દલપત (ભાગ–1)

આપણી કહેવાતી ઉજ્જવળ સંસ્‍કૃતીમાં બૌદ્ધીક્‍તાની તીવ્ર કટોકટી સર્જાઈ છે. અહીં એક ઘેટાં પાછળ કરોડો ઘેટાં ચાલતાં રહે છે. શીક્ષીતોનેય કદી પ્રશ્ન થતો નથી કે આપણે સદીઓથી જે કર્મકાંડો કરીએ છીએ તેનો હેતુ શો છે? એ ન કરવામાં આવે તો શું થાય? બ્રાહ્મણો અને ધર્મગુરુઓના કહેવા મુજબ સાચે જ એના કોઈ ફાયદા થાય છે કે એ કેવળ મીથ્‍યાચાર છે? જો આપણે આ કર્મકાંડો નહીં કરાવીશું તો સમાજ શું કહેશે? કુળદેવીના પ્રકોપથી આપણા કુટુમ્બ પર દુઃખના ડુંગરો તુટી પડશે એવી માન્‍યતા ધરાવનારાઓએ એક વ્‍યક્‍તીની સાચી જીવનકથા માણવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.

દલપત (ભાગ–1)

– દીનેશ પાંચાલ

જો નાનપણમાં દીકરાની બાબરી ના ઉતારવામાં આવે તો દીકરા પર કુળદેવીનો પ્રકોપ ઉતરે છે એવું જેઓ માનતા હોય તેઓ આંગળી ઉંચી કરે એમ કહેવામાં આવે તો ગુજરાતમાંથી લાખો આંગળીઓ ઉંચી થાય. એ ઉંચી થયેલી આંગળીઓમાં હજારો આંગળીઓ એવી હોય જે પોતાના નામની નીચે ઍમ.એ., બી.ઍડ., ઍમ.કોમ., ઍલ.ઍલ.બી. કે એમએસ.સી.ની ડીગ્રી હોંશે હોંશે લખતી હોય છે.

        આપણી અન્ધશ્રદ્ધા હાઈલી ક્‍વૉલીફાઈડ હોય છે. આપણો અન્ધશ્રદ્ધાળુ શુટેડબુટેડ હોય છે. દારુબન્ધીના કાયદા હેઠળ દારુની બોટલ જેટલી સુરક્ષીત છે તેટલી ધર્મના કવચ હેઠળ અન્ધશ્રદ્ધા સલામત છે. આપણી કહેવાતી ઉજ્જવળ સંસ્‍કૃતીમાં બૌદ્ધીક્‍તાની તીવ્ર કટોકટી સર્જાઈ છે. અહીં એક ઘેટાં પાછળ કરોડો ઘેટાં ચાલતાં રહે છે. શીક્ષીતોનેય કદી પ્રશ્ન થતો નથી કે આપણે સદીઓથી જે કર્મકાંડો કરીએ છીએ તેનો હેતુ શો છે? એ ન કરવામાં આવે તો શું થાય? બ્રાહ્મણો અને ધર્મગુરુઓના કહેવા મુજબ સાચે જ એના કોઈ ફાયદા થાય છે કે એ કેવળ મીથ્‍યાચાર છે? આ દેશમાં લોકો સામાજીક પ્રતીષ્‍ઠાને પ્રાણપ્રશ્ન બનાવી જીવે છે. જરુરી હોય કે ના હોય આખો સમાજ કર્મકાંડો કરાવે છે. આપણે ના કરાવીશું તો સમાજ આપણને પીંખી નાખશે એવા ભયથી લાખો ઘેટાં નીચી મુડીએ ચાલતાં રહે છે. માણસને સાવજની બીક નથી લાગતી એટલી સમાજની લાગે છે. બચુભાઈ કહે છે– ‘વીજ્ઞાને એટલી તરક્કી કરી છે કે ગણતરીના કલાકોમાં રૉકેટ દ્વારા ઉપર જઈ ચન્દ્રના માથામાં ટપલી મારીને પાછા પૃથ્‍વી પર આવી શકાય છે; છતાં અહીં દશમાંથી સાત ઘરોમાં ભગતભુવા, દોરાધાગા, બાધાઆખડી અને મન્ત્રેલા માદળીયાની બોલબાલા પ્રવર્તે છે.

        જો આપણે આ કર્મકાંડો નહીં કરાવીશું તો સમાજ શું કહેશે… અથવા કુળદેવીના પ્રકોપથી આપણા કુટુમ્બ પર દુઃખના ડુંગરો તુટી પડશે એવી માન્‍યતા ધરાવનારાઓને હું એક વ્‍યક્‍તીની સાચી જીવનકથા કહેવા માંગુ છું. એ માણસનું નામ દલપત. દલપત એવા ગામમાં જન્‍મ્‍યો હતો જ્‍યાં આજે એકવીસમી સદીમાં પણ નાનુ બાળક ખુબ રડે તો માતા તેને દુધ બાદમાં પીવડાવે છે, પહેલાં કોકની નજર લાગી છે એમ માની બાળકના માથા પરથી મીઠું મરચું ઓવારી ચુલામાં નાખે છે. આટલા દુન્‍યવી વીકાસ પછી પણ એ ગામમાં પ્રગતી અને વૈજ્ઞાનીક વીકાસના કીરણો પહોંચી શક્‍યા નથી.

        સદ્‌ભાગ્‍યે દલપતને શહેરમાં નોકરી મળી. એણે ગામડુ છોડવું પડ્યું. દલપતના મીલનસાર સ્‍વભાવને કારણે શહેરમાં દલપતના ઘણા મીત્રો બન્‍યા. શહેરમાં દલપત ખુબ ઘુમ્‍યો. એણે થોડું જોયું જાણ્‍યું… વાંચ્‍યું વીચાર્યું. એની વીચારધારા બદલાવા લાગી. એને સમજાતું ગયું કે પોતે ગામડામાં આજપર્યન્ત જે રીતે જીવ્‍યો તેમાંની બહુધા જીવનશૈલી નરી અન્ધશ્રદ્ધા સીવાય કશું નથી.

        દલપતના ગામમાં આજેય સાપણ ડાંભવાની ક્રુર અન્ધશ્રદ્ધા મોજુદ છે. સાપણ ડાંભવી એટલે શું તે ગામડાના માણસો જાણે છે; પણ શહેરીજનોથી એ શબ્‍દ અજાણ્‍યો છે. ક્‍યારેક એવું બને છે કે કોઈ સ્‍ત્રીને પહેલું બાળક અવતર્યા બાદ બીજા બાળકો જન્‍મે ખરાં પણ જીવતાં નથી હોતા. એ સંજોગોમાં ભગત એવું નીદાન કરે છે કે પ્રથમ અવતરેલા બાળકને બરડે સાપણ છે. એ સાપણ બાળકને ભરખી જાય છે. બાળકના બરડા પર સાપના મોઢા આકારની વાળની રુંવાટી હોય છે. તેને સાપણ કહેવામાં આવે છે. એવી માન્‍યતા છે કે સાપણને મારી નહીં નાંખવામાં આવે ત્‍યાં સુધી જન્‍મતા બધા બાળકોને તે ભરખી જાય છે.

        એ સાપણને મારી નાખવાની રીત ધ્રુજી જવાય એવી છે. કહે છે કે મંગળવારે (કે કદાચ રવીવારે) સંધ્‍યા ટાણે બાળકને ઉમ્બર પર ઉબડું સુવડાવી, તેના મોઢામાં ડુચો મારી બાળકના બરડા પરની સાપણ પર સળગતું છાણું મુકવામાં આવે છે. એ છાણું પુરું બળી રહે ત્‍યાં સુધી તેને બાળકની પીઠ પર રહેવા દેવામાં આવે છે. બાળકના મોઢામાં ડુચો શા માટે મારવામાં આવે છે તેના કારણમાં ઉંડા ઉતરીશું તો અન્ધશ્રદ્ધાની પરાકાષ્ટા સર્જાય એવી માહીતી જાણવા મળે છે. ભગત કહે છે– ‘બાળકને રડતું અટકાવવા માટે નહીં; પણ બોલતું અટકાવવા માટે તેના મોઢામાં ડુચો મારવામાં આવે છે. બાળક એ સમયે જો માના નામની બુમ પાડે તો માનું મૃત્‍યુ થઈ જાય છે!’ આ માહીતી જાણ્‍યા પછી બચુભાઈ બોલ્‍યા– ‘બાળકના બરડા પરની સાપણ કરતાં જીવતી સાપણ વધુ નસીબદાર ગણાય. તેની હત્‍યા આટલી કરપીણ રીતે કરવામાં આવતી નથી!’

        દલપતના ગામમાં ભીખના દીકરાનો કુરીવાજ આજે પણ મોજુદ છે. કોઈ સ્‍ત્રીને કેવળ બાળકીઓ જીવતી હોય પણ પુત્ર ના જીવતો હોય ત્‍યારે તે પોતાના બાળકને ભીખના બાળક તરીકે જાહેર કરી તેનું નામ ‘ભીખલો’ રાખે છે. નીયમ મુજબ ભીખના બાળકોના નામો હેતુપુર્વક આવા અપમાન સુચક રાખવામાં આવે છે. આજેય ગામડામાં ‘ભીખલો’… ‘કચરો’… ‘પુજો’… ‘ગાભણો’… જેવા નામ ધરાવનારા માણસો મળી આવે છે. એ બાળક મોટું થાય ત્‍યાં સુધી તેની મા તહેવારોમાં દીકરાના ભોજન માટે મહોલ્લામાંથી ભીખ ઉઘરાવી લાવે છે. કહે છે કે ભીખના દીકરાને મીષ્‍ઠાન્‍ન પણ ભીખનું ખવડાવવું પડે. આવો ટેક પાળવાથી દીકરો જીવી જાય છે એમ તેઓ માને છે.

        એ સીવાય ગામડામાં આજેય એક વીચીત્ર માનતા માનવામાં આવે છે. જેમાં નાના બાળકને ખેંચ આવે ત્‍યારે ઉંધી બ્‍લાઉઝ પહેરવાની બાધા લેવામાં આવે છે. બાળકની માતા સીલાઈવાળો ભાગ ઉપર દેખાય એ રીતે (ઉંધી) બ્‍લાઉઝ પહેરે છે. ખેંચ આવતી હોય એવા બાળકની માતા આ રીતે ઉંધી બ્‍લાઉઝ પહેરે તો બાળકને ખેંચ નથી આવતી. (અમારા બચુભાઈ કહે છે– ‘કોક માતા યા દેવીની કૃપાથી બાળકનો રોગ સાજો થઈ જતો હોય તો સમગ્ર માનવજાત એ દેવીની આભારી ગણાય. એ માતા પ્રત્‍યેનો બધો આદરભાવ અકબન્ધ રાખીને હું એટલું પુછવા માગું છું કે માતાજી, બાળકને રોગમુક્‍ત કરવાની આપની કૃપા માટે અમે સૌ આપના આભારી છીએ; પણ આપ એવી જીદ શું કામ પકડો છો કે બાળકની માતા ઉંધી બ્‍લાઉઝ પહેરી સમાજમાં હાસ્‍યાસ્‍પદ સ્‍થીતીમાં ફરે તો જ હું બાળકની ખેંચ દુર કરું અન્‍યથા નહીં…?’)

        ગામડામાં એક બીજી પ્રચલીત અન્ધશ્રદ્ધા એવી છે કે જે ઘરનો આગળનો ભાગ પહોળો અને પાછળનો સાંકડો હોય તેને ‘વાઘમુખુ’ ઘર કહેવામાં આવે છે. એવા ઘરમાં માણસ સુખથી જીવી શકતો નથી. તેના પર કોઈને કોઈ આપત્તીઓ આવ્‍યા કરતી હોય છે. (બચુભાઈ એ સન્દર્ભે ઉમેરે છે– ‘આપણા દેશનો નકશો જોઈશું તો તે ઉપરથી પહોળો અને નીચેથી સાંકડો છે. આ વાઘમુખા દેશમાં ગુંડાઓ અને રાજકારણીઓ સીવાય કોની મજાલ કે સુખથી જીવી શકે?)

        ગામડામાં આવા વાતાવરણમાં ઉછરેલા દલપતને લાગ્‍યું કે આ બધી અન્ધશ્રદ્ધાની વાતો છે, જે ત્‍યજવા જેવી છે. દરેક માણસનો વૈચારીક વીકાસ થવો જોઈએ. જીવનના દરેક તબક્કે તેને પ્રશ્નો થવા જોઈએ કે આવું આપણે કેવળ પરમ્પરાગત રીતે કરીએ છીએ કે તે પાછળ કોઈ ચોક્કસ કાર્યકારણનો સીધ્‍ધાંત કામ કરે છે? માણસે આવી તમામ અન્ધશ્રદ્ધાને ફગાવી દઈ વીકસતા વીજ્ઞાનના સહારે પોતાનું જીવન આધુનીક રીતે કંડારવું જોઈએ. દલપત માટે પોતાના સમગ્ર ગામલોકોની જીવનશૈલીને બદલવાનું શક્‍ય નહોતું; પણ તેણે પોતાના જીવનમાંથી એવી તમામ અન્ધશ્રદ્ધા અને કુરીવાજોને હાંકી કાઢ્યા, અને પોતાનું જીવન પોતાની રીતે ગોઠવ્‍યું. શું શું કર્યું દલપતે…? (તે જોઈશું હવે 2019ની 18 જાન્યુઆરીએ)

– દીનેશ પાંચાલ

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com

લેખકનાં પુસ્તકો :

(1‘જીવન સરીતાને તીરે’ (2) ‘ચાલો, આ રીતે વીચારીએ!’ અને () ‘ધુપછાંવ’ એ પ્રથમ ત્રણ પુસ્તકો સુરતના સાહીત્ય સંગમ, ગોપીપુરા, સુરત – 395 003 (સેલફોન : 98251 12481 વેબસાઈટ : www.sahityasangam.com ઈ.મેઈલ  : sahitya_sankool@yahoo.com) તરફથી પ્રકાશીત થયાં છે. એક પુસ્તક ‘મનનાં મોરપીંછ’ (પુરસ્કૃત) ઈમેજ પબ્લીકેશન્સ પ્રા. લી., (199/1, ગોપાલ ભુવન, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુમ્બઈ – 400 002 ફોન : (022) 2200 2691 વેબસાઈટ : www.imagepublications.com  ઈ.મેઈલ : info@imagepublications.com) તરફથી પ્રગટ થયું છે. એક પુસ્તક ‘જીવનસરીતા’ અમદાવાદના નવભારત સાહીત્ય મંદીર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 ફોન : (079) 2213 2921  વેબસાઈટ : www.navbharatonline.com   ઈ.મેઈલ : info@navbharatonline.com  અને બાકીનાં દસ પુસ્તકો (1) ‘શબ્દોનો સ્વયંવર’ (2) ‘ઉરે ઉગ્યો અરુણ’ (3) ‘બોલો, ઈશ્વર છે કે નથી?’ (4) ‘સ્ત્રી : સંસારલક્ષ્મી’ (5) ‘તનકતારા’ (6) ‘અંતરના ઈન્દ્રધનુષ’ (પુરસ્કૃત)  (7‘હૈયાનો હસ્તમેળાપ’ (8‘ધરમકાંટો’, (9) ‘સંસારની સીતાર’ અને (10) ‘મનના માયાબજારમાં’ એ તમામ પુસ્તકો ગુર્જર ગ્રંથરત્ન પ્રકાશન, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 ફોન : (079) 2662 0472/ 2214 4663 ઈ.મેઈલ : goorjar@yahoo.com તરફથી પ્રગટ થયાં છે. (1) અંતરના આંગણેથી’ અને (2) ‘દીલના દુરબીન’ બન્ને પુસ્તકોનું પ્રકાશન હાથ પર છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ 21/12/2018

10 Comments

  1. Dineshbhai your observation is true. As a child specialist i have treated many children,, ,victim of religious torture. we are not economically backward but we as a population are
    mentally backward and therefore we do not progress like many other countries.

    Liked by 1 person

  2. I fully agree with author’s views. Once we know the truth, mental fear will go away.

    I really appreciate this article and thanks to Dineshbhai.

    Pradeep H. Desai

    USA

    Liked by 1 person

  3. અંધશ્રધ્ધા નું મુળ છે “બાપદાદા”.

    વગર વિચાર્યે જે ક્રીયાકર્મો બાપદાદાઑ કરતા હતા તેજ ક્રીયાકર્મો નું આંધળું અનુકરણ આજે તેની પેઢી કરી રહી છે.

    આ આંધળું અનુકરણ કેવળ હિન્દુ ધર્મ પૂરતું મર્યાદિત નથી, પરંતુ અન્ય ધર્મો માં પણ, મુસ્લિમ ધર્મ સહિત, ઠાન્સી ઠાન્સી ને ભરેલું છે

    આ વિષે મુસ્લિમ ધર્મશાસ્ત્ર માં કહેવામાં આવેલ છે, જેનો ભાવાર્થ ઍ છે કે “જ્યારે તેમને કહેવામાં આવે છે કે ઍ બાબતોનું અનુસરણ કરો, જે તમારા પરમેશ્વર તરફથી છે, તો તેઓ કહે છે કે, નહીં, અમે તો ઍ બાબતોનું અનુસરણ કરીશું, જે અમારા બાપદાદાઑ કરતા હતા. શું તેમના બાપદાદાઑઍ બુદ્ધિનો જરા પણ ઉપયોગ ન કર્યો હોય અને સત્ય માર્ગદર્શન ન પામ્યા હોય, તો શું તેઓ આંધળું અનુકરણ કર્યે જશે?”

    આમાં દોષ કોનો?

    Liked by 1 person

  4. Khub saras samjavat Dineshbhai.
    Lakhta raho ane Govindbhai amara sudhi pahochadta raho evi subhechchha.
    Vanchan thaki ghana vyakti vicharta thai ane vicharvu matlab tark karvo ane tark karvo etle rationalism swikarvu. Hu pan varso thi raman brahman vanchto hato tenathakij rational thayo chhu.

    Liked by 1 person

  5. દલપત શું કરે છે તે જાણવા ધરપત ધરીએ.
    @ રોહિત દરજી”કર્મ”,હિંમતનગર
    એકદમ પાક્કો રેશનાલિસ્ટ મો.94267 27698

    Liked by 1 person

Leave a comment