મહાત્મા જ્યોતીબા ગોવીન્દરાવ ફુલે

તમે જાણો છો, સ્ત્રીના માનવીય અધીકારનો સ્વીકાર કરનારો પહેલો ભારતીય હીન્દુ કોણ હતો? એક શુદ્ર હતો; નામે જ્યોતીબા ગોવીન્દરાવ ફુલે. જન્મે માળી( જન્મ તારીખ : 11 એપ્રીલ, 1827).

પરમ પુજ્યોએ, મહામંડલેશ્વરોએ કે ઑનરેબલોએ જે નહોતું કહ્યું અને કર્યું, એ એક શુદ્ર પહેલી વાર કહ્યું અને કર્યું. કોઈનાં પણ પુતળાં ન હોવાં જોઈએ; પણ ભારતમાં જો કોઈનું વીરાટ પુતળું બાંધવું જ હોય તો એ જ્યોતીબા ફુલેનું બાંધવું જોઈએ. જ્યોતીબા ફુલે જ પહેલો માણસ હતો જેણે મુંગી વેદનાને વાચા આપી હતી અને એ પણ અધીકારની ભાષામાં. અને હા, મધ્યકાલીન સંતોએ પણ સ્ત્રીઓની વેદનાને ખાસ વાચા નથી આપી.

મહાત્મા જ્યોતીબા ગોવીન્દરાવ ફુલે

–રમેશ ઓઝા

1935ના ડીસેમ્બર મહીનામાં બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને લાહોરની ‘જાત–પાત તોડક મંડલ’ નામની સંસ્થાએ જાતીનીર્મુલન વીશે બોલવા આમંત્રણ મોકલ્યું. બાબાસાહેબ ડૉ. આંબેડકરે તેમને લખ્યું કે તમે હીન્દુ હોવા માટે ગર્વ લેનારા માણસો છો, એટલે તમને મારા વીચારો માફક નહીં આવે. માણસ હોવાની જવાબદારી અને હીન્દુ હોવાના ગર્વમાં ફેર છે. ગર્વ લેનારાઓ માનવતાના ત્રાજવે જે વાતે ગર્વ લે છે, એને તોળતા નથી એટલે સરવાળે તેઓ સુધારાનો પ્રતીકાર કરે છે. સુધરવા માટે આપણામાં કાંઈક ખામી છે એનો પહેલાં સ્વીકાર કરવો પડતો હોય છે. માણસ બનવાની સફર અહીંથી શરુ થાય છે.

આ તો હીન્દુધર્માભીમાની જમાત! તેમણે ડૉ. આંબેડકર સામે પ્રતીવાદ કર્યો. એવું તો કાંઈ હોતું હશે? અમે હીન્દુ છીએ અને એમાં પણ આર્ય સમાજી. હીન્દુ તો જન્મજાત માનવતાવાદી જ હોય અને આર્ય સમાજી સમાનતાવાદી. અમે જાત–પાતમાં માનતા નથી અને અમારા મંડળનું નામ પણ અમે ‘જાત–પાત તોડક મંડલ’ રાખ્યું છે. આવો, તમે મુક્તપણે તમારા વીચારો વ્યક્ત કરી શકો છો.

ડૉ. આંબેડકરે આમંત્રણનો સ્વીકાર તો કરી લીધો, પણ ભરોસો બેસતો નહોતો કે કોઈ દલીત કાન આમળે અને સવર્ણો તેને ખમી લે. કારણ વીના વીવાદ ન થાય એ માટે ડૉ. આંબેડકરે પોતાનું લેખીત ભાષણ સભાના આયોજકોને મોકલી આપ્યું, અને લખ્યું કે જોઈ જુઓ; હજુ પણ વખત છે, ખમી શકો એમ હોય તો બોલાવજો. તેમની ધારણા મુજબ આયોજકોનાં ગાત્રો ઢીલાં થઈ ગયાં અને ભાષણ રદ્દ કરવામાં આવ્યું. આશ્ચર્ય ડૉ. આંબેડકરને નહોતું થયું, આશ્ચર્ય આર્યસમાજીઓને થયું હતું કે ધર્મને જોવા–પારખવાનો આવો પણ એક દૃષ્ટીકોણ છે જે આપણા ગુરુદેવ દયાનંદ સરસ્વતીએ નહોતો શીખવ્યો.

શું છે એ દૃષ્ટીકોણ? ‘માનવતા’. આ જગતમાં કોઈ ચીજ મહાન નથી, માણસાઈ મહાન છે. આ જગતમાં કોઈ ચીજ પવીત્ર નથી, માણસાઈ પવીત્ર છે. આ જગતમાં કોઈ વાક્ય અંતીમ નથી, માણસાઈ અંતીમ છે. આ જગતમાં કોઈ ઈશ્વર, કોઈ ધર્મ, કોઈ ધર્મગ્રન્થ, કોઈ ધર્મગુરુ સનાતન નથી; માણસાઈ સનાતન છે. બીચારા આર્યસમાજીઓને તો તેમના ગુરુએ એમ શીખવ્યું હતું કે આપણે હીન્દુ છીએ એટલે જન્મ–જાત મહાન છીએ. એ તો એમાં કેટલીક બદીઓ પ્રવેશી ગઈ છે એટલે આપણે ઝાંખા પડ્યા છે અને એ બદીઓ દુર કરતાંની સાથે જ આપણે મહાન પ્રજા બની જઈશું. એ બદીઓનાં આકરાં નીદાનો અને થોડા વ્યવહારુ અને વધુ અવ્યવહારુ ઈલાજો દયાનંદ સરસ્વતીએ સુચવ્યા છે. એમાં એક ઈલાજ હતો જ્ઞાતીપ્રથાનો અંત. બીચારા આર્યસમાજીઓએ પહેલી વાર જોયું કે માનવતાની એરણે ધર્મને ચકાસી શકાય અને એમાં તે ઉણો પણ ઉતરે. છેવટે તો હીન્દુ ધર્માભીમાનીઓ ને! એક દલીત માનવતાની એરણે આપણા મહાન ધર્મને ચકાસે એ કેમ ચલાવી લેવાય?

અહીં એક સવાલ પુછવો જોઈએ. દલીતોની માફક સમાનતાની હકદાર મહીલાઓ ખરી કે નહીં? દયાનંદ સરસ્વતી એ બાબતે ચુપ છે. શા માટે દયાનંદ સરસ્વતીને જ્ઞાતીગત ભેદભાવ કઠ્યા અને લૈંગીક ભેદભાવો ન કઠ્યા? કારણ બહુ સ્પષ્ટ છે. સ્ત્રી પરીવારનું અવીભાજ્ય અંગ છે. તે મા છે, પત્ની છે, દીકરી છે, બહેન છે એટલે તે પરીવારના બંધનોથી મુક્ત થઈ શકે એમ નથી. ખરું પુછો તો તે પુરુષથી મુક્ત થઈ શકે એમ નથી. જઈ જઈને ક્યાં જશે? રોટલા અને વસ્ત્ર માટે પુરુષ પરનું અવલંબન સ્ત્રીને વીવશ કરીને રાખે છે. તેને માટે ઉમ્બરો ઓળંગવા કોઈ જગ્યા જ નથી. જેનો ઉંહકારો કાને ન પડતો હોય અને પડતો હોય તો તેની ઉપેક્ષા થઈ શકતી હોય તો તેની વેદનાની ચીંતા કરવાની જરુર જ શું છે? એ ક્યાં જવાની છે કે વીદ્રોહ કરવાની છે?

આમ દયાનંદ સરસ્વતીએ સ્ત્રીની વેદનાને વાચા આપી નથી કે તેને ન્યાય મળવો જોઈએ એમ કહ્યું નથી, માત્ર જાત–પાતનો અંત આવવો જોઈએ એમ કહ્યું હતું. કારણ? કારણ એ કે સ્ત્રી પરીવારનું અવીભાજ્ય અંગ છે, પણ દલીત હીન્દુ સમાજનું અવીભાજ્ય અંગ નથી. એ જઈ શકે છે. ગામ છોડીને શહેર જઈ શકે છે અને મોકો મળે તો ધર્મ છોડીને પણ જઈ શકે છે. બીજું, સ્ત્રી પેટ અને વસ્ત્ર માટે પુરુષ પર જેટલી નીર્ભર હતી એટલા દલીતો સવર્ણ હીન્દુઓ પર નીર્ભર નહોતા. ખાસ કરીને ઈસ્લામ અને ખ્રીસ્તી ધર્મના ભારતપ્રવેશ પછી અને અંગ્રેજો આવ્યા પછી થયેલાં શહેરીકરણનાં પરીણામે દલીતો માટે બહાર જવાના રસ્તાઓ ખુલી ગયા હતા. ટુંકમાં દલીત જતો ન રહે એ માટેની ચીંતા હતી, જે જઈ શકે એમ જ ન હોય, તો તેની ચીંતા શું કામ કરવાની? દલીત જતો રહે તો ઈસ્લામ અને ખ્રીસ્તીઓ સામે આપણી સંખ્યા ઘટે અને સંખ્યા ન ઘટવી જોઈએ. ધર્મની સબળતા અને નીર્બળતા તેમણે સંખ્યામાં જોઈ હતી. હીન્દુ માનસમાં સંખ્યાની સભાનતા દાખલ કરનારા દયાનંદ સરસ્વતી પહેલા હતા.

તો જાત–પાત તોડક મંડલની દલીતો સાથેના સમાન વ્યવહારની ભાવના પાછળની પ્રેરણા સંખ્યા હતી, માણસાઈ અને માનવીય અધીકાર નહીં. હીન્દુ ધર્મ શ્રેષ્ઠ છે જ, એ શ્રેષ્ઠ ધર્મની સંખ્યા ન ઘટે એ માટેનો સદ્વ્યવહાર હતો. મહામાનવ ડૉ. આંબેડકર આ જાણતા હતા એટલે તેમણે પહેલા જ કહી દીધું હતું કે તમને મારા વીચારો નહીં પચે. દલીતોને તમારી ભલમનસાઈની જરુર નથી. આ જગતમાં દરેક માણસ સમાન છે, દરેક માણસ સમાન અધીકાર ધરાવે છે અને દરેક માણસ સમાન તક(ઓપોર્ચ્યુનીટી)નો હકદાર છે. કોઈ આપનાર નથી કે કોઈ લેનાર નથી. એરણ માનવતાની છે અને માનવતાની એરણને ધર્મ, ભાષા, વંશ, જાતી કોઈ ચીજ સાથે લેવાદેવા નથી. માનવતાનો ગજ અંતીમ ગજ છે અને તેનાથી મોટો કોઈ ગજ નથી. પોતાને શ્રેષ્ઠ અને કરુણાવાન સમજનારા આર્યસમાજીઓ માટે આ ક્યારે ય નહીં વીચારેલો કે સાંભળેલો દૃષ્ટીકોણ હતો.

તમે જાણો છો, સ્ત્રીના માનવીય અધીકારનો સ્વીકાર કરનારો પહેલો ભારતીય હીન્દુ કોણ હતો? એક શુદ્ર હતો; નામે જ્યોતીબા ગોવીન્દરાવ ફુલે. જન્મે માળી(જન્મ તા. 11 એપ્રીલ, 1827) તેમના પહેલાં કોઈ બ્રાહ્મણે સ્ત્રીના માનવીય અધીકારની વકીલાત નહોતી કરી. આ વીશે પણ થોડું વીચારવું જોઈએ. દરેક જ્ઞાનશાખામાં પહેલી હરોળમાં રહેનારા બ્રાહ્મણો માનવતાના વીમર્શમાં કેમ પાછળ રહ્યા? ભારતમાં આ વીમર્શ નીચેથી શરુ થાય છે, ઉપરથી એટલે કે બ્રાહ્મણો તરફથી નહીં. કોઈ કહેતા કોઈ નહીં. સમાનતાનો દાવો કરનારા આર્ય સમાજીઓ નહીં, બીજા હીન્દુ ધર્માભીમાનીઓ નહીં, પાશ્ચાત્ય શીક્ષણ મેળવેલા અને પોતાને પ્રગતીશીલ સુધારક ગણાવનારાઓ પણ નહીં. હીન્દુ ધર્માભીમાનીઓનું સમાનતા પાછળનું કારણ સંખ્યા હતું અને સુધારકોની સુધારાની વકીલાત પાછળનું મુખ્ય કારણ અંગ્રેજો સામે ભુંડા લાગવાની શરમ હતું અને ભવીષ્યમાં સત્તા ભોગવવાની લાયકાત મેળવવા માટે જરુરી સજ્જતા હતું.

19મી સદીમાં દયાનંદ સરસ્વતી, સહીત કોઈ હીન્દુ ધર્માભીમાનીએ સ્ત્રીઓના માનવીય અધીકારોની વકીલાત નથી કરી, વીસમી સદીમાં સાવરકર કે ગોલવલકર સહીત કોઈએ સ્ત્રીઓના માનવીય અધીકારોની વકીલાત નથી કરી અને અત્યારે 21મી સદીમાં પણ કોઈ નથી કરી રહ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સ્ત્રીઓને પ્રવેશ નથી. ઉલટું સ્ત્રી વીરોધી વીપરીત દીશાનાં નીવેદનો થઈ રહ્યાં છે. અરુણ જેટલી, અમીત શાહ અને સંઘના નેતાઓનાં નીવેદનો આનાં પ્રમાણ છે. તો માનવીય અધીકારનો વીમર્શ ભારતમાં ઉપરથી શરુ નથી થતો નીચેથી શરુ થાય છે. આગળ કહ્યું એમ એક શુદ્ર જ્યોતીબા ફુલે પહેલા હીન્દુ હતા જેમણે કહ્યું હતું કે ‘સ્ત્રી પણ માનવીય અધીકારોની એટલી જ હકદાર છે જેટલો પુરુષ’. પરમ પુજ્યોએ, મહામંડલેશ્વરોએ કે ઑનરેબલોએ જે નહોતું કહ્યું એક શુદ્રે કહ્યું.

જોડાના ડંખની પીડાની એને ખબર પડે જેને એ વાગતો હોય. જ્યોતીબા ફુલે આમાં એક ડગલું આગળ વધ્યા, અને માટે તેઓ મહાત્મા જ્યોતીબા ફુલે તરીકે ઓળખાય છે. તેમણે કહ્યું હતું કે દરેક સમાજીક પીડાનું મુળ માણસાઈના અભાવમાં છે. એક માણસ બીજા માણસ સાથે માણસ જેવો વ્યવહાર ન કરે ત્યારે અન્યાયજનક પીડા પેદા થતી હોય છે. એમાં જે સબળ હોય એ પોતાની સબળતા કાયમ માટે જળવાઈ રહે એ માટે ધર્મ, સંસ્કાર, પરમ્પરા વગેરેનો આશ્રય લઈને તેને કાયમી સ્વરુપ (ઈન્સ્ટીટ્યુશનલાઈઝ્ડ) કરવાનો પ્રયાસ કરે છે અને એ રીતે અન્યાયી વ્યવસ્થા સ્થાપીત થાય છે. આનાં મુળમાં સ્વાર્થજન્ય અમાનવીય અન્યાય છે અને એનો ઉકેલ માનવીય ન્યાય છે. દરેકને અપવાદ વીના એક સમાન માનવીય ન્યાય મળવો જોઈએ પછી તે સવર્ણ હોય કે દલીત, સ્ત્રી હોય કે પુરુષ, ગોરા હોય કે કાળા. સમાજનો પાયો માનવીય મુલ્યો આધારીત હોવો જોઈએ. મહાત્મા ફુલેએ તેમનાં પત્ની સાવીત્રીબાઈ ફુલે સાથે મળીને સ્ત્રીઓ માટેની ‘સાર્વજનીક શાળા’ શરુ કરી હતી. સ્ત્રી માટેની, પણ સાવર્જનીક. પીડા બન્નેની એક સરખી છે, પછી સ્ત્રી દલીત હોય કે બ્રાહ્મણ.

હમણાં કહ્યું એમ પરમ પુજ્યોએ, મહામંડલેશ્વરોએ કે ઑનરેબલોએ જે નહોતું કહ્યું અને કર્યું એ એક શુદ્રએ પહેલી વાર કહ્યું અને કર્યું. કોઈનાં પણ પુતળાં ન હોવાં જોઈએ, પણ ભારતમાં જો કોઈનું વીરાટ પુતળું બાંધવું જ હોય તો એ જ્યોતીબા ફુલેનું બાંધવું જોઈએ. જ્યોતીબા ફુલે જ પહેલો માણસ હતો જેણે મુંગી વેદનાને વાચા આપી હતી અને એ પણ અધીકારની ભાષામાં. દયા–કરુણાની ભાષામાં તો મધ્યકાલીન સંતોએ પણ આપી છે. અને હા, મધ્યકાલીન સંતોએ પણ સ્ત્રીઓની વેદનાને ખાસ વાચા નથી આપી.

માનવતાનો ગજ અંતીમ ગજ છે અને તેનાથી મોટો કોઈ ગજ નથી. હીન્દુ હોવાને નાતે પોતાને શ્રેષ્ઠ અને કરુણાવાન સમજનારા આર્યસમાજીઓ માટે આ ક્યારે ય નહીં વીચારેલો કે સાંભળેલો દૃષ્ટીકોણ હતો. તેઓ ડૉ. આંબેડકરનું વ્યાખ્યાન રદ્દ કરી નાખે છે. ગાંધીજીએ કહ્યું હતું એમ ડૉ. આંબેડકર ગાંજ્યા જાય એવા નહોતા. તેમણે સ્વ–ખર્ચે એ વ્યાખ્યાન છપાવ્યું અને એ વ્યાખ્યાનની પુસ્તીકા ગાંધીજીને મોકલી. ગાંધીજીએ 1936ના જુલાઈ મહીનામાં ‘હરીજન’માં તેમની પત્રીકામાં પુસ્તીકાની સમીક્ષા કરતા લખ્યું કે સૌ પહેલાં તો આ વ્યાખ્યાન પ્રત્યેક હીન્દુએ વાંચવું જોઈએ, અને દરેક હીન્દુ સુધી પુસ્તીકા પહોંચી શકે એ માટે તેની કીંમત બે આના કે ચાર આના જેવી નજીવી રાખવી જોઈએ. કોઈકે એ પુસ્તીકા સ્પોન્સર કરવી જોઈએ, એવી પણ ગાંધીજીએ ભલામણ કરી હતી. શા માટે? કારણ કે ધર્મનીરપેક્ષ શુદ્ધ માનવીય ભુમીકાએથી ડૉ. આંબેડકરે હીન્દુ ધર્મની અને સમાજની ચીકીત્સા કરી છે અને એ દૃષ્ટીકોણ પણ સમજવો જરુરી છે એમ ગાંધીજીએ કહ્યું હતું.

એ પછી તેઓ ડૉ. આંબેડકર સાથે ચર્ચામાં ઉતરે છે અને એ ચર્ચા લાંબી ચાલે છે. એમાં ડૉ. આંબેડકરના પક્ષે કડવાશ વ્યક્ત થાય છે તો ગાંધીજી પણ વર્ણવ્યવસ્થાની મુળ કલ્પના નીર્દોષ હતી જેવી કેટલીક ગળે ઉતરે નહીં એવી દલીલો કરે છે. એ ચર્ચામાં ડૉ. આંબેડકર ઠીકઠીક પ્રમાણમાં ગાંધીજીની ધુલાઈ કરે છે અને આગળ જતાં ગાંધીજી ચાતુરવર્ણ્ય વીશેના પોતાના વીચારો બદલે પણ છે. 1936માં ગાંધીજીએ આંબેડકરની સામે બે દલીલ કરી હતી જે અત્યારે પણ પ્રાસંગીક છે.

એક તો એ કે ધર્મનો પ્રાણ અને ધર્મનું કલેવર બે અલગ ચીજ છે. અહં બ્રહ્માસ્મી અને એવાં વચનો અને તેના પર આધારીત દર્શન હીન્દુ ધર્મનો પ્રાણ છે અને કર્મકાંડ, જે તે પરમ્પરા એનું કલેવર છે. 1936માં વર્ણવ્યવસ્થાને હીન્દુ ધર્મનો પ્રાણ ગણવાની તેમણે જે ભુલ કરી હતી, એ પાછળથી સુધારી લીધી હતી. પ્રાણ અપ્રાસંગીક બનતો નથી, કલેવર અપ્રાસંગીક બને છે અને એ બદલી શકાય છે.

બીજી દલીલ તેમણે એ કરી હતી કે અન્ય ધર્મીઓની તુલનામાં હીન્દુ ધર્માનુયાયી કલેવરમાં પરીવર્તન કરવાની વધુ ક્ષમતા ધરાવે છે. જે બીમારી છે એ શરીરમાં છે, આત્મામાં તો નથી અને હીન્દુ શરીરને સુધારી શકે છે. સમય જતાં ધર્મના બાહ્ય કલેવરમાં (બૉડી રીલીજીયન) વ્યવહાર, રીતીરીવાજ, કર્મકાંડ, પરમ્પરાને નામે કેટલાંક અમાનવીય અને અન્યાય કરનારાં તત્ત્વો દાખલ થઈ ગયાં હોય એ વાતનો સ્વીકાર કરવા તમે રાજી છો?

–રમેશ ઓઝા

મુમ્બઈના મીડડે દૈનીકની ‘સન્ડે સરતાજ’ પુર્તીમાં પ્રગટ થયેલી એમની લોકપ્રીય કટાર ‘નો નૉનસેન્સ’(04 નવેમ્બર, 2018)માંથી ટુંકાવીને… લેખકશ્રીના અને મીડડેના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારેવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 11–04–2019

7 Comments

 1. અમને તો બૌદ્ધ ધર્મ ને બાદ કરતા કોઈ ધર્મ ના જ્ઞાન માં પણ કોઈ સાર કોઈ પ્રામાણિકતા લાગતી નથી એટલે ધર્મ ની જ ના પાડીશું કોઈ ના પ્રાણ કલેરવ બદલવા નથી ધર્મ થી જ મુક્ત થઇ જાવ એટલે માનવતા નું કલ્યાણ થઇ જાય અને આ રમેશ ઓઝા કોણ કથાકાર છે?

  Liked by 2 people

  1. આ લેખના લેખક મુમ્બઈના ‘મીડ-ડે’ દૈનીકના લોકપ્રીય પત્રકાર છે.

   Liked by 1 person

 2. ગઇ કાલે મેં મારા વિચારો વિગતે લખેલા પણ લોગ ઇન કરતી વેળા ઇ.મેલ અેડરેસમાં કાંઇક ભૂલ થઇ અને મારા વિચારો ગુલ થઇ ગયા હતાં.
  લેખની શરુઆતમાં બે વખત ‘ શુદ્ર ‘ શબ્દ વપરાયો છે. તે બાદ ‘ દલિત ‘ શબ્દનો ઉપયોગ થયેલો છે. ગાંઘીજીઅે તો તેમને ‘ હરિજન ‘ કહીને બોલાવ્યા……
  સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તક ‘અઘોગતિનું મૂળ…વર્ણવ્યવસ્થા ‘ વાચીને જીવનમાં કાયમ માટે સમજ કેળવવા દરેક હિન્દુની ફરજ બને છે. ભાગવદ્ ગીતાના ઘ્યા : ૪ના ૧ઠમાં શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે કે… ગુજરાતી અનુવાદ : ‘ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણો ઉત્પન્ન કર્યા છે. તેના કર્તા છતાં તું મને અકર્તા ને અઘિકારી જાણ. ( આ શ્રી કૃષ્ણના શબ્દોનું ઇન્ટરપ્રિટેશન દરેક પોતાની રીતે કરી શકે છે.) આજે પણ વર્ણવ્યવસ્થાને કરમોમાં વણીને હિન્દુઓ જીવે છે. વર્ણવ્યવસ્થા ઉત્પન્ન કરીને તેમણે શ્રી મનુ મહારાજને તેનો કારભાર છેવતે સોંપેલો અને મનુ મહારાજે સ્ત્રીઓ અને શુદ્રો ઉર્ફે દલિત ઉર્ફે હરિજનો માટે જે જે કાયદાઓ બનાવેલાં ને હિન્દુઓ તેને પાળતા તે વખતને સમજવું હોય તો મનુસ્મૃતિ વાંચજો. હૃદય દ્રવી જશે. આજની સ્ત્રીઓને વંચાવજો…પછી મઝા જોજો.
  આજના કથાકારોને વિનંતિ છે કે આપણા હિન્દુઘર્મમાંથી વર્ણવ્યવસ્થા સંપૂર્ણ નાબુદ થાય તેવા પ્રવચનો કરીને મહેનત કરે. ડો. આંબેડકરને વાંચે અને સમજે.
  સ્વામી સચ્ચિદાનંદજીને વાંચે અને સમજે… કથાકારો પાસે લોકોને પોતે કહે તે કરાવવાની શક્તિ છે….. તેને વર્ણવ્યવસ્થા દૂર કરવામાં જ વાપરે. હિન્દુઘર્મનો ઉઘ્ઘાર અેમાં જ છે.
  અમૃત હઝારી.

  Liked by 2 people

 3. કરેક્શન્સ અને કંટુનીઅેશન……….
  ગીતાના અઘ્યાય : ૪, શ્લોક નં. ૧૩ વાંવા વિનંતિ છે.
  તે ઉપરાંત વઘુ માહિતિ માટે……અઘ્યાય : ૯, શ્લોક: ૩૨
  અને અઘ્યાય : ૧૮ પણ રસપ્રદ આ વિષયે બની રહે છે.
  પૂ. જ્યોતિબા ફૂલેને આજે પણ મરાઠી પ્રજા અેટલી જ ભક્તિભાવથી પૂજે છે. મુંબઇમાં વિશ્વપ્રખ્યાત જ્યોતિબા ફૂલે માર્કેટ છે.
  અમેરિકા આવેલા હિન્દુઓ મને અેવું લાગ્યા કરે છે કે…વઘુ વર્ણગામી છે. કદાચ હું ખોટો પણ નીકળું. ન્યાત જાતના મંડળો બનાવીને બેઠા છે. કોઇ પણ અેવું કહેવા વાળા નથી કે અમે પ્રથમ ભારતીયો છીઅે અને બાદમાં ફક્ત હિન્દુઓ છીઅે.
  કથાકારો અને દર વરસે ઉમટી પડતા ઘર્મના પ્રહરીઓ પણ ન્યાત જાત ભૂલવા શીખવતા નથી. સર્વે ફક્ત હિન્દુઓ છે તેવું શિખવતા નથી. સાથે સાથે પરદેશ હોય કે દેશ…પોતાનો હોય…પણ …સર્વે ફક્ત ભારતીયો છીઅે તેવું કદાપી સંભળાતું નથી. પોલીટીશીયનો તો ન્યાત જાતના ભેદભાવને પોતાના સ્વાર્થ માટે વાપરવાના જ. બુઘ્ઘિ વેચાતી લેતા પણ નથી આવડતું……
  અમૃત હઝારી.

  Liked by 2 people

 4. ખરા મહાત્મા તો મહાત્મા જ્યોતિબા ફૂલે જ. ગાંધીજી પણ પચ્છી.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s