રૅશનાલીઝમ, વૃત્તીઓ અને સદગુણો

રૅશનાલીઝમ, વૃત્તીઓ અને સદગુણો

–રમણ પાઠક (વાચસ્પતી)

નૈતીક મુલ્યો યા માનવીય સદગુણોના ક્ષેત્રે ધર્મે એવો તો ઈજારો ઠોકી બેસાડ્યો છે કે, જીવન પરત્વેના તર્કપુત તથા વીવેકપુત અભીગમનો ભાવાત્મક અર્થ તથા લક્ષ્યાર્થ સમજવા– સમજાવવાનું અત્યન્ત મુશ્કેલ બની રહ્યું છે. નીતીમુલ્યોને ધર્મે જાણે કે એવાં પચાવી પાડ્યાં છે કે, નીતી માનવસુખની વીરોધી બની ગઈ છે અથવા તો માનવીની ઉચ્ચતમ નૈતીક ભાવનાઓ નીરપેક્ષ બની રહેવાને બદલે, જાણે કે ધર્માજ્ઞાઓના પરીણામ રુપે પ્રવર્તે છે. જેથી એ સદગુણો કે એવી નીતીમત્તા અપાર્થીવ લક્ષણો ગણાઈ ગયાં છે અને તેને મનુષ્યની પહોંચની બહારનાં લેખવામાં આવે છે. દા.ત. કોઈ ઉચ્ચાવસ્થાની અનુભુતી એટલે કશાક અલૌકીક તત્ત્વનું ધ્યાન કરવાથી પ્રાપ્ત થતી માનસીક અવસ્થા; ભક્તી એટલે માનવીથી ઉચ્ચતર એવા કોઈ અગોચર તત્ત્વ પરત્વેની વફાદારી તથા સમર્પણ ભાવનો લાગણીમય અનુભવ; સમાદર એટલે કોઈ પરમ તત્ત્વ સમક્ષ ઘુંટણીયે પડીને અનુભવાતી પવીત્ર લાગણી અને ‘પવીત્ર’ એટલે પણ આ પાર્થીવ મનુષ્ય દ્વારા અસ્પૃષ્ટ અને અસ્પૃશ્ય એવી, તેના પ્રતી કશાય સમ્બન્ધ વીનાની કોઈ શુદ્ધતર અવસ્થા.

પરન્તુ એથી એ સત્યનો અસ્વીકાર થાય છે કે, માનવચીત્તની આ બધી વાસ્તવીક ભાવનાઓ છે; જે મનુષ્યને માટે ઉન્ન્તીપ્રેરક તથા ઉદાત્ત છે. એને માટે ધાર્મીક આદેશો ફરમાવે છે એ રીતે, આત્મતીરસ્કારની યા હીણપદની લાગણી અનુભવવાની કશી જરુર જ નથી અથવા તો કોઈ અલૌકીક, પરમ તત્ત્વના અસ્તીત્વના સવીકારની પણ આવશ્યકતા નથી.

–આઈન રેન્ડ (ધ ફાઉન્ટનહેડ)

માનવમુલ્યોનો સમાદર કરનારી, આ સદીની એક શ્રેષ્ઠ માનવતાવાદી, રૅશનાલીસ્ટ લેખીકા આઈન રેન્ડનું લાંબુ વીધાન જો સમજવું મુશ્કેલ લાગે તો એક જ વાક્યમાં એ સ્પષ્ટ કરી દઉં કે, આત્મગૌરવ, ભક્તી, સમાદર યા પવીત્રતા જેવા માનવીય સદગુણો કેળવવા માટે ઈશ્વરમાં માનવાની યા તો ધર્મના આશ્રય લેવાની કશી જ અનીવાર્યતા નથી. અર્થાત્ આ બધી ઉચ્ચ વીભાવનાઓની માનવસમાજમાં નીરપેક્ષ પ્રતીષ્ઠા કરવી એ જ વધુ લાભદાયક કર્તવ્ય છે. દા.ત. એક વ્યક્તી આસ્તીક કે પ્રભુભક્ત થયા વીના જ. નમ્ર હોઈ શકે, પ્રામાણીક બની શકે ઈત્યાદી.

અમદાવાદથી એક વાચકમીત્રનો પત્ર છે કે, ‘શું રૅશનાલીસ્ટ પુરુષ ઈર્ષ્યા, દ્વેષ, અહમ્ જેવા દુર્ગુણો ધરાવતો હોઈ શકે?’ પુરો પત્ર વાંચતાં કંઈક એવી પ્રતીતી થાય છે કે, આ પ્રશ્નકર્તા મીત્ર કશાક એવા અનુભવે વ્યથીત છે. એના જવાબમાં મારે સર્વપ્રથમ તો એ જણાવવાનું કે, ઈર્ષ્યા, દ્વેષ જેવી વૃત્તીઓને પણ માનવસહજ લાગણી માની સ્વીકારી લો! આ પણ એક રૅશનલ અભીગમ છે– તો તમારી વ્યથા દુર થઈ જશે. દા.ત. બાળક સમ્પુર્ણ સ્વાર્થી પ્રાણી છે. પોતાની કુદરતી વૃત્તીઓને પુરેપુરું આધીન રહીને જ વર્તે છે; જેમ કે એને કંઈક આપો તો એ તમારા પ્રતી આસક્તી, મમતા દાખવે; ઈનકારો તો ક્રોધ કરે, બીજાનું વધું સારું દેખાતાં, ઈર્ષ્યા–સ્પર્ધાનો ભાવ અનુભવે, ભુખ લાગે તો ઝુંટવી લે; એકલું એકલું ખાઈ જાય ને બીજાને ન આપે વગેરે. પરન્તુ એથી વડીલો વ્યથા નથી અનુભવતા; ઉલટા આનન્દ માણે છે. કારણ કે આપણે સ્વીકારીને જ ચાલીએ છીએ કે બાળકની આવી બધી લાગણીઓ તેના વીકસીત માનસની જ દ્યોતક છે. તો મીત્ર, સમજી લો કે, આ માનવસમાજમાં કેટલાંક ઉમ્મરલાયક બાળકો પણ વીચારતાં હોય છે.

બીજી એક વાતની સ્પષ્ટતા પણ અત્રે જરુરી છે કે, નાસ્તીક અને રૅશનાલીસ્ટ વચ્ચે ડીગ્રીનો પણ મહત્વનો ભેદ છે. અર્થાત્ રૅશનાલીસ્ટ અચુક નાસ્તીક હોય; પરન્તુ નાસ્તીક માણસ રૅશનાલીસ્ટ હોય, યા ન પણ હોય. મતલબ કે નાસ્તીકતારૅશનાલીઝમનો એક અંશ માત્ર છે. બીજા શબ્દોમાં સમજાવું તો, રૅશનાલીઝમ નાસ્તીકતાથી એક પગથીયું ઉંચી, દશાંગુલ ઉર્ધ્વ અવસ્થા છે. અર્થાત્ કોઈ મનુષ્યની પરમ તત્ત્વ, દૈવી શક્તીમાંથી શ્રદ્ધા ઉઠી જાય; છતાં ઈતર માનવીય કે પ્રાણીસહજ વૃત્તીઓ તે ત્યાગી ન શકે ત્યારે એ નાસ્તીક કહેવાય; પરન્તુ રૅશનાલીસ્ટ નહીં. ધર્મગ્રન્થોમાં સ્થીતપ્રજ્ઞનાં જે લક્ષણો આપવામાં આવ્યાં છે એ પુણ્ય કમાવા માટેની તપશ્ચર્યા નથી; બલકે એમાંનાં અમુક ઉચ્ચતમ માનવીય સદગુણો છે: જે બહેતર, સુખી–શાંત સમાજની સ્થાપના અર્થે નાગરીકે કેળવવા જરુરી બની રહે છે. દા.ત. ‘ન દૃષ્ટી, ન કાંક્ષતી’ – સ્થીતપ્રજ્ઞ માણસ કશાની ઝંખના–લાલસા પણ નથી રાખતો. આ કેવી મહાન, સુખદ માનસીક અવસ્થા છે! જો તમામ નાગરીકો આવો ગુણ કેળવે તો સમાજ કેવો નીરુપદ્રવી, શાંતપ્રશાંત, નીશ્ચીંત તથા તુચ્છતાથી પર બની રહે! આવા મુલ્યવાન સદગુણોને ધર્મના ક્ષેત્રનો ઈજારો બનાવી રાખવાથી, તેના પ્રત્યે સામાન્ય માનવીના ચીત્તમાં એક પ્રકારની અપ્રાપ્યતાની લાગણી જન્મે છે. એને બદલે રૅશનાલીઝમ એમ ભારપુર્વક પ્રતીપાદન કરે છે કે, આ તો માનવ સંસ્કારનું ક્ષેત્ર છે અને એ શક્ય છે, પ્રાપ્ય છે, એટલું જ નહીં, પુર્ણ સુખી સમાજની સ્થાપના માટે તે અનીવાર્ય પણ છે. જોકે સ્થીતપ્રજ્ઞનાં બધાં લક્ષણો સ્વીકાર્ય ન ગણાય, કારણ કે અમુક ગુણલક્ષણ સેવનાર માનવી પછી જડ – પથ્થરવત્ બની રહે.

હવે કુદરતી એટલે કે પ્રકૃતીદત્ત વૃત્તીઓના પણ બે પ્રકાર યથાર્થ સમજી લેવા ઘટે : એક છે તે જીવન ટકાવવા માટેની અનીવાર્ય ઈચ્છાઓ અને બીજો પ્રકાર તે પ્રાણીસહજ, માનવસહજ નીર્બળતાઓ. અત્રે પ્રાણીસહજ અને માનવસહજ વચ્ચેનો સુક્ષ્મ ભેદ પણ સ્પષ્ટ કરી લઈએ : મનુષ્ય પણ એક પ્રાણી જ છે; છતાં મુખ્ય મહત્ત્વનો ભેદ એ છે કે, માનવીનું માનસીક જગત ખુબ જ સુવીકસીત છે, પરીણામે પ્રાણી–અવસ્થામાં જે વૃત્તીઓ એનામાં સુક્ષ્મ તથા અલ્પ પ્રમાણમાં રહેલી હતી તે પણ ઉત્ક્રાંતીની સાથે ઘણી વધુ વીકાસ પામી; જેના લાભાલાભ પણ પ્રકટ થયા. દા.ત. દયા જેવી વૃત્તીનો વીકાસ થતાં, માનવ પરહીતચીન્તક તથા હમદર્દ બન્યો; તો બીજી બાજુ, ક્રોધ જેવી લાગણી વીકસતાં મનુષ્ય ઘણો વધુ ક્રુર તથા પરપીડનવૃત્તીવાળો પણ બની રહ્યો વગેરે. હવે સમાજ માટે કઈ વૃત્તીઓ હીતકારી છે અને કઈ હાનીકર્તા છે એ યથાર્થ પ્રમાણવા માટે વીચારશક્તી, તર્કશક્તી, વીવેકશક્તી આવશ્યક છે. કેટલાક અગ્રણીઓ જ એ નક્કી કરે અને પછી કેવળ પાપ–પુણ્યના પાયા ઉપર એનો ઉપદેશ આપે ત્યારે એ ધર્મ બને; જ્યારે એના ગુણધર્મ સમ્પુર્ણ પ્રમાણી, એનું નીરપેક્ષ મુલ્ય પુરસ્કારે તે રૅશનાલીઝમ કહેવાય. આમ રૅશનાલીઝમ અને ધર્મનું કાર્ય સમાજના સન્દર્ભે, ઐહીક સુખશાંતીની દૃષ્ટીએ તો એક જ છે; ફરક માત્ર પારલૌકીકતાનો રહે છે. રૅશનાલીઝમ આ લોકથી પર એવા ઈતર લોકમાં માનતો નથી કે એની તથા આવતા જન્મની ફીકર કરતો નથી. જોકે, કેટલાક ધર્મો પણ ઐહીકતાવાદી છે જ.

બીજો ઘણો વધુ મહત્ત્વનો ભેદ તે એ કે, ધર્મ ચુસ્ત ઉપદેશરુપે પ્રચારવામાં આવતો હોવાથી એમાં પરીવર્તનશીલતાનો સમ્પુર્ણ ઈનકાર પ્રવર્તે છે. હવે કોઈ પણ મનુષ્યનું દર્શન સર્વાંગસમ્પુર્ણ તો સંભવે જ નહીં; એથી સ્થાપકની મર્યાદાઓ તથા ઉણી દૃષ્ટીને કારણે અથવા તો તત્કાલીનતાને પરીણામે કેટલાંક અનીષ્ટો પણ ધર્મમાં પ્રવેશી ગયા હોય છે; જેને બદલી નાંખવામાં યા દુર કરી દેવામાં તે નથી માનતો. જ્યારે રૅશનાલીઝમ સામાજીક, ઐહીક લાભાલાભને જ સ્વીકારતો હોઈ કોઈ પણ કર્મ યા માન્યતાની કાલસાપેક્ષતા શોધતો જ રહે છે અને તદનુસાર પરીવર્તનોને આવકારે છે. જોકે ધર્મક્ષેત્રે પણ સુધારકો પાકે જ છે.

હવે પ્રકૃતીદત્ત–નૈસર્ગીક વૃત્તીઓના બે પ્રકારભેદની વાત કરીએ : એ છે, (1) જીવન ટકાવવા–સંવર્ધવા માટેની અનીવાર્ય વૃત્તીઓ અને (2) આનુષંગીક યા પેટાવૃત્તીઓ; જે હમ્મેશાં જીવન ટકાવવાની દૃષ્ટીએ અનીવાર્ય નથી, બલકે ક્વચીત્ તો જીવન માટે હાનીકારક બની રહે છે. અલબત્ત, આવી કેટલીક અનુચીત વૃત્તીઓનાં મુળ તો મુળભુત રીતે પેલી જીવન ટકાવવાની ઈચ્છામાં જ પડેલાં જોવા મળશે. દા.ત. ક્રોધ એ ભય તથા રક્ષણની વૃત્તીની જ એક શાખા છે.

જીવન ટકાવવા–સંવર્ધવાની મુળભુત વૃત્તીઓ તે આહાર, મૈથુન અને ભય. આ ત્રણ વૃત્તીઓનો સ્વીકાર ધર્મ તથા રૅશનાલીઝમ ઉભયે કરવો જ રહ્યો; કારણ કે એના વીના આ પૃથ્વીપટે જીવન શક્ય જ બને નહીં. જ્યારે ઈતર આનુષંગીક કે પેટાવૃત્તીઓ તે ચોક્કસ પ્રકારના માનસીક વીકારો છે; જેવા કે ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, દ્વેષ, દયા, ઉદારતા વગેરે; જેના બે પેટા વીભાગ પાડીએ તો સારી અને ખરાબ વૃત્તીઓ સ્પષ્ટ જ છે કે ક્રોધ, ઈર્ષ્યાદી હાનીકર્તા છે; જ્યારે દયા, માયા, ઉદારતા, સહાનુભુતી જેવી લાગણીઓ સમાજ માટે હીતકારી છે. (નીદ્રા–ઉંઘનો ઉલ્લેખ એક નૈસર્ગીક વૃત્તી તરીકે મેં અત્રે એટલા માટે ટાળ્યો છે કે, સામાજીક, સામુહીક, જીવન વ્યવસ્થામાં એનું પ્રવર્તન ખાસ પરીણામકારી નથી.)

આહાર તથા મૈથુનની આવશ્યક્તા યા તો સંતોષ પરત્વે ધર્મ અને રૅશનાલીઝમનો અભીગમ ભીન્ન છે; છતાં ધર્મ એક હકીકત તો સ્વીકારે જ છે કે, આ અનીવાર્ય એવી કુદરતી વૃત્તીઓનું રૅશનલાઈઝેશન તો થવું જ જોઈએ અર્થાત્ માનવસમાજમાં એનું અનીયન્ત્રીત પ્રવર્તન તો અંધાધુંધી જ સર્જે, માટે એ તો માન્ય રખાય જ નહીં. વળી માનવી સુરુચી ધરાવતું પ્રાણી છે; એથી પણ તે અમુક મર્યાદાઓ સ્વયમેવ સ્વીકારે છે. આમ છતાં; આવી વૃત્તીઓનો સામાન્ય રીતે ભોગ બની જનાર પ્રત્યે ધર્મ અને રૅશનાલીઝમનું વલણ અલગ અલગ રહે છે. ધર્મ એવી વ્યક્તીને તીરસ્કારશે, ક્યાંક તો ક્રુર, અતીક્રુર સજા ફટકારશે; જ્યારે રૅશનાલીઝમ–વીવેકબુદ્ધીવાદ તેને સહાનુભુતીથી સમજવાનો પ્રયત્ન કરશે. જોકે – ઓશો રજનીશ જેવા ગુરુઓનો પંથ આજે મહદંશે ધાર્મીક કક્ષાનો જ બની રહ્યો હોવા છતાંય; એ આહાર તથા મૈથુન બાબતે નીયન્ત્રણવાદી નહીં; પરન્તુ સ્વીકારવાદી હોઈ રૅશનલ અભીગમને મળતો આવે છે. આવા બીજા પણ કેટલાક પંથો હતા અને છે જ. આ મુદ્દો ઘણી લાંબી ચર્ચા માંગી લેતો હોઈ અત્રે સ્થળસંકોચવશ મુલત્વી જ રાખીએ.

અન્યની પાસેનો પદાર્થ પોતે પ્રાપ્ત કરી લેવા માટે આક્રમણ કરવું – એ પ્રાણીસહજ ઈચ્છાવૃત્તી છે; પરન્તુ માનવસમાજમાં આવી ઝુંટાઝુંટ, સંસ્કૃતી તથા સંસ્કાર મુજબ પ્રતીબંધીત છે. આથી અભાવવાળો માણસ જ્યારે આક્રમણ કરી શકતો નથી અને પોતાની નીર્બળતાવશ અન્ય માર્ગ પણ તે ઈચ્છીત પ્રાપ્ત કરી શકતો નથી; ત્યારે તે ઈર્ષ્યા–દ્વેષ કરે છે. અને નીન્દાદી કરીને સંતોષ લેવા મથે છે.

આમ ઈર્ષ્યા એ કામ–ક્રોધનું વર્ણસંકર સંતાન છે; જે બીલકુલ બીનજરુરી એવું નપુંસક તથા આત્મનાશક છે. શેક્સપીયરે એક સ્થળે ઈર્ષ્યાની ભયાનકતાનું બહુ સરસ વર્ણન કર્યું છે. તે લખે છે : ઈર્ષ્યા એક એવું લીલી આંખવાળું રાક્ષસી પ્રાણી છે કે તે પોતે જે માંસ ખાઈને પોષણ મેળવે છે; એ જ માંસને સતત ઠોલ્યા કરે છે. ટુંકમાં ઈર્ષ્યાથી કોઈ પણ પક્ષને કશો લાભ નથી, બલકે બેઉ પક્ષે કેવળ હાની છે, જો સતેજ વીવેકબુદ્ધી વડે આટલી હકીકત યથાર્થ સમજી લઈએ તો આવી તુચ્છ નીર્બળતાઓથી સહેજે મુક્ત થઈ શકીએ અર્થાત્ રૅશનાલીઝમમાં ઈર્ષ્યાદીને સ્થાન જ નથી. ધાર્મીક ઉપદેશ, આત્મશુદ્ધીના લાભાલાભ કે પાપ–પુણ્યના બદલાના વીકલ્પે, જો રૅશનાલીસ્ટ અભીગમથી આ સ્થીતીનો લાભ પામીએ તો એ સહજ–સાધ્ય બની રહે. ટુંકમાં પાકો, સાચો રૅશનાલીસ્ટ ઈર્ષ્યા, દ્વેષ, અહંકાર, કૃપણતા જેવા કેવળ હાનીકારક વીકારોથી બહુધા મુક્ત હોય, હોવો જ જોઈએ.

– રમણ પાઠક (વાચસ્પતી)

અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો વગેરેનાં તાળાં ખોલવા માટે રૅશનાલીસ્ટ ઈન્દુકુમાર જાની દ્વારા સમ્પાદીત પુસ્તક રૅશનાલીઝમ : નવલાં મુક્તીનાં ગાન (પ્રકાશક : ‘નયા માર્ગ ટ્રસ્ટ’, નયામાર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવા 380 027 ફોન : (779) 2755 7772 પ્રથમ આવૃત્તી : નવેમ્બર 2007, પાન : 80, સહયોગ રાશી : રુપીયા 40/–)માંથી લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર

લેખક સંપર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00  અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 06/05/2019

2 Comments

  1. Irsha, द्वेष, ahankarNe krupanata jeva hani karak vikarothi rationalist bahudha mukt hoy ke hovo જોઈએ. Aa vikaro thi mukt rahi shakay j nahi Ha… Vivek thi ene maryadit kari shakay. Ane ahankar e to jivan(sansar) nu chalak bal chhe. E to swas chale tyan sudhi jodayelu j rahe… ene hanikarak vikar manavu yogya lagatu nathi. Ene pan vivek thi maryadit kari shakay pan sampurn mukt to na j thavay.

    Liked by 1 person

  2. વાચસ્પતી…… રમણભાઇ પાઠકને વાંચવાના હોય… વિચારવાના હોય… જીવનમાં ઉતારવાના હોય તો તેમના આવા લેખો વાંચવા રહ્યા. પેલા અમદાવાદી વાચકનો સવાલ અને તેનો સમજપૂર્વકનો જવાબ ગમ્યો. મને પણ આ સવાલ ઉઠેલો. મારો સવાલ અે છે કે….. આજનો સમય સ્ટરગલ ફોર અેક્ઝીસ્ટન્સનો છે. જીવવા માટે હરેક માણસે કોઇ ને કોઇ રમત રમવી પડે જ. રસ્તો કાઢવો જ પડે… પોતાની જાતને છેતરીને પણ જીવવું પડે… આંખમિચામણા કરવા પડે. કોઇ અેસ્કેપ નથી. મારો… તમારો… પેલાનો… બઘાનો આ અનુભવ હોય જ….. આદર્શ અને પ્રેક્ટીકલ રોજીંદા જીવનમાં મોટો ફર્ક હોય છે. આજની પૃથ્વિ હિંસામાં ડૂબેલી છે…. અહિંસા અેક આદર્શ છે. પ્રેક્ટીકલ નથી. આપણે બઘાઅે રોજીંદા જીવનમાં જીવવાનું હોય છે. મંદિરોના વાતાવરણમાં જીવવાનું હોય છે. પોલીટીશીયનોના બનાવેલા વાતાવરણમાં જીવવાનું હોય છે. છુટકો જ નહિ…….
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a Reply to Amrut Hazari. Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s