મારી રૅશનલ જીવનયાત્રા

રૅશનાલીઝમના ક્ષેત્રે વીશીષ્ટ કામગીરી કરવા બદલ સુરતની ‘સત્યશોધક સભા’ દર વર્ષે સર્વોચ્ચ એવોર્ડ ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ એનાયત કરે છે. તા. 17 માર્ચ, 2019ના રોજ ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ એવોર્ડથી મને સન્માનીત કર્યો હતો.  તે પ્રસંગે રજુ થયેલ મારું વક્તવ્ય…

–ગોવીન્દ મારુ

મારી રૅશનલ જીવનયાત્રા

­–ગોવીન્દ મારુ

આજના આ પ્રસંગે હું મારી જીવનશૈલી વીશે થોડી વાત કરું તો તે પ્રાસંગીક લેખાશે. પહેલાં હું મારા પરીવાર સાથે મન્દીરે જતો, દેવી–દેવતા, ભગવાનની પુજા–અર્ચના કરતો. મોરારીબાપુ અને ડોંગરેમહારાજની કથા સાંભળતો. જન્મને કારણે ઉંચનીચના ભેદ કોણે ઉભા કર્યાં છે…? તે વીશે બાબાસાહેબ ડૉ. ભીમ રાવ આંબેડકરના સાહીત્યમાંથી મને ઘણું જાણવા મળ્યું, ત્યારે મને ખ્યાલ આવ્યો કે ધાર્મીક શ્રદ્ધાભાવથી સામાજીક અન્યાયો દુર થઈ શકવાના નથી. બાબાસાહેબનુ સાહીત્ય પર ચીન્તન અને મનન કરવાથી દેવી–દેવતાઓ પ્રત્યે તથા તેના બની બેઠેલા એજન્ટો પરનો મારો વીશ્વાસ તદ્દન ભુંસાઈ ગયો. બસ… ત્યારની ઘડી અને આજનો દીવસ… મેં પાછું વળીને જોયું નથી.

[(ડાબેથીપ્રા. સુર્યકાન્ત શાહ, ડૉ. બી.એ. પરીખ, સીદ્ધાર્થ દેગામી,
રમેશ સવાણી
(IPS), ગોવીન્દ મારુ, હરીભાઈ કથીરીઆ, અને પ્રેમ સુમેસરા]

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં દર શનીવારે ‘રમણભ્રમણ’ કૉલમ પ્રગટ થતી. આ કૉલમમાં સમાજમાં પ્રવર્તતી અનેક પ્રકારની ગેરમાન્યતાઓ તથા અન્ધશ્રદ્ધાઓ અંગેના પ્રા. રમણભાઈ પાઠકના રૅશનલ વીચારો વાંચ્યા. પાઠકસાહેબના લેખો અને તેઓનાં પુસ્તકો વાંચી, ચીન્તન–મનન કરવાથી મારામાં રહેલા રૅશનાલીઝમને પુષ્ટી મળી. હું પાઠકસાહેબનો મીત્ર બન્યો અને એમની સાથે અનેક ચર્ચા વીચારણાઓ કરી. ત્યાર પછી હું એ નીષ્કર્ષ પર આવ્યો કે રૅશનાલીઝમ એ નાતજાત કે ધર્મકોમના ભેદભાવથી પર છે. રૅશનાલીઝમ માનવધર્મને વરેલી શ્રેષ્ઠ જીવનકલા છે.’ ‘રમણભ્રમણ’ કૉલમને કારણે મારા જેવા અનેકોનું જીવન ઘડાયું છે. એટલું જ નહીં હજારો લોકો પાઠકસાહેબના વીચારોનો અમલ કરી જીવનનો સાચો મર્મ પામી શક્યા છે.

[મુખ્ય મહેમાન રમેશ સવાણી (IPS)]

સન 1984થી મેં રૅશનાલીઝમને મારા જીવનમાં કાયમી ધોરણે અપનાવી લીધું છે. તે દીવસથી આજપર્યંત અમે કોઈ ધાર્મીક વીધી, કર્મકાંડ કર્યા નથી કે નૈવેદ્ય પણ ધર્યા નથી. મારી નીવૃત્તીનાં બે વર્ષ પહેલાં મારા મોટા દીકરા પવને અમને ફ્લેટ લઈ આપ્યો. આ પહેલાં અમે કૃષી યુનીવર્સીટીનું પરીયા કેન્દ્ર અને નવસારી કેન્દ્રના ક્વાર્ટર્સમાં વસવાટ કરતા હતાં. ‘ગૃહપ્રવેશ’ના આ ત્રણેય પ્રસંગે અને ત્યાર પછી પણ વાસ્તુ–પુજન, પુજા–પાઠ, યજ્ઞ, કથા–કીર્તન જેવી કોઈ ધાર્મીક વીધી અમે નથી કરી. બલકે અમારાં પોતાનાં ફ્લેટમાં ‘ગૃહપ્રવેશ’ પ્રસંગે એક પત્ર લખીને પાઠકસાહેબનું પુસ્તક ‘વીવેક–વલ્લભ’ વહેંચીને 100 સગાં–સમ્બન્ધી–મીત્રોમાં રૅશનલ વીચારોની લહાણી કરી હતી. ગૃહપ્રવેશ પ્રસંગે રૅશનલ વીચારોની લહાણી કરવા માટે પુસ્તકો ખરીદવાની હું ફીરાકમાં હતો. તે વાત આદરણીય વલ્લભભાઈ ઈટાલીયાના ધ્યાન પર આવી. તેઓએ મારા નીર્ણયને વધાવ્યો. તેઓએ તદ્દન મફ્તમાં મને ઘરબેઠાં તે પુસ્તકો પહોંચાડ્યાં હતાં. આ અવસરે વલ્લભભાઈને નત મસ્તક વંદન.

આચારી સબ જગ મીલા’ પુસ્તીકાની 30મી ‘ઈ.બુક’નો લોકાર્પણ

મારા બન્ને દીકરાઓ સોફ્ટવેર એન્જીનીયરો છે. તેઓના લગ્નની નીમન્ત્રણ પત્રીકાઓમાં ધર્મ અને પરમ્પરાનો અમે છેદ ઉડાવી દીધો હતો. બન્ને દીકરાઓના લગ્નપ્રસંગે અમારા ઘરે કોઈ ધાર્મીક વીધી કરી નથી; તો પણ અમારો પરીવાર એકંદરે સુખી અને આનન્દમય જીવન જીવે છે. બીજી તરફ જે લોકો આ બધામાં રચ્યાપચ્યાં રહે છે; છતાં તેઓ તરેહ તરેહનાં દુ:ખોમાં રીબાતાં જોવા મળે છે. બલકે કર્મકાંડીઓ, બાબાઓ કે ધર્મગુરુઓ તેઓનું શોષણ કરતાં હોય છે. તાત્પર્ય એટલું જ કે ધાર્મીક ક્રીયાકાંડોથી કે પ્રાર્થનાઓ કર્યા કરવાથી સુખ–શાન્તી પ્રાપ્ત થતાં નથી.

રૅશનલ એવોર્ડથી ગોવીન્દ મારુનું સન્માન

ત્યાર બાદ મેં કલમ ઉપાડી અને (1) સુરતના દૈનીક ‘ગુજરાતમીત્ર’, (2) મુમ્બઈના દૈનીક ‘સમકાલીન’, (3) સુરતની ‘સત્યશોધક સભા’ સંચાલીત સામયીક ‘સત્યાન્વેષણ’ તેમ જ (4) મહેમદાવાદ અને પછી અમદાવાદથી પ્રગટ થતી ‘રેશનાલીસ્ટ પત્રીકા’માં રૅશનલ ચર્ચાપત્રો અને રૅશનલ લેખો લખવાનું શરુ કર્યું. ‘ગુજરાતમીત્ર’ના ‘ચર્ચાપત્રીઓ’માં આગલી હરોળમાં મને સ્થાન મળ્યું હતું. ચર્ચાપત્રના વીષયને ન્યાય આપવા ધર્મગ્રન્થના સન્દર્ભવાળા હું લાંબા ચર્ચાપત્રો લખતો. સહાયક તન્ત્રી મારા ચર્ચાપત્રમાં કાપકુપ કરીને એકાદ વધારે ચર્ચાપત્રીનું ચર્ચાપત્ર સમાવવા કોશીશ કરે તો મારું ચર્ચાપત્ર વાચકોને સમજાય નહીં. જેથી હૃદયસ્થ ચન્દ્રકાન્ત પુરોહીતસાહેબે મારા ચર્ચાપત્રમાં કોઈ કાપકુપ નહીં કરવાની સ્ટેન્ડીંગ સુચના આપી હતી. મને યાદ છે કે, ‘ધર્મપુસ્તકો આજના જીવનમાં કેટલાં પ્રસ્તુત?’ એ વીષય પર ‘ગુજરાતમીત્ર’માં મેં ચર્ચા શરુ કરી હતી અને તે ખુબ જ લંબાઈ હતી અને રસપ્રદ પણ રહી હતી. મને સ્મરણ છે કે ત્યારે એક કથાકારે નવસારીમાં વ્યાસપીઠ પરથી ‘ચાર આનાના ચણા ખાઈને ચર્ચાપત્ર લખનારને ‘મનુસ્મૃતી’ અંગે શું સમજ પડે..’ તેમ કહીને તેમનો બળાપો જાહેરમાં ઠાલવ્યો હતો.

રમણભ્રમણ સુવર્ણચન્દ્રક સ્વીકારીને અભીવાદન કરતાં ગોવીન્દ મારુ

મારા દીકરાઓમાં બાળપણથી જ વૈજ્ઞાનીક અને રૅશનલ અભીગમ કેળવાય તે માટે નવસારીમાં ‘વીજ્ઞાન મંચ’ની સ્થાપના કરી. હૃદયસ્થ આર. કે. મહેતાપ્રમુખ, હુંમન્ત્રી અને ભુપેન્દ્ર ઝેડ.સહમન્ત્રી હતા. એ સીવાય કર્દમ મોદી, ધનંજય પટેલ અને મનીષ પટેલ જેવી યુવા–ત્રીપુટીનો તેમ જ ડૉ. રોહીન્ટન અવારીનો મને સક્રીય સાથ મળ્યો હતો. ‘વીજ્ઞાન મંચ’ના ઉપક્રમે વૈજ્ઞાનીકોના જન્મદીવસ, વીજ્ઞાન દીવસ, બાયોડાયવર્સીટી ડે, પર્યાવરણ દીવસ જેવા અનેક દીવસો નીમીત્તે હાઈ સ્કુલ, કૉલેજોમાં વીવીધ સ્પર્ધાઓ, સેમીનારો આયોજીત કરીને વીજ્ઞાન, વૈજ્ઞાનીક અભીગમ અને રૅશનલીઝમનો પ્રચાર–પ્રસાર કર્યો. ‘રાષ્ટ્રીય સેવા યોજના’ની શીબીરોમાં જનજાગૃતી અર્થે અન્ધશ્રદ્ધા નીર્મુલનના કાર્યક્રમો કર્યા. નવસારી અને ડાંગ જીલ્લામાં દર વર્ષે પાંચ દીવસની નીવાસી ‘વીજ્ઞાન શીબીરો’નું સફળ આયોજન કર્યું હતું. માનવ કલ્યાણ માટે રૅશનલ વીચારધારા ફેલાવવામાં ‘રમણભ્રમણ’ કૉલમના યોગદાન બદલ પાઠકસાહેબને અમે એવોર્ડ એનાયત કર્યો હતો. આજે એ જ પાઠકસાહેબની કૉલમના નામે રૅશનલ એવોર્ડ ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’થી મારું સન્માન થયું.

‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ મણીબહેનને અર્પણ કરી, જીવનસંગીનીનો ઋણ સ્વીકાર કર્યો

મારી જૉબમાંથી નીવૃત્ત થયા પછી લેટેસ્ટ ટૅકનોલૉજીના માધ્યમથી રૅશનાલીઝમનો વૈચારીક વારસો દેશ–વીદેશમાં વહેંચવાનો મેં નીર્ધાર કર્યો. એક જ ‘’ અને ‘’વાળી ‘રૅશનલજોડણી’માં ‘અભીવ્યક્તી’ બ્લૉગ http://govindmaru.com બનાવ્યો. અભીવ્યક્તી‘ બ્લૉગ વીશ્વના 64 દેશોમાં સાડા પાંચ લાખથી વધુ વખત વંચાયો છે. મારે નમ્રભાવે કહેવું છે કે સમગ્ર ભારતમાં જ નહીં; વૈશ્વીકસ્તરે ગુજરાતી ભાષામાં એકમાત્ર ‘અભીવ્યક્તી’ બ્લૉગ જ સમ્પુર્ણપણે માત્ર ને માત્ર રૅશનાલીઝમનો પ્રચાર અને પ્રસાર કરે છે. એમાંય હું બહારગામ હોઉં, વીદેશમાં હોઉં કે અમારા બેમાંથી કોઈ એક માંદગીમાં હોય; તો પણ મારો બ્લૉગ કમીટમેન્ટ સાથે–પુરી સમર્પીતતાથી, રૅશનાલીઝમનો અવીરત પ્રચાર અને પ્રસાર કરે છે. જોવાની વાત એ છે કે ‘અભીવ્યક્તી’ બ્લૉગ નાસ્તીકો કરતાં આસ્તીકોમાં વધુ વંચાય છે! મારે આસ્તીક–નાસ્તીકનો વીવાદીત પરમ્પરાગત ઢાંચો તોડી, રૅશનલ વીચારધારાને ઠીક રીતે સમજીને અપનાવે, એવા યુવાનો તૈયાર કરવા છે. આ યુવાનો પોતાનાં સંતાનોનું વૈચારીક ઘડતર કરી, તેમના પછીની પેઢીમાં રૅશનાલીઝમની આગેકુચ કરશે. સ્માર્ટ ફોન, આઈપેડ અને ટૅબલેટ પર ઈબુક્સ ખુબ જ વંચાય છે. તેથી ‘મણી મારુ પ્રકાશન’ના નેજા હેઠળ રૅશનલ અને ઉત્તમ પુસ્તકોની ‘ઈ.બુક્સ’ના નીર્માણનું કાર્ય શરુ કર્યું. આજે 6 વરસમાં 30 ‘ઈ.બુક્સ’ પ્રકાશીત કરી છે. મને જણાવતાં આનન્દ થાય છે કે, ‘અભીવ્યક્તી‘ બ્લૉગ અને ઈ.બુક્સની સામગ્રી વાંચી સેંકડો યુવાનો તેના સમર્થક, ચાહક અને રૅશનાલીસ્ટ બન્યા છે.

રમણભ્રમણ સુવર્ણચન્દ્રકથી સન્માનીત ગોવીન્દ મારુનો પ્રતીભાવ

મીત્રો, ધર્મ, શ્રદ્ધા અને નીતીના ધોધમાર ઉપદેશો, રાજકીય જબરજસ્તી – તથાકથીત આધ્યાત્મીક કથા–પ્રવચનો બધું જ નીષ્ફળ સાબીત થઈ ચુક્યું છે, એ સંજોગોમાં મને સમજાયું છે કે રૅશનાલીઝમ વીજ્ઞાન આધારીત સાચું અને શ્રેષ્ઠ જીવન જીવવાની ઉત્તમ જીવનશૈલી તથા જીવનકલા છે. નાતજાત કે ધર્મકોમના ભેદભાવથી પર રહીને, માનવધર્મને વરેલી આ વીચારસરણીથી બહુજન સમાજમાં સુખના વાતાવરણનું સર્જન કરી શકાય છે એમ કહું તો તે ખોટું નથી.

શ્રી. હરીભાઈ કથીરીયા, ચેરમેન, ‘લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર’ને ડૉ. બી.એ. પરીખ,
પુર્વ કુલપતી, ‘વીર નર્મદ દ.ગુ.યુ.’ પુસ્તક અર્પણ કરે છે

મારા જીવન ઘડતરમાં મારાં માતુશ્રી મીઠીમાનો ફાળો સૌથી વીશેષ છે. આજે હું જે કાંઈ પ્રગતી કરી શક્યો છું તેમાં મારી અર્ધાંગીની મણીબહેનનો ફાળો પણ ભુલી શકાય એમ નથી. આ પ્રસંગે આ બન્ને નારીશક્તીનો હું ઋણ સ્વીકાર કરું છું. અમેરીકા સ્થીત મારા મોટા દીકરો પવને મને નવું લેપટોપ લઈ આપી, તેમાં બ્લૉગ પણ બનાવી આપ્યો તે માટે પવનનો આભાર માનું તેટલો ઓછો છે. સુરતના મારા મીત્ર અને ગઝલકાર સુનીલ શાહે મારા બ્લૉગનું ‘અભીવ્યક્તી’ એવું નામકરણ કર્યું તે બદલ સુનીલભાઈનો આભાર માનું છું. આદરણીય ઉત્તમભાઈ અને મધુબહેન ગજ્જરે ‘અભીવ્યક્તી’ બ્લૉગને પોતાનો જ બ્લૉગ સમજીને સંવર્ધન કર્યું. અમને તેમના જ પરીવારના સભ્ય સમજીને ખુબ જ ઉમદા સહકાર આપ્યો તે માટે આ વડીલ દમ્પતીનો આભાર માનું એટલો ઓછો છે. આદરણીય રમેશભાઈ સવાણીસાહેબની ‘પગેરું’ કૉલમની સત્યઘટનાઓને ‘અભીવ્યક્તી’ના વાચકમીત્રોએ ખુબ જ આવકારી. દેશ–વીદેશના વાચકમીત્રો તરફથી આવતા પ્રતીભાવો અને ‘પગેરું’ કટારની સત્યઘટનાઓની ઈ.બુક ‘દેતે હૈ ભગવાન કો ધોખા’ના નીર્માણ કાર્ય દરમીયાન અમે નજીક આવ્યા. અમદાવાદની સીવીલ હૉસ્પીટલ, કેન્સર હૉસ્પીટલ અને સ્ટર્લીંગ હૉસ્પીટલમાં મારી જીવનસંગીનીની સારવાર દરમીયાન સવાણીસાહેબે અમને ખુબ જ ઉમદા સાથ, સહકાર અને રૅશનલહુંફ પુરી પાડી હતી. ત્યારથી તેઓ ‘અભીવ્યક્તી’ બ્લૉગના માનદ્ સલાહકાર તરીકે સક્રીય છે. આજે આ અવસરે સવાણીસાહેબનો પણ દીલથી આભાર માનું છું.

સત્યશોધક સભાના પ્રમુખ સીદ્ધાર્થ દેગામીનું સમાપન પ્રવચન

મારા નાસ્તીકપણા કે રૅશનલજીવનને કારણે મારાં માતા–પીતા, ભાઈ–બહેન, બન્ને દીકરાઓ, બન્ને પુત્રવધુઓ, સગા–સમ્બન્ધીઓ કે મીત્રોને કોઈ ઠેસ પહોંચી હોય એવું પણ કદાચ બન્યું હશે તે માટે હું સર્વનો ક્ષમા પ્રાર્થી છું. ‘સત્યશોધક સભા’, સુરતે રૅશનાલીઝમને વરેલા અને રૅશનાલીઝમના ક્ષેત્રે વીશીષ્ટ કામગીરી કરવા બદલ અપાતો સર્વોચ્ચ એવોર્ડ રમણભ્રમણ સુવર્ણચન્દ્રક માટે મારી પસન્દગી કરી તે બદલ સત્યશોધક સભાના પદાધીકારીઓ અને પસન્દગી સમીતીનો હું અઢળક આભાર માનું છું. મને મળેલું આ બહુમાન, ‘અભીવ્યક્તી બ્લૉગ’ને અને ‘મણી મારુ પ્રકાશન’ને મળેલું બહુમાન છે, જે મારા ઉમંગને સતત વધારતું રહેશે. મારી આંખ અને આંગળીઓ કાર્ય કરશે ત્યાં સુધી હું રૅશનાલીઝમ પ્રત્યે સમર્પીત રહી, રૅશનલ યોગદાન આપતો રહીશ.

(પ્રેક્ષાગારમાં ઉપસ્થીત રૅશનાલીસ્ટો અને ગોવીન્દ મારુનું મીત્રવૃન્દ)

રવીવારની રજાનો આજનો દીવસ ઘરે સ્વજનો સાથે ગાળવાને બદલે, આપ સૌ વીશાળ સંખ્યામાં અત્રે ઉપસ્થીત રહ્યા તે બદલ હું આપ સૌ શુભેચ્છકોનો અંત:કરણપુર્વક આભાર માનું છું.

(પ્રેક્ષાગારમાં ભગીનીઓ)

અંતમાં, નવસારીના લેખકમીત્ર દીનેશભાઈ પાંચાલની લોકપ્રીય કટાર ‘જીવનસરીતાને તીરે’ની પંક્તી રજુ કરીને હું વીરમુ છું..

જીવનનું સત્ય એ છે કે એમાં વાદ અને વીવાદ છે,
સાચા જુઠાનો અહીં નીરંતર કકળાટ છે.
એક સત્ય સમજી લો તો બેડો પાર છે :
‘રૅશનાલીઝમ’સત્યનો ઘંટનાદ છે…!!!

–ગોવીન્દ મારુ

1) કોને ચન્દ્રક આપીશું તો બધા કહે  કે બહુ સારું,
વદે વલ્લભો ઉત્તમ વાણી : ગોવીન્દ મારુ, ગોવીન્દ મારુ.

2) શું તારું કે શું મારું –  જે કંઈ છે તે સહીયારું,
હું તો બીજો કોઈ નથી – હું તો છું, ગોવીન્દ મારુ.

…મનસુખ નારીયા…
નીવૃત્ત આચાર્ય
આઈ. પી. સવાણી હાઈ સ્કુલ, વર્ષા સોસાયટી,
વરાછા રોડ, સુરત– 395 006
ફોન : (0261) 254 5772 સેલફોન : 94268 12273
ઈ.મેઈલ : vu2mnariya@yahoo.co.in

(મીત્રો અને શુભેચ્છકોનું અભીવાદન સ્વીકારતા ગોવીન્દ મારુ)

(મીત્રો અને શુભેચ્છકોનું અભીવાદન સ્વીકારતા ગોવીન્દ મારુ)

(મીત્રો અને શુભેચ્છકોનું અભીવાદન સ્વીકારતા ગોવીન્દ મારુ)
(પરીવાર સાથે ગોવીન્દ મારુ)

લેખક–સમ્પર્ક : ગોવીન્દ મારુ, –મેઈલ : govindmaru@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા મારા ‘અભીવ્યક્તી’ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ પ્રગટ કરવામાં આવે છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખવામાં આવે છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 22–03–2019 

 

12 Comments

 1. Hearty congratulations again on receiving this honor and award with Raman bhraman Gold medal.
  Most of the Rationalists have the similar stories to tell that they were very religious and ritalistics in the former life, but were thinker and readers and realized eventually that all these so-called rituals related to so called god and religion were mere nonsense and kind of false solace to the mind, while true religion is rationalism and humanism.
  Keep upthe good work please and wish you a long, Healthy life to do this important wort!

  Liked by 1 person

 2. Our heartiest congratulations to a crusader Shri Govind Maru for his untiring journey towards making our society rational . It is most difficult task to swim against powerful flow of religious mafia . Wish you many more years of journey with same spirit .

  Liked by 2 people

 3. ગોવિંદ મારુંને એમના યોગદાનને બિરદાવવા એવાડૅથી સન્માન્યા તે બદલ હું ખુશી વ્યક્ત કરુ છું, મારાથી પણ અઢળક ખુશી તેમને પોતાને થઈ છે તે રેશનાલિસ્ટ માટે આનંદ આપનારુ છે.
  રેશનલ પ્રવૃત્તિ ચાલતી રાખો,એવી અપેક્ષા સાથે અભિનંદન..
  @ રોહિત દરજી”કર્મ”

  Liked by 1 person

 4. શ્રી ગોવીંદભાઈ મારુ તથા આપના ધર્મપત્ની (મારા બેન સમાન) ,
  આપશ્રીને ‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ એવોર્ડથી નવાજિત કર્યા એની ખુશી કોને ના હોય? દરેકને હોવી જ જોઈએ. અમારી ખુશીનો કોઈ પાર નથી. મારી ઉમ્મર ૮૪ વરસ છે. મારા ધર્મપત્ની ૮૨ વરસના છે. તમારો બંનેનો ફોટો મેં મારા ડિરેકટરીમાં સેવ કર્યો છે. આપણી જુગલ જોડી એટલે ” રબને બનાદી જોડી” પરમ કૃપાળુ પરમાત્માને પ્રાથના કરું છું કે આપ તથા આપનું કુટુંબ સુખમય જીવન ઉપભોગશો એવી ઈચ્છા. સરોજબેન તથા ચીમનભાઈનાં જય જીનેન્દ્ર

  Liked by 1 person

 5. આપણે ક્યાં ઉભા છીયે અને ક્યાં જવું છે એ સમજાઈ જાય તો પછી બધી મુશ્કેલીઓ પાર કરી શકાય છે. તમે તેમ કર્યું. અભિનંદન.

  Liked by 1 person

 6. Hearty congratulations, Govindbhai !
  Congratulations to all organizers too, for making a befitting choice ! — Subodh Shah, USA.

  Liked by 1 person

 7. હાર્દિક અભિનંદન.

  અંધ્ધશ્રદ્ધા વિરુદ્ધ આપની લાંબી સફર માં અભીવ્યક્તિ ના વાંચકો નો સહકાર હંમેશા રહેશે.

  Liked by 2 people

 8. Congratulations Govind Bhai for receiving well deserved “Raman Bhraman” Gold Medal. You are providing great service to the society by identifying unnecessary rituals which are promoted by religious leaders in all religions. Keep it up.

  Liked by 1 person

 9. સ્નેહી ગોવિંદભાઇ,
  હાર્દિક અભિનંદન.
  રમણ ભ્રમણ સંસ્થાઅે સાચા કર્મવિરની પસંદગી તેના ‘ સુવર્ણ ચંન્દ્રક માટે તમને પસંદ કર્યા તે તેમનું સાચુ પગલું છે.
  તમે પ્રગટાવેલી જ્યોત સદસ જલતી રહે તેવી શુભેચ્છાઓ. સ્નેહી મણીબેનને પણ હાર્દિક અભિનંદન.

  અમૃત હઝારી.

  Liked by 1 person

 10. આપની રેશનલ યાત્રાનો હું હંમેશાં સાક્ષી રહ્યો છું. ઘણી વખત, મેં મારા મિત્રો-સ્વજનોને આ લેખો ફોર્વર્ડ પણ કર્યા છે. આપના વિચારોને હું આત્મસાત કરવાનો યથાશક્તિ પ્રયત્ન કરૂં છું.મારી આ પ્રવૃત્તિને કારણે અહીં હ્યુસ્ટનના અમુક મંદીરોમાં ગણગણાટ પણ થયો છે. અને બધાં મારી ભોળી અને અંધશ્રદ્ધામાં ઓતપ્રોત પત્નીને સંભળાવતા હોય છે. મારી પત્ની એના દકિયાનુસી વિચારોને કારણે, પ્રભુ સમક્ષ હંમેશાં પ્રાર્થના કરતી હોય છે કે પ્રભુ મને સદબુદ્ધી (!) આપે .આમ તો મારી પત્ની ખુબ સારી છે.અમારૂં ૫૬ વર્ષનું દામ્પત્ય જીવન છે. અને બન્ને સેવન્ટીફાઇવ પ્લસ છીએ. ભગવતીકુમાર શર્મા સાથે મારે ૧૯૫૬ ની સાલથી દોસ્તી હતી. સ્વ. વજુભાઇ ટાંકની, જ્યોતિ વૈદ્ય ની મેં મુલાકાતો લઈને ચાંપશી ઉદ્દેશીના ‘નવચેતન’માં પ્રસિદ્ધ કરાવેલી.

  આપે પ્રગટાવેલી જ્યોતને અમે પણ યથાશક્તિ જલતી રાખવા પ્રયત્નશીલ છીએ.
  નવીન બેન્કર ( હ્યુસ્ટન )

  Liked by 1 person

 11. અભિનંદન, ગોવિંદભાઇ,
  સત્યશોધક સભાની તમારા ‘રમણભમણ ચંદ્રક માટેની પસંદગી યોગ્ય જ છે. સમાજની વચ્ચે રહીને સમાજની જડ રુઢિઓ ને પરંપરા કે જે લોકોના જીવનનો એક ભાગ બની ગઇ છે એને ઉખેડવાનું કામ સહેલુ નથી. તમે વિકટસંજોગોમાં પણ તમારી આ પ્રવૃતિઓ સુપેરે જાળવી રાખી છે એ તમારા દ્રઢ નિર્ણયની સાક્ષી છે. અમારા દેશપરદેશ વસેલા અનેક લોકોને તમે ઇન્ટરનેટ માધ્યમથી આ સંદેશ પહોંચાડ્યો છે. એ બદલ ખુબ આભાર. સંદેશ તો જ અસરકારક બને જેમ સંદેશવાહક પોતે જ એનું આચરણ કરતો હોય. કદાચ આપણા દેશમાં આટલા ધર્મગ્રંથો, ધર્મો, ર્ધમગુરુ, મંદિરો, બાબા છતાં આપણે ત્યાં જે અનીતિ, સદાચારનો અભાવ ને અરાજકતા છે એ શું બતાવે છે કે મુળમાં જ સડો છે. કદાચ હાથીના દેખાડવાના જુદા ને ચાવવાના જુદા હોય કે પોથી માહેના રીંગણા જેવો ઘાટ હોય. તમે સમાજના દુષણોને પડકારવાની જે હિંમત દાખવી છે એ નોંધપાત્ર છે. શુભેચ્છા સાથે આપ બન્નેને મારા પ્રણામ…

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s