કર્મણ્યેવાધીકારસ્તે

જીવનયાત્રાને સન્તોષથી પુરી કરવાનું માર્ગદર્શન આપતા આ શ્લોકના ચારે ચરણ રૅશનલ વીચારધારા ધરાવે છે. જ્ઞાન હમ્મેશાં ઠોકર ખાઈને એટલે કે અજમાયેશ અને સુધારણા(Trial and error)થી મળતું હોઈને સંશોધન કરતા વીજ્ઞાનીઓ જાણેઅજાણે આ પ્રમાણે જ કાર્ય કરતા હોય છે.

કર્મણ્યેવાધીકારસ્તે (2/47)

       –વીક્રમ દલાલ

ગીતાના આ બહુ જાણીતા અને અવ્યવહારુ લાગતા શ્લોકનું સ્થુળ ભાષાન્તર આ પ્રમાણે થાય :

તારો કર્મમાં જ અધીકાર છે, ફળમાં કદી નથી;

તુ કર્મફળના હેતુવાળો ન થા;

તેમ જ કર્મ ના કરવામાં તારી આસક્તી ન થાઓ.

પ્રથમ દૃષ્ટીએ આ બીલકુલ ગળે ન ઉતરે તેવી વાત છે; કારણ કે કામ કર્યા પછી જો તેનું વળતર મેળવવાનો અધીકાર કદીએ ન હોય તો ફોગટનું વૈતરું કરવા માટે કોઈ પણ વ્યક્તી શા માટે તૈયાર થાય?

આ શ્લોકનો મર્મ સમઝવા માટે ‘અધીકાર’ અને ‘ફળ’ શબ્દોની સાથે સુક્ષ્મ રીતે સંકળાયેલી બાબતોનો વીચાર કરવો જોઈશે. એક બાજુ અધીકારની સાથે નીર્ણય લેવાની સ્વતન્ત્રતા મળે છે તો બીજી બાજુ તેનું જે કાંઈ પરીણામ આવે તે કચવાટ વગર સ્વીકારી લેવાની તૈયારી પણ રાખવી પડે છે. શ્લોકના પહેલા ચરણમાં ગીતા સમઝાવે છે કે તને કામ કરવાનો અધીકાર છે માટે કયું કામ કરવું, ક્યારે કરવું, કેટલું કરવું, કેવી રીતે કરવું વગેરે તમામ બાબતનો નીર્ણય લેવાનો તને ‘અધીકાર’ એટલે કે તે માટેની તને પુરી સ્વતન્ત્રતા છે. પ્રશ્ન એ થાય છે કે જો કામ કરવાનો અધીકાર હોય તો તેના ફળનો પણ અધીકાર કેમ નહીં? આ પ્રશ્નના ઉત્તરમાં જ જીવનનું પરમ સત્ય છુપાયેલું છે.

ફળ એ કાર્યનું પરીણામ હોઈને ‘ફળ’ શબ્દમાં નીષ્ફળતા અને સફળતા બન્નેનો સમાવેશ થાય છે. જ્ઞાન હમ્મેશાં સીમીત જ હોય માટે પ્રકૃતીના બધાં જ પરીબળોની કોઈને પણ ખબર હોતી નથી તેથી શ્લોકના બીજા ચરણમાં ગીતા સમઝાવે છે કે તને કામ કરવાની સ્વતન્ત્રતા હોવા છતાં જ્ઞાનની અપુર્ણતાને કારણે તેના ફળનું સ્વરુપ (નીષ્ફળતા કે સફળતા) નક્કી કરવાની તને સ્વતન્ત્રતા (અધીકાર) નથી. આપણા જ્ઞાનની સીમાનું તે કુદરતી અને માટે અનીવાર્ય પરીણામ છે.

શાંતીથી વીચારતા જણાશે કે આ કાંઈ અજુગતી કે નવી વાત થની. દા.ત. આપણે જાણીએ છીએ કે :

આપણો અધીકાર બી વાવવાનો છે,

પણ છોડને ઉગાડવાનું આપણા હાથમાં નથી.

આપણો અધીકાર રમતમાં ભાગ લેવાનો છે,

પણ જીતવાનું આપણા હાથમાં નથી.

આપણો અધીકાર પરીક્ષા આપવાનો છે,

પણ પાસ થવાનું આપણા હાથમાં નથી.

આપણો અધીકાર લગ્નનો પ્રસ્તાવ મુકવાનો છે,

પણ તેની સ્વીકૃતી આપણા હાથમાં નથી.

આપણો અધીકાર સન્તાનોમાં સંસ્કાર સીંચવાનો છે,

પણ તેથી તે સંસ્કારી બને જ તે આપણા હાથમાં નથી.

આપણો અધીકાર દવા કરાવવાનો છે,

પણ સાજા થવાનું આપણા હાથમાં નથી.

આપણો અધીકાર  ઉમેદવારને મત આપવાનો છે,

પણ તેને જીતાડવાનું આપણા હાથમાં નથી.

આવા પ્રસંગોની યાદીને હજી ઘણી લમ્બાવી શકાય. જીવનના બધા જ પ્રસંગોને આવરી લેતાં ગીતા કહે છે, તારો અધીકાર ફક્ત પ્રયત્ન કરવાનો જ છે, સફળતાની ખાતરી રાખવાનો નથી.

વળી, પૈસા(વળતર) અને કામ એકબીજાં સાથે સંકળાયેલાં હોવા છતાં, પૈસા માટે કામ કરવું અને કામ કરીને પૈસા લેવા એ બે જુદી બાબતો છે. જે માણસ એમ માનતો હોય કે ‘પૈસાથી બધું જ મળી શકે છે’ તે પૈસા મેળવવા માટે બધું જ કરી છુટે છે. છેતરવામાં, વેઠ ઉતારવામાં, લાંચ લેવામાં કે લાંચ આપવામાં પોતે કશું ખોટું કરે છે એમ તેને લાગતું જ નથી. તેને માટે સાધનશુદ્ધી એ મુર્ખાઈ છે. તે સ્પષ્ટ રીતે માને છે કે ‘વાંકી આંગળીએ જ ઘી નીકળે’. જ્યારે માણસ પૈસા મેળવવા માટે જ કામ કરે ત્યારે તેની નજર ફક્ત પૈસા તરફ જ હોઈને જ્યાં સુધી પૈસા ગુમાવવાનો ડર ઉભો ન થાય ત્યાં સુધી તેને કામની ગુણવત્તા સુધારવાની જરુરત લાગતી નથી. આવો માણસ પામર છે (2/49).

આનાથી ઉલટું, જે માણસ કામ કરીને પૈસા મેળવવા માંગે છે તે પોતાની તમામ આવડત વાપરીને ચીવટથી કામ કરે છે. તે જાતે જ પોતાના કામની ગુણવત્તા સુધારવા સતત પ્રયત્નશીલ રહે છે તેથી તેની ઉપર સુપરવાઈઝર રાખવાની જરુર રહેતી નથી. આપણે સહુ એકબીજા સાથે સંકળાયેલા હોઈને જો દરેક પોતાનું કામ જાતે જ સારી રીતે કરે તો દરેકને બધી જ વસ્તુઓ સારી મળી રહે. આ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે. આ તેથી શ્લોકના ત્રીજા ચરણમાં ગીતા સમઝાવે છે કે, ‘તું કર્મફળના હેતુવાળો ન થા’. કામ કરવું એ પોતે જ મુખ્ય હેતુ છે, તેનું વળતર એ તેની આડપેદાશ છે.

આગળ ત્રણ ચરણનો આશરો લઈને માણસ પોતાની આળસને ‘પંડીતાઈના બોલ’ મારફત છાવરે નહીં તે માટે સમાજસેવાના પુરસ્કર્તા અને માનવ સ્વભાવના અચ્છા જાણકાર વેદવ્યાસ શ્લોકના ચોથા અને છેલ્લા ચરણમાં કહે છે, ‘કર્મ ના કરવામાં તારી આસક્તી ન થાઓ.’ એટલે કે ફળ મળવાની અનીશ્ચીતતા હોવાને કારણે ‘ધાર્યું ધણીનું થાય છે’ તેમ મનને પટાવીને તારી કામચોર વૃત્તીને છાવરીશ નહીં. ગીતાનું પારાયણ કરતા બીનજવાબદાર અને આળસુ ઈશ્વરવાદીઓ આ ચોથા ચરણ તરફ આંખ આડા કાન કરે છે.

જીવનયાત્રાને સન્તોષથી પુરી કરવાનું માર્ગદર્શન આપતા આ શ્લોકના ચારે ચરણ રૅશનલ વીચારધારા ધરાવે છે. જ્ઞાન હમ્મેશાં ઠોકર ખાઈને એટલે કે અજમાયેશ અને સુધારણા(Trial and error)થી મળતું હોઈને સંશોધન કરતા વીજ્ઞાનીઓ જાણેઅજાણે આ પ્રમાણે જ કાર્ય કરતા હોય છે.

–વીક્રમ દલાલ

દરેક પ્રશ્નને ખુલ્લા દીલથી અને બધી બાજુએથી તપાસનારા રૅશનાલીસ્ટ અને વડીલ લેખકમીત્ર વીક્રમ દલાલે 12 સંજ્ઞાઓ ઓછી શીખવી પડે તથા જોડણી યાદ રાખવી ન પડે તેવી સરળ લીપીમાં પ્રગટ કરેલી પુસ્તીકા રૅશનાલીસ્ટની દૃષ્ટીએ ગીતાનો સંદેશ’ (પાનાં : 40, મુલ્ય : મફત)નો આ 9મો લેખ, પુસ્તકનાં પાન 35થી 37 ઉપરથી, લેખક અને પ્રકાશકશ્રી વીક્રમભાઈના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક :

શ્રી. વીક્રમ દલાલ, 2/15, કલ્હાર બંગલોઝ, શીલજ ગામ પાછળ, અમદાવાદ–380 058 સેલફોન : 94273 25820 મેઈલ : inkabhai@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 1910–2018

13 Comments

 1. શ્રીમદ ભગવદ ગીતાનો આ એક અગત્યનો શ્લોક છે .એની જે રીતે સમજ લેખકે આ લેખમાં આપી છે એ મૌલિક અને શીરાની માફક ઝટ ગળે ઉતરી જાય એ રીતે આપી છે.

  Liked by 2 people

 2. સુજ્ઞ વિક્રમભાઇ, ગોવિંદભાઇ,
  ગીતામાં પણ ફળની આશા તો છે જ. પણ દરેક વખતે ધાર્યા પરિણામની આશા ન મળે તો ઘોર નિરાશાની ગર્તામાં માણસ ન કરવાનું કરે એની સામે ચેતવણી છે. એક દાખલો, એડીસીન નામક મહાન વિજ્ઞાની, જેના નામે અનેક શોધખોળ બોલે છે. એમાં વીજળીની શોધમાં એવુ કહેવાય છે કે એકસો કે એક હજાર નિષ્ફળ પ્રયત્ન પછી એને સફળતા મળી. એમની સફળતાના રહસ્યમાં એમણે કહેલુ કે હું નિષ્ફળ રસ્તાઓને બાદ કરતો ગયો ને છેવટે સાચો રસ્તો મળ્યો. જો એમણે નિષ્ફળતાથી હતાશ થઇને પ્રયત્ન છોડી દીધા હોત તો? તો પણ કેટલાક વ્યવસાય એવા છેકે જેમાં વ્યકિતના નેક ઇરાદા ને પુરી મહેનત છતા ય કારમી નિરાશા સાંપડે ત્યારે ગીતાનો ઉપદેશ કામ લાગતો નથી. દા. ત. ખેતી. ખેડુત ગમે એટલી મહેનત કરે. પણ કુદરત રુઠે, અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ થાય, મોલાતમાં જીવાત આવે. માનવ પરિબળ જેવા કે કુવા પર વીજળી કે મશીન હોય પણ સમયસર વિતરણ ન થાય, એમાં કયારેક માનવ પરિબળ કે મશીન બન્ને જવાબદાર હોય. પાક તૈયાર થાય ને મારકેટમાં ભાવ બેસી જાય. માણસને પોતાના સઘળા પ્રમાણિક પ્રયત્ન પછી ધાર્યુ ફળ નમળે તો એને ગીતાનો નિષ્કામ ઉપદેશ કેમ ગળે ઉતરશે? ગીતામાં અર્જુનને પણ યુધ્ધના પરિણામરુપે રાજ્યની લાલચ તો છે જ ને. ઉપદેશ આપવો ને જીવવો એ બન્ને અલગ વાત છે.

  Liked by 2 people

 3. ગુજરાતી ભાષાા ની ઍક કહેવત છે કે “વાવો તેવું લણો”. તે અનુસાર, જે કર્મો મનુષ્ય કરશે, તેવું જ વળતર તેને મળશે. બીજા શબ્દોમાં ઍ કહી શકાય કે જેવું કરશો તેવું ભરશો.

  મુસ્લિમ ધર્મશાસ્ત્રમાં કહેવા માં આવેલ છે કે “જેણે સુકર્મો કર્યા, પોતાના માટે કર્યા, અને જેણે કુકર્મો કર્યા, તેની જવાબદારી તેના પોતાના પર જ છે. (શ્લોક ૪૧:૪૬).

  ટૂંકમાં કહી શકાય કે ગીતાના શ્લોક “તારો કર્મમાં જ અધીકાર છે, ફળમાં કદી નથી” અનુસાર કર્મ કર્યા પછી ફળ કર્મ અનુસાર જ મળશે, ન કે મનુષ્ય ની મરજી અનુસાર.

  Liked by 2 people

 4. મિત્રો,
  વિક્રમ સંવત ૨૦૭૪ના વરસમાં ચાલો આ શ્લોકને લઇને આપણે ૨૦૭૪ના વરસનાઅેક મજૂરને સમજાવીઅે કે જે સવાર સાંજ મજૂરી કરીને દરરોજ મળતા તેના કાર્ય…કર્મના વળતર રુપે મળતા પૈસાથી ઘર ચલાવે છે. તેનો જવાબ શું હશે તે મારા મિત્રો પોતપોતાના વિચારોથકી જણાવે તેવી વિનંતિ છે.

  વિ.સં.૨૦૭૪ના વરસના અેક હાઇશ્કુલમાં ભણતા બાળકને સમજાવવા જઇઅે કે, હે બાળક પરીક્ષા આપવાનું તારું કર્મ છે તું તે કર અને પરિણામ શું આવશે તેની ચિંતા છોડ….૨૦૧૮ (ઇસાઇ કેલેન્ડર)માં જીવનની હાડમારી…કોમ્પીટીશન, પોલીટીક્સ, અને કોઇક સારી ડીગ્રી મેળવીને સફળ સંસાર માંડવાના વિચારોવાળા બાળકનો જવાબ શું હશે તેની ઉપર વિચાર કરીને મિત્રો જણાવે તેવી વિનંતિ છે.

  ભગવદ્ ગીતા આજના સમય માટે કેટલી અનુરુપ છે તે જાણીે.

  અઘ્યાય ૩ ના શ્લોક નં. ૧૧ને વાંચીઅે….( ગુજરાતીમાં અનુવાદ ) યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો અને પછી તે દેવો તમને સંતુષ્ટ કરશે. આમ અેક બીજાને સંતુષ્ટ કરતા તમે પરમ કલ્યાણને પામશો.
  પ્રશ્ન ભાય છે કે, શું આજના અઘિકારીઓ લાંચ લેવાનો જે પ્રયોગ કરે છે તે આ શ્લોકને અનુસરીને કરે છે કે પછી ?

  અઘ્યાય ૪ : શ્લોક નં. ૧૧ ,૧૨, ૧૩,…..જેનો ગુજરાતીના અનુવાદનો મર્મ કહે છે કે ‘ આ લોકમાં કર્મોનાં ફળની ઇચ્છા રાખનારાઓ દેવતાઓને પૂજે છે. કેમ કે મનુષ્યલોકમાં કર્મથી ઉત્પન્ન્ થનારી ફળસિઘ્ઘિ તરત થાય છે. (૧૨)
  હવે શ્લોક ૧૩ : અનુવાદ : પ્રભુ અર્જુનને કહે છે કે ‘ગુણો તથા કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણો ઉત્પન્ન કર્યા છે. તેના કર્તા છતાં તું મને અકર્તા ને અઘિકારી જાણ.‘
  વર્ણવ્યવસ્થા ?????????
  વઘુ માટે જૂઓ અઘ્યાય : ૯ અને અઘ્યાય ૧૮ આવી જ વિગતો મળશે જે વિચાર માંગી લે છે.
  વિ. સં. ૨૦૭૪ અને ઇસાઇ કેલેન્ડર ૨૦૧૮ના વરસોના સામાજીક, પોલીટીકલ, વાતાવરણમાં આ બઘું કેટલું જીવનમાં ઉતારીને જીવવાનું શક્ય છે ? ખૂબ વિચારીે…પોતાને ગમે તેવા વિચારોમાં ના વણીઅે. તે તે પ્રકારનું જીવન જીવતાં હોય તેમના સાચા જીવનમાં શું શક્ય છે અને નથી તેનો વિચાર કરીઅે.

  અે બીલીનીયોર કે લક્ષ્ાઘિપતી ગરીબના જીવન વિશે શું જાણે ?
  અમૃત હઝારી.

  Liked by 2 people

  1. અર્જુનના પ્રશ્નોના જવાબમાં કૃશ્ણએ આપેલા બધા જ જવાબો રૅશનાલીસ્ટના ગળે ઉતરે તેવા નથી. છતાં સારી રીતે જીવન જીવવા માટે માનવીમાત્રને ઉપયોગી થાય તેવા પણ કેટલાક રૅશનલ વીચારો તેમાં છે. મારો ઉદ્દેશ ગીતાના શક્ય હોય તેટલા વીચારોને તર્કબદ્ધ દલીલો દ્વારા રજુ કરીને તેની સામ્પ્રદાયીક છાપ દુર કરવાનો છે જેથી બીનહીન્દુઓ અને રૅશનાલીસ્ટોનો પુર્વગ્રહ હળવો થાય અને તેમાં પ્રબોધાયેલી ‘જીવન જીવવાની કલા’ (Art of Living)નો લાભ લઈ શકે. ( ‘રૅશનાલીસ્ટની દ્રશ્ટીએ ગીતાનો સન્દેશ’ નામની મારી પુસ્તીકાની પ્રસ્તાવનામાંથી)

   Liked by 2 people

 5. ખૂબ સ રસ
  अयं मे हस्तो भगवान् अयं मे भगवत्तरः |
  अयं मे विश्वभेषजोडयं शिवाभिमर्शनः ||આ હાથ દ્વારા કરાયેલ પુરુષાર્થ અને તેના દ્વારા ઘડાયેલ પ્રારબ્ધનું ફળ દેવા માટે ભગવાન પણ વિવશ છે. છતાં મુર્ખ મનુષ્ય પોતે ઘડેલ પ્રારબ્ધમાં ફસાઈ રહીને પુરુષાર્થ કરવાની શક્તિ શા માટે ગુમાવી બેસતો હશે? માત્ર અજ્ઞાનને લીધે કે પછી અર્જુનની જેમ ક્ષુદ્રં હ્રદય દૌર્બલ્યં ને વશ થઈને?
  આવી જ વાત અમારી દીકરીની ગઝલ
  પળેપળનો બદલાવ જોયા કરું છું, ધરા શું, ગગન શું, સિતારા વળી શું?
  સમાયું છે જીવન અહીં ઠોકરોમાં, ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું?
  આભાર લયસ્તરો : ગુજરાતી કવિતા આસ્વાદ
  વળી શું? – યામિની વ્યાસ

  Liked by 3 people

 6. 1. What is left UNSAID in ancient scriptures is often more important than what is said.
  If I have no right to expect fruits of my action, I feel happy when I get good results. But when results are bad, what happens? I don’t feel accountable for them either— God told me not to worry about results. So, I never correct myself or try to improve. I feel no motivation for acquiring better skills in my job or better weapons in war. Hindu society has suffered a lot like this. Nobody feels accountable or responsible for his bad actions, wrong decisions or failed policies. Everything is assigned to good or bad luck. We see this everyday in India today.
  2. It is futile to try to interpret ancient scriptures — every Guru offers a different meaning. It is best to place outdated books with honor on the high shelf of History.
  Thanks.
  — Subodh —

  Liked by 2 people

 7. અધિકાર શબ્દનો બીજો અર્થ અંકુશ પણ થાય છે.

  Like

  1. અધીકાર
   – અર્થ –
   (૧) સત્તા, હકુમત, ‘જુઅરીસ્ડીક્શન.’
   (૨) પદવી.
   (૩) પાત્રતા, લાયકાત.
   (૪) હક્ક.
   (૫) પ્રકરણ, પરીચ્છેદ.
   (૬) મુખ્ય વીષય. (વ્યા.)
   સ્રોત :
   http://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0*/

   Like

   1. શાસનવ્યવસ્થામાં officer શબ્દનું ભાષાંતર ‘અધિકારી’ થાય છે.

    Liked by 1 person

 8. જયશ્રી ક્રુષ્ણ સહિત શ્રી વિક્રમભાઈ દલાલ અને જેમણે તેમના વિચારો પ્રગટ કર્યા છે દરેકને વંદન.
  ગુજરાતી ભાષા વૈદિક સંસ્ક્રુતમાંથી પ્રાક્રુત અને તેમાંથી શૌરસેની પ્રાક્રુતઅપભ્રંશમાંથી ગુજરાતીની ઉત્પત્તિ ભાષામાં લખો છો ધન્યવાદને પાત્ર છો. સંસ્ક્રુત પછી કોઈ પણ મારી જાણકારી પ્રમાણે રસાત્મક કોઈ ભાષા ( મધુર, અલંકારી, છંદ, ઉપછંદ, અંકસંજ્ઞા, ગદ્ય(સાદું લખાણ) પદ્ય (રસાત્મક વાક્ય થી ભરપૂર ) હોય તે ગુજરાતી છે.
  તમે ગુજરાતી ભાષાપર પ્રભુત્વ ધરાવતા લેખો લખો છો તે બદલ આભાર.
  ગીતામાં શ્રી ક્રુષ્ણ પરમાત્માએ “ કર્મણ્યવાધિકારસ્તે” એમાં કર્મ ઉપર ભાર મુક્યો છે કર્મ એટલે માનવ ધર્મ જેને વંદનીય નરસિંહ મહેતાજીએ સુંદર રીતે લખ્યું છે કે “ પર દુ:ખે ઉપકાર કરે તોએ મન અભિમાન ન માણે રે”
  વૈષ્ણવજનતો તેને કહીએ રે પીડ પરાઈ જાણે રે”
  આ તેમના કિર્તનને દુનિયાના મોટા ભાગના ધર્મના લોકોએ માન્યતા આપી છે તેનો પુરાવો બીજી ઓકટોબરના ગાંધીજયંતિ વખતે મોટા ભાગના દેશોમાં વંદનિય નરસિંહ મહેતાજીના “વૈષ્ણવ વજન તો” સમૂહમાં ગાઈને પુરવાર કર્યું હતું.
  ગીતાનો સંદેશો ફળની આશા રાખ્યા વગર કર્મ કરવું એ માનવ ધર્મ સુચીત છે એવું મારુ માનવું છે.
  શૈલેશ પટેલ

  Like

 9. It is futile to try to interpret ancient scriptures — every Guru offers a different meaning. None can read the writer’s mind. Words and meanings keep changing with time.

  It is best to place outdated books with honor on the high shelf of History.
  Thanks. — Subodh —

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s