એ બે ન બને, સેંથો અને ટાલ

વીજ્ઞાન એ વીજ્ઞાન છે. તેનો અધ્યાત્મ સાથે કોઈ સમ્બન્ધ નથી. વીજ્ઞાન અને મેટાફીઝીક્સ, આ બેમાંથી કોઈ  ક્ષેત્રમાં નક્કર સમજણ ધરાવતા ન હોય તેવા લોકો અધ્યાત્મ અને વીજ્ઞાનનો સમન્વય કરવાનો ઉત્સાહ રોકી શકતા નથી. અધ્યાત્મ અને વીજ્ઞાનની વીવેચના માટે આ લેખ વાંચવો રહ્યો.

6

એ બે ન બને, સેંથો અને ટાલ

–રચના નાગરીક

સમાજની અધોગતીનું એક કારણ ગુઢવાદ છે. ગુઢવાદને કારણે વીચારહીનતાનું મોજું ફરી વળે છે. વાસ્તવીકતાનો ઈનકાર કરવામાં આવે ત્યારે માનવી વીચાર કરી શકે નહી, તે વીચારને બદલે લાગણી અને કલ્પનામાં સરી પડે અને તેમાંથી ગુઢવાદી માનસ પેદા થાય. ગુઢવાદીઓ વાસ્તવીકતાનો ઈનકાર કરતા હોઈ, તેમની વાત સાચી છે કે ખોટી તે સાબીત કરવાનું રહેતું નથી; તેને શ્રદ્ધાથી, આસ્થાથી જ માનવી પડે!

વીમલાતાઈ કહે છે : ‘‘શુન્યમાં જ જીવન છે. શુન્યમાં તમે પ્રસન્નતાપુર્વક સ્થીર થઈને બેસો તો શરીરની સુપ્ત શક્તીઓ જાગ્રત થશે. સાથોસાથ મન–બુદ્ધીની પણ સુપ્ત શક્તીઓ જાગી ઉઠશે. શુન્યમાં આ શક્તીઓ જાગ્રત થાય છે; કારણ કે તમારી ભીતરનું શુન્ય અને બહારનું શુન્ય એ જુદું રહેતું નથી. બ્રહ્માંડમાં છવાયેલા શુન્યમાં સમાયેલી શક્તીઓ વ્યક્તીની અન્દર કામ કરવા માંડે છે. જે વ્યક્તી મૌનમાં દીવસો સુધી, વર્ષો સુધી બેઠી છે તે વ્યક્તીને તમે જે કંઈ પ્રશ્ન પુછશો, તેના જવાબ તેની પાસે હશે; પછી ભલે ને એ સાવ અભણ હોય. પીંડની બહારના શુન્યમાં અને ભીતરના શુન્યમાં એણે જીવવાનું શરુ કર્યું. શુન્યમાં ઉર્જાઓ પડેલી છે. એટલા માટે એ વ્યક્તીને કાલે બનવાની ઘટના આજે દેખાવા માંડે છે. આઘે આઘે કોઈ સગુંવહાલું રહેતું હોય અને તેના જીવનમાં કંઈ અવનવું બનવાનું હોય તો તેને દેખાવા માંડે છે. આ વ્યક્તીની ચેતનામાંથી દેશ અને કાળનું અંતર જ જાણે વીસર્જીત થઈ જાય છે.’’ આ તદ્દન અવૈજ્ઞાનીક કથન છે; છતાં સાચું માની લઈએ તો આ યોગી લોકો અત્યાર સુધી શું કરતા હતાં? બ્રહ્માંડમાં છવાયેલા શુન્યમાં સમાયેલી શક્તીઓ શા માટે યોગી લોકોથી દુર રહી? અમેરીકા જઈ આશ્રમ ઉભો કરવાનો કંઈ અર્થ નથી, એવો ખ્યાલ રજનીશને કેમ ન આવ્યો? અતીમનસ એક તુત બનશે એવો ખ્યાલ પુર્ણયોગી અરવીંદને કેમ ન આવ્યો? સાવ અભણ માણસ મૌનમાં બેસી જાય અને એ દરેક પ્રશ્નોના જવાબ આપી શકે એમ કહેવું એ શબ્દજાળ છે, મૌનમાં બેસી રહેવાથી અણુબૉમ્બ અંગેનું જ્ઞાન મળતું નથી. મૌનમાં બેસી રહેવાથી વંચીતોની સમસ્યા દુર થતી નથી.

‘‘અધ્યાત્મના ક્ષેત્રમાં, આત્મસાધનાના ક્ષેત્રમાં વૈજ્ઞાનીક દૃષ્ટી અને વૈજ્ઞાનીક વ્યવહાર લાવવાં પડશે.’’ આ અતી આકર્ષક શબ્દો કહેનાર વીમલાતાઈ કહે છે : ‘‘હીમાલયમાં ટીહરી અને ઉત્તરકાશી વચ્ચેની એક ગુફામાં હું નાનપણમાં અઢી–ત્રણ મહીના એકાંતમાં રહી હતી, મૌન જાપ માટે, ત્યાં દુરદર્શન થયું. દુરશ્રવણ થયું. જાતજાતના નાદ સંભળાયા… જે. કૃષ્ણમુર્તીના સ્પર્શથી મારા કાનની બીમારી ત્રણ દીવસમાં નીર્મુળ થઈ ગઈ. ચૌદ મહીનાથી સમ્પુર્ણ બધીરતા હતી તે ચાલી ગઈ. ત્યારે એ મહાપુરુષે મને કહ્યું : મેં કાંઈ કર્યું, કરાવ્યું છે તેવું સમજવાની નાદાની તું ના કરીશ. આ તો થઈ ગયું છે. મારી મા કહ્યા કરતી કે તારા હાથમાં શક્તી છે. એ ક્યારેક કામ કરે છે અને ક્યારેક નથી કરતી… યુગપુરુષ અરવીંદને જેલમાં જવાનું થયું. જ્યાં ભગવાન વાસુદેવનો સાક્ષાત્કાર થાય છે, સ્વામી વીવેકાનન્દનો સાક્ષાત્કાર થાય છે. પોંડીચેરી જાય છે. સામુદાયીક મુક્તીનો એક ઉદ્ઘોષ જગાવે છે. જે પરમાત્મા છે, જેને ગૉડ કે ડીવાઈન કહો છો તે તમે જ છો. અરવીંદે આ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.’’ એક તરફ વૈજ્ઞાનીક દૃષ્ટીની વાત અને બીજી તરફ અવૈજ્ઞાનીક અનુભવકથાઓ. ગુફામાં દુરદર્શન થવું એ ભૌતીકશાસ્ત્રની દૃષ્ટીએ શક્ય નથી. સ્પર્શ કરનાર કંઈ ભુવો નથી કે સમ્પુર્ણ બધીરતા સ્પર્શથી જતી રહે! બર્ટ્રાન્ડ રસેલ કહે છે : સભ્ય માણસો કરતાં જંગલી સમાજો સુચનની પ્રક્રીયાને વધારે આધીન હોય છે અને તેથી મન્ત્રવીદ્યાની પ્રક્રીયા દ્વારા તેમના ‘રોગ’ પેદા કરી શકાય છે અને ‘મટાડી’ પણ શકાય છે! જેલમાં ભગવાન વાસુદેવ તથા વીવેકાનન્દનો જ સાક્ષાત્કાર થયો હોય તો એ માનસીક ભ્રમણા કહેવાય. વાસુદેવ તથા વીવેકાનન્દનો જ સાક્ષાત્કાર કેમ થયો? મહમંદ કે ઈશુનો સાક્ષાત્કાર કેમ ન થયો? જો બળદને અને સીંહને હાથ હોત, અને જો તેમના હાથ ચીત્ર દોરી શકતા હોત, તો બળદો પોતાના જેવા ઈશ્વરનું આલેખન કરત અને સીંહો પોતાના આકાર મુજબ દેવોનાં ચીત્રો દોરત. મચ્છરમાં કલ્પનાશક્તી હોય તો એને પણ લોહીભુખ્યા ઈશ્વરનો સાક્ષાત્કાર થાય! જેવો દ્રષ્ટા તેવી ભ્રમણા. ભ્રમણાપ્રીય યોગી સામુદાયીક મુક્તીનો ઉદ્ઘોષ કઈ રીતે જગાવી શકે? જો બધા પરમાત્મા હોય તો મુક્તીનો ઉદ્ઘોષ શા માટે? એવો ઉદ્ઘોષ કરનાર શું સુપર પરમાત્મા છે? મને પ્રબળ શ્રદ્ધા છે કે આપ પ્રભુનો દીવ્ય અવતાર છો, એમ કોઈએ પુછ્યું ત્યારે યોગી અરવીંદે કહ્યું હતું : ‘‘તમારી શ્રદ્ધા અનુસરતા રહો, એ તમને ખોટે રસ્તે ચડાવી દે તેવો સમ્ભવ નથી.’’ કોઈ વ્યક્તી પોતાને દીવ્ય અવતાર, પ્રગટબ્રહ્મસ્વરુપ ભગવાન ઘોષીત કરે તો એમને પ્રશ્ન પુછવો જોઈએ : શું ભગવાન કે પ્રગટબ્રહ્મસ્વરુપ સર્વજ્ઞ છે? સર્વશક્તીમાન છે? જવાબ હામાં મળે તો એવી ઘોષણા કરનારને ગણીતના દાખલા ઉકેલવા તથા કુસ્તી કરવા આમન્ત્રણ આપવું જોઈએ. તરત ખયાલ આવશે કે સ્વઘોષીત ભગવાનો, પ્રગટબ્રહ્મસ્વરુપો કેટલાં બોદાં છે! દીવ્ય અવતાર કે અતીમનસનો દમ્ભ ખુલ્લો પાડવાની આ વૈજ્ઞાનીક રીત છે. તમે ડીવાઈન છો, તેમ કહેનારા સુપર ડીવાઈન છે. સમ આર મોર ઈક્વલ ધૅન ધ અધર્સની આ કપટવીદ્યા છે.

વીમલાતાઈ કહે છે : ‘‘ડોંગરે મહારાજનાં પત્નીએ મહારાજને કહ્યું કે તમે તમારા રસ્તે જાઓ. હું મારા રસ્તે જઈશ. મને ઈશ્વર–સાક્ષાત્કારનો આ રસ્તો પસન્દ છે… મહારાજનાં પત્ની ભજન ગાતાં : મળીયા મીત્ર ગોપાળ, નહીં જાઉં સાસરે, બાઈ મને મળીયા મીત્ર ગોપાળ… એમની પાસે કૃષ્ણની મુર્તી હતી. એને એ લાલા કહેતાં. લાલા માટે રસોઈ બનાવવી, એની પુજા કરવી, નૈવેદ્ય ધરાવવું – આ એમનું સવારનું કર્મ રહેતું. એમની પાસે શરીર અને મનનું બળ ન હોત તો આઠ વર્ષ સાધનામય વીત્યાં તે ન વીતત.’’ આ ભક્તી નથી, આ સાધના નથી, આ આત્મવંચના કહેવાય. પતીને છોડીને કૃષ્ણની મુર્તી સાથે જીન્દગી કાઢનારને મનોરોગી કહેવાય. ભક્તી માણસને છતી આંખે અન્ધ બનાવે છે. સાકર સાકર બોલવાથી જેમ મોઢું મીઠું નથી નથી થતું તેમ સત્કર્મ કર્યા વીના, માત્ર ભક્તી કરવાથી કશુંય ન થાય.

ભેંસ આરામથી દોહવા દે તે માટે ભરવાડ થોડો ચારો–ચાઠું નાખે છે. ભેંસ ચાઠું ખાવા રહે ને આ બાજુ, ભરવાડ તેના આંચળ નીચોવી લે છે. વીમલાતાઈ ચાઠું નાખે છે : ‘‘તમે સૌ જાણતા જ હશો કે વીચારની, ધનની, શાસ્ત્રોની, રાજનીતીની કે સત્તાની શક્તી આજે હારી ચુકી છે : એટલે મનુષ્ય આજે શોધમાં છે, મૌન નામના નવા આયામની, શુન્ય નામના નવા પરીમાણની શોધ આજે થઈ રહી છે. એક આંતરીક ક્રાંતીની ખોજ, જેથી તમારામાંથી એક નવો માનવ પેદા થાય. જે મનનો ગુલામ ન હોય કે તનનો ગુલામ ન હોય. એ નવો માણસ પછી નવો સમાજ બનાવશે.’’ સમદ્ધીથી કંટાળી ગયેલ શોષણખોર માણસને આવું ચાઠું બહુ ગમે છે. શ્રમજીવીઓ આવું ચાઠું ખાવા રહે તો મોટાભાગની પ્રજા હમ્મેશાં ગરીબીની રેખા નીચે જ રહે. આ ચાઠું શ્રમજીવીઓ વીરુદ્ધનું કાવતરું છે. નથી માણસનો ઉદ્ધાર થતો, નથી સમાજનો ઉદ્ધાર થતો. આ લોકો ગાંધારીવૃત્તીને કારણે વીચારની શક્તીને, ધનની શક્તીને, શાસ્ત્રોની શક્તીને, સત્તાની શક્તીને અને રાજનીતીની તાકાતને ઓળખતા નથી. આ બધી શક્તીઓમાં દમ નથી, તેથી મૌનના આયામની શોધ વાજબી છે તેમ કહી શકાય નહીં. શુન્યમાં જ જીવન છે એવી શબ્દજાળ ઉભી કરવાથી ભુખમરો દુર ન થાય. તેનાથી અનાસક્ત, અનાગ્રહી, સંતુલીત, સાવધાન મનુષ્ય ઉભો ન થાય. સામાજીક–આર્થીક ક્રાંતીને મૌનના ખીલે બાંધી દઈએ તો નીષ્ફળતા જ મળે. મૌનના આયામથી માત્ર અધ્યાત્મક્ષેત્રમાં ગ્લૅમર ઉભું કરી શકાય. આવા ગ્લૅમરથી અંજાયેલ એક સાધીકાએ સુરેન્દ્ર નગરમાં યોજાયેલ તત્ત્વજ્ઞાન પરીષદમાં કહ્યું હતું : એક શુભ સંકલ્પ એક મીસાઈલને રોકી શકે છે… આ અર્થહીન કથન સામે તરત જ એક વીદ્યાર્થીએ પડકાર ફેંક્યો હતો : હું અહીંથી પથ્થરનો ઘા કરું છું, તમે શુભ સંકલ્પ કરી રોકી લેજો.

વીજ્ઞાન અને મેટાફીઝીક્સ – આ બેમાંથી કોઈ ક્ષેત્રમાં નક્કર સમજણ ન ધરાવતા લોકો અધ્યાત્મ અને વીજ્ઞાનનો સમન્વય કરવાનો ઉત્સાહ રોકી શકતા નથી. વીમલાતાઈ કહે છે : ‘‘આપણી પાસે જે અજ્ઞાત શક્તીઓ છે તેની ખોજનો એક જ રસ્તો છે ધ્યાનમાર્ગ. આપણા શરીર, મન, બુદ્ધી અને પ્રાણથી પણ પરે, જે સત્તાનું સાર્વભૌમ સર્વવ્યાપીણી ચીતશક્તીનું સામ્રાજ્ય છે ત્યાં આપણે પહોંચીશું તો એમાંથી ઉભી થતી આત્મશક્તીનો ભેટો થશે. આ આત્મશક્તી અને વીજ્ઞાન પાસે જે અવ્યક્તની શક્તીઓ છે એ બન્નેના વીનીયોગથી એક નવો માનવીય સમાજ આપણે બનાવી શકીશું. મીત્રો, આમ બીરાદરી મારફત કરવાનું આપણું જે અંતીમ કાર્ય છે એ વીજ્ઞાન અને અધ્યાત્મના સમન્વયનું છે.’’ અધ્યાત્મ અને વીજ્ઞાનનો સમન્વય કરવામાં આવે તો ન વીજ્ઞાન રહે, ન અધ્યાત્મ રહે. અધ્યાત્મ કે અધ્યાત્મીક સત્તાને, મેટાફીઝીક્સના ક્ષેત્રમાં સુસંગતપણે વીચારવી હોય તો સમગ્રલક્ષી સંકલ્પનાત્મક દૃષ્ટીકોણ મુજબ જ વીચારણા થઈ શકે; જે સ્પીનોઝા, હેગલ અને શંકરાચાર્યના ચીંતનમાં જોઈ શકાય છે. વીજ્ઞાન અનુભવોને ક્રમબદ્ધતા આપતું, તેને સુસંગત માળખામાં ગોઠવતું શાસ્ત્ર છે. તેમાં ગાણીતીક પદ્ધતી અને વૈશ્લેષીક દૃષ્ટીકોણ અનીવાર્ય છે. આ દૃષ્ટીબીન્દુ મેટાફીઝીકલ સીન્થેસીસ કરતાં પુર્ણપણે ભીન્ન છે, તેથી અધ્યાત્મ સાથે વીજ્ઞાનનો સમન્વય કરવાની ચેષ્ટા કોઈ અધ્યાત્મશાસ્ત્રીએ કે ભૌતીકશાસ્ત્રીએ કરી નથી.

કહે અખો :

એ બે ન બને,
સેંથો અને ટાલ.

 –રચના નાગરીક

વંચીતલક્ષી વીકાસવૃત્તી, વૈજ્ઞાનીક અભીગમ અને શોષણવીહીન સમાજ રચના માટે પ્રતીબદ્ધ પાક્ષીક ‘નયા માર્ગ’ના જુન, 1995ના અંકમાંથી અંકમાંથી, લેખીકાના અને ‘નયા માર્ગ’ના સૌજન્યથી સાભાર…

લેખીકા રચના નાગરીકના કંઠીમુક્ત વીચારલેખોની પુસ્તીકા બૈઠ પથ્થર કી નાવ (પ્રકાશક : [1] માનવવીકાસ ટ્રસ્ટ, 9, મહાકાન્ત કૉમ્પલેક્ષ, વી. એસ. હૉસ્પીટલ સામે, એલીસબ્રીજ, અમદાવાદ – 380 006, [2] વૈશ્વીક માનવવાદ, 1–એ, કલ્પના સોસાયટી, મહેમદાવાદ 387 130 જીલ્લો : નડીયાદ અને [3] નયા માર્ગ, ખેત ભવન, હરીજન આશ્રમની પાસે, અમદાવાદ – 380 027 પાનાં : 64, મુલ્ય : રુ. 40/)માંનો આ લેખાંક–7, પુસ્તીકાનાં પાન 50થી 53 ઉપરથી, લેખીકા અને પ્રકાશકોના સૌજન્યથી સાભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને સોમવારે સાંજે 7.00 વાગ્યે. આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 15–03–2019

8 Comments

  1. એક શુભ સંકલ્પ મિસાઈલ ને રોકી શકે વિદ્યાર્થીએ પડકાર કર્યો હું અહી થી પથ્થર ફેંકુ છું તમે શુભ સંકલ્પ કરી રોકી લેજો.જોરદાર વાત કરી આ અધ્યાત્મ ની વાતો કરવા વાળા ને આવો પડકાર કરનારા કોઈ મળતા નથી હા એ હા કરી માનવા વાળા લોકો હોય છે.જો કોઈ વિરોધ કરે તો તેને કેવા સવાલો કરે છે લોકો શું તું ભગવાન કરતા મોટો છે. મને આવો સવાલ પૂછ્યો તો મે કહ્યું હા હું મોટો છું એ મૂર્તિ તો બોલતી નથી જ્યારે હું જીવતો છું એટલે એના કરતાં મોટો છું.યોગ કે બીજી સાધનાઓ થી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.પુસ્તકો અને લોકો ની વાતો ના દવા ઉપર મે ખૂબ સંશોધન કર્યું કે ખરેખર આવું થાય.બિલકુલ ન થાય.જો આ યોગી કે બીજી સાધના ના સાધકો આવા જ જ્ઞાની અને સિદ્ધ હતા તો અત્યાર સુધી માનવ જાત કેમ અંધકાર માં જીવી કેમ કોઈ વિજ્ઞાન ટેકનોલોજી નો વિકાસ ન થયો.અને હાલ પણ કોઈ ગુરુ કે લોકો આવી વાત કરતા હોય તો મારું કહેવાનું છે તમે જ્ઞાની હોવ લોક કલ્યાણ જ કરવું હોય તો દુનિયા માં ઘણા અસાધ્ય રોગો છે કેન્સર એઇડ્સ થે લેસેમિયા જેવી બીમારી નો ઈલાજ બતાવી કેમ કલ્યાણ કરતા નથી.વિજ્ઞાન માં મુંઝવી રહેલા પ્રશ્નો નું કેમ નિરાકરણ કરતા નથી.પણ એ લોકો ઉલ્લુ બનાવવા સિવાય બીજું કશું ન કરી શકે.જો જીવ કે શરીર થી ભિન્ન એવો ચેતન આત્મા થી જ શરીર જીવતું હોય તો પછી ખાવા ની પીવાની કે શ્વાસ લેવાની શું જરૂર.શરીર પણ ભૌતિક છે અને એને ચાલુ રહેવા માટે ભૌતિક ઊર્જા ની જ જરૂર પડે છે જે ખોરાક પાણી શ્વાસ દ્વારા મળે છે.એટલે આ ઈશ્વર આત્મા સ્વર્ગ નર્ક બધી ખોટી કલ્પનાઓ છે અને માનસિક રીતે લોકો એમાં પકડાઈ ગયા છે

    Liked by 2 people

  2. સરસ લેખ. ખુબ ગમ્યો. મારે જે કહેવાનું હતું તે ઉપર ભાઈ પંકજ વાઘેલાએ કહી દીધું છે.
    હાર્દીક આભાર ગોવીન્દભાઈનો તેમ જ બહેન રચના નાગરીકનો.

    Liked by 1 person

  3. લેખ બુદ્ધિગમ્ય ખરો. પણ સમાજમાં આવી જાગૃતિ ક્યારે આવશે? જૈનોમાં ગુરુદેવ રક્ષા પોટલી આપે છે. એનાથી ખરેખર રક્ષા થાય છે કે નહિ એ તો ઉપરવાળો જાણે. કર્મને આધીન અધિકાર હોય છે. ફળની આશા થી સારું થાય એમ માનવું અંધશ્રદ્ધા છે – જય જિનેન્દ્ર.

    Like

  4. લેખ બુદ્ધિગમ્ય ખરો. પણ સમાજમાં આવી જાગૃતિ ક્યારે આવશે? જૈનોમાં ગુરુદેવ રક્ષા પોટલી આપે છે. એનાથી ખરેખર રક્ષા થાય છે કે નહિ એ તો ઉપરવાળો જાણે. કર્મને આધીન અધિકાર હોય છે. ફળની આશા થી સારું થાય એમ માનવું અંધશ્રદ્ધા છે – જય જિનેન્દ્ર.

    Liked by 1 person

  5. It is a very truthful and thoughtful article. In life we need science and spiritualism.

    Thanks to author for such a good article.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Liked by 1 person

  6. અખાઅે કહ્યુ હતું કે,
    ‘ અે બે ના બને…સેંથો અને ટાલ‘
    અખાની આ વાત મેં પહેલી વાર વાંચી. ઘણા પ્રશ્નો જાગ્યા.
    રચનાબેને ‘ વિમલાતાઇ‘ અે કહ્યુંના રેફરન્સો આ લેખમાં કહ્યા છે. વિમલાતાઇના અભ્યાસના નીચોડસમ વાતો. …
    આઘ્યાત્મ અને વિજ્ઞાનની વાતો છે.
    મારા વિચારો…‘ વિજ્ઞાન અેટલે સચ્ચાઇમાં સાબિત થયેલું જ્ઞાન.‘
    આઘ્યાત્નનું જ્ઞાન…‘ માની લેતા પહેલાં…માની લેવા માટે અને જીવનમાં વાપરવા માટે સાબિતિ માંગે છે.‘
    પેલી વાત મને ઘારદાર લાગી.. સાઘ્વિ કહે છે કે.‘ અેક શુભ સંકલ્પ મિસાઇલને રોકી શકે. ‘
    પેલીસાંભળનારી વ્યક્તિઅે તે વાતની સાબિતિ માંગતાં સામે ચેલેંજ ફેંકી , ‘ હું અહિંથી પથ્થરનો ઘા કરું છું , તમે શુભ સંકલ્પ કરીને રોકો.‘
    વાર્તા પુરી….સાઘ્વિબેન..ખોટી સાબિત થઇ.
    હું કહેતો આવ્યો છું અને લખતો આવ્યો છું કે સત્ય સાંઇબાબા જેવા, જેમને લાખો ફોલોઅર્સ છે તેઓઅે અને તેમના ફોલોઅર્સે પોતાની મરણોત્તરની માંદગીમાં તેમના મંદિરોની મૂર્તિ સામે બેસી રહીને ભક્તિ કરતા રહેવું…તેમના ભગવાન તેમને બચાવવા આવશે. હોસ્પીટલમાં જવું નહિ. ….તેમના આદ્ઘ્યદેવ બચાવવા આવશે.
    આદીમાનવ જ્યારે તેના વિશ્વને ઓળખીના શક્યો ત્યારથી તે વિશ્વને સમજવાની પોતાની કોશીશોના નીચોડસમ તેને મળેલાં જ્ઞાનને પોતાના જીવનમાં મદદરુપ થાય તે રીતે વાપરતો ગયો અને આજે ૨૧મી સદીમાં આપણે જે જીવન જીવીઅે છીે ત્યાં સુઘી પહોંચ્યો છે…અને તે બઘું જ્ઞાન સાબિત થયેલું છે…તેની સચ્ચાઇ માટે. તેને આપણે વિજ્ઞાન કહીે છીઅે. માનવને હજી સુઘી જે વાતની સમજ નથી પડી તે વાતોને જીવનમાં કેવી રીતે સમાવવી તે તેને માટે મોટો પ્રશ્ન બની ગયો….અને તે કદાચ ‘ આઘ્યાત્મ નું જ્ઞાન‘.
    યોગ, કદાચ , મેડીકલ રીસર્ચના અભ્યાસમાં સાબિતિ પામેલું જ્ઞાન બનીને વિજ્ઞાન બની ગયેલું જ્ઞાન….વિજ્ઞાન તરીકે સ્વીકુત થયું છે.
    રચનાબેનનો આર્ટીકલ ફરી ફરી વાંચીને સમજાય તેવો બન્યો છે અને વાંચ્યા પછી વઘુ વિચારો ના પ્રદેશમાં મોકલી દે તેવો બન્યો છે.
    આપેલું વચન જો પાળી શકતો નહિ હોય તેને કેમ કરી માનવો કે તેનો વિશ્વાસ કેવી રીતે કરવો ? તો પછી અહિં શ્રઘ્ઘા કે અંઘશ્રઘ્ઘાનો પ્રશ્ન આવે. અને ઘાર્મિક વહેવાર કહે છે કે ઘર્મના વાક્યો માટે સવાલો ના હોય…તેને તો માની જ લેવા પડે.
    અમેરિકામાં નવી પેઢી….ચાર પાંચ વરસના છોકરાંઓ કોઇ પણ વાત માની નથી લેતાં….તેઓ તો સવાલ પૂછે…ઇવન મા બાપને પણ….વ્હાય ? રચનાબેનને આ નવી પેઢીમાં ‘ વિજ્ઞાન ‘ વઘુ દેખાશે…‘ આઘ્યાત્મ‘ ઓછું.
    ટૂંકમાં જે જ્ઞાન આપણને આપણા રોજીંદા જીવનમાં ( સાબિત થયેલું જ્ઞાન ) સારા પરિણામો સાથે વાપરવા મળે તે સ્વિકારવું અને તે જ ..વિજ્ઞાન.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s