સંશય

40 કવીતા અને ત્રણ રૅશનલ વાર્તાઓનો સંચય – ‘સંશય’માં કવીશ્રી પ્રવીણ ગઢવીએ પોતાના સર્જકકર્મ થકી ચાર્વાક, બુદ્ધ, જોતીબા ફુલે, કાર્લ માર્ક્સ, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને ડૉ. અબ્રાહમ કોવુરની વૈજ્ઞાનીક અભીગમ ધરાવતી વીચારધારાને બીરદાવી, ‘રૅશનાલીઝમ’ને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. તે તેમ જ ‘દલીત સાહીત્ય’ અને ‘રૅશનાલીઝમ’ને શી લેવા દેવા છે તે જાણવા ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.

પ્રસ્તાવના

–હરીશ મંગલમ્

અત્યાર સુધી પ્રકટ થયેલા પોતાના કાવ્ય સંગ્રહોમાંથી પસન્દ કરીને કવીશ્રી પ્રવીણ ગઢવીએ 40 કાવ્યો અને ત્રણ ‘રૅશનલ’ વાર્તાઓ તરીકે વર્ગીકૃત કરીને અત્રે ‘સંશય’માં સંકલીત કરી છે. રૅશનલનો અર્થ થાય છે – ‘તર્કસંગત’, ‘યુક્તીમુલક’, ‘ન્યાયનું રુપ’ અને ‘વૈજ્ઞાનીક બાબત’. વાચકો–ભાવકો સૌને એક પ્રશ્ન અવશ્ય થાય કે, ‘દલીત સાહીત્ય’ અને ‘રૅશનાલીઝમ’ને શું લેવા દેવા? તો એનો પ્રત્યુત્તર એવો હોય કે, દલીત સાહીત્ય અને રૅશનાલીઝમને ગાઢ સમ્બન્ધ છે. ધર્મપ્રેરીત સડી ગયેલી રુઢીઓ અને પરમ્પરાઓને અનુસરતા, કર્મકાંડો અને અન્ધશ્રદ્ધામાં સતત રાચતા વંચીતો શોષીતો–પીડીતોએ પરાવલમ્બી જીવન જીવવું જોઈએ નહીં. શીક્ષણના અભાવે, વૈજ્ઞાનીક અભીગમની ગેરહાજરીમાં તેમનું હરેક પળે દરેક બાબતમાં શોષણ થતું રહ્યું છે. સમ્માનપુર્વક જીવવાનું દોહ્યલું બની ગયું છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકરે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે, ઈશ્વરે આપણને અસ્પૃશ્ય વર્ગમાં જન્મ આપ્યો છે અને ઈશ્વરની ઈચ્છા એવી છે કે આપણે અસ્પૃશ્ય જ રહીએ એવી ખોટી માન્યતાને છોડી દો! તમારે અત્યારે ઈશ્વર વીશે વીચાર કરવાની જ જરુર  નથી. આપણે ગરીબી અને અસ્પૃશ્યતા સહન કરવાં પડે છે તે કોઈ ગયા જનમના પાપને કારણે હોવાની વાત ખોટી છે, આપણે ગરીબાઈ અને અપમાન સહન કરવાં પડે છે; કારણ કે ઉપરના વર્ગે દમન અને શોષણ દ્વારા એ બન્ને આપણા પર લાદી છે અને તે રીતે તેમનું હીત સાધી લીધું છે અને આપણને નુકસાન પહોંચાડ્યું છે. મહારો પાસે જમીન નથી; કારણ કે તે બીજા લોકોએ ઝુંટવી લીધી છે, અસ્પૃશ્યો માટે નોકરીઓ નથી; કારણ કે નોકરીઓ પર બીજા વર્ગોએ તેમનો ઈજારો જમાવી દીધો છે, દૈવ પર ભરોસો રાખી બેસી ન રહો! આપણે જે પ્રાપ્ત કરવાનું છે તે આપણી તાકાત પર જ પ્રાપ્ત કરવાનું છે. (ડૉ. આંબેડકર : જીવન અને કાર્ય’, લેખક : ધનંજય કીર, અનુવાદ : દેવેન્દ્ર કર્ણીક, મુળજીભાઈ વી. ખુમાણ, પેજ નંબર : 273, પ્રથમ આવૃત્તી : 1984).

ડૉ. અબ્રાહમ કોવુરે પણ કહ્યું છે કે, ‘(શારીરીક, માનસીક કસરત બાદ કરતાં) યોગ, ધતીંગ, ધ્યાન ભ્રમ, પુન:જન્મના વાહીયાત દાવા, ફળ જ્યોતીષ, છેતરપીંડી અને ચમત્કારો પેદા થાય છે જે પોતાના ચમત્કારો ચકાસવા દેતા નથી તે ઠગ, બદમાશ છે, જેનામાં ચમત્કાર ચકાસવાની હીમ્મ્ત નથી એ ભોટ, ડરપોક છે, જે ચકાસણી વગર તેને માનવા તૈયાર છે તે મુર્ખ છે. દુનીયામાં અલૌકીક શક્તી ધરાવતી એક પણ વ્યક્તી હોત તો હું ભીખારી બની ગયો હોત; કારણ કે બનાવટ વીનાની પરીસ્થીતીમાં અલૌકીક શક્તી દર્શાવનારને એક લાખ રુપીયા ઈનામ આપવાનું જાહેર કર્યું હતું; પરન્તુ મેં એક પણ પૈસો ગુમાવ્યો નથી.’ આમ દેવના આધારે છોડી દેવું એ મનુષ્યને પામર બનાવે છે. આખો સમાજ જ્યારે અન્ધારકુપમાં સરી પડ્યો હોય, ત્યારે વૈજ્ઞાનીક અભીગમનો રસ્તો જ પ્રકાશમાર્ગ તરફ લઈ જશે. અન્ધશ્રદ્ધામાંથી મુક્તી મેળવીએ તો સ્વાશ્રયી, સ્વાવલમ્બી, સમ્માનપુર્વકનું શોષણવીહીન જીવન પ્રાપ્ત થશે. અનીશ્વરવાદ અને અનાત્મવાદનો સ્વીકાર કરીશું તો જીવનની મોટાભાગની વીટમ્બણાઓ દુર થશે.

સમગ્ર સૃષ્ટીમાં અગણીત જીવો છે. એમાં કોઈ જીવને ઈશ્વરની જરુરીયાત જણાતી નથી. માત્રને માત્ર મનુષ્યને જ કેમ જરુરીયાત જણાય છે? આવો સહજ વેધક સવાલ કવીને પજવે છે, જુઓ :

પશુ, પંખી

વનોની વનસ્પતી

ન જરુર કોઈને

ઈશ્વરના અસ્તીત્વની.

માણસ જ

કેમ વીકલાંગ

શોધે ઈશ્વરનો આધાર?

મનુષ્ય જીવ સીવાય અન્ય લાખો જીવોને ઈશ્વરના આધાર વગર ચાલતું હોય તો, સમગ્ર માનવજાતે આધાર રાખવો જોઈએ નહીં. ઈશ્વર વીશેની પોતાની પંગુતા ત્યજી દેવી જોઈએ. અન્ય એક રચનાના પુર્વાર્ધમાં કવી મુખર થઈને કહે છે :

ચીન્તક હું

માનું ના અસ્તીત્વ

ઈશ્વરનું

જાણું સૃષ્ટી

લીલા બધી પદાર્થના ગુણધર્મોની

જ્યારે એના ઉત્તરાર્ધની પંક્તી જુઓ :

કીન્તુ

જોઈએ મને આશરો

ઈશ્વરના આભાસનો

અહેસાસનો

આધી, ઉપાધી, વ્યાધીગ્રસ્ત

મનુષ્ય છું હું જ્યારે.

પુર્વાર્ધમાં વ્યક્ત થતું રૅશનલચીન્તન, ઉત્તરાર્ધની પંક્તીઓમાં સંશયાત્મક ચીન્તન જણાય છે. મને લાગે છે કે, સમગ્ર મનુષ્ય જાતીનો આ પ્રશ્ન છે. ગુજરાતીમાં કહેવત છે કે ‘સુખમાં સાંભરે સોની ને દુ:ખમાં સાંભરે રામ’ની જેમ જ્યારે માણસ કશીક આફતમાં ફસાય છે, વૃદ્ધત્વમાં આધી–વ્યાધીગ્રસ્ત બને છે, ત્યારે કશોક આશરો ફંફોસે છે. એકાકીપણામાં ડંસતો શુન્યાવકાશ કશુંક ભરવા ફંફોસે છે અને મનોબળ તુટતું જાય છે. ત્યારે માત્ર હાથવગો–કાલ્પનીક તો કાલ્પનીક, ભ્રમ તો ભ્રમ કોક ઈશ્વરનું સ્મરણ એનું અવકાશપુરક બને છે. અહીં રૅશનાલીસ્ટ જુદો તરી આવવો જોઈએ; કારણ કે તે એક ચોક્કસ વીચારધારાને અનુસરે છે. તે આમાંથી બાકાત રહે છે; પરન્તુ ચીન્તક હું – એટલે કે કવીનું માનસ ઉત્તરધ્રુવ અને દક્ષીણધ્રુવ વચ્ચે ઝોલા ખાય છે. ચીન્તક–કવી, અવઢવમાં જણાય છે. ઉપાધી ટાણે કે મૃત્યુવેળાની ક્ષણોમાં, જીજીવીષાનાં અડાબીડ જંગલોમાં અથડાતા–અટવાતા–કુટાતા લોકોને ટેકાની જરુરીયાત વરતાય છે. ડુબતા માણસને તણખલું હાથ લાધે ને હળવાશ અનુભવે તેવી આશા બંધાય છે. પાક્કો રૅશનાલીસ્ટ હોય, તે જ દૃઢતા જાળવી શકે. મૃત્યુ પણ તને ડરાવે નહીં, તેવું દૃઢ ને મક્કમ મનોબળ હોવું જોઈએ.

નીચેની રચના મને બધાં કાવ્યોમાં સમ્પુર્ણ રૅશનલ લાગી છે :

ખરાં રૅશનાલીસ્ટ તો

પશુ, પંખી, જંતુ

નથી ભગવાનમાં માનતાં

નથી પુજાપાઠભજનકીર્તન કરતાં

નથી ભગવાનના નામે લડતાં

નથી પ્રાર્થના કરતાં

નથી દેવવાણી સાંભળતાં

ખાય છે

જીવે છે

જીવનનો આનન્દ ભોગવે છે

પછી પંચમહાભુતમાં વીલીન થઈ જાય છે

નથી એમને સ્વર્ગ–નર્ક–મોક્ષ

ખરાં રૅશનાલીસ્ટ તો

પશુ, પંખી, જંતુ.

‘જો હો એવા કો’ ગુરુ તો બતાવો– રચનાની પ્રથમ પંક્તી કબીરના દોહાના લઢણની યાદ અપાવે છે. ચાર્વાક, બુદ્ધ, જોતીબા ફુલે, કાર્લ માર્ક્સ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની વૈજ્ઞાનીક અભીગમ ધરાવતી વીચારધારાને બીરદાવી, ‘રૅશનાલીઝમ’ને ઉજાગર કર્યો છે. સંગ્રહની મોટાભાગની રચનાઓ ‘સંશય’ પર રચાઈ છે. સમગ્ર સૃષ્ટીનું બારીક નીરીક્ષણ કરીએ તો અણઉકલ્યા ઘણા પ્રશ્નો સામે આવે છે.

બ્રહ્માંડનો હજી તાગ પામી શકાયો નથી, ઘણાં રહસ્યો ખુલ્યાં નથી. ઘણાં વૈજ્ઞાનીક સંશોધનો ચાલુ છે, તો ઘણાં બાકી છે. શોધાશે ત્યારે વી–જ્ઞાન લાધશે, રહસ્યો ખુલશે. એ પહેલાં ‘ઈશ્વરની લીલા છે આતો, ઈશ્વરને કોઈ ના પહોંચે’, ઈશ્વર સર્જીત છે એમાં માણસ કંઈ કરી શકે નહીં’– વગેરે બહુરંગી પરીકલ્પનાઓના ફુગ્ગાઓ ઉડ્યા કરશે; પરન્તુ વીજ્ઞાનની અજાયબ શોધો થવાથી ઘણા ફુગ્ગાઓ ફુટી ગયા, તેવી જ રીતે બાકીના ફુગ્ગાઓ પણ ફુટી જશે એ નક્કી.

આ પુસ્તકમાં ‘સંશયાત્મા’, ‘સત્યની શોધ’ અને ‘નાસ્તીક રાજા વેન’એ વાર્તાઓનો પણ સમાવેશ કર્યો છે. હરમાન હેસ્સની અંગ્રેજી નવલકથા ‘સીદ્ધાર્થ’ સુખ્યાત છે. તેના પરથી અંગ્રેજી ફીલ્મ પણ બની છે. ડૉ. રવીન્દ્ર ઠાકોરે એનો ગુજરાતી અનુવાદ ‘સીદ્ધાર્થ’ નામે કર્યો છે. ‘સંશયાત્મા’ વાર્તા ચાર્વાક પર લખી છે. ત્રણેય વાર્તાઓનું વીષયવસ્તુ પૌરાણીક છે. પ્રવીણ ગઢવીએ પોતાના સર્જકકર્મ થકી ઉક્ત વીષયવસ્તુમાં રૅશનલસ્પર્શ અર્પીને ‘રૅશનાલીઝમ’ને ઉજાગર કરવાનો સન્નીષ્ઠ સ્પર્શ પ્રયત્ન કર્યો છે. જે સૌ વાચકો–ભાવકોના ચીત્તમાં રસ જગવશે અને દલીત સાહીત્યકારોને દીશા ચીંધશે.

14 એપ્રીલ, 2018

ડૉ. આંબેડકર જન્મદીન

હરીશ મંગલમ્

મન્ત્રી

ગુજરાતી દલીત સાહીત્ય અકાદમી

પ્રસ્તાવનાકારસમ્પર્ક HARISH MANGALAM, ‘Prakamp’, 7/DurgaKrupa Society, Nr. KirtiDham Tirth, ChandKheda, Amdavad-382 424 eMail :  mangalam_harish@yahoo.com Phone : L.L. 079-2329 1979 Mobile : 94082 29253૮ *

કવી/વાર્તાકારસમ્પર્ક : શ્રી. પ્રવીણ ગઢવી, IAS (નીવૃત્ત), આથવલીંક, 466/2, સેક્ટર–1, ગાયત્રી મન્દીર પાછળ, ગાંધીનગર સેલફોન : +91 99798 93990. મારા ‘અભીવ્યક્તી’ બ્લૉગ માટે ‘સંશય’ પુસ્તક મને હેતથી ભેટ મોકલવા બદલ કવીશ્રી પ્રવીણ ગઢવીનો દીલથી આભાર..

પ્રકાશક : ગુજરાતી દલીત સાહીત્ય અકાદમી, સરનામું, ફોન અને સેલફોન નમ્બર * મુજબ, ઈ.મેઈલ : prakamp1979@yahoo.com પ્રથમ આવૃત્તી : જુન, 2018 પૃષ્ઠ : 10 + 94, મુલ્ય : રુપીયા 120/-

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 28–12–2018

2 Comments

  1. આ ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી અેટલે શું ? દલિત શબ્દ હજી પણ જીવંત છે… અેટલે… દલિત મનના માલિકો પણ હજી જીવિત છે. ડો. આંબેડકરના વાક્યો આ લેખમાં લખાયા છે… હરીશ મંગલમ્ે સરસ રીતે તે મજબુત વાક્યોને સ્થાન આપ્યુ છે. છતાં હજી પણ દલિત સાહિત્ય અકાદમી…. દલિતના નામે ચાલે છે. દલિતો ડો. આંબેડકરની વિચારઘારાને જીવનમાં કેમ નથી ઉતારતા? અને અેટલુંં જ લાગતું હોય તો ભારતમાંથી… હિન્દુઓમાંથી… વર્ણવ્યવસ્થાને દૂર કરવાના મીશનો ચાલુ કરો. અેકવાર વર્ણવ્યવસ્થા દૂર થશે અને સૌ ભારતીય બની જશે ત્યારે ભારત મહાન દેશ બની જશે.
    અમૃત હઝારી.

    Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s