પાખંડીને શીંગડા હોતા નથી!

વા, માથાનો દુખાવો, કમળો, કમળી, મેલેરીયા, કેન્સર, ડાયાબીટીસ, કોઢ, કરોળીયાં, ધાધર વગેરે રોગો મન્ત્રશક્તીથી દુર કરી શકાય? મન્ત્રસાધના કર્યા બાદ ‘દીવ્ય શક્તી’ પ્રાપ્ત થાય? આવો, આજે સુરતના સમાજવાદીનો ઢોંગ કરતા શાંતીગીરીબાપુ વીશે જાણીએ…

(આ સત્ય ઘટના વર્ષ 2017ની છે; પરન્તુ આજેય આવી ઘટનાઓ બને છે. આ પ્રકારના ગુનાઓ લોકજાગૃતી દ્વારા જ અટકાવી શકાય છે.)

પાખંડીને શીંગડા હોતા નથી!

–રમેશ સવાણી

શાંતીગીરીબાપુએ સુરતમાં કુતુહલના મોજાઓનું તોફાન સર્જી દીધું હતું! બાપુની ઉમ્મર બાવન વર્ષ હતી. સફેદ કપડાં, લાંબી દાઢી, લાંબા વાળ, ગળામાં રુદ્રાક્ષની માળાઓ, કપાળમાં કંકુ તીલક, આંગળીયોમાં નંગોની વીંટીઓના કારણે બાપુનો દેખાવ, ભક્તોને રોમાંચક લાગતો હતો. અશ્વીનીકુમાર, વૈદરાજ મન્દીર પાસે બાપુની મઢુલી હતી. શ્રદ્ધાળુ લોકોનો પ્રવાહ સતત રહેતો હતો. રોજ બપોરના બારથી સાંજના છ વાગ્યા સુધી બાપુ આશીર્વાદ આપવામાં વ્યસ્ત રહેતા હતા.

કરશન પટેલ બાપુના નવા ભક્ત હતા. એક દીવસ તેણે પુછ્યું : “બાપુ, આપની અમુક વાતો મને સમજાતી નથી!”

“ભકત! કઈ વાતો?”

“બાપુ! આપ કાયમ ઉંધા કપડાં પહેરો છો! એનાથી શું ફાયદો થાય?”

“કરશન, ઉંધા કપડાં પહેરવા માટે ‘દીવ્ય શક્તી’ જોઈએ. આવી શક્તી મન્ત્રસાધના કર્યા બાદ ભાગ્યે જ મળતી હોય છે!”

“બાપુ! આપ બાર વરસના હતા ત્યારે લીમડાના ઝાડ પર ચડીને, ઉંધા માથે કઠોર તપસ્યા કરી હતી, એમ સૌ વાતો કરે છે, એ સાચું?”

“ભક્ત! સો ટકા સાચું!”

“બાપુ! આપે 1980થી 1987 સુધી, સાત વર્ષ સુધી ઉભડક પગે બેસવાનું વ્રત લીધું હતું, એવું હીરાના કારીગરો કહે છે, એ સાચું?”

“કરશન! સો ટકા સાચું!”

“બાપુ, ભાવનગરમાં નીર્મળનગર હીરાબજાર સામે એકસો એકાવન દીવસના નકોરડા ઉપવાસ કરી આપે શરીરને સુકવી નાખ્યું હતું, એવું હીરાના કારખાનાના માલીકો કહે છે, એ સાચું?”

“સાચું, બીલકુલ સાચું!”

“બાપુ! હજારો લોકોની અવરજવર વચ્ચે માતાવાડીમાં, એક પગે ઉભા રહી આપે એકત્રીસ દીવસની સાધના કરેલી, એ સાચું?”

“કરશન! તને થયું છે શું? આવા પ્રશ્નો પુછવાની જરુરીયાત આજે કેમ થઈ છે?”

“બાપુ! કેટલાય દીવસથી મારા મનમાં પ્રશ્નો ઉદ્ ભવતા હતા, આજે બધા પ્રશ્નો પુછી નાંખવાનું નક્કી કર્યું છે! બોલો, એકત્રીસ દીવસની–”

“ભક્ત! મેં સાધના કરી હતી!”

“બાપુ! આપ પગમાં પગરખાં કેમ પહેરતા નથી?”

“કરશન, સુરતમાં ઘણા લોકો ઉઘાડા પગે ફરે છે, જ્યારે દરેકના પગમાં પગરખાં આવશે ત્યારે જ હું પગરખાં પહેરીશ!”

“બાપુ! આગામી બાર વરસમાં શું શું બનશે, તેની આપે ભવીષ્યવાણી કરી છે, એ સાચું?”

“બીલકુલ; પણ તને થયું છે શું? આ બધું કેમ પુછે છે?”

“બાપુ! મને આજે પુછી લેવા દો! મન્ત્રશક્તીથી આપ શ્રદ્ધાળુ લોકોના રોગો દુર કરો છો! વા, માથાનો દુખાવો, કમળો, કમળી, મેલેરીયા, કેન્સર, ડાયાબીટીસ, કોઢ, કરોળીયાં, ધાધર વગેરે રોગો દુર કરવાની શક્તી ક્યાંથી આવી?”

“કરશન! મેં નાનામોટા એક હજાર આઠ યજ્ઞા કર્યા, તેમાંથી શક્તી મળી! હું સમાજવાદી બાપુ છું. મારે ત્યાં ગરીબ લોકોને પ્રથમ સ્થાન મળે છે. કેટલાય કથાકારો, સ્વામીઓ, બાપુઓ શ્રીમંતોને આગળ સ્થાન આપે છે અને ગરીબ લોકોને પાછળ ધકેલવામાં આવે છે! મારી પાસે બે-મુખીથી ચૌદ મુખી સુધીના રુદ્રાક્ષ છે. રુદ્રાક્ષની કીમ્મત 650 થી 1500 રુપીયા છે. મેં મન્ત્રેલ રુદ્રાક્ષની માળા જે ધારણ કરે તેની સઘળી સમસ્યાઓ દુર નાસી જાય છે! ભક્ત, તું પણ એક રુદ્રાક્ષની માળા પહેરી લે તો તારું મન નીર્મળ થઈ જાય! મનની ગંદકી દુર થઈ જાય!”

“બાપુ! હું આવતા રવીવારે અહીં આવીશ અને રુદ્રાક્ષની માળા ધારણ કરીશ!”

તારીખ 17 ફેબ્રુઆરી, 2002. રવીવાર. બપોરના બે વાગ્યા હતા. બાપુની મઢુલીએ પાંચ–છ યુવાનો આવીને બેઠાં. બાપુએ પુછ્યું : “તમારી ઓળખાણ?”

“મારું નામ મધુભાઈ કાકડીયા છે. મારી સાથે જગદીશભાઈ વકતાણા, ગુણવંત ચૌધરી, વીજય મૈસુરીયા, ભરત શર્મા અને સંજય પાટીલ છે. અમે ‘સત્યશોધક સભા, સુરતના કાર્યકર છીએ. બાપુ! અમે થોડા પ્રશ્નો લઈને આવ્યા છીએ, બોલો, પુછીએ?”

“મધુભાઈ, તમારે જે પુછવું હોય તે પુછો.”

“બાપુ! મન્ત્રતન્ત્રથી સીદ્ધી પ્રાપ્ત કરી શકાય? ચમત્કારો સર્જી શકાય? મન્ત્રશક્તીથી સંતાનપ્રાપ્તી થાય? કેન્સર મટે? ડાયાબીટીસ દુર થાય? આગામી બાર વરસમાં શું શું બનશે, તે જાણી શકાય? મન્ત્રથી માતાજીને શરીરમાં હાજર કરી શકાય? મન્ત્રોચ્ચારથી વરસાદ વરસાવી શકાય? ધરતીકમ્પ સર્જી શકાય? મન્ત્રશક્તીથી મૃત વ્યક્તીને જીવતી કરી શકાય? મન્ત્રતન્ત્રની સાધના કરવાવાળા મોટેભાગે અભણ હોય છે, એવું કેમ? દોરા, ધાગા, માદળીયાં, તાવીજથી કંઈ ફેર પડે? માનતાઓ માની અસાધ્ય રોગો મટાડી શકાય? મુઠ મારવાથી દુશ્મનનો નાશ થતો હોય તો લશ્કર રાખવાની જરુર પડે? મેલીવીદ્યાના ઉપયોગથી કોઈનું આયુષ્ય વધારી કે ઘટાડી શકાય?”

“મધુભાઈ, આ પત્રીકા વાંચી લો. પત્રીકાનું મથાળું છે. ‘ચમત્કારને શીંગડા હોતા નથી!’ આ પત્રીકામાં જે છપાયું છે તે સાચું છે!”

“બાપુ, અમે આ પત્રીકા વાંચીને જ અહીં આવ્યા છીએ. અમારું માનવું છે કે પાખંડીને શીંગડા હોતા નથી!

“તમે શું કહેવા માંગો છો?”

“તમે જે સમજો છો તે!”

“તમે મારી કસોટી કરવા આવ્યા છો?”

“તમારી પાછળ અમે એક મહીનાથી છીએ. તમારા તરકટનું પગેરું મેળવવા તમારી પાસે કરશન પટેલને અમે મોકલતા હતા!”

“મધુભાઈ! તમે મારી સાથે છેતરપીંડી કરી છે. ત્રણ દીવસમાં માતાજી તમારા શરીરને સુકવી નાખશે! લક્વાગ્રસ્ત બનાવી દેશે! તમને બધાંને આંધળા કરી મુકશે!”

શાંતીગીરીબાપુ! તમારા માતાજી ઢોંગીઓની તરફેણ કરે?”

“આવું કેમ પુછો છો?”

“તમે ઢોંગ કરો છો! શ્રદ્ધાળુ લોકોને ઉલ્લુ બનાવો છો. તમે સમાજવાદી બાપુ નથી, અસમાજવાદી છો! તમારી પત્રીકામાં જે દાવા કર્યા છે, તે ખોટા છે. ઉંધા કપડાં પહેરવાનું બન્ધ કરો. પોલીસ સવળા કપડાં પહેરાવીને જેલમાં મુકશે. પોલીસ પાસે એવી હાથકડી હોય છે, જે મન્ત્રશક્તી વીના જ પરચો આપે છે! સમજ્યા?”

શાંતીગીરીબાપુના કપાળે પરસેવો વળી ગયો. તેમણે મધુભાઈ કાકડીયાના પગ પકડી લીધા અને કહ્યું : “મારી ભુલ થઈ. મને માફ કરો. હું લેખીત ખાત્રી આપું. હવે પછી લોકોને છેતરીશ નહીં. મન્ત્રશક્તીથી અસાધ્ય રોગો દુર થાય છે, તેવી જાહેરાત કરવાથી શ્રદ્ધાળુ લોકોની લાઈન લાગે છે! લોકોને એકત્ર કરવા માટે, તેમનું તન, મન અને ધન હરવા માટે મેં મન્ત્રશક્તીનું છટકું ગોઠવ્યું હતું!”

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થયેલ એમની રૅશનલ કટાર ‘પગેરું’ (17, મે, 2017) માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, ઈ.મેઈલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 01–02–2019

9 Comments

  1. સુરતની સત્યશોધક સભા ખુબ જ પ્રસંશનીય કામ કરી રહી છે. મને લાગે છે કે એની શાખાઓ આપણે ત્યાં ગામે ગામ અને દરેક શહેરના લત્તાઓમાં હોવી જોઈએ. તો કદાચ સમાજમાં કંઈક વહેમો દુર થઈ શકે.

    Liked by 1 person

  2. પબ્લીક જ્યાં સુધી ચમત્કારમાં માનતી રહેશે ત્યાં સુધી આવા બાપુઓ પાકતા રહેશે. વ્યક્તિની અંધશ્રધ્ધા, પલાયનવાદી અને લાલચુ વૃતિના કારણે આવા ઠગબાબાઓ સફળ બને છે. ડરતી પ્રજાને હજારો બાવાઓ તૈયાર છે કંઠી પહેરવવા અને ત્યાં શ્રધ્ધાના નામે લોકો પણ પહેરી લેવા પડાપડી કરે ત્યારે તર્ક માટે કોઇ જગ્યા બચતી નથી..
    ઘણાં દિવસથી એક પોસ્ટ ડ્રાફ્ટમાં પડી છે, નિઃસ્વાર્થ ભાવ અને શ્રધ્ધા વિશે.. પણ અહીયાં કોમેન્ટમાં લખીશ બધું તો વિષયાંતર થશે એટલે મારા વિચારો મારા બગીચામાં ઉમેરવા ઠીક રહેશે..

    Liked by 1 person

  3. It is sad that even in 21st century this type of blind faith and exploitation of illiterate people is common. Shame on this person. Society and law enforcement should expose them openly and make the pay for this kind of cheating.

    Liked by 1 person

  4. લોભિયા પાસે ધુત્તારા ભૂખે ના મરે. રુદ્રાક્ષની માળા પહેવાથી આધી,વ્યાધી,ઉપાધી ના આવે. તો એ સાચું માનવું? કર્મણ્યે વા ધીકારસ્તે, મા ફલેષુ કદાચન. કર્મ કરતા રહો. ફળની આશા રાકવી નકામી છે.

    Like

  5. appreciate efforts of “‘સત્યશોધક સભા’, સુરતના કાર્યકર” always and saving many Innocent people and doing really great social service.

    Liked by 1 person

  6. પાખંડીને શીંગડા નથી હોતા. સરસ વાત થઇ. પરંતું દરેક જુઠા કામો કરનારને પહેલેથી ખબર હોય છે કે સત્ય શું છે. અને તે જ્ઞાનને આઘારે જ તે જુઠા કર્મોની ડીઝાઇન કરતો હોય છે.
    સુરતની સત્યશોઘક સભાને લાખો અભિનંદન.
    દુ:ખ તે વાતનું છે કે આ સભા મોટી કેમ નથી થતી ? આ સભાના સંચાલકોને દરેક હાયશ્કુલમાં અઠવાડી અે અેક વર્ગ ભણાવવાનો કેમ આપતા નથી ?
    પોલીટીઉીયનોને કેમ ઉઘાડા પડાતા નથી. તેઓ પણ જનતાને ઉલ્લુ જ બનાવે છે ને ?
    અમૃત હઝારી.

    Liked by 1 person

  7. ધર્મ ના નામે ધતિન્ગ
    ચમત્કાર ને નમસ્કાર

    આવા ધતિન્ગો હિન્દુ ઉપરાંત મુસ્લિમ ધર્મ માં પણ મોટે પાયે થઈ રહ્યા છે. જ્યાં સુધી અંધ્ધ શ્રધ્ધાળુઓ નું અસ્તિત્વ હશે ત્યાં સુધી આ ધતિન્ગો ચાલતા જ રહેશે, અને આપણે આ વિષે વાંચતા રહેશું. આવા ધતિન્ગો ને કાયમી ધોરણે કેવી રીતે બંધ કરી શકાય?

    Liked by 1 person

  8. સત્ય શોધક સભાને અભિનન્દન. આપણે આઝાદ થયા પણ આજેપણ આવા ધૂતારા જનતાને છેતરી શકતા હોય તો વાંક કોનો ? જાગ્રુતિ લાવવા માટે કેમ નેતાઓએ પ્રયાસ ન કર્યો?

    Liked by 1 person

Leave a comment