માણસ કઈ રીતે સુધરે? માત્ર ઉપદેશથી? માત્ર સ્પર્શથી? વીવેકબુદ્ધીહીન માણસ ઉભો કરવાની ચીવટ રાખનાર શાસ્ત્રીઓ, સ્વામીઓ, સંતો, મહર્ષીઓ, મુનીઓ, મહન્તો, યોગીઓ, બાપુઓ તથા ભગવાનો માણસને કઈ રીતે સુધારી શકે? મુર્તીપુજાની, વીધવાલગ્નના વીરોધની, શુદ્રવીરોધી વાતોની તથા અવૈજ્ઞાનીક દૃષ્ટીબીન્દુની કંઠી બાંધનાર શાસ્ત્રીઓ હીદુઓને કઈ રીતે સંગઠીત કરી શકે? મીત્રો, લેખીકાબહેન રચના નાગરીકનો લેખ ‘તેથી જડપણું ન ટળે’ વાંચી, વીચારીને આપણામાં રહેલ જડપણું ટાળીએ.
6
તેથી જડપણું ન ટળે
–રચના નાગરીક
માણસ કઈ રીતે સુધરે? માત્ર ઉપદેશથી? માત્ર સ્પર્શથી? માણસ ભ્રષ્ટ થતો હોય તો તેનું કારણ સામાજીક કે આર્થીક હોય છે. માણસ દુષ્ટ થતો હોય તો તેનું કારણ સમજદારી અને વીવેકબુદ્ધીનો અભાવ છે. સમજશક્તીની પુર્ણતામાં જ માણસને પરમ આનન્દ મળે છે. વીવેકબુદ્ધીહીન માણસ ઉભો કરવાની ચીવટ રાખનાર શાસ્ત્રીઓ, સ્વામીઓ, સંતો, મહર્ષીઓ, મુનીઓ, મહન્તો, યોગીઓ, બાપુઓ તથા ભગવાનો માણસને કઈ રીતે સુધારી શકે? સામાજીક કે આર્થીક કારણોનો ઉપાય ઉપદેશ કે સ્પર્શ નથી, પછાતપણાનો વીકલ્પ કે ઉપાય શ્લોક નથી. આ સહજ સીદ્ધાંત છે. અજ્ઞાની માણસ કઈ રીતે નીતીના માર્ગે ચાલે? માણસ જ્ઞાની બને, સત્યનું દર્શન થાય તો નીતીનો પાયો મજબુત બને, અતાર્કીક દૃષ્ટીબીન્દુ માણસને નીતીથી દુર લઈ જાય છે. ધર્મશ્રદ્ધાની ખેતીમાં ‘લાખો માણસો તેજોમય બની ગયા, સુધરી ગયા’ની દલીલથી ભક્તોને અન્ધ બનાવવામાં આવે છે. માણસ સત્યથી, વાસ્તવીકતાથી, સમજદારીથી હમ્મેશાં દુર રહે તે માટે ‘અનુભુતીઓ’નું ખાતર નાખવામાં આવે છે. તેઓ ધર્મ, અધ્યાત્મ વીષે પોલાં અને ગોળ ગોળ પ્રવચનો આપી સમાજને અવળા રસ્તે દોરે છે. અન્ધશ્રદ્ધાઓ, આધ્યાત્મીક અનુભુતીઓ, યોગશ્રદ્ધાઓ અને ધર્મશ્રદ્ધાઓના ખીલે સમાજને બાંધનારાઓ કોઈને સુધારી શકે નહીં. અજ્ઞાની માણસ સમાજને જ્ઞાની બનાવી શકે નહીં. મહાજ્ઞાની કૃષ્ણ દુષ્ટોને સુધારી શક્યા નહીં એટલે તો યુદ્ધ થયું. સામાજીક અને આર્થીક અન્યાયનું માળખું તોડ્યા વીના માણસ સુધરી શકે નહીં. કૃષ્ણે આ માળખું તોડ્યું હતું અને કૃષ્ણના નામે ધંધો કરનારાઓ આ માળખું ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે. અન્યાય, શોષણ, અસમાનતા પોતાના ‘ચીન્તન’થી હટી શકે એવા હઠાગ્રહથી આ લોકો પીડાતા હોય છે. પાંડુરંગ શાસ્ત્રીના ભક્તો કહે છે : ‘શા માટે પુજ્ય દાદા વીરુદ્ધ લખો છો? લાખો માણસો તેજોમય બની ગયા, સુધરી ગયા, તમે એકાદ માણસ સુધાર્યો છે? આજે માછીમારો, દેવીપુજકો વ્યસનમુક્ત થઈ શ્લોક બોલતા થઈ ગયા છે. લાખો લોકો ગાંડા અને માત્ર તમે ડાહ્યા? માત્ર પુસ્તકો વાંચીને નહીં, પ્રવૃત્તી જોઈને લખો. વીદેશમાં ધાર્મીક પ્રસંગે પ્રમુખ વક્તા તરીકે દાદાને બોલાવેલા, અને તમે કહો છો, દાદાનું ચીન્તન હલકું છે?’
મુર્તીપુજાના સમર્થક પાસે જ્ઞાનની અપેક્ષા રાખી શકાય નહીં. ઈશ્વર તમારી સ્તુતી કે પુજાનો ભુખ્યો ન હોય તે સમજી શકાય તેમ છે. સ્તુતી–પુજાથી માણસ સાચા માર્ગે ચાલતો રહે છે, એવી દલીલમાં ઘણું કપટ છે. કાળાં કામો કર્યા પછી માનસીક સંતોષ માટે સ્તુતી–પુજા થાય છે. શ્રદ્ધાઓનો વેપાર કરનારાઓ માણસની ચેતનાની કતલ ભક્તી વડે કરે છે. ઈશ્વરને પોતાનું બલીદાન શા માટે આપવું પડે? જન્મ શા માટે લેવો પડે? ઉપદેશો શા માટે આપવા પડે? ભગવાન દુષ્ટોને શા માટે પેદા કરે છે? કોઈ નીર્દોષ બાળા ઉપર બળાત્કાર કરતા દુષ્ટનો જીવ ભગવાન શા માટે તરત ખેંચી લેતો નથી? નીર્દોષ માણસોની હત્યા કરનારાઓને ભગવાન શા માટે તરત સજા ફટકારતો નથી? આવા સવાલ પુછાય ત્યારે ભગવાનના અસ્તીત્વ પ્રત્યે શંકા પેદા થાય છે. આવી શંકા ઈશ્વર શા માટે પેદા કરાવે છે? શંકા કરનારની આંખો ભગવાન શા માટે તરત ફોડી નાખતો નથી? શંકાનો વીરોધ કરનારા શાસ્ત્રીઓને ભગવાન શા માટે વધારાની ચાર આંખો આપતો નથી? સાર એટલો જ કે ધર્મગુરુઓનો ઈશ્વર કલ્પનાની માટીમાંથી બનેલો છે. ઈશ્વરથી પણ આગળ અલ્ટીમેટ રીયલીટી – અન્તીમ તત્ત્વ વીષે ચીન્તન કરવાની આળસ કરતા શાસ્ત્રીઓ ઈશ્વરના નામે ઘણું અસ્પષ્ટ બોલે છે; એનો અર્થ એ કે પોતે ઈશ્વરના મનની વાતો જાણે છે. આવો ગર્ભીત દાવો કરનારાઓ સમાજને પ્રદુષીત કરે છે. સમાજ ઘેટાં જેવો બની રહે તો જ ગરાસદારી ચાલે એવી સમજદારી ધરાવતા યોગીઓ ધર્મ વીષે પોતાને ન સમજાય તે બધું ભક્તોને સમજાવવાની કોશીશ કરે છે. આ એક કાવતરું છે. ચેતનાહીન તથા અન્યાય, શોષણ, અસમાનતાથી થાકેલા–હારેલા માણસોને ધર્મશ્રદ્ધા ટકાવી રાખે છે એ સત્યનો આ વેપારીઓ ગેરલાભ ઉઠાવે છે; સમ્પ્રદાય ઉભો કરી પોતે ભગવાનના એજન્ટ છે તેવા ચાળા કરે છે, ભક્તો કહે છે : ‘પુજ્ય દાદા હીન્દુ સંગઠનનું કામ કરે છે.’ હીન્દુ ધર્મના સીદ્ધાંતોને ન સમજનાર માણસ સંગઠનનું કામ કઈ રીતે કરી શકે? મુર્તીપુજાની, વીધવાલગ્નના વીરોધની, શુદ્રવીરોધી વાતોની તથા અવૈજ્ઞાનીક દૃષ્ટીબીન્દુની કંઠી બાંધનાર શાસ્ત્રીઓ હીન્દુઓને કઈ રીતે સંગઠીત કરી શકે? સામ્પ્રદાયીક શીષ્યો એજન્ટને ઈષ્ટદેવ માને છે, માનવજાતના ટુકડા કરનારા લોકો આ ટુકડાઓ વચ્ચે લોહીની નદી વહે ત્યારે દયા, અનુકમ્પા, સુમેળ, કરુણા ને શાંતીનો ઉપદેશ આપે છે. આ લોહીની નદી એ એજન્ટપણાની આડપેદાશ છે. વામમાર્ગના ભક્તો માનતા કે સમાજના નીચલા વર્ગોની સ્ત્રીઓ સાથે સમાગમ કરવો એ કાશી, મથુરા, અયોધ્યાની યાત્રા કરવા બરાબર છે. આ તો અધર્મ છે, આવું કેમ બન્યું હશે? આ સવાલ મનમાં થાય છે; પરન્તુ આ શક્ય છે, કેમ કે ભક્ત હોવું એટલે અજ્ઞાની હોવું. અજ્ઞાની માણસ પાસે સારા કામની આશા રાખવી વ્યર્થ છે. અજ્ઞાન મોટું અનીષ્ટ છે. અસ્પષ્ટ અને હલકા વીચારોની કંઠી બાંધનારાઓ સમાજને પ્રદુષીત કરી શકે, સુધારી શકે નહીં. ધાર્મીક તરંગોનો ચેપ લગાડનારાઓ માણસને કઈ રીતે સુધારી શકે? આ ચેપ લગાડવાની શક્તી ધરાવનારા લોકો અન્ય સામાન્ય લોકો પર શાસન કરે છે, પોતાને માટે તેમનો ઉપયોગ કરે છે.
જેનું ચીન્તન હલકું તેની પ્રવૃત્તી સારી હોઈ શકે નહીં. સ્વાધ્યાયપ્રવૃત્તીમાં, અમૃતાલયમમાં તથા સાગરપુત્રો, દેવીપુજકોના સમ્મેલનમાં ‘કેટલુંક પાયાનું અને પ્રજાપયોગી કામ’ થતું અમુકને દેખાય છે; પરન્તુ હકીકતમાં આ તો સમ્પ્રદાય ઉભો કરવા માટે, પબ્લીક લેજીટીમસી માટે કરવી પડતી પ્રવૃત્તી છે! આવી પ્રવૃત્તી સારી લાગતી હોય છે. હોતી નથી. તર્કહીન દૃષ્ટીકોણ સમાજના ગળે બાંધવાથી માનવચેતના સંકુચીત બને છે. જેના પરીણામે આગળ જતાં માનવગરીમાનો ભોગ લેવાય છે. સ્વાધ્યાયપ્રવૃત્તી સામુહીક હીસ્ટીરીયા છે. સંકુચીત અને હલકી માન્યતાઓ એવી રીતે ઘુસાડવામાં આવે છે કે પછી આ પ્રવૃત્તીના વશીકરણની અસરમાંથી ભક્તો છુટી શકે નહીં. આ માન્યતાઓ, તે સાચી છે એવું માની લેવા માટેનું કોઈ કારણ આપવામાં આવતું નથી; પણ સામુહીક મતાંધત્વથી ભક્તોને દોરવામાં આવે છે. સમાજદ્રોહ કરવાનો કોઈ ધર્મગુરુને પણ અધીકાર નથી. ધર્મના ઓઠા હેઠળ ગરાસદારી ઉભી થતી હોય ત્યારે તેની ટીકા ખુલ્લી રીતે થાય તે સામાજીક પર્યાવરણ માટે જરુરી છે. ફલાણી જગ્યાએ કોઈ પ્રમુખ વક્તા બને તે કારણથી, કે ઢીંકણાએ તેના વીષે સંશોધન કરેલ છે તેમ કહેવાથી કોઈના સંકુચીત વીચારો શ્રેષ્ઠ બની જતા નથી. એકબીજાના ખભા ઉપર બેસીને ભક્તો શોધવાની આ ટૅક્નીક છે : તું મારું ગોઠવ, હું તારું ગોઠવીશ. પાંડુરંગ શાસ્ત્રીનું પુસ્તક ‘સંસ્કૃતી ચીન્તન’ ઠોઠત્વથી પુષ્ટ છે એવા શબ્દોથી ગુજરાત હાઈકોર્ટના એક ભુતપુર્વ ચીફ જસ્ટીસને બહુ જ ખોટું લાગેલ. ઉચ્ચ કક્ષાએ બેઠેલા માણસોને શાસ્ત્રીની પોકળ વાતોમાં ‘ચીન્તન’ દેખાય છે! જાહેર સેવા લકવાગ્રસ્ત બની ગઈ છે તેનું એક કારણ આ પણ હોય. સમાજશાસ્ત્ર ક્ષેત્રે નક્કર કાર્ય કરનાર કોઈ અધ્યાપકને શાસ્ત્રીની વાતોમાં ચીન્તન દેખાયું નથી. ભક્તો કહે છે : ‘સામ્યવાદ, સર્વોદયપ્રવૃત્તી નીષ્ફળ ગયેલ છે ત્યારે અમૃતાલયમ રસ્તો ચીંધે છે.’ માર્ક્સ, જયપ્રકાશ નારાયણના વીચારો કરતાં શાસ્ત્રીની વાતો ભક્તોને ચડીયાતી લાગે તે માનસીક બીમારીનો નમુનો કહેવાય.
ભક્તો ઝનુનપુર્વક કહે છે : ‘પુજ્ય દાદાનાં પુસ્તકોમાં પ્રચંડ બુદ્ધી ભરેલી છે.’ પ્રચંડ બુદ્ધીથી ભરેલા કોઈ પુસ્તકની ટીકા થાય ત્યારે તેનો સામનો તાર્કીક રીતે કરવો જોઈએ; તન્ત્રી–લેખકના નીવાસસ્થાને ભક્તોનાં ટોળાં એકત્ર કરીને નહીં, હુમલો કરીને નહીં, બદનક્ષીનો ખોટો કેસ કરીને નહીં. શાસ્ત્રીના કારણે ‘સંસ્કૃત’ થયેલ અને તેજોમય બનેલ શીષ્યોની ભાષા જુઓ : ‘દુર્યોધન તમારો સગો લાગે છે – તો જ તમે આવું લખો. અમે તમને પતાવી દઈશું.’ આ સબળ પુરાવો છે કે વર્ષોથી મહેનત કરવા છતાં શાસ્ત્રી એમના શીષ્યોને સુધારી શક્યા નથી, તેજોમય બનાવી શક્યા નથી. અખાની વેદના જોઈએ :
કથા સુણી ફુટ્યા કાન,
તોયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
–રચના નાગરીક
વંચીતલક્ષી વીકાસવૃત્તી, વૈજ્ઞાનીક અભીગમ અને શોષણવીહીન સમાજ રચના માટે પ્રતીબદ્ધ પાક્ષીક ‘નયા માર્ગ’ના તા. 16 મે, 1990ના અંકમાંથી અંકમાંથી, લેખીકાના, ‘નયા માર્ગ’ના અને ના સૌજન્યથી સાભાર…
લેખીકા રચના નાગરીકના કંઠીમુક્ત વીચારલેખોની પુસ્તીકા ‘બૈઠ પથ્થર કી નાવ’ (પ્રકાશક : [1] માનવવીકાસ ટ્રસ્ટ, 9, મહાકાન્ત કૉમ્પલેક્ષ, વી. એસ. હૉસ્પીટલ સામે, એલીસબ્રીજ, અમદાવાદ – 380 006, [2] વૈશ્વીક માનવવાદ, 1–એ, કલ્પના સોસાયટી,મહેમદાવાદ – 387 130 જીલ્લો : નડીયાદ અને [3] નયા માર્ગ, ખેત ભવન, હરીજન આશ્રમની પાસે, અમદાવાદ – 380 027 પાનાં : 64, મુલ્ય : રુ. 40/)માંનો આ લેખાંક–6, પુસ્તીકાનાં પાન 46થી 49 ઉપરથી, લેખીકા અને પ્રકાશકોના સૌજન્યથી સાભાર..
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને સોમવારે સાંજે 7.00 વાગ્યે. આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 08–02–2019
Khub saras lekh aabhar Govindbhai / Rachnaben aajna dharma gutuo e fakt etluj kahevani jarur chhe (jem buddhe kidhu hatu) tame jate vicharo ane sachu lage toj mane anusaro aatluj kahe to hu nathi manto ke ek pan bapu ni dukan chale.
LikeLiked by 1 person
રચનાબેનની રચના ખૂબ ગમી. પોતાનું મન પૂરેપુરું ઠાલવી દીઘું છે. હાર્દિક અભિનંદન.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
રચનાની રચના ગમી
મારી એક અર્ચના
“આવું વંચાય નહી સમજાય તો સારું”
LikeLike
I have read and enjoyed Rachnaben’s views and her article. I can see my self in your views. I am very thankful to you for your views.
You have discussed about basic things in life. I would read your pervious articles.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
સુંદર લેખ. રચનાબેનના વિચારો એકદમ સચોટ છે. એમની હિમ્મતને દાદ દેવી રહી.
જો કે લેખ હિન્દુ ધર્મને ધ્યાનમાં રાખી લખાયો છે પણ મુસ્લિમ સમાજ પણ પીરો, ફકીરો, તાવીજો, દોરા ધાગાથી ઘેરાયેલો છે. નકલી હીરોની જાહેરાતો અખબારો અને રેડિયો, ટીવી પર સામાન્ય વાત થઈ ગઈ છે.
એક સવાલ એ થાય છે કે જોઇએ એટલી રફતારથી રેશનાલીઝમ કેમ નથી વધુ રહ્યુ? કમી કયાં છે?
ફિરોજ ખાન
સીનિયર તંત્રી
હિન્દી એબરોડ
ટોરંટો, કેનેડા.
LikeLiked by 1 person
बहुत बढ़िया लेख, आपसे अपेक्षा और बढ रही है कि और धर्म के बारे में लिखिये। जो धर्म अभी करोड़ों में है एसे धर्म के खिलाफ।
LikeLiked by 1 person