રૅશનાલીઝમ : કીડીએ હીમાલયની ટોચ પર પહોંચવાનું છે..!

સદીઓથી બહુજનસમાજની નસનસમાં પચી ગયેલા વહેમો, અન્ધશ્રદ્ધાઓ, કુરીવાજો, અજ્ઞાન વગેરેનું ડીમોલીશન કરવા માટે રૅશનાલીસ્ટો સક્રીય છે; પરન્તુ રૅશનલીઝમની સામે ભયસ્‍થાનો પણ વધુ છે. તેવા સંજોગોમાં રૅશનલીસ્‍ટોએ શું કરવું જોઈએ? લેખક રૅશનાલીસ્ટોને શું સુચન કરે છે?

રૅશનાલીઝમ : કીડીએ હીમાલયની ટોચ પર પહોંચવાનું છે..!

– દીનેશ પાંચાલ

આનન્દની વાત એ છે કે સમાજમાં રૅશનલીઝમનો  વ્‍યાપ વધી રહ્યો છે. દીનપ્રતીદીન વધુ ને વધુ લોકો રૅશનલીઝમ તરફ ઢળવા લાગ્‍યા છે, પરન્તુ રૅશનલીઝમની સામેના ભયસ્‍થાનો પણ વધ્‍યા છે. આ દેશમાં શ્રદ્ધાળુઓ પ્રચંડ બહુમતી ધરાવે છે. સમાજમાં શ્રદ્ધાળુઓની વસતી રીંછના શરીર પરના વાળ જેવી ગાઢી છે. એમાંથી થોડાંક શ્રદ્ધાળુઓ ખોટું કરશે તો શ્રદ્ધાવાદને ખાસ નુકસાન થવાનું નથી. પરન્તુ રૅશનલીસ્‍ટોની વસતી ટાલીયાના માથા પર ઉગેલા પાંચ પચ્‍ચીશ વાળ જેટલી પાંખી છે. બે જ વાળ ખરશે તો તેની અસર પણ સ્પષ્ટ દેખાશે. એથી તેમણે તેમના અસ્‍તીત્‍વ ટકાવી રાખવા માટે પ્રત્‍યેક કદમ જોઈ વીચારીને ભરવું રહ્યું. બીજી રીતે કહીએ તો શ્રદ્ધાવાદનું કદ તાડની ઉંચાઈ જેટલું છે એના મુળીયા વડના થડ જેટલાં ઉંડા છે. એની સામે રૅશનલીઝમની સ્‍થીતી (કુહાડા કે ઈલેક્‍ટ્રીક કટર જેવી નહીં; પણ) દાઢી કરવાના બ્‍લેડ જેવી છે. બ્‍લેડથી વાળ કાપી શકાય વડનું થડ કાપી શકાતું નથી.

એક વાત ખાસ વીચારવી પડશે. જ્‍યાં 99 ટકા લોકો શ્રદ્ધાળુ છે એવા આપણા સમાજમાં ઈશ્વર વીરોધી પ્રચાર કરવાથી બહુ મોટો સામાજીક ભુકમ્પ સર્જાય છે. નાસ્‍તીકો ક્‍યારેક ઝનુનપુર્વક ઈશ્વરવીરોધી પ્રચાર કરતાં કહે છે : ‘ઈશ્વર છે જ નહીં… તેની પ્રાર્થના કરવાથી ભુંજેલો પાપડ પણ ભાંગી શકાતો નથી… બલકે શ્રદ્ધા એ અન્ધશ્રદ્ધા જ ગણાય અને પ્રાર્થના કે ભક્‍તી કરવી એ ભીખારીવેડા ગણાય..!’ આ બધી જ વાતો સાચી છે; પણ આવું પ્રચારનારાઓએ એક વાત ગમ્ભીરતાપુર્વક વીચારવી જોઈશે. ઈશ્વર હોય કે ન હોય, પણ રૅશનલીઝમ ખુબ ઉપયોગી જીવનશૈલી છે. તેનાથી તમારું જીવન નક્કર સત્‍યો સામે ખડુ થઈ જાય છે. વહેમ, અન્ધશ્રદ્ધા, મીથ્‍યા માન્‍યતાઓ, કુરીવાજો, ધાર્મીક ધતીંગો તથા ધર્મ અને ભક્‍તીના નામે ચાલતા સીનેમાસ્‍કૉપ દમ્ભની નાબુદીમાં રૅશનલીઝમ ખુબ ઉપયોગી નીવડી શકે છે. એમ કહો કે સમાજમાંથી અન્ધશ્રદ્ધા અને અબૌદ્ધીક્‍તાનું ડીમોલીશન કરવાનું એ વીજ્ઞાનચીંધ્‍યું શસ્ત્ર છે; પણ આપણે અગાઉ જોઈ ગયા તેમ અન્ધશ્રદ્ધા તાડના ઝાડ જેવી  છે. તાડના ઝાડને કાપવું હોય તો ટોચથી શરુઆત કરી તેને ટુકડે ટુકડે કાપવું પડે. તેને થડમાંથી જ કાપવામાં આવે તો તે લાઈટના થાંભલા તથા મકાનો વગેરેને ભારે નુકસાન કરશે. ઈશ્વરભક્‍તી કે હોમહવન જેવા કર્મકાંડો એ શ્રદ્ધાનો વીષય છે. સદીઓથી લોકોની નસનસમાં એ પચી ગયો છે. એને રૅશનલીઝમની તલવારના એક ઝાટકે કાપવાની કોશીષ કરીશું તો તે તાડના ઝાડ જેવું નુકસાન કરશે. ખરું નુકસાન એ થશે કે લોકો ઈશ્વરને ભજવાનું તો નહીં છોડે પણ આખેઆખા રૅશનલીઝમને ફગાવી દેશે.

ખરી મુશ્‍કેલી એ છે કે આસ્‍તીકો તેમની અન્ધશ્રદ્ધા ન છોડે તેના કરતાંય રૅશનલીઝમને નફરત કરતા થઈ જાય તે સૌથી મોટું નુકસાન બની રહેશે. સમગ્ર દેશ અન્ધશ્રદ્ધામાં રાચતો રહે એ નુકસાન જેવું તેવું નથી. યાદ રહે, ઈશ્વર જેવી એકાદ અન્ધશ્રદ્ધા ભલે બચી જતી પણ બાકીની 99 અન્ધશ્રદ્ધાઓ નાબુદ થવી જોઈએ. અમારા બચુભાઈ કહે છે ‘ઈશ્વર ભલે જીવી જતો ગેલેલીયો ન મરવો જોઈએ.’ ‘એકાદ ઈંડુ ભલે ઓછું મળતું પણ સોનાના ઈંડા આપતી મરઘી ના મરવી જોઈએ!’ થોડા નમ્ર અને વ્‍યવહારુ પ્રચારથી લોકોને એક વાર સત્‍યની દીશામાં વીચારતા કરી શકાશે તો આગળ જતાં તેમને ખુદને સમજાશે કે સદીઓથી આપણે જે માનતા આવ્‍યા છીએ તે (ઈશ્વર) નથી પણ વીજ્ઞાનના પરીક્ષણ દ્વારા સાબીત થયેલી વાત જ અસલી સત્‍ય છે.

લોકો સદીઓથી ઈશ્વરમાં માનતા આવ્‍યા છે. તેમની ઈશ્વરભક્‍તીમાં આસ્‍થા કરતાં ય આદત વધુ છે. ઘણા શ્રદ્ધાળુઓ કબુલે છે કે અમનેય ઈશ્વરભક્‍તીનો કોઈ નક્કર ફાયદો જણાતો નથી; પણ વર્ષોથી ભક્‍તી કરવાની ટેવ પડી ગઈ છે એથી હવે એ ન કરીએ તો કંઈક ખોટું કરી રહ્યા છીએ એવું લાગે છે. ભક્‍તી ન કરવાનું કોઈ નુકસાન નથી પણ માનસીક રીતે તેમ કરવા ટેવાયેલા હોવાથી તેના સત્‍ય અસત્‍ય વીશે વીચારતાં જ નથી. આસ્‍તીક્‍તા જીવનશૈલીનું એક અવીભાજ્‍ય અંગ બની ગયું છે. તે ખોટું છે એવું સાબીત થાય તોય હવે એ એક વ્‍યસનની કક્ષાની આદત બની ગઈ છે એથી ઈશ્વરભક્‍તી છુટતી નથી. શ્રદ્ધાળુઓ ધરમકરમ અને પુજાપાઠમાં એવા ગળાડુબ બન્‍યા છે કે ખુદ ઈશ્વર પ્રગટ થઈને એ બધાંની વ્‍યર્થતા સમજાવે તોય તેઓ સમ્મત થઈ શકે એમ નથી.

       અત્રે મહત્ત્વનો મુદ્દો એ છે કે શ્રદ્ધાળુઓ તેમના શ્રદ્ધાવાદમાંથી ચલીત થવાના નથી. તેવા સંજોગોમાં રૅશનલીસ્‍ટોએ શું કરવું જોઈએ? શું શ્રદ્ધાના નામે તેમના કહેવાતા વહેમ–અન્ધશ્રદ્ધા જેવાં અબૌદ્ધીક આચરણોને સાક્ષીભાવે જોતાં રહેવું જોઈએ? ધર્મના નામે ચુપચાપ માઈકનો ત્રાસ વેઠતાં રહેવું જોઈએ? પુજાપાઠ કે હોમ હવનને નામે લાખો રુપીયાના અનાજ, દુધ, ઘી વગેરેનો બગાડ ચલાવી  લેવો જોઈએ? પ્રશ્ન વીકટ છે. આસ્‍તીકોના શ્રદ્ધાવાદથી દુનીયામાં અનેક અરાજક્‍તાઓ ઉભી થઈ છે. મન્દીર–મસ્‍જીદના ઝઘડા થયા છે. છાસવારે કોમી રમખાણો થતાં રહે છે. ત્‍યાં સુધી કે વીશ્વ આખું યુદ્ધની કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. રૅશનલીસ્‍ટો સામેના પડકારોની યાદી બહુ લાંબી છે; પણ રાતોરાત એમાં સફળતા મળવાની નથી. કીડીએ હીમાલયની ટોચ પર પહોંચવાનું છે. એથી થોડી ધીરજ રાખી (વીવેકબુદ્ધીપુર્વક) આગેકુચ જારી રાખવી પડશે.

કંઈક એવું સમજાય છે કે રૅશનલીસ્‍ટોએ ઈશ્વરના અસ્‍તીત્‍વના મુદ્દાને થોડો સમય માટે કોરાણે મુકી સમાજમાં વ્‍યાપેલી ગાઢ અન્ધશ્રદ્ધાઓ, કુરીવાજો, વહેમ, અજ્ઞાન વગેરેને દુર કરવા માટે કટીબદ્ધ થવું જોઈએ. પ્રત્‍યેક શહેરની સત્‍યશોધક સભાઓ ચમત્‍કારોનો પરદાફાશ કરીને જે સામાજીક જાગૃતીનું કામ કરે છે તેવા પરીણામલક્ષી કામો સમાજને વીશેષ ઉપયોગી થઈ શકે છે. સમાજમાં અન્ધશ્રદ્ધાનો પાર નથી. એમ.એસસી.માં ડીસ્‍ટીંક્‍શન સાથે પાસ થયેલો સાયન્‍સ ગ્રેજ્‍યુએટ પણ ગળે માદળીયું બાંધીને ફરતો હોય છે. કલ્‍પના કરો, એ માણસ ઈશ્વરને ન માનતો  હોય તેનોય કોઈ ફાયદો ખરો? ઘણા ડૉક્‍ટરો પોતાના ક્‍લીનીક કે હૉસ્‍પીટલોમાં મન્ત્રેલું લીમ્બુ અને મરચું લટકાવે છે. આટલું કર્યા પછી તેઓ ઈશ્વરમાં ન માનતા હોય તેમાં હરખાવા જેવું ખરું? સમાજમાં પુત્રપ્રાપ્‍તી માટેના યજ્ઞો પણ થાય છે. મૃતાત્‍મા સાથે વાતો કરવાનો દાવો કરવામાં આવે છે. આવું કરનારા માત્ર નીરીક્ષરો જ નહીં, શીક્ષીતોનો પણ એમાં સમાવેશ થાય છે. તેઓ ભગત–ભુવા, મન્ત્ર–તન્ત્ર, બાધા–આખડી, ચમત્‍કાર, જ્‍યોતીષ, મેલીવીદ્યા, કર્મકાંડ, યજ્ઞો તથા ભુત–પલીત, ડાકણ–છાકણ જેવી સેંકડો અન્ધશ્રદ્ધામાં સબડે છે. તે સામે સમાજમાં પ્રચંડ વૈચારીક ક્રાંતી જગાવવી જોઈએ. ઈશ્વર નથી એવું પ્રચારવા કરતાં લોકોની ગાઢ અન્ધશ્રદ્ધા દુર કરવાનું કામ વધુ પરીશ્રમ માગી લે એવું છે. યાદ રહે, ઈશ્વર નથી એવું સ્‍વીકાર્યા પછી પણ લોકો અન્ધશ્રદ્ધામાંથી મુક્‍ત ન થઈ શકતા હોય તો તેવા કોરા નીરીશ્વરવાદનો કશો ફાયદો નથી. બીજી તરફ રૅશનલીસ્‍ટ હોવાનો દાવો કરતો માણસ પણ પોતાના ખુદના જીવનવ્‍યવહારમાં અપ્રમાણીક બની રહેતો હોય, છાસવારે ખોટું કરતો હોય અથવા માનવતાને નેવે મુકી અન્‍યનું શોષણ કરતો હોય તો એવા નીરીશ્વરવાદનો પણ  કોઈ ફાયદો નથી.

વારંવાર એ સત્‍યની પ્રતીતી થાય છે કે ઈશ્વરને ભજવા ન ભજવા કરતાં માણસ સમાજમાં કેવું જીવે છે તે વાતનું મહત્ત્વ વધારે છે. અર્થાત્‌ દુનીયામાં ઈશ્વરના હોવા ન હોવા કરતાં માણસમાં માનવતાનું હોવું બહુ જરુરી છે. એ સન્દર્ભે એક સત્‍ય ઘટનાનું સ્‍મરણ થાય છે. નવસારીના પત્રકાર ચંદ્રકાંત પંડયાના નીધન બાદ તેમના પરીવારે એક પણ મરણોત્તર ક્રીયાકાંડ ન કરાવ્‍યો. ઉપરથી સ્‍કુલો અને બ્‍લડબેંક જેવી સેવાભાવી સંસ્‍થાઓને પંચોતેર હજારનું દાન આપ્‍યું. એમના માતુશ્રી મૃત્‍યુ પામ્‍યા ત્‍યારે પણ એમણે મરણોત્તર કર્મકાંડ ન કરાવ્‍યો અને સવા બે લાખ રુપીયાનું દાન આપ્‍યું. અહીં એ વીચારવું રહ્યું કે એક બ્રાહ્મણ પરીવાર આટલું સુંદર રૅશનલ જીવન જીવ્‍યા પછી આજીવન ભગવાનમાં માનતું રહે (અથવા સવારે એકાદ બે મીનીટ માટે ભગવાની મુર્તી સમક્ષ ઉભાં રહી પ્રાર્થના કરી લે તો) એમાં રૅશનલીઝમને ક્‍યાં નુકસાન છે. આનાથી વીપરીત રેશનલ વીચારધારાવાળા નાસ્‍તીક માણસો પણ ક્‍યારેક લગ્‍ન–વીવાહ કે જનોઈ વગેરેમાં ધુમ ખર્ચ કરીને કુરીવાજોને પ્રોત્‍સાહન આપે છે. સુરતના એક રેશનલીસ્‍ટમીત્ર પુરા નાસ્‍તીક છે; પણ કોઈને ફોન કરે ત્‍યારે તેમની સંસ્‍કારગત આદતમુજબ તેઓ ‘જેશ્રીકૃષ્‍ણ’ બોલે છે; પરન્તુ બીજી તરફ એ શ્રીમાન અનેક પ્રકારે સાહીત્‍યની અને સમાજની સેવા કરે છે તથા અન્ધશ્રદ્ધાનો પણ સખત વીરોધ કરે છે. આટલી સારી પ્રવૃત્તી કર્યા પછી તેઓ આદતવશ ‘જેશ્રીકૃષ્‍ણ’ બોલતા હોય તો તેમાં રૅશનલીઝમને કોઈ નુકસાન નથી.

તાત્‍પર્ય એટલું જ કે શ્રદ્ધાળુઓની વસતીમાં ઈશ્વરનો ખુલ્લેઆમ વીરોધ કરવાથી રૅશનલીઝમને એ નુકસાન થશે કે પછી રૅશનલીઝમની ખુબ ઉપયોગી વાતોને પણ લોકો સાંભળવા જ તૈયાર નહીં થાય. ઉચીત તો એ જ કે લોકો ઈશ્વરને ભલે ભજતા રહે; પણ બીજી અનેક અન્ધશ્રદ્ધાઓમાંથી મુક્‍ત થાય તો એ રૅશનલીઝમની વીધાયક ફલશ્રુતી ગણાય. રૅશનલીસ્ટોએ એ નક્કી કરવું જોઈએ કે તેઓ આખરે શું ઈચ્‍છે છે? તેમને કેવા અભીગમમાં રૅશનલીઝમનું સાચું કલ્‍યાણ દેખાય છે– અન્તીમવાદી કહી શકાય એવા તેજાબી નાસ્‍તીકવાદમાં કે સુચારું કહી શકાય એવા વ્‍યવહારુ બુદ્ધીવાદમાં? એક પ્રશ્ન પર વીચારવાનું જરુરી બને છે. અંતે તો એ બધું માનવીની વીવેકબુદ્ધી અને માનવતા પર નીર્ભર રહે છે કે અણુશક્‍તીનો માનવકલ્‍યાણાર્થે સદુપયોગ કરવો કે તે વડે એક સેકન્‍ડમાં દુનીયાનો નાશ કરવો? એથી ઈશ્વરના અસ્‍તીત્‍વ અંગે પાણી વલોવવા જેવો વૃથા વ્‍યાયામ કરવાને બદલે પ્રત્‍યેક માનવી પુરી માનવતાથી જીવે તેમાંજ સૌનો ભગવાન રાજી રહેશે. જે દીવસે માણસના રુંવેરુંવે માનવતા ફુટી નીકળશે તે દીવસે ભગવાનની કોઈને ખોટ નહીં સાલે. એમ સમજો કે ભંગારને ભાવે સોનુ મળતું થઈ જશે તે દીવસે સોના માટે લોકો બેંકના લૉકરો નહીં રાખે. પછી ગરીબોના વાડામાંય ચારપાંચ કીલો સોનુ અમસ્‍થું પડી રહેશે. દુનીયાના ચોકમાં જે દીવસે માણસાઈના અખંડ દીવડા જલતા થશે તે દીવસે સમગ્ર માનવજાત ઐશ્વર્યની ખુબ નજીક હશે. આજે તો દુનીયાની દશા શીક્ષક વીનાના ક્‍લાસ રુમ જેવી છે. જ્‍યાં શોરબકોર, ચીસાચીસ અને ભારે ધાંધલ ધમાલ મચી ગઈ છે. બધું એ રીતે ઉથલાપાથલ થઈ રહ્યું છે કે કોઈનેય પ્રશ્ન થયા વીના નહીં રહે– ‘માસ્‍તર છે કે નહીં…?’

દીનેશ પાંચાલ

લેખકમીત્ર શ્રી. દીનેશ પાંચાલના 35 ચુંટેલા લેખોનો સંગ્રહ ‘સંસારની સીતાર’(પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ–380 001 (ફોન : (079) 2214 4663  ઈ.મેઈલ : goorjar@yahoo.com )  પહેલી આવૃત્તી : મે 2015,  પૃષ્ઠ સંખ્યા : 12 + 176, મુલ્ય : 110/-)માંથી લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર….

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ 15/02/2019

11 Comments

  1. કરસનભાઈ, તૂટ્યું ફૂટ્યું અંગ્રેજી લખવાને બદલે આપણી માતૃભાષા ગુજરાથીમાં લખશો એવી નમ્ર વિંનંતી છે.

   Like

 1. શાનદાર વાહ જોરદાર લેખ લખ્યો છે આજે દિનેશ ભાઈએ. મારું કહેવાનું થાય છે કે જેમ જૂના વિચારો વાળા જૂની પેઢી જતી રહેશે તેમ નવી પેઢી નવા વિચારો સાથે આવતી રહેશે એટલે દુનિયા નવા વિચારો વાડી આપોઆપ બદલાઈ જશે. બહુ ફિકર કરવાની જરૂર નથી. બીજું કે આ ભગવાન, ભૂત, આત્મા, જીવ, ચેતન આ બધી તો માનવસહજ સ્વભાવની વાતો છે. જ્યાં સુધી માણસ સંશોધનની દૃષ્ટિએ ચકાસતો નહિ થાય ત્યાં સુધી સંસ્કારમાં મળેલું ચાલુ રહેશે. અને હવે તો વિજ્ઞાનનો વિકાસ થયો છે જોરદાર એનાથી વિચાર ધારા આપોઆપ બદલાઈ જશે. જરૂર છે સ્ટીફન હોકિંગ જેવા વિજ્ઞાનીઓની

  Liked by 1 person

 2. શ્રી ગોવિંદભાઈ, શોલે પિકચરનો અસરાનીનો ડાયલોગ ” હમ અંગ્રેજોકે જમાનેકે જેલર હૈ, લેકિન હમ નહિ સુધરે તો તુમ ક્યા સુધરોન્ગે.” આવુજ આપના સમાજમાં છે. ૯૦ ટકા લોકો આ લેખમાં માંનશે કે નહિ તે પ્રશ્ન ચિન્હ છે. લેખ એકદમ સરસ છે. ગામોગામ રેશનાલીજમનો પ્રચાર જોરદાર કરવો એ આ કાળની તાતી ગરજ છે. જય જીનેન્દ્ર.

  Liked by 1 person

 3. જડ રેશનાલીસટો માટે વિચારવા, ચિંતન,મનન કરી અમલ કરવા યોગ્ય લેખ.

  “”
  શ્રદ્ધાળુઓની વસતીમાં ઈશ્વરનો ખુલ્લેઆમ વીરોધ કરવાથી રૅશનલીઝમને એ નુકસાન થશે કે પછી રૅશનલીઝમની ખુબ ઉપયોગી વાતોને પણ લોકો સાંભળવા જ તૈયાર નહીં થાય. ઉચીત તો એ જ કે લોકો ઈશ્વરને ભલે ભજતા રહે; પણ બીજી અનેક અન્ધશ્રદ્ધાઓમાંથી મુક્‍ત થાય તો એ રૅશનલીઝમની વીધાયક ફલશ્રુતી ગણાય. રૅશનલીસ્ટોએ એ નક્કી કરવું જોઈએ કે તેઓ આખરે શું ઈચ્‍છે છે? તેમને કેવા અભીગમમાં રૅશનલીઝમનું સાચું કલ્‍યાણ દેખાય છે– અન્તીમવાદી કહી શકાય એવા તેજાબી નાસ્‍તીકવાદમાં કે સુચારું કહી શકાય એવા વ્‍યવહારુ બુદ્ધીવાદમાં?

  Liked by 1 person

 4. ઈશ્વરને ભજવા ન ભજવા કરતાં માણસ સમાજમાં કેવું જીવે છે તે વાતનું મહત્ત્વ વધારે છે. અર્થાત્‌ દુનીયામાં ઈશ્વરના હોવા ન હોવા કરતાં માણસમાં માનવતાનું હોવું બહુ જરુરી છે.
  khub saras lekh Govindbhai ane Dineshbhai asbhar uparni line ma badhuj aavi gayu.

  Liked by 1 person

 5. ધર્મના નામને વટાવી ખાનારા દરેક ધર્મમાં કરોડોની સંખ્યામાં જગતમાં ચારે તરફ ફેલાયેલા છે, અને ધર્મના નામ તળે કાળા કર્મો કર્યા કરે છે. ધર્મગુરૂઓ, પાસ્ટરો અને મુલ્લાઓ પોતાના અનુયાયીઓનું જાતિય શોષણ કરે છે, તેવા સમાચારોનો તોટો નથી.

  ધર્મ ના નામ તળે કેવા કેવા અધર્મો થઈ રહ્યા છે, તે જોઈ ને “ધર્મ” પણ કાંપતો હશે.

  “ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર” કહેવત અનુસાર આપણાથી અંધશ્રદ્ધા તરફ અંગુલી નિર્દેશ કરીને જે થોડું ઘણું થઈ શકતું હોય , એ આપણે કરી રહયા છીએ, તેના પર આપણને સન્તોષ માનવો રહ્યો .

  Liked by 1 person

 6. સમજણ વગરનો નાસ્તિકવાદ સમજણ વગરના આસ્તિકવાદ કરતાં ય વધુ ખતરનાક છે. શ્રદ્ધા, અંધશ્રદ્ધા કે અશ્રદ્ધામાં સ્વાનુભવ આધારિત સમજણ જરૂરી છે. બીજા કરતાં ય જ્યારે આપણુ મન આપણને છેતરવા લાગે ત્યારે ડગુમગુ જીવન માટે શ્રદ્ધા કે અંધશ્રદ્ધા ટેકારૂપ બનતી હોય છે. એ ટેકાનો વિરોધ કરનાર કે વૈજ્ઞાનિક સત્ય દ્વારા તેને નિરર્થક સાબિત કરનાર લોકો અપ્રિય બને છે. સત્ય જીરવવાની તાકાત ન હોય અથવા તો ટોળાંથી અલગ રાહ પર ચાલવાની હિંમતનો અભાવ હોય તેવા લોકો જ અંધશ્રદ્ધાળુ હોય છે. આધુનિકતાને નામે રેશનાલિઝમનું પણ આંધળુ અનુકરણ કરનારા મનના રોગી લોકો માટે ભક્તિ અંધ હોય તો ય સારવારનું કામ કરતી હોવાથી સ્વીકાર્ય ગણાવી જોઈએ. હાં ભક્તિના નામે થતો છેતરપિંડીનો પર્દાફાશ થતો રહેવો જોઈએ અને સત્ય જીરવવાની તાકાત વધારવા રેશનાલીઝમનો સ્વીકાર પણ જરૂરી છે જ.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s