‘વીજ્ઞાનવીકાસ અને ભારતમાં વીજ્ઞાન’ : પ્રાસ્તાવીક

1

પ્રાસ્તાવીક

–ડૉ. બી. એ. પરીખ

આ બ્રહ્માંડની ઉત્પત્તીની શરુઆત 14 અબજ વર્ષ પહેલાંથી થઈ એમ વીજ્ઞાનીઓ કહે છે. ક્રમશ: આ બ્રહ્માંડ વીશ્વમાં આકાશ, સુર્ય, ચન્દ્ર, ગ્રહો, પર્વતો, સમુદ્રો, નદીઓ, ભુખંડો, વાયુઓ એમ રચાતા ગયા અને જીવન (Life)ની ઉત્પત્તી ચાર અબજ વર્ષ પહેલાં પાણીમાંથી થઈ એમ વીજ્ઞાનીઓનું માનવું છે. આ જીવનની ઉત્પત્તી પછીનો વૃદ્ધી, વીકાસ તેને ઉત્ક્રાંતી (Evolution) કહે છે. આ ઉત્ક્રાંતીની પ્રક્રીયા દરમીયાન પાણીમાંથી પ્રગટતા જીવો, પ્રાણીજન્ય વનસ્પતી, જમીન ઉપર વનસ્પતી, જાતજાતની ઉત્તરોત્તર ઉત્ક્રાંતી પામતી જીવયોનીઓ એમ કરોડો વર્ષોની પ્રક્રીયા દરમીયાન 50000 વર્ષ પહેલાં માનવ યોની ઉત્ક્રાંતી થઈ.

આ મુળ માનવીમાંથી ઉત્ક્રાંતી ક્રમમાં આજે આપણને દેખાતી, જેના આપણે સૌ સભ્યો છીએ એ માનવ વંશ (Human race) અસ્તીત્ત્વમાં છે. આપણે મુળ માનવી ઉદભવથી માંડીને આજદીન સુધીના વીકાસ, ઉત્ક્રાંતીની અવસ્થાઓમાં માનવી, માનવસમાજ કઈ રીતે જીવતો હતો તેનો ખ્યાલ આવે છે. છેક જંગલ, ગુફાવાસી, માંસ અને ફળ ભક્ષણ કરતો નગ્ન અવસ્થામાં રહેતો, પત્થરના હથીયારોથી શીકાર કરતા માનવીમાંથી આજના સુસંસ્કૃત, સભ્ય માનવી માનવ સંસ્કૃતી સુધી પહોંચ્યા છીએ.

માણસ ગઈકાલનો કે આજનો, માનવ સ્વભાવ મુળભુત તો સરખો જ ને. આહાર, તરસ, મૈથુન, ઉંઘ, આરામ વગેરે શારીરીક, જૈવીક જરુરતો, ડર, ક્રોધ, સલામતી માટે ઝંખના, કુતુહલ, આશ્ચર્ય, જીજ્ઞાસા વગેરે કેટલાંક મુળભુત માનસીક વલણો, ગમે તે હોય છતાં આ આદીમાનવી રોજ તેની આસપાસ બનતી ઘટનાઓ વરસાદ, આગ, મૃત્યુ, જન્મ, વનસ્પતી વગેરેની ઉત્પત્તીને અનુભવતો હશે ત્યારે તેને આશ્ચર્ય, ડર, ભયમીશ્રીત કુતુહલ પણ થતાં હશે કે આ શું છે? (What is this?) આ શાથી થાય છે? (Why?) ને કેવી રીતે થાય છે? (How?) આ કોણ (Who?) કરે છે? આ પ્રશ્નોના જવાબો શોધવા, વીચારવાની તેની બુદ્ધીકક્ષા બહુ નીચી. તેથી એમ માનતો થયો હશે કે ‘કોઈક છે’ ‘કંઈક છે’ (Somebody, Something) જે આ બધું કરે છે, કરાવે છે, આપણને ડરાવે છે. હવે આ અદૃશ્ય ‘કોઈક’નો ડર લાગે, એના વીશે મનમાં જાતજાતના વીચારો આવે, માન્યતાઓ બંધાય. આ કોઈક અજાણ પરીબળ આપણને પજવે, હેરાન ન કરે માટે તેની પ્રાર્થના, પુજાના કર્મકાંડો ઉપજ્યા હશે. આપણા આજના ઈશ્વર, ધર્મ (Religion)નું આ મુળ આદી સ્વરુપ, આદી ધર્મ (Primitive Religion).

વીશ્વના જુદા જુદા વીસ્તારોમાં રહેતી માનવ વસ્તીમાં, માનવ સમુહોમાં તેમનાં વસવાટ, પર્યાવરણ, ભૌગોલીક સ્થીતી, આબોહવા, વનસ્પતી વગેરેને અનુસરીને જીવનરીતી, કલા, કારીગરી વીકસ્યાં હશે. આથી આપણે આજે જોઈએ, જાણીએ છીએ કે દુનીયાના જુદા જુદા દેશોમાં લોકની જીવનરીતીઓ, રહેણીકરણીમાં ભીન્નતા છે. જેમ માનવજાતીની શારીરીક, જૈવીક ઉત્ક્રાંતી થઈ ગઈ, તેમ મગજ, બુદ્ધીનો પણ વીકાસ થતો ગયો અને વીશ્વના અલગ અલગ વીસ્તારોમાં રહેતા પ્રજાસમુહોનો જે જે વીશીષ્ટ વીકાસ થયો તેને આપણે સંસ્કૃતી (Culture) કહીએ છીએ. આ આદીમ સંસ્કૃતીઓ સાથે અલગ અલગ પ્રકારની ઈશ્વર વીશેની, ધાર્મીક કહેવાય તેવી માન્યતાઓ કર્મકાંડોનું માળખું પણ વીકસ્યું. આ રીતે આજે આપણે કેટલીક પુરાણી સંસ્કૃતીઓ શોધી છે, તેમનો અભ્યાસ કરીએ છીએ. જેમ કે ગ્રીક સંસ્કૃતી, મેસોપોટેમીયા સંસ્કૃતી, બેબીલોનીયા સંસ્કૃતી, એન્ડીઝ સંસ્કૃતી, ઈન્કા સંસ્કૃતી, મેક્સીકન સંસ્કૃતી, સીન્ધુ ખીણ સંસ્કૃતી, વૈદીક સંસ્કૃતી વગેરે વગેરે.

ધર્મ અને ફીલસુફી જ્ઞાનપ્રાપ્તીના માર્ગો

આપણે જાણીએ છીએ કે વીશ્વના વીભીન્ન પ્રદેશોમાં સ્થાનીક પર્યાવરણ તેમ જ તે સમયના લોકોના માનસીક વીકાસના સન્દર્ભમાં વીશીષ્ટ પ્રકારની સંસ્કૃતીઓ, ધાર્મીક કહેવાતી માન્યતાઓ, સમાજ સંચાલન માટેના નીતીનીયમો, રુઢીઓ, પરમ્પરાઓ અને પ્રકૃતીના વ્યવહારો વીશે જ્ઞાન–માહીતી વીકસતાં ગયા. સમય જતાં આ માળખાને આપણે ધર્મ (Religion) એવું નામ આપ્યું. આ સન્દર્ભમાં વીશ્વમાં જુનામાં જુના આજે પ્રવર્તતા ધર્મોમાં યહુદી (Judaism) તેમ જ હીન્દુ (Hinduism) ગણાય છે. આ પુરાણા સમયના લોક તેમની તમામ પ્રકારની સમસ્યાઓ, મુંઝવણો, પ્રકૃત્તીની ઘટનાઓ વીશે સમજણ, ઉકેલો પ્રાપ્ત કરવા માટે ધર્મ તરફ વળતા. તે પ્રમાણે ધર્મશાસ્ત્રો, ધર્મગ્રંથો રચાયા. ધર્મગુરુઓ, ધર્મસ્થાનોની સંસ્થાઓ ઉભી થઈ. આમ આ ધર્મો જ્ઞાનપ્રાપ્તીના એક માર્ગ, સમસ્યા ઉકેલ માટેનું શાસ્ત્ર તરીકે મજબુત સ્થાન પામ્યા. કાળક્રમે વીશ્વમાં જુદાં જુદાં વીસ્તારોમાં નવા નવા ધર્મો વીકસ્યા. 2500 વર્ષે પુર્વે હીન્દુ ધર્મથી અલગ તેના વીરોધમાં કેટલાક વીચાર પ્રવાહો પ્રગટ્યા તે જૈન તેમ જ બૌદ્ધ ધર્મ તરીકે વીકસ્યા. પાંચસો વરસ પહેલાં શીખ ધર્મની શરુઆત થઈ. ચીનમાં કન્ફ્યુસીયસ દ્વારા સ્થાપીત ધર્મ અને લાઓત્સે દ્વારા સ્થાપીત તાઓ ધર્મોનો ઉદભવ થયો. ઈરાનમાં અષો જરથુષ્ટ્ર દ્વારા જરથોસ્તી, પારસી ધર્મનો ઉદભવ થયો. 2000 વર્ષ પહેલાં જીસસ ક્રાઈસ્ટના બોધમાંથી ખ્રીસ્તી ધર્મ તેમ જ તેરસો વરસ પહેલાં મહમ્મદ પયગમ્બર સાહેબના બોધથી ઈસ્લામ ધર્મ પ્રગટ્યા. ખ્રીસ્તી તેમ જ ઈસ્લામ ધર્મોમાં ધર્મ પ્રચાર તેમ જ અન્ય ધર્મોના અનુયાયીઓનું ધર્મપરીવર્તન કરાવવાને પરીણામે આજે અન્ય ધર્મોની સરખામણીમાં વીશ્વના જુદા જુદા પ્રદેશોમાં ખ્રીસ્તી, ઈસ્લામ ધર્મો વધારે વીસ્તર્યા છે. આ દરેક ધર્મને પોતાનું આગવું બંધારણ, જ્ઞાનશાસ્ત્ર છે તેમ જ ધર્મશાસ્ત્ર (theology) છે. વીશ્વની તમામ સમસ્યાઓ, ઘટનાઓના ઉકેલ માટેના નીયમો પોતાના ધર્મ શાસ્ત્રોમાં વેદો, બાઈબલ, કુરાનમાં છે, એમ તેમના અનુયાયીઓ માને છે. એટલે જ્ઞાનપ્રાપ્તી, તમામ સમસ્યાના ઉકેલો, શંકાનીવારણ માટે ધર્મોને ઉત્તમ સ્ત્રોત માન્યા હતા, આજે પણ એમ જ મનાય છે.

તત્ત્વજ્ઞાન, જ્ઞાનપ્રાપ્તીનું સાધન

ઈસવીસન પુર્વેના પાંચસો, સાતસો વર્ષો પહેલાં વીશ્વમાં ખાસ કરીને ગ્રીસ, ભારતમાં એવા વીદ્વાનો, ચીન્તકો પ્રગટ થયા. જેઓ બૌદ્ધીક ચીન્તન, મનન, તર્ક–દલીલો દ્વારા સમસ્યા ઉકેલો, જ્ઞાનપ્રાપ્તી માટેની પ્રવૃત્તી માનતા. આ રીતે બૌદ્ધીક રીતે વીચારતા વીદ્વાનો દાર્શનીકો, ફીલોસોફર, તત્ત્વજ્ઞાની કહેવાયા. અને તેમણે જ્ઞાન પ્રાપ્તી, સમસ્યા ઉકેલ માટે જે વીચારધારાઓ રજુ કરી તે તેમનું તત્ત્વદર્શન, ફીલસુફીનું તન્ત્ર કહેવાય. આ દાર્શનીકોને મોટે ભાગે આપણને અગમ્ય લાગે તેવા પ્રશ્નો ઉપજતા અને આ પ્રશ્નોના ઉકેલ, સમજણ માટે તેમને જે અનુભવો થયા હોય, તેમની વીચારશક્તી બુદ્ધી હોય તે સન્દર્ભમાં તેમના વીશે મનન કરતા. દા.ત. આ વીશ્વ શેનું બનેલું છે? આ વીશ્વમાં મુળભુત તત્ત્વ શું? આવાં તત્ત્વો એક, બે કે અનેક? હું કોણ છું? જન્મ, મૃત્યુ એટલે શું? જીવનનું ધ્યેય શું હોઈ શકે? નીતી–અનીતી, નૈતીક–અનૈતીક, વાસ્તવ અને આભાસ વગેરે એટલે શું? મરણ પછી જીવનની શી ગતી થાય છે? વગેરે વગેરે. આમ વીશ્વમાં ફીલસુફી, દર્શનોની અનેક ધારાઓ પ્રગટી છે. સામાન્ય માણસો ડાહ્યા, પ્રાજ્ઞ, જ્ઞાની પુરુષોને તેમની સમસ્યાઓ જણાવે અને આ વીદ્વાનો તેમની ફીલસુફી પ્રમાણે ઉકેલો જવાબો આપે.

આ રીતે ભારતમાં આ દાર્શનીકો, ચીન્તકો, ઋષી–મુનીઓ કહેવાયા. હીન્દુ ધર્મમાં વેદો, પુરાણો, 108 જેટલાં ઉપનીષદો, છ દર્શનો તેમ જ બીજા અનેક ગ્રંથો, જ્ઞાનભંડારો છે. યુરોપમાં ખાસ કરીને ગ્રીસમાં સોક્રેટીસ, પ્લેટો, એરીસ્ટોટલ અને બીજા અનેક ફીલસુફો થઈ ગયા. અન્ય દેશોમાં પણ ફીલસુફીઓ અને તેમની વીચારધારાઓ વીકસી છે. હવે ધર્મ ઉપરાંત આ ફીલસુફીઓ પણ લોકોને તેમની તમામ સમસ્યા ઉકેલ, જ્ઞાન પ્રાપ્તી માટેનું બીજું સાધન મળ્યું.

ધર્મ–તત્ત્વજ્ઞાનની જ્ઞાનપ્રાપ્તીના સાધન તરીકેની ઉણપો–મર્યાદાઓ

ધર્મો તેમ જ ફીલસુફીની વીચારધારાઓની જ્ઞાનપ્રાપ્તી–સમસ્યા ઉકેલ માટે અનેક, મોટી મર્યાદા–ખામીઓ હતી અને આજે પણ છે. વીશીષ્ટ લક્ષણ એ છે કે આ ધર્મશાસ્ત્રો, ફીલસુફીના તન્ત્રો એક વખત રચાયા પછી તેમાં કાળાન્તરે, સમયના પ્રવાહ દરમીયાન નવું જ્ઞાન, માહીતી મળે તે સન્દર્ભમાં જે સુધારા, પરીવર્તનો થવાં જોઈએ તે થતાં નથી. તેમ જ આ શાસ્ત્રોના વીદ્વાનો તેવા સુધારાઓ કરવામાં માનતા પણ ન હતા. વાસ્તવમાં જ્ઞાનપ્રાપ્તી, સમસ્યાના ઉકેલના માર્ગો તરીકે ધર્મો, ફીલસુફીઓ એ બન્ધીયાર વીચારધારાઓ છે, સ્થગીત, જડ રહેતાં આ તન્ત્રોએ આજના સન્દર્ભમાં જ્ઞાન–સમસ્યા ઉકેલ માટેનાં માર્ગો તરીકે ઉપયોગીતા, વીશ્વસનીયતા ગુમાવી છે. એટલું જ નહીં, આ તન્ત્રો આજે કાલવીસંગત તેમ જ તેમના ઉકેલો, કોઈ સન્દર્ભ વીનાના અને ખોટા, ગેરમાર્ગે દોરનારા નુકસાનકારક સાબીત થયા છે. દા.ત. એક જ પ્રશ્ન લઈએ. આ બ્રહ્માંડ, વીશ્વની ઉત્પત્તી કેવી રીતે થઈ? કોણે કરી? આ પાયાનો પ્રશ્ન છે. તેના જવાબો દરેક ધર્મોના શાસ્ત્રોમાં જે તે ધર્મના ચીન્તકો, વીદ્વાનોએ આપ્યા છે. તે આજે સાવ અસંગત હોવા ઉપરાંત ખોટા જ છે; પરન્તુ ધર્મ એવું પ્રભાવક બળ છે કે જે તે ધર્મના મોટાભાગના અનુયાયીઓ આજે આવી તમામ પ્રકારની સમસ્યો વીશે જે નવા સાબીત થયેલા ઉકેલ સમજણ છે, તેનો સ્વીકાર કરવાને બદલે જુની, રુઢીગત, કુરાન, બાઈબલ, વેદોમાં લખાએલી માન્યતોને વળગી રહે છે. એટલું જ નહીં, ઉલટું પોતાના ધર્મમાં ઉદ્બોધાયેલા બોધ, ઉકેલો એ જ સાચા અને અન્તીમ છે, અન્ય ધર્મોમાં અપાયેલા બોધ, ઉકેલો ખોટા છે એમ વીવાદ કરી ધર્મો વચ્ચે આંતરવીવાદો, આંતરકલહો, આન્તરયુદ્ધો થાય છે. સાચી બાબત તો એ છે કે પ્રકૃતીમાં બનતી તમામ ઘટનાઓના ઉકેલો, નીયમો, સાર્વત્રીક હોય છે, એટલે કે એક જ જગ્યાએ સાચા સાબીત થયા હોય તે નીયમો વીશ્વના અન્ય પ્રદેશોમાં પણ તેટલા ને તેવા જ સાચા હોય, પ્રકૃતીમાં નીયમો, જ્ઞાન એ સ્થાનીક કે સંકુચીત નથી. તે વૈશ્વીક, સાર્વત્રીક જ હોય. આજના સન્દર્ભનાં ધર્મો એ માત્ર પરમ્પરા, રુઢીઓમાં જકડાયેલા, સંકુચીત મનોદશા ધરાવતાં તેમ જ એકાંગી તન્ત્રો છે. જ્ઞાનપ્રાપ્તીની સમસ્યા–ઉકેલોના સાધન તરીકે ધર્મો, ધર્મશાસ્ત્રો તદ્દન નકામા, ખોટા તેમ જ અપ્રસ્તુત છે. ધર્મો તો આજે અજ્ઞાનના ભંડારો, વહેમ તેમ જ અન્ધશ્રદ્ધાયુક્ત કર્મકાંડોનો સંગ્રહ બની ગયા છે. છતાં ધાર્મીક માન્યતોનો પ્રભાવ લોક ઉપર ઘણા મોટા પ્રમાણમાં છે, એ તેમની બન્ધીયાર માનસીકતા છે, એ કરુણતા છે, માનવજાતની મુર્ખામી જ ને.

વીશ્વમાં સેંકડો પ્રકારની દાર્શનીક વીચારધારાઓ છે. આ દાર્શનીક વીચારધારાઓની વીશેષતા તેમ જ મર્યાદાઓ એ છે કે તેમાં સમસ્યાઓ વીશે થયેલું ચીન્તન, અપાયેલા ઉકેલો માત્ર અને માત્ર વૈચારીક જ છે. આ ઉકેલો મોટેભાગે વાસ્તવીક પરીસ્થીતી સાથે સુસંગત, મેળ ધરાવે તેવા હોતા નથી. કારણ ઋષી–મુનીઓ દાર્શનીકો તો પોતાની ઝુંપડી કે નદીકીનારે કે પર્વતની ટોચ ઉપર એકાંતમાં બેસીને ચીન્તન કરતા, તેમની બુદ્ધીમત્તા તેમ જ જ્ઞાનની કક્ષાના સન્દર્ભમાં જે સુઝે તે વીચારો, દલીલો સાથે રજુ કરતા અને સમસ્યા, ઉકેલો તરીકે રજુ કરતા હતા. દાર્શનીકોની ફીલસુફીઓનો વાસ્તવીક જગતમાં પ્રવર્તતી પરીસ્થીતી સાથે ભાગ્યે જ મેળ જોવા મળતો. કારણ કે આ દાર્શનીકોનું ચીન્તન મહદ્અંશે તેમને થયેલા, થતા વાસ્તવીક જ્ઞાન, પરીસ્થીતીના સન્દર્ભમાં સાવ ‘ખાલી’ ખોખલું જ હોય. દા.ત. આ વીશ્વ કોણે રચ્યું? શેનું બનેલું છે? તેનો આકાર, સ્વરુપ કેવું છે? તો જાતજાતના જવાબો મળે છે. આ વીશ્વમાં મુળ તત્ત્વ એક જ હોઈ શકે, બે હોઈ શકે, અનેક પણ હોઈ શકે એવું જુદી જુદી ફીલસુફીઓ કહે છે. આ વીશ્વનું મુળ તત્ત્વ ભૌતીક તત્ત્વ હોય, માનસીક તત્ત્વ હોય કે ભૌતીક–માનસીક પણ હોય. શંકરાચાર્ય જેવા કહે કે આ જગત તો મીથ્યા છે, માયા છે. જેવું દેખાય છે તેવું ખરેખર નથી જ. આ વાદ–વીવાદ, વીતંડાવાદમાં સામાન્ય માણસ તો ક્યાંય અટવાઈ જાય ને. એટલે સામાન્ય માણસો તો આ ફીલસુફીઓથી દુર જ રહે છે. આમ જ્ઞાનપ્રાપ્તી સમસ્યા, ઉકેલના સાધન તરીકે ફીલસુફીઓ તદ્દન નકામી, નીરુપયોગી તેમ જ અસંગત છે.

છતાં વરસો સુધી આ વીશ્વમાં જ્ઞાનનો વીકાસ, વહીવટ, જીવન–સંસાર જ આ રીતે જ ચાલ્યો, ચાલ્યા કર્યો છે. આ સંજોગોમાં કાળના પ્રવાહમાં નવી સુઝ, જ્ઞાન–પ્રાપ્તીની નવી રીતો નવાં સાધનો પ્રગટ્યા તે નીર્વીવાદ રીતે યોગ્ય સચોટ અને સાચા સાબીત થયા છે.

–ડૉ. બી. એ. પરીખ

લેખક ડૉ. બી. એ. પરીખનું વૈજ્ઞાનીક વલણ ધરાવતું પુસ્તક ‘વીજ્ઞાનવીકાસ અને ભારતમાં વીજ્ઞાન’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત – 395 001 ફોન નંબર : (0261) 259 7882/ 259 2563 પાનાં : 80, મુલ્ય : રુપીયા 80/-)માંનો આ પહેલો લેખ, પુસ્તકનાં પાન 5થી 10 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સંપર્ક :

ડૉ. બી. એ. પરીખ, 154, સર્જન સોસાયટી, પાર્લે પોઈન્ટ, સુરત–395 007 સેલફોન : 99241 25201 મેઈલ : bhanuprasadparikh@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 29/04/2019

26 Comments

  1. Wonderful Unique article. Congratulation to Respected Dr. B.A . Parikh and his family.
    Thank you very Much to Respected Shri Govindbhai Maru For favor me such valuable,knowledgeable an article.
    God bless you all

    Liked by 1 person

  2. ધર્મોની માહિતી આપતો લેખ લખાયો હોય એવું લાગ્યું. દુનિયાનો સૌથી પ્રાચીન ધર્મ બૌદ્ધ ધર્મ છે.જે 2500 વર્ષ જૂનો છે. અને હિન્દુ નામે કોઈ ધર્મ નથી. હિન્દુ માત્ર એક સંસ્કૃતિ છે ધર્મ નથી. ધર્મની વ્યાખ્યા પ્રમાણે હિન્દુ કોઈ ધર્મ નથી.

    Liked by 1 person

  3. આ આર્ટીકલ વિજ્ઞાનના જ્ઞાનના જન્મને કશે પણ કહેતો નથી….પંકજભાઇ વાઘેલાઅે આપેલી તેમની કોમેંટ સો ટકા સાચી છે. ભારતમાં વિમાન બનાવેલું અેવું ટાઇટલમાં કહેવાયુ છે…આર્ટીકલમાં વિજ્ઞાન કે વિમાન નથી દેખાતાં. આ વિષય ઉપર અભિવ્યક્તિમાં ઘણા લેખો છપાયેલાં છે. આ આર્ટીકલ કાંઇક…અઘૂરો લાગ્યો.
    અમૃત હઝારી.

    Liked by 1 person

    1. I request the readers to read the whole book. I request the enlightened readers like Pankaj Vaghela and others to have patience to read the whole book before passing comments. I request those who are interested to be in touch with me either by phone or email. Mob: +91 99241 25201. E.mail: bhanuprasadparikh@gmail.com.
      Keep your interest alive. Be open minded.
      Thank you.
      -Bhanuprasad Parikh

      Like

Leave a comment