દલપત (ભાગ–2)

છાપામાં લખવાથી સમાજ બદલાઈ જતો નથી. વીચારોને આચરણમાં મુકવા પડે. દીનેશભાઈ…, એક પ્રશ્ન પુછું, ખોટું ના લગાડશો પણ લખો છો તે પ્રમાણે તમે પોતે જીવો છો ખરા? તમારા નીજી જીવનમાં તમે કેટલાં કુરીવાજોને ટાળી શક્‍યા? કેટલું રૅશનલ જીવન જીવી શક્‍યા…?’

દલપતની સંક્ષીપ્‍ત જીવનકથા આખા સમાજને બદલી ના શકે પણ ધારે તો પોતાની અંગત જીવનશૈલીમાં જરુર સુધારો કરી શકે. બધાં એવું કરે તો ધીમેધીમે આખો સમાજ પરીવર્તન પામી શકે. આવો દલપતને આળખીએ.

દલપત (ભાગ–2)

– દીનેશ પાંચાલ

તા. 31/12/2018ના રોજ પ્રગટ થયેલ દલપત (ભાગ1) : https://govindmaru.com/2018/12/21/dinesh-panchal-87/ ના અનુસન્ધાનમાં.. 

તેવીસમાં વર્ષે દલપતના લગ્ન થયા. લગ્ન જેવી સાવ અંગત ઘટનામાં બધાં સગાવહાલાં અને આખું ગામ ભેગું કરવામાં આવે તે દલપતને ગમતું નહોતું; પરન્તુ ઘરડા માબાપની લાગણીને માન આપવા દલપતે થોડીક ધરછોડ કરી. દલપતની જાન નીકળી ત્‍યારે એક માસીએ દોડી આવી કહ્યું– ‘અરે દલપત, ગાંડો થઈ ગયો કે શું? એટલુંય નથી સમજતો કે વરરાજાથી કફનીના બટન ના મરાય… ખોલી નાખ બટન, અપશુકન કહેવાય!’ દલપતને ગુસ્‍સો આવ્‍યો. લગ્નને કફની સાથે શો સમ્બન્ધ? અને બટન તો મારવા માટે જ હોય… એમાં વળી શુકન અપશુકન કેવાં? દલપત પ્રસંગની ગમ્ભીરતા જોઈ ચુપ રહ્યો, છતાં એટલા શબ્‍દો તો એના મુખમાંથી નીકળી જ ગયા– ‘માસી, આ નીયમ કફની પુરતો જ છે કે પાયજામાનેય લાગુ પાડવાનો છે?’ એક માસી સીવાય સૌ મીત્રો હસ્‍યા.

દલપતને લગ્ન કરતાંય લગ્નને નામે આચરાતા બેવકુફી ભર્યા રીવાજો સામે વધુ ચીડ હતી. એ રીવાજોનું કોઈ લૉજીક નહોતું. કાર્યકારણનો કોઈ તાર્કીક સમ્બન્ધ નહોતો. વડીલોએ ઠોકી બેસાડેલા એ નર્યા અક્કલ વગરના તમાશા હતા. લગ્ન ટાણે દલપતે મીત્રોને સ્‍પષ્ટ ધમકી આપી હતી– ‘આજના આવા પ્રસંગે વડીલો સામે હું કાંઈ બોલી શકીશ નહીં; પણ તમે રીવાજને નામે કોઈ બેવકુફી ના આચરશો. મને પાન બીલકુલ ભાવતા નથી. બળજબરીથી પાન ખવડાવશો તો પીચકારી તમારા કપડાં પર મારીશ!’ મીત્રો આમેય દલપતને ઓળખતા હતા એથી ચેતી ગયા હતા; પણ એક વડીલે માર્ગમાં બેવકુફી આચરી.

––––––––––

ખુશ ખબર

લેખકમીત્ર અને રૅશનાલીસ્ટ વીક્રમ દલાલનું પુસ્તક રૅશનાલીસ્ટની દૃષ્ટીએ ગીતાનો સંદેશની લેખમાળા ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર દર શુક્રવારે રજુ થઈ હતી. દેશવીદેશના વાચકમીત્રોને આ પુસ્તકમાં ખાસ્સો રસ પડ્યો અને તેની માંગ આવતા,  રૅશનાલીસ્ટની દૃષ્ટીએ ગીતાનો સંદેશની ઈ.બુક ‘મણી મારુ પ્રકાશન’ દ્વારા આજરોજ પ્રકાશીત કરવામાં આવે છે. ‘અભીવ્યક્તી’ બ્લૉગના  મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ https://govindmaru.com/e-books  પરથી તે ડાઉનલોડ કરવા વીનન્તી છે.

–ગોવીન્દ મારુ

––––––––––

દલપતની જાન ઉનાઈથી સરાગાડીમાં બીલીમોરા આવવા નીકળી. વચ્‍ચે કોઈ સ્‍ટેશન પર એક બીજો વરરાજા હાથમાં નારીયેળ ઝાલીને ઉભો હતો. દલપતના એક વડીલ દોડતા ગયા. પેલાના હાથમાંથી નારીયેળ લઈ આવી દલપતને આપ્‍યું અને દલપતનું નારીયેળ પેલાને પહોંચાડ્યું. દલપતે એમ કરવાનું કારણ પુછ્યું. વડીલે મો પર પંડીતાઈનો ભાર લાવી કહ્યું– ‘એવું કરવું પડે… સામે જાન મળે તો નારીયેળ બદલવા પડે… રીવાજ છે!’ દલપતને પ્રશ્ન થયો–  નારીયેળ વળી શા માટે બદલવું પડે? ન બદલીએ તો શું થાય? દલપત વડીલને કહી ના શક્‍યો; પણ મીત્રોને એણે સંભળાવ્‍યું– ‘સારું છે આ અદલાબદલી નારીયેળ પુરતી જ સીમીત છે. નહીંતર આ ગાંડાઓ તો કન્‍યાઓની પણ અદલાબદલી કરાવે એવા છે..!’

વાતો ઘણી છે પણ ટુંકાવી દઈએ. ગ્રામ્‍યરીવાજોની રામાયણ તો પાના ભરીને ઉલ્લેખીએ તોય ખતમ થાય એવી નથી. લગ્ન પછીના અનેક નાના મોટા કુરીવાજો સામે દલપત શક્‍ય એટલું ઝઝુમ્‍યો. દલપતની જ્ઞાતીમાં પુત્રવધુને પ્રથમ આણે પીયર તેડી લાવ્‍યા બાદ તે પુનઃ સાસરે પધારે ત્‍યારે તેણે પીયરથી પુરી વડાની ટોપલી સાસરે લઈ જવી પડે. સાસરીયાઓ પછી તે પુરી વડા મહોલ્લામાં વહેંચીને પારકે પૈસે માન ખાટે! દલપતે પોતાના સાસરીયાઓને સમ્ભળાવી દીધું– ‘એ વાહીયાત રીવાજ છે, હું એમાં માનતો નથી. તમારે અમને ટોપલી આપવાની કોઈ જરુર નથી!’ દલપતના વડીલોને પુરી વડાની ભુખ નહોતી; પણ દલપત દ્વારા મનસ્વીપણે કરવામાં આવતું એ રીવાજભંજન તેમને ઘણું ખુંચ્‍યું. તેઓ ચુપ રહ્યાં. ઘરમાં નવી વહુ બેઠી હતી. તેની હાજરીમાં આ નાજુક મુદ્દો ચર્ચી શકાય એવો ન હતો.

દલપતે ધીમા પણ મક્કમ સ્‍વરે વડીલોને કહ્યું– ‘પુરી વડા જેવા જુનવાણી રીવાજમાં હું માનતો નથી. તમે વડીલ છો… આદરણીય છો… હું એ નાતે તમને સંપુર્ણ માનસન્‍માન આપીશ, પણ હવે મને મારી રીતે જીવવા દો. હવે પછી જ્‍યારે જ્‍યારે મારી પરણીત જીન્દગીને સ્‍પર્શે એવી કોઈ બાબત હશે ત્‍યાં હું પોતે જ નીર્ણય લઈશ!’ વડીલો સમસમી રહ્યા. તેમની અવ્‍યક્‍ત અકળામણનો અનુવાદ આવો થતો હતો– ‘દીકરો શહેરમાં જઈને સાવ બગડી ગયો!’

લગ્ન બાદ દલપતની પત્‍નીને સારા દીવસો રહ્યા. (દેશની વસતી ભયજનક સપાટી વટાવી દુઃખના ડેન્‍જર ઝોનમાં પ્રવેશી ચુકી છે તે જોતાં હવે બાવીસમી સદીમાં કોઈ સ્‍ત્રી ગર્ભધારણ કરશે ત્‍યારે સ્‍ત્રી માટે ભલે સારા દીવસો ગણાશે પણ દેશ માટે ખરાબ દીવસ બની રહેશે!)

લગ્ન બાદ દલપતે શહેરમાં ઘર માંડ્યું. નવા ઘરમાં કુમ્ભઘડો મુકવાનું સુચન એક વડીલે કર્યું. દલપતને કુમ્ભઘડા સામે ખાસ વાંધો નહોતો; પણ યોગાનુયોગ એવો બન્‍યો કે કુમ્ભઘડો મુકનાર માસી વંધ્‍યા હતા. એ જાણ્‍યું ત્‍યારે પેલા વડીલે– ‘આજે મુહર્ત નથી!’– એમ કહી આખો કાર્યક્રમ અટકાવી દીધો, અને દલપતના કાનમાં કહ્યું– ‘કુમ્ભઘડા જેવા શુભ કાર્ય માટે તમને આવી વાંઝણી સ્‍ત્રી મળી? એની પાસે કુમ્ભઘડો મુકાવશો તો તમારા ઘરે ઘોડીયું નહીં બંધાય! હાથે કરી મુસીબત શીદ વહોરો છો?’ દલપતે કહ્યું– ‘વડીલ, તમારી એ માન્‍યતા કેવળ વહેમ છે. પ્રજોત્‍પત્તીને વંધ્‍યાના હાથે કુમ્ભઘડો મુકવા– ન મુકવા સાથે સ્‍નાન સુતકનો સમ્બન્ધ નથી. આજે સેંકડો સ્‍ત્રીઓને બાળકો નથી થતાં. તે બધાંને ત્‍યાં વંધ્‍યાએ જ કુમ્ભઘડા મુક્‍યા હોય એવું નથી હોતું!’ વડીલ ચુપ થઈ ગયા પણ તેમની આંખોમાં જે ગુસ્‍સો ઉભર્યો તેનું ટ્રાંસલેશન આ પ્રમાણે થતું હતું– ‘તો મરો… મારે શું!’

વડીલની આગાહી જુઠી પડી. દલપતને ત્‍યાં પ્રથમ પુત્ર જન્‍મ્‍યો. દલપતે પેલા વડીલને ખાસ યાદ કરીને પેંડા મોકલ્‍યા. દલપતની પત્‍નીની પ્રસુતી પુર્વેની એક ઘટના. ચન્દ્રગ્રહણ હતું. પત્‍નીના મામી દલપતને ત્‍યાં દોડી આવ્‍યા અને કહ્યું– ‘જોજે છરી વડે રખે કાંઈ કાપતી…  ગ્રહણમાં કાપીશ તો બાળકનું અંગ કપાયેલું આવશે!’ દલપતની પત્‍ની ડરી ગઈ. તેને આવી જાણ થાય તે પુર્વે તે શાકભાજી કાપી ચુકી હતી. દલપતે પત્‍નીને સાંત્‍વન આપતાં કહ્યું– ‘તું જરાય ચીંતા ના કરીશ. એ નર્યો વહેમ છે. એવું કશું જ નહીં થાય. જરા બુદ્ધી દોડાવ, જાપાન, અમેરીકા અને રશીયામાંય ગ્રહણ થાય છે. તેઓ આવો કોઈ નીયમ પાળતા નથી. શું ત્‍યાં ચન્દ્રગ્રહણથી એક પણ બાળકને આવી ખોડ આવ્‍યાનો કીસ્‍સો નોંધાયો છે ખરો?’ પત્‍નીને શાંતી થઈ. ત્‍યારબાદ યથાસમય તેણીએ એક તન્દુરસ્‍ત પુત્રને જન્‍મ આપ્‍યો.(ચન્દ્રગ્રહણને અવગણ્‍યાની કોઈ સજા બાળકને ના થઈ)

દલપતના કુટુમ્બમાં બાબરીનો ખર્ચાળ રીવાજ. સૌ સગાંઓને ભેગાં કરી જમાડવા પડે. બધી ફોઈઓને મોંઘી સાડીઓ આપવી પડે. બાળક ભેગી બાપને માથેય ટાલ પડી જાય. દલપત અહીં ફરી આડો ફાટ્યો. કહે– ‘ના, બાબરી ફાબરી કશું જ ના જોઈએ… એ વાહીયાત રીવાજ છે!’ વડીલોના જીવ ઉંચા થઈ ગયા. તેમણે દલપતને સમજાવવાની કોશીષ કરી–‘તારા સુધારાવાદી વીચારોમાં દીકરાનો ભોગ લેવાશે… જરા સમજ… અમે તારા દુશ્‍મન નથી. તું નાદાન છે. આપણી કુળદેવી આરેઢી (ગુસ્‍સાવાળી) છે. તારી ભુલની સજા તારા દીકરાને કરશે. બાબરી ના ઉતરાવીશ તો છોકરાનું ભણવામાંય મગજ નહીં ચાલે!’

દલપતે કહ્યું– ‘તમારો ભય કાલ્‍પનીક છે. નર્યો વહેમ છે. એવું કશું જ નહીં થાય. છતાં જે થશે તે સ્‍વીકારવા તૈયાર છું; પણ બાબરી નથી જ ઉતારવી. જોઈએ શું થાય છે?’ કશું જ ના થયું. દલપતના બન્‍ને દીકરા શરુથી જ ફર્સ્‍ટ ક્‍લાસ ફર્સ્‍ટ કેરીયર ધરાવતા હતા. બન્‍ને એન્‍જીનીયર થયા. કેમ્‍પસ ઈન્‍ટરવ્‍યુમાં જ એમને નોકરી મળી ગઈ. એમ કહો કે એમના હાથમાં ડીગ્રીનું સર્ટીફીકેટ આવે તે પહેલાં નોકરીનો ઑર્ડર આવી ગયો. નોકરી સારી મળી તેના પગલે છોકરીય સારી મળી. બન્‍ને દીકરાઓએ શહેરમાં પોતાના બે ત્રણ બંગલા વસાવ્‍યા. દીકરાઓના લગ્ન બાદ દલપતે તેમને ફરજીયાત પોતાની સાથે જકડી રાખવાને બદલે સામે ચાલીને શહેરમાં અલગ ઘર માંડવા કહ્યું. એટલું જ નહીં તેમના ઘરમાં જાતે જઈ કુમ્ભઘડો મુકી આપ્‍યો. બન્‍ને દીકરાઓએ નક્કી કર્યું હતું કે દીકરો જન્‍મે કે દીકરી, કેવળ એક જ બાળક પેદા કરવું. બન્‍નેએ એમ જ કર્યું. એકને ત્‍યાં દીકરો આવ્‍યો અને બીજાને ત્‍યાં દીકરી. છતાં બન્‍નેએ ઑપરેશન કરાવી લઈ બીજા બાળક પર પુર્ણવીરામ મુક્યું. પુત્રની લાલચમાં અન્‍ય સંતાનો પેદા ના કર્યા.

દલપત જન્‍માક્ષરો મેળવવામાં કે મંગળ વગેરેમાં પણ ન માને. દીકરાઓને પણ તેણે જન્‍માક્ષરો વગેરેની ચકાસણી કર્યા વીના જ પરણાવ્‍યા. લગ્ન તો સાવ જ સાદાઈથી કર્યા. ઘરના ચાર માણસો સીવાય અન્‍ય બે ત્રણ નજીકના સ્‍વજનોથી એકે માણસ વધારે નહીં. ન બેન્‍ડવાજા… ન ડીસ્‍કો! ન ગ્રહશાંત્તેક… ન જમણવાર! ન દશ હજાર ફટાકડાની લુમ… ન પૈસાનું છીછરું પ્રદર્શન! દલપતના બધાં જ સગાંને લગ્નના પરમ્પરાગત રીવાજોની આવી અવગણના ના ગમી. તેમણે અંદરોઅંદર ગુસપુસ કરી. ‘આ માણસ ગાંડો થઈ ગયો છે… આ રીતે તો વળી લગ્ન થતાં હશે?’ મહોલ્લાવાળાએ કહ્યું : ‘કંજુસ છે… પૈસા બચાવે છે!’

લગ્નટાણે કરવામાં આવતા મોસાળાના રીવાજની પણ દલપતને ભારે ચીડ; પણ પોતે મોસાળુ ના કરે તો પોતાની બહેનોને તેમના સાસરીયા તરફથી અનેક મહેણાં ટોણાં સાભળવા પડે. એથી દલપતે પ્રસંગોપાત તેની ચારે બહેનોના મોસાળા કર્યા; પણ પોતાના દીકરા માટે મોસાળુ લેવાનો પ્રસંગ આવ્‍યો ત્‍યારે દલપતે મોસાળુ સ્‍વીકારવાનો સાફ ઈન્‍કાર કર્યો. દલપતના સાળાએ મોસાળુ કરવા માટે અને વરરાજાને શુટ ખરીદી આપવા ઘણી આજીજી કરી; પણ દલપત એકનો બે ના થયો.

વાત અહીં પુરી થતી નથી. દલપતની સમાજ સામેની વનમેન ફાઈટ હજી ચાલે છે. મુળ વાત એટલી જ, આજે દલપત પોતાની રીતે સુખથી જીવે છે. દલપત આંધળી પ્રભુભક્‍તી નથી કરતો. પથ્‍થર એટલાં દેવ પુજતો નથી. દર વર્ષે ઘરમાં સત્‍યનારાયણની કથા કરાવતો નથી. દર મહીને અમુક તમુક દેવના મન્દીરમાં રુપીયા સવા એકાવનનો મનીઓર્ડર કરતો નથી. પીતૃશ્રાદ્ધને દીને દુધપાક પુરી અને ભજીયાની જ્‍યાફત ઉડાવતો નથી. શ્રાદ્ધના દીને ગાય કાગડાને વાસ મુકતો નથી કે બ્રાહ્મણોને જમાડતો નથી. દલપત માને છે કે માબાપને જીવતા જીવત જ બધાં સુખો આપીને તૃપ્‍ત કરો. તેના મર્યા પછી ન્‍યાતને લાડુને દુધપાક જમાડવાને બદલે માબાપને જ આખી જીંદગી લાડુ અને દુધપાક જમાડો!

શહેરમાં દલપતને બેંકની નોકરી હતી. દલપત ખાધે પીધે સુખી હતો. પોતાનું ઘર હતું. એથી દલપતે વતનમાં બાપદાદાની મીલકતમાંથી પોતાનો ભાગ જતો કરી બધી મીલકત પોતાના નાના ભાઈને આપી દીધી! બલકે લખી આપ્યું કે ભવીષ્યમાં મારા દીકરાઓ પણ આ મીલકત માટે દાવો કરશે નહીં.

દલપતના વીચારો સમાજને પસન્દ નથી; પણ દલપતને તેની કશી ચીંતા નથી. દલપતના બન્‍ને દીકરા એન્‍જીનીયર થઈ સારી કંપનીમાં નોકરીએ લાગ્‍યા છે.(બાબરી દેવીનો પ્રકોપ ક્‍યાંય નડ્યો નથી) ચારે વહુ–દીકરા રૅશનલ અને સાહીત્‍યરસીક બની શક્‍યા છે. દલપતનો પરીવાર માને છે કે સમાજમાં વર્ષોથી ચાલી આવેલા જર્જરીત અને અતાર્કીક રીવાજોને હવે તીલાંજલી આપવી જોઈએ.

દલપતની સંક્ષીપ્‍ત જીવનકથા એ મુદ્દા તરફ અંગુલીનીર્દેશ કરે છે કે એક માણસ આખા સમાજને બદલી ના શકે પણ ધારે તો પોતાની અંગત જીવનશૈલીમાં જરુર સુધારો કરી શકે. બધાં એવું કરે તો ધીમેધીમે આખો સમાજ પરીવર્તન પામી શકે.

અન્તે એક સ્‍પષ્ટતા કરું. સુરતના એક વાચક મીત્રે લખ્‍યું– ‘તમે સમાજને સુધારવાની વાત વારંવાર લખો છો. સામાજીક કુરીવાજોની વીરુદ્ધમાં આક્રોશ ઠાલવો છો; પણ એમ છાપામાં લખવાથી સમાજ બદલાઈ જતો નથી. વીચારોને આચરણમાં મુકવા પડે. દીનેશભાઈ…, એક પ્રશ્ન પુછું, ખોટું ના લગાડશો પણ લખો છો તે પ્રમાણે તમે પોતે જીવો છો ખરા? તમારા નીજી જીવનમાં તમે કેટલાં કુરીવાજોને ટાળી શક્‍યા? કેટલું રૅશનલ જીવન જીવી શક્‍યા…?’

પત્રલેખકનો ખાસ આભાર માનું કે એમના પત્રને કારણે મને (એટલે કે દલપત – ઉર્ફે દીનેશ પાંચાલને)ને અહીં થોડી અંગત વાતો કહેવાની તક મળી.

દીનેશ પાંચાલ

લેખકમીત્ર શ્રી. દીનેશ પાંચાલનું મુલ્યવાન રૅશનલ પુસ્તક ‘ચાલો, આ રીતે વીચારીએ’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલીની વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત – 395 001 ફોન : (0261) 259 7882/259 2563ઈમેલsahityasangamnjk@gmail.com પાનાં : 126,મુલ્ય : રુપીયા 90/–)માંનો આ 36મો અને છેલ્લો લેખ, પુસ્તકનાં પાન 123થી 126 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : 

શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com

લેખકનાં પુસ્તકો :

(1‘જીવન સરીતાને તીરે’ (2) ‘ચાલો, આ રીતે વીચારીએ!’ અને () ‘ધુપછાંવ’ એ પ્રથમ ત્રણ પુસ્તકો સુરતના સાહીત્ય સંગમ, ગોપીપુરા, સુરત – 395 003 (સેલફોન : 98251 12481 વેબસાઈટ : www.sahityasangam.com ઈ.મેઈલ  : sahitya_sankool@yahoo.com) તરફથી પ્રકાશીત થયાં છે. એક પુસ્તક ‘મનનાં મોરપીંછ’ (પુરસ્કૃત) ઈમેજ પબ્લીકેશન્સ પ્રા. લી., (199/1, ગોપાલ ભુવન, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુમ્બઈ – 400 002 ફોન : (022) 2200 2691 વેબસાઈટ : www.imagepublications.com  ઈ.મેઈલ : info@imagepublications.com) તરફથી પ્રગટ થયું છે. એક પુસ્તક ‘જીવનસરીતા’ અમદાવાદના નવભારત સાહીત્ય મંદીર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 ફોન : (079) 2213 2921  વેબસાઈટ : www.navbharatonline.com   ઈ.મેઈલ : info@navbharatonline.com  અને બાકીનાં દસ પુસ્તકો (1) ‘શબ્દોનો સ્વયંવર’ (2) ‘ઉરે ઉગ્યો અરુણ’ (3) ‘બોલો, ઈશ્વર છે કે નથી?’ (4) ‘સ્ત્રી : સંસારલક્ષ્મી’ (5) ‘તનકતારા’ (6) ‘અંતરના ઈન્દ્રધનુષ’ (પુરસ્કૃત)  (7‘હૈયાનો હસ્તમેળાપ’ (8‘ધરમકાંટો’, (9) ‘સંસારની સીતાર’ અને (10) ‘મનના માયાબજારમાં’ એ તમામ પુસ્તકો ગુર્જર ગ્રંથરત્ન પ્રકાશન, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 ફોન : (079) 2662 0472/ 2214 4663 ઈ.મેઈલ : goorjar@yahoo.com તરફથી પ્રગટ થયાં છે.

(1) અંતરના આંગણેથી’ અને (2) ‘દીલના દુરબીન’ બન્ને પુસ્તકોનું પ્રકાશન હાથ પર છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 18/01/2019

7 Comments

  1. Someone has questioned that whether the writer walks the talk. It is irrelevant query. Do we ask the same question to Babas and Swamies whose only profession is lecturing the masses. Do we question the doctor who advises to refrain from certain foods or habits or advises against smoking. Our parents and elders teach us good behavior. We never question them. If someone writes about something it is up to us whether we agree with it or not or whether we find it worth emulating or not.

    Liked by 2 people

  2. સરસ. સમાજને સલાહ આપવાના કામો તો સ્વામીજીઓને, સાઘુઓને, બાપુઓને, ઘર્મગુરુઓને, મહાત્માઓને…. સોંપેલા છે….. ચાર્જ કરીને…. અને પેલા ઘેંટાઓ ફી ભરીને સલાહ લેવા પહોંચી જાય છે. પપેટ…. સલાહને પોતાના આચરણમાં મુકવાનું જ અેવું કોણે કહ્યુ અને માન્યુ ? શ્મશાનવૈરાગ્ય છે. દલપતના જેવી ઘણી કરણી મેં આચરી છે. યાદ આવ્યું કવિ દલપતરામનું કાવ્ય…. ( બઘા દલપતો અેક સરખા નથી હોતા…)…. ઊંટ કહે : આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા; ….. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, ‘ અન્યનું તો અેક વાંકું, આપના અઢાર છે.‘… સુરતી સવાલ સાચો હતો…. કવિ સૈયદ સ્માઇલી કહે છે….. દિલ દીમાગને નેવે મૂકી, અન્ઘ થયો આંખો મિચી, ઘેટાનાં ચીલે ચીલે ચાલ્યો…., હંસમાંથી કાગડો થયો… તોય, હે જીવ તું ના જાગ્રત થયો!!!!!!! લેખક મનસુખ વારીયાના શબ્દો…. હજુ કેમ લોકો કથા સાંભળે છે ? વીતેલા સમયની વ્યથા સાંભળે છે ? ગયૂં તે ભૂલી જા, થયું તે ભૂલી જા, જીવન તો વહેતા સમયમાં મળે છે. હવે અેક નાની પણ મોટી વાત, ‘ઇશ્વર બદલી ના શક્યો કોઇ માણસને આજ સુઘી…. અને સેંકડો ઇશ્વર બદલી નાંખ્યા માણસોઅે આજસુઘી….‘ And …” You can’t reach for anything new if, your hands are still full of yesterday’s junk.” વર્ણવ્યવસ્થાની પહેલી વરણનો આ પુજા… પાઠ.. લગ્નો… મરણ…. સ્વર્ગ… નર્ક….. યમ…. વેપારના… આવકના…. ઘર ચલાવવાના સાઘનો હતાં…
    હવે ૨૧મી સદીમાં ઓછા થતા હોય તેવું લાગી રહ્યુ છે. દલપત ગમ્યો.

    Liked by 2 people

  3. It is a very nice article. It requires courage and boldness to break through these stupid rituals. Our life is completely independent and it has nothing to do with these rituals and beliefs.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Liked by 1 person

  4. Dear Dineshbhai,
    You and I never met. Still, thank you very much for writing my short biography !

    Many people preach but don’t practice; others practice but don’t preach. Very few will (or can) do both.
    — Subodh Shah — USA.

    Liked by 1 person

  5. બહુજ સરસ લેખ. સમાજમાં આવા હજારો નહીં, લાખો નહી પરંતુ કરોડો “દલપતો” ની સખત જરૂરત છે. લેખના આરંભમાં લખેલ છે કે “છાપામાં લખવાથી સમાજ બદલાઈ જતો નથી. વીચારોને આચરણમાં મુકવા પડે.” આ વાક્યમાં હું વધારો કરું છુ. ” ……………..વીચારોને વાસ્તવિક જીવનમાં ઍક ક્રાંતિ થકી જબરદસ્તી થી મૂકાવવા પડે.”

    Liked by 1 person

Leave a comment