કચરાની જેમ કીડની બાળી દેવાય?

શાળામાં બાળકોની રજા પડે પછી આપણે તેની બધી નોટબુકોમાંથી કોરા પાના ફાડી લઈને તેમાંથી નવી નોટબુક બનાવી આપીએ છીએ. આપણાં દેહના પ્રત્‍યેક અંગો એ નોટબુકના કોરા પાના કરતાં કરોડગણા કીમતી છે તેને ગલી મહોલ્લાના કચરાની જેમ બાળી દેવાનું યોગ્‍ય લેખાય ખરું…? ચાલો, વીચારીએ. 

કચરાની જેમ કીડની બાળી દેવાય?

–દીનેશ પાંચાલ

પચાસેક વર્ષો પુર્વે દામુ સાંગાણી નામનો હાસ્‍યલેખક થઈ ગયો. તેણે તે જમાનામાં લખેલું : ‘માણસ તેના પાડોશી પાસેથી સાયકલ માગી શકે; પણ પગ માગી શકતો નથી. મહેમાનોનું ધાડુ આવી પડે તો પાડોશીને ત્‍યાંથી કપરકાબી લાવી શકાય; પણ કોઈ પાસેથી કીડની ઉછીની મંગાય ખરી? કોઈને એવું ન જ કહી શકાય કે, ‘આજે બૈરી મારુ મગજ ખાઈ ગઈ છે તમારુ મગજ (જો ચાલુ હોય તો..) જરા આપોને…!’ દોસ્‍તો, પચાસ વર્ષો પુર્વે એ શક્‍ય ન હતું; પણ હવે મેડીકલ સાયન્‍સે એ શક્‍ય બનાવ્‍યું છે. એક માણસ બીજા માણસને લોહી તો આપે જ છે પણ હવે આંખ, હાર્ટ, મગજ, લીવર, ફેફસા, સ્‍ટેમ સેલ, બોનમેરો, ત્‍વચા, પેનક્રીયાસ વગેરે અંગોનું દાન કરી શકે છે. આજે મેડીકલ સાયન્‍સે એટલી તરક્કી કરી છે કે કોઈના હૃદીયામાં રહી શકાય છે અને જરુર પડયે તેને હૃદય પણ આપી શકાય છે. હા, એટલું ખરું કે ભલે મન મળ્‍યા હોય પણ બ્‍લડગ્રુપ ના મળે તો કીડનીનું ટ્રાન્‍સપ્‍લાન્‍ટેશન (પ્રત્‍યારોપણ) થઈ શકતું નથી. માણસ જુના ટીવીના સ્‍પેરપાર્ટસ નવા ટીવીમાં નાખીને તેને જીવતું કરે છે તે રીતે હવે ડૉક્‍ટરો એક માણસના અંગો બીજા માણસના દેહમાં નાખીને તેની અધુરપ દુર કરે છે. માણસની એવી કમાલને કારણે અમે માણસને દુનીયાનો ‘ડેપ્‍યુટી ગૉડ’ ગણીએ છીએ. આજે ‘અંગદાન’ની જરુરીયાત એટલા માટે વધારે છે કે માણસે ખુબ તરક્કી કરી છે; પણ હજી એ લોહી બનાવી શક્‍યો નથી. હૃદય બનાવી શક્‍યો નથી. એચ.ટુ.ઓ. દ્વારા પાણીની જન્‍મકુંડળી તો જાણી શક્‍યો; પણ ખેતી માટે હજી એણે વરસાદ પર જ આધાર રાખવો પડે છે. માણસે ‘પેસમેકર’ બનાવ્‍યું તે વડે હૃદય ધબકી શકે છે; પણ દરેક માણસને ‘પેસમેકર’ વડે પુનઃ જીવીત કરી શકાતો નથી.

આપણે ત્‍યાં કેટલીક ધાર્મીક માન્‍યતાઓને કારણે ‘ચક્ષુદાન’ કે ‘દેહદાન’ કરવાનો લોકોને ઉમળકો ઓછો રહ્યો છે. ‘સોનાની બે લગડી’ ( https://govindmaru.wordpress.com/2018/08/13/dinesh-panchal-84/ ) લેખમાં આપણે જોયું તેમ શ્રીલંકામાં એવી માન્‍યતા છે કે જેઓ ચક્ષુદાન કરે છે તેમને સ્‍વર્ગમાં તથાગત્ બુદ્ધની બાજુમાં સ્‍થાન મળે છે. એ કારણે ત્‍યાં એટલી વીપુલ માત્રામાં ચક્ષુદાન થાય છે કે દેશની જરુરીયાત પુર્ણ થયા પછી પણ તેઓ જુદા જુદા 60 દેશોમાં ચક્ષુઓની નીકાસ કરે છે. આપણે ત્‍યાં દર વર્ષે સાડા પાંચ લાખ લોકોનું મૃત્‍યુ કીડની, લીવર અને હાર્ટએટેકને કારણે થાય છે. જાણીને નવાઈ લાગશે પણ ભારતમાં આશરે 20,000 લીવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટની જરુર છે. પરન્તુ તેની સામે માત્ર સાડી ચારસો થી પાંચસો જ લીવર પ્રાપ્‍ત થાય છે. દુનીયાના અબજોપતી માણસને પણ લીવર, કીડની કે આંખની જરુર પડે છે ત્‍યારે તેમણે કોઈ માણસ પર જ આધાર રાખવો પડે છે. મુકેશ અંબાણી કે અનીલ અંબાણી ધંધામાં મગજ દોડાવી શકે છે; પણ તેમની ફેક્‍ટરીમાં લીવર કે મગજ બનાવી શકતા નથી. માણસ માણસ વચ્‍ચે ભાઈચારો જળવાઈ રહે એ માટે કદાચ કુદરતે જ આવું આયોજન કર્યું હશે. માણસે સંશોધનના આકાશમાં અદ્‌ભુત ઉડ્ડયન કર્યું છે; છતાં હજી એની ઉડાન અધુરી છે. એ ચશ્‍મા બનાવી શકે છે, આંખ બનાવી શકતો નથી. ડાયાલીસીસનું મશીન બનાવી શકે; પણ કીડની બનાવવાની ફેક્‍ટરી ઉભી કરી શકતો નથી. પાણી માટેનો ‘હેન્‍ડપમ્‍પ’ બનાવી શકે; પણ ‘હાર્ટપમ્‍પ’ હજી એના ગજાબહારની વાત છે. એ રોકેટો છોડીને ઉપગ્રહોની ભુગોળ જાણી શકે છે; પણ જે જે મગજ દ્વારા એ બધું શક્‍ય બને છે તે મગજ માટે તો એણે કુદરત પર જ આધાર રાખવો પડે છે. ફીલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કાળા રંગના કલાકારને મેક–અપ વડે ગોરો બનાવી શકાય છે તે રીતે હવે આફ્રીકાના હબસીને પણ ગોરો બનાવી શકાય છે. આજે અડધી રાતે બીયર મળી શકે; પણ લીવર નહીં. સ્‍ટેમ સેલ, બોનમેરો પણ કીરાણાની દુકાને મળતાં નથી. માણસે ટાયરમાં હવા ભરવાનું કોમ્‍પ્રેસર બનાવ્‍યું તે રીતે ફેફસા બનાવી શકાતાં નથી. એ કારણે ‘અંગદાન’નું મહત્ત્વ આજે સૌથી વીશેષ રહ્યું છે.

આપણે ત્‍યાં મૃત્‍યુની બદલાયેલી વ્‍યાખ્‍યા મુજબ કોને મૃત્‍યુ ગણવું તે અંગેનો કાયદો 1994માં અમલમાં આવ્‍યો હતો. પહેલા દરદીના હૃદયની ધડકન ચાલુ હોય તો તેને જીવીત માનવામાં આવતો હતો; પરન્તુ નવા કાયદા મુજબ હૃદય ભલે ધબકતું હોય; પણ બ્રેઈન–ડેડ થઈ ગયું હોય તો તેવી વ્‍યક્‍તીને મૃત જાહેર કરવામાં આવે છે. બ્રેઈન–ડેડ શું છે તે પણ સમજી લઈએ. ક્‍યારેક અકસ્‍માત થાય ત્‍યારે મગજમાં ગંભીર ઈજા પહોંચે છે. જેને કારણે મગજ કામ કરતું બંધ થઈ જાય છે. એવા દરદીને લાઈફ સપોર્ટ સીસ્‍ટમ (અથવા વેન્‍ટીલેટર) પર રાખવામાં આવે છે; પરન્તુ જેનું બ્રેઈન–ડેડ થયું હોય તેનું મૃત્‍યુ નીશ્ચીતી જ હોય છે. જે રીતે નળની ચકલી ઘુમાવીને પાણી બંધ કરી દીધા પછી પણ (પાઈપમાં જે પાણી હોય તે) થોડી સેકન્‍ડો સુધી વહેતું રહે છે તે રીતે  બ્રેઈન–ડેડ થઈ ગયા પછી પણ હૃદય થોડી મીનીટો સુધી ધબકતું રહે છે; પરન્તુ ગણતરીની સેકન્‍ડોમાં તેની ધડકનો અચુક બંધ પડે છે. એથી બ્રેઈન–ડેડને જ ખરુ મૃત્‍યુ માનવાનો કાયદો હવે અમલમાં આવ્‍યો છે. બ્રેઈન–ડેડ થયા બાદ થોડા સમયમાં જ મૃતકના બધાં અંગો દાનમાં આપી શકાય છે. મૃત્‍યુ થયાને ઘણો સમય વીતી ગયો હોય તો અંગોની (રીયુઝ એબેલીટી) ગુણવત્તા ખરાબ થવા માંડે છે તેથી તે ઉપયોગી રહેતાં નથી. અમદાવાદની ઈન્સ્ટીટ્યુટ ઑફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર(IKDRC)ના ડૉ. પ્રાંજલ મોદી કહે છે : ‘શરીરમાં લીવર એવું અંગ છે જેને અડધું કાપીને અન્‍યના દેહમાં પ્રત્‍યારોપીત કરવામાં આવે તો બે મહીનાથીય ઓછા સમયમાં એ વધીને ઓરીજીનલ લીવર જેટલું થઈ જાય છે. અને જેને અડધું લીવર આપવામાં આવ્‍યું હોય તેના દેહમાં પણ લીવરની વૃદ્ધી એવી જ ઝડપથી થાય છે.’

આપણા દેશમાં થોડા સમયથી લીવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટેશનની સંખ્‍યા વધી છે; પરન્તુ ચક્ષુદાનની સંખ્‍યા કરતાં એનું પ્રમાણ હજી ઓછું રહ્યું છે. ભારતમાં બ્રેઈન–ડેડને લીધે રોજની સાત વ્‍યક્‍તીઓનું મૃત્‍યુ થાય છે અને ‘અંગદાન’નું પ્રમાણ દશ લાખે ફક્‍ત 0.05 ટકા જેટલું છે. જ્‍યારે પશ્ચીમી દેશોમાં દશ લાખે લગભગ 38 ટકા જેટલું છે. જર્મનીમાં 25 ટકા લોકો અંગદાનના કાર્ડ ધરાવે છે. આપણે ત્‍યાં એક લાખ લોકોને કીડનીની જરુર છે પણ તેની સામે ફક્‍ત 3000 કીડનીઓ જ દાનમાં મળે છે. માણસને કુદરત તરફથી મળેલા કીમતી અંગો સ્‍મશાનમાં બળીને રાખ થઈ જાય છે તેને બદલે એ અંગોથી કોઈને નવજીવન મળતું હોય તો તેનાથી ઉત્તમ માનવધર્મ બીજો કયો હોઈ શકે? અમારા બચુભાઈ કહે છે : ‘આપણે સ્‍વજનને ખુબ પ્રેમ કરતા હોઈએ છીએ છતાં તેનું મૃત્‍યુ થાય ત્‍યારે અગ્‍નીસંસ્‍કાર કરતાં પહેલા તેના દેહ પરથી સોનાના ઘરેણા ઉતારી લઈએ છીએ. કેમકે સોના જેવી કીમતી વસ્‍તુ અગ્‍નીમાં બળીને રાખ થઈ જાય તેનો કોઈ ફાયદો હોતો નથી. આપણે ઉપર જોયું તેમ દેહના અંગો સોના કરતાં પણ વધુ કીમતી હોય છે. અને આ પૃથ્‍વીલોકમાં ઉપરવાળાની કોઈ રીટેલશોપ તો છે નહીં કે જ્‍યાંથી કીડની, લીવર, હાર્ટ કે આંખો ખરીદી શકાય. એવા સંજોગોમાં એ માનવ અંગોને અગ્‍નીમાં બાળી દઈને આપણે કુદરતના પણ ગુનેગાર બનીએ છીએ. શાળામાં બાળકોની રજા પડે પછી આપણે તેની બધી નોટબુકોમાંથી કોરા પાના ફાડી લઈને તેમાંથી નવી નોટબુક બનાવી આપીએ છીએ. આપણાં દેહના પ્રત્‍યેક અંગો એ નોટબુકના કોરા પાના કરતાં કરોડગણા કીમતી છે તેને ગલી મહોલ્લાના કચરાની જેમ બાળી દેવાનું યોગ્‍ય લેખાય ખરું…? ચાલો, વીચારીએ. 

–દીનેશ પાંચાલ

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 15 નવેમ્બર, 2015ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવનસરીતાના તીરે’માંથી, લેખકના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com  બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ.મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 17/09/2018

7 Comments

 1. ભાઈ દીનેશ પાંચાલ આપના આ લેખ બદ્દલ ખુબ ખુબ ધન્યવાદ. રસપ્રદ અને માહિતીપુર્વક લેખ. પણ આપણો સમાજ હજી સુધી આ બાબતમાં ભેસ આગળ ભાગવત સમજે છે. ભાઈ દિનેશ પંચાલના લેખને ખરેખર માણનારા માંડ ૧૦ ટક્કા હોય તો ભયો ભયો. દેહદાન, નેત્રદાન, ત્વચાદાન એ મક્કમ હૃદયના માનવીનું કામ છે. ઘરના લોકો આમાં સહમત થાય કે નહિ એ શંકાનો વિષય છે. એવું પણ સાંભળવામાં આવ્યું છે કે દેહદાન, નેત્રદાન, ત્વચાદાન દેનારના અંગો વેચાઈ જાય છે. આ સાચું હોય તો આં બાબત પણ અતિ ગંભીર છે. મારા આ કોમેન્ટ બદ્દલ કોઈનું મન દુભાયું હોય તો મિચ્છામી દુક્કડમ અને જય જીનેન્દ્ર.

  Liked by 1 person

 2. – જીવતા હોય એ ત્યારે “દાન” કરી ને સમાજની સેવા કરીએ તે પશન્સનીય છે પણ મૃત્યુ બાદ આપણું શરીર બળી ને રાખ થઇ જાય તે કરતા “દેહ દાન” કરી ને મેડીકલ ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને ઉપયોગી થાય, શરીર રચના અને તેમાં થતા વીવીધ પ્રકારના રોગો અંગે નવા નવા સંશોધનો માટે નવી દિશા મળે તે માટે “દેહદાન” કરવુ એ એક આવકારદાયક નિર્ણય છે. માનવજાત ના કલ્યાણ તથા ફાયદા માટે અને તબીબીજ્ઞાન મેળવવા માટે “દેહદાન” એક વ્યવહારુ ને નીસ્વાથભાવે લીધેલો નિર્ણય. ખરા અર્થ મા મૃત્યુ સાર્થક બન્યું કહેવાય.

  Liked by 1 person

 3. ખુબ સરસ લેખ.

  “અંગ દાન”નું મહત્વ, બુદ્દિ રાખનારાઓ માટે કેટલું અગત્યનું છે, તેનો અંદાજો ઍ પરથી લગાવી શકાય છે, કે ઈસ્લામી દેશોમાં પણ, જ્યાં રુઢિચુસ્તો ભરેલા છે, ત્યાં પણ હવે અંગદાનથી બીજાઓ ને નવજીવન મળે છે.

  Liked by 1 person

 4. very scientifically written article on “DEHDAN” appreciate example : “શાળામાં બાળકોની રજા પડે પછી આપણે તેની બધી નોટબુકોમાંથી કોરા પાના ફાડી લઈને તેમાંથી નવી નોટબુક બનાવી આપીએ છીએ. આપણાં દેહના પ્રત્‍યેક અંગો એ નોટબુકના કોરા પાના કરતાં કરોડગણા કીમતી છે તેને ગલી મહોલ્લાના કચરાની જેમ બાળી દેવાનું યોગ્‍ય લેખાય ખરું…? ચાલો, વીચારીએ. “

  Liked by 1 person

 5. Very nice article.
  Buddhists in Shri Lankaa have a wrong but quite a useful belief.
  Why do we Hindus and Muslims NOT have such helpful beliefs?
  Can we not create or inspire good and practical beliefs like these?
  Thanks.
  —Subodh Shah — USA.

  Liked by 2 people

 6. ખૂબ જ વિચારવંત લેખ. હાર્દિક અભિનંદન. આ વિષય ઉપર વઘુ ને વઘુ લેખો છપાય તેવી આશા. સેમીનારો ભરાય તેવી આશા. રામાયણ અને મહાભારતની જૂની વાર્તાને બદલે આ વિષય ઉપર વઘુ ચિંતનાત્મક વાર્તાલાપો યોજાય. નવી પેઢીને માનસિક અને હાર્દિક રીતે તૈયાર કરાય…..તેવું ઇચ્છું…..ઇચ્છીઅે.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 7. શ્રી અમૃતભાઈ હઝારી, આપના વિચારો ઉંપાર હું સંપૂર્ણપણે સહમત છું. વસ્તુસ્તીથી એ છે કે આ વિજ્ઞાન યુગમાં હજારોની સખ્યામાં લોકો મોરારીબાપુની રામાયણ કથામાં વર્ષોથી આજ ઘડી સુધી જાય છે. આજના વિજ્ઞાન યુગમાં આ કેટલું યથા યોગ્ય છે એ વિચારવા જેવું છે. આનું કોઈ નિરાકરણ ખરું કે? મોરારીબાપુ આજના જમાના મુજબ જવાન પેઢીને એવું પ્રવચન આપે કે જુવાનીયા એમને માનતા થાય. ક્યારેક કોઈ એક માણસ ભેગા થઈને પોતાનું રામાયણ ચલાવે છે ત્યારે લોકોને એનું રામાયણ ગમતું ના પણ હોય. એક કહેવત છે કે ” શું રામાયણ ચલાવી છે.” એટલે રામાયણ ગમવુંજ જોય એવું નથી કોઈનું મનદુક્ખ થયું હોય તો મિચ્છામી દુક્કડમ. જય જીનેન્દ્ર.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s