જપમાળાનાં નાકાં ખર્યાં

ભક્તી માણસને કર્તવ્યહીન બનાવે છે. કૃષ્ણ અન્યાય સામે લડ્યા, સામાજીક ન્યાય માટે સંઘર્ષ કર્યો. રામ અસામાજીક તત્ત્વો સામે લડ્યા. અન્યાય, શોષણનો સામનો કરવાને બદલે રામ–કૃષ્ણની મુર્તીમાં કંઈક વીશેષ સત્ત્વ છે અને મન્ત્રજાપ, નામરટણ, પુજા–અર્ચનથી તે જાગ્રત થશે અને ભગવાન આપણા પર ઉપકાર કરશે એ હેતુથી આપણે ભક્તી કરીએ છીએ. આવી ભક્તી માત્ર કલ્પના છે. ભ્રમ છે.

2

જપમાળાનાં નાકાં ખર્યાં

–રચના નાગરીક

ધાર્મીક અન્ધાપો ફેલાયો છે. સામાજીક અને આર્થીક સમસ્યાઓ ઉકેલવા માટે પરીશ્રમ કરવાને બદલે પ્રભુભક્તીથી સુખ, શાંતી, પવીત્રતા મળી જશે એવું ધાર્મીક ભોળપણ અવળી દીશા ચીન્ધે છે. સમ્પ્રદાયપ્રવર્તકોએ, પ્રગટ બ્રહ્મસ્વરુપોએ ધાર્મીક ભોળપણ ઉભું કરવા, તેને ટકાવી રાખવા, તેને દૃઢ કરવા માટે પ્રભુભક્તીના જાળામાં આપણને ગુંચવી દીધા છે.

ભક્તી માણસને કર્તવ્યહીન બનાવે છે. કૃષ્ણ અન્યાય સામે લડ્યા, સામાજીક ન્યાય માટે સંઘર્ષ કર્યો. રામ અસામાજીક તત્ત્વો સામે લડ્યા. અન્યાય, શોષણનો સામનો કરવાને બદલે રામ–કૃષ્ણની મુર્તીમાં કંઈક વીશેષ સત્ત્વ છે અને મન્ત્રજાપ, નામરટણ, પુજા–અર્ચનથી તે જાગ્રત થશે અને ભગવાન આપણા પર ઉપકાર કરશે એ હેતુથી આપણે ભક્તી કરીએ છીએ. આવી ભક્તી માત્ર કલ્પના છે. ભ્રમ છે. આવી ભક્તી રુપાળી લાગે છે, ભક્તો ભોળા લાગે છે, ગુરુઓ પ્રગટ બ્રહ્મસ્વરુપ લાગે છે; પરન્તુ આવી ભક્તીથી માણસ વીવેકહીન બની, દીશાશુન્ય બની, ચીત્તની શુદ્ધી ખોઈને કાળાં કામો કરે છે. ભક્તી લોકોની નૈતીક પ્રગતી અટકાવે છે. ધાર્મીક માણસને સમાજના હીત કરતાં પોતાના મોક્ષની વધારે ચીંતા હોય છે. પોતાની જાતનો પ્રથમ ઉદ્ધાર કરી લેવાની વૃત્તી માણસને સામાજીક ચીન્તનથી, સામાજીક કર્તવ્યથી દુર ધકેલી દે છે.

ભક્તી માણસને વીવેકશુન્ય બનાવે છે. ઉદાહરણ તરીકે : ગાયત્રીમન્ત્રનો જાપ કરતાં કરતાં મન્ત્રની જ મુર્તી બનાવી તેની પુજા કરવાનો રીવાજ સ્વાર્થી અને સમાજદ્રોહી માણસોએ ઉભો કર્યો. ગાયત્રી વેદમન્ત્ર છે. સુર્યની સ્તુતી માટેનો મન્ત્ર છે. વેદમાં મુર્તીપુજાનો વીરોધ છે. બ્રહ્મને નીરાકાર વર્ણવ્યો છે માટે ગાયત્રીની મુર્તી ઉભી કરવી, તેની પુજા કરવી–કરાવવી, મુર્તીનાં દર્શન કરવાં તે બધું વેદ વીરુદ્ધ કહેવાય. ગાયત્રીપંથવાળા હવે આગળ વધ્યા છે. તેઓ ‘દેવ સંસ્કૃતીના દીગ્વીજ્ય’ માટે અશ્વમેધ યજ્ઞ કરે છે. વેદની ભાવના વીરુદ્ધ કૃત્ય કરનારાઓ સંસ્કૃતીનો દીગ્વીજય કરવા નીકળ્યા છે! સમ્પ્રદાયપ્રવર્તકો યજ્ઞો કરે છે, મેળા–મહોત્સવ ઉજવે છે. તેના કારણે ભક્તોને નશો ચડે છે અને તેનાથી સામન્તશાહી મુલ્યો દૃઢ થાય છે.

અન્ધશ્રદ્ધા એવી છે કે ભક્તીથી ચારીત્ર્ય નીર્માણ થાય છે! સાચી સમજ વીના ચારીત્ર્યનીર્માણ થઈ શકે નહીં. ખોટા ઉપદેશો, કથાઓ, માત્ર ભ્રમણાઓથી ચારીત્ર્ય આવતું નથી. થોડા સમય માટે એવું લાગે કે ભક્તીથી માણસ બદલાયો છે. પ્રગટ બ્રહ્મસ્વરુપે વાંસામાં ધબ્બો માર્યો છે તેથી તેનામાં ઘણું પરીવર્તન આવ્યું છે! વીવેકશક્તી ઉપર ધાર્મીક ઉપદેશોનો બોજ મુકનારા સમ્પ્રદાયસ્વામીઓ પોતાનું કે ભક્તોનું ચારીત્ર્યનીર્માણ કરી શકે નહીં. ઉદાહરણ તરીકે : વૈષ્ણવ સમ્પ્રદાયમાં ભક્તોને એવો નશો ચડ્યો કે મહારાજનાં ચાવેલાં પાનસોપારી સેવકો ખાવા લાગ્યા. જે પાણીમાં મહારાજનું મેલું ધોતીયું ધોવાય તે પાણી સેવકો પીવા લાગ્યા. સેવકો મહારાજના પગ દાબવા લાગ્યા. મહારાજ પોતાના પગના અંગુઠાથી જુવાન અને રુપાળી સેવકીઓની છેડતી કરવા લાગ્યા. બ્રહ્મ સાથે લીન થવા, કૃષ્ણ સાથે બ્રહ્મસમ્બન્ધ કરવા સેવકીઓએ મહારાજ સાથે શરીર સમ્બન્ધ બાંધ્યો. ભક્તીમાંથી વ્યભીચાર, અનીતી અને ચારીત્ર્યહીનતા! મહારાજ લાઈબેલ કેસમાં સર જૉસેફ આર્નોલ્ડનો ચુકાદો (તા. 22 એપ્રીલ, 1862) આંખ ઉઘાડનારો છે. વાદી જદુનાથજીને સેવકીઓ સાથે વ્યભીચાર કરવાથી ચાંદીનું દરદ થયેલું તેથી તેણે ડૉક્ટર ધીરજરામને પુછેલું કે કોઈ તાજી સ્ત્રી સાથે સમ્બન્ધ કીધાથી આ દરદ જાય કે નહીં? ડૉક્ટરે ના પાડી તેથી જદુનાથજી મહારાજે કહેલ : ‘મેં બે વખત બે જુવાન છોકરી સાથે એ વાતની અજમાયશ કરી હતી. પહેલી અજમાયશમાં મને દરદ મટી ગયું, પણ બીજી અજમાયશમાં મટ્યું નહીં; કેમ કે બીજી વેળાએ હું ઘણો નબળો થઈ ગયો હતો.’ કૃષ્ણના અવતારી વૈષ્ણવ મહારાજોએ વ્યભીચારને ધાર્મીક સ્વરુપ આપેલું : ‘ભક્તોએ પોતાની પરણેલી બાયડી પોતે ભોગવે તે પહેલાં મહારાજને સોંપવી… જે કોઈ પોતાના ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તે ભયંકર નરકમાં જાય અને તેની સઘળી સેવા નીષ્ફળ જાય. જે કોઈ પોતાના ગુરુની ગુપ્ત વાત જાહેર કરે તે મર્યા પછી ત્રણ જન્મ સુધી કુતરો થાય…’ અનીતી, વ્યભીચાર, અધર્મનું આચરણ કરવાની ધાર્મીક છુટ અને તેને ગુપ્ત રાખવાનો પાકો બન્દોબસ્ત!

વૈષ્ણવ સમ્પ્રદાયનો તર્ક એવો હતો કે કળીયુગમાં ભક્તી સીવાય મુક્તી નથી. તેટલા માટે દરેક સેવક–સેવકીએ પોતાના ગુરુને ઈશ્વર પ્રમાણે જાણવો. એટલું જ નહીં; પણ ઈશ્વરથી વધારે જાણવો અને સઘળી વસ્તુ ઈશ્વરની છે તેટલા માટે ઈશ્વરને કે ઈશ્વરરુપી ગુરુને વ્યભીચારનો દોષ લાગતો નથી. ઈશ્વરરુપી ગુરુ ઉપર જારભાવની પ્રીતી રાખવી એમાં પાપ છે એવું બોલનારા લોકો મુર્ખ છે, અજ્ઞાન છે! આ અધર્મ વીશે કરસનદાસ મુળજીએ તા. 21–10–1860ના રોજ લખ્યું હતું : ‘હીન્દુનાં પુરાણ ઈત્યાદી શાસ્ત્રોમાં કહેલું કે કળીયુગના વખતમાં જુદા જુદા ધર્મ અને પાખંડો ઉભાં થશે તથા ધુતારા, પાખંડીઓ, આડા પંથો અને આડા માર્ગો ચલાવશે. વૈષ્ણવ મહારાજ હીન્દુ શાસ્ત્રોને ઈશ્વરકૃત માને છે ત્યારે તેનાથી એમ નહીં કહેવાય કે હીન્દુ શાસ્ત્રોનું ફલાણું વચન ખોટું છે. કળીયુગમાં પાખંડી મતો ઉભા થશે એ વચન, મજકુર મહારાજથી એમ નહીં કહેવાય કે ખોટું છે. ત્યારે દાદુપંથી, સાધુપંથી, રામસ્નેહી, રામાનન્દી, સહજાનન્દી ઈત્યાદી પંથોની પેઠે મહારાજોનો પંથ કળીયુગમાં ઉભો થયો માટે તે ખોટો અને પાખંડ ભરેલો છે એવું હીન્દુ શાસ્ત્રોથી સીદ્ધ થાય છે.’

ભક્તીમાં મમત્વ છે. મમત્વ હોય ત્યાં આંખમીંચામણા થાય. દોષમાં પણ ગુણ જોવાની વૃત્તી થાય. ઉદાહરણ તરીકે : સ્વામીનારાયણ સમ્પ્રદાયના પ્રવર્તક સ્વામી સહજાનન્દ વીશે ભક્તલોકો કહે છે કે ‘ગુજરાત–કાઠીયાવાડની શુદ્ર જાતીઓની ધાર્મીક ઉન્નતી કરનાર ભગવાન સહજાનન્દ પહેલા હતા.’ સ્વામી સહજાનન્દનું સાહીત્ય જોઈએ તો તેમાં સામન્તશાહી મુલ્યો દૃઢ કરવાની વાતો છે. તેમણે વર્ણાશ્રમનું સમર્થન કર્યું છે. શીક્ષાપત્રીમાં કહ્યું છે : ‘શુદ્ર વર્ણે બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્યની સેવા કરવી. વળી જે જાતીએ કરીને ઉતરતા એવા ભક્તજનોએ લલાટમાં કેવળ ચાંદલો કરવો; પણ તીલક ન કરવું.’ તીલક કરવાનો અધીકાર પણ શુદ્રોને અપાતો ન હોય તે સમ્પ્રદાય, તેનાં પ્રગટ બ્રહ્મસ્વરુપો શુદ્રોનો ઉદ્ધાર કરી શકે નહીં. અસ્પૃશ્ય જાતીના લોકો ડાકોર મન્દીરના ઘુમ્મટમાં દાખલ થઈ શકશે નહીં તેવું ડાકોર ટેમ્પલ સ્કીમના પેટાનીયમ 49માં ઠરાવ્યું છે. પેટાનીયમ 65માં લખ્યું છે કે કેટલીક હલકી જાતના હીન્દુઓ ટીકીટ લઈને પણ નીજમન્દીરમાં દાખલ થઈ શકશે નહીં. પેટાનીયમ 87માં ઠરાવ્યું છે કે હલકી કોમના કોઈ પણ યજમાનને કોઈ ગોર કે સેવક છાનોમાનો નીજમન્દીરમાં તેની જાત છુપાવીને લઈ જશે નહીં. આ બધી જોગવાઈઓ સીવીલ રાઈટ્સ ઍક્ટના ભંગ સમાન છે અને બન્ધારણના આર્ટીકલ–17 મુજબ ગેરબન્ધારણીય છે. આપણી પ્રભુભક્તી વીકૃત કક્ષાએ પહોંચી છે. ભક્તી હોય ત્યાં વીકૃતી આવ્યા વીના રહે નહીં. અમદાવાદમાં સ્વામીનારાયણ મન્દીરમાં પ્રવેશ માટે શુદ્રોએ સત્યાગ્રહ કર્યો ત્યારે તેનો વીરોધ સન્તશીરોમણીઓએ કરેલો!

ભક્તીથી વીચારદૃષ્ટી સંકુચીત બને છે. પોતાનો ઈષ્ટદેવ એ જ ભગવાનનો ભગવાન છે એવી શ્રદ્ધામાંથી જડતા ઉભી થાય છે. પરીણામે સમ્પ્રદાય બહાર કશું નથી. જે સમ્પ્રદાય બહાર છે તે વીમુખ છે, કુસંગી છે, કાફર છે તેમ માની ભક્તો સંકુચીત કેદમાં પુરાયેલા રહે છે. આગળ જતાં આ ભક્તો સામાજીક સુમેળ માટે જોખમરુપ બને છે. મુર્તીદર્શન, સેવા, પુજા, ભોગ, હીંડોળા, આરતી વગેરેને આપણે ભક્તી માનીએ છીએ. આવી ભક્તીમાં કામના હોય છે. ભક્તીના નામે પંગુતા, અકર્તૃત્વ વધે છે.

અન્યાય, શોષણ, વસતીવીસ્ફોટ, ભ્રષ્ટાચાર, ચારીત્ર્યહીનતા વગેરે સમસ્યાઓ પ્રભુભક્તી ઓછી છે તેના કારણે નથી. એ માટે જવાબદાર છે– આર્થીક, સામાજીક, ભૌગોલીક કારણો, અલૌકીક સુખની કામના, માણસને લૌકીક સુખથી વંચીત રાખે છે. આવતા જન્મની ચીંતામાં, આપણે આ જન્મમાં ભ્રમણાઓ પાછળ દોડ્યા કરીએ છીએ. વાસ્તવીક સમસ્યાઓનો સામનો કરવાને બદલે પરધામ, અક્ષરધામ, વીષ્ણુપુરી, ગોલોકની પ્રાપ્તી કરવાનું આપણને અગત્યનું લાગે છે. ગરીબ ગરીબ છે, અમીર અમીર છે તેનું કારણ પુર્વજન્મનાં કર્મો છે તેવું સમ્પ્રદાયો આપણને શીખવે છે. આ પુર્વજન્મનાં કર્મોની કેદમાંથી છુટવા માટે ભક્તી જરુરી છે તેમ સમ્પ્રદાયો ભારપુર્વક કહે છે. સમાજવાદ અન્ત્યોદયની વીરુદ્ધ છે બધા સમ્પ્રદાયો. તેમણે હમ્મેશાં સ્થાપીત હીતોને મદદ કરી છે. શોષણનીતીની રખેવાળી કરી છે. વીનોબાજીએ કહ્યું છે : ‘આશા તો એવી હતી કે મન્દીર, મઠ, મસ્જીદ, ચર્ચ વગેરે દ્વારા ધર્મ સર્વત્ર ફેલાશે. મારું એવું કહેવું નથી કે એમના દ્વારા કંઈ જ કામ નથી થયું. થોડુંઘણું છે; પણ તે અલ્પ બલકે, એમના દ્વારા અધર્મ જ વધુ ફેલાયો છે એટલે આજે હવે આ ધર્મસમ્પ્રદાયોના સકંજામાંથી માનવજાતને મુક્ત કરી દેવની તાતી જરુર છે.’ આ સત્યને અખાએ આ રીતે રજુ કર્યું છે :

તીલક કરતાં ત્રેપન ગયાં,

જપમાળાનાં નાકાં ખર્યાં;

તીરથ ફરી ફરી થાક્યાં ચરણ,

તોયે ન પહોંચ્યો હરીને શરણ.

–રચના નાગરીક

વંચીતલક્ષી વીકાસવૃત્તી, વૈજ્ઞાનીક અભીગમ અને શોષણવીહીન સમાજ રચના માટે પ્રતીબદ્ધ પાક્ષીક ‘નયા માર્ગ’ના તા. 16 જુન, 1994ના અંકમાંથી, લેખીકાના અને ‘નયા માર્ગ’ના સૌજન્યથી સાભાર…

લેખીકા રચના નાગરીકના કંઠીમુક્ત વીચારલેખોની પુસ્તીકા બૈઠ પથ્થર કી નાવ (પ્રકાશક : [1] માનવવીકાસ ટ્રસ્ટ, 9, મહાકાન્ત કૉમ્પલેક્ષ, વી. એસ. હૉસ્પીટલ સામે, એલીસબ્રીજ, અમદાવાદ 380 006, [2] વૈશ્વીક માનવવાદ, 1–એ, કલ્પના સોસાયટી, મહેમદાવાદ – 387 130 જીલ્લો : નડીયાદ અને [3] નયા માર્ગ, ખેત ભવન, હરીજન આશ્રમની પાસે, અમદાવાદ – 380 027 પાનાં : 64, મુલ્ય : રુ. 40/)માંનો આ દ્વીતીય લેખ, પુસ્તીકાનાં પાન 25થી 28 ઉપરથી, લેખીકા અને પ્રકાશકોના સૌજન્યથી સાભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને સોમવારે સાંજે 7.00 વાગ્યે. આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 05–10–2018

12 Comments

  1. Very,very strong and to the point article, my hearty congratulations to the authoress and to Govindbhai for publishing it on this blog.
    Why not practice HUMANISM. Then most of the problems created by various cults will be solved. Almost in similar vein Sri Subodh Shah has written a whole chapter in his ” Culture can Kill” book. I strongly recommend for everybody to read and reread that book. Govindbhai did print some chapters on this blog.
    I wish more and more people will read and understand Akho and Kabir, to get out of this cultist cyclone.
    Thank you.

    Liked by 1 person

  2. લેખક/લેખિકાએ ભક્તિ અને અંધશ્રદ્ધાની ભેળસેળ કરી દીધી છે ! જો તેઓ વેદોના એ કથન ને માનવા તૈયાર છે કે કલિયુગ માં પાખંડીઓ અને અનેક સંપ્રદાયો ઉભરાઈ પડશે તો એમને વેદોમાં વર્ણાશ્રમની કરેલી રચના અને વર્ગીકરણ ને પણ માનવું જોઈએ. વેદોમાં ચાર વર્ણો ની રચના માણસની બૌદ્ધિક-શારીરિક સ્થિતિ-ક્ષમતા અને તેને અનુરૂપ કરવાના વ્યવસાયો માટે કરી હતી. તેમાં એવુંય સ્પષ્ટ કર્યું છે કે આ વ્યવસ્થા જન્મઆધારીત ન રાખવી. વર્ણવ્યાવસ્થાનો ઉદ્દેશ જેની તેની ક્ષમતાનો વ્યક્તિ અને સમાજ તથા રાષ્ટ્રના શ્રેષ્ઠ હિત માટે ઉપયોગ કરવાનો હતો. એટલેજ બૌદ્ધિકરીતે શ્રેષ્ઠ અને શરીરે સામાન્ય માણસને ‘બ્રહ્મ’ અર્થાત જ્ઞાની વર્ગમાં મૂકી તેને શાસ્ત્રો(વિજ્ઞાન) અને અસ્ત્રો(Technology) ના પઠન(અભ્યાસ) અને પાઠન(શિક્ષણ)પ્રવૃત્તિ અને ઉદરનિર્વાહ માટે પૌરોહિત્ય નો વ્યવસાય આપ્યો. પરંતુ જો તેના કૂળ માં જન્મેલ વંશજો બૌદ્ધિકક્ષમતા ધરાવતા ન હોય તો તેમને તેનાથી (બૌદ્ધિકરીતે)ઉતરતા વર્ણ અર્થાત ક્ષત્રિય(શ્રેષ્ઠ શારીરિક સક્ષમતા અને સામાન્ય બૌદ્ધિક ક્ષમતા) અથવા વૈશ્ય(સામાન્ય કે સપ્રમાણ બૌદ્ધિક પરંતુ નબળી શારીરિક ક્ષમતા) અથવા ક્ષુદ્ર( સામાન્ય કે સારી શારીરિક પરંતુ અલ્પ કે શૂન્યવત બૌદ્ધિક ક્ષમતા) વર્ણમાં ગણી તે મુજબ વ્યવસાય કરવા ની વ્યવસ્થા કરી હતી. પરંતુ પોતાને બુદ્ધિવાદી અને પ્રગતિવાદી અને માનવવાદી તથા વેદો અને વર્ણ વ્યવસ્થાને ‘સામંતવાદી’ અને શોષણખોર વ્યવસ્થાનો સ્ત્રોત ગણાવનારા હંમેશ ઇરાદાપૂર્વક વેદોનો સંદર્ભ પોતાની અનુકૂળતા માટે અને તેને તોડમરોડ કરીને લેતાં હોય છે તેવુંજ આ લેખકે કર્યું છે.
    ભક્તિ એ સકારાત્મક ગુણ છે. ભક્તિ એ તો શ્રદ્ધા, વિશ્વાસ અને સમર્પણભાવ નો પર્યાય છે. કર્મયોગીએ પણ કર્મ માં જ શ્રદ્ધા રાખી સમર્પણભાવ થી કાર્ય કરવાનું હોય છે. અને જો તમે શ્રી કૃષ્ણ ને સમાજસેવક અને સમાજોદ્ધારક તરીકે સ્વીકારતા હોય તો તેના ગીતોપદેશને કેમ ભૂલી ગયા? સગવડતા ખાતર ? તેમાં પણ કર્મયોગ ની સાથે સાથે જ્ઞાનયોગ, સાંખ્યયોગ અને ભક્તિયોગ સુધ્ધાંની સવિસ્તાર ચર્ચા કરી છે અને તેમાં ભક્તિ યોગ છતાં અંધશ્રદ્ધા અને મૂર્તિપૂજા નો સ્પષ્ટ ઉપહાસ કરેલો જ છે. અને છતાં વેદો ના કથાનોની જેમ જ અહીં પણ લેખકે સગવડતા માટે ભક્તિ સાથે અંધશ્રદ્ધા અને પાખંડ ની ભેળસેળ કરેલ છે.
    હા, ધર્મના નામે ચાલતા ધતિંગ, પાખંડ અને ભ્રષ્ટાચાર વિગેરેનું સમૂળૂ ઉચ્ચાટન થવુંજ જોઈએ પણ આ ધતિંગ અને પાખંડ તો ‘લોભિયા-ધૂતારા ‘ ની ‘લિવ ઇન રિલેશનશિપ ‘ ની જ પેદાઈશ છે અને નહીં કે ‘ભક્તિ ‘ ની, એ સમજવું પડશે.
    ભક્તિ એ તો પવિત્રતા- સેવા – સમર્પણના અધિષ્ઠાન સાથે નિષ્કામ કર્મયોગ ની પીઠીકા બનવા સર્જાયેલ ભાવ છે અને એ બંને ના સંયોજન થી જ્ઞાનયોગ અને સાંખ્યયોગ ની દિશાઓ ઊઘડે છે. અસ્તુ.

    Like

  3. મિત્રો,
    સૌરભ શાહની ‘ મહારાજ‘ વાંચવી રહી જેમા રચના નાગરીકની વાતોને સપોર્ટ મળશે.સ્વામી સચ્ચિદાનંદની ‘ અઘોગતિનું મૂળ વર્ણવ્યવસ્થા‘ વાંચો તો રચના બેનની બઘી વાતો ને સમર્થન મળશે.
    અેક સનાતન સત્ય અે છે કે ‘ અપેક્ષા સાથેની ભક્તિ હંમેશા દુર્દશાને પોષે છે. હું તારી ભક્તિ કરીશ…હે પ્રભુ…તું મારું આ કામ કરી આપ !….અપેક્ષા…..બઘા જ ઘર્મોમાં કોઇ ને કોઇ ખરાબી છે જ પરંતુ હિન્દુ ઘર્મઅે તો માઝા મૂકી છે. આ માઝા મુકવાની વાતને સપોર્ટ કરનારા છે આંઘળા અને ભણેલા અભણો ઘેટાંઓ. વૈશ્ણવોની આંઘળી ભકતિ માટે જે બે પુસ્તકોની વિગત લખી છે તેને ઘરે ઘરે પહોંચાડવાની વાત હાથ પર લેવી જોઇઅે. ૨૦૧૮ના વરસમાં પણ કહેવાય છે કે કોઇ ને કોઇ જગ્યાઅે આંઘળી ભક્તિ ચાલુ જ છે. પુરુષો તો ભાગ લેતા જ હશે પરંતું સ્ત્રીઓ પોતે જ આ કર્મમાં મુક્તિ જોઇને પોતાની જાતને સબમીત કરતી હોય છે તેવી વાતો ફરતી હોય છે. ‘ ચાંદી‘ નો રોગ….સીફીલીસનો રોગ….અને અંઘાપો તો જૂઓ, યુવાન છોકરીઓ પણ સબમીત થવા જાય છે…..આ બઘુ વાંચીને મનમા થાય છે કે આ તે કેવી નીચતા …હાં….નીચતા ???????? મહારાજો કે ઘર્મના સાઘુઓ તો પોતાના સ્વાર્થને મઘ્યમાં રાખીને ભક્તોને ગભરાવીને…પોતાની હલકી ..નીચતાને સંતોષે છે…આ બઘી વાતોનો વિરોઘ પણ થયેલો…( પુસ્તક…‘મહારાજ‘ વાંચો) પણ નપૂસંક બની રહેલો….આંઘળી ભક્તિ ???? ને કોઇ સુઘારી નહિ શકે.
    સદ્ બુઘ્ઘિ ?
    ‘ ચાંદી‘ નો રોગ ભગતોની ભક્તિ કે પ્રાર્થના કે કાચી કુવારી છોકરી સાથેના સંભોગથી સારો નહિ થયો…..ડોક્ટરો પાસે કોઇક રાહત મળી હોત. આજે પણ મંદિરોના પૂજારીઓ કે કથાકારોના રોગોને મટાડવા મારી તેમના અનુયાયીઓને વિનંતિ છે કે મંદિરમાં જ પ્રાર્થન સભા યોજીને તેમના ભગવાનને વિનંતિ કરે અને રોગમાંથી મુક્તિ અપાવે…ડોક્ટરના દવાખાનાની વીઝીટ નહિ કરે. તેજ રીતે આંઘળા ભક્તોને પણ વિનંતિ છે કે ડોક્ટરોથી દૂર રહીને પૂજા ,પાઠ, ભજન, પ્રાર્થનાથી જ રોગ મુક્તિ મેળવે. બેસ્ટ ઓફ લક…….
    અમૃત હઝારી.

    Liked by 2 people

  4. khub saras lekh samajma dharmik andhapo dur kari sake eva lekhako vadhta rahe ane sarkar temno prachar prasar kare tevu kaik aayojan thavu joiye toj prajama jagruti aave pan khatle moti khod sarkar khud satta mate dharmik bava baba bapuo ne padiposhi ne mota kare chhe je deshne mate ghatak chhe.
    aabhar Govindbhai ane rachna ben khub saras lekh dhnyavad.

    Liked by 1 person

  5. Phew, finally someone has the courage to bring this madness out into the open. Well done, Rachnaben and Govindbhai ; my hats off to both of you.
    ઘેટાની જેમ, ગાડરિયો પ્રવાહ: a constant flow of Blind Devotees believe in their Leader and nobody dare ask any question! What kind of Faith is that? Why?
    I call this a complete chaos or
    અંધ્ધશ્રદ્ધા. People need to stand up against this type of Religious exploitation.
    No wonder so many Young people have lost Faith in their Religion and refuse to visit their Places of Worship! They are so much wiser…

    Someday I would like to meet Rachnaben to Congratulate her in person for such a fantastic, thought provoking Article!
    Can I Copy and Paste onto other Sites?
    Have a wonderful day everyone!

    Liked by 1 person

    1. લેખક/લેખીકાના નામ અને ‘અભીવ્યક્તી’ બ્લોગની લીન્ક સાથે કોઈ પણ રૅશનલ લેખને બ્લૉગ/વેબસાઈટ પર પોસ્ટ કરવા અનુમતી છે.

      Like

  6. Very nice article. Hearty congratulations from me to Rachana-ben and to Govind-bhai.

    Words to remember: આવતા જન્મની ચીંતામાં, આપણે આ જન્મમાં ભ્રમણાઓ પાછળ દોડ્યા કરીએ છીએ.

    વીનોબાજીએ કહ્યું છે: “મન્દીર, મઠ, મસ્જીદ, ચર્ચ વગેરે દ્વારા અધર્મ જ વધુ ફેલાયો છે એટલે આજે હવે આ ધર્મસમ્પ્રદાયોના સકંજામાંથી માનવજાતને મુક્ત કરી દેવની તાતી જરુર છે.”

    –Subodh Shah — USA.

    Liked by 1 person

  7. This depicts true plight of current society and it has been going on for ever. People have been brainwashed and they do not want to listen to logic. It is sad situation. Blind faith will prevail forever. Alas!

    Liked by 1 person

  8. बहुत बढ़िया सोच 👍, दिमागी सारे किडे मर गए 😂, गोविंदभाई इस पोस्ट के लिए लाखों बधाई 🙏🌹🌹👍

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s