શું દારુના અડ્ડા કરતાં અન્ધશ્રદ્ધાના અડ્ડાઓ વધુ ખતરનાક છે? શું ભુવાઓ અને ભુવીજીઓ મુંગાને બોલતાં અને આંધળાને દેખતા કરી શકે છે? અસાધ્ય રોગો મટાડી શકે છે? શું અન્ધશ્રદ્ધાના ઓઠા હેઠળ ધુતતા ભુવાઓ/ભુવીજીજો/બાપુઓ/પીરદાદાઓની હાનીકારક પ્રવૃત્તીઓને અટકાવી શકાય તેમ છે? આ જાણવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત કેવા નીમન્ત્રણ છે.
(આ સત્ય ઘટના વર્ષ 2017ની છે; પરન્તુ આજેય આવી ઘટનાઓ બને છે. આ પ્રકારના ગુનાઓ લોકજાગૃતી દ્વારા જ અટકાવી શકાય છે.)
હું મુંગાને બોલતા અને આંધળાને દેખતા કરું છું!
– રમેશ સવાણી
સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી ગામમાં, ત્રણ મહીનાથી બહારગામના લોકોની અવરજવર વધી ગઈ હતી. મહેન્દ્રસીંહ રાજપુત (ઉમ્મર : 50) અને લીલાબેન મેવાળા (ઉમ્મર : 45) લોકપ્રીય બની ગયા હતા. લોકો મહેન્દ્રસીંહને ‘બાપુ’ અને લીલાબેનને ‘માતાજી’ કહેતા હતા.
તારીખ 03 માર્ચ, 2001. શનીવાર. સમય બપોરના દોઢ વાગ્યો હતો. બાપુ અને માતાજીએ પ્લાસ્ટીકના છતવાળા મંડપમાં સ્થાન ગ્રહણ કર્યું હતું. મોટા ભાગના આદીવાસી અને અભણ લોકો પોતાના દરદને દુર કરાવવા પ્રતીક્ષામાં બેઠાં હતા. બાપુ અને માતાજી આશીર્વાદ આપી રહ્યા હતા. બાપુએ કહ્યું : “ભક્તજનો! માતાજીની કૃપા થઈ છે. ભુતપ્રેત ભગાડવાનું કામ ચપટી વગાડતા જ થઈ જાય છે! ગમે તેવો રોગ થયો હોય, મારી પાસે આવે તો મહીનામાં દુર થઈ જાય છે! ભવીષ્ય જાણવું હોય તો અમારી પાસે આવો.”
પછી માતાજીએ કહ્યું : “શ્રદ્ધાળુઓ! તમારે સાત પેઢીની જાણકારી મેળવવી હોય તો મારા આશીર્વાદ લેવાથી તે જાણકારી તમને મળશે!”
એક શ્રદ્ધાળુએ બાપુના ચરણમાં એકવીસ રુપીયા મુક્યા. બાપુએ પુછ્યું : “તમારું નામ?”
“બાપુ! આપ તો જાણો છો, છતાં નામ કેમ પુછો છો?”
“ભક્ત! તમારું નામ શું છે, તે માટે મારે વીધી કરવી પડે. વીધી કર્યા બાદ તમારી સાત પેઢીને હું જાણી શકું! એમાં સમય બગડે.”
“બાપુ! મારું નામ સીદ્ધાર્થ છે!”
“શું તકલીફ છે?”
“બાપુ! બે મોટી સમસ્યા છે. અમારા ગામમાં જીવતી ડાકણ છે. એનો ઉપાય બતાવો. અમે મુંઝાણા છીએ!”
“સીદ્ધાર્થભાઈ! ચીંતા ન કરો. જીવતી ડાકણ વાળવાની વીધી કરવી પડે. એક લીલું નાળીયેર, સાત લીંબુ, સાત અડદના દાણા, સાત જાતના અનાજ ભેગા કરી, તેને દળીને સાત રોટલા બનાવવા. ઘી–ગોળવાળી બાજરીની કુલેર, બાજરીના રાડાના એકવીસ ટુકડાં, આકડાની ડાળીના સાત ટુકડાં, સાત બંગડી, કાંસકી, રીબીન, ચાંદલો, હાર, માથાની પીન, વીંટી, નખ–પોલીશ, અત્તરની શીશી, સાડી, બ્લાઉઝ, ચણીયો લઈ સાત અવળા આંટા ફરવા અને રાતના સાડા આઠ વાગ્યે આ બધું સ્મશાનમાં મુકવું. તેની ફરતે પાણીથી કુંડાળું કરવું. વીધી કર્યા પછી, બોલ્યા વીના, પાછળ જોયા વીના પરત ઘેર જતા રહેવું. આ વીધીથી જીવતી ડાકણનો ત્રાસ દુર થઈ જશે! બોલો, બીજી કોઈ સમસ્યા છે?”
“બાપુ! મને ડાયાબીટીસ છે. હાથ–પગ દુઃખે છે. આંખોની રોશની દીવસે–દીવસે ઓછી થતી જાય છે. હું મુંઝાયો છું!”
“સીદ્ધાર્થભાઈ, ડાયાબીટીસ ચપટી વગાડતા જ ભાગે! તે માટે પાઠ કરવાની વીધી કરવી પડશે. તે માટે 50 ગ્રામ અબીલ, ગુલાલ, કંકુ અને સીન્દુર, અગરબત્તી, નાડાછડી, 25 સોપારી, અત્તરની શીશી, કપુરની ગોટી, ટોપરું, પાંચ ખારેક, 100 ગ્રામ સાકર, પાંચ લીલા ફ્રુટ, ત્રણ શ્રીફળ, અડધો મીટર સફેદ, કાળું અને લાલ કાપડ, કીલો છુટાં ફુલ, 40 ટાંકણીઓ, ત્રણ કોડીયાં, બે કુલડી, ત્રણ પાટલા, પાંચસો ગ્રામ ચોખા, ઘઉં, અડદ, ઘી અને ગોળ સાથે છ શનીવાર સુધી અહીં આવો પછી ચપટી વગાડીશ. ત્યારે તમારો ડાયાબીટીસ દુર!”
“બાપુ! મને આ વીધી સમજાણી નહીં! આ વીધીને અને ડાયાબીટીસને શું લેવા દેવા?”
“ભક્ત! આ અગોચર વીશ્વ છે. વીધીને સમજવાની ન હોય, કરવાની હોય! માનવાની હોય! માનીએ તો ઈશ્વર નહીં તો પથ્થર!”
તે સમયે, બીજા એક શ્રદ્ધાળુએ લીલાબેન મેવાળાના ચરણોમાં એકવીસ રુપીયા મુકી કહ્યું : “માતાજી! કૃપા કરો!”
“તમારું નામ? ઠામ ઠેકાણું?”
“માતાજી! આપ તો બધું જાણો છો, પછી કેમ પુછો છો?”
“ભક્ત! માતાજીની કસોટી ન હોય!”
“માતાજી! મારું નામ મધુભાઈ છે!”
“બોલો, મધુભાઈ શું તકલીફ છે?”
“માતાજી! લગ્ન થયાને વીસ વર્ષ થયા; પણ સંતાનપ્રાપ્તી થઈ નથી!”
“ભક્ત! તમે દેશસેવાનું કામ કરી રહ્યા છો! વસ્તીવધારો દેશને પજવે છે!”
“માતાજી! આ તો હું સમજું છું; પણ મારી પત્ની હઠ લઈને બેઠી છે! એણે રાન્દલમાંની માનતા માની છે!”
“ભક્ત! તમારી પત્નીને અહીં લાવ્યા છો?”
“માતાજી! એ તો સુરત છે.”
“આવતા શનીવારે તેને લઈને અહીં આવજો. વીધી કરવી પડશે. પછી ચપટી વગાડતા જ પુત્રપ્રાપ્તી થશે!”
“માતાજી! કઈ વીધી કરવાની છે?”
“મધુભાઈ! એક હજાર અને આઠ હવન કુંડનો યજ્ઞ કરવો પડશે. સત્તાવીસ લાખનો ખર્ચ થશે. તૈયારી કરો!”
“માતાજી! પાખંડ બન્ધ કરો! સંતાનપ્રાપ્તી અને હવનને શું લેવા દેવા?”
“તમે કોણ છો? માતાજીનું અપમાન કરો છો? શરમ નથી આવતી?”
“લીલાબેન, શરમ તમને આવવી જોઈએ. તમે અને મહેન્દ્રસીંહ ભેગા થઈને, સ્પેશીયલ વેશભુષા ધારણ કરીને, ગરીબ અને અભણ લોકોને છેતરો છો! ભણેલા પણ લાલચું લોકોને દોરાધાગા બાંધો છો! તમે ભુતપ્રેતને ભગાડવાનો અને સાત પેઢીની જાણકારીનો દાવો કરો છો, પણ અમે કોણ છીએ; તે તમે જાણી શક્યા નહીં! મારું નામ મધુભાઈ કાકડીયા છે. મારી સાથે સીદ્ધાર્થ દેગામી, ગુણવંતભાઈ ચૌધરી, કેશુભાઈ પટેલ, એડવોકેટ જગદીશભાઈ વકતાણા છે. અમો સુરતની ‘સત્યશોધક સભા’ના સભ્યો છીએ. અમારી સાથે માંગરોળ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર પી. એમ. વાળા છે! માતાજી, અન્ધશ્રદ્ધાના અડ્ડાઓ બન્ધ કરો!”
મહેન્દ્રસીંહ રાજપુત ફાટી આંખે સૌને તાકી રહ્યા પછી કહ્યું : “મધુભાઈ, તમે દારુના અડ્ડાઓ કેમ બન્ધ કરાવતા નથી?”
“અમારું કામ અન્ધશ્રદ્ધાના અડ્ડાઓ બન્ધ કરાવવાનું છે! દારુના અડ્ડા કરતાં પણ અન્ધશ્રદ્ધાના અડ્ડાઓ વધુ ખતરનાક છે!”
“મધુભાઈ, અમે કોઈને આમન્ત્રણ આપતા નથી, લોકો સામેથી આશીર્વાદ લેવા આવે છે. અમારી ઉપર માતાજીની કૃપા છે, એટલે આશીર્વાદ આપીએ છીએ, એમાં સત્યશોધક સભાને પેટમાં કેમ દુઃખે છે?”
“તમારી ઉપર માતાજીની કૃપા છે, એનો પુરાવો શું છે?”
“મધુભાઈ, એનો પુરાવો એ છે કે લોકો અહીં મોટી સંખ્યામાં આવે છે. એમને અહીં સત દેખાતું હશે, તો જ આવતા હશેને?”
“જુઓ, દારુની ટેવવાળો દારુના અડ્ડાએ જવાનો જ! એવું જ અન્ધશ્રદ્ધાળુ લોકોનું છે. એને અન્ધશ્રદ્ધાના અડ્ડાએ ગયા વીના ચેન પડતું નથી!”
“મધુભાઈ, તમે જ કહો. વાંક અન્ધશ્રદ્ધાના અડ્ડાનો છે કે અન્ધશ્રદ્ધાળુઓનો?”
“બન્નેનો!”
“મધુભાઈ, અમને અમારું કામ કરવા દ્યો.”
“તમે તરકટ કરો છો, ધતીંગ કરો છો, વીશ્વાસઘાત કરો છો, છેતરપીંડી કરો છો. આ બધું બન્ધ કરો. સીદ્ધાર્થભાઈના ગામમાં કોઈ જીવતી ડાકણ નથી! તેમને ડાયાબીટીસ નથી! મારે ત્યાં સંતાનપ્રાપ્તી પુરતા પ્રમાણમાં થયેલી છે! તમે ઢોંગ બન્ધ કરો!”
“મધુભાઈ! તમે અમારું અપમાન કરો છો. અમારા ઉપર માતાજીની કૃપા છે. હું મુંગાને બોલતા અને આંધળાને દેખતા કરું છું! મેં કેટલાય અસાધ્ય રોગો ભગાડ્યા છે! કેન્સર મટાડ્યા છે! તમે લખી લો. તમે ગમે તેટલા પર્દાફાશ કરો; પણ અમારા અન્ધશ્રદ્ધાના અડ્ડાઓ બન્ધ થવાના નથી! તમે ફોજદાર સાહેબને લઈને આવ્યા છો, એટલે અહીંથી અમારું કામ સંકેલી લઈશું અને બીજા ઠેકાણે જઈને શરુ કરીશું! તમે અમારું ‘પગેરું’ કેટલી જગ્યાએ શોધશો?”
–રમેશ સવાણી
‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થયેલ એમની રૅશનલ કટાર ‘પગેરું’ (10, મે, 2017) માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી ઈ.મેઈલ : rjsavani@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 04–01–2019
સુરત સત્ય શોઘક સંસ્થા દ્વારા આવા ઘણા કેસો જાણવા મળ્યા છે. સરસ કામ કરી રહ્યા છે. વઘુ લોકોને સમજ પડે તેવું ઇચ્છીઅે.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
” તમે લખી લો. તમે ગમે તેટલા પર્દાફાશ કરો; પણ અમારા અન્ધશ્રદ્ધાના અડ્ડાઓ બન્ધ થવાના નથી! ” મહેન્દ્રસીંહ
આ કડવું સત્ય છે, જેને સ્વીકારવું જ રહ્યું. હિન્દુ અને મુસ્લિમ ધર્મ માં આવા હજારો અડ્ડાઑ છે, અને આ અડ્ડાઑ પર જનારાઓ ની સંખ્યા માં વધારો જ થતો રહે છે. કોઈ મોટી ક્રાંતિ જ આવા અડ્ડાઑને બંધ કરી શકે છે. ફુલ નહીં તો ફુલની પાંખડી અનુસાર સત્ય શોધક સભા ના આવા નમ્ર પ્રયાસો દાદ ને પાત્ર છે.
LikeLiked by 1 person
શ્રી કાસીમ્ભાઈ અબ્બાસની વાત સાચી છે. સત્ય શોધક સમિતિ જે કામ કરેછે તે સરાહનીય છે. પરંતુ તે દરિયામાં એક લોટો પાણી નાખવા જેવું છે.જ્યાં સુધી લોકોમાં સ્વયમ જાગૃતિ આવશે નહી ત્યાં સુધી આવા અડ્ડાઓ ચાલ્તા જ રહેવાના છે.પરંતુ પ્રયત્ન ચાલુ રાખવામાં અને તેને પબ્લીસીટી આપવામાં કાંઈજ ખોટું નથી.
LikeLiked by 1 person
ramesh bhai has given nicearticle and lastly said: પણ અમારા અન્ધશ્રદ્ધાના અડ્ડાઓ બન્ધ થવાના નથી! તમે ફોજદાર સાહેબને લઈને આવ્યા છો, એટલે અહીંથી અમારું કામ સંકેલી લઈશું અને બીજા ઠેકાણે જઈને શરુ કરીશું! તમે અમારું ‘પગેરું’ કેટલી જગ્યાએ શોધશો?””
LikeLiked by 1 person