સમાજ ઉપર અસર થાય તેવી કઈ પ્રવૃત્તીઓ માણસ કરે છે? ‘સ્વધર્મ’ અને ‘પરધર્મ’ શું છે? માણસ કઈ સમઝણ મેળવી, તેનું પાલન કરીને આત્મગૌરવ અને સુખ પ્રાપ્ત કરી શકે છે? તે સમઝવા ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.
8
ગીતાનો ‘સ્વધર્મ’
–વીક્રમ દલાલ
સમાજ એ કુટુમ્બનું જ વીસ્તૃત સ્વરુપ હોઈને કુટુમ્બની માફક સમાજમાં પણ માણસ તેની પ્રાણીસહજ વૃત્તીઓને બહેકવા ન દે તે જરુરી છે. આ કારણથી બાળકની સ્વકેન્દ્રીતા ક્ષમ્ય છે; પરન્તુ જો પુખ્તવયનો માણસ પણ તેવી રીતે વર્તે તો તે અસંસ્કારીતાની નીશાની મનાય છે. નરસીંહ મહેતાનું પ્રખ્યાત ભજન, ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ …’ એ માણસમાં રહેલી પ્રાણીસહજ સ્વકેન્દ્રીતા ઉપર સમઝણપુર્વક નીયન્ત્રણ રાખતો હોય તેવા સંસ્કારી માણસના વર્તનનું વર્ણન છે.
માણસ જે કોઈ પ્રવૃત્તી (વીચાર અને/અથવા આચાર) કરે તેની અસર સમાજ ઉપર પણ થાય. અસરને ખયાલમાં રાખીને માણસની પ્રવૃત્તીને મુખ્યત્વે ત્રણ પ્રકારમાં વહેંચી શકાય – સમાજપોશક પ્રવૃત્તી, અંગત લાભ માટેની પ્રવૃત્તી અને સમાજઘાતક પ્રવૃત્તી. આ પ્રકારો માટે ગીતા અનુક્રમે સત્ત્વ, રજસ અને તમસ શબ્દ વાપરે છે.
માણસ એક ક્ષણ પણ પ્રવૃત્તી કર્યા વગર રહી શકતો નથી (3/5) માટે જીવનમાં ડગલેને પગલે નીર્ણય લેવો પડે છે. દરેક વ્યક્તી પોતાની સમઝણ પ્રમાણે ‘યોગ્ય’ નીર્ણય લે છે; પરન્તુ દરેકના યોગ્યતાના ખયાલ જુદાજદા હોય છે તેથી દરેકનો મત જુદો હોય છે. આ હકીકતનો સ્વીકાર કરવો એટલે જ વ્યક્તીસ્વાતન્ત્રનો સ્વીકાર કરવો. આમ છતાં, સમાજના સભ્યોએ એકબીજા સાથે જીવવાનું હોઈને વ્યક્તીસ્વાતન્ત્રની વીભાવનામાં સ્વછંદતાને સ્થાન નથી જ (2/61, 67).
આપણી બોલચાલની ભાષામાં ‘ધર્મ’ શબ્દ સમ્પ્રદાયના અર્થમાં વપરાય છે; પરન્તુ ‘ધર્મ’નો મુળ અર્થ છે – જે વીચાર કે આચારને કારણે સમાજ (અને માણસજાત) ટકે છે તે. સમાજના વીકાસ માટે દરેક વ્યક્તીએ પોતાના ભાગે આવેલું કામ સારામાં સારી રીતે કરવું જોઈએ (2/50). માટે ગીતામાં ‘ધર્મ’ શબ્દ સમ્પ્રદાયના અર્થમાં નહીં પણ ‘કર્તવ્ય’ના અર્થમાં વપરાયો છે.
સ્વધર્મ એટલે સમાજને ટકાવવા માટેનું વ્યક્તીનું કર્તવ્ય. આ કામ બહારના દબાણથી નહીં; પણ અન્દરથી આવતી પ્રેરણાથી થતું હોય તો જ તેનો ભાર ન લાગે. અન્ત:પ્રેરણાનો અનુભવ કરવા માટે કીર્તીલોલુપ ગુરુઓએ ઉભી કરેલી માયાજાળ ફગાવી દઈને પોતાની જાતને તટસ્થતા અને નીર્દયતાથી જીવનપર્યન્ત સતત તપાસ્યા કરવી પડે. જેમ ભૌતીક દુનીયામાં દરેકનો ચહેરો જુદો તેમ માનસીક દુનીયામાં દરેકનું ચીન્તન જુદું. પોતાના ચીન્તનથી આવતી સમઝણ એ ‘સ્વધર્મ’ છે (18/47). સ્વધર્મના પાલન માટે બહુમતીથી જુદા પડવાની તથા તેના પરીણામની સમ્પુર્ણ જવાબદારી સ્વીકારવાની નૈતીક હીમ્મ્ત પણ કેળવવી પડે છે. માટે પ્રીતમ કહે છે, ‘હરીનો મારગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને…’. સમઝણ વધે તેમ ‘સ્વધર્મ’ પણ વીકસે માટે ‘સ્વધર્મ’ એ સતત વીકસતો અને માટે બદલાતો ધર્મ છે. ‘સ્વધર્મ’માં ભુલ હોઈ શકે પણ જુઠ નહીં. ગાંધીજી કહેતા હતા કે, ‘જ્યારે મારા બે વીધાનો વચ્ચે તફાવત જણાય ત્યારે મારા છેલ્લા વીધાનને માનવું.’ સ્વધર્મના પાલનમાં અભીમાન નહીં; પણ આત્મગૌરવ રહેલું છે.
વીચારશીલ વ્યક્તીઓ ‘સત્ય’ શોધતી હોય છે. સત્યને બહુમતી સાથે સમ્બન્ધ નથી (7/3). તે આત્મચીન્તનમાંથી ઉદ્ભવેલા ‘સ્વધર્મ’ પ્રમાણે વર્તતી હોય છે. કન્ફ્યુશીયસ, બુદ્ધ, ગૅલેલીયો, નરસીંહ મહેતા, અખો, નર્મદ, રજા રામમોહન રાય, જગદીશચન્દ્ર બોઝ, આઈન્સ્ટાઈન, જ્યોતીબા ફુલે, ગાંધી, ડૉ. આંબેડકર અને રજનીશ તેના થોડાંક ઉદાહરણો છે.
વીચારશીલ વ્યક્તીઓ સમાજના વીકાસ માટે કામ કરતી હોય છે. આભડછેટ, સતી થવાનો રીવાજ, માનવી–માનવી વચ્ચેના વાડા, અન્ધશ્રદ્ધા, નારીશક્તીની અવહેલના વગેરે જેવી સમાજની કુરુઢીઓ દુર કરવા માટે તે સમાજને સમઝાવે છે એટલું જ નહીં; પણ પોતે ‘સ્વધર્મ’ પ્રમાણે જીવીને રુઢીચુસ્ત સમાજનો ખોફ પણ વહોરી લે છે. તેમનું જીવન અને વર્તન માનવજાતને હાની પહોંચે તેવું કદી હોતું નથી. તેઓ સાચા અર્થમાં ‘વૈષ્ણવજન’ હોય છે.
સમઝણ વગર માત્ર સહેલા લાગતા હોવાને કારણે પારકાની અક્કલ (‘પરધર્મ’) પ્રમાણે વર્તનારનું જીવન પીંજરામાં પુરાયેલા પોપટ જેવું ભયરહીત; પણ ઉડવાની મોજ વગરનું હોય છે. જાતને ઈશ્વરે બનાવેલી કઠપુતળી માનીને પોતાપણું ગુમાવી દેવામાં કે મગજને વીચારશુન્ય સ્થીતીમાં રાખવાથી જ જો ‘સુખ’ મળવાનું હોય તો તો પછી મૃત્યુ જેવું સુખ કશામાં નથી.
–વીક્રમ દલાલ
દરેક પ્રશ્નને ખુલ્લા દીલથી અને બધી બાજુએથી તપાસનારા રૅશનાલીસ્ટ અને વડીલ લેખકમીત્ર વીક્રમ દલાલે 12 સંજ્ઞાઓ ઓછી શીખવી પડે તથા જોડણી યાદ રાખવી ન પડે તેવી સરળ લીપીમાં પ્રગટ કરેલી પુસ્તીકા ‘રૅશનાલીસ્ટની દૃષ્ટીએ ગીતાનો સંદેશ’ (પાનાં : 40, મુલ્ય : મફત)નો આ 8મો લેખ, પુસ્તકનાં પાન 33થી 34, 37 તેમ જ 39 ઉપરથી, લેખક અને પ્રકાશકશ્રી વીક્રમભાઈના સૌજન્યથી સાભાર..
લેખક–સમ્પર્ક :
શ્રી. વીક્રમ દલાલ, 2/15, કલ્હાર બંગલોઝ, શીલજ ગામ પાછળ, અમદાવાદ–380 058 સેલફોન : 94273 25820 ઈ–મેઈલ : inkabhai@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 21–09–2018
very nicely explained views of Gita– specially like PARDHARMA : “સમઝણ વગર માત્ર સહેલા લાગતા હોવાને કારણે પારકાની અક્કલ (‘પરધર્મ’) પ્રમાણે વર્તનારનું જીવન પીંજરામાં પુરાયેલા પોપટ જેવું ભયરહીત; પણ ઉડવાની મોજ વગરનું હોય છે. જાતને ઈશ્વરે બનાવેલી કઠપુતળી માનીને પોતાપણું ગુમાવી દેવામાં કે મગજને વીચારશુન્ય સ્થીતીમાં રાખવાથી જ જો ‘સુખ’ મળવાનું હોય તો તો પછી મૃત્યુ જેવું સુખ કશામાં નથી.” this is the key message–why one should follow SWADHARMA and not PARDHARMA- first time got clear clarification of PARDHARMA.
LikeLiked by 1 person
સ્વધર્મના પાલન માટે બહુમતીથી જુદા પડવાની તથા તેના પરીણામની સમ્પુર્ણ જવાબદારી સ્વીકારવાની નૈતીક હીમ્મ્ત પણ કેળવવી પડે છે
આ વાક્ય રેશનાલિસ્ટ થવા માટે લાગુ પડે છે.બાકી, ગીતા વાંચવાની કે સમજવાની કોઇ જરૂર નથી.રેશનાલિસ્ટ થાવ એટલે તમારી આસપાસ આનંદ,આનંદ અને આનંદ. જીવો અને જીવવા દો.
@ રોહિત દરજી ” કર્મ ” ,હિંમતનગર
LikeLiked by 1 person
બહું સરસ વાત કરી છે તમે સાહેબ રેશનાલિસ્ટ બનવું એ લોઢાના ચણા ચાવવા જેવું છે ભજન માં ગાય છે કે, ભક્તિ નો મારગ છે, शूरा નો, नहीं કાયર નું काम તે ત્યાં બરાબર ફિટ નથી પરંતુ રેશનાલિસ્ટ માટે ખરેખર એક્દમ ફિટ છે કારણકે ધર્મ, आध्यात्मिक મા કોઈ ના કોઈ બહાના હેઠળ છટક बारी hoy છે jayre રેશનલ માં કોઈ બહાના, કે पाखंड ને સ્થાન નથી માટે Thank you darji saheb
LikeLiked by 1 person
💯 % agree tamari vat sathe.
LikeLiked by 1 person
સુજ્ઞ વાચકો, મારી સમજણ પ્રમાણે પ્રાચીન સમયમાં વ્યવસાય કે ધંધામાં પેઢી દર પેઢી જે જ્ઞાન કે અનુભવથી માર્ગદર્શન મળતું. એ સમયે તાલીમ માટે સ્કુલો કે બુકો નહોતી. ખેડુનો દિકરો કે વેપારીનો દિકરો બાપા આગળથી ધંધો શીખે. એની આસપાસનું વાતાવરણ પણ એને અનુરુપ હોય. કહેવત છે કે ‘ઘાચીના દિકરાને ખોળનું નામ પહેલા આવડે’ એ જ આ ધંધાની બહારની વ્યકિત કરવા જાય તો એને અઘરુ પડે. પણ ગમે તેવા ઉતમ સિંધ્ધાતોમાં જડતા આવે ત્યારે મુળ ઉદેશ નષ્ટ થાય. જેમકે અહિંસા કાયરતા બની જાય. ઉદારતા ઉડાઉ બનીજાય. એટલે તો આપણા આંદોલનો હિંસક ને ભાંગફોડિયા બની જાય છે. રામાયણમાં જ આ જડતાનો દાખલો જુઓ. એ સમયમાં વર્ણાશ્રમ વ્યવસ્વથા કેટલી જડ હશે કે શંબુક નામનો શૂદ્ર ભકિત કરતો હતો. હવે શુદ્રથી ભકિત થાય નહિ! એતો બ્રાહ્મણોનો જ ઇજારો! પરિણામે બ્રાહ્મણોના દબાણથી રામને શંબુકની હત્યા કરવી પડી. એટલે સ્વધર્મનો અર્થ પોતાના ભાગે આવતુ કોઇ પણ નિષ્ઠા પુર્વક કરવું. આપણે ધર્મને સંપ્રદાય ને પછી પુજા પાઠ, આરતી,ધાર્મિક પુસ્તકોનું વાંચન ને શ્રવણ એમા જ સીમિત કરી નાખ્યો છે. લોકો આ બધી ક્રિયાકાંડ પાછળ સમય વેડફીને પોતાની સામાજિક ફરજો ચુકી જાય છે. આજની આપણી જાહેરક્ષેત્રમાં જે કામકાજમાં જે શીથીલતા છે, સામાન્ય કામ માટેપણ ઓફિસોમાં, અદાલત કે બેંકોમાં કોઇ પણ જાહેર સંસ્થામાં કામ માટે જે ધક્કા ખાવા પડે છે ને જરુરી કામ ટલ્લે ચડે છે. આ હતાશાનો દરેક નાગરીકને અનુભવ હશે. જોકે દરેક માણસ કોઇને કોઇ જ્ગ્યાએ ગ્રાહક તો હોવાનો. એટલે જો દરેક માણસ આ યાદ રાખે તો સમાજમાં શાંતિ ને સંતોષનો અનુભવ થાય. દરેક સ્વર્ધમ પાળે તો આટલા મંદિરો, સંપ્રદાયો, ધાર્મિક બુકો, પારાયણ, બાપુઓ બાબાઓની જરુર જ નારહે.
LikeLiked by 1 person
‘ ઘર્મ‘ ? આ પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ થઇ ત્યારથી અને જ્યારથી દ્વિલીંગી પ્રાણીનો જન્મ થયો ત્યારથી ફક્ત બે …જેને કુદરતી ….જન્મની સાથે લઇને જન્મેલાં તે…., કર્મ કહેવાય તેનો જન્મ થયો હતો….જેને કોઇકે ‘ઘર્મ‘ તરીકે નવાજ્યો હતો અેમ કહિ શકાય…..જે બે કર્મો કે ઘર્મોની વાત હું અહિં કરું છું તે છે….(૧) પુરુષ ઘર્મ અને (૨) સ્ત્રી ઘર્મ.
ચિંતન, મનન, વિચાર, દેવ, દેવી, ભગવાન, વિ…વિ…ના જન્મની સાથે જે કાંઇ જોડાયું , તે બુઘ્ઘિગમ્ય પ્રાણિ….માણસ..અને.. તે માનવ સર્જીત…..હિંદુ, આર્ય, મુસ્લિમ, ઇસાઇ, જૈન, બૌઘ,….વિ…વિ…..આ બઘા સીન્થેટીક….કુદરતી કોઇ નહિ. અને તે પણ સમયની સાથે અને લીડરની સાથે બદલાતા રહેનારા.
માનવઘર્મને પ્રાણિ માત્ર કે જીવમાત્રને માટે પ્રેમ, લાગણી, સેવા, મદદ, વિ…વિ….તે પુરુષ અને સ્ત્રી ઘર્મની સાથે જોડી શકાય.
ઘાર્મિક પુસ્તકો પણ સિન્થેટીક…..મોઢે મોઢે અેકબીજાને કહેતા રહેલાં વિચારો સમયની સાથે….બદલાતા રહ્યા હોય…..
મુરારીબાપુ જે શીખવે તે બઘુ મોટેભાગે..સમ્શાનવૈરાગ્ય. તેઓ પોતે વગર કિંમતે કેટલું પીરસે ? ખરો ઘર્મ શું કહે છે ? સરસ્વતિદાન પૈસા લઇને કરવાનું હોય ? માલદાર બનીને જીવતાં કથાકારો શું પોતાનો ઘર્મ ? બજાવીને જીવે છે ?
કહેવાયુ છે કે….બીજાને શીખ આપતાં પહેલાં પોતાની જાતને માપી જો…….પોલીટીક્સ રમવાનું બંઘ કરો.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Very good discussion on a topic very close to my heart. We must analyse different points here:
Duty and Responsibility
Religion and Society
Good and Bad Actions
Cause and Effect
Physical existence and Mental state
Desicions and Dilemmas etc
So what is Dharm? It is not Religion but ‘what I can do for myself and others’ for the betterment of Society. The word ‘Dharm’ is not only widely misused and misunderstood by so many people but also misled and ‘taken advantage of the ignorant’ but so called ‘Dharmgurus, Bapus, Babas’ in all so called ‘Faiths.’ They all miss out on the ‘Spiritual and Logical’ aspect of the real mankind to survive and fight the ‘corruption’ in our Society at large.
‘જેમ ભૌતીક દુનીયામાં દરેકનો ચહેરો જુદો તેમ માનસીક દુનીયામાં દરેકનું ચીન્તન જુદું’ I like this line. To add to this I can say that ‘All individuals’ travel on the Spiritual path according to their Knowledge, Experience and Understading.’
Krishna says againa and again to ‘look within’ first and our Dharm is to search for the ‘good’ in others too.
We are all different thus accept the differences without any prejudice! If I think positive I will see positivity around me, simple.
Going back to the point I have mentioned several times before is: I must believe in myself to be able to believe in others!
Finally, ‘Dharm’ is not just a Religious word but a term that entails many many connotations which we must explore in great depth.
A very Good morning to all.
LikeLiked by 1 person
વિચાર શીલ વ્યક્તિઓ કરી શકે તેવાં કામ હજાર છે ! બીજાને સમજાવવા જવું એ એક રીત છે , બીજાને કામમાં લાગે તેવું કાંઈક કરવું ,એ બીજી રીત છે. જો અભિવ્યક્તિના કોઈ વાચકને બીજી રીતમાં રસ હોય, તો અહીં પ્રદાન કરવા આમંત્રણ છે – બહુ બધાં બારણાં મળી જશે …..
http://evidyalay.net/enter_window
LikeLike
સૌ વાચકોને માટે , મને લાગે છે કે, આ ખૂબ જ અગત્યની માહિતિ બની રહેશે. ખૂબ વિચાર માંગી લે તેવી માહિતિ છે. અેક મિત્ર…મરાઠી છે, મુંબઇના વતની હાલે અમેરિકામાં રહે છે અને મુંબઇ સાથે રોજીંદો સંબંઘ ઘરાવે છે. તેમણે તેમને મળેલી માહિતિ આપી છે.
આ વરસના ગણપતી મહોત્સવની માહિતિ છે…….
( ૧ ) ફક્ત પુરા મહારાષ્ટરમાં ટર્નઓવર………બઘા બીઝનેસો સાથે મળીને……૨૨,૦૦૦ કરોડ રુપિયા.
(૨ ) માટુંગામાં ફક્ત…ટર્નઓવર…..૨૭૦ કરોડ રુપિયા….
(૩ ) લાલબાગ કા રાજા…….ફક્ત…ટર્નઓવર….૫૦ કરોડ રુપિયા.
લોકોની ઘાર્મિક શ્રઘ્ઘા ,આ અેક જ ઉત્સવ ઉપર જે રીતે વારી જાય છે તે બતાવે છે કે આખા વરસમાં, જુદા જુદા ઘર્મોના ઉત્સવોમાં કેટલું ટર્નઓવર થતું હશે તેની ગણત્રી કરવી મુશ્કેલ બની રહે છે.
ભારત, પોતાની આર્થિક શક્તિનો સદઉપયોગ કરે તો ? પેલા પૈસા લઇને રફુચક્કર થઇ ગયેલા વેપારીઓ અને દેશમાં રહીને સરકારના પૈસે તાગડઘીન્ના કરનારા વેપારીઓ, સરકારી અમલદારો, પ્રઘાનો…અને અનેકોનો જો હિસાબ માંડીઅેઅને બચાવીઅે તો ? શું પરિણામ આવે ?
હવે મારા વિચારો:
ઇકોનોમીક્સનો અેક નિયમ છે……ડીમાન્ડ અને સપ્લાય…જે ઇકોનોમીને સુઘારવા કે બરબાદ કરવા શક્તિમાન હોય છે…..આ નિયમ ભારતમાં બે રીતે લાગુ પડે છે…..
(૧) પોપ્યુલેશનના ફીલ્ડમાં..: ડીમાંડ ઓછી અને સપ્લાય ખૂબ મોટા પ્રમાણમાં…
(૨) ડેઇલી જરુરીઆત…જીવન જરુરીઆતની બાબતમાં : ડીમાંડ વઘુ અને સપ્લાય ખૂબ ઓછો.
અને આ બન્ને સત્યોને પોતાનું હથીયાર બનાવીને પ્રઘાનો, રાજકીય પક્ષો, ગુંડાઓ, લુચ્ચાઓ, ઘર્મને નામે લોકોને લુટનારાઓ..વિ…વિ…..દેશને ગરીબ બનાવીને રાખે છે…અને બનાવીને રાખશે…..લોકોઅે પોતે આ પરિસ્થિતિનો ઉકેલ લાવવા ભણી ગણીને ખોટા ઇમોશન્સમાં પડવા વિના પોતાનું ભાવિ પોતે ઘડવાનું કર્મ હાથ ઉપર લેવું પડશે.
વિવેકાનંદજી કહી ગયેલા….‘.ઉઠો, જાગો અને ઘ્યેય સિઘ્ઘ કરો….‘
સદ્ બુઘ્ઘિ પોતે જાતે ઘડવી પડશે….ઘાર્મિક કથા કે કથાકારો તો બીઝનેસ કરી બતાવશે……
YOU ONLY CAN BUILD YOUR OWN FUTURE.
આપના વિચારો શેર કરવા વિનંતિ છે.
અમૃત હઝારી…
LikeLiked by 1 person
Please note that the expenses shown above are ” ONE WAY.” & without return. Thanks.
Amrut Hazari.
LikeLiked by 1 person
ગીતાનો સ્વધર્મ વિષય પર શ્રી વિક્રમ દલાલનો લેખ ઘણો જ હ્રદયસ્પર્શી છે.
LikeLiked by 1 person
✍️ પહેલાં આસારામ… પછી રામપાલ… પછી
રાધે માં… અને હવે રામ રહીમ…..
નામ બદલાય… પણ પ્રવૃત્તિ એજ…
પણ હું આમાંથી એકય ને દોષ આપીશ નહીં.
આ લોકોને ઉભા કરનાર કોણ?
આ લોક ના પગમાં કરોડોની સંપત્તિ નાખનાર કોણ?
આ લોક ના સત્સંગ મા પોતાના બૈરા મોકલનાર કોણ?
ગાદી અને પૈસાની મસ્તી માથે ચડાવનાર કોણ?
આવ ભોંદુ બાબાઓના પ્રવચનમાં ગરદી કરનાર કોણ?
કોણે આ ધૂતારાઓની નામની આરતી અને ભજન રચ્યા?
આ લોક ના વિરોધમાં અવાજ ઉઠાવનારને ધર્મ ને ડુબાડનાર અધર્મી છે જેવાં આરોપ કરનાર બધાંજ દોષી છે.
પોતાની અક્કલ ગીરવે મૂકી આ લોક ના પગમાં પડનાર દોષી છે.
જેણે આ શૈતાનો મા દેવ જોયા એ બધા જ દોષી છે…
ભણેલા સુશિક્ષિત… એકવીસમી સદીમાં જીવતા લોકો જ્યારે આવા બાબાઓના ચક્કરમાં ફસાય… ત્યારે એમની માનસિક દશાની દયા આવે છે.
આવા હરામખોરોને ખાતર-પાણી આપીને ‘મહાવૃક્ષ’ બનાવવામાં કઈ બુદ્ધિમાની છે.?
બજારમાં દશ રૂપિયાની કોથમીર લેતા એક એક દાંડી તપાસનારી એક સુશિક્ષિત મહિલા આવા બાબાઓના પગમાં પડતાં પહેલાં એની નિયત કે લાયકાત સમજવાની કોશિશ કરતી નથી.?
ગાડી લેતાં ચાર વાર ટ્રાયલ લેનાર, મોબાઈલ – લેપટોપ લેતા રૅમ /મેમરી /હાર્ડડિસ્ક જોયા વગર હાથ નહીં લગાડનાર આપણો સો કોલ્ડ બુદ્ધિમાન સમાજ પુરુષ આવા બાબાઓ અને માતાઓનાં પગમાં પડતાં જરાપણ તપાસ કરતા નથી….
કેટલી બધી અંધભક્તિ…?
પ્રોબ્લેમ શું છે ખબર?
આપણે આપણી શ્રધ્ધા અને ભક્તિ સસ્તી કરી નાખી છે.. જે કોઈના પર પણ ઓવારી નાખ્યે…
ભગવાનનાં ઠેકેદારો દુકાન માંડીને બેઠા છે. ધર્મના નામની અફીણ રોજ આપણા મગજમાં ઈન્જેંક્ટ કરતાં રહે છે. અને આપણે આપણી બુધ્ધિને નેવે મૂકી લાલ, લીલા, ભગવા કફનીઓ પહેરેલાં બાબા અને માતાઓનાં શરણમાં પડતાં રહીશું…
જ્યાં સુધી સર્વ સામાન્ય માણસ સારાસારનો વિચાર કરતો નથી… ત્યાં સુધી આ બાબાઓ, માતાઓનાં ભરડામાં ફસાતા રહીશું.
અંધશ્રદ્ધા થી દૂર રહો. કર્મ હી પૂજા, કર્મ હી દેવતા.
🙏 🌹 આભાર🌹🙏
P.M.PATEL
🇺🇸 USA 🇺🇸
LikeLiked by 1 person
Reblogged this on RKD-रंग कसुंबल डायरो.
LikeLiked by 1 person
વહાલા અતુલભાઈ,
ગીતાનો ‘સ્વધર્મ’ લેખને ‘RKD-रंग कसुंबल डायरो’ બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
–ગો. મારુ
LikeLike