‘નેત્રદાન’ની સમજણ તથા વર્ષા વેદનો પ્રેરક કીસ્સો

‘નેત્રદાન’ કઈ રીતે કરી શકાય? કોણ કરી શકે અને દાન કરેલી આંખ કોને કામ લાગી શકે? તેની સમજણ મેળવવા તથા  સુશ્રી. વર્ષાબહેન વેદ ફુલટાઈમ અકાઉન્ટન્ટમાંથી આઈ–ડોનેશન કૅમ્પેનને લાઈફ–મીશન બનાવી ફુલટાઈમ પ્રચારક કેવી રીતે બની ગયાં? તે જાણવા ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.

ચક્ષુદાન થકી બે વ્યક્તીઓને દૃષ્ટી

– જીગીષા જૈન

શરીરનો દરેક ભાગ આપણા માટે ખુબ જ અગત્યનો છે. એમાંથી સૌથી વધુ અગત્યની પાંચ ઈન્દ્રીયોને ગણી શકાય, જેના દ્વારા આપણે કોઈ પણ વસ્તુને અનુભવીએ છીએ અને ઓળખીએ પણ છીએ. આ પાંચ ઈન્દ્રીયોમાંની એક છે દૃષ્ટી. જો મને આંખ ન હોય તો…! એ કલ્પના માત્ર જ આપણને અન્દરથી હલાવી નાખે છે. ઘણા લોકો એવા જન્માન્ધ હોય છે તો ઘણા લોકો કોઈ ને કોઈ કારણસર પાછળથી દૃષ્ટીહીન થઈ જાય છે. જોઈ ન શકતી વ્યક્તીનું જીવન ખુબ સીમીત બની જતું હોય છે અને એ સીમીત હોવાને કારણે ખુબ કપરું પણ હોય છે. આ લોકો માટે આપણે શું કરી શકીએ? રોડ ક્રૉસ કરવામાં મદદ કરવાથી લઈને તેમને આર્થીક રીતે પગભર થવામાં મદદ કરીએ એવા કોઈ જવાબો તરત મગજમાં આવે; પરન્તુ એ તો નાની મદદો થઈ. આ લોકો માટે સૌથી મોટી મદદ એ છે કે આપણે આપણી આંખ તેમને ડોનેટ કરીએ. જોઈ ન શકતી વ્યક્તી તમારી આંખથી જગતને ફરી જોઈ શકે એનાથી રુડી વાત બીજી કઈ હોઈ શકે?

નૅશનલ પ્રોગ્રામ ફૉર કન્ટ્રોલ ઑફ બ્લાઈન્ડનેસ જણાવે છે કે દુનીયાના બધા દૃષ્ટીહીન લોકોના વીસ ટકા દૃષ્ટીહીન લોકો ‘કૉર્નીયલ ડીસીઝ’ને કારણે જોઈ નથી શકતા, જેમાંથી લગભગ 1,20,000 લોકો ભારતમાં છે અને દર વર્ષે 25,000–30,000 લોકોનો એમાં ઉમેરો થતો જાય છે. મૃત્યુ પછી દાન કરેલી આંખો કોઈ બીજાના જીવનને પ્રકાશ આપી જાય એ માટે વધુમાં વધુ લોકો ‘નેત્રદાન’ કરે એ જરુરી છે. નેત્રદાન કઈ રીતે કરી શકાય, કોણ કરી શકે અને એ દાન કરેલી આંખ કોને કામ લાગી શકે એ બાબતે આજે વીસ્તારથી જાણીએ :

કૉર્નીયલ ડીસીઝ

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન મુજબ દુનીયામાં દૃષ્ટીહીન થવાનું સૌથી મોટું કારણ ‘કૉર્નીયલ ડીસીઝ’ છે. એ પછી બીજા નમ્બરે ‘ગ્લુકોમા’ અને ત્રીજા નમ્બરે ‘મોતીયો’ આવે છે. આંખમાં આમ તો નાના–નાના ઘણા ભાગો છે, જેમાં આંખની આગળના ભાગમાં એક પારદર્શક પટલ હોય છે જે આપણી દૃષ્ટી માટે અત્યન્ત ઉપયોગી છે. આ કૉર્નીયા કોઈ પણ રીતે ડૅમેજ થાય તો માણસ દૃષ્ટીહીન થઈ શકે છે. એમાં પણ જો એ મધ્ય ભાગથી ડૅમેજ થયો હોય તો વ્યક્તી સમ્પુર્ણ રીતે દૃષ્ટીહીન બની જાય છે. કૉર્નીયાના પ્રૉબ્લેમથી કોણ દૃષ્ટીહીન બની શકે? આ પ્રશ્નનો જવાબ આપતાં ‘વીઝન શંકરા’, મલાડના કન્સલ્ટન્ટ આઈ–સર્જ્યન, કૉર્નીયા, કૅટરૅક્ટ ઍન્ડ રીફ્રૅક્ટીવ સર્જરી સ્પેશ્યલીસ્ટ ડૉ. આશીષ બછાવ કહે છે, ‘વીટામીન ‘એ’ની ઉણપ, કોઈ પણ પ્રકારની ઈન્જરી કે ઍક્સીડન્ટ, કોઈ ખાસ ઈન્ફેક્શનને કારણે કૉર્નીયા ડૅમેજ થઈ શકે છે. કેટલાક કેસમાં જ્યારે મોતીયાનું ઑપરેશન વ્યવસ્થીત ન થયું હોય ત્યારે પણ કૉર્નીયા ડૅમેજ થઈ શકે છે. ઘણાં બાળકોને જન્મથી જ આ તકલીફ હોઈ શકે છે. જોકે આ પ્રૉબ્લેમ ખુબ ઓછો જોવા મળે છે. મોટા ભાગે મોટી ઉમ્મરે આ પ્રૉબ્લેમ આવે છે. 40 વર્ષે આંખની પાછળના ભાગમાં પાણી ભરાવા લાગે છે, જેથી વ્યક્તીને કૉર્નીયલ ડીસીઝ થાય છે. નહીંતર 55–60 વર્ષે આ પ્રકારની તકલીફ થઈ શકે છે.’

ટ્રાન્સપ્લાન્ટ

કૉર્નીયલ ડીસીઝને કારણે જે અન્ધાપો આવે એ ફક્ત ને ફક્ત કૉર્નીયા–ટ્રાન્સપ્લાન્ટ દ્વારા જ સૉલ્વ થઈ શકે. આ ટ્રાન્સપ્લાન્ટ જ એનો એકમાત્ર ઈલાજ થાય છે. અને એ તો જ થઈ શકે જો આ દરદીઓને કોઈ બીજી વ્યક્તીનો કૉર્નીયા મળે. એ માટે નેત્રદાન જરુરી છે. ટ્રાન્સપ્લાન્ટની સમજ આપતાં ડૉ. આશીષ બછાવ કહે છે, ‘કૉર્નીયલ ટ્રાન્સપ્લાન્ટનો સક્સેસ–રેટ 95 ટકા જેટલો ઉંચો છે. એક વ્યક્તી જે ‘નેત્રદાન’ કરે છે એના દ્વારા બે વ્યક્તીનું ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. પહેલાં એવું હતું કે દરદીનો આખો કૉર્નીયા ટ્રાન્સપ્લાન્ટ થતો. હવે એવું છે કે કૉર્નીયાના આગળના કે પાછળના ક્યા ભાગમાં તકલીફ છે એ જાણીને ફક્ત એ ભાગ જ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. આમ જો એક વ્યક્તી નેત્રદાન કરે તો બે વ્યક્તીઓને દ્રષ્ટી આપી શકે છે.’

નેત્રદાન કોણ કરી શકે?

બીજા અંગદાન કરતાં નેત્રદાન એક એવું દાન છે જેનો લહાવો બધી જ વ્યક્તી લઈ શકે છે; કારણ કે લીવર, કીડની, હાર્ટ વગેરે અંગોના દાન માટે માણસ બ્રેઈન–ડેડ હોવો જરુરી છે. એટલે કે કોઈ કારણસર માણસ મગજથી મૃત્યુ તો પામ્યો હોય છતાં તેનું હાર્ટ ધબકતું હોય અને તેના જીવવાની કોઈ આશા ન હોય ત્યારે એવી વ્યક્તી જ લીવર, કીડની, હાર્ટ જેવાં અંગો દાન કરી શકે છે; જ્યારે નેત્રદાનમાં એવી કોઈ શરત નથી. કોઈ પણ રીતે મૃત્યુ પામેલી વ્યક્તી નેત્રદાન કરવાને લાયક હોય છે. ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે અમારી આંખો નબળી છે કે ચશ્માં આવ્યાં છે અથવા આંખનો કોઈ પણ રોગ જેમ કે ગ્લુકોમા કે મોતીયો થયો છે તો અમે આંખ દાન કરી શકીએ કે નહીં? વળી ઘણા લોકો માને છે કે એ પોતે ઘણા વૃદ્ધ છે તો વૃદ્ધ હોવાને કારણે તેમની દૃષ્ટી નબળી પડી ગઈ છે, આ હાલતમાં તે નેત્રદાન કરી શકે કે નહીં? આ મુંઝવણનો જવાબ આપતાં ડૉ. આશીષ બછાવ કહે છે, ‘કોઈ પણ ઉમ્મરની વ્યક્તી, કોઈ પણ રોગ ધરાવતી વ્યક્તી કે આંખમાં તકલીફ ધરાવતી વ્યક્તી ‘નેત્રદાન’ કરી શકે છે. નેત્રદાન માટે જરુર છે ફક્ત વ્યક્તીની ઈચ્છાની અને તેના પરીવારના સભ્યોની મંજુરીની. જે વ્યક્તીને HIV કે કૅન્સર જેવી બીમારી હોય તે વ્યક્તી પણ નેત્રદાન કરી શકે છે; કારણ કે નેત્રદાનની મંજુરી જીવીત વ્યક્તી આપે છે અને તે મરી જાય પછી તેનું ‘નેત્રદાન’ લેવામાં આવે છે. જ્યારે એ દાન લેવામાં આવે ત્યારે ડૉક્ટર ચેક કરે છે કે તેમની આંખો ઉપયોગમાં આવી શકશે કે નહીં. આમ દાતાએ ફક્ત દાન કરવું જરુરી છે.’

નેત્રદાન’ની પ્રક્રીયા

જે વ્યક્તી નેત્રદાન કરવા ઈચ્છતી હોય તેમણે નજીકની આઈ–બૅન્ક અથવા કોઈ મોટી હૉસ્પીટલ કે આઈ–હૉસ્પીટલમાં જઈને પોતાનું નામ નોંધાવવું જરુરી છે. આ નોંધણીની પ્રોસેસ ખુબ જ સરળ છે. આવી વ્યક્તીને એક ડોનર–કાર્ડ મળે છે, જે તેણે તેની પાસે સાચવવું જરુરી છે. નેત્રદાન કરનારી વ્યક્તીનું મૃત્યુ થાય કે તરત જ તેના સ્નેહીજનોએ હૉસ્પીટલ કે આઈ–બૅન્કવાળાને ફોન કરવો. મૃત્યુના એક કલાકની અન્દર મૃત વ્યક્તીનો કૉર્નીયા કાઢી નાખવામાં આવે એ આદર્શ રીતે યોગ્ય ગણાય છે. બાકી મૃત્યુના 6–8 કલાકની અન્દર પણ કૉર્નીયા કાઢવામાં આવે તો પણ એનો ઉપયોગ થઈ શકે છે.

લેખીકા :  જીગીષા જૈન સમ્પર્ક :  jigishadoshi@gmail.com

વર્ષા વેદ

નવી દૃષ્ટી, નવો રાહ

–અલ્પા નીર્મલ

બે વર્ષના સમ્પુર્ણ અન્ધત્વ પછી નવા કૉર્નીયા મેળવીને વર્ષા વેદ ફુલટાઈમ અકાઉન્ટન્ટમાંથી ચક્ષુદાનનાં ફુલટાઈમ પ્રચારક બની ગયાં છે. 2003થી અનેક જનરલ સરકારી હૉસ્પીટલોમાં તેમના પ્રયત્નોથી આઈ ડોનેશન વીભાગ ફરી કાર્યવન્ત બન્યો છે. એ સાથે જ અનેક ક્લબો, સંસ્થાઓ સાથે જોડાઈ ઠેકઠેકાણે જઈને ચક્ષુદાનનું મહત્ત્વ સમજાવે છે અને નવો કૉર્નીયા મેળવનારા પેશન્ટ અને તેમના પરીવારનું કાઉન્સેલીંગ કરે છે.

41 વર્ષની ઉમ્મરે ઘાટકોપર–ઈસ્ટમાં રહેતાં વર્ષા વેદની જીન્દગી મસ્ત રીતે સેટ હતી. શીવડીની પ્રાઈવેટ ફર્મમાં ફુલટાઈમ અકાઉન્ટન્ટની જૉબ, 12 અને 14 વર્ષનાં ભણવામાં હોશીયાર દીકરો–દીકરી, ચેસ–કોચનું કામકાજ કરતા લવીંગ હસબન્ડ મહેશ. એક પર્ફેક્ટ હૅપી ફૅમીલી; પણ ધુંધળું દેખાય છે અને બેતાલા આવ્યા હશે એમ સમજીને વર્ષાબહેન આંખના નમ્બર કઢાવવા આઈ–સ્પેશ્યાલીસ્ટ પાસે ગયાં અને ડૉક્ટરનું નીદાન સાંભળીને તેમના પગ તળેથી જમીન સરકી ગઈ. ડૉક્ટરે કહ્યું, ‘ભુતકાળમાં થયેલ કન્જંક્ટીવાઈટીસના વાઈરસને કારણે તેમના કૉર્નીયા સમ્પુર્ણપણે ડૅમેજ થઈ ગયા છે અને બહુ ટુંક સમયમાં તેમને સમ્પુર્ણપણે દેખાતું બંધ થઈ જશે.’

અત્યારે 57 વર્ષનાં થયેલાં વર્ષાબહેન કહે છે, ‘ડૉક્ટરે કહ્યા પછી બહુ થોડા વખતમાં એ દીવસ પણ આવી ગયો કે મને સમ્પુર્ણપણે દેખાતું બંધ થઈ ગયું. નોકરીએ કે બહાર જવાનું તો છોડો, મારા ઘરમાં પણ હું અસહાય બની ગઈ. સ્વાવલમ્બી હોવાને નાતે ગજબનો આત્મવીશ્વાસ હતો એ તુટીને સાવ તળીયે બેસી ગયો. એક મહીનો–બે મહીના હું અને બાળકો સાવ લૉસ્ટ! શું થશે, શું કરવું એની કોઈ સમજ નહોતી પડી રહી. જો કે ડૉક્ટરે બ્લાઈન્ડનેસ આવવાનું નીદાન કર્યું ત્યારે સલાહ આપી હતી કે તમે પરેલની આઈ બૅન્ક કો–ઑર્ડીનેશન ઍન્ડ રીસર્ચ સેન્ટર (EBCR)માં કૉર્નીયા માટે ઍપ્લાય કરી દો.’ અને વર્ષાબહેને એ ઍપ્લીકેશન કરી દીધી હતી. જો કે સાથે એ પણ ખબર હતી કે આપણા શહેરમાં આટલા બધા લોકોને અન્ધત્વ છે, કૉર્નીયાની તકલીફને કારણે જે જોઈ નથી શકતા તેમનું વેઈટીંગ–લીસ્ટ બહુ જ લાંબું છે, સામે આઈ–ડોનેશનની સંખ્યા સાવ નજીવી છે એમાં તેમનો નમ્બર ક્યાં લાગવાનો! ખેર, છતાં એ આશાના પાતળા કીરણે વર્ષાબહેન ફરી પાછાં બેઠાં થયાં. બાળકો–પતીના સહારે ધીરે–ધીરે ઘરનું કામ કરતાં થયાં. વર્ષાબહેન કહે છે, ‘મારા ઘરમાં કોઈ વડીલો તો હતા નહીં; પણ એ સમયે મારાં ટીનેજર સંતાનોએ મારા પેરન્ટ્સની ભુમીકા ભજવી. હાથ પકડીને બધું કામ કરાવે, ચલાવે અને ધીમે–ધીમે દૃષ્ટી વગર રોજીન્દાં કાર્યોમાં હું સેટ થતી ગઈ. જો કે જીવનમાં આવેલા એ અન્ધકારે મારા અન્ત:ચક્ષુ ખોલ્યાં. એ દરમ્યાન મને જોઈ ન શકતા લોકોની માનસીક, શારીરીક પરીસ્થીતીનો ખ્યાલ આવતો ગયો અને મેં નક્કી કર્યું કે જો મને કૉર્નીયા મળી જશે અને હું ફરી દેખતી થઈશ તો આઈ–ડોનેશન કૅમ્પેન મારી બાકી રહેલી લાઈફનું મીશન બની જશે.’

વેલ, કુદરતે પણ તેમના મીશનમાં તેમને સહકાર આપવાનું નક્કી કર્યું હશે એટલે પુરાં બે વર્ષની બ્લાઈન્ડનેસ બાદ 2002માં વર્ષાબહેનની એક આંખમાં કૉર્નીયા ગ્રાફ્ટ થયો અને તરત બીજા વર્ષે બીજી આંખમાં. વર્ષાબહેન કહે છે, ‘કોર્નીયા–ગ્રાફ્ટીંગ શી રીતે થાય, એમાં શું ધ્યાન રાખવાનું, આફ્ટર–કૅર શું કરવાનું એની કાંઈ જ ખબર નહોતી. કોઈએ માહીતી પણ નહોતી આપી; પરન્તુ ડૉક્ટરો, નર્સો બધાને પુછતી ગઈ અને તેમની સુચના પ્રમાણે પુરું એક વર્ષ બરાબર ધ્યાન રાખ્યું.’

અને રેગ્યુલર લાઈફ સેટ થતાં વર્ષાબહેન ઑનરરી જોડાઈ ગયાં પરેલની EBCR સાથે અને સૌથી પહેલાં શરુ કર્યું કૉર્નીયા–ગ્રાફ્ટીંગ કરાવનાર પેશન્ટનું કાઉન્સેલીંગ કરવાનું. વર્ષાબહેન કહે છે, ‘આ કાર્ય પછી બસ, ગાડી ચાલતી રહી અને મારું ડેડીકેશન જોઈને EBCRના અધીકારીઓ મને મેડીકો લીગલ, મેડીકલ, કાઉન્સેલીંગ જેવા વીષયોનું કામ આપતા ગયા.’

આઈ–ડોનેશન અવેરનેસ કૅમ્પેન પાછળ તેમની ધગશ એવી જોરદાર હતી કે સંસ્થાએ તેમને સૌ પ્રથમ ઘાટકોપરની રાજાવાડીની સરકારી હૉસ્પીટલમાં આઈ–ડોનેશન ડીપાર્ટમેન્ટ સમ્ભાળવાનું કહ્યું. વર્ષાબહેન કહે છે, ‘દરેક જનરલ અને સરકારી હૉસ્પીટલમાં આઈ–ડોનેશન ડીપાર્ટમેન્ટ હોય; પણ અધીકારીઓની નીષ્કાળજી અને બેદરકારીને કારણે એ વીભાગ મોટા ભાગે સુષુપ્ત હોય છે. મેં રાજાવાડી હૉસ્પીટલમાં જવાનું શરુ કર્યું, ત્યારે કોઈ ડૉક્ટર મૃત વ્યક્તીના કુટુમ્બને આઈ–ડોનેશન માટે પ્રેરે તો નહીં જ; પણ જો કોઈ ફૅમીલી તેની આઈ–ડોનેટ કરવા માગતી હોય તો હૉસ્પીટલનો સ્ટાફ મને ફોન કરે અને અડધી રાતે પણ હું ત્યાં જતી. સપ્તાહના સાતેય દીવસ ને 24 કલાક આઈ ઍમ અવેલેબલ. પછી તો ધીરે–ધીરે ડૉક્ટરો, નર્સો અને સ્ટાફ સાથે આત્મીયતા વધી અને મેં ધીમે–ધીમે ચક્ષુદાનનું મહત્ત્વ સમજાવવાની કોશીશ કરી. શું ધ્યાન રાખવું એ ગાઈડ કર્યું અને 10–11 વર્ષના પ્રયત્ને રાજાવાડી હૉસ્પીટલનો આઈ–ડોનેશન ડીપાર્ટમેન્ટ જાગ્રત થઈ ગયો.’

આ જ પ્રકારની કામગીરી વર્ષાબહેને નાયર હૉસ્પીટલ, KEM હૉસ્પીટલમાં કરીને ત્યાંના નીષ્ક્રીય આઈ–ડોનેશન વીભાગને ચેતનવન્તા કર્યા છે અને હાલમાં તેઓ કુપર હૉસ્પીટલ સાથે સંલગ્ન છે. વર્ષાબહેને આ ગાળામાં અનેક સંસ્થાઓ, ક્લબોનાં આઈ–ડોનેશનનાં કાર્યોમાં જોડાઈને સ્લમ્સમાં અનેક પ્રોગ્રામ્સમાં હજારો લોકોને આઈ–ડોનેશન કરવાની પ્રેરણા આપી છે અને આ ફીલ્ડમાં હોવાથી હવે તેઓ આઈ ઉપરાંત અન્ય ઑર્ગન ડોનેશન કૅમ્પેનમાં પણ જોડાયાં છે.

વર્ષાબહેન કહે છે, ‘આંખ ડોનેટ કરવાથી તમે કેટલું પુણ્યનું કામ કરી શકો છો એનો બેસ્ટ એક્ઝામ્પલ મારાથી વીશેષ બીજું શું હોય? દરેક નાનો–મોટો માણસ ભગવાને આપેલા આ રતનને પોતાના મૃત્યુ બાદ કોઈને આપીને એ કૉર્નીયા મેળવનારાના આખા કુટુમ્બનો તારણહાર બની શકે છે. એક વર્ષના બાળકથી લઈને 75 વર્ષના વડીલોની આંખો કોઈને દૃષ્ટી આપી શકે છે. યાદ રાખો કે આપણી એક્સપાયરી ડેટ હોય છે; પણ આંખની એક્સપાયરી ડેટ નથી હોતી.’

લેખીકા : અલ્પા નીર્મલ સમ્પર્ક :  alpanirmal@gmail.com  

મુમ્બઈના મીડડે દૈનીકે તા. 13 ઓગસ્ટ, 2016ના રોજ ‘ઓર્ગન ડોનેશન ડે’ નીમેત્તે ખાસ પુર્તી પ્રગટ કરી હતી. આ લેખના લેખીકાઓ અને મીડડેના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 03/09/2018

19 Comments

  1. સહુથી મોટું દાન નેત્રદાન. પૈસાનું દાન પછી મોટુ ખરું.. અંગદાન પણ મોટામાં મોટું દાન.

    Liked by 1 person

  2. Wow, Varshaben, Congratulations on your mission on Eye Transplant Donation Campaign. Thank you Jigishaben for the useful information.

    My Story:
    I am Registered Blind, fighting the battle specially because there’s still a Taboo in our Society regarding Sight Loss. I am a Long Cane User because I am allergic to dog fur.
    I lost my sight about 6 years ago in an accident which resulted in Detached Retina followed by Chronic Uveitis. I am being treated with Steroids but my life will never be the same again!

    ‘દૃષ્ટી જો મને આંખ ન હોય તો…! એ કલ્પના માત્ર જ આપણને અન્દરથી હલાવી નાખે છે.’ So very true! That’s me, yup!

    I still find it hard to come to terms with it.
    However, I am trying to be positive about myself. I am very Independent physically and financially. I am supported by some very good Organisations and monitored by my Consultant. I have a loving family! I use Apps on my iPhone and my iPad to navigate, research, shopping, read and write etc.
    I am an Educator and working on a Research Project to find out about the ‘Loneliness’ in the Older Population.
    My Mission: To Educate people on Sight Loss and how to deal with it.

    “Some Sighted people have Eyes but No Inner Vision!”

    Really proud of you Varshaben for your Contribution!
    My very best wishes!
    Urmila x

    Liked by 3 people

    1. વહાલાં ઉર્મીલાબહેન,

      તમારો પ્રતીભાવ વાંચી દુ:ખ સહીત આનન્દની બેવડી લાગણી અનુભવી.

      તમે 6 વર્ષથી દૃષ્ટી ગુમાવી છે. સારવારના ભાગરુપે તમે સ્ટીરોઈડ લઈ રહ્યાં છો તે જાણી દુ:ખ થયું. આંખો નથી; છતાં તમે આંતરીક દૃષ્ટીને પામ્યાં છો તેમ જ તમારાં મીશનને સાકાર કરવા કાર્યરત છો તે જાણી વીશેષ આનન્દ થયો. તમને સહસ્ત્ર સલામ…

      જે દીવ્યાંગ/સીનીયર સીટીઝનો ‘એકલતા’ અનુભવે છે, તેમના વીશેના રીસર્ચ પ્રોજેક્ટ પર તમે કામ કરી રહ્યાં છો તે વાત જ મારે માટે નવી છે! જે લોકોએ દૃષ્ટી ગુમાવી છે તેવા લોકોના પ્રશ્નો અને મુસીબતો સમજી, તેના ઉકેલ માટે તેમને તાલીમ આપવી અને તેની સાથે કેવી રીતે કામ પાર પાડવું–વ્યવહાર કરવો તે અંગે પણ તમે સક્રીય છો તે જાણી મને તો ભારે નવાઈ લાગી!!.

      તમારાં આ મીશનનો તમારો સ્વાનુભવ જાણવા અને તે પ્રકાશીત અને પ્રસારીત કરવા, તે લખીને અથવા તમારો વીડીયો બનાવીને મને મોકલવા દીલથી વીનન્તી કરું છું. તે મારફતે તમારા જેવી જ બીજી વ્યક્તીને આ પ્રકારનાં કામો કરવા તે પ્રેરણા પુરી પાડશે એમ હું ચોક્કસ માનું છું.

      મારા ‘અભીવ્યક્તી’ બ્લૉગનું કામ જ લોકજાગૃતીનું છે. ‘અભીવ્યક્તી’ પર ‘અંગદાન’ અંગે લોકજાગૃતી માટેના 10 લેખો અને 15 સાચા કીસ્સાઓ રજુ કરવામાં આવ્યા છે. તમે મને સહકાર આપી શકો તો, તમારું લખાણ અને તમારા ફોટા સાથેનો તમારો વીડીયો, મને મોકલશો તો ‘અભીવ્યક્તી’ બ્લૉગના વાચકમીત્રો તથા તેમના પરીચીત ‘એકલતા’ અનુભવતા આવા સીનીયર સીટીઝનો અને દૃષ્ટીવંચીત લોકોને પ્રેરણા મળશે.

      ધન્યવાદ.

      –ગોવીન્દ મારુ

      Liked by 1 person

      1. i appreciate request of Govind bhai for all of us and people around us to be motivated. Urmila bahen pl do the needful we will be really grateful to your efforts.

        Liked by 1 person

  3. પુન: દ્રષ્ટિ પ્રાપ્ત કરનાર વર્ષાબેનની સેવા ભાવના અને સેવા પરાયણતાની વિગતો અતિ પ્રભાવિત કરે છે. કેનેડામાં સ્થાયી થયા પહેલા ભારતમાં લાયન્સની ક્લબ, બીલીમોરાના સભ્યમિત્રો સાથે ડોક્ટરની ટીમમાં સ્વયંસેવક તરીકે મ્રૂતાત્માઓના ચક્ષુ મેળવવા માટે રાત-દિન જોયા વિના પહોંચી જતા તે દિન હજી યાદ આવે છે.

    Liked by 1 person

  4. Varshaben, Congratulations for Eye Transplant Donation Campaign. and congratulations to Jigishaben for the useful information.Solves many common question by “મુંઝવણનો જવાબ આપતાં ડૉ. આશીષ બછાવ”
    again congratulation to Alpa nirmal for giving: “વર્ષા વેદ’s નવી દૃષ્ટી, નવો રાહ
    –અલ્પા નીર્મલ… Varsha bahen efforts are too great..
    ..and further comments of urmila bahen sharma– would like to get her article and contact as she wrote:”My Mission: To Educate people on Sight Loss and how to deal with it.” as being senior citizen- and having garden group many of our friends face retina detachment problem and also loneluness is common problem. so any article here or through govindbhai – will be appreciated.

    Liked by 1 person

    1. Good morning.
      Thank you for your feedback, Mr Thacker.
      My article has been published for Professionals who work in the field of Ophthalmology but I will copy and paste then email it to Govindbhai.
      The Research on Age Related Lonliness is not completed so will forward the information in due course.
      Kind Regards,
      Urmila

      Liked by 2 people

    1. વહાલા વડીલ અરવીન્દભાઈ,
      ‘નેત્રદાનની સમજણ તથા વર્ષા વેદનો પ્રેરક કીસ્સો’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      –ગો. મારુ

      Like

    1. આદરણીય સુરેશભાઈ,
      ‘નેત્રદાન – એક પ્રેરક કીસ્સો’ને આપના બ્લૉગ ‘સુરસાધના’ પર શેર કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

  5. We have here in USA. We have system ,When we get Driving license , one question about organ donation .If we say yes ,There is sticker on our license.. That’s way even in accident,
    thay come to know about organ donation.

    Liked by 2 people

  6. Reblogged this on વિનોદ વિહાર and commented:

    ‘નેત્રદાન’ની સમજણ તથા વર્ષા વેદનો પ્રેરક કીસ્સો
    ‘નેત્રદાન’ કઈ રીતે કરી શકાય? કોણ કરી શકે અને દાન કરેલી આંખ કોને કામ લાગી શકે? તેની સમજણ મેળવવા તથા સુશ્રી. વર્ષાબહેન વેદ ફુલટાઈમ અકાઉન્ટન્ટમાંથી આઈ–ડોનેશન કૅમ્પેનને લાઈફ–મીશન બનાવી ફુલટાઈમ પ્રચારક કેવી રીતે બની ગયાં? વિ.જાણવા મારા રેશનાલીસ્ટ મિત્ર શ્રી ગોવિંદ મારૂ ના બ્લોગ ‘અભીવ્યક્તી’ માં પ્રગટ નીચેનો લેખ’‘નેત્રદાન’ની સમજણ તથા વર્ષા વેદનો પ્રેરક કીસ્સો” જરૂર વાંચશો.

    Like

    1. વહાલા વીનોદભાઈ,
      ‘નેત્રદાન’ની સમજણ તથા વર્ષા વેદનો પ્રેરક કીસ્સો’ને આપશ્રીના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
      ..ગો. મારુ

      Like

Leave a comment