કથા સુણી સુણી ફુટ્યા કાન

રામનામરટણથી કાળાં કામોના પરીણામથી બચી શકાય એમ કહેવું તે ભ્રષ્ટાચારનું પ્રથમ મજબુત પગથીયું છે. રામકથા ઉપર કોઈને વીશ્વાસ હોય તો તેની ભાવનાને ધક્કો પહોંચે તેવું ન કરવું જોઈએ, આ રુપાળો તર્ક ખોટો છે. સમાજનો એક વર્ગ, સમાજની પ્રગતીને બાધક બને તેવાં કામો કરતો હોય તો તેની ટીકા કરવાનો દરેક નાગરીકને અધીકાર છે. લોકોનું ધ્યાન સત્ય તરફ ખેંચવા બાપુઓની કથાઓ ચાલતી હોય ત્યાં ડેમોન્સ્ટ્રેશન, દેખાવો યોજવા જોઈએ, અન્ય સ્થળે સમાંતર બેઠક યોજીને કથાકારોના અવૈજ્ઞાનીક દૃષ્ટીબીન્દુઓને ખુલ્લાં પાડવા પ્રવચનો ગોઠવવાં જોઈએ. જરીપુરાણાં મુલ્યોના ત્રાસથી સમાજને મુક્ત કરવા માટે, શીક્ષીત યુવકયુવતીઓએ કથાના સ્થળે પત્રીકાઓ વહેંચવી જોઈએ. આ આપણી બન્ધારણીય ફરજ છે.

1

કથા સુણી સુણી ફુટ્યા કાન

–રચના નાગરીક

ભક્તીના નામે લોકોને દીશાહીન, નીરાશાવાદી, નીષ્ક્રીય, અન્ધ અને મહત્ત્વાકાંક્ષાહીન બનાવનાર કથાકારો અન્યાયના પુરસ્કર્તા છે. રામાયણયુગની પ્રથાઓનું અર્થહીન સ્પષ્ટીકરણ કરી આધુનીક સમાજજીવન તેમ જ રાષ્ટ્રને આ સન્દેશાઓ–ઉપદેશો પુર્ણપણે અસરકારક રીતે લાગુ પડે છે, એમ કહેવાનો પ્રયત્ન કરી સામાજીક વીકાસના દૃષ્ટીબીંદુને સમ્પુર્ણપણે અવૈજ્ઞાનીક સ્વરુપ અપાઈ રહ્યું છે. કથાના પ્રવક્તાઓ કથાને જો વૈયક્તીક ધાર્મીક પાસાને સ્પર્શતી બતાવાતી હોત તો કંઈક વાજબી કહેવાય; પરન્તુ આર્થીક, રાજકીય, સામાજીક એમ દરેક પાસામાં કથાની પુર્ણતા નીર્દેશીને સમાજને અવૈજ્ઞાનીક ને જડ ખ્યાલોના આવરણ હેઠળ મુકવાનો પ્રયાસ તેઓ કરી રહ્યા છે. સાંસ્કૃતીક મુલ્યોની સનાતનતા અલગ વસ્તુ છે અને સમાજને પ્રાચીન નીયમોના બન્ધારણમાં ગોઠવવાનો પ્રયાસ કરીને તેના ગતીશીલ પાસાને સ્થગીત કરવાનો પ્રયાસ કરવો તે બીજી બાબત છે. સમાજવીજ્ઞાનનો ક–ખ–ગ નહીં જાણનારા બાપુઓ બહુ કાલુંઘેલું બોલે છે. ધર્મગુરુઓ, બાપુઓ, શાસ્ત્રીઓ સમુહમાનસમાં સુષુપ્તપણે, અપ્રગટ રુપે રહેલા આ વીષવૃક્ષને સીંચીને ભયંકર સમાજદ્રોહ કરી રહ્યા છે. રામાયણકાલીન સમાજવ્યવસ્થાને એક આદર્શ સમાજવ્યવસ્થા ગણવામાં પણ આ ભુલ થઈ રહી છે. કોઈ સમાજવ્યવસ્થા સમ્પુર્ણ આદર્શ ન હોઈ શકે; સામાજીક અને સાંસ્કૃતીક મુલ્યો આદર્શ હોઈ શકે. કોઈ પણ સમાજવ્યવસ્થા તેનું ગતીશીલ પાસું નીરન્તર સાચવીને જ શાશ્વતતા ગ્રહણ કરે છે; પરન્તુ આ પાસું કુંઠીત થાય છે ત્યારે તે પોતાની વીકસીત અને વ્યવસ્થીત અવસ્થાઓ ગુમાવે છે. વર્તમાન સામાજીક સમસ્યાઓના ઉકેલ અને ભવીષ્યની સામાજીક વીકાસની આકૃતીની રુપરેખા, રામાયણકાલીન સમાજવ્યવસ્થામાં જ છે એમ કહેવું એ આત્મવંચના કહેવાય. ‘સદ્ભાવ રામાયણ’ (પ્રવક્તા : મોરારીબાપુ, સદ્વીચાર પરીવાર પ્રકાશન)ના પુષ્ઠ–3, ઉપર મોરારીબાપુ કહે છે : ‘‘રામકથા પ્રાચીન છે; છતાં આજના સન્દર્ભમાં પણ એ અતી આવશ્યક છે. આ પ્રાચીન છે; પણ એમાં અર્વાચીન પ્રશ્નોનો ઉકેલ છે, ને ભવીષ્યની પ્રજા માટે એક જબદસ્ત માર્ગદર્શન છે. તમારે જો સંસારની વ્યથાને હળવી કરવી હોય તો રામકથા સાંભળો. એક જબરદસ્ત આશ્વાસન મળશે. જીવન હળવું થઈ જશે. જેમ ભાષાશુદ્ધી માટે વ્યાકરણની જરુર છે તેમ જીવનશુદ્ધી માટે રામકથાની જરુર છે. જે રામકથાને બરાબર સમજી લે તેનું જીવન શુદ્ધ થાય છે…’’ સમાજના ગતીશીલ પાસાને ભક્તીના નામે, ભગવાનના નામે, સ્થગીત કરવાનું કૃત્ય સ્પષ્ટપણે ભારતીય બન્ધારણના અનુચ્છેદ 51() (એચ)નો ભંગ કરે છે. રાજાશાહી–સામન્તશાહી સામાજીક મુલ્યોનું હાલના સન્દર્ભમાં રટણ કરીને, તેના પ્રત્યારોપણનો પ્રયાસ કરનારાઓ સમાજને પછાત બનાવી રહ્યા છે. સમાજને અવળી દીશામાં ધકેલી રહ્યા છે.

કથાઓ માત્ર ને માત્ર કૉમર્સ છે. કથાના આયોજન પાછળ સાધનશુદ્ધીનો કોઈ આગ્રહ રખાતો નથી. કથા પાછળ જંગી ખર્ચ થાય છે તે કરચોરો, સંઘરાખોરો, સફેદ પોશાકમાં ફરતાં અસામાજીક તત્ત્વો, બીજાની જમીન હડપ કરનારાઓ અને ધર્મજડસુઓ પાસેથી એકત્ર કરવામાં આવે છે. આમ, કથાના પાયામાં જ આટલો ભ્રષ્ટાચાર હોય તે કથામાં અપાતા ઉપદેશોનું મુલ્ય કેટલું? સમાજમાં નૈતીક મુલ્યોનું સ્થાપન થાય તે હેતુથી કોઈ મન્દીર બાંધીએ અને મન્દીરનું ખર્ચ કાઢવા તેના કમ્પાઉન્ડની ઓરડી દારુ–જુગારના અડ્ડા માટે ભાડે આપીએ તો તેનો અર્થ શો? બાપુઓ–શાસ્ત્રીઓ ઉપદેશમાં સુરા છે અને સાધનશુદ્ધીમાં સાવ ક્ષુદ્ર છે. કથાકારો ખોટાં મુલ્યોનું સ્થાપન કરે છે. તેઓ સ્વચ્છ જીવન જાળવવા ઉપર ખુબ જ ભાર મુકે છે; પરન્તુ કથાકારો પોતાની આજુબાજુ રીઢા ગુનેગારો, કાળાં બજારીયાઓ, શોષણખોરો, ગેરકાયદે બાંધકામ કરનારાઓનું વર્તુળ ઉભું કરે છે. આવી વ્યક્તીઓનાં કૃત્યો પ્રત્યે ભોંઠપ અનુભવવાને બદલે તેમને આશીર્વાદ આપવામાં આવે છે. બાપુઓ પાસેથી મળતી લેજીટીમસીને કારણે અસામાજીક તત્ત્વોને કાયદાનો ભંગ કરવામાં કે સામાજીક મુલ્યોને કચડી નાખવામાં જરા પણ શરમ આવતી નથી. સૌરાષ્ટ્રના રીઢા ગુનેગારોને આશીર્વાદ આપતા બાપુઓના ફોટા અખબારોમાં જોવા મળે છે. આ બધું ધતીંગ છે. અમારા ઉપદેશથી, રામકથાના ચમત્કારથી ફલાણો, ઢીંકણો સુધરી ગયો એવું કહેવાય છે; પણ જે ખુદ કળણમાં ખુંપેલ હોય તે બીજાને શી રીતે ઉગારી શકે? ધર્મના કૉમર્સને ચલાવા માટે પબ્લીક રીલેશનની એક ટેકનીક તરીકે બાપુઓની ભવ્ય સીદ્ધીઓ, ચમત્કારો, સુધરી જવાના કીસ્સાઓ વહેતાં મુકવામાં આવે છે. એક સમયે સૌરાષ્ટ્રના રીઢા ગુનેગારોને પોતાની છાવણીમાં લેવા બાપુઓ અને શાસ્ત્રીઓ વચ્ચે હરીફાઈ પણ થયેલ.

વરસોથી ઉપદેશ અપાય છે; છતાં સમાજ વધુ ને વધુ પ્રદુષીત થતો જાય છે. મોરારીબાપુઓ વેપારીઓને, વીદ્યાર્થીઓને, ડૉક્ટરોને, વકીલોને, સરકારી કર્મચારીઓને, કથાકારોને ઉપદેશ આપે છે. આવો ઉપદેશ વર્ષોથી રીપીટ થયા કરે છે; છતાં ભેળસેળનું પ્રમાણ ઘટવાને બદલે વધ્યું છે. પરીક્ષાઓમાં ચોરીનું પ્રમાણ ભયંકર બન્યું છે. હૉસ્પીટલો તબેલાં જેવી બની છે, ફરીયાદીને ન્યાય મળે તે પહેલાં લુંટી લેવાય છે, લાંચનું પ્રમાણ વધ્યું છે, સમાજ જડસુ બને તેવા પ્રયત્નો વધુ થઈ રહ્યા છે, બળાત્કારનું પ્રમાણ વધ્યું છે, નફાખોરી વધી છે, ગરીબ વધુ ગરીબ બન્યા છે, લોકોની સુખાકારીને વધુ સડો લાગ્યો છે, અર્થતન્ત્ર–રાજ્યતન્ત્રની સ્થીતી કંગાળ બની છે. મુલ્યોનું જતન થવાને બદલે તેનું અધ:પતન કેમ થઈ રહ્યું છે? ઉપદેશોની અસર કેમ થતી નથી? સમાજની રાજકીય–આર્થીક સ્થીતીની ઉપેક્ષા કરીને બધી સમસ્યાઓનો ઉકેલ કથામાં શોધવામાં આવે ત્યારે સમાજમાં સામન્તશાહી–રાજાશાહી મુલ્યોનું જ સ્થાપન થાય. અપ્રામાણીક માણસોના ધનથી કથાનો મેળાવડો યોજાય અને તેમાં પ્રામાણીકતાનો ઉપદેશ અપાય ત્યારે સ્પષ્ટપણે કહી શકાય કે આવી કથાઓ ઢોંગ શીખવનારી પ્રયોગશાળા છે. સ્વચ્છ જીવનનો આગ્રહ, પ્રામાણીકતાનો આગ્રહ કોઈ કથાના આધારે રાખવો તે સમજદારીનો અભાવ દર્શાવે છે. લાંચ લેશો નહીં, ચોરી કરશો નહીં એમ અસામાજીક તત્ત્વોનાં નાણાના પીઠબળને કારણે કથાકારો બોલે તે સમજી શકાય છે. ભુખે મરતા લોકોની સ્થીતીનો ખ્યાલ, ઉપવાસ કરતા લોકોને આવી શકે નહીં, આ સહજ સીદ્ધાન્ત છે. રામે સારું શાસન કર્યું હોય તો તેને જરુર યાદ કરીએ; પરન્તુ સમકાલીન સાશન સુધારવા કે તે માટે લોકોને પ્રોત્સાહીત કરવાને બદલે રામનામ જપવાથી શું વળે? ભુતકાળમાં થઈ ગયેલ રાજાનાં માત્ર ગુણગાન ભલે ગાઓ; પણ સમકાલીન સંઘર્ષકર્તાઓને કેમ ભુલી જાઓ છો? સમકાલીન સમાજ ટકશે તો રામકથા પણ ટકશે. આપણે શું વીચારવું, શું ખાવું, શું પહેરવું, શું ભણવું, તે બધું રાજકારણ નક્કી કરે છે. માટે રાજકારણના સડા તરફ અંગુલીનીર્દેશ ન કરતાં સડાને દુર કરવાનું નક્કર કાર્ય થવું જોઈએ.

કથાને લોકશીક્ષણનું માધ્યમ બનાવવું જોઈએ. કથાને ધર્મજડસુઓને આનન્દીત કરવાની ક્લબ ન બનાવવી જોઈએ. રામકથાના રાવણની ટીકા થાય; પરન્તુ સમકાલીન રાવણો કથાકારોની આજુબાજુ વીંટળાઈ વળેલા છે તેનું શું? હાલના રાવણોને ખુલ્લા પાડતા કેમ સંકોચ થાય છે? ચાવવાના ને દેખાડવાના દાંત અલગ અલગ શા માટે?

અન્ધશ્રદ્ધા એ કથાનું અન્તીમ સત્ય છે. અકબરના શાસન સમયે તુલસીદાસે ‘રામચરીતમાનસ’ની રચના કરી. તુલસીદાસે લખ્યું કે રાજા ઈશ્વરના અંશથી ઉત્પન્ન થાય છે. ગુલામીનું આ પણ એક કારણ છે. તુલસીદાસે જાતીવાદના મુળ આપ્યાં, બ્રાહ્મણવાદનો મહીમા ગાયો, નીચ જાતીની રચના ભગવાને કરી છે તેમ કહ્યું. શુકન–અપશુકન, અન્ધવીશ્વાસ, શાપ–વરદાન અંગેની માન્યતાઓને પ્રેરણા આપવાનું કામ ‘રામચરીતમાનસ’ કરે છે. તુલસીદાસે કહ્યું છે, ‘‘રામ ભજીઅ સબ કાજ બીસારી…’’ કામધન્ધા છોડીને રામનામ લો. અમાનવીય વીચારો તુલસીદાસે રામના મોંમા મુક્યા છે : ‘‘બ્રાહ્મણ શાપ આપે, મારે, ગાળો આપે તો પણ પુજનીય છે. તે ચારીત્ર્યહીન હોય, તેનામાં ભલે કોઈ ગુણ ન હોય, ભલે તે અજ્ઞાની હોય, તો પણ તે બ્રાહ્મણ છે તે કારણથી પુજનીય છે. જ્યારે શુદ્ર ગુણ તથા જ્ઞાનયુક્ત હોય તો પણ પુજનીય નથી.’’ આવી કથાનાં ગુણગાન કરનાર કથાકાર સામે બન્ધારણીય ભાવનાઓનો ભંગ કરવા સબબ કામ ચલાવવું જોઈએ. ભાગ્યવાદનો પ્રચાર કથાકારો કરે છે. ભાગ્યમાં હશે તો મળશે જ એવું માની લોકો ‘રામનામ’ ઉપર શ્રદ્ધા મુકી, હાથ વાળીને, મગજ બન્ધ કરીને બેસી રહે છે.

કથાશ્રવણથી આવી પ્રેરણા મળે છે. અન્ધવીશ્વાસો પર પડદો પડ્યો રહેવા દેવો તે બૌદ્ધીક કાયરપણું કહેવાય. સ્ત્રીસન્માનને ઠેસ પહોંચે તેવું તુલસીદાસે ઘણું લખ્યું છે : ‘સ્ત્રી કપટ, પાપ ને અવગુણોની ખાણ છે. સ્ત્રી સ્વભાવથી જ મુર્ખ–જડ હોય છે. પતી ગમે તેવો હોય તો પણ તે પરમેશ્વર છે, તેનાં ચરણોમાં સ્ત્રીએ પડ્યા રહેવું જોઈએ.’’ હીન્દુઓના મગજની નસોમાં આત્મહીનતા, અન્ધવીશ્વાસ, કાયરતા, નીયતીવાદની ઘાતક બીમારીઓ ભરાઈ પડી છે. તેમાં ‘રામચરીતમાનસ’નો ફાળો મુખ્ય છે. તુલસી સ્ત્રીસ્વાતન્ત્ર્યના વીરોધી હતા, તેની એક ઉપમા : ભારે વરસાદ થવાથી ક્યારીઓ એવી રીતે ફુટી ગઈ જેમ સ્વતન્ત્ર થવાથી સ્ત્રી બગડી જાય છે. નીષ્ક્રીય હીન્દુ સમાજ મુસલમાન શાસકોની નીર્બળતાનો લાભ ઉઠાવી શક્યો નહીં.

આગળ જતાં અંગ્રેજો શાસક બની ગયા. રામનામરટણથી કાળાં કામોના પરીણામથી બચી શકાય એમ કહેવું તે ભ્રષ્ટાચારનું પ્રથમ મજબુત પગથીયું છે. રામકથા ઉપર કોઈને વીશ્વાસ હોય તો તેની ભાવનાને ધક્કો પહોંચે તેવું ન કરવું જોઈએ, આ રુપાળો તર્ક ખોટો છે. સમાજનો એક વર્ગ, સમાજની પ્રગતીને બાધક બને તેવાં કામો કરતો હોય તો તેની ટીકા કરવાનો દરેક નાગરીકને અધીકાર છે. અન્ધશ્રદ્ધાને કારણે કોઈ સતીપ્રથા તથા નરબલીમાં વીશ્વાસ રાખતો હોય તો તેને રોકી ન શકાય? શાસ્ત્રો પર વીશ્વાસ હોવાને કારણે કોઈ અસ્પૃશ્યતાનો પુજારી હોય તો તેની ટીકા ન કરી શકાય? લોકોનું ધ્યાન સત્ય તરફ ખેંચવા બાપુઓની કથાઓ ચાલતી હોય ત્યાં ડેમોન્સ્ટ્રેશન, દેખાવો યોજવા જોઈએ, અન્ય સ્થળે સમાંતર બેઠક યોજીને કથાકારોના અવૈજ્ઞાનીક દૃષ્ટીબીન્દુઓને ખુલ્લાં પાડવા પ્રવચનો ગોઠવવાં જોઈએ. જરીપુરાણાં મુલ્યોના ત્રાસથી સમાજને મુક્ત કરવા માટે, શીક્ષીત યવકયુવતીઓએ કથાના સ્થળે પત્રીકાઓ વહેંચવી જોઈએ. આ આપણી બન્ધારણીય ફરજ છે. ધર્મઝનુન કથાકારને અને ભક્તોને અન્ધ, દીશાહીન, અવાસ્તવીક બનાવી મુકે છે. ધર્મપ્રચારથી લોકોમાં સદ્ગુણો આવવાને બદલે જે સદ્ગુણો હોય તે પણ જતા રહે છે, કેમ કે માત્ર ધર્મનું રટણ કરવાથી પેટ ભરાતું નથી, સામાજીક તથા આર્થીક સમસ્યાઓ ઉકલી જતી નથી. ધર્મપ્રચાર વીવેક હણી લે છે. ધર્મપ્રચાર માણસને એક મુઢતામાંથી બીજી મુઢતામાં લઈ જાય છે. રામકથા આધ્યાત્મીક દારુનું કામ કરે છે. મોરારીબાપુ કહે છે : રામકથાને બરાબર સમજી લે તેનું જીવન શુદ્ધ થાય છે. જીવન શુદ્ધ કરવાની જરુર એમને પડે, જેમણે પોતાનું જીવનગંદું કર્યું હોય. ગંદાં કૃત્યો કરનારાઓ હમ્મેશાં આધ્યાત્મીક દારુ પીવા તલસતા હોય છે અને આમ, ધર્મના કૉમર્સને સતત ગતી મળ્યા કરે છે. અખાની અકળામણ માણવા જેવી છે :

સસાસીંગનુ નાવ જ ઘડી,

વંધ્યાસુત માંહે બેઠો ચડી.

મૃગતૃષ્ણાનું નીર જ ભર્યું.

તે ઉપર તે વહાણ જ તર્યું.

વ્યોમકુસુમનીવોહોરત કરી,

તેહેનું વાહાણ તે આણ્યું ભરી.

અખા એહ સર્વે છે મીથ્યા,

જ્યમ શેખચલ્લીની ચાલી કથા.

–રચના નાગરીક

સમકાલીન દૈનીક, મુમ્બઈના તા. 16 એપ્રીલ, 1989ના અંકમાંથી, લેખીકાના અને ‘સમકાલીનના સૌજન્યથી સાભાર…

લેખીકા રચના નાગરીકના કંઠીમુક્ત વીચારલેખોની પુસ્તીકા બૈઠ પથ્થર કી નાવ (પ્રકાશક : [1] માનવવીકાસ ટ્રસ્ટ, 9, મહાકાન્ત કૉમ્પલેક્ષ, વી. એસ. હૉસ્પીટલ સામે, એલીસબ્રીજ, અમદાવાદ 380 006, [2] વૈશ્વીક માનવવાદ, 1–એ, કલ્પના સોસાયટી, મહેમદાવાદ 387 130 જીલ્લો : નડીયાદ અને [3] નયા માર્ગ, ખેત ભવન, હરીજન આશ્રમની પાસે, અમદાવાદ 380 027 પાનાં : 64, મુલ્ય : રુ. 40/)માંનો આ પ્રથમ લેખ, પુસ્તીકાનાં પાન 19થી 24 ઉપરથી, લેખીકા અને પ્રકાશકોના સૌજન્યથી સાભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને સોમવારે સાંજે 7.00 વાગ્યે. આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 07–09–2018

9 Comments

  1. સાવ સડી ગયેલા સમાજને બેઠો કરવા માટેનો ધારદાર લેખ. ખુબ ગમ્યું.
    આ લેખ મુજબ કામ કરી શકે તેવાં લોકો આજના આપણા સમાજમાં તૈયાર થઈ શકે ખરાં?

    Liked by 1 person

  2. “આવી કથાનાં ગુણગાન કરનાર કથાકાર સામે બન્ધારણીય ભાવનાઓનો ભંગ કરવા સબબ કામ ચલાવવું જોઈએ. ભાગ્યવાદનો પ્રચાર કથાકારો કરે છે. ભાગ્યમાં હશે તો મળશે જ એવું માની લોકો ‘રામનામ’ ઉપર શ્રદ્ધા મુકી, હાથ વાળીને, મગજ બન્ધ કરીને બેસી રહે છે.”
    yes very very important article by rachana bahen – pdf version will circulate in whats app if govind bhai can send.

    Liked by 1 person

    1. વહાલા મહેન્દ્રભાઈ,
      સોમવારે આપને વોટ્સએપ થકી પીડીએફ મળી જશે.
      -ગોવીન્દ મારુ

      Like

  3. “વરસોથી ઉપદેશ અપાય છે; છતાં સમાજ વધુ ને વધુ પ્રદુષીત થતો જાય છે.”

    આવા ધતિન્ગો લગભગ દરેક ધર્મમાં થઈ રહ્યા છે. વારે તહેવારે અને ધાર્મિક ઉત્સવો પ્રસંગે, જેમાં લખો અંધશ્રધ્ધાળુઑના ટોળાઑ જોવા મળે છે, ત્યાં ઉપદેશો પણ અપાય છે, અને પ્રાર્થનાઑ (દુઆઑ) પણ થાય છે, છતા માનવી ધાર્મિકતાનો ડોળ કરી ને વધુ ને વધુ પાપ (ગુનાહો) ને આપનાવી રહયો છે.

    આવા ઉપદેશોનો શો ફાયદો?

    Liked by 1 person

  4. કડવું સત્ય એ છે કે આપણે આવી કથામાં જઈએ છીએ અને વાહ વાહ કરીએ છીએ. અને પાછળથી આ કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખીએ છીએ. આમાં ખરા ધર્મગુરુ, કથાકારો કોણ છે એ ખબર પડે નહી. સાચું શું?

    Liked by 1 person

  5. બહુ હિંમતવાન અને બહાદુર બહેન છે, સ્ત્રીનું અવમુલયન કરતી બોધકથાઓ અને વાર્તાઓનો સમાજે સામુહિક બહિષ્કાર કરવો જોઈએ—
    ગમે તે શાસ્ત્ર હોય અને ગમે તે વક્તા હોય સમાજે તેનો સામુહિક બહિષ્કાર કરવો જોઈએ.
    છેલ્લો પેરેગા્ફ બહુ ગમ્યો. ‘લોકોનું ધ્યાન ——— આપણી બંધારણીય ફરજ છે’

    Liked by 1 person

  6. ગર્વ સે કહો : વેદ-પુરાણ-શાસ્ત્ર-ક્થા-વારતા પઢનેકી કોઇ જરુરત નહીં હૈ.
    મૈં વેદ-પુરાણ-શાસ્ત્ર-ક્થા-વારતા પઢનેસે મૂક્ત હૂંં!
    લેખિકાબેનને અને બ્લોગર ગોવિંદભાઇને અભિનંદન.
    @ રોહિત દરજી “કર્મ”,હિંમતનગર
    વૉટ્સ એપ નં- 94267 27698

    Liked by 1 person

  7. થોડી વાર માટે આપણા હિન્દુત્વને બાજુ પર રાખીને વિચારીએ:
    જો રાવણે સીતાજી પર બળાત્કાર કર્યો હોત તો તે અપરાધ રાવણનો હોત છતાં સીતાજી બળી મર્યા હોત કે નહીં? શું આ ન્યાયી હોત? આ શું ક્રૂરતાયુક્ત મૃત્યુ ના હોત? આ શું સત્ય, ન્યાય અને માનવીયતા વિહીન કૃત્ય નહોતું? ન્યાય કે માનવીયતાની કોઈ જ મર્યાદા “મર્યાદા પુરુષોત્તમ”ને ના નડી?
    અહલ્યાના કિસ્સામાં એક ભૂલ થઇ તો હતી. તેને માફ કરી પણ સીતાજીને તો બીજાના દોષ માટે પણ દંડ દેવાનો? બીજાની પત્ની ક્ષન્તવ્ય પણ પોતાની પત્ની અક્ષમ્ય? શા માટે?
    અણસમજુ લોકોએ તો ખોટો આક્ષેપ કર્યો, પણ સત્યનું સમર્થન કરવાની રામની ફરજ નહોતી? પ્રજાને વાંધો હોય તો પોતે રાજ્યાસન છોડીને સીતાજી સાથે નજીકના કોઈ વનમાં ના જઈ શકયા હોત? રાજ્ય તો ભરતે ચૌદ વરસો સુધી સારી રીતે ચલાવેલું તેમ ફરીથી ચલાવત. પ્રજાનું કલ્યાણ કરવા માટે રાજ્યસત્તા હોવી આવશ્યક છે એમ હાલના આપણા નેતાઓ માનતા હોય છે તેમ રામ પણ માનતા હતા?
    અગ્નિપરીક્ષામાં પવિત્ર નીવડેલા સીતાજીનો ત્યાગ કર્યો. તેમને પોતાનો બચાવ કરવાની તક પણ ના આપી. જુઠું બોલીને લક્ષ્મણ સાથે વનમાં મોકલી આપ્યા. સજા તેમના ગર્ભમાં રહેલા બાળકને પણ થતી હતી તેનો વિચાર પણ ના કર્યો. પાછળથી સીતાજીનું અને તેમના ગર્ભનું શું થયું તે જાણવાની દરકાર ના લીધી. સપ્તપદીમાં સીતાજીનું રક્ષણ કરવાનું વચન આપ્યું હતું કે નહીં? તો ખોટા આક્ષેપ વિરુદ્ધ તેમનું રક્ષણ ન કરીને તેમણે વચનભંગ નહોતો કર્યો? રક્ષણ શું પત્નીના ભૌતિક શરીરનું જ કરવાનું, તેના સન્માનનું નહીં? રામ વડે ત્યાગ કરાએલા સીતાજી વિશે અશ્વમેધ યજ્ઞ સુધી અયોધ્યાની પ્રજાએ ખરાબ અભિપ્રાય રાખ્યો જ હશે ને? પાછળથી જાણે કે તેઓ પવિત્ર હતા તેથી શું?
    અયોધ્યાની પ્રજા શું એટલી નાદાન હતી કે તેના પર દાખલો બેસાડવા માટે નિર્દોષને સજા કરવી જ પડે?
    રઘુકૂલ રીતિ રામ ઠુકરાઈ
    વચન પિતાકા તોડકે
    ભાઈકી જાન બચાઈ.
    ટૂંકમાં પત્નીઓ અને શૂદ્રોને અન્યાય થાય તો તે આપણા પ્રાચીન પૂર્વજોને ખૂબ ગમતું હતું.
    ઉપરના કારણોને લીધે શું એ સ્પષ્ટ નથી કે રામની પૂજા એ આપણું સૌથી ખરાબ કલંક છે?

    Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s