વીજ્ઞાન પરીષદમાં સંશોધકનાં હાસ્યાસ્પદ વીધાન!

‘વીજ્ઞાન પરીષદ’માં દીપ પ્રાગટ્ય!

વીજ્ઞાન પરીષદમાં સંશોધકનાં હાસ્યાસ્પદ વીધાન!

નગીનદાસ સંઘવી

દર વરસે મળનારી ‘ભારતીય વીજ્ઞાન પરીષદ’માં આ વખતે રજુ થયેલાં કેટલાંક પ્રવચનો અને પેપરોના કારણે ‘ભારતીય વીજ્ઞાન પરીષદ’ એટલી શરમજનક બની ગઈ કે ભારતના દરેક સમજદાર નાગરીક માથું ઉંચું કરીને ઉભો પણ રહી શકે નહીં અને આવો બકવાસ કરનાર વક્તાઓ વીદ્યા જગતમાં સરટોચના સ્થાને બીરાજે છે, તે દેશનું મોટામાં મોટું કમનસીબ ગણાવું જોઈએ.

આંધ્ર યુનીવર્સીટીના વાઈસ ચાન્સેલર નાગેશ્વર રાવે પુરાણો અને મહાકાવ્યોના ‘સંશોધન’ના આધારે કરેલાં વીધાનો એટલાં હાસ્યાસ્પદ છે કે તેમના ‘જ્ઞાન’ અને ‘સંશોધન’ માટે વાપરવા જેવું વીશેષણ પણ શોધ્યું જડે તેમ નથી. ગાંધારીના સો પુત્રો–કૌરવો તે બધા ટેસ્ટટ્યુબમાં જન્મેલાં બાળકો હતાં અને રાવણ પાસે અનેક પ્રકારનાં વીમાનો હતાં કે જે અલગ અલગ પ્રવૃત્તી માટે વપરાતાં હતાં. સુદર્શન ચક્ર તે આજનું સંચાલીત શસ્ત્ર (guided missiles) છે.

થોડા વરસ અગાઉ ગણપતીનું માથું જોડવાની કથાનો પુરાવો આપીને ભારતીય દાક્તરો શરીરના અવયવોનું પ્રત્યારોપણ કરવાની કળામાં પારંગત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. મહાભારત યુદ્ધનું આંખો દેખા હેવાલ એટલે ‘ટેલીવીઝન’ આકાશમાં ઉડનાર યોગીઓ માટે કોઈ શબ્દ પ્રયોજાયો નથી; કારણ કે આજે પણ આવું શક્ય નથી અને તે માટેનો પરદેશી શબ્દ હાથવગો નથી.

ઉત્ક્રાંતીવાદનો શોધક ડાર્વીન નથી; પણ માછલીથી માંડીને માનવીનો અવતાર લેનાર વીષ્ણુના દશાવતારની કથા છે. ક્વોન્ટમનો કક્કો પણ ન જાણે તેવા લોકો વેદમાંથી ક્વોન્ટમને ખોળી કાઢે છે. આવો દાવો કરનાર લોકો આજના વીજ્ઞાન અને પ્રાચીન કથાઓ બન્ને ક્ષેત્રમાં સમ્પુર્ણ અજ્ઞાની છે તેવું કહી શકાય અને કેટલીક બાબતોમાં તો તેમનો બકવાસ પણ તેમનો પોતાનો હોતો નથી; પણ પરદેશીઓ પાસેથી ઉછીનો લીધેલો એંઠવાડ છે.

આપણે વળી એટલા નસીબદાર કે આ બધા દાવાઓનું તર્કશુદ્ધ ખંડન કરનાર પુણેના પ્રાધ્યાપક સુમે પણ પરીષદમાં હાજર હતા. તેમણે સમજાવ્યું કે આવી સંકુલ ટૅક્નોલૉજી માટે કેટલીક પ્રાથમીક ટૅક્નોલૉજી અનીવાર્ય છે. ઝડપથી પંખા ફેરવી શકે તેવી વીજળી વગર વીમાનો ઉડી શકે નહીં અને ટેલીવીઝન પણ શક્ય નથી. મોગલ સલ્તનતની સ્થાપના કરનાર બાબરે ભારતવાસીઓ કાચ બનાવવાની કળા, કાગળો બનાવવાનો કસબ જાણતા નથી તે બાબત પોતાની ડાયરીમાં નોંધી છે. આજનું વીકસીત દાક્તરીશાસ્ત્ર પણ ધડ પર માથાનું પ્રત્યારોપણ કરી શકતું નથી.

વીજ્ઞાને ઘણી સીદ્ધીઓ મેળવી છે; પણ બધી સીદ્ધીઓ પ્રાપ્ત કરી નથી. હજી તો ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે ત્યારે વીજ્ઞાન પરીષદમાં આવી વાહીયાત વાત કરનાર વક્તા કે સંશોધક માટે સમય ફાળવનાર પરીષદ પણ આવી ભ્રમણાઓ ફેલાવવા માટે ગુનેગાર ઠરે છે.

પ્રાચીન ગ્રંથોનો સન્દર્ભ જાણ્યા સમજ્યા વગર એકાદ શબ્દ કે એકાદ વીશેષણ ઉપાડી લઈને પોતાની કલ્પના અને પોતાની જીભને છુટ્ટો દોર આપનાર લોકો આપણા વીદ્યાજગતમાં ઘણા ઉંચા સ્થાને પહોંચી જાય છે. તે આપણી યુનીવર્સીટીઓની કમજોરીની નીશાની છે. આપણી શાળાઓ, આપણી કૉલેજો અને આપણી યુનીવર્સીટીઓ જ્ઞાનના કબ્રસ્તાન છે.

આ બધાં સ્થાનોમાં જ્ઞાનનાં ગંધાતાં મડદાંઓ સચવાયાં છે અને ગોખણપટ્ટીની પદ્ધતીના કારણે આ બધું વંશપરંપરાએ ઉતરતું આવે છે. દુનીયામાં નામવંત ગણાય તેવા હજારેક વીજ્ઞાનશાસ્ત્રીઓની એક યાદી તાજેતરમાં બહાર પડી છે. તેમાં માત્ર દસ જ નામ ભારતીય વીદ્વાનો કે વીજ્ઞાનીઓનાં છે. દુનીયાના છઠ્ઠા ભાગની વસ્તી ભારતમાં વસે છે તે યાદ કરીએ તો આ આંકડો આપણી જ્ઞાન ગરીબીનો પુરો ખ્યાલ આપી શકે.

વીજ્ઞાન કોઈ વીષયનું નામ નથી. વીજ્ઞાન તો જ્ઞાન અને સમજણ મેળવવાની એક પદ્ધતીનું નામ છે. માણસ જાતને મુંઝવતી અને કુતુહલ પ્રેરતી અનેક સમસ્યાઓને શુદ્ધ તર્કથી સમજવી અને બુદ્ધીમાં ઉતરે તેવા પુરાવાથી સીદ્ધ કરવી તેને વીજ્ઞાન કહે છે. અનેક બાબતો તર્કથી સમજી શકાતી નથી. તે ખરું છે પણ આવાં ક્ષેત્રોને વીજ્ઞાનની કક્ષામાં મુકી શકાય નહીં અથવા આવી સમસ્યાઓ બાબતે ઢંગધડા વગરની કલ્પનાઓ દોડાવવી તે વીજ્ઞાન નથી.

વીજ્ઞાન માનવજીવનના વીકાસ માટે અતીશય જરુરી છે; પણ બધું કામ એકલા વીજ્ઞાનથી થઈ શકે તેમ નથી. માનવ મનની ભાવનાઓ કે વીકારો સમજવા–સમજાવવા માટે વીજ્ઞાન કરતાં કવીતા અને કવીતા કરતાં અધ્યાત્મ ચીંતન કદાચ વધારે ઉપયોગી થઈ પડે. નીરીક્ષણ તર્ક–કલ્પનાના સંગમતીર્થ જેવાં ક્ષેત્રો માનવજીવનને વધારે સમૃદ્ધ બનાવી શકે છે; પણ વીજ્ઞાનનું ક્ષેત્ર કઠોર અને સ્પષ્ટ વાડથી સુરક્ષીત રાખવામાં આવે છે. જે વાત કરીએ અથવા જે દાવો કરવામાં આવે તેનો નક્કર પુરાવો આપવો પડે અને શક્ય હોય ત્યાં તે દાવાને પ્રયોગ દ્વારા સીદ્ધ કરવો પડે. ખગોળશાસ્ત્ર, ઈતીહાસ કે પર્યાવરણના પ્રયોગો થઈ શકતા નથી; પણ તેના પ્રત્યક્ષ કે આડકતરા પુરાવા તો આપવા જ પડે છે.

નગીનદાસ સંઘવી

દીવ્ય ભાસ્કર, દૈનીક, સુરતની તા. 20 જાન્યુઆરી, 2019ની ‘રસરંગ’ પુર્તીમાં, એમની સાપ્તાહીક કટાર પરીક્રમામાંથી, લેખકના અને દીવ્ય ભાસ્કરના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક : શ્રી. નગીનદાસ સંઘવી, મેઈલ : nagingujarat@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 22–02–2019

6 Comments

  1. પધ્મશ્રીનો એવોર્ડ પ્રાપ્ત કરેલા રાજકીય વીશ્લેષક નગીનદાસ સંઘવીએ પોતાની દી. ભાસ્કરની ૬ઠી ફેબ્રુઆરી, ગઇકાલની બુધવારની ‘ કળશપુર્તી ‘ ની પહેલા પાનાની કોલમ ‘ તડને ફડ‘ માં પોતાના લેખના પૃથ્થકરણમાં નીચેના તારણો કાઢયા છે. “ ધર્મ નામે અને ધર્મની ઓથ લઇને જેટલા ઝઘડા થયા છે, અન્યાયો થયા છે, જેટલી હીંસા થઇ છે તેટલી (દુનીયામાં) બીજા કોઇ કારણસર થઇ નથી. ધર્મનું ખોટું અને સ્વાર્થપ્રેરીત અર્થઘટન દુનીયાના ઇતીહાસમાં સૌથી મોટું અનીષ્ટ છે.”
    હકીકત એ છે કે દરેક ધર્મના ઠેકેદારોએ(રાજકીય સત્તાના પક્ષીય નેતાઓએ પોતાના ભક્તોને) પોતાના અનુયાઇઓને એવી કંઠી બાંધી દીધી છે કે તે બધા બતાવે તે જ ધર્મ અને તે બોલે એ જ રાષ્ટ્રપ્રેમ !

    Liked by 2 people

  2. નગીનદાસ સંઘવી મોરારીબાપુના ‘ભક્ત’ બન્યા છે. મોરારીબાપુ ‘ઇષ્ટદેવ’ના પાક્કા ભગત છે. ભારતીય વિજ્ઞાન પરિષદમાં જે જે ભક્ત વિજ્ઞાનીઓએ મોંમાથા વિનાના અવૈજ્ઞાનિક વિધાનો કર્યા છે તે ‘ઈષ્ટદેવ’ને રાજી રાખવા કર્યા છે. લેખકનો આક્રોશ વિરોધાભાસી છે, તેથી અસરકારક નહી બને.

    Liked by 1 person

  3. આ ancient aliens👽 થિયરી વાળા એ આવીજ કમાલ કરીછે.એક એપિસોડ માં બતાવ્યું કે સ્ટીવ જોબ્સ અને તેનો સાથી ભારત આવ્યા ત્યાં ગુફા માં રહેતા એક બાબા હૈદા ને તેમણે શોધી કાઢી ગુરુ બનાવ્યા તેમણે એ લોકો ને જ્ઞાન આપ્યું ત્યાર બાદ અમેરિકા પરત ફર્યા અને આધુનિક કમ્પ્યુટર બનાવ્યું.વળી મિસર ના સમ્રાટ ફેરો ના શ્રાપ ને પણ સમર્થન આપે છે.એ સંશોધન સાથે જોડાયેલા લોકો ના મૃત્યુ તો બંધિયાર વાતાવરણમાં થતી ફૂગ ના લીધે થયું હતું.વળી પરમાણુ બોમ્બ બનાવનાર ને ગીતા માંથી જ્ઞાન મળ્યું.ને રામાનુજન ગણિત શાસ્ત્રી ને એક દેવી એ જ્ઞાન આપ્યું હતું ને આવું બધું કેટલુંય બતાવે છે હવે લાગે છે કે પશ્ચિમ ના લોકો PhD કરેલા વિદ્વાનો પણ પાગલ થઈ ગયા છે.

    Liked by 1 person

  4. Big bang થિયરી નો વિરોધ કરવા વાળા વૈજ્ઞાનિકો એ એની સામે સ્ટડી સ્ટેડ થિયરી આપી છે.તેમાં એમ કહ્યું છે કે બ્રહ્માંડ નો જન્મ બિગ બેંગ થી નથી થયો પણ બ્રહ્માંડ તો પહેલા થી હતું જ.તો કબીર સાહેબે એમના પારખ સિદ્ધાંત માં કહ્યું જ છે કે જડ ચેતન તે આદિ અનાદી.એટલે જગત તો પહેલા થી હતું જ કોઈ ભગવાને એને બનાવ્યું નથી.અને તેનો નાશ પણ નથી થવાનો આદિ અનાદી મતલબ પહેલા થી હતું ને હમેશાં રહેશે.ગૌતમ બુદ્ધે પણ કહ્યું છે કે જગત નું નિર્માણ નથી થયું વિકાસ થયો છે.અને ડાર્વિન ભાઈએ તો હમણાં થિયરી આપી

    Liked by 1 person

  5. I am highly surprised that Professor Nagindas Sanghvi wrote this article in such a strong language, as he has been a staunch devotee and follower of Morari Bapu, and agree with the comment of Vasant Savani.
    Which Nagindas is real? Am glad to see back the original Prof. Sanghvi of Ramayanani Anteryatra, and extend warmest welcome to the small circle of true Rationalists.

    Liked by 1 person

  6. મિત્રો,
    સરસ વાત ચર્ચા માટે આવી છે.
    વિજ્ઞાનના , સાબિત થયેલા અને રોજીંદા જીવનમાં વપરાસ માટે મુકાયેલાં સંશોઘનોનો બુઘ્ઘિ વિના અને તે તે વિષયના જ્ઞાન વિના , આનંદથી ઉપયોગ કરનાર જ્યારે … ફરી પાછુ… બુઘ્ઘિ ચલાવ્યા વિના , જુની વાહીયાત વાતોને ચગાવે ત્યારે હસુ આવવા કરતાં દુ:ખ વઘુ થાય છે. અને જેને વિજ્ઞાની કહેવાય કે કહેવા પડે, તેઓ પણ ઉગતા બાળકોને ખોટે રસ્તે દોરે ત્યારે ભારતના ભાવિ વિશે ચિંતા થાય. ( સાઉથ ભારતના આજના સક્સેસફુલ વિજ્ઞાનીઓ માટે જુદો વિચાર કરવો પડે.)
    આજના ભારતીય શિક્ષણ વિશે વિચારો તો…. ગોખણગીરી…. ચોરીચપાટી….. લાગવગબાજી…… વિ… વિ… થકી પાસ થવું…. હાં થોડા કે જેઓ સ્વજાગૃત હોય છે તેઓ પોતે મહેનત કરીને વિષયમાં પારંગતતા મેળવે છે. જેઓ પોતાની જાતને અને પોતાના જ્ઞાનને ઓળખે છે તેઓ દેશ છોડી જ્યાં વઘુ અભ્યાસ અને સંશોઘનનો સ્કોપ હોય છે ત્યાં ચાલી જાય છે. દા.ત. અમેરિકા. અહિં જ્ઞાનની કિંમત છે. ચામડીના રંગની નહિ. ભારતીય સ્કોલરોઅે અમેરિકા જેવા મોટા મનના વૈજ્ઞાનીક વિચાર ઘરાવતાં દેશને પસંદ કરે છે અને જગમાં નામ રોશન કરે છે… અને ત્યારે ???? પેલા ભારતીયો.. જેણે તે જ્ઞાનીની અવગણના કરેલિ હતી તે જ અબુઘ દુનિયામાં કહેતો ફરશે કે…. ડો. ખુરાના તો… અમારો…. જેમ પેલાં જુના ચોપડાઓના તર્કોને ભારતની દુનિયાને દેણ હોય… ( ઝીરોની શોઘ… શૂન્યની શોઘ વિશે શિલાલેખો છે..તે મનવામાં કોઇ હરકત નથી….. હાં, જીવનમાં મુકાઇને સાબિત થયેલું જ્ઞાન તે વિજ્ઞાન.)
    આપણા પોલીટીશીયનો પણ અબુઘ અભણ પ્રજાને વટાવી ખાય છે. ડો. દિનેશ પટેલે જેમ શ્રી વસંત સવાણીજીની વાત સ્વીકારી કે…. નગીનદાસ અને મોરારી બાપુ ???????? વિજ્ઞાનના વિદ્યાર્થી નગીનદાસના નામના સિક્કાની બે બાજુ દેખાય છે… ‘અ’ અને ‘બ’… જેમકે ડો. જેકીલ અને મી. હાઇડ….. મોરારીબાપુની સાથે હોય ત્યારે મોરારીબાપુ બની જવું અને વિજ્ઞાનની વાત કરતાં હોય ત્યારે મોરારીબાપુને અભરાઇઅે ચઢાવવા. ઘાર્મિક વાત હંમેશા સામે પ્રશ્ન કર્યા વિના માની જ લેવી પડે જ્યારે વિજ્ઞાનની વાત, સામે દસ કે પચાસ કે વઘુ સવાલ, સંતોષકારક જવાબ ના મળે ત્યા સુઘી, પુછતા રહેવું પડે.
    પોપટીયા જ્ઞાનને દેશવટો આપો નહિ તો ઊંડા જંગલમાં જઇને બેસો.
    આજની ઉગતી પેઢીને માટે શુભેચ્છાઓ….. અને તેમની સાથે ભારતના ભાવિ માટે પણ શુભેચ્છાઓ.
    અમૃત હઝારી

    Liked by 1 person

Leave a comment