કંઠે પાહાણ શકે ક્યમ તરી

બ્રાહ્મણના દીકરાને જન્મતાંની સાથે જંગલમાં મુકી દઈએ તો શું તે બ્રાહ્મણ બનશે? બાયોલૉજીકલ ગુણો સંક્રાંત થાય તે બાબતને વર્ણવ્યવસ્થા સાથે જોડી શકાય? કેટલાક સમ્પ્રદાયો તરફથી ક્યારેક સારી પ્રવૃત્તી થાય છે; પરન્તુ એ પ્રવૃત્તી માનવીય ગૌરવ સ્થાપવા માટેની હોય છે ખરી? વેદધર્મ જ શ્રેષ્ઠ હોય તો વેદ વીરુદ્ધ મુર્તીપુજાનો ઉપદેશ શા માટે આપવામાં આવે છે? ગીતામાં કૃષ્ણ કહે છે : ‘‘ચાર વર્ણ મેં ગુણકર્મ અનુસાર રચ્યાં છે.’’ આટલા સ્પષ્ટ વીધાનમાંથી, શાસ્ત્રીઓ જન્મજાત વર્ણવ્યવસ્થાનું તુત કયા પ્રકારના વ્યાકરણથી ઉભું કરે છે? વેદમાં કઈ જગ્યાએ કૃષ્ણનું નામ છે?

સમાજરચના સારી રીતે ચાલે તે માટેના નીયમોનું પાલન કઈ ધર્મસત્તા કરાવે? શાસ્ત્રીઓની, શંકરાચાર્યની, પોપની કે જામા મસ્જીદના ઈમામની? આ સઘળા પ્રશ્રોના ઉત્તર મેળવવા લેખીકા રચના નાગરીકનો લેખ ‘કંઠે પાહાણ શકે ક્યમ તરી’ વાંચવો રહ્યો. તે માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.

5

કંઠે પાહાણ શકે ક્યમ તરી

–રચના નાગરીક

કોઈ પણ પ્રવૃત્તી જ્યારે સમર્પણભાવથી, ભક્તીભાવથી કરવામાં આવે ત્યારે ખુબ સુન્દર લાગે, થોડાં પરીણામ પણ સારાં મળે; પરન્તુ આ સમર્પણ, ભક્તી કોના પ્રત્યે છે તે તપાસવું જોઈએ. હેતુ શો છે? ગરીબ આદીવાસીઓને, અસ્પૃશ્ય દલીતોને માનવીય ગૌરવ અપાવવાનો કે ચોક્કસ ધર્મશ્રદ્ધાનો આધાર લઈને સત્તા ભોગવવાનો? સ્વામીનારાયણ સમ્પ્રદાય અને બીજા સમ્પ્રદાયો તરફથી ક્યારેક સારી પ્રવૃત્તી થાય છે; પરન્તુ એ પ્રવૃત્તી માનવીય ગૌરવ સ્થાપવા માટેની નથી હોતી, એના કેન્દ્રમાં માનવ નથી હોતો, ધર્મશ્રદ્ધાનું ચોક્કસ ગણીત હોય છે. પાંડુરંગ શાસ્ત્રીની સ્વાધ્યાયપ્રવૃત્તીમાં આર્થીક પરીવર્તન, મહીલાઓ અને દલીતોનો ઉદ્ધાર દેખાય છે; પરન્તુ તે આભાસી છે.  

આભાસ એવો ઉભો કરવામાં આવ્યો છે કે સ્વાધ્યાયપ્રવૃત્તીએ અસ્પૃશ્યતાના કલંકને ભુંસી નાંખ્યું છે, દલીતો પ્રત્યેના વલણમાં પરીવર્તન કર્યું છે; પરન્તુ વાસ્તવીકતા શી છે? પાંડુરંગ શાસ્ત્રીના વીચારો જુનવાણી, મનુવાદી, પ્રગતીવીરોધી અને સામ્પ્રદાયીક છે. તેમનું માનવું છે કે શુદ્રત્વ સાયન્ટીફીક છે. શાસ્ત્રીનું ‘સંસ્કૃતીચીન્તન’ કેવું છે તે જોઈએ :

‘‘ચાતુરવર્ણ વ્યવસ્થા હોવી જોઈએ અને તે જન્મજાત હોવી જોઈએ. વીશ્વામીત્રે બ્રાહ્મણના ગુણો મેળવ્યા હતા; પણ તેઓ બ્રાહ્મણ ન હતા, તેથી જ વસીષ્ઠ તેમને બ્રાહ્મણ કહેવા તૈયાર ન હતા; કારણ કે બ્રાહ્મણોના પીંડગત ગુણો તેમનામાં ન હતા. કોઈ એક વ્યક્તી મહાન હોય, તેણે બધી સ્મૃતીઓનો અભ્યાસ કર્યો હોય, તેણે બ્રાહ્મણની યોગ્યતા પ્રાપ્ત કરી હોય તો આ બધા ગુણો તેની સંતતીમાં સંક્રાંત થશે કે કેમ, તેની સમાજશાસ્ત્રીઓને શંકા જ છે. વીશ્વામીત્રે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું; પરન્તુ તેમના દીકરામાં બ્રાહ્મણત્વ કદાચ ન પણ આવે. તે ગુણો આનુવંશીક રુપમાં ટકવા જોઈએ. આજનું પ્રાણીશાસ્ત્ર પણ કહે છે કે વ્યક્તીએ પ્રાપ્ત કરેલા ગુણો તેની સંતતીમાં નથી આવતા. પ્રાણીશાસ્ત્રે પ્રયોગો કર્યા છે. ઉંદર–ઉંદરડીની પુછડી કાપી નાખ્યા પછી જોયું તો તેમની સંતતીને પુછડી આવી હતી. આ રીતે પીસ્તાળીસ પેઢી સુધી પુંછડી કાપી; પણ નવી સંતતી પુંછડીવાળી જ થઈ હતી. આ બતાવે છે કે પીંડગત ગુણો ઉત્ક્રાંત થાય છે; પરન્તુ વ્યક્તીએ પ્રાપ્ત કરેલા ગુણો વંશમાં આવે જ છે એવું નથી. વસીષ્ઠે કહ્યું કે વીશ્વામીત્રે પોતાના પ્રયત્નોથી બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું છે; પરન્તુ જન્મજાત તેઓ બ્રાહ્મણ નથી. સમાજશાસ્ત્રની દૃષ્ટીએ તેમને બ્રાહ્મણ કહી શકાય નહીં, તેમને બ્રાહ્મણ કહેવા તે દોષ છે. કોઈ પણ વ્યક્તી કોઈ પણ ધંધો કરી શકે એ વીચાર યોગ્ય નથી. અતી સાયન્ટીફીક સમાજવ્યવસ્થા વીશુદ્ધ રીતે ટકે તે હેતુથી રામે શુદ્ર શમ્બુકની હત્યા કરી હતી. સમાજને આજે સૌપ્રથમ મનુની, તેની સમાજવ્યવસ્થાની વધારે જરુર છે. મનુએ એક પણ વાત અનસાયન્ટીફીક લખી નથી. હજામતનું કામ હજામ સીવાય બીજા કોઈએ ન કરવું જોઈએ, કોઈ કરે તો તેની વૃત્તીસંકરતા ગણાય. તમે ઘેર દાઢી કરો તો વર્ણવ્યવસ્થા મુજબ તમારી વૃત્તીસંકરતા કહેવાય. હજામની રોજી છીનવી ગણાય. તેથી તમે ઘેર દાઢી કરો તો પણ તમારી ફરજ છે કે તમારે હજામને ઘેર બેઠાં ચાર આના પહોંચાડવા. વૃત્તીસંકરતા કરનાર વ્યક્તી, સમાજની ગુનેગાર છે. શમ્બુક વૃત્તીસંકરતા ઉભી કરતો હતો એટલે જ રામે તેની હત્યા કરેલી…’’

બાયોલૉજીકલ ગુણો સંક્રાંત થાય તે બાબતને વર્ણવ્યવસ્થા સાથે જોડી શકાય નહીં. બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ જ બને એવી ફૉર્મ્યુલા નથી. બ્રાહ્મણના દીકરાને જન્મતાંની સાથે જંગલમાં મુકી દઈએ તો શું તે બ્રાહ્મણ બનશે? પરીસ્થીતી, વાતાવરણ માણસને ઘડે છે. વર્ણના આધારે જ વ્યક્તીના જન્મ પહેલાં કર્મ નક્કી થવું જોઈએ, એમ કહીને શાસ્ત્રી દંભી સમાજશાસ્ત્ર ઉભું કરવા માગે છે. હીન્દુ સમાજમાં બ્રાહ્મણવાદ છે. શાસ્ત્રીની સ્વાધ્યાય પ્રવૃત્તી માણસને વીકૃત બ્રાહ્મણવાદની કંઠી બાંધે છે. માણસને ચોકઠાબદ્ધ કરે છે. શાસ્ત્રીનાં તપોવનો, આશ્રમો, સાંસ્કૃતીક કેન્દ્રો નથી; પણ શુદ્રવીરોધી મનોવલણ ઘડનારાં કેન્દ્રો છે. મનુએ શુદ્ર માટે ઘાતકી અને અમાનવીય વીધાનો કર્યાં છે. શાસ્ત્રી કહે છે, આ વીધાનો સાયન્ટીફીક છે. મનુએ ગુના મુજબ સજા નક્કી કરી નથી, વર્ણ મુજબ સજા ઠરાવેલ છે : કોઈ બ્રાહ્મણ વ્યભીચાર કરે તો માત્ર અમુક દંડ થાય; પરન્તુ શુદ્ર વ્યભીચાર કરે તો તેનાં સર્વ અંગો કાપી નાખવાં. હલકા વર્ણનો માણસ જો ઉચ્ચ વર્ણના માણસ સાથે એક આસને બેસવા ઈચ્છે તો તેને કેડ ઉપર ડામ દઈ દેશનીકાલ કરવો. કોઈ બ્રાહ્મણને ચારેય વર્ણની પત્નીઓ હોય તો તેમને થયેલા પુત્રોને પત્નીના વર્ણ મુજબ મીલક્ત વહેંચવી : ‘‘બ્રાહ્મણીના પુત્રને ચાર ભાગ, ક્ષત્રીયાણીના પુત્રને ત્રણ ભાગ, વૈશ્ય સ્ત્રીના પુત્રને બે ભાગ અને શુદ્ર સ્ત્રીના પુત્રને એક ભાગ આપવો…’’ અતી સાયન્ટીફીક સમાજવ્યવસ્થા ઉભી કરીએ તો માતંગ મુનીઓને, વાલ્મીકીઓને કાયમ માટે ગટર જ સાફ કરવાની રહે! રામે સમાજવ્યવસ્થાના હીતમાં શમ્બુકની હત્યા કરેલી, શાસ્ત્રીના આ અવૈજ્ઞાનીક કથનને સમર્થન આપીએ તો બધા જ શુદ્ર પ્રાધ્યાપકોને, શુદ્ર સ્નાતકોને, શુદ્ર આઈ.એ.એસ., આઈ.પી.એસ. અધીકારોને મૃત્યુદંડ આપવો પડે! ગાંધીજીએ કહ્યું છે : ‘‘દલીતોને આપણે ગુલામોથી પણ બદતર જાનવર બનાવ્યા અને આ તો કર્મનું ફળ છે એમ કહી એને આપણે ધર્મનું રુપ આપી દીધું! આ તો ધર્મનું રાક્ષસી સ્વરુપ છે. હીન્દુ ધર્મનો અર્થ જો આ જ હોય તો હું પણ ગીતા, મનુસ્મૃતી બધાંને બાળી નાંખું.’’

ગીતામાં કૃષ્ણ કહે છે : ‘‘ચાર વર્ણ મેં ગુણકર્મ અનુસાર રચ્યાં છે.’’ આટલા સ્પષ્ટ વીધાનમાંથી, શાસ્ત્રીઓ જન્મજાત વર્ણવ્યવસ્થાનું તુત કયા પ્રકારના વ્યાકરણથી ઉભું કરે છે! પ્લેટોનો ગુલામીપ્રથાનો બચાવ, મનુનો વર્ણવ્યવસ્થાનો બચાવ તત્કાલીન સામાજીક જરુરીયાત તરીકે જોઈ શકાય. એ સમાજરચનાને ‘સાયન્ટીફીક’ના ઓઠા હેઠળ પુનર્જીવીત કરી શકાય નહીં. શાસ્ત્રી કહે છે, ‘‘દલીતોને ગીતાના દસ શ્લોક પણ આવડતા હશે, તો પાદરીઓ ગમે તેટલી લાલચો આપે તો પણ તેઓ ધર્માંતર નહીં કરે.’’ શાસ્ત્રીઓને ઉલટું સુઝે છે. પછાતપણાનો અને અસ્પૃશ્યતાનો ઉપાય દસ શ્લોક નથી. બંધીયાર વીચારો–સમ્પ્રદાયો સામાજીક ક્રાંતીને રોકે છે. અખાનો પ્રશ્ન સનાતન છે : ગુરુ થઈ બેઠો હોંસે કરી, કંઠે પાહાણ શકે ક્યમ તરી?

આભાસ એવો ઉભો કરવામાં આવ્યો છે કે સ્વાધ્યાયપ્રવૃત્તીના કારણે મહીલાઓ પ્રત્યેના વલણમાં પરીવર્તન આવ્યું છે. વાસ્તવીકતા શી છે? શાસ્ત્રી કહે છે : ‘‘વીધવા સ્ત્રી જો પુન:લગ્ન કરે તો તેને થતા છોકરાની આકૃતી પોતાના પહેલા પતીને મળતી આવશે. નૈતીક, સાંસ્કૃતીક અને આધ્યાત્મીક દૃષ્ટીએ પુન: વીવાહ ઈચ્છનીય નથી. જે કુટુમ્બમાં પુરુષસંતતી નથી તે કુટુમ્બની છોકરી સાથે લગ્ન ન કરો. સાળો હોવો જ જોઈએ.’’ પુન:લગ્ન પછી પણ આગલા પતી જેવા પુત્ર પેદા થાય એવું સંશોધન શાસ્ત્રીઓ જ કરી શકે! પુન:વીવાહ નૈતીક દૃષ્ટીએ આવશ્યક છે. સીતાને કોઈ ભાઈ ન હતો. શું રામસીતાનાં લગ્ન અયોગ્ય હતાં? જે કુટુમ્બમાં માત્ર દીકરીઓ જ હોય તેને માટે તથા આ દેશ માટે, શાસ્ત્રીનું આ વીધાન અતીઘાતકી કહેવાય. આવા સંકુચીત વીચારોને સ્વાધ્યાયપ્રવૃત્તીમાં વાગોળવાનો અર્થ શો?  

આભાસ એવો ઉભો કરવામાં આવ્યો છે કે ભક્તી એટલે પુજા–અર્ચન નહીં; પરન્તુ રચનાત્મક કામ. વાસ્તવીકતા શી છે? સ્વાધ્યાયપરીવારની ભક્તી એટલે વ્યક્તીનીષ્ઠ શરણાગતી. અન્ધ ભક્તોને શાસ્ત્રમાં કંઈક દેખાય છે. ‘‘મલકાટે માધવ નીરખું ને ગમ્ભીરતામાં રામ, તવ પદરજથી બને અયોધ્યા, બને દ્વારીકા ધામ, તુજને રામ ગણું કે શ્યામ?’’ પાખંડની પરાકાષ્ઠા જુઓ : ‘‘યોગેશ્વર કૃષ્ણનો ગીતામાં કરાર, અવતર્યો છે રુપ એ જ દાદા સાકાર, શંખ ફુકનાર યોગેશ્વર છે દાદા, દાદાની દૃષ્ટીથી બનશે ફરી રુપાળો.’’ ચમત્કાર પણ થાય છે : ‘‘શાસ્ત્રો બધાં આવી અન્તર ત્યાં ખોલતાં, દાદા પાંડુરંગ જ્યારે જ્યારે કાંઈ બોલતાં, એની વાણીમાં આવી યોગેશ્વર બોલતા, અસલી રુપ તારું છુપાવવા મથે છે. અવતારી જેવી વાતો ક્યારેક તું કથે છે. ઈશ્વરને અવતરવા કેવળ તારું રુપ જ ફાવે છે…’’

સ્વાધ્યાયપ્રવૃત્તી ભક્તીનો બુરખો પહેરાવે છે. સારી દેખાતી પ્રવૃત્તી પાછળ પાખંડનું ચણતર થતું હોય તો, આવી પ્રવૃત્તી જ ન થાય તે ઉત્તમ. ‘માનવગૌરવ’ની માત્ર વાતો કરવાની અને ‘પોતાનું ગૌરવ’ સતત વધ્યા કરે તેવું ચોક્કસ આયોજન! વીવેક નહીં, ભક્તી અગ્રસ્થાને છે. પ્રજામાં ચેતના પ્રસરે, દલીતો પગભર અને સંગઠીત થાય, તેઓ સ્વૈચ્છીક રીતે પોતાના પ્રશ્નો ઉકેલે તેવો કોઈ હેતુ સ્વાધ્યાયપ્રવૃત્તીનો નથી. એનો એકમાત્ર હેતુ ભોળા લોકોને ભક્તીના નશામાં રાખીને સત્તાભુખ સંતોષવાનો છે. પાંડુરંગ શાસ્ત્રીમાંથી દાદા, અને પછી કૃષ્ણનો અવતાર, ત્યાર બાદ નવો સમ્પ્રદાય! માત્ર કૃષ્ણની આરાધના કરવી તેવું સહજાનન્દજીએ શીક્ષાપત્રીમાં અનેક વખત લખ્યું છે; છતાં સ્વામીનારાયણ સમ્પ્રદાયના હરીભક્તો કૃષ્ણને બદલે સહજાનન્દજીની પુજા કરે છે. ભક્તી માણસને અન્ધ બનાવે છે અને પદભ્રષ્ટ પણ કરે છે. ભક્તી દુષીત કરવા તરફ ઢળે છે અને બેહદ ભક્તી બેહદપણે દુષીત કરે છે. અતી ધાર્મીક લોકો કોમવાદી થઈ જવાનું વલણ ધરાવે છે. કોમવાદ કટ્ટરતા પેદા કરે છે. કટ્ટરતા અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય ઉપર જોખમ ઉભું કરે છે. સ્વાધ્યાયપ્રવૃત્તી જોખમ ઉભું કરે છે. સ્વાધ્યાયપ્રવૃત્તી એટલે વૈચારીક બન્ધીયારપણું. અખો પણ આવા ત્રાસનો ભોગ બન્યો હશે :

પોતે હરીને ન જાણે લેશ,

અને કાઢી બેઠો ગુરુનો વેશ,

એક એક કહે માહારો પંથ,

જ્યમ ગુણકાએ ધાર્યો કંથ.

આભાસ એવો ઉભો કરવામાં આવ્યો છે કે શાસ્ત્રીનું ચીન્તન ક્રાંતીકારી છે. વાસ્તવીકતા શી છે? શાસ્ત્રી કહે છે : ‘‘માનવબુદ્ધીથી નીર્માણ થયેલાં શાસ્ત્રોનો આધાર લેવો એના કરતાં વેદો કે જે અપૌરુષેય છે તેમનો જ આધાર શા માટે ન લેવો? જ્યારે જ્યારે વેદો પરની શ્રદ્ધા ઘટી છે ત્યારે સમાજનું અધ:પતન થયું છે.’’ શાસ્ત્રીની દૃષ્ટીએ વેદધર્મ જ શ્રેષ્ઠ હોય તો વેદ વીરુદ્ધ મુર્તીપુજાનો ઉપદેશ તેઓ કેમ આપે છે? અને પોતાને અવતાર તરીકે નહીં ચીતરવા ભક્તોને કેમ સમજાવતા નથી? વેદમાં કઈ જગ્યાએ કૃષ્ણનું નામ છે? સમાજમાં અધ:પતન માટે ભોળા હીન્દુઓ નહીં, આવા શાસ્ત્રીઓ જ જવાબદાર છે. શાસ્ત્રી કહે છે : ‘‘સમાજરચના સારી રીતે ચાલે તે માટેના નીયમોનું પાલન કરાવવાનું કાર્ય રાજસત્તાનું નહીં; પણ ધર્મસત્તાનું હોવું જોઈએ.’’ નીયમોનું પાલન કઈ ધર્મસત્તા કરાવે? શાસ્ત્રીઓની, શંકરાચાર્યની, પોપની કે જામા મસ્જીદના ઈમામની? મધ્ય યુગ ફરી ઉભો કરવાની કલ્પના છે. ધર્મ–આધારીત કોઈ પણ પ્રવૃત્તી વાસ્તવમાં માનવલક્ષી હોતી નથી, સમ્પ્રદાયલક્ષી હોય છે. સામ્પ્રદાયીકતા, રુઢીચુસ્તતા, ખોમેનીઓનું સર્જન કરે છે, બૌદ્ધીકોને શાસ્ત્રીની વીચારસરણીમાં કઈ નોંધપાત્ર કે વજુદ લાગતું હોય તો તેને માનસીક બીમારી જ માનવી જોઈએ. ગુજરાતના મહાન સંત દયાનન્દજી મુર્તીપુજાને, અવતારવાદને, ધાર્મીક ક્રીયાકાંડોને, અવૈજ્ઞાનીક દૃષ્ટીબીન્દુને, અસ્પૃશ્યતાને, મહીલાઓને શીક્ષણથી વંચીત રાખવાની વૃત્તીને વેદવીરોધી ગણાવે છે. કરુણતા એ છે કે દયાનન્દજીને અનુસરવાને બદલે ગુજરાતીઓ સ્વામીનારાયણ સમ્પ્રદાય, પાંડરંગ શાસ્ત્રી પાછળ ઘેલા થયા છે. જગતમાં પાખંડવાળા પુજાય છે. કવીનો ફેંસલો જોઈએ :

લોભી ગુરુ લાલચી ચેલા,

દોનોં ખેલે દાવ,

ભવસાગર મેં ડુબતે

બૈઠ પથ્થરકી નાવ.

 –રચના નાગરીક

વંચીતલક્ષી વીકાસવૃત્તી, વૈજ્ઞાનીક અભીગમ અને શોષણવીહીન સમાજ રચના માટે પ્રતીબદ્ધ પાક્ષીક ‘વૈશ્વીક માનવવાદ’ના ઓક્ટોબર, 1994ના અને ‘ભુમીપુત્ર’ના તા. 1 ફેબ્રુઆરી, 1995ના અંકમાંથી અંકમાંથી, લેખીકાના, ‘ભુમીપુત્ર’ના અને ‘નયા માર્ગ’ના સૌજન્યથી સાભાર…

લેખીકા રચના નાગરીકના કંઠીમુક્ત વીચારલેખોની પુસ્તીકા બૈઠ પથ્થર કી નાવ (પ્રકાશક : [1] માનવવીકાસ ટ્રસ્ટ, 9, મહાકાન્ત કૉમ્પલેક્ષ, વી. એસ. હૉસ્પીટલ સામે, એલીસબ્રીજ, અમદાવાદ 380 006, [2] વૈશ્વીક માનવવાદ, 1–એ, કલ્પના સોસાયટી, મહેમદાવાદ 387 130 જીલ્લો : નડીયાદ અને [3] નયા માર્ગ, ખેત ભવન, હરીજન આશ્રમની પાસે, અમદાવાદ 380 027 પાનાં : 64, મુલ્ય : રુ. 40/)માંનો આ લેખાંક5, પુસ્તીકાનાં પાન 41થી 45 ઉપરથી, લેખીકા અને પ્રકાશકોના સૌજન્યથી સાભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને સોમવારે સાંજે 7.00 વાગ્યે. આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 11–01–2019

 

7 Comments

 1. સ્વાધ્યાય પ્રવૃત્તી અને પાંડુરંગ શાસ્ત્રી વીશે સાંભળ્યું હતું, પણ આ બધી માહીતીની જાણ ન હતી. લાગે છે કે સંપ્રદાયના નામે કદાચ પાખંડ જ બધે ચાલતું હશે. પણ કદાચ એમાં ભોળવાઈ જનાર પણ ભોળવનાર જેટલું જવાબદાર તો ગણાય.
  સરસ ઉપયોગી માહીતી બદલ બહેન રચનાબહેનનો તથા ગોવીન્દભાઈનો ખુબ ખુબ હાર્દીક આભાર.

  Liked by 2 people

 2. રચનાબેન ના વિચારો મનનીય છે. સરતિ ઇતિ સંસાર …. આજે પરિવર્તન ખૂબ ઝડપથી આવે છે. એને અનુકૂળ થવુ રહ્યુ. દેશો સીમ વિનાના થયા છે. એશિયામાંથી અમેરિકા કે યુરોપ ગયેલ વ્યક્તિના વિચાર, વ્યહાર, બદલાય એ સ્વાભાવિક છે. આવે સમે એને બાહ્મણનો દિકરો કે વૈશ્ય નો વંશજ કહેવો એવી ચર્ચ અસ્થાને લાગે. આજે શુદ્ર નો દિકરો દેશના પ્રમુખ થાય એ સ્વિકારવું રહ્યું.

  Liked by 1 person

 3. ” વીશ્વામીત્રે બ્રાહ્મણના ગુણો મેળવ્યા હતા; પણ તેઓ બ્રાહ્મણ ન હતા, તેથી જ વસીષ્ઠ તેમને બ્રાહ્મણ કહેવા તૈયાર ન હતા; કારણ કે બ્રાહ્મણોના પીંડગત ગુણો તેમનામાં ન હતા.”
  ના, એવું નથી. ગાધિ રાજાએ ઘણા તપો કર્યા તે પાછળ તેમનો હેતુ વસિષ્ઠની ગાય લઇ લેવાનો હતો. વસીષ્ઠ તેમને બ્રાહ્મણ કહે તો ગાય ​આપવી ​પડે.એક નન્નો સો દુઃખને હણે. છેવટે મરવાનો ભય લાગ્યો ત્યારે ફેરવી તોળ્યું કે ‘વિશ્વામિત્રનું બ્રહ્મતેજ પ્રકાશતું’ હતું. વિશ્વામિત્રે વસિષ્ઠની ચરણરજ લીધી તેટલા માત્રથી તે ‘બ્રહ્મષિ’ ને પાત્ર થઇ ગયા! વસિષ્ઠનો અહંકાર પણ ક્યાં ઓછો હતો?

  Like

 4. લાંબુ લાંબુ લખાણ. વિજ્ઞાનના સફળ સમયમાં મનુને ક્યાં લઇ આવ્યા ? આજે સ્વામી સચ્ચિદાનંદજીઅે મનુના ડીક્ટેટર જેવા કાયદાઓને હિન્દુ સમાજ સામે ૧૯૮૮ના વષૅમાં તેમના પુસ્તક ‘ અઘોગતિનું મૂળ… વર્ણવ્યવસ્થા ‘ માં મૂક્યા જ હતાં. રચનાબેને ઘણી ઘણી વાતોને …હાં …વાતોને જોડી જોડીને …ચર્ચીને સમજવામાં મુશ્કેલી બનાવી દીઘી હોય તેવું લાગ્યુ. વિક્રમ સંવત ૨૦૭૫ અને ઇસું વર્ષ ૨૦૧૯માં જ્યારે ભારતમાં પણ મીક્ષ મેરેજ થતા હોય….ડી.અેન. અે…નું વિજ્ઞાન અેટલું સચોટ હોય અને મોટેભાગે બઘા જ તે વિજ્ઞાનને સમજતાં હોય ત્યારે તેની ચર્ચા…વેદોના જમાના સાથે ચર્ચવી ??????
  લેખ સમજવાની મને તો તકલીફ પડી.
  આજે પૃથ્વિ નાની બની ગઇ છે. પૃથ્વિના અેક ખૂણેથી બીજે ખૂણે ૨૪ કલાકમાં પહોંચી શકાય…વોટસઅપ દ્વારા મુંબઇમાં બેઠા બેઠા ન્યુયોર્કમાં બેઠેલા વડીલ સાથે સામ સામે બેસીને વાત કરતાં હોય તેવું વિજ્ઞાન આપણા હાથમાં છે…સાબિત થયેલું વિજ્ઞાન છે….પોથીમાનાં રીંગણા નથી….જૂના જમાનાના ૫૦૦૦ વરસો જૂના સમયનું જીવન આજે…૨૦૧૯ના સમયનું જીવન, સફર બદલી બદલીને … લાખો મુખડા બદલીને બનેલું જીવન છે. હિન્દુ, મુસ્લીમ, શીખ, ઇસાઇ, ચાઇનીઝ…..વિ…વિ… મીક્ષ જનરેશનો છે……યુરોપ…આફ્રિકા, અેશીયા, ઓસ્ટરેલીઆ…બઘે માઇગ્રેટ થયેલાં…મીક્ષ જનરેશન છે….બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય…શુદ્ર….ભારત શીવાય દુનિયામાં કોઇ ભોગવતું નથી…હાં…ભોગવતું નથી……
  ૨૦૧૯ના સમયમાં વર્ણવ્યવસ્થાની ચર્ચા ??????????? અને તે પણ…પુરાણો , વેદો, ગીતા….ને રેફરન્સમાં રાખીને ????????્
  અમૃત હઝારી.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 5. ખૂબ જ સુંદર લેખ. – ગોવિંદભાઈ મારુ અને રચના નાગરિકને ખુબ ખુબ ધન્યવાદ.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s