનાં રોગોની સારવાર માટે શ્રેષ્ઠ અને અદ્યતન લીવર ટ્રાન્સપ્લાન્ટ યુનીટ તથા જીઆઈ ફજીશીયન અને સર્જનનું પીઠબળ ધરાવતું લીવર કલીનીક અને ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કર્યું છે. [‘ડોનેટ લાઈફ’, સુરત જેવી સ્વૈચ્છીક સંસ્થાઓએ દાનમાં મેળવેલ કીડની, લીવર અને પેન્ક્રીઆસ અમદાવાદની ઈન્સ્ટીટ્યુટ ઑફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર(IKDRC) જેવી સરકારી સંસ્થાને સુપ્રત કરી, તેમાં જ તેનું ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે. એ જ રીતે દાનમાં મેળવેલ હૃદય અમદાવાદની કેર ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડીકલ સાયન્સ(CIMS)ને સુપ્રત કરી, તેમાં જ તેનું ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે.]

કેડેવર(cadaver) લીવર ટ્રાન્સપ્લાન્ટ :

શરીરનું ખુબ જ અગત્યનું અંગ લીવર કોઈ કારણસર ખરાબ થઈ જાય, બગડી જાય તો તેને લીવર સીરોસીસ કહેવાય. લીવર અગત્યનાં કામ ના કરી શકે તે પરીસ્થીતીને પણ લીવર સીરોસીસ કહેવાય.

લીવરની રચના અને સ્થાન :

કાળા ભુખરા રંગનું લીવર (યકૃત) પેટની જમણી બાજુના ઉપરના ભાગમાં રહેલું છે. તેનો મોટો ભાગ પાંસળીઓની નીચે છે. ત્રણ રતલ જેટલું તેનું વજન છે. તેના બે ભાગ છે. 1. જમણો (રાઈટ લૉબી) 2. ડાબો (લેફ્ટ લૉબી). તેની મુખ્ય લોહીની નળી ‘હીપેટીક આર્ટરી’ અને ‘પોર્ટલવેઈન’ મારફતે લીવરને લોહી મળે છે અને ‘હીપેટીક વેઈન’ મારફતે લોહી ચોખ્ખું થવા ફેફસામાં જાય છે. આર્ટરી મારફતે લીવરને ઑક્સીજન મળે છે જ્યારે પોર્ટલ વેઈન મારફતે આંતરડામાંથી પૌષ્ટીક તત્ત્વો લીવરમાં જાય છે. લીવરની રચના કરોડ જેટલી સંખ્યાના ઝીણા એક જ પ્રકારના કોષથી થયેલી છે. લીવરના કોષ જન્મથી મૃત્યુ સુધી કામ કરે છે. નવા નવા સતત બનતા રહે છે. હૃદય અને મગજના કોષ નાશ પામે તો ફરી બને નહીં; પણ આખા શરીરમાં એક જ એવું અદ્ભુત અંગ છે જેના કોષ નવા બને છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ (લીવર બદલવાની ક્રીયા) આ કારણથી જ સરળ છે. ડૉનરનું લીવર અર્ઘું કાપીને જેનું લીવર રોગથી નાશ પામ્યું હોય તેને (રીસીપીઅન્ટ–લેનાર) આપી શકાય છે. લીવર અદ્ભુત છે. તેની કામગીરી પણ અદ્ભુત છે. લીવરમાં શરીરમાં ફરતા લોહીનો તેરમો ભાગ હોય છે. લીવરના બન્ને ભાગ રાઈટ અને લેફ્ટ લૉબીમાં ઝીણી ઝીણી બાઈલ લઈ જનારી નળીઓનું ઝુમખું (બીલીઅરી ટ્રી) હોય છે જેની મારફતે બાઈલ (પીત્ત) જે લીવરના કોષમાં ઉત્પન્ન થયું હોય છે તે નાના આંતરડાના પહેલાં ભાગ ડીઓડીનમમાં બાઈલડક્ટ મારફતે જાય છે. ખોરાકમાં લીધેલા ચરબીવાળા પદાર્થોનું પાચન કરવા માટે બાઈલની જરુર પડે છે.

લીવર શરીરની મોટી કેમીકલ ફેક્ટરી ગણાય છે. તેના 500 જેટલા કામ છે, જેમાં :

  1. શક્તીનો સંગ્રહ કરવો.
  2. સ્નાયુ બનાવવામાં મદદ કરવી.
  3. શરીરમાં કોઈપણ ઠેકાણે વાગ્યું હોય તો લોહી નીકળતું હોય તેને બંધ કરવાનું કામ.
  4. શરીરમાં દાખલ થયેલા જંતુઓનો નાશ કરવાનું કામ, જેથી શરીર તન્દુરસ્ત રહે.
  5. પીત્ત એટલે કે ‘બાઈલ’ ઉત્પન્ન કરવાનું કામ જેનાથી ચરબીની પાચનક્રીયામાં મદદ મળે.
  6. દુષીત પદાર્થો જે શરીરમાં પેસી ગયા હોય તેનો નાશ કરવાનું કામ.
  7. ખોરાક–પાણી વાટે જે કોઈ ઝેરી પદાર્થો શરીરમાં દાખલ થયા હોય તેનાથી શરીરનું રક્ષણ કરવાનું કામ.
  8. ખોરાક વાટે લીધેલા પદાર્થોમાંથી શરીરને જરુરી ભાગ લઈ લઈને નકામો ભાગ શરીરમાંથી બહાર કાઢવા. આંતરડાં તેમજ કીડનીને સોંપી દેવાનું કામ – આવાં અગત્યના કામ લીવર કરે છે. મોટા ભાગના કામ પોષક તત્ત્વો લેવાનાં, તેનો સંગ્રહ કરવાનાં અને જરુર પડે ત્યારે વહેંચવાનું કામ લીવર કરે છે.
  9. શરીરમાં લીધેલાં અને આંતરડામાંથી લીવરમાં પહોંચેલા ખોરાકનાં અગત્યના ઘટકો–પ્રોટીન–કાર્બોહાઈડ્રેટ અને ચરબીનાં વીભાજનનું કામ પણ લીવર કરે છે.
  10. ફેટ સોલ્યુબલ વીટામીન–એ, વીટામીન–ડી, વીટામીન–ઈ અને વીટામીન–કે આ ચાર વીટામીનનો સંગ્રહ કરવાનું કામ પણ લીવર કરે છે.
  11. શરીરની વૃઘ્ધી માટે જરુરી એમીનો એસીડ પ્રોટીનમાંથી બનાવે છે.

આમ જોવા જઈએ તો, અનેક કાર્ય કરનારું લીવર શરીરનો એટલો અગત્યનો અવયવ છે કે જો એને તકલીફ પડે તો શરીરમાં કોઈ બાબતનું ઠેકાણું રહે નહીં. ‘જેનું લીવર બગડ્યું એનું જીવન બગડ્યું’ એ વાત સો ટકા સાચી છે એટલે જ લીવર સીરોસીસ ખરાબમાં ખરાબ રોગ ગણાય છે.

લીવર સીરોસીસ થવાનાં કારણો :

  1. દારુ ખુબ પ્રમાણમાં પીવાની ટેવ.
  2. લીવરનો હીપેટાઈટીસ એટલે કે વાયરસ – હીપેટાઈટીસ–બી, હીપેટાઈટીસ–સી અને હીપેટાઈટીસ–ડીના ચેપને લીધે આવેલો લીવરનો સોજો પણ કારણભુત છે.
  3. કોઈક વાર ‘ઈમ્યુન સીસ્ટમ’માં ગરબડ થાય ત્યારે શરીરને મદદ કરવાને બદલે ‘ઈમ્યુન સીસ્ટમ’ ઉલટું કામ કરે ત્યારે લીવરને તકલીફ થાય.
  4. વારસાગત રોગોમાં ‘ગ્લાયકોજન સ્ટોરેજ ડીસીઝ’, ‘ગ્લેક્ટો સેમીઆ’, ‘ફ્રેક્ટોઝ ઈન્ટોલરન્સ’, ‘ટાયરો એનીમીઆ’ વગેરે. એન.એ.એસ.એચ.(નેશ) નોન આલ્કોહોલીક ફટેટો હીપેટાઈટીસ જે ડાયાબીટીસ, વધારે વજન હાર્ટ ડીસીઝ અને સ્ટીરોઈડ વધારે લીધા હોય ત્યારે સીરોસીસ થાય.
  5. ઝેરી પદાર્થો જેવા કે આર્સેનીક અને આઈસોનીઆઝાઈડ અને મીથોટ્રેક્ષેટ જેવી દવાઓ લેવાને કારણે થાય.
  6. ચેપી રોગો જેવા કે બુસેલોક્ષીસને કારણે થાય.
  7. હાર્ટ ફેલ્યોર. આટલા મુખ્ય કારણો ગણાય.

લીવર સીરોસીસના લક્ષણો કયા?

શરુઆતમાં કોઈ લક્ષણો હોય નહીં પછી 1. થાક લાગે 2. ભુખ જતી રહે. 3. પેટ ઉપર સોજો આવે. દુખાવો થાય 4. ઉબકા અને ઉલટી આવે. 5. વજન ઓછું થાય. 6. ખુબ નબળાઈ લાગે 7. પુરુષોમાં સ્તન મોટા થાય. જેમ જેમ સીરોસીસ એટલે કે લીવર ખરાબ થવાની ક્રીયા વધવા માંડે ત્યારે 8. પેશાબનો અને ચામડીનો રંગ પીળો થવા માંડે. 9. હથેળીની ચામડી લાલ થઈ જાય. 10. વાળ ઓછા થવા માંડે. 11. પુરુષોમાં ટેસ્ટીસ (ઈન્દ્રીયની નીચેની ગોળીઓ) નાની થઈ જાય. 12. લીવર મોટું થાય અને તેને લીધે પેટનો જમણો ઉપરનો ભાગ ઉપસેલો લાગે. 13. બરોળ (સ્પ્લીન) મોટી થાય. 14. પેટ ઉપર ઝીણી લોહીની નળીઓ ડુંટીની આજુબાજુ કરોળીઆના જાળા જેવી દેખાય. 15. પેશાબનો રંગ કાળો થાય. 15. શરીરમાં પાણીનો ભરાવો થાય જેથી પગ ઉપર અને પેટ ઉપર સોજા આવે. 17. કંઈ પણ વાગે તો ખુબ લોહી નીકળે. ચાઠા પડે. 18. લોહીની ઉલટી થાય. 19. શરીર ઉપર ખુબ ખંજવાળ આવે. 20. માસીકધર્મના પ્રૉબ્લેમ થાય. 21. પેટમાં (આંતરડામાં) ચેપ લાગે 22. યાદશક્તી ઓછી થાય. 23. ગભરામણ થાય. 24. શરીર ધ્રુજે. 25. બેભાન થઈ જાય. 26. દવાની અસર ના થાય. 27. લોહીની નળીઓ (વેઈન) સુજી જાય (વેરીકોસીટી). 28. લીવરનું કેન્સર થાય. 29. હાડકા પોલાં થાય. 30. પીત્તાશયમાં પથરી થાય. 31. હૃદયના ધબકારા વધી જાય. 32. ઉંઘ ના આવે. 33. પેટમાં ચાંદા પડે. 34. શ્વાસની તકલીફ થાય. 35. ડાયાબીટીસ થાય.

લીવર સીરોસીસની કોઈ સારવાર નથી, આમ છતાં આટલી બાબતનું ઘ્યાન રાખવું જોઈએ :

  1. કારણો ઉપર કાબુ રાખવા પ્રયત્ન કરો.
  2. જે કાંઈ તકલીફ હોય એનો લક્ષણો પ્રમાણે ઉપચાર કરો.
  3. જે કાંઈ મેડીકલ તકલીફ હોય એની સારવાર કરો.

() હીપેટાઈટીસની સારવાર કરો. (બી) શરીરમાં જેટલા દુષીત પદાર્થો જતા હોય તેના ઉપર કંટ્રોલ કરો. (સી) લોહીની નળીઓ તુટી ના જાય એનું ઘ્યાન રાખો. (ડી) ચેપી રોગ થાય નહીં તેનું ઘ્યાન રાખો. () શરીરમાં પાણી ભરાય નહીં એનું ઘ્યાન રાખો.

  1. છેલ્લો ઉપાય લીવર ટ્રાન્સપ્લાન્ટ છે. જો કોઈ મેડીકલ સારવાર કામ ના આવે અથવા લીવર બીલકુલ ના કામ કરે ત્યારે આ છેલ્લો ઉપાય અમલમાં મુકવો જોઈએ. આ ક્રીયા હવે જગતમાં ઘણી હૉસ્પીટલમાં કરવામાં આવે છે જેના પરીણામ ઘણાં સારાં છે.

દર્દીએ શું કરવાનું છે :

  1. આલ્કોહોલ પીવાનું બંધ કરો.
  2. ડૉક્ટરને પુછ્યા વગર કોઈ દવા કે ઉપાય ના કરશો.
  3. સમતોલ પૌષ્ટીક ખોરાક ખાઓ.
  4. પ્રોટીનનું પ્રમાણ વધારો.
  5. ખોટી અજાણી દવાઓ ગમે તે પ્રકારની હોય તે લેશો નહીં.
  6. જો સીરોસીસનું પ્રમાણ વધી ગયું હોય તો દર્દીએ પ્રોટીનનું પ્રમાણ ઓછું લેવાનું છે.
  7. લીવરને વઘુ નુકશાન થાય તેવું કાંઈ ના કરો. લીવર સીરોસીસની સારવાર બાબતમાં એક વાત ખાસ ઘ્યાન રાખવાની છે કે લીવરને એકવાર સીરોસીસ થયા પછી કોઈપણ સારવાર લીવરને પાછું કાર્યરત કરી નહીં શકે. સારવાર ફક્ત રોગને આગળ વધતો અટકાવી શકશે. તદ્દન સારું થવાનું અશક્ય છે. કોમ્પ્લીકેશન થતા તમે અટકાવી શકશો. સારવાર ફક્ત લક્ષણ માટે કરવાની છે. દા.ત. વાયરલ હીપેટાઈટીસને કારણે હોય તો વાયરસની સારવાર કરવી પડે. સોજા આવ્યા હોય અને શરીરમાં પાણી ભરાઈ ગયું હોય તો તેને માટે પેશાબ થાય તેવી દવા આપવી જોઈએ. બ્લીડીંગ થાય તો બીટા બ્લોકર્સ આપવા જોઈએ.

લીવર ટ્રાન્સપ્લાન્ટ ક્યારે કરવું જોઈએ?

દર્દીની ફરીયાદ, ટેસ્ટના પરીણામ અને કોમ્પ્લીકેશન ઓછા ના થતા હોય ત્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટનો વીચાર કરવો જોઈએ. ખાસ પ્રકારની હૉસ્પીટલોમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની સગવડ હોય છે. પેશન્ટનું ખરાબ લીવર કાઢી તેની જગાએ ડોનરનું લીવર ઑપરેશનથી ટ્રાન્સપ્લાન્ટ કરીને લગાડવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવા ઑપરેશન આપણા દેશમાં અને પરદેશમાં ઘણી સંખ્યામાં થાય છે અને તેનાં પરીણામ સારાં આવેલાં છે. લીવર રીજેક્શનના પણ ઓછા દાખલા છે.

પેશન્ટ, ડૉક્ટર અને દર્દીના સગાએ ટ્રાન્સપ્લાન્ટ માટે નીચેની વાતો ખાસ ઘ્યાન રાખવી જોઈએ.

  1.  લીવર ફંક્શનના રીપોર્ટ ધીરે ધીરે ખરાબ આવતા હોય.
  2.  પેશન્ટને તકલીફ વધતી જતી હોય.
  3.  ખોરાક લેવાતો ના હોય.
  4.  પેશન્ટની જનરલ કંડીશન ખરાબ હોય.
  5.  પેશન્ટને બીજા કોઈ રોગ હોય.

સીરોસીસ સાથે કેવી રીતે જીવશો?

આગળ જણાવ્યા પ્રમાણે ‘સીરોસીસ ઓફ લીવર’ એક ખતરનાક રોગ છે છતાં તમારી જીન્દગી ટકાવવી હોય તો આટલું ચોક્કસ અમલમાં મુકશો.

  1. લીવર સ્પેશ્યાલીસ્ટ ડૉક્ટર પાસે વીગતવાર તપાસ કરાવી અત્યારે કેટલું લીવર કામ કરે છે તે નક્કી કરી અને પછી તે અંગેની સારવાર કરવી જોઈએ.
  2. શરુઆતમાં દર ત્રણ મહીને ‘લીવર ફંક્શન ટેસ્ટ’ કરાવી લેવા જોઈએ અને જેમ સમય જાય તેમ દર મહીને તપાસ કરાવી લેવી જોઈએ. આ બાબત તમારા લીવર સ્પેશ્યાલીસ્ટ નક્કી કરશે.
  3. સીરોસીસમાં પણ તમારે પાચન શક્તીમાં વાંધો ન આવે માટે પૌષ્ટીક સમતોલ ખોરાક લેવો જરુરી છે.
  4. ‘હીપેટાઈટીસ બી’ વાયરસથી સીરોસીસ થયેલ હોય અને ‘એચબીવીડીએનએ’ ટેસ્ટ પૉઝીટીવ આવેલ હોય તો ખાસ પ્રકારની સારવાર ‘લેમીવુડીન’ (એન્ટીવાયરસ ડ્રગ) તમારા ડૉક્ટરની સલાહ લઈ કરવી જોઈએ.
  5. હીપેટાઈટીસ સીને લીધે થયેલા સીરોસીસમાં ‘રીબાજારીન’ અને ‘ઈન્ટરફેરોન–આલ્ફા’ની સારવાર મદદ કરશે. આ બન્ને એન્ટીવાયરલ દવાઓ છે.

આટલી વસ્તુનું ઘ્યાન રાખશો :

  1.  દારુ પીવાનું તદ્દન બંધ કરશો.
  2.  વાયરસથી થયેલા સીરોસીસમાં વધારે પડતો શ્રમ કે કસરત બંધ કરશો.

   ૩. સાવ પથારીમાં સુઈ જવાનું કે આરામ કરવાનું પણ જરુરી નથી. થોડી ઘણી કસરત કરી શકશો પણ બેડમીંગ્ટન–ટેનીસ ના રમશો.

  1.  ઘરગથ્થુ દવાઓ કે અજાણી ઉપચાર પઘ્ધતી ના કરશો. નહીં તો કારણ વગરના ઉપાધીમાં પડશો.
  2.  લીવર સીરોસીસ માટે એક્ષ્પર્ટ લીવર સ્પેશ્યાલીસ્ટની સલાહ પ્રમાણે દવા, ખોરાક, ઉપચાર  નક્કી કરશો.
  3.  દર્દી અને એના કુટુમ્બીજનોને આ રોગ વીશે વીસ્તૃત માહીતી ‘લીવર સ્પેશ્યાલીસ્ટે’ આપવી અને રોગની ગમ્ભીરતા અને ભવીષ્ય વીશે જણાવવું ખુબ જરુરી છે.
  4.  આગળ જણાવ્યા પ્રમાણે ‘લીવર ફંક્શન ટેસ્ટ’ નીયમીત કરાવવા જરુરી છે.
  5.  મીઠા વગરનો ખોરાક આપવો જોઈએ.
  6.  લીવરની નળીઓમાં ‘વેરીકોસીટી’ને કારણે બ્લીડીંગ થાય અને જોખમ વધે માટે ‘એન્ડોસ્કોપીથી’ વેરીકોસ થયેલી નળીઓને ‘લીગેશન’ (બાંધી દેવાનું) કરાવવું જરુરી છે.
  7.  ઈન્સ્યુલીનથી બ્લ્ડસુગર કંટ્રોલ કરવી જોઈએ.
  8.  હીપેટાઈટીસ–બી વેક્સીનેશન અને છેલ્લે શક્ય હોય તો–
  9.  છેલ્લા ઉપાય તરીકે ‘લીવર ટ્રાન્સપ્લાન્ટ’ કરાવી લેવું જોઈએ.

–અજ્ઞાત

‘દીવ્ય ભાસ્કર’, દૈનીકના તા. 16 માર્ચ, 2015ના અંકમાંથી  ‘દીવ્ય ભાસ્કર’ દૈનીકના અને નેટજગતના  સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર સોમવારે અને શુક્રવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ, ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 27–08–2018

14 Comments

  1. આભાર ગોવિંદભાઇ તથા જેણે પણ આ માહીતી રજુ કરી. આ વાંચીને એવુ લાગે કે બહારની અજાયબી કરતા ય આપણા શરીરમાં જ કેટલીય અજાયબી ને શરીરસંચાલનની વ્યવસ્થા છે? જેના વિષે આપણે મોટાભાગના લોકો અજ્ઞાન હોઇએછીએ. એની વ્યવસ્થાને અનુકૂળ થવાને બદલે વિપરીત વલણ પણ અપનાવીએ. જયારે એ બંડ પુકારે ને હડતાલ પર ઉતરે ત્યારે એનું મહત્વ સમજાય. કયારેક શરીરની માંગ અવગણીને જુલ્મ પણ કરીએ. ન ખાવાનું ને ન પીવાનુ પેટમાં ટાણે કટાણે પધરાવીએ ને પછી શરીર બળવો કરે. ખરેખર બહુ જ માહીતીસભર લેખ છે. ફરીથી લેખક અને વાંચકો સુધી પંહોચાડનાર ગોવિંદભાઇનો આભાર.

    Liked by 1 person

  2. Very informative article. Thanks to Mr. Maru. It will spread general knowledge about functions of liver, & causes of liver failure & how to treat. Also how to prevent or how to protect liver.

    Liked by 1 person

  3. નવી દ્રષ્ટિ, નવા વિચાર, નવું ચિંતનના ઉપક્રમે લિવર અંગેની માહિતી ઘણી જ રસપ્રદ અને ઉપયોગી રહી. આ પ્રકારના લેખો આવતા રહેશે તો ઘણો જ આનંદ થશે. ગોવિંદભાઈ, આપના આ બ્લોગથી પ્રભાવિત થયો છું. અભિનંદન.

    Liked by 1 person

  4. ઘણો ઉપીયોગી અને માહિતી પૂર્ણ લેખ તૈયાર કરનાર અને પ્રગટ કરનાર વ્યક્તિઓને અભિનનદન.
    થોડી વધુ માહિતી જરૂરી છે.
    લીવર પ્રત્યારોપણ કઈ હોસ્પિટલો કરેછે? તે હોસ્પિટલો દ્વારા કરવામાં આવેલી આવી સર્જરી ની સફળતાની ટકાવારી કેટલી છે? અને અગત્યની વાત કે સર્જરી કરાવ્યા પછી ની સારવાર ક્યાં લેવી?

    Liked by 1 person

  5. Very nice information abut liver. It will enlighten readers about to be health consciousness. This reminds me a problem of liver to a Big actor a= had in the past. Similarly in recent past there was a statement as a whattsapp message about various blood tests information of about 27/28 pages. This if someone decodes may prove helpful.

    Liked by 1 person

  6. આ એક બહુ જ અગત્યની સમાજ સેવા આપ કરી રહ્યા છો. ખાસ કરીને અંગદાન કરવા ઉત્સુક વ્યક્તિને, અપૂરતી કે ખોટી માહિતીને લીધે, જે ખચકાટ થતો હોય તે દૂર કરવાથી હવે ઘણા વધારે દાનીઓ તૈયાર થશે.

    Liked by 1 person

  7. શ્રી ગોવીંદ મારુ સાહેબની અંગ દાન વિષેની જોરદાર ઝુંબેશમાં આ લીવર વિષેનો લેખ ખરેખર ઍક ડોકટરની ગરજ સારે છે.

    Liked by 1 person

  8. ગોવિંદભાઇ, તમારી ઝુંબેશ સાચી દિશામાં છે ને સમાજમાં જરુરી પણ છે. સાથે એ પણ જરુરી છે કે આવી નાજુક સર્જરી પછી એની સફળતા માટે દર્દીએ જે કાળજી લેવાની. આ સિવાય રક્તદાન પણ બહુ ઉતમ સમાજસેવા છે. જોકે લેબમાં દાતાઓની શારીરિક તપાસ પછી જ લોહી લેવાતું હશે. કારણ જો દાતા કોઇ એવા ચેપી રોગથી પીડાતો હોય એની જાણ કદાચ એને પણ નહોય. તો આવુ દુષિત લોહી નવી બિમારી ઉભી કરે.આવા દુષિત લોહીથી નવા રોગો ફેલાયેલા હોય એવા બનાવો પણ બહાર આવ્યા છે.

    Liked by 1 person

  9. સ્નેહી શ્રી ગોવિંદભાઇ,
    ‘ અભિવ્યક્તિ‘ના નામ અને કામ હેઠળ તમે સમાજ ઉપયોગી માહિતિ આપી. અભિનંદન અને આભાર. અેક ‘ અજ્ઞાત‘ દ્વારા લખાયેલો આ સંપૂર્ણ લેખ કેટલો ‘ જ્ઞાની ‘ છે તેને માટે કહું તો ખોટું નથી કે ‘ ના સમજે વો અનાડી હૈ.‘ આટલી વસ્તુ ઘ્યાનમાં રાખજો ના હેડીંગ હેઠળ આઇટેમ નં . ૪ કહે છે કે ,
    ‘ ઘરગથ્થુ દવાઓ કે અજાણી ઉપચાર પઘ્ઘતિ ના કરશો. નહીં તો કારણ વગરના ઇપાઘીમાં પડશો. ‘
    આ અેક મહાન ચેતવણી છે જે ફક્ત લીવરની બિમારી નહિ પરંતું બીજી બઘી બિમારી માટે પણ અેટલી જ સાચી છે.
    આ લેખની અકે અેક કડી ખૂબ જ અગત્યની છે. આજના મેડીકલ સાયન્સની પ્રગતિ અને તે પણ રીસર્ચ સાથે અેટલી છે કે પોતાની જાતને દર્દીઅે નિષ્ણાત ડોક્ટરને વિશ્વાસ સાથે સોંપી દેવી જોઇઅે. મંદિરના પુજારી, મહાત્મા, ગુરુજીઓને મારી સલાહ છે કે તેઓ અને તેમનાં અંઘવિશ્વાસુ ભક્તોઅે તો તેમની બિમારી કે અેક્સીડન્ટથી ઘવાયેલા અંગો માટે મંદીરમાં બેસીને દેવને વિનંતિ જ કરવી, ભજન ગાવા, ઘૂન કરવી…વિનંતિ કરવી અને પોતાની જાતને તે દેવને સોંપી દેવી. હોસ્પીટલના ડોક્ટરોને હેરાન કરવા નહિ. પ્રભુ પોતાના ભક્તોનું ઘ્યાન રાખે છે. પ્રભુને ઘેર દેર હે મગર અંઘેર નહિ હૈ.
    ગયા અઠવાડીઅે અેક્સીડન્ટમાં મારી બેન ઇન્દીરાઅે જમણા પગનું ફીમર હાડકું ભાંગ્યુ હતું. જે.અેક.કે હોસ્પીટલના નિષ્ણાત ડોક્ટરે અેક કલાકમાં ૌપરેશન કરીને સ્ટીલના સળીયાની મદદથી બઘું સીઘું કરી દીઘું રીહેબની મદદથી તે આજે ચાલે છે. આ અેક દાખલો આંખ ખોલવા માટે પુરતો છે.

    નિષ્ણાત ડોકટરોમાં ‘ દેવ‘ ને જોતા શીખો.

    આજનો આ આર્ટીકલ ફક્ત ‘ દિવ્ય ભાસ્કરમાં‘ અને ‘અભિવ્યક્તિમાં‘ છપાય તે પણ આપણા સમાજની શરમની વાત છે. દરેક શહેર કે ગામમાંથી કોઇ ને કોઇ પેપર છપાતા હશે. આ લેખ તેની કોમેંટની સાથે તેઓ છાપે તો કામ બને. હેન્ડબીલ છપાય તો કામ બને. અભણ અને ભણેલા અભણોને સાચી સમજ આપવા માટે, સમાજની જાગૃતિ માટે ગોવિંદભાઇને સલામ. અેક અકેલા થક જાયેગા….મીલ કર બોજ ઉઠાના….સાથી હાથ બઢાના…સાથી રે…
    પેલા ‘અજ્ઞાત‘ લેખકની સંપૂર્ણ કલમને સલામ. તેમને માનવ શરીરના બીજા રોગોની આવી જ વિગતવાર માહિતિ આપતા લેખો આપવાની વિનંતિ. અભિવ્યક્તિ માટે અેક અલભ્ય અેવું ઉત્મ સાઘન બની રહેશે.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a comment