‘સારો માણસ’ કોને કહીશું?

સૌથી મહત્ત્વનો સવાલ છે કે સમાજમાં કેટલાક ‘સુખી’ ને કેટલાક ‘દુ:ખી’, કેટલાક માલેતુજાર અને કેટલાક રંક, કેટલાક મુડીપતી અને કેટલાક શ્રમજીવી હોય છે તો શું આ બધાને એક જ લાકડીએ હાંકવાના? આ કેમ સુખી અને આ કેમ દુ:ખી? આ કેમ ધનીક ને આ કેમ ગરીબ? તેના વીશે બુદ્ધીથી, વૈજ્ઞાનીક પદ્ધતીથી વીચાર્યા પછી જે તારણ આવે તેને લઈને જીવનપથ નક્કી કરવાનો? કે ‘તટસ્થ’ રહી વીચારણાથી સંતોષ પામવાનો? કે પછી આમાંથી જે કંઈ સત્ય લાધે તેનો પક્ષ લેવાનો અને જીવનપથ નકકી કરવાનો?

સારો માણસ’ કોને કહીશું?

–મનીષી જાની

ઘણાં વર્ષો પહેલાં જ્યારે હું ‘સાર્વત્રીક પ્રાથમીક શીક્ષણ સામેનાં અવરોધક પરીબળો’ વીષયક, પીએચ.ડી.ની ડીગ્રી માટે સંશોધનકાર્ય કરતો હતો ત્યારની આ વાત છે. આપણા ગુજરાતના આદીવાસી વીસ્તારોમાં આવેલી પ્રાથમીક શાળાઓના શીક્ષકો અને અભ્યાસ કરતાં બાળકોના વાલીઓને સંશોધન પ્રશ્નાવલીના ભાગ તરીકે પ્રશ્ન પુછતો કે : તમેસારો માણસ કોને કહો છો?

શીક્ષકો કે જેમાં કેટલાક આદીજાતીના ય હતા તેઓ જવાબમાં જણાવતા : ‘જે ભણેલો હોય, સ્વચ્છ રહેતો હોય, વ્યવસ્થીત સાફસુથરાં કપડાં પહેરતો હોય, માથું ઓળતો હોય, રોજ નહાતો–ધોતો હોય, વડીલોને માન આપતો હોય, અપશબ્દો ન બોલતો હોય, બોલવાચાલવામાં વીવેકી હોય…’

જ્યારે પ્રાથમીક શાળામાં ભણતાં બાળકોના વાલીઓ, જેમાંના મોટાભાગના અક્ષરજ્ઞાનથી વંચીત હતાં તેઓ જવાબમાં કહેતા : ‘…એમાં શું? જે સુખદુ:ખમાં મદદ કરતો હોય એ સારો માણસ… એકબીજાના સારા–માઠા સમયે સાથે ઉભો રહે તે સારો માણસ, પરાયાને મદદગાર બને એ સારો માણસ…’ આ બન્ને પ્રકારના ‘ભણેલા શીક્ષકો’ અને ‘અભણ’ વાલીઓના જવાબોએ મુલ્યોના સન્દર્ભે મારા દીમાગના દરવાજા કાયમને માટે ખોલી નાંખ્યા.

એકબાજુ શીક્ષણ–પાઠ્યપુસ્તકો–સાહીત્ય પર કબજો ધરાવનાર મધ્યમવર્ગીય મુલ્યો અને બીજી તરફ આમજન, મહેનતકશ સમાજના મુલ્યો. આ બધાં મુલ્યોમાંથી કયા મુલ્યોને સાચા ગણવા, ખોટા ગણવા? કયા ત્રાજવે તોલવા?

આપણે જ્યારે તર્કના સહારે, વૈજ્ઞાનીક અભીગમથી વ્યક્તીઓ, ઘટનાઓ, સમ્બન્ધો, વહેવારો વીશે નીર્ણયો – નીષ્કર્ષો નકકી કરતાં હોઈએ ત્યારે આ પ્રશ્નો વધારે મહત્ત્વનાં બની રહે છે. વળી, આપણે જ્યારે રૅશનાલીસ્ટ હોઈએ, વીવેકપંથી હોઈએ ત્યારે તો ‘સારો માણસ વીવેકી હોય’ એનો અર્થ શો કરવાનો? જે વ્યક્તી મીઠું–મધુરું બોલતો હોય, વડીલોને વન્દન કરી તેના પગમાં પડતો હોય, ગુસ્સો ન કરતો હોય, ગાળ ન બોલતો હોય, વીરોધ ન કરતો હોય એ બધાયને શું આપણે વીવેકી એટલે કે ‘સારા માણસો’ કહીશું?

જવાબમાં કોઈ કહેશે કે વીવેકપંથ એટલે શ્રમજીવીવર્ગ, મધ્યમવર્ગ, શ્રીમન્તવર્ગ એવા ભેદભાવથી પર દરેક માણસને સમાન ગણી વીચારવાનો રસ્તો. કોઈક વળી એમ પણ કહેશે કે માનવકેન્દ્રી રહી બુદ્ધીના ત્રાજવે સારું–નરસું તોલીને ચાલવું એટલે વીવેકપંથી; પણ પ્રશ્ન ત્યારે ઉભો થાય છે જ્યારે જે તે વ્યક્તી કોઈ શ્રીમન્ત ઘરની છે, કોઈ મધ્યમવર્ગની છે તો કોઈ શ્રમજીવી કુટુમ્બની છે. અને આ બધાની સામાજીક–આર્થીક–સાંસ્કૃતીક પૃષ્ઠભુમી અલગ–અલગ હોવાથી તેમના સામાજીક–નૈતીક–સાંસ્કૃતીક મુલ્યો ભીન્ન્તા ધરાવે છે. આ ઉપરાંત જે તે બાળક જે તે કુટુમ્બમાં જન્મે છે તેમાં તેને જન્મની સાથે જ ધર્મ, જાતી, જ્ઞાતી ફરજીયાત મળે છે. મા–બાપને જે ધર્મમાં શ્રદ્ધા હોય એ ધર્મ જ બાળકે પાળવો અને તે પ્રમાણે જ રીતરીવાજો કે પુજાપાઠમાં જોતરાવું ફરજીયાત બની રહે છે. અને મા–બાપ એ ધર્મના પાયા પર જ રચાયેલાં મુલ્યોનું શીક્ષણ પોતાના બાળકો પર થોપે છે, પોતાના ધર્મ અને તે સાથે સંકળાયેલા જાતી–જ્ઞાતી કે પુરુષ–સ્ત્રી કે ઉંચ–નીચના મુલ્યોના રસ્તે બાળકોનું ઘડતર કરે છે, ઉછેર કરે છે.

આમ વર્ગીય અને ધાર્મીક ભીન્ન્તાના પાયા પર જ ઘડાયેલી વ્યક્તીની તર્કશક્તી, ઘડાયેલો દૃષ્ટીકોણ; અર્થઘટનો અને નીર્ણયો કરતાં હોય છે અને ત્યારે વીવેકપંથી માટે કયા મુલ્યોને આધારે નીર્ણય કરવો કે પૃથક્કરણ કરવું એ ‘યોગ્ય’ કહેવાય એ પ્રશ્ન ઉભો જ રહે છે. અને ખાસ તો આપણે રૅશનાલીસ્ટ તરીકે ધર્મનો, ઈશ્વરનો, અલૌકીક તત્ત્વનો વીરોધ કરીએ છીએ; પરન્તુ જે તે ધર્મની સાથે જોડાયેલાં સામાજીક –સાંસ્કૃતીક મુલ્યોને, ખ્યાલોને, વીચારોને, પુર્વગ્રહોને પુરેપુરા છોડી નાખીએ છીએ ખરાં?

દાખલા તરીકે લીંગભેદનું ઉદાહરણ લઈએ તો ધર્મના ટેકે ચાલતા પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓ શારીરીક રીતે પુરુષ કરતાં ‘નાજુક’ હોય છે. સ્ત્રીઓની બુદ્ધી પુરુષો કરતાં ઓછી હોય છે. સ્ત્રીઓ બૌદ્ધીક ઓછી અને ભાવનાશીલ વધુ હોય છે. સ્ત્રો ઝગડાળું, લાંબી જીભવાળી અને ઈર્ષાખોર હોય છે– એવાં મુલ્યો રુઢ થયેલા છે. પરણેલી સ્ત્રીના નામ આગળ શ્રીમતી લગાડાય, કુંવારીની આગળ કુ. લગાડાય, વીધવાના નામ આગળ ગં.સ્વ.(ગંગા સ્વરુપ) લગાડાય અને પુરુષો પરણેલા કે કુંવારા કે વીધુર બધાની આગળ ‘શ્રી’ જ લગાડાય! (અને અહીં પાયાનો મુદ્દો તો એ જ કે આ ‘શ્રી’ શબ્દ ક્યાથી આવ્યો?)

આપણી રોજબરોજની વાતચીત, વ્યવહારમાં, સાહીત્યકલા કે મનોરંજનમાં જાણેઅજાણે કુટુમ્બ દ્વારા વારસામાં મળેલા ઘર કરી ગયેલાં આ ખ્યાલો, માન્યતાઓ, વીચારો, મુલ્યો કામ કરતાં હોય છે અને ત્યારે સ્ત્રીપુરુષ સમાન છે એવા બુદ્ધીથી સ્વીકારેલા દૃષ્ટીકોણથી આપણે બોલીએ, વર્તીએ, લખીએ છીએ ખરાં? આ પ્રશ્ન ઘણો ગમ્ભીર છે અને બુદ્ધીવાદીઓની પરમ્પરામાં ઉવેખાયેલો રહે છે.

જોક્સ–ટુચકા સાહીત્ય આપણને આનન્દ ને મુક્ત ખડખડાટ હાસ્ય આપે છે એ સૌએ સ્વીકારવું રહ્યું; પરન્તુ મોટે ભાગે ટુચકા–જોક્સમાં કોઈના તરફનો દ્વેષ, પુર્વગ્રહ કે માન્યતાના સહારે જ હાસ્ય નીષ્પન્ન થતું હોય છે. જેવી રીતે ટીવી પર કાર્ટુનફીલ્મને આપણે બાળકો માટે નીર્દોષ મનોરંજન ગણીએ છીએ; પણ કાર્ટુનફીલ્મોમાં બદલાની ભાવના, જેવા સાથે તેવા, મારામારી, હીંસક હરીફાઈ અને પ્રાણીઓના પાત્રો દ્વારા જે હીંસા રજુ થાય છે તેને આપણી કાર્ટુનફીલ્મો વીશેની શ્રદ્ધાને લઈ આપણી બુદ્ધી, સહજ રીતે સ્વીકારી નથી શકતી; એવું જ જોક્સ–ટુચકા વીશે છે.

અહીં કેટલાક જોક્સ ‘વીવેકપંથી’ સામયીકમાંથી મુકું છું. આ મુકવા પાછળ મારો બદઆશય કે ‘વીવેકપંથી’ સામયીક અને તેના તન્ત્રી મુરબ્બી ગુલાબભાઈ ભેડાના રૅશનાલીસ્ટ મુવમેન્ટમાં જે મહામુલુ પ્રદાન છે તેને ઓછું દેખાડવાનો કોઈ પ્રયત્ન નથી. માત્ર આપણા સૌથી જાણેઅજાણે વ્યક્ત થતી, રુઢીગત માન્યતાઓમાં જકડાયેલી ‘મધ્યમવર્ગીય’ માન્યતાઓને જ મુકવાનો પ્રયત્ન છે. તે તરફ અહીં ઈશારો કરવાની ફરજ તરીકે જ મુકું છું :

(1) જે દીકરાને હોશીયાર બનાવવામાં માતાને 20–25 વર્ષ લાગે છે તેને મુર્ખ બનાવવામાં પત્નીને માત્ર ગણતરીના દીવસો જ લાગે છે.

(2) ‘બેટા, વહુ કેવી ગમે?’
‘પપ્પા, ચન્દ્ર જેવી’
‘એટલે સ્વરુપવાન?’
‘ના, રાત્રે દેખાય, દીવસે ના દેખાય તેવી.’

(3) ‘બેટા, હવે તો સાસરે ઠરીઠામ થઈને? સાસુનો સ્વભાવ કેવો લાગ્યો?’
‘વરસાસ જેવો; આગાહી હમ્મેશાં પડે.’

(‘વીવેકપંથી’ સામયીકમાર્ચ, 2007)

–હાસ્ય નીપજાવતી, નીર્દોષ આનન્દ આપતી આ જોક્સ સ્ત્રીઓ વીશે કેટલા બધા પુર્વગ્રહોયુક્ત અને ભારોભાર દ્વેષપુર્ણ છે? ખડખડાટ હાસ્યને બાદ કર્યા પછી આ જોક્સ દ્વારા આપણે કયા મુલ્યોને, કયા ખ્યાલોને જડબેસલાક ‘સાચવી રાખી’ને મુકીએ છીએ?

ઘણા રૅશનાલીસ્ટ મીત્રોને આ વાત પાણીમાંથી પોરાં કાઢવા જેવી લાગી શકે. કોઈ બુદ્ધીવાદી એમ પણ કહેશે કે આપણે સ્ત્રીપુરુષ, બાળક, વડીલ, ગરીબ, તવંગર, વેપારી, નોકર – આ બધા જ ભેદભાવોથી પર માણસને એક ‘વ્યક્તી’ તરીકે જ જોવો જોઈએ અને તે હીસાબે જ બુદ્ધીથી તેને પ્રમાણવો રહ્યો. અહીં પ્રશ્ન એ થાય કે માણસજાત વીકસે છે અને જીવતી રહે છે?

આપણે શું પાશ્ચાત્ય ફીલસુફીની પરમ્પરાના તત્ત્વચીંતક સ્પીનોઝાએ કહ્યું એમ ‘I think so I am’ (હું વીચારું છું માટે હું છું) એ વાતને આગળ વધારી ‘મારી બુદ્ધી કહે છે’ તેમાં શુદ્ધપણે ‘પોતાની બુદ્ધી’ એટલે કે વ્યક્તીવાદી દૃષ્ટીકોણથી જ દરેક વાતને મુલવીશું? – આ રીતે શું માત્ર પોતાની જ ‘શુદ્ધ’બુદ્ધીથી સમાજનું કે બનતી ઘટનાઓનું પૃથક્કરણ કરવામાં આપણે ‘સ્વાર્થી’ નથી બની રહેતા? અને સ્વાર્થી બનવાનો એક અર્થ એ ન થાય કે સમાજથી દુર જવું? જીવતા લોકોથી, તેમના વ્યવહારોથી અલગ થઈ ગયા પછી કંઈ પણ વીચારવાનો અને પોતાની બુદ્ધી પ્રમાણે વીચારીને એ પંથે આગળ વધવાનો કોઈ અર્થ ખરો? કે પછી જેમ ધાર્મીક લોકો માત્ર સ્વાર્થી બની પોતે ‘એકલા’ સ્વર્ગે પહોંચવા, હીમાલય પહોંચી જઈ ભગવાને રીઝવવા તપ માંડીને બેસી જાય છે તેમાં; અને એકલા અટુલા થઈ બીજા બધાને બાજુમાં મુકી ફક્ત પોતાની ‘શુદ્ધ બુદ્ધી’થી વીચારનારા રૅશનાલીસ્ટો વચ્ચે કોઈ ફરક ખરો?

અને સૌથી મહત્ત્વનો સવાલ એ આવીને ઉભો રહે છે કે આપણે માનવવાદી રૅશનાલીસ્ટ હોઈએ તો સમાજમાં કેટલાક ‘સુખી’ ને કેટલાક ‘દુ:ખી’, કેટલાક માલેતુજાર અને કેટલાક રંક, કેટલાક મુડીપતી અને કેટલાક શ્રમજીવી હોય છે તો શું આ બધાને એક જ લાકડીએ હાંકવાના? કે આપણી બુદ્ધીથી એ વીચારવું જ પડે કે સમાજમાં આ કેમ સુખી અને આ કેમ દુ:ખી? આ કેમ ધનીક ને આ કેમ ગરીબ? અને તેના વીશે બુદ્ધીથી, વૈજ્ઞાનીક પદ્ધતીથી વીચાર્યા પછી જે તારણ આવે તેને લઈને જીવનપથ નક્કી કરવાનો? કે ‘તટસ્થ’ રહી વીચારણાથી સંતોષ પામવાનો? કે પછી આમાંથી જે કંઈ સત્ય લાધે તેનો પક્ષ લેવાનો અને જીવનપથ નકકી કરવાનો?

રૅશનાલીસ્ટે આ પ્રશ્નોની વણઝારના જવાબ આપવા જ રહ્યા. નહીંતર માત્ર ઈશ્વરનો ઈન્કાર, અન્ધશ્રદ્ધાનો ઈન્કાર, ધાર્મીકગુરુઓ, ધર્મપંથોનો ઈન્કાર, ‘સુખ’ માટે તર્કશક્તી કહે તે કરવું અને કુટુમ્બ, રાજ્ય, તન્ત્રો આ બધાનો ઈન્કાર કરવો, ઉપેક્ષા કરવી અને મનસ્વી રીતે વર્તવું… આ બધાથી શું હાંસલ થશે? આત્મસન્તોષના ઓડકાર લેવા જેવું થશે? કે પછી રૅશનાલીસ્ટે ધર્મ–ઈશ્વરના ઈન્કાર ઉપરાંત બજાર, માધ્યમો – માર્કેટ અને મીડીયા જે ભ્રમ ઉભા કરી રહ્યા છે, જે લોકો ધર્મના નામે સત્તા સાચવી રહ્યા છે, ડૉક્ટરો, વકીલો, વૈજ્ઞાનીકો, ઉદ્યોગપતીઓ, રાજકારણીઓ જે બધાં જ ભ્રામક પ્રચારના સથવારે, પોતાના જ્ઞાન–માહીતીને ‘મુડી’ માની તેને ધર્મ અને ઈશ્વરની જેમ રહસ્યમય અને ગુઢ બનાવી રહ્યા છે તેમની સામે; તેમની લાલબત્તીની ગાડીથી અંજાયા વીના, પેલાના દીમાગની બત્તી બુઝાવ્યા વીના, આંખ આડા કાન કરવાની વૃત્તીને બાજુ પર મુકીને આ બધું પણ ‘રૅશનાલીઝમ’માં આવે એવું માનીને ચાલવું શું જરુરી નથી?

એક તર્ક એવો કરી શકાય કે માનવતાવાદી રૅશનાલીસ્ટ માટે ‘સારો’ અને સુખી માણસ એ આદર્શ છે, એ ધ્યેય છે.

દુનીયામાં બધા સુખી માણસો નથી અને જે ‘સુખી’ માણસો છે તે બધાય સારા માણસો નથી અને બધાય સારા માણસો સુખી નથી…

દુનીયાના બધા જ લોકો સુખી બને અને બધા જ સારા માણસો – એ શું રૅશનાલીઝમનું સપનું હોઈ શકે? કે પછી સપનું એ બુદ્ધીની બાદબાકી છે? – એ એક પાછો નવો સવાલ ઉભો થાય છે? અને દરેક સવાલને જવાબ તો હોય જ.

–મનીષી જાની

લેખક સમ્પર્ક : મનીષી જાની, 24/249, પરીશ્રમ એપાર્ટમેન્ટ, વીમાનગર પાછળ, સેટેલાઈટ રોડ, અમદાવાદ – 380015 સેલફોન :  94270 10011 ઈ.મેઈલ : manishijani@hotmail.com

અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો વગેરેનાં તાળાં ખોલવા માટે રૅશનાલીસ્ટ ઈન્દુકુમાર જાની દ્વારા સમ્પાદીત પુસ્તક રૅશનાલીઝમ : નવલાં મુક્તીનાં ગાન (પ્રકાશક : ‘નયા માર્ગ ટ્રસ્ટ’, નયામાર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવા 380 027 ફોન : (779) 2755 7772 પ્રથમ આવૃત્તી : નવેમ્બર 2007, પાન : 80, સહયોગ રાશી : રુપીયા 40/–)માંથી લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00  અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 27/05/2019

8 Comments

  1. પ્રશ્ન : સારો માણસ’ કોને કહીશું?

    ઉત્તર : ટૂંક માં એ કહી શકાય કે ” વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.”

    No religion is greater than humanity.

    Liked by 2 people

  2. કાસીમભાઇના વિચારો સાથે મારા પણ વિચારો છે..
    ..વૈષ્ણવજન તો તેને રે કહીઅે જે પીડ પરાઇ જાણે રે…પર દુ:ખે ઉપકાર કરે તોઅે મન અભિમાન ન આણે રે…..
    આખો લેખ વાંચીને મમરાવી જોયો પણ જુદા જુદા વિચારો વચ્ચે લીંક ? જડી નહિ. મારો વાંક છે કે મને સમજ પડી નહિ.
    દરેક માણસને જુદા જુદા ‘ વ્યક્તિત્વ ‘ હોય છે. પોતાની પરિસ્થિતિને સમજીને તે પોતાની વર્તણુક ઘડતો હોય છે. ‘ આદર્શ ‘ અે બાંઘેલો ગોલ હોય છે… અને જીવન ‘ પ્રેક્ટીકલ ‘ જીવન…પરિસ્થિતિના વહેણને અનુરુપ જીવન જીવવું પડે. સારા નરસાની વાત પરિસ્થિતિ ઘડે છે. વ્યક્તિ નં. ૧ ને માટે સમાજમાંથી જુદા જુદા અભિપ્રાયો પણ તે પોતાનો અનુભવ કહેનાર વ્યક્તિને, વ્યક્તિ નં ૧નો કેવો અનુભવ થયેલો હોય છે.
    નરસિંહ મહેતા સરસ ડેફીનેશન આપી ગયેલા છે….તેને પણ જો સ્વિકારશો તો પણ દુનિયામાં સારા સમાચારો સંભળાતા રહેશે.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. સુંદર ચિંતનાત્મક લેખ…
    તેમા સ રસ પૂર્તિ જેવા મા કાસીમભાઇ, અમ્ર્તભાઇ તથા તુષારભાઇના પ્રતિભાવોમા …
    “તત્ત્વ” સત્ વસ્તુ છે. એને મિથ્યા વસ્તુથી પૃથક કરી ઓળખવું એ તત્ત્વવિવેક છે. તેથી સત્ અને મિથ્યાનો ભેદ અને એના લક્ષણ જ્ઞાત હોવા જોઇએ. સત્ એ છે જે ભૂત, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણેય કાળમાં યથાવત રહે. એમાં ન પરિવર્તન થાય અને ન તો એનું વિનાશ થાય. એનાથી વિપરીત જે વસ્તુ ત્રણેય કાળમાં યથાવત ન હોય તેને અસત્ કહેવાય છે, જેમકે સાંસારિક સંબંધો. આ ઉપરાંત કેટલીક વસ્તુઓ એવી પણ છે જે ભાસિત થાય છે, ત્રણેય કાળમાં પરાવર્તિત થતી રહે છે, અને નષ્ટ પણ થાય છે. આ પ્રકારની સત્તાને મિથ્યા કહેવાય છે. આ જગત એવું જ છે. સંક્ષેપમાં કહી શકાય છે કે નિત્ય વસ્તુ સત્ય છે જ્યારે અનિત્ય વસ્તુ મિથ્યા છે.

    Liked by 1 person

  4. શ્રી મનીષીભાઈએ બુદ્ધિપૂર્વક અને નિખાલસતાપૂર્વક મનનીય મુદ્દા ઊભા કર્યા છે, જે માત્ર રૅશનાલિઝમને સ્પર્શતા નથી, સમગ્ર માનવજાતને, સમૂચી સમાજવ્યવસ્થાને સ્પર્શે છે.
    આ લેખમાં માત્ર સારું કે ખરાબની વાત નથી, મનુષ્ય ‘સારો’ કે ‘નથી સારો’ની વાત નથી. આપણે આપણને ભાસતા વિશ્વને, પદાર્થોને, સહયાત્રી પરિચિતોને, સંબંધોને, વિચારોને, કૃત્યોને, ઘટનાઓને કોઈક જડબેસલાક ‘ચોકઠા’માં ગોઠવવાના નિષ્ફળ પ્રયત્નોમાં હંમેશા રાચતા રહીશું? આપણી વિચારધારામાં, આપણા મૂલ્યાંકનમાં, આપણી જીવનદ્રષ્ટિમાં ક્યાંક પૂર્વાનુભવો, ગ્રંથિઓ, પૂર્વગ્રહો કે અનિચ્છનીય ઘરેડ તો આપણને નથી દોરવવા લાગી?

    ક્લાસિકલ ફિઝિક્સથી બહાર આવતાં સત્ય અને ક્વૉન્ટમ ફિઝિક્સથી ઉજાગર થતી સૂક્ષ્માતિસૂક્ષ્મ વિશ્વની ઝાંખી આપણા માટે સૂચક નથી? હાલ આ સમયે, આ સ્થાને ‘સત્ય શું’ અને ‘સત્ય નથી તે શું’ તે આપણે સમજી શકીએ ખરા? બુદ્ધિથી દોરવાતા આપણા તમામ વ્યવહારોને પરખવાની જરૂર છે.
    જે બુદ્ધિમાન છે, વિચારશીલ છે, તેણે આ મુદ્દાઓ વિશે ચિંતન કરવાનો સમય પાકી ગયો છે.
    આપણી વિચારધારાને ખાંડાની ધારે રાખવી આવશ્યક નથી?

    આવો મનનીય લેખ લખવા બદલ મનીષીભાઈને અભિનંદન, અને ગોવિંદભાઈ! તેને ધ્યાન પર લાવવા બદલ આપને પણ અભિનંદન!

    Liked by 1 person

  5. હું દુનિયાનો સૌથી સુખી અને સૌથી સારો માણસ છું.
    @ રોહિત દરજી”કર્મ”
    હિંમતનગર

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s