‘અંગદાન’ના પાંચ સાચા કીસ્સા

1

સૌથી નાની ઉમ્મરનો અંગદાતા સોમનાથ શાહ

–ગોવીન્દ મારુ

સુરતના 14 મહીનાનો બ્રેઈન–ડેડ બાળક સોમનાથ શાહે હૃદય અને કીડની દાન કરીને પશ્ચીમ ભારતનો સૌથી નાની ઉમ્મરનો ઑર્ગન–ડોનર બન્યો.

સુરતના 14 મહીનાના સોમનાથ સુનીલભાઈ શાહ તા. સપ્ટેમ્બર 02, 2017ના રોજ તેના ઘર પાસે રમતા–રમતા દાદર પરથી નીચે ગબડી પડ્યો. તેને માથામાં ગમ્ભીર ઈજાઓ થવાથી સુરતની નવી સીવીલ હૉસ્પીટલના સર્જરી વીભાગના વડા ડૉ. જીગ્નેશ શાહની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો. તા. 04/09/2017ના રોજ ન્યુરો સર્જન ડૉ. મેહુલ મોદી, પેડીયાટ્રીક ન્યુરોફીજીશ્યન ડૉ. રીતેશ શાહ, નવી સીવીલ હૉસ્પીટલના નીવાસી તબીબ ડૉ. કેતન નાયક, આઈ.સી.યુ.ના ડૉ. મેહુલ ચૌધરીએ બાળક સોમનાથને બ્રેઈન–ડેડ જાહેર કર્યો.

‘ડોનેટ લાઈફ’, સુરતના પ્રમુખ નીલેશ માંડલેવાલા અને તેમની ટીમે સોમનાથના પીતા સુનીલભાઈ, માતા કીરણબહેન, કાકા સવી કુશવાહ તેમ જ પરીવારના અન્ય સભ્યોને ‘અંગદાન’ની માહીતી આપી તેનું મહત્ત્વ સમજાવ્યું. હૉસ્પીટલમાં હાજર પરીવારજનોએ તેમના લાડકવાયાના ‘અંગદાન’ થકી તેના જેવા જ કોઈના લાડકવાયાને નવજીવન મળતું હોય તો સોમનાથના અંગોનું દાન કરવાની સમ્મતી આપી.

પરીવારજનોની સમ્મતી મળતાં જ ‘ડોનેટ લાઈફે’ જરુરી સમ્પર્ક અને કાર્યવાહી શરુ કરી. ગુજરાતની હૉસ્પીટલોમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ન મળતા, ગુજરાતના ટ્રાન્સપોર્ટ ઑથોરાઈઝેશન કમીટીના ચેરમેનનો સમ્પર્ક કર્યો. NOTTOના ડાયરેક્ટર ડૉ. વીમલ ભંડારી અને ડૉ. સુરેશ બધાનનો સમ્પર્ક કર્યો. બાળક સોમનાથનું હૃદય ગ્રીન કૉરીડોરની મદદથી કમર્શીયલ ફ્લાઈટમાં 331 કીલોમીટરનું અન્તર 1.25 કલાકમાં પાર કરીને મુલુંડ(મુમ્બઈ)ની ફોર્ટીસ હોસ્પીટલને હૃદય સુપ્રત કર્યું. કળંબોલી(નવી મુમ્બઈ)ની રહેવાસી સાડાત્રણ વર્ષની આરાધ્યાના શરીરમાં સોમનાથનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આરાધ્યા છેલ્લા દોઢ વર્ષથી ડાયલેટેડ કાર્ડીયોમાયોપથી (હાર્ટની બ્લડ–પમ્પીંગ કૅપેસીટી ઘટાડતી બીમારી)થી પીડાતી હતી. સોશીયલ મીડીયામાં આરાધ્યાને જલદી હૃદય મળે તે માટે ‘SAVE AARADHYA’ ઝુમ્બેશ પણ થઈ હતી.

(સ્રોત અને સૌજન્ય : ‘ડોનેટ લાઈફ’, સુરત)

2

મામા’એ બેમા’નું કર્તવ્ય નીભાવ્યું

–ગોવીન્દ મારુ

બાળકો મોટા થયા બાદ ‘મા’ સન્તાનો માટે એક મજબુત સહારો હોય છે. ‘મા’ શબ્દમાં લાગણી અને હુંફનો અનોખો જાદુ હોય છે. દુનીયામાં ‘મા’ શબ્દની તોલે કોઈ શબ્દ નથી. આ ‘મા’ શબ્દને ડબલ કરીએ તો ‘મામા’ શબ્દમાં અને મામાના સમ્બન્ધમાં આ લાગણી બેવડાઈ જતી હોય છે. પોરબન્દરમાં ગરીબ પરીસ્થીતીના શ્રમજીવીમામા’એ કીડનીનુંદાન કરી, પોતાના વહાલસોયા ભાણેજનો જીવ બચાવીને બે ‘મા’ શબ્દને ચરીતાર્થ કર્યો હતો.

કોઈપણ વ્યક્તીની કીડની ખરાબ થઈ જતાં તે વ્યક્તીના જીવનની નૈયા ડગમગવા લાગે છે. અને આવી વ્યક્તીનું જીવન ડાયાલીસીસના ચક્કરમાં ડુબકીઓ મારતુંમારતું મોતના સાગરમાં તણાતું જતું હોય છે. ઈ.સ. 2004માં પોરબન્દરના મનસુખલાલ ચોલેરાના 27 વર્ષનાં યુવાન પુત્ર ધર્મેન્દ્ર સાથે થયું હતું. મનસુખભાઈના 4 સંતાનોમાંના એક ધર્મેન્દ્રની ઉમ્મર 20 વર્ષની હતી ત્યારે 1997 માં તેની બન્ને કીડની ખરાબ થવા લાગી હતી. બન્ને કીડનીની સારવાર કરવા છતાં તેમાં સુધારો થવાને બદલે વર્ષ 2004માં ધર્મેન્દ્રની બન્ને કીડની સમ્પુર્ણ રીતે ફેઈલ થઈ ગઈ હતી અને બન્ને કીડની ફેઈલ થઈ જતાં તે વખતે 27 વર્ષનો થયેલા ધર્મેન્દ્રની જીન્દગી ડાયાલીસીસ પર આધારીત બની ગઈ હતી. દર અઠવાડીયે ત્રણ વખત ડાયાલીસીસ કરાવતા ધર્મેન્દ્રની હાલત દીનબદીન ખરાબ થઈ રહી હતી. ત્યારે ધર્મેન્દ્રના જીવનને નવજીવન આપવા તેના ગરીબ મામા શ્રી. પ્રવીણભાઈ મજીઠીયાએ ભાણેજને કીડનીનું દાન કરવાની તૈયારી બતાવતા બન્નેની કીડની મેચ કરવાની તપાસ કરવામાં આવી. ત્યારે મામા–ભાણેજની કીડની ખુબ જ મેચ થતી હોય પ્રવીણભાઈએ પોતાની કીડનીનું દાન કરી ભાણેજ ધર્મેન્દ્રને નવું જીવન આપ્યું હતું.

બન્ને કીડની ફેઈલ થયા બાદ મામા તરફથી દાન કરાયેલી એક કીડની થકી ધર્મેન્દ્રને નવજીવન મળ્યું હતું. પરેજી અને સારવાર સાથે જીવનની નવી શરુઆત કરનાર ધર્મેન્દ્ર સાથે પીન્કી નામની યુવતીએ વર્ષ 2006માં લગ્ન કરી ધર્મેન્દ્રને એક ખુશહાલ ગૃહસ્થવાટીકા આપી હતી. આ લગ્નજીવનથી ‘મહેક’ નામની દીકરી સ્વરુપે પુષ્પ ખીલતા હાલ ધર્મેન્દ્ર અને તેનો પરીવાર ‘મામા’ના આશીર્વાદથી સુન્દર જીવન જીવી રહ્યો છે.

ખુબ જ ગરીબ અને મહેનતુ પ્રવીણભાઈએ 52 વર્ષની ઉમ્મરે ધર્મેન્દ્રને ‘કીડનીદાન’ કર્યા પછી પણ 5 વર્ષ સુધી ઘરે–ઘરે અખબાર પહોંચાડવાનું કામ એક કીડની સાથે સુપેરે પાર પાડ્યું હતું. હાલ પ્રવીણભાઈ રાજકોટમાં નોકરી કરી 65 વર્ષની ઉમ્મરે પણ રોજી–રોટી માટે કાર્યરત છે. ધર્મેન્દ્રના મામા પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે તેના ભાણેજને કીડનીનું દાન કર્યાને 14 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. કીડનીનું દાન કર્યા બાદ તેમને 3 થી 5 મહીના સારવાર લેવી પડી હતી. એક કીડનીના દાનને લીધે તેમના સ્વાસ્થ્યમાં કોઈ જ તકલીફ ઉભી થઈ નથી. કીડનીનું દાન કરનારને કોઈ શારીરીક સમસ્યા ન થતી હોવાનું કહી તેમણે જરુરતમંદની મદદ કરવા સંદેશ પાઠવ્યો હતો.

 (સ્રોત અને સૌજન્ય : ‘દીવ્ય ભાસ્કર’ દૈનીક, તા. 30 એપ્રીલ, 2018)

3

સુરતના મીહીરનું દીલ દીલ્હીમાં ધબકતું થયું

–ગોવીન્દ મારુ

તા. 10 સપ્ટેમ્બર, 2018ના રોજ 18 વર્ષીય મીહીર ભરતભાઈ પટેલ સુરતના હજીરા રોડ ખાતે આવેલ આઈ.ટી.આઈ.માંથી પરીક્ષા આપીને બાઈક પર ઘરે જતો હતો. ત્યારે રીલાયન્સ પમ્પ પાસે ડમ્પર ચાલકે અડફેટમાં લેતા મીહીરને સનસાઈન હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં બુધવારે તેને બ્રેઈન–ડેડ જાહેર કરાયો હતો.

‘ડોનેટ લાઈફ’, સુરતના પ્રમુખ નીલેશ માંડલેવાલા અને તેમની ટીમે મીહીરના પરીવારને ‘અંગદાન’નું મહત્ત્વ સમજાવ્યું હતું. ‘અંગદાન’ની સમ્મતી મળતા અમદાવાદની ઈન્સ્ટીટ્યુટ ઑફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર(IKDRC)ના ના ડો. પ્રાંજલ મોદીનો સમ્પર્ક કરી, લીવર અને કીડનીનું દાન કર્યું. હૃદયના ટ્રાન્સપ્લાન્ટ માટે દીલ્હી NOTTOનો સમ્પર્ક કરવામાં આવ્યો હતો. દીલ્હીની એઈમ્સ હૉસ્પીટલના ડો. મીલીન્દે મીહીરનું ‘હૃદય’ સ્વીકાર્યુ હતું. ગ્રીન કોરીડોરની મદદથી સુરતથી 1158 કી.મી. 177 મીનીટમાં કાપી નોઈડાના ગોવીંદ મહેરા(ઉ.વ. 32)માં મીહીરનું હૃદય ધબકતુ કરાયું છે. મીહીરની એક કીડની સુરતના સંજય મનસુખભાઈ કાનાણી(34)માં અને બીજી કીડની અમદાવાદના અદનાન સલીમભાઈ અંસારી(ઉ.વ. 12)માં જ્યારે લીવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના મંજુલાબેન રમેશભાઈ હરસોડા(ઉ.વ. 50)માં કરવામાં આવ્યું છે. આ સાથે સુરતમાંથી આ 19માં હૃદયનું દાન અપાયું છે.

(સ્રોત અને સૌજન્ય : ‘ડોનેટ લાઈફ’, સુરત)

4

મોટાબહેને કીડની દાન કરી,

ભાઈને જીવનદાન આપ્યું

–ગોવીન્દ મારુ

માડીજાયા વીરાની રક્ષા કરવા બહેન સદાય આતુર હોય છે. પોતાના જીવના ભોગે પણ બહેન, તેના ભાઈનું રક્ષણ કરે છે. આવી જ હૃદયદ્રાવક અને પ્રેરણારુપ વાત જુનાગઢના 55 વર્ષના રશ્મીબહેન પંચોલીની છે. તેઓએ સ્વેચ્છાએ પોતાની ‘કીડનીદાન’ કરી, નાનાભાઈની જીન્દગી બચાવી લીધી છે.

અંબાઈ ફળીયામાં રહેતા નીવૃત એસ . ટી . કર્મચારી મહેશ્વરભાઈના પુત્ર સુધ્ધાંશુભાઈની બન્ને કીડની 2016ના જુનમાં ફેઈલ થઈ ગઈ હતી. સ્નેહીજનોએ કીડની આપવાની તત્પરતા દર્શાવી; પરન્તુ રશ્મીબહેનની કીડની બધી જ રીતે મેચ થતી હતી.

ભાઈ–બહેનના નીઃસ્વાર્થ સ્નેહનું પર્વ રક્ષાબન્ધનના દીવસે અમદાવાદની કીડની હૉસ્પીટલમાં રશ્મીબેનની એક કીડની કાઢીને સુધાંશુભાઈના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. આ રીતે કીડનીનું દાન કરી રશ્મીબહેને સમાજ માટે પ્રેરક દૃષ્ટાંત પુરું પાડ્યું છે.

(સ્રોત અને સૌજન્ય : અકીલા ન્યુઝ.કોમ, તા. 26 ઓગસ્ટ, 2018)

5

પત્નીની કીડની પતીએ સ્વીકારી

– શર્મીષ્ઠા શાહ

અન્ધેરીમાં રહેતા 60 વર્ષના દેવરાજ ગાલાને બે વર્ષ અગાઉ કીડનીની તકલીફ થતાં ડૉક્ટરોએ તેમને ડાયાલીસીસ કરાવવાની સલાહ આપી; પરન્તુ તેઓ ડાયાલીસીસ માટે તૈયાર ન થતાં ડૉક્ટરોએ તેમને કીડની–ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી અને તેમનાં 53 વર્ષનાં પત્ની મંજુલાબહેને પોતાની કીડની આપીને પતીને નવજીવન આપ્યું.

પતીને પોતાની કીડની આપવાના નીર્ણય વીશે મંજુલાબહેન કહે છે, ‘અમે બન્ને સાથે ઘણું સુન્દર જીવન જીવ્યાં છીએ. ઘણું હર્યાંફર્યાં છીએ. મારાં દીકરા અને દીકરી બન્નેનાં લગ્ન થઈ ગયા છે. જ્યારે મારા પતીને તકલીફ થઈ, તો મેં વીચાર્યું કે હું જ તેમને મારી કીડની શા માટે ન આપું?’

મંજુલાબહેનના આ વીચાર સાથે તેમના પતી સહમત નહોતા. પોતાને કારણે પોતાની પત્નીને પણ દુ:ખ વેઠવું પડે એ માટે તેઓ તૈયાર નહોતા; પરન્તુ ખુબ સમજાવટ પછી તેઓ તૈયાર થઈ ગયા. મંજુલાબહેને તેમને વીશ્વાસ આપ્યો કે બધું સારું થઈ જશે. તેમના દીકરા અમીત અને પુત્રવધુ પ્રીતીએ પણ પુરો સહકાર આપ્યો અને મંજુલાબહેનની કીડની તેમના પતીને મૅચ પણ થઈ ગઈ અને તેમના પતી પર ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઑપરેશન પણ થઈ ગયું.

કીડનીની તકલીફની કેવી રીતે ખબર પડી એ વીશે જણાવતાં મંજુલાબહેન કહે છે, ‘અમે બહારગામ ફરવા ગયાં હતાં અને ત્યાંથી આવ્યા બાદ થોડા સમય પછી તેમને શરીરમાં સોજા થવા લાગ્યા હતા અને બધી જ તપાસ કરાવતાં તેમની કીડની ડૅમેજ થઈ હોવાનું જણાયું હતું.’

મંજુલાબહેન કહે છે, ‘કીડની લેનાર અને દેનાર બન્ને નૉર્મલ જીન્દગી જીવી શકે છે. ફક્ત થોડીક સાવચેતી રાખવી જરુરી છે. શરુઆતના છ મહીના ખુબ જ સાચવવું પડે છે. ત્યાર બાદ સમયે–સમયે ચેકઅપ, દવા અને ઈન્ફેક્શન ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. બહારનું ખાવાનું બન્ધ કરવું જોઈએ અને ઘરમાં પણ બધી ગરમ વસ્તુઓ ખાવી જોઈએ.’

●♦●

(સ્રોત અને સૌજન્ય : મુમ્બઈનું ‘મીડ–ડે’ દૈનીક, તા. 13 ઓગસ્ટ, 2016)

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 08–10–2018

3 Comments

  1. પાંચેય કિસ્સા ખરેખર હૃદય હમચાવી મુકે એવા છે. સૌથી નાની ઉમ્મરનો ‘અંગદાતા’ સોમનાથ શાહનું સાડાત્રણ વર્ષની આરાધ્યાના શરીરમાં સોમનાથનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.તે વાંચીને ભલભલાનું હૃદય ભરાઈ આવે. સોમનાથના માતા પિતાને દિલથી ખુબ ખુબ ધન્યવાદ. કહેવત છે કે ” જનની જણ તો ભક્ત જણ કા દાતા કા શુર, નહિ તો રહેજે વાન્જની મત ગુમાવીશ નુર”. મેં સોમનાથ શાહનું પિકચર સેવ કર્યું છે, બાકીના ચાર કિસ્સાઓને પણ આ લખાણ લાગુ પડે છે. તેમના માતા પિતાને ધન્યવાદ. જયજીનેન્દ્ર.

    Liked by 1 person

  2. અંગ દાન ઍ ખરી રીતે જીવન દાન છે. મુસ્લિમ ધર્મશાસ્ત્ર માં કહેવામાં આવેલ છે કે જેણે ઍક વ્યક્તિ નો જીવ બચાવ્યો, તેણે સમસ્ત માનવજાત નો જીવ બચાવ્યો લેખાશે.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s