રોગનું પૃથકકરણ

એક જોષ જોનારા અને દુ:ખ–દર્દ દુર કરનારનો સત્યશોધક સભાના કાર્યકરોએ પર્દાફાશ કર્યો ત્યારે તેઓને કયું નજરાણું મળ્યું? ‘તેરી ભી ચુપ ઓર મેરી ભી ચુપ’ ચાલતું હોય તેવા અકથીત રોગના ચીહ્નો ક્યા? આ રોગમાં દર્દીને શું થાય? દર્દીએ પસન્દ કરેલા તબીબ શું નીદાન કરે છે? આ રોગનો સમયગાળો કેટલો હોય છે? આ રોગના કયા પરીણામ આવે છે? આ બધા સવાલોના જવાબ જાણવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવી રહી..

રોગનું પૃથકકરણ

        –પ્રા. સુર્યકાન્ત શાહ

(આ પુસ્તકના પ્રથમ લેખ https://govindmaru.com/2019/05/03/suryakant-shah/  ­­­­­­­ના અનુસન્ધાનમાં..)

આ અકથીત રોગ સમાજમાં એટલો બધો વ્યાપક છે કે એનાથી હેરાન કે નુકસાન સહન કરનારા જાહેરમાં એકરાર કરી શકતા નથી કે પોતે મુર્ખ પુરવાર થયા છે! માણસ પોતાની આર્થીક ગરીબાઈ કે મેલેરીયા જેવા રોગની જાહેરાત સહજતાથી કરી શકે છે પણ પોતાની મુર્ખાઈ, પુરવાર થાય છતાં; એકરાર કરતો નથી. કદાચ, અહમ્ને કારણે એવો એકરાર કરી શકાતો નથી.

આમ સમાજમાં આવા અકથીત રોગ માટે ‘તેરી ભી ચુપ ઓર મેરી ભી ચુપ’ ચાલતું હોય તો એ અકથીત રોગની વેદના પણ અકથ્ય જ રહેવાની. એકસોમાં નવ્વાણુ માણસોને ખ્યાલ આવી ગયો હોય કે ભુવા–મૌલવીના કહેવા પ્રમાણે કશું થયું નથી; છતાં તે એનો એકરાર કરશે નહીં. જે એકસોમાં માણસનાં સન્દર્ભે જો કંઈ સાચું પડી ગયું હોય તો, આંકડાશાસ્ત્રના સમ્ભવીતતાના સીદ્ધાંતે અથવા તો અકસ્માતે તે સાચુ પડ્યું તેવું સ્વીકારવાને બદલે, ભુવા–પીરની સફળતાનાં નગારાં વગાડવામાં આવશે. આ નગારાં એટલા જોરથી વગાડવામાં આવે છે કે જેમાં બાકીના નવ્વાણુની અકથ્ય વેદનાનો સીસકારો પણ સંભળાતો નથી. સોમાંથી એકની સફળતાનાં નગારાંને આદરપુર્વક કાન આપનારો સમાજ પણ એક રોગીષ્ઠ સમાજ જ ગણાય.

સત્યશોધક સભા’, સુરતને મળેલું નજરાણું

સુરતની સત્યશોધક સભા પ્રજામાં રૅશનાલીઝમનો સ્વીકાર થાય તે માટે પ્રયત્નો કરે છે. ચમત્કારના નામે લોકોને છેતરનારાઓને સભાના કાર્યકરો પડકારીને ખુલ્લા પાડે છે. એમના ચમત્કારોમાં સંતાયેલી છેતરપીંડી અને ચાલાકીને ખુલ્લી કરે છે. એ સભાના ઉપપ્રમુખ તરીકે મારી પાસે દળદાર અને ફુલસાઈઝના ચાર ચોપડા આવ્યા છે. સભાના તત્કાલીન સહમન્ત્રી શ્રી. મધુભાઈ કાકડીયાની સાથે શ્રી. સીદ્ધાર્થ દેગામી (મન્ત્રી) અને શ્રી. ગુણવંતભાઈ ચૌધરી (સભાના કારોબારી સભ્ય) અને અન્ય કાર્યકરોએ એક જોષ જોનારા અને દુ:ખ–દર્દ દુર કરનારને પડકાર્યો. થોડી રકઝક બાદ એ ભાઈએ લેખીત માફી માંગી અને ભવીષ્યમાં પોતે એવા જોષ કે ચમત્કારોનાં ગપ્પાં ફેલવશે નહીં તેવી લેખીત ખાતરી આપી.

એના મુર્ખ અનુયાયીઓ તરફથી મળેલ ‘દાન–દક્ષીણા’ તો સભાના કબજામાં આવ્યાં; પરન્તુ એ ભાઈ એમના અનુયાયીઓની વીગતો લખેલા જે ચોપડા રાખતા હતા તેમાંથી ચાર, એ ભાઈએ સભાના કાર્યકરોને આપી દીધા. સભાના કાર્યકરોએ ‘દાન–દક્ષીણા’ને તો આજુબાજુનાં ઘરોમાં વીતરીત કર્યા અને શ્રી મધુભાઈ પેલા ચોપડા મને આપી ગયા. કહેતા ગયા કે, મારે એ ચોપડા વાંચવાના તો ખરા જ; પરન્તુ આગળ વધીને એમાં રહેલી વીગતોને સમાજની વચ્ચે મુકવી.

 આ કામ મારે કરવાનું છે, એવી સ્પષ્ટતા પણ એમણે કરી. મેં આ ચોપડા વાંચ્યા અને મને સમજાયું કે ભગત (આ માણસનું ઉપનામ) પાસે એક વર્ષના ટુંકા ગાળામાં સેંકડો માણસો આવ્યા હતા. આ લોકો ખોટા સ્થળે અને ખોટા માણસ પાસેથી ઉપચાર કરાવવાના અકથીત રોગથી પીડાતા હતા. તેથી એ લોકોએ એમની સમસ્યાને આ ભગતને જણાવી. આ જ સમયગાળામાં શહેરમાંના અન્ય સેંકડો ભગતો અને એમની પાસે સમસ્યા–ઉકેલ માટે જતાં હજારો ‘દર્દીઓ’(?)ની ગણતરી માંડીએ તો સમજાય છે કે આ અકથીત રોગથી સમાજનો અડધાથી પણ વધારે ભાગ પીડાય છે.

આ પુસ્તક દ્વારા આપણા સમાજનું અસલી સ્વરુપ તમારી સમક્ષ રજુ કરવાનો હું યત્કીંચીત પ્રયાસ કરું છું. સમાજના અસલી ચહેરાને દર્શાવાતા આ ચોપડા સાચે જ સત્યશોધક સભા’ને મળેલું એક નજરાણું છે. આ ચોપડાનો અભ્યાસ કરતાં તો સૌથી પહેલાં મને એ સમજાયું છે કે આપણો સમાજ અકથીત એવા રોગથી પીડાય છે. સમસ્યા સાથે જેને સ્નાનસુતક સમ્બન્ધ નથી એવા ખોટા માણસો પાસેથી ખોટા ઉકેલો મેળવવાની આકાંક્ષા પોતે એક રોગ છે અને તે અકથીત છે તેનો ખ્યાલ મને  ચોપડાઓએ આપ્યો છે તેથી પણ એ ચોપડાઓને હું સભાને મળેલા નજરાણા તરીકે સ્વીકારું છું.

આ રોગના ચીહ્નો ક્યા? આ રોગમાં દર્દીને શું થાય? દર્દીએ પસન્દ કરેલા તબીબ શું નીદાન કરે છે? આ રોગનો સમયગાળો કેટલો હોય છે? આ રોગના કયા પરીણામ આવે છે? આ બધા સવાલોના જવાબ આ અકથીત રોગનું પૃથક્કરણ કરી આપે છે.

1. રોગનાં ચીહ્નો :

આ રોગ માનસીક છે. આથી, શરીર પર એનાં કોઈ ચીહ્ન દેખાતાં નથી; છતાં જ્યારે સમસ્યાનો વીચારવાયુ થાય ત્યારે ગળુ સુકાય છે. અને કેટલીકવાર હાથ–પગ ઠંડા પડી જતા હોય છે. આ બધાં ચીહ્નો અકથીત રોગને કારણે શરીર પર દેખાતા હોય છે.

આ રોગ માનસીક હોવાથી દર્દી સાથે હેતુપુર્વક સંવાદ દ્વારા એનાં ચીહ્નો પારખી શકાય છે. ભગત તરફથી મળેલા ચોપડામાં આ અકથીત રોગથી પીડાતી સ્ત્રીઓ કુલ દર્દીઓના પચાસ ટકાથી વધારે હતી. આ સ્ત્રીઓમાંની સાંઠ ટકા કરતાં વધારે સ્ત્રીઓને પુત્રરત્ન પ્રાપ્ત થતું નથી તેની ફરીયાદ હતી. આ કથીત રોગથી પીડાતી સ્ત્રીઓમાંની કેટલીક સ્ત્રીઓ જાણતી હતી કે બાળકનું હોવું, નહીં હોવું અને છોકરી હોવી કે છોકરો હોવો તે માટે એ એકલી કારણભુત હોતી નથી. એ માટે એના પતી પણ કારણભુત હતા.

આ સ્ત્રીઓ પૈકીની કેટલીક જાણતી હતી કે બાળક મેળવવા માટે વીજ્ઞાન મદદ કરી શકે તેમ હતું. એ વીજ્ઞાન અનુસાર સુશ્રુષા આપનાર અધીકૃત તબીબની માહીતી પણ આ સ્ત્રીઓ પૈકી કેટલીકને હતી; છતાં પોતાની સમસ્યાના ઉકેલ માટે એમણે ખોટા માણસને જ પસન્દ કરવાની અને તેની પાસેથી ખોટો ઉકેલ મેળવવાની વ્યાધી આ સ્ત્રીઓને એટલી બધી સતાવતી હતી કે તેઓએ આ ભગત પાસે ‘જવાનું’ સ્વીકારેલું. ભગત એના ચોપડામાં એવી સ્ત્રીઓની વીગતો લખતો. ઘોડીયાનું ચીત્ર પાડતો. ઘોડીયાના ચીત્ર નીચે આ સ્ત્રીના માસીક ધર્મના ઘડીયાળ સાથે ‘મુલાકત’ની તારીખ લખતો. આ તારીખો મહીનાના આંતરે અપાતી. ત્રણ–ચાર વાર તો એ ‘બોલાવતો’ જ.

સ્ત્રી–દર્દી માસીક ધર્મના ઘડીયાળ સાથે આ ‘મુલાકાત’ની ઘડીયાળ ગોઠવાતી એવું તારણ નીકળે છે. આવી સ્ત્રીઓને અકથીત રોગ થયો છે કે કેમ તે જાણવા માટે એમને સંતાન છે કે નહીં તે જાણવું પડે. વાતોમાં ને વાતોમાં તે મેળવવાની એની ઝંખના કેટલી છે તે જાણવું પડે. વાતોમાંથી આટલું જાણ્યા પછી એ સ્ત્રી ‘દૈવયોગે’ બાળક/પુત્ર પ્રાપ્તી થશે એવું જણાવે અને પછી સુનમુન થઈ જાય તો જાણવું કે એને આ અકથીત રોગ થયો છે. આ વાતોથી પુત્ર ઘેલછા અને પુત્રી તીરસ્કાર પણ જાણવા મળે.

આ તબકકે એને સાચા વૈજ્ઞાનીક ઉકેલ બતાવવામાં આવે અને તે પરત્વે એ ઉદાસીનતા દાખવે, એવા ઉકેલ પરત્વે અવીશ્વાસ પ્રગટ કરે અથવા તો એ ઉકેલ ખોટા હોવાનું જણાવે તો કહી શકાય કે એને ખસુસ આ અકથીત રોગ થયો છે.

2. આ રોગમાં દર્દીને શું થાય?

આ રોગમાં દર્દીને ઠગારી આશા મળે. જે આશા કદી સીદ્ધ થવાની નથી તે આશા ચોક્કસ સીદ્ધ થશે તેવું તે માનતો થઈ જાય છે. એને એવો ભાવ પ્રાપ્ત થાય છે કે એને આલમ્બન પ્રાપ્ત થયું છે કે જે એની મનોકામનાને સંતોષશે. કોઈ પણ પ્રકારના પોતીકા પ્રયત્નો કર્યા વીના મનોકામના સીદ્ધ કરવા માટે ભગત–પીરનું આલમ્બન સ્વીકાર્યા બાદ દર્દીમાં આ ભગત–પીરને સમર્પીત થઈ જવાનો ભાવ પેદા થાય છે.

એ દર્દી મટીને ભક્ત થઈ જાય છે. એને સતત એવો ભ્રમ રહે છે કે ભગત–પીર એનું જ કામ કરે છે. મુઠ, મારણ, તારણ, હવન જેવી પ્રયુક્તીઓથી ભગત–પીર જે કંઈ કરી રહ્યા છે તે એની મનોકામના સીદ્ધ કરવા માટે કરી રહ્યા છે એવો ખ્યાલ એને પરમ સંતોષ આપે છે.

આ રોગમાં દર્દીને ઠગારી આશાથી માંડી ભ્રમ સુધીના જે દર્દ થાય છે તેને દર્શાવતો એક પત્ર કે જે ભગતને મળ્યો હતો તેમાંનો થોડોક પાઠ અત્રે પ્રસ્તુત છે :

‘‘મારી સાથે દુકાનદાર બાઈએ એની રાજીખુશીથી પરણવાની ઈચ્છા દર્શાવી છે. તે પણ મારી કામવાળી બાઈ સાથે કહેણ મોકલ્યું હતું. એની ઉમ્મર 47 વર્ષની છે. એ બાઈ કુંવારી છે. એનો બાપ આશરે ત્રણેક વર્ષ થયા ગુજરી ગયો છે. એની મા મેલીવીદ્યાની જાણકાર–શીખેલી છે. એનું કહેવું છે કે, ‘મેં તો ભસ્મીલાને પાણી પાયું છે.’ તો એનો મને શું હીસાબ? તેની દીકરી પાસે પોલીસમાં ફરીયાદ કરાવી મને જેલમાં બેસાડેલો. બીજા દીવસે જામીન પર છોડાવેલો. જેને માટે તમારે (એટલે કે ભગતે –સુ.) એવો બન્દોબસ્ત કરવાનો જે તા. 3-4ના રોજ ઠરાવ છે તે દીવસે (પેલી કુંવારી બાઈ) એની મા પાસે કેસ ખેંચાવી લે. કોર્ટમાં આવી ‘દીકરા ભુલ થઈ’ એમ કહીને મને બોલાવી જાય અને સામે ચાલીને કહે કે ‘દીકરા! મારી દીકરીની તારી સાથે લગ્ન કરવાની ઈચ્છા છે પણ હવે તું બધું ભુલી જા અને મારી દીકરીને પરણવાની ના નહીં કહેતો, અને હા… કહેજે… એવી રીતે કહીને ઘરમાં રાખજે…’ એ એના ભાઈનું કહેલું કે બીજા કોઈનું બી કહેલું માને નહીં અને દુશ્મનોનાં મોંઢા કાળા પડે, એવી રીતનું કામ કરવાનું છે. (બાઈ) પણ ઘણી જ માયાથી વર્તે અને એની મા પણ; અને મારી બહેન, મારો ભાણેજ કે ભાણેજવહુ કોઈ બી સમ્બન્ધીઓ ખુશ થાય. મને અગર એ બેઉ માંય દીકરીને બી કશું કહે નહીં… તેમ તમારે કરવાનું છે.’

આ પત્ર અકથીત રોગના એક દર્દીએ ભગતને લખ્યો છે. એનો બરાબર અભ્યાસ કરતાં સમજાશે કે (1) તા. 3/4ના રોજ કેસ પાછો ખેંચાઈ જાય. (2) મનગમતી છોકરી (47 વર્ષની બાઈ!)ની માતા સ્વયંભુ એની દીકરી સાથે લગ્નનો પ્રસ્તાવ મુકે. (3) અન્યો તેને આવકારશે. આ બધી ઠગારી આશાનો પત્રલેખક ભોગ બન્યો છે. આ ત્રણે અપેક્ષાઓ સીદ્ધ થાય તે માટે પત્રલેખકને ભગતનું આલમ્બન છે. આથી, પોતાની અપેક્ષાઓ સીદ્ધ કરવા માટે ખુદ કોઈ પ્રયત્નો કરશે એવું તે પત્રમાં જણાવતો નથી.

એ પત્રમાં જણાવે છે કે દીકરીની મા અને અન્યો પત્રલેખકની ઈચ્છા પ્રમાણે વર્તે તે માટે જે કંઈ કરવાનું છે તે ભગતે કરવાનું છે. આ બધું ભગત મુઠ–મારણથી કરશે એવી પત્રલેખકની માન્યતા છે. આમ, આ રોગમાં માણસને ઈચ્છાધીન વીચારો આવે છે અને એ વીચારોને બીલકુલ ત્રાહીત માણસ સાકાર કરશે એવો ભ્રમ થતો હોય છે.

3. દર્દીએ પસન્દ કરેલ તબીબ(?)નું શું નીદાન આવે છે?

આ અકથીત રોગ એવો છે કે જેમાં દર્દી તબીબને પસન્દ કરે છે. તબીબ તે રોગ દુર કરી શકશે કે કેમ, એ માટે તેની ક્ષમતા છે કે કેમ તે વીચારતો નથી. કાનનો દુખાવો થાય તો દર્દી કાન–નાક–ગળાના નીષ્ણાત એવા તબીબ પાસે ઉપચાર માટે જશે; પરન્તુ બાલરોગના નીષ્ણાત એવા તબીબને ત્યાં નહીં જશે. આ રોગના દર્દીને માત્ર ગામગપાટાથી જાણવા મળે છે કે આ ભગત જેવા માણસો દર્દીની બધી જ કામના સંતોષી શકે તેમ છે!

આથી જ તો, આ ભગતના ચારે ચોપડા તપાસ્યા તો એની પાસે બાળકોની અપેક્ષાવાળી સ્ત્રીઓ, પ્રેમીકા પામવા મથતા નીષ્ફળ પ્રેમીઓ, મીલ્કતો નહીં વેચાતી હોય તો તે વેચનારાઓ, નીષ્ફળ ધંધાદારીઓ, ગુમ થયેલા સગાને પુન: મેળવવા માંગનારા જેવા અનેકવીધ પ્રશ્નોથી સંતાપ પામનારા બધા જ એમ માને છે કે બધાના બધા પ્રશ્નોના ઉકેલ એક ભગત આણી શકશે? આવા વૈવીધ્યસભર પ્રશ્નોના ઉકેલ એક જ માણસ આપી શકે તેવું માનવું એ પોતે એક માનસીક રોગ છે.

આવા માનસીક રોગથી પીડાતા એટલે કે અકથીત રોગથી પીડાતા માણસો એમના માનેલા તબીબ પાસે જાય છે. આવા દર્દીઓ માટે ભગતે એના ચોપડામાં ઠેર ઠેર લખેલું છે તેવા નીદાન કરે છે. એ લખે છે કે : (1) હાલમાં ગર્ભ ચાલુ થાય તેમ જ કરીને આપવાનું છે. (2) સર્વે સારું થાય તેમ કરવાનું છે. (3) ચોપડાઓના અનેક પાન પર સ્ત્રીઓના સ્તન હાથેથી ચીતરીને ભગત લખતા હોય છે કે ડાબી/જમણી છાતી પર વધારે અસર થઈ ગયેલી છે… (4) જોવાનું છે. (5) શરીર બાબત જોવાનું છે.

આમ, આ ભગત નામનો તબીબ એના ચોપડામાં કોઈ પણ સમસ્યા/રોગનું ચોક્કસ નીદાન લખતો નથી. ‘જોવાનું છે’ અને ‘કરવાનું છે’ જેવા તદ્દન સામાન્ય નીવેદન નોંધે છે.

સ્ત્રીઓનાં બન્ને સ્તન બહુધા સમાન હોતાં નથી તેથી એને જેવાં દેખાય તેવાં નાનાં અને મોટાં ચીતરે છે. જે સ્તન બીજા કરતા મોટું હોય તે સ્તન પર તીરથી દર્શાવીને મહદંશે લખે છે કે ત્યાં વધારે અસર થઈ ગયેલી છે. એના આ ચાર ચોપડામાં પાંચેક પાના પર સ્ત્રીઓની યોની પણ હાથેથી ચીતરી છે અને ત્યાં પણ ‘જોવાનું છે’ જેવું સામાન્ય નીવેદન કર્યું છે. આશ્ચર્યકારક રીતે એણે કોઈ પણ પુરુષની વાળવાળી કે વાળવગરની છાતી અથવા તો લીંગનું ચીત્ર ચીતર્યું નથી! જે કોઈ ચીત્રો એણે દોર્યા છે તે સ્ત્રીઓના જ દોર્યા છે! આમ, એ પોતાના ચોપડામાં નીદાન ભેગો જ ઉપચાર લખી દે છે.

મોટે ભાગે ‘જોવાનું છે’નો ઉપચાર હોય છે! બાળક માંગતી મહીલાઓને તે મહીનાના આંતરે ‘મળવાનો’ સમય આપે છે. કેટલીક આકાંક્ષી માતાઓને એણે છ–સાતવાર ‘મળવાનો’ સમય આપ્યો હતો! જો કોઈ દર્દી અધવચ્ચેથી એના ‘ઉપચાર’ને છોડી દે તો ચોપડામાંની એની લખેલી વીગતો પર ભગત ચોકડી મારી દેતો હતો. ત્યાં કેટલીક વાર નોંધ લખાયેલી છે : ‘જોવાનું નથી. શ્રદ્ધા નથી.’ આમ, આ વાક્યો સુચવે છે કે આ તબીબ(?)ના ઉપચારથી દર્દીના રોગ/દુ:ખ દુર થતા નથી; પરન્તુ દર્દીની ખુદની શ્રદ્ધાથી તે દુર થાય છે! વાસ્તવમાં શ્રદ્ધાથી પણ રોગ/દુ:ખ દુર થતા નથી. સમય વહે છે એટલે ક્યાં તો રોગ/દુ:ખ એટલા વધી જાય છે કે દર્દી જ અદૃશ્ય થઈ જાય છે અથવા તો રોગ/દુ:ખ પોતાની મેળે એટલા ઓછા ગમ્ભીર થઈ જાય છે કે તેના આપોઆપ ઉકેલ આવતા હોય છે, આ ત્રણે વીકલ્પોમાં કોઈ ફાળો નથી.

4. આ રોગનો સમય–ગાળો કેટલો હોય છે?

આ અકથીત રોગ મનોવૈજ્ઞાનીક દૃષ્ટીએ વીકૃતી છે. એના ઉકેલ માટે તદ્દન અક્ષમ એવા ભગત–પીરનો આશરો લેવાય છે. પરીણામે રોગી/દુ:ખી પોતે અદૃશ્ય થઈ જાય અથવા રોગ/દુ:ખને શમતા કુદરતી રીતે જેટલા સમય લાગે તે આ રોગનો સમય–ગાળો બને છે. શારીરીક રોગો પૈકી કમળા, શરદી જેવા રોગના અક્સીર ઉપાય હજી શોધાયા નથી. એની સાત–આઠ દીવસની મુદત પુરી થતા એ દુર થાય છે. બરાબર એ જ પ્રમાણે દર્દીની માનસીક પરીસ્થીતી બદલાતાં જે સમય લાગે તેટલા સમય–ગાળા જેટલો આ રોગ રહે છે. ભગતે કેટલાક દર્દી અંગે નોંધ્યું છે તેમ (1) ‘શ્રદ્ધા નથી’ જેવું થાય. (2) પુત્રપ્રાપ્તીની આકાંક્ષા સીદ્ધ કરવા માટે ભગતને દર્દી(મહીલા) વારંવાર ‘મળતી’ રહે તેવા ‘મીલન’ સફળ થાય ત્યારે (3) સમય પસાર થતાં સમસ્યા પોતાની મેળે હળવી થાય છે કે દુર થાય તે સમય–ગાળા નીર્ણીત હોતા નથી તેમ જ ભગત–પીર નક્કી કરી શકતા નથી. દર્દીની માનસીક પરીસ્થીતી અને ‘શ્રદ્ધા’ તે સમય–ગાળો નક્કી કરે છે. જેમ શ્રદ્ધા વધારે તેમ આ રોગનો સમય–ગાળો વાધરે લાંબો હોય છે! આ સમય–ગાળા દરમીયાન દર્દી પીડાતો તો હોય જ છે!

5. આ રોગના કયાં પરીણામ આવે છે?

વાસ્તવમાં આ માનસીક વીકૃતી છે. આ વીકૃતીને દર્દી જેટલો સમય વધારે સમય વીચારે અને તેને પરીણામે તણાવ ભોગવે એટલો સમય તેનાં શરીરમાં લોહીનાં ઉંચા દબાણ, ચામડીની ધ્રુજારી, હાથ–પગનું ઠંડા પડવું જેવા પરીણામ આવે છે. ભગતના ચોપડામાં કેટલાક દર્દીઓ કે જેમાં મુખ્યત્વે સ્ત્રીઓ છે તે અંગે જણાવવામાં એક પાન પર જે લખવામાં આવ્યું હતું તે એનો નમુનો છે :

‘શરીરમાં લોહી ઘણું જ ઓછું થઈ ગયેલું બતાવે છે. શરીરમાં તાવ ચઢતો ઉતરતો રહ્યા કરતો બતાવે છે. ઉંઘ ઘણી જ ઓછી આવે. બેચેની ને ગભરાટ રહ્યા કરે છે. શરીરમાં સ્ફુર્તી ને શક્તી નથી. ખોરાક–પાણી ઘણો જ ઓછાં લેવાય. શરીરમાં હાથે–પગે વેળ આવે, થાકને થાક લાગે. બહુ હાલીચાલી શકતા નથી. થાકને થાક લાગે. સુઈ જ રહેવાનુ મન થાય. બહુ બોલીચાલી શકવાનું ઓછું. ગભરામણ થયા કરે.’

આમ, ચોક્કસ આકાંક્ષા, સમસ્યા કે પરીસ્થીતી માણસને જ્યારે તંગ કરે છે ત્યારે શરીર પર એની જે અસર થાય તેને ભગતના ચોપડાનું આ લખાણ દર્શાવે છે. વાસ્તવમાં આ માનસીક વીકૃતી છે. દર્દી એને જ રોગ માનીને તેના ઉપચાર માટે ભગત–પીર પાસે દોડે છે! ભગત એની વીગતો લખવાનું ડોળ કરીને ‘જોવાનું છે’નો ઉપચાર લખીને દર્દી પાસેથી પૈસા પડાવી લે છે. ભગત–પીર એ દુર કરવા માટે જરાય સક્ષમ નથી. દર્દીની શ્રદ્ધાનું પુરું અને અનેકવીધ શોષણ કરીને ભગત–પીર મુઠ મારવી, મારણ–તારણ કરવું, યજ્ઞ–હવન કરવાં, દરગાહ પર ચાદર ચાદર ઓઢાડવી જેવા નુસખા અજમાવી દર્દીના ખીસ્સા ખાલી કરે છે. શ્રદ્ધાના જોરે જ દર્દી માનતો થઈ  જાય છે કે એની આકાંક્ષા સીદ્ધ થઈ કે સમસ્યા હલ થઈ. વાસ્તવમાં એ હલ થતી નથી. એ તો વધુને વધુ વીકરાળ બનતી હોય છે. દર્દી માનસીક રીતે વધુ ને વધુ ભાંગતો જાય છે. કદાચ કોઈક પરીબળને કારણે એકાદ ટકા દર્દીઓમાં જો ઉકેલ આવે તો એની શ્રદ્ધા વધારે ઘટ્ટ બને છે, જે એના ભાવી જીવનમાં વધારે મોટી આફતનું કારણ બને છે. આમ, આ રોગનું પૃથક્કરણ સ્પષ્ટ કરે છે કે માણસ પોતાની જાળમાં પોતે જ ફસાતો હોય છે. ભગત–પીર જેવા ઠગ એને ફસાવી શકે છે; કારણ કે એની બુદ્ધીને લકવો લગાડતી શ્રદ્ધા દર્દીને વળગેલી હોય છે. ખરેખર એની માનસીક વીકૃતી અસહ્ય બનતી હોય અને રોગનું સ્વરુપ પકડતી હોય તો એણે મનોચીકીત્સકને મળવું જોઈએ. ઉપરાંત, પોતાની આકાંક્ષાની સીદ્ધી માટે કે સમસ્યાના નીવારણ માટે માણસે પોતે જ પ્રયત્નો કરવાના છે તે એણે બરાબર યાદ રાખવું જોઈએ.

પ્રા. સુર્યકાન્ત શાહ

લેખક પ્રા. સુર્યકાન્ત શાહનું પુસ્તક ‘આપણો માંદો સમાજ’ (પ્રકાશક : ‘સત્યશોધક સભા’, C/o શ્રી શં.ફ. અગ્રવાલ ટ્રસ્ટ, 8/1308, રંગીલદાસ મહેતાની શેરી,  ગોપીપુરા, સુરત  395 001 પાનાં : 66, મુલ્ય : રુપીયા 30/–)માંનો આ બીજો લેખ, પુસ્તકનાં પાન 7થી 13 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : પ્રા. સુર્યકાન્ત શાહ, 17, ગાયત્રી ગંગા નગર, મકનજી પાર્ક પાસે, અડાજણ, સુરત–395009 સેલફોન : 98793 65173 ઈ.મેઈલ : suryasshah@yahoo.co.in

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 20–05–2019

7 Comments

    1. વહાલા વીનોદભાઈ,
      આપના પ્રતીભાવનું હાર્દીક સ્વાગત. આભાર.
      મને મળેલું બહુમાન, ‘અભીવ્યક્તી બ્લૉગ’ના લેખકમીત્રો અને વાચક–વ–પ્રતીભાવકમીત્રોને મળેલું બહુમાન છે, જે મારા ઉમંગને સતત વધારતું રહેશે. મારી આંખ અને આંગળીઓ કાર્ય કરશે ત્યાં સુધી હું રૅશનાલીઝમ પ્રત્યે સમર્પીત રહી, રૅશનલ યોગદાન આપતો રહીશ.
      આભાર સહ.
      –ગોવીન્દ મારુ

      Like

  1. આંખ ઉઘાડનારું પ્રકરણ.
    આ પ્રકરણ વાંચ્યા પછી પણ બીજા ‘ ભગતો‘ ની મહેફીલ ચાલુ રહેતી હશે.
    વાંક લોકોનો છે અને તેમની માનસીક પરીસ્થિતિ તૈયાર કરનારનો છે. અભણતા તેમાં પહેલું કારણ. પૂત્રપ્રાપ્તિ ફક્ત પુરુષના થકી જ થાય.
    ચાર પુસ્તકો લખનાર ભગતનો આભાર માનવો રહ્યો કે તેણે પુસ્તકો લખ્યા….અે સત્યશોઘક સભાને ભાથુ ભેટ આપ્યુ. રસ્તો બતાવ્યો.
    સરસ આર્ટીકલ.
    લોકોના આંખ, કાન અને મગજ ખૂલે ત્યારે આનંદ માનવો.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  2. ખૂબ સુંદર કામ
    એવોર્ડ બદલ ધન્યવાદ
    રેશનલ વીજ્ઞાન ને નામે ચાલતી ઇરેશનલ વાતો નો પણ રેશનાલીસ્ટોએ વિરોધ કરવો જોઇએ
    ‘એ વીજ્ઞાન અનુસાર સુશ્રુષા આપનાર અધીકૃત તબીબની માહીતી પણ આ સ્ત્રીઓ પૈકી કેટલીકને હતી; ..’અને કેટલીક બળાત્કારનો ભોગ બની તો એને હનીટ્રેપ કહેવાઇ ! ‘
    ખરેખર એની માનસીક વીકૃતી અસહ્ય બનતી હોય અને રોગનું સ્વરુપ પકડતી હોય તો એણે મનોચીકીત્સકને મળવું જોઈએ.’ આમા પણ…
    મુનસફહી મેરા કાતિલ હૈ
    હક્કમેં ક્યા ફેંસલા દેગા…
    મનોચિકીત્સકોનો દવાની કુંપની સાથે થતો વેપાર,ખૂબ મોઘી દવા પોષણક્ષ્મ્ય ન બનતા સમાજને નુકશાન… આ ખૂબ જાણીતી વાત …આ અંગે રેશનલ વાત મૂકવી જોઈએ.
    જે સંતો જ છે અને સમાજસુધારણાના કામો કરે છે તેની રેશનાલીસ્ટોએ પ્રેરણા લેવી જોઇએ કેટલાક જાણીતા સંતો મીરાંબાઇનો વિરોધ ‘વ્રજમા રહી હજુ પુરુષ રહ્યા છો ધન્ય તમારો વિવેક ! ‘કબિર કાશીના રહેવાસી પણ ત્યાં મ્ર્ત્યુ પામનારની સદ્ગતિ થાય તે માન્યતા ના વિરોધમા મ્ર્ત્યુ પહેલા દોઝક મળે તે જગ્યાર મ્ર્ત્યુ પામ્યા …તુલસીદાસને સમાજની
    સમજાતી ભાષામા લખવા માટે પ્રદેશ છોડાયો,રાબિયા,મંસૂર મસ્તાના ,બુલેશાં જેવાએ રેશનલ વાત માટે શદાહત વહોરી
    સાંપ્રત સમયે પણ સ્વામી સચ્ચિદાનંદની રેશનલ વાતો, આ અબ્દુલ કલામજીને શિવાનંદજીએ આપઘાત કરતા રોક્યા તેવા અનેક સંતોની સરાહના કરવી જોઇએ. સુરત જીલ્લામા …સુરાલી અએ કુંકોતર ના હાડવૈદ્ય જેવા અનેકો એ બદનામી વહોરી જે મફત સારવાર કરી તેને સહજ વંદન થાય અને કમળામાંથી કમળી થઇ મરણ પામેલા તબિબો સામે મફત
    અથવા સામાન્ય ખર્ચાથી દર્દ માટાડનારની સરાહના પણ થવી જોઇએ.
    ધૂતારા સામે લડત સરાહનીય છે જ તેટલી જ કાળજી સંતો અને સમાજસેવકોની બદનામી ન થાય તે કાળજી રાખવી જોઇએ

    Liked by 1 person

    1. વહાલાં પ્રજ્ઞાદીદી,
      આપના પ્રતીભાવનું હાર્દીક સ્વાગત. આભાર.
      મને મળેલું બહુમાન, ‘અભીવ્યક્તી બ્લૉગ’ના લેખકમીત્રો અને વાચક–વ–પ્રતીભાવકમીત્રોને મળેલું બહુમાન છે, જે મારા ઉમંગને સતત વધારતું રહેશે. મારી આંખ અને આંગળીઓ કાર્ય કરશે ત્યાં સુધી હું રૅશનાલીઝમ પ્રત્યે સમર્પીત રહી, રૅશનલ યોગદાન આપતો રહીશ.
      આભાર સહ.
      –ગોવીન્દ મારુ

      Like

  3. ૨૧ મી સદી મા નિદ્રાધીન સમાજ ને જગાડવાનુ તમે જે બીડું ઝડપ્યું છે તે ખરેખર અભિનંદન ને પાત્ર છે 🙏🏻
    આવા લેભાગુ ભુવા-પીર-મૌલવી-ભગત-બાપુઓ ઠગ હોય છે તેમની ઠગારી પ્રયુકતીઓ થી સમાજ ને મુક્ત કરવાનું અભિયાન કરવું એ સમય ની માંગ છે, આભાર 🙏🏻

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s