…તો તારી દૃષ્ટી જતી રહેશે!

ગુરુ મસ્તરામ બાપુ પાસેથી આધ્યાત્મીક મહાશક્તી પ્રાપ્ત કરવા માટે કેશવાનન્દ અને રામાનન્દ નામના શીષ્યો સેવા કરતા હતા. મસ્તરામ બાપુ ચમત્કાર કરી દેખાડતા હતા. કેશવાનન્દના પીતાએ ચમત્કાર બાબતે તેના મગજમાં અજવાળું પાથરતા કેશવાનન્દે ગુરુની પરીક્ષા લેવાનો નીર્ણય કર્યો. તેમાં ગુરુજીને પોતાની મશ્કરી થતી હોવાનું લાગી આવતા,  ગુરુજીએ તેને ચાર મહીનામાં દૃષ્ટી જતી રહેશે એવો શાપ આપ્યો. ત્યાર પછી કેશવાનન્દનું શું થયું? ‘ચમત્કાર ચકાસણી કેન્દ્ર’, પાલીતાણાના અગ્રણી ચતુરભાઈ ચૌહાણે મસ્તરામ બાપુના ચમત્કારનું ‘પગેરું’ કઈ રીતે મેળવ્યું? તે જાણવા ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે. [………………….………]

…તો તારી દૃષ્ટી જતી રહેશે!

– રમેશ સવાણી

કેશવાનન્દ (ઉમ્મર : 18) અને રામાનન્દ (ઉમ્મર : 19) બન્ને મસ્તરામ બાપુના (ઉમ્મર : 50) શીષ્ય હતા. બન્ને વચ્ચે હરીફાઈ હતી. બન્નેને ગુરુ મસ્તરામ બાપુ પાસેથી આધ્યાત્મીક મહાશક્તી પ્રાપ્ત કરવી હતી! બન્ને શીષ્યો મસ્તરામ બાપુની સેવામાં સતત રહેતા. કેશવાનન્દ મસ્તરામ બાપુનો જમણો પગ દબાવતો હોય તો રામાનન્દ મસ્તરામ બાપુનો ડાબો પગ પોતાના ખોળામાં લઈને અચુક દબાવે! ભાવનગરમાં કાળીયાબીડ પાસે મસ્તરામ બાપુનો નાનો આશ્રમ હતો.

એક દીવસ રામાનન્દે કહ્યું : ‘‘કેશવાનન્દ! હું ગુરુજીનો ખાસ શીષ્ય છું. હું કહું તેમ ગુરુજી કરે! ગુરુજી પાસે મેલીવીદ્યાનો ભંડાર છે! તે મુઠ મારી શકે છે! પણ વાળી શક્તા નથી! હું મુઠ મરાવીશ તો તારી દૃષ્ટી જતી રહેશે! તું લગ્ન કરીશ તો તારી પત્ની દૃષ્ટીહીન પતી સાથે નહીં રહે! તારી પત્ની મારી પાસે આવી જશે!’’

કેશવાનન્દ તે રાતે તે ઉંઘી શક્યો નહીં. મસ્તરામ બાપુ ચમત્કાર કરે, મેલી–વીદ્યા અજમાવે તો પોતાની હાલત નરક સમી બની જાય, એ વીચારથી કેશવાનન્દના શરીરમાંથી ધ્રુજારી છુટતી હતી! કેશવાનન્દના હૈયામાં, મનમાં ડર ઘુસી ગયો. કેશવાનન્દે પોતાના પીતા દયાનન્દજીને સઘળી વાત કરી. દયાનન્દજીએ કહ્યું : ‘‘બેટા! કેશવાનન્દ! ડરવાની જરુર નથી! કોઈ તારી દૃષ્ટી છીનવી શકે નહીં! ચમત્કારનો દાવો કરનાર પાખંડી હોય છે!’’

‘‘પપ્પા! મને ચીંતા થયા કરે છે. રામાનન્દ કાવતરું કરે તો? મસ્તરામ બાપુ ગેરમાર્ગે દોરવાઈ જાય અને મારી દૃષ્ટી છીનવી લે તો?’’

‘‘બેટા! ચીંતા છોડી દે. મસ્તરામ બાપુ સળીના બે ટુકડા પણ ન કરી શકે! તું રૅશનલ બન! મસ્તરામ બાપુના રવાડે ચડવા જેવું નથી! મેં તને અગાઉ પણ અનેક વખત સમજાવ્યો હતો.’’

‘‘પપ્પા! હું મસ્તરામ બાપુની પરીક્ષા કરીશ. તે ચમત્કાર કરી શકે છે કે કેમ?’’

‘‘બેટા! મસ્તરામ બાપુ નાપાસ થશે, તું લખી લે!’’

બીજા દીવસે, મસ્તરામ બાપુના આશ્રમે કેશવાનન્દ પહોંચ્યો અને કહ્યું : ‘‘ગુરુજી! તમે ચમત્કાર કરી શકો છો?’’

‘‘શીષ્ય કેશવાનન્દ! આવો પ્રશ્ન તારા મનમાં કેમ ઉદ્ભવ્યો?’’

‘‘ગુરુજી! મેં ક્યારેય ચમત્કાર જોયો નથી. મારે ચમત્કાર જોવો છે!’’

‘‘શીષ્ય! તૈયાર થઈ જા! ચમત્કાર કરતાં પહેલાં હું થોડી વીધી કરીશ! આકાશમાંથી શક્તીઓને નીચે બોલાવીશ પછી તું નજરોનજર ચમત્કાર જોઈ શકીશ!’’

મસ્તરામ બાપુએ મન્ત્રોચ્ચાર કર્યા. ધુપદીપ કર્યા. હાથમાં સ્લેટ પાટી લીધી. તેમાં કંઈક લખ્યું પછી સ્લેટ ઉંધી વાળી દીધી. મસ્તરામ બાપુએ કહ્યું : ‘‘શીષ્ય કેશવાનન્દ! તું ચમત્કાર જોવા માંગે છે?’’

‘‘હા ગુરુજી!’’

‘‘તું એકથી નવ સુધીનો કોઈપણ એક આંકડો મનમાં ધારી લે! તે મનમાં શું ધાર્યું છે, તે આ સ્લેટમાં લખાઈ જશે!’’

કેશવાનન્દ ગુરુજીને તાકી રહ્યો. થોડી વારે કેશવાનન્દે કહ્યું : ‘‘ગુરુજી! મેં એક આંકડો ધારી લીધો છે!’’

‘‘કેશવાનન્દ! તેં તારા મનમાં જે આંકડો ધાર્યો છે તે આ સ્લેટમાં અગાઉથી લખાઈ ચુક્યો છે! બોલ. તેં કયો આંકડો ધાર્યો છે?’’

‘‘ગુરુજી! મેં સાતનો આંકડો ધાર્યો હતો!’’

મસ્તરામ બાપુએ સ્લેટ હાથમાં લેતા પહેલા મન્ત્રોચ્ચાર કર્યા. પછી હળવેકથી સ્લેટ હાથમાં લીધી અને પુછ્યું : ‘‘કેશવાનન્દ! તું ભુલી ગયો નથી ને? તેં સાતનો જ આંકડો ધાર્યો હતો ને?’’

‘‘હા, ગુરુજી.’’

મસ્તરામ બાપુએ સ્લેટ કેશવાનન્દ સામે ધરી. તેમાં સાતનો આંકડો જ લખાયેલો હતો! કેશવાનન્દ ગુરુજીના પગમાં આળોટવા લાગ્યો.  ‘‘ગુરુજી! હું ધન્ય થઈ ગયો! તમે ઈશ્વરીય શક્તી ધરાવો છો! તમે ચમત્કારી છો!’’

કેશવાનન્દ ઘેર ગયો, અને કહ્યું : ‘‘પપ્પા! મસ્તરામ બાપુ ચમત્કારી છે! મને ચમત્કાર દેખાડ્યો!’’

દયાનન્દે બધી વાત સાંભળીને કહ્યું : ‘‘બેટા એમાં કોઈ ચમત્કાર નથી! આવો ચમત્કાર તો હું પણ કરી શકું છું! લાવ સ્લેટ! તું એકથી નવ સુધીનો કોઈપણ આંકડો તારા મનમાં ધારી લે!’’

કેશવાનન્દે ચારનો આંકડો ધાર્યો. દયાનન્દે સ્લેટ ઉંચી કરી કેશવાનન્દને બતાવી. તેમાં ચારનો આંકડો લખ્યો હતો! કેશવાનન્દ મુંઝાયો!

દયાનન્દે કહ્યું : ‘‘બેટા કેશવાનન્દ! મેં સ્લેટમાં અગાઉથી જ એકથી નવના આંકડા લખી નાખ્યા હતા! તે ધારેલો આંકડો ચાર કહ્યો એટલે સ્લેટ સવળી કરતી વેળાએ બાકીના આંકડા મેં ભુસી નાખ્યા. આ ચમત્કાર નોટબુકમાં પેનથી આંકડા લખીએ તો ન થાય, સ્લેટમાં જ થાય!’’

કેશવાનન્દના મગજમાં અજવાળું પથરાઈ ગયું! એ મસ્તરામ બાપુ પાસે પહોંચ્યો અને કહ્યું : ‘‘ગુરુજી! તમે એકથી નવનો કોઈ આંકડો ધારી લો! તમે જે આંકડો ધાર્યો હશે તે આ સ્લેટમાં અગાઉથી જ લખાઈ જશે!’’

‘‘શીષ્ય! કેશવાનન્દ! તું ગુરુજીની મશ્કરી કરે છે? હું તને શાપ આપું છું! ચાર મહીનામાં, તારી દૃષ્ટી જતી રહેશે!’’

મસ્તરામ બાપુએ ગુસ્સાથી હથેળીઓ ઘસી. થોડીવારે ખાલી હથેળીમાંથી કંકુ ખરવા લાગ્યું!

કેશવાનન્દ મુંઝાયો. આ તો ચમત્કાર! એ દોડતો દોડતો ઘેર આવ્યો. પપ્પાને બધી વાત કરી. દયાનન્દે કહ્યું : ‘‘બેટા! તારા ગુરુજી ઢોંગી છે! હાથમાંથી એવી જ ચીજવસ્તુઓ નીકળે જે હાથમાં છુપાવી શકાય! ખાલી હાથમાંથી કાર કે હાથી ન નીકળે! સમજ્યો?’’

બે દીવસ પછી રામાનન્દ, કેશવાનન્દને બજારમાં મળ્યો. તેણે કહયું : ‘‘કેશવાનન્દ! તે ગુરુજીની મશ્કરી કરી છે. ચાર મહીનામાં તારી દૃષ્ટી જતી રહેશે!’’

કેશવાનન્દ ગભરાઈ ગયો. દૃષ્ટી જતી રહે તો જીવન નકામું થઈ જાય! એની ઉંઘ ઉડી ગઈ! ખાવા પીવામાંથી રુચી જતી રહી! બે મહીનામાં તેનું વજન સાત કીલો ઘટી ગયું! દયાનન્દ ચીંતામાં મુકાઈ ગયા. તેણે ડૉકટરનો સમ્પર્ક કર્યો. ડૉકટરે કહ્યું : ‘‘કેશવાનન્દને કંઈ થયું નથી, તેણે મસ્તરામ બાપુના શાપની વાત માની લીધી છે. રોગ ખોટો છે એટલે ઉપાય પણ ખોટો કરો! મુજાવર પાસે લઈ જાવ! તે કેશવાનન્દને સારો કરી દેશે!’’

દયાનન્દની ઈચ્છા ન હોવા છતાં તે કેશવાનન્દને પાલીતાણાના મુજાવર પાસે લઈ ગયા; પણ કેશવાનન્દને સારું ન થયું.

ચાર મહીના થયા છતાં કેશવાનન્દની સ્થીતીમાં સુધારો ન થયો. દયાનન્દે કહ્યું : ‘‘બેટા! ચાર મહીના થયા છતાં તારી દૃષ્ટી ગઈ નથી! તને કંઈ થવાનું નથી. બેટા! તું કેમ ગભરાઈ ગયો છે? તને કશુંય થવાનું નથી! બાપુઓ, ગુરુઓ, સ્વામીઓ, અમ્માઓ, માતાજીઓ, મુનીઓ, પ્રગટ બ્રહ્મસ્વરુપો, શાસ્ત્રીઓ વગેરે પાસે જનારની દૃષ્ટી તો જતી જ રહે છે! એની પાસે આંખો હોય છે, પણ દૃષ્ટી રહેતી નથી! આ દેશમાં કરોડો લોકો દૃષ્ટીહીન થઈ ગુરુઓની પાછળ ભટકી રહ્યા છે!’’

દયાનન્દની સમજાવટ છતાં કેશવાનન્દમાં કોઈ ફેર ન પડ્યો.

તારીખ 29 ડીસેમ્બર, 1988ને ગુરુવાર. દયાનન્દ બજારમાં શાકભાજી ખરીદવા ગયા ત્યાં તેની નજર એક બોર્ડ ઉપર ગઈ. તેમાં લખ્યું હતું : ‘કોઈ મુઠ મારી કોઈ કાર્ય કરી બતાવે તેને ત્રણ લાખનું ઈનામ મળશે! મુઠ મારનારનો ભેટો કરાવે તેને પચાસ હજારનું ઈનામ!’ બોર્ડમાં ફોન નમ્બર હતો. દયાનન્દ, કેશવાનન્દને લઈને ‘ચમત્કાર ચકાસણી કેન્દ્ર’, પાલીતાણાના અગ્રણી ચતુરભાઈ ચૌહાણને (ઉમ્મર : 43) ત્યાં પહોંચ્યા. ચતુરભાઈએ પુછયું : ‘‘કેશવાનન્દ! તું તારા ગુરુ મસ્તરામ બાપુનું ચીત્ર દોરી શકે?’’

‘‘સાહેબ! દોરી શકું!’’

કેશવાનન્દે ગુરુનું ચીત્ર દોર્યું : ચતુરભાઈએ કહ્યું : ‘‘કેશવાનન્દ! હવે એ ચીત્રના દસ ટુકડા કરી નાંખ!’’

કેશવાનન્દ ગભરાઈ ગયો. તેણે કહ્યું : ‘‘સાહેબ! ગુરુજીના ચીત્રના દસ ટુકડા કરીશ તો મારા શરીરમાં દસ જગ્યાએ મુઠ લાગે!’’

ચતુરભાઈએ પોતાના દીકરા પીયુષને બોલાવ્યો. પીયુષની ઉમ્મર કેશવાનન્દ જેટલી જ હતી. ચતુરભાઈએ કહ્યું : ‘‘બેટા પીયુષ! કેશવાનન્દના હાથમાં ગુરુજીનું ચીત્ર છે. એ ચીત્રના દસ ટુકડા કરી નાંખ!’’

પીયુષે તરત જ કેશવાનન્દના હાથમાંથી ચીત્ર ઝુંટવી લીધું અને ચીત્રના દસ ટુકડા કરી નાંખ્યા! એને કશું ન થયું.

કેશવાનન્દના મગજમાં અજવાળું પથરાઈ ગયું! ચતુરભાઈ, પીયુષ, દયાનન્દ અને કેશવાનન્દ પોલીસ સબ ઈન્સ્પેકટર એમ. આર. ગુપ્તાને મળ્યા. પછી ચમત્કારનું ‘પગેરું’ મેળવવા સૌ બાપુના આશ્રમે પહોંચ્યા. બાપુને અણસાર આવી ગયો. તેમણે દોટ મુકી. રીક્ષામાં બેઠા અને નાસી ગયા!

કેશવાનન્દની ઉદાસી તરત જ દુર થઈ ગઈ. તે હસી ખડખડાટ પડ્યો!

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’ (16, નવેમ્બર, 2016)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી ઈ.મેઈલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 14–09–2018

4 Comments

  1. “ચમત્કાર ને નમસ્કાર”

    જ્યાં અંધ્ધ શ્રધ્ધાળુઓ હોય, ત્યાં આવા કહેવાતા ચમત્કારો (ખરી રીતે જોતા હાથ ચાલકીઓ) થકી લેભાગુ બાપુઓ, પીરો વગેરેને ઘીકેળા હોય છે. પ્રજા માં જાગૃતિ લાવવા માટે ‘ચમત્કાર ચકાસણી કેન્દ્ર’ જેવી સંસ્થાઓ ની જરૂરત છે.

    Liked by 1 person

  2. ખૂબ સરસ લેખ છે ચમતકાર જેવુ કોઈ નથી….

    Liked by 1 person

  3. First class educative article. Well written. Congratulations, Mr. Savani. Many more articles can help remove blind belief from the younger generation.

    Liked by 1 person

  4. સરકાર આવા લેભાગુ અને અંધશ્રદ્ધા ફેલાવનાર માટે કડક કાયદો લાવે

    Liked by 1 person

Leave a comment