એક અકથીત રોગ

એક અકથીત રોગ

        –પ્રા. સુર્યકાન્ત શાહ

કોઈ પણ માણસ પોતાને રોગ થયો છે, એવું કથન ત્યારે કરે છે કે જ્યારે શરીરની કે મનની વીકૃતીને એ પોતે એક રોગ માને. માણસ પોતે માનતો નહીં હોય કે પોતાને જે વીકૃતી થઈ છે તે એક રોગ છે તો એ અન્યોને જણાવશે નહીં જ કે એને કોઈ રોગ થયો છે. કેટલાકને રોગ જાહેર કરવાથી એનો કૌટુમ્બીક કે સામાજીક બહીષ્કાર થવાનો ભય સતાવતો હોય અથવા તો એવા પ્રકારની સારવાર કરવાની રહેતી હોય કે જે એ માણસ કરાવવા માંગતો નહીં હોય તો, પોતે જાણતો હોવા છતાં, પોતાને થયેલી વીકૃતી એક રોગ છે તેવું તે જાહેર કરતો નથી.

રક્તપીત્ત જેવો રોગ દેખા દે તો માણસને એ વીચાર સતાવે છે કે જો તે રોગ થયાનું જાહેર કરશે તો એનો કૌટુમ્બીક અને સામાજીક બહીષ્કાર થશે. આથી એ શક્ય એટલો મોડો અથવા એ રોગસર્જીત ડાઘા ચામડી પર લોકોને દેખાવા માંડે ત્યારે તે જાહેર કરે છે. વચગાળામાં એ ચોરી ચોરી ચુપકે ચુપકે એના રોગનાં વૈજ્ઞાનીક અથવા તો અવૈજ્ઞાનીક ઉપચાર કરતો હોય છે. ખાસ કરીને નીચલા મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના માણસને ક્ષય કે કેન્સર જેવા રોગ થતા હોય ત્યારે તે છુપાવતો હોય છે; કારણ કે એની સુશ્રુષા કરવા માટે એની પાસે જરુરી સમ્પત્તી હોતી નથી. એ ગરીબ છે તે એનો મોટો ગુનો હોવાથી એણે પુરી સબુરી રાખીને બીલ્લી પગે આવતા મોતને સ્વીકારી લેવું પડતું હોય છે. પોતાની કંગાલીયતને કારણે આવા કીસ્સાઓમાં દર્દીને તો માહીતી હોય જ છે કે એને રોગ લાગુ પડ્યો છે; પરન્તુ એની મજબુરી એને રોગની કથની અન્યોને કરતા રોકે છે. સાચે જ, આપણાં ઘણા રોગ અને દર્દ આપણા મનતળમાં ઢબુરાઈને જ પડેલા રહે છે!

બીજી બાજુ, કેટલાક રોગ એવા છે કે જેની દર્દીને સમજ જ પડતી નથી, દર્દીને એવું લાગતું જ નથી કે જે કંઈ વીકૃતી છે તે રોગ છે. જો આ પ્રકારનો રોગ સમાજમાં મોટા પાયે રોગચાળાની જેમ ફેલાયેલો હોય અને મોટા ભાગના દર્દીઓ એમ માનતા હોય કે જે કોઈ વીકૃતી છે તે રોગ નથી ત્યારે આ રોગ ‘અકથીત રોગ’ તરીકે ઓળખાવો જોઈએ.

જે રોગનું રોગ તરીકે કથન જ નહીં કરવામાં આવે અને તે એવો રોગ હોય કે જે સમાજના ગણનાપાત્ર સંખ્યાના લોકોને થયો હોય ત્યારે એવો અકથીત રોગ પ્રચ્છન્ન રીતે સમાજને માંદો પાડી નાંખે છે. કોઈ મા અને બાપને ખબર પડે કે એમનો પચ્ચીસ વર્ષની વયનો જુવાનજોધ છોકરો પ્રવાસે ગયો અને ત્યાં ગુમ થઈ ગયો છે. ત્યારે તે મા–બાપ અને સગાં–સમ્બન્ધીઓ પોલીસમાં જઈને વીધીપુર્વક ફરીયાદ નોંધાવે, પોલીસ ઝડપથી દીકરાને શોધી શકે તે માટે એની ઓળખાણ પડે તેવી બધી જ વીગતો આપે તો તે મા–બાપ અને સગાં–સમ્બન્ધી રોગમુક્ત છે અથવા તો તંદુરસ્ત છે એમ કહી શકાય. બીજી બાજુ, આ લોકો કોઈ ભગત–મૌલવીને ત્યાં જઈને દીકરાના ઠેકાણા માટે પુછે તો એ બધાને માનસીક રોગ થયાનું કહી શકાય.

જો અન્ધારામાં ખોવાઈ ગયેલી ચીજને કોઈ અજવાળામાં શોધે તો એને ગાંડપણનો રોગ થયાની શંકા સેવવામાં આવે. એ જ રીતે ખોવાઈ ગયેલા દીકરાને, પોલીસ જ શોધી શકે એવી જાણકારી હોવા છતાં; બીલકુલ ત્રાહીત અને આવા મામલા માટે અપ્રસ્તુત એવા ભગત–મૌલવીને ત્યાં જનારા પણ ગાંડપણના રોગથી પીડાતા જ ગણાવા જોઈએ. માણસો બરાબર સમજતા હોય છે કે ભગત–ભુવા–મૌલવી–સાધુઓથી કશું શોધાવાનું નથીં; છતાં એના દીકરાના ઠેકાણાને ભગત પાસે શોધવા જનારાને ખબર નથી કે એ તેનું ગાંડપણ છે, તે એક રોગ છે. ઉલટાનું એવા ભુવા–મૌલવીને ત્યાં એના જેવાં ઘણા ગાંડાઓ કંઈ ને કંઈ ‘જોવડાવવા’ આવેલા તે જુએ છે એટલે એને એવું સમજાય છે કે દીકરાને શોધવા પોલીસની મદદ માંગનારો ગાંડો છે! મગજની આ પ્રકારની બીમારી એક અકથીત રોગ છે.

સત્યવક્તા ભુંડા બને છે!

સમાજમાં આવા વ્યાપક પ્રસરેલા રોગથી વ્યથીત થતા લોકો જુજ હોય છે. આવા લોકોની નજર સમક્ષ આ અકથીત રોગ ધરાવતા ગાંડા કાઢતા હોય છે ત્યારે એમનાથી સહન થતું નથી. આથી, ખુબ નર્મ–મર્મમાં પણ તેઓ દીકરો ખોવાવા જેવી સમસ્યામાં પોલીસની મદદ જેવા સાચા ઉપાય બતાવે તો તેવા સાચા ઉપાય બતાવનારા સત્યવક્તા ભુંડા બને છે. પેલા રોગીઓ આક્રમક બની જાય છે. ભગત–મૌલવીમાં એમને કશું ખોટું દેખાતું નથી. એમને રોગીઓ બત્રીસલક્ષણા અને સચોટ ઉપાય બતાવનારા તરીકે ઓળખે છે અને ઓળખાવે છે. પોલીસ અને પોલીસતન્ત્રની મર્યાદાઓ એમને દોષ તરીકે દેખાય છે.

પોલીસ–ગેટ પર જઈએ એટલે દંડા ખાઈને પાછા આવવાનું થાય એવી અતીશયોક્તીભરી અને અસત્ય વાણી ઉચ્ચારતા એમને સંકોચ થતો નથી. મા–બાપ અને સગાં–સમ્બન્ધીઓને સત્યવક્તાના મગજની તંદુરસ્તી વીશે શંકા ઉપજે છે! એમનો અભીપ્રાય દૃઢ થતો જાય છે કે સત્યવક્તાએ કોઈ ભુવાને એનું મગજ બતાવવું જોઈએ.

એક રીતે આ લોકો સાચા છે કારણ કે સત્યવક્તાને એટલી સમજ હોય કે એની સાચી વાત કોઈ સાંભળવાનું નથી; છતાં એવાં ગાંડા ટોળાની વચ્ચે ડાહી વાતો કરે તો એ સત્યવક્તાનું મગજ એટલું પોચું પડી ગયું છે એમ કહેવાય! જે કોઈ પણ માણસ સામા પ્રવાહે તરવાનું નક્કી કરે તે ત્યારે જ સફળ સાહસીક ગણાય કે જ્યારે તે તરીને ગંતવ્ય સ્થાને પહોંચે. જો તણાઈ જાય તો એ હાસ્યાસ્પદ જ બને. આમ, ‘અકથીત રોગ’ની મુશ્કેલી એ છે કે ભુલેચુકે પણ જો એ વીકૃતીનું નીદાન રોગ તરીકે કોઈ કરી બેસે તો નીદાન કરનારો રોગીષ્ઠ ઠરે છે! રોગીઓ તંદુરસ્ત ગણાય છે.

–પ્રા. સુર્યકાન્ત શાહ

લેખક પ્રા. સુર્યકાન્ત શાહનું પુસ્તક ‘આપણો માંદો સમાજ’ (પ્રકાશક : ‘સત્યશોધક સભા’, C/o શ્રી શં.ફ. અગ્રવાલ ટ્રસ્ટ, 8/1308, રંગીલદાસ મહેતાની શેરી,  ગોપીપુરા, સુરત  395 001 પાનાં : 66, મુલ્ય : રુપીયા 30/–)માંનો આ પહેલો લેખ, પુસ્તકનાં પાન 3થી 5 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : પ્રા. સુર્યકાન્ત શાહ, 17, ગાયત્રી ગંગા નગર, મકનજી પાર્ક પાસે, અડાજણ, સુરત–395009 સેલફોન : 98793 65173 ઈ.મેઈલ : suryasshah@yahoo.co.in

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 03–05–2019

4 Comments

  1. બીલકુલ ત્રાહીત અને આવા મામલા માટે અપ્રસ્તુત એવા ભગત–મૌલવીને ત્યાં જનારા પણ ગાંડપણના રોગથી પીડાતા જ ગણાવા જોઈએ.

    –પ્રા. સુર્યકાન્ત શાહ

    આ અનુસાર અંધશ્રદ્ધા પણ એક પ્રકાર નો અકથીત રોગ જ કહેવાય જેનો ઈલાજ ન તો વૈદ્ય, હકીમ, ડોક્ટર, કે રેશનાલિસ્ટો પાસે છે . એક મોટી ક્રાંતિ જ આ રોગ ને મિટાવી શકે છે. કોણ લાવશે આ ક્રાંતિ અને ક્યારે આવશે આ ક્રાંતિ? કદાચ ૨૨ મી સદિ માં.

    Liked by 1 person

  2. મા શ્રી પ્રા. સુર્યકાન્ત શાહનો ખૂબ સુંદર લેખ સાથે ‘સત્ય’ જાણકારે પણ વિચારવું પડે…
    રક્તપીત્ત અંગે આપણા કાર્યકર્તા અને સારવાર કરનારા લેપ્રસી વિભાગના તબિબ અને કર્મચારીઓ એ સુંદર કાર્ય કરી દર્દીઓને ચેપ મુક્ત કર્યા છે. કોઇ પણ જાતની ફીકર વગર તેમા દુઝતા ઘાને સ્પર્શ કર્યો છે ત્યારે કહેવાતા સત્યવક્તાઓ તેની સાથે પ્રેમપૂર્વક વાત ક્રરવા પણ રાજી નથી હોતા ! રોગની સમજ આપતા આ વાત પણ નોંધવી જોઇએ.
    ‘પોલીસ ઝડપથી દીકરાને શોધી શકે તે માટે એની ઓળખાણ પડે તેવી બધી જ વીગતો આપે તો તે મા–બાપ અને સગાં–સબંધી રોગમુક્ત છે ‘આમા પોલીસ વિભાગ ની પણ સારવાર કરવી જોઇએ ડુબતો માણસ તણખલાનો આધાર લે તેમ ભુવાને પૂછે અને અમે જોયું છે કે ઘણા કેસમા ઇલાજ અકસીર લાગ્યો છે.કામ થાય તે પહેલા તેને શાતા વળે છે. સત્યવક્તા ના પ્રશ્નો અંગે પણ વિચારવું પડે કે તે આભાસી સત્ય તો નથીને? ખરેખર સત્ય સુધી પહોંચવું જ છે – તેવી પાકી શ્રદ્ધા સાથે આગળ વધે છે, તેને કહેવામાં આવે છે “સત્ય નિષ્ઠ”. આ સત્ય નિષ્ઠાનો માર્ગ વાંકો ચૂકો અને કષ્ટો વાળો છે, સીધો સાદો સરળ નથી, અનેક વિટંબણાઓથી ભરેલો છે. તેમાંથી પાર ઉતરવાનું છે અને આસપાસના અસત્ય, અજ્ઞાન, અપ્રમાણીકતા, અનીતિ જેવાં મોટા મોટા પહાડો પાર કરવા માટે શક્તિ અને વિવેક હોવા જરૂરી બને છે. તેમજ વિવેક સાથે શ્રદ્ધા પણ જરૂરી છે.આવા સત્યશોધન કરનારાને પ્રેમપૂર્વક વંદન.

    Liked by 1 person

Leave a comment