આયુર્વેદને ભારતીય સંસ્કૃતી જ નહીં રાષ્ટ્રપ્રેમ અને હીન્દુ ધર્મ સાથે જોડી દેવાની મુર્ખાઈ કે પછી બદમાશી શરુ થઈ ગઈ છે. આયુર્વેદના મોટા–ખોટા દાવા અને ઢંઢેરા પીટવાનું કામ મોટેભાગે અજ્ઞાની ‘એક્સપર્ટ્સ’ કરે છે. દુનીયાભરના વૈજ્ઞાનીકો કેન્સર રીસર્ચમાં આટલો સમય, પૈસા અને મહેનત બગાડવાને બદલે ભારત આવીને આપણાં આ એક્સ્પર્ટ્સને મળી લે તો?
ગૌશાળાઓ બનાવો, હૉસ્પીટલનું શું કામ છે?
–વર્ષા પાઠક
ભોપાલથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે સંસદીય ચુંટણી લડી રહેલા સાધ્વી પ્રજ્ઞા સીંઘ ઠાકુરે હમણાં કહ્યું કે એને કેન્સર હતું, જે એણે માત્ર ગૌમુત્રની મદદથી મટાડી દીધું. આ નીવેદન સામે ડૉક્ટરોએ, ખાસ કરીને વર્ષોથી કેન્સરની સારવાર કરતા ડૉક્ટરોએ ભારે વીરોધ નોંધાવ્યો છે. પહેલા તો એ વાત બહાર આવી કે સાધ્વીને ક્યારેય કેન્સર હતું જ નહી. બીજું, ડૉક્ટરોને લાગે છે કે આવા અધ્ધરતાલ દાવા લોકોને ગેરમાર્ગે દોરે છે. ગૌમુત્રથી કેન્સર મટી જશે એવું માનીને કેન્સરના દર્દીઓ અત્યન્ત જરુરી એવી ઍલોપથીક દવાઓ અને ટ્રીટમેન્ટ લેવાનું બન્ધ કરી દે તો શું થાય?
આમ તો સાધ્વીની પહેલા પણ અનેક લોકોએ ગૌમુત્રના અપરમ્પાર ગુણગાન ગાયા છે. હજી થોડા દીવસ પહેલા જ વૉટ્સએપ પર ફરી રહેલા મેસેજમાં શરદીથી માંડીને હાર્ટ પ્રોબ્લેમની સારવાર માટે ગૌમુત્ર પીવાની ભલામણ થઈ હતી. હવે ગૌમુત્રના વીષયમાં મારુ કોઈ જ્ઞાન નથી. હું કોઈ ડૉક્ટર કે રીસર્ચર નથી અને ગૌમુત્ર પીને ભયાનક બીમારીમાંથી સજા થઈ ગયેલા કોઈ દર્દીને મળી નથી. એટલે ગૌમુત્રની તરફેણમાં કે વીરોધમાં બોલવાની મારી કોઈ લાયકાત નથી. બીજી તરફ આ જ કારણસર મને ગૌમુત્ર કે બીજી કોઈપણ આ પ્રકારની કથીત વૈકલ્પીક સારવાર (alternative therapy)નો પ્રચાર કરનારા લોકો સામે વાંધો પડે છે. તમારી પાસે કઈ મેડીકલ ડીગ્રી છે– જેના આધારે આયુર્વેદ, નેચરોપથી, પ્રીઝમ થેરાપી, રેકી વગેરેનો પ્રચાર કરો છો? ‘આયુર્વેદમાં લખ્યું છે’ એવું બોલનારાને પુછવાનું કે તમે કયા આયુર્વેદના ગ્રન્થનો અભ્યાસ કર્યો છે?
હવે આયુર્વેદની વાત કરીએ તો ત્યાં અમુક જગ્યાએ ગૌમુત્રના ઔષધીય ગુણનો ઉલ્લેખ થયો છે એ સાચું; પણ સાથેસાથે ગાય કેવી હોવી જોઈએ, ગૌમુત્રને પીવાલાયક બનાવતા પહેલા એને કેટકેટલી વીધીમાંથી પસાર કરવું પડે, એ પણ લખ્યું છે. ગૌમુત્રમાંથી ‘અર્ક’ બનાવવાની વીધી ઘરગથ્થુ કે સરળ નથી. રસ્તે જતી ગાયને પકડીને એનું મુત્ર ઘટઘટાવી જાય તો કદાચ બીમાર વ્યક્તી માટે ઉલમાંથી ચુલમાં પાડવા જેવી સ્થીતી ઉભી થાય. પ્રાચીન ગ્રન્થોમાં જે આયુર્વેદાચાર્યોએ ગૌમુત્રના ઔષધીય ગુણ વીષે લખ્યું છે એમણે પણ ક્યાંય એવો દાવો નથી કર્યો કે આનાથી જીવલેણ બીમારીઓ પણ ભાગી જશે. અરે, આયુર્વેદના સાચા અભ્યાસીઓ પણ આવા મોટા–ખોટા દાવા નહી કરે. ઢંઢેરા પીટવાનું કામ મોટેભાગે અજ્ઞાનીઓ કરે છે. કમનસીબે છેલ્લા થોડા સમયથી આયુર્વેદને ભારતીય સંસ્કૃતી જ નહીં રાષ્ટ્રપ્રેમ અને હીન્દુ ધર્મ સાથે જોડી દેવાની મુર્ખાઈ કે પછી બદમાશી શરુ થઈ ગઈ છે. જેમાં જાણેઅજાણે આ અજ્ઞાની ‘એક્સપર્ટ્સ’ જોડાઈ ગયા છે. હમણાં ગાયના ઘીને દુનીયાની સહુથી મોટી, અસરકારક ઔષધી ગણાવતો વૉટ્સએપ મેસેજ આવ્યો, એમાં છેલ્લે ગૌમાતાકી જય લખેલું. હવે તમે જ કહો, આ મેસેજ મોકલનારના ઈરાદ પર શંકા પડે કે નહીં?
અઠંગ રાષ્ટ્રભકત હોવાનો દાવો કરનારા કહે છે કે વીદેશી અસર હેઠળ આવીને આપણે આપણી ભવ્ય ભારતીય સંસ્કૃતી ભુલી ગયા છીએ, જેનો એક હીસ્સો આયુર્વેદ છે. બીજી તરફ કથીત આયુર્વેદીક પ્રોડક્ટ્સ બનાવતા લોકો અને કમ્પનીઓ આ લાગણીનો ભરપુર ફાયદો ઉઠાવે છે. અહીં આયુર્વેદને ઉતારી પાડવાનો કોઈ ઈરાદો નથી. આયુર્વેદીક સારવાર ઘણી તકલીફોમાં મદદ કરતી પણ હશે અને એટલે જ તો આપણે ત્યાં આટલી આટલી આયુર્વેદીક કૉલેજીસ પણ ચાલે છે; પરન્તુ એ પણ સ્વીકારવું પડે કે આયુર્વેદના ગ્રન્થો લખાયા એ પછી સદીઓ વીતી ગઈ. પછી તો નવાનવા રોગો આવ્યા, તબીબી ક્ષેત્રે અનેક સંશોધનો થયા, હજીયે થાય છે. એક સમયે અસાધ્ય ગણાતા રોગો હવે મોડર્ન દવાઓ અને સારવારના પ્રતાપે ઝટ દઈને સજા થઈ જાય છે. એવા સંજોગોમાં સંસ્કૃતીના નામે કોઈ જુની સારવારને વળગી રહેવું કે પછી એના નામે મોટામોટા દાવા કરવા, એમાં કોઈ અક્કલ છે? આયુર્વેદનો અભ્યાસ કરનારા પણ ઘણીવાર ઍલોપથીનો ઉપયોગ કરે છે એમને ગદ્દાર ગણી લેવા? અહીં એ લુચ્ચા વૈદોની વાત નથી જે શુદ્ધ આયુર્વેદીક દવાને નામે નીર્દોષ પેશન્ટ્સને સ્ટેરોઈડ્સ કે બીજી ઍલોપથીક દવાઓ આપી દે છે. આવા તબીબો આયુર્વેદનું નામ બદનામ કરે છે અને દર્દીઓના દુશ્મન છે.
આયુર્વેદીક દવાની બાબતમાં આપણા દીમાગમાં બીજી એક માન્યતા ઘર કરી ગઈ છે કે આ દવાની કોઈ આડ અસર, સાઈડ ઈફેક્ટ ન હોય. આ માત્ર ભ્રમ છે. આયુર્વેદીક દવાઓમાં અમુક ધાતુઓ વપરાઈ હોય તો મેટલ પોઈઝનીંગ થવાનું જોખમ રહે છે. અને સહુથી મોટું જોખમ ત્યારે ઉભું થાય છે, જયારે લોકો આયુર્વેદીક સારવારના નામે ઉંધા રવાડે ચડી જાય, એની બીમારી માટે જે ખરેખર જરુરી હોય એ દવાઓ અને થેરાપી પડતી મુકી દે. છેવટે થાકીહારીને હૉસ્પીટલમાં જાય ત્યારે રોગ એટલી હદે વકરી ગયો હોય કે કોઈ દવા કામ ન લાગે. અહીં દર્દી તો મુર્ખ કહેવાય જ; પરન્તુ એને સીધી કે આડકતરી રીતે આવા રવાડે ચઢાવનારને તો ક્રીમીનલ ગણવા જોઈએ. અહીં આપણે સાધ્વી પ્રજ્ઞાના નીવેદન પર પાછા ફરીએ. એણે કહ્યું કે ગૌમુત્રથી એનું કેન્સર મટી ગયું. સાંભળીને ભલે થોડા લોકો ચીડાયા; પરન્તુ આ દાવો સાચો માની લેનારા ભોળા ભારતવાસીઓની સંખ્યા ઓછી નહીં હોય, એ નક્કી.
આમેય આપણે ત્યાં સાધુબાવા, ફકીરો, ફાધરની જમાતના લોકો જે કહે એ સાચું માની લેવાનું ભોળપણ હજી ટકી રહ્યું છે. એક દાખલો જુઓ તો ઘણા ધાર્મીક લોકો કાંદા લસણ નથી ખાતાં. કારણ પુછો તો એમાંથી જે સાવ સીધા સાદા લોકો છે એ કહી દેશે કે અમારા ધરમમાં ના પાડી છે. શું કામ ના પડી છે, એની એમને ખબર નથી. આ ખાવાથી પાપ લાગે એટલું જ એમણે યાદ રાખવાનું. બુદ્ધીશાળી હોવાનો દાવો કરનારા ધર્મને બદલે વીજ્ઞાનની વાત કરે છે. એ કહે છે કે આયુર્વેદમાં લખ્યું છે કે કાંદા લસણ તામસીક(કે તામસી) પ્રકૃત્તીને ઉત્તેજન આપે છે. એ ખાવાથી માણસમાં સેક્સ, આવેશ, ક્રોધ જેવી લાગણીઓ જન્મે છે. એટલે એનાથી દુર રહીને સાત્વીકતા જળવાઈ રહે. હવે આ સાંભળીને મને કાયમ વીચાર આવે કે કાંદા લસણ ખાનારા હમ્મેશાં સેક્સભુંખ્યાં, ઝઘડાખોર જ હશે અને એનાથી દુર રહેનારાં બધાં સન્ત? આવું રીસર્ચ વર્ક કયા હોંશીયાર માણસે કર્યું હશે? વળી આ જ આયુર્વેદને ટાંકીને એવું પણ કહેવાય છે કે પાચનતન્ત્ર અને હૃદયને લગતી અનેક બીમારીમાં કાંદા લસણ ઉપયોગી છે. તો શું માનવું? ધર્મભીરુઓને આવી ગુંચવણ થતી નથી; કારણકે એ તો ધર્મગુરુ કહે એ માનીને ચાલે છે. અરે, અહીં તો એ ઍલોપથીક ડૉક્ટરની કે આયુર્વેદના નીષ્ણાત વૈદની સલાહ પણ નહીં માને.
આવા માહોલમાં જયારે કોઈ સાધુ કે સાધ્વી એનું પોતાનું કેન્સર માત્ર ગૌમુત્ર પીને મટી ગયું, એમ કહે તો લોકો માને કે નહીં? અને હા, ધારી લ્યો કે આ સાધ્વી પ્રજ્ઞા સીંઘ ઠાકુર ચુંટણી જીતીને સંસદસભ્ય બની ગયા તો એમના મતવીસ્તારમાં દવાખાના અને હૉસ્પીટલની જગ્યાએ ગૌશાળાઓ બાંધશે?
–વર્ષા પાઠક
સીનીયર પત્રકાર અને નવલકથાકાર વર્ષા પાઠકનું ‘ફેસબુક પેઈજ’ (તા. 26 એપ્રીલ, 2019)માંથી.. લેખીકા બહેનના અને ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 31–05–2019
khub saras lekh Govind bhai ane varsha ben aabhar.
bijivat halma aa kahevati sadhvi hemant karkare vishe aantakvadi evu nivedan aapyu hatu aapne tya mota bhagna loko fakt pahervesh nej mahatva aape ( keshri ) ane pachha digambar ne pan etluj mahatva aape su keshri je safed ke lal kapda pahero ane dadhi vadharo etle murkhao madij rahe deshne jarur chhe rationalism vichardhara ni sarkar ni.
LikeLiked by 2 people
મારા બ્લોગમાં હું મોટા ભાગે આયુર્વેદ વીશે લખું છું, પરંતુ સાથે એ પણ જણાવું છું કે યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ ઉપચાર કરવા. અને હા, મારા અનુભવ મુજબ આયુર્વેદનાં ઔષધોની પણ સાઈડ ઈફેક્ટ હોઈ શકે. મને થયેલી. મારા બ્લોગમાં મેં આ બાબત વીગતે જણાવી છે.
LikeLiked by 3 people
Thank you Varshaben for writing such a good article. People ask hundred questions when taking scientific treatment, but somehow close their mind
when opting for Ayurvedic treatment and follow it blindly. If I tell my patient that I will treat your typhoid,TB or Cancer according to 1950 therapy, he would not agree and wants latest drug therapy, but he will blindly accept therapy written few thousands year ago and not updated. Unfortunately there is no ongoing research and critical evaluation of age old therapy in Ayurved. Due to poor mindset of even our so call educated class, Ayurvedic therapy is popular today.
LikeLiked by 2 people
મુન્ડે મુન્ડે મતીર ભીંન્ના.
LikeLike
ગૌશાળાઓ બનાવો, હૉસ્પીટલનું શું કામ છે?
Quote: આમેય આપણે ત્યાં સાધુબાવા, ફકીરો, ફાધરની જમાતના લોકો જે કહે એ સાચું માની લેવાનું ભોળપણ હજી ટકી રહ્યું છે.
આ ભોળપણ જ છે કે માનવી ને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી અને ધર્મઝનૂનીઓ મસ્જિદો અને મંદિરો બાંધવા પાછળ પૈસા નું આંધણ ક રે છે.
ટૂંકા માં:
મંદિરો અને મસ્જિદો બનાવો, શૌચાલ્ય નું શું કામ છે?
LikeLiked by 2 people
ભાઈ શ્રી આ આસ્થા નો વિષય છે. એલોપથી ના ડોક્ટર પણ કોઈ ઉપાય કારગત ન નીવડે ત્યારે દુઆ કરવા નું સુચન કરે છે, તમે મંદિર ની વાત કરી તો ચર્ચ માં જઇ ને લોકો શું કરે છે?
LikeLike
દીનેશભાઈ શાહ, બહુ સારા લખ્યું તમે. જૈન કે દરેક ધર્મમા ડોકટરો તેમજ વડીલો બીમાર માણસ માટે પ્રભુ પાસે દુઆ માગે છે. અને એ દુઆ બીમાર માણસને સાત ઉપજાવી શકે. માટે દુઆ એ આસ્થા મનુષ્ય જીવન માટે આવશક્ય છે. જીવન મરણ એ તો કર્મને આધીન છે. જન્મ, જરા, મરણનો કોઈ ટાઇમ નથી. હોસ્પિટલ શા માટે ના જોઈએ એનું કોઈ કારણ ખરું? જયજીનેન્દ્ર
LikeLike
આજ કી તાજા ખબર….સાઘ્વી પ્રજ્ઞાને કોઇ અેક મીનીસ્ટરની પોઝીશન પણ મળી ગઇ છે.
ાાઆ લેખમાં લખાયુ છે કે આયુર્વેદના પુસ્તકો લખાયા પછી ઘણા વરસો બાદ નવા નવા રોગો આવ્યા..હકિકતમાં આવ્યા નથી……શોઘાયા…છે..
આયુર્વેદની કોલેજોમાં અેલોપથીનું જ્ઞાન પણ આપવામાં આવે છે. ગુજરાતીમાં કે સંસ્કૃતમાં મેડીકલ વિજ્ઞાનના ઘણા ટેકનિકલ શબ્દોના પર્યાયો પણ નથી.
સત્યસાંઇબાબાને મેડીકલ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવા પડેલાં. મંદિરમાં બેસી રહીને પણ ‘ભગવાનને‘ રીઝવીને સારા થઇ શકયા હોત.
અભિમાન ઘણા લોકોને , પોતાની જાતને છેતરીને જીવવાનું શીખવે છે. સચ્ચાઇ કબુલ કરવામાં તેમનું નાક કપાઇ જાય છે.
મંદિરોમાં બેસાડેલા દેવો અને દેવીઓને રીક્ઝવીને જો રોગમુક્ત થવાતુ હોય તો સાચે જ હોસ્પીટલોની કે દવાખાનાઓની લગીરે જરુરત નથી. ડોક્ટરોની તો લગીરે જરુરત નથી.
સચચાઇ કબુલી લો. ….કબુલ કરનારનું ભાવિ ઉજ્જવળ હશે.
અમૃત હઝારી.
LikeLiked by 2 people
વર્ષાબહેન નો ખુબ જ આભાર અને ગોવિંદભાઈ, આપ નિષ્કામ કર્મઠ છો – પ્રણામ.
શું કહું! જે દેશનો પ્રધાનમંત્રી તબીબોથી ભરેલ સભામાં એવું કહે કે “પ્રાચીન ભારતમાં પહેલીવાર Plastic Surgery થયેલી – અને કહેવાતા ભણેલાં અને કહેવાતા મહાનુભાવો “તાળીઓ પાડે” અને “હાકોટા-પડકારા કરે” – શરમ આવે છે.
“વિનિપાત” નામની એક વાર્તામાં ‘ધૂમકેતુ’ એ છેલ્લું વાક્ય આવું લખેલું … “પડે છે ત્યારે સઘળું પડે છે…”
એક સરસ લેખ માટે આપ સર્વેનો આભાર.
LikeLiked by 1 person
વર્ષાબેન, આપની વાત સાચી છે.હશે એક સમયમાં જયારે શરીરવિજ્ઞાન વિકસ્યું નહોતું. જીવનઆટલુ જટીલ નહોતુ ને રોગો પણ સાદા હતા. ત્યારે આવા ઓસડીયા કામ આવતા હશે આજે આપણૂ જીવન જટીલ થઇ ગયું છે.માણસ ઇન્ટરનેશનલ મુસાફરી કરે છે ને અનેક લોકોના સંપર્કમાં આવે છે. ખાનપાનની ચીજો અનેક દેશમાથી આવે છે. એ સાથે અમુક એવા જંતુ ને રોગોની પણ હેરફેર થવાની. મુસાફરી ઝડપી બની છે.એટલે હવામાન ને ખોરાક બદલે એ પ્રમાણે શરીરને અનુકુળ થતા વાર લાગે. આવા સંજોગોમાં આર્યુવેદ સારવારમાં પાછો પડે છે. સમય બદલાય એ પ્રમાણે ખોરાક, પોષાક બદલાય. આજે બાજરી કે રાગીના રોટલા, કાંગનો ઘસીયો, કે ખીચડો ભુતકાળ બનીગયો છે. એ ગમે એટલો સાત્વિક હોય. એ જ પ્રમાણે એક સમયમાં આપણી પાસે ઔષધિને નામે ઝાડના મુળીયા ને પાંદડા જ હતા. રોગો પણ સાદા હતા ને આવરદા પણ લાંબી નહોતી. આજે આપણા બાપદાદાના વખતના ઘંટી,ઘંટલા,વલોણા, એવા અઢારમી સદીના અલંકારો ઘણાને નામ પણ નહિ આવડતા હોય કે માત્ર સંગ્રહસ્થાનમાં જ જોયા હશે. એવા ય બાળકો હશે જેને રોટલી ને બ્રેડને ધરતી કે ખેતર સાથે કોઇ સંબધ છે એ પણ ખબર નહિ હોય. દુધ ડેરીમાથી કે દુકાનેથી કોથળીમાં આવે ને બ્રેડ બેકરીમાંથી આવે એટલી જ સમજણ. પ્રકૃતિ સાથેનો આપણો સંબધ કપાઇ ગયો છે. કારણ એકપેઢી બદલાય સાથે ઘણૂ નવુ આવે ને જુનુ જાય. એ જ પ્રમાણે આજના રોગો આર્યુવેદને ગાંઠે નહિ. આજે જે ઔષધિઓમાં વનસ્પતિ વપરાય છે એના મુળ ગુણધર્મ આજની ખેડખાતર ને પાણીએ બદલી નાખ્યા છે. બાકી હતુ ને લોકોએ ભેળસેળ કરીને આડઅસર ઉભી કરી છે. બાકી એના સિધ્ધાતો ને નિયમ ખોટા નથી. પણ આજની ઝડપી ને જટીલ જીંદગીમાં આર્યુવેદ રીચીરોડના બેફામ દોડતા વાહનો વચ્ચે બેલગાડીની જેમ અડફેટે ચડે છે. વિચારો કે એ જાણવા છતા ય ને વાહનોના ગેસના ધુમાડા હાનીકારક છતા આપણે ગાડામાં મુસાફરી કરવાના નથી, ગેસના ચુલાની સગવડ છોડી લાકડા કે છાણાનો ચુલો ફુંકવાના નથી. સમયના ચક્રને પાછુ ફેરવી શકાતુ નથી. આજે પણ હળદર કે હીંગ કે મરચામાં આપણા શરીરને ઉપયોગી તત્વો હશે પણ એ જો એના મુળભુત સ્વરુપમાં હોય તો. આજે બજારમાં મળતા તૈયાર મસાલાની ગુણવતા કેટલી?બહારના તૈયાર ખાદ્યપદાર્થોમા ચોખ્ખાઇ કેટલી?સહુ જાણે છે પણ સગવડ સામે મેરી બી ચુપ ને તેરી બી. એ જ પ્રમાણે પ્લાસ્ટીક ખાતી ગાયના ગૌમુત્રની ઔષધિ તરીકે યોગ્યતા કેટલી? ગાયનો ખોરાક પણ બદલાઇ ગયો ને !ને આપણે તો ઝટપટ સાજા થવુ છે ને. જીંદગી ઝડપી થઇ ગઇ છે ભાઇ.
LikeLiked by 1 person
દરેક વ્યક્તિને પોતાનો આગવો દ્રષ્ટિકોણ હોય છે.ભારતમાં દવાખાના અને ગૌશાળા બન્નેની જરૂર છે.કોઈને કોઈ એકાદ નુસખાથી રોગમાંથી મુક્તિ મળી હોય તો તે જાહેર કરે પરંતુ આ નુસખા દરેકને લાગુ પડતા નથી..આયુર્વેદ અને એલોપથી બન્ને ટ્રીટમેન્ટ પોતપોતાની જગ્યાએ બરાબર છે. ઘણી વખત કોઈ રોગની સારવાર પ્લેસીબો ઇફેક્ટ થી પણ દર્દીઓ સારા થયા ના દાખલ છે.અને આ વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય છે. તાજેતરમાં ભારતમાં લોક સભાની ચૂંટણી જીતવા રાજકીય આગેવાનો બાવા-સાધુઓ ભેગા કરી હવન-યજ્ઞો વિગેરે કરાવ્યા તેમ છતાં ઘોર પરાજય પામ્યા। આને અંધશ્રદ્ધા નહીતો બીજું શું કહેવું ? આવા ભણેલા નેતાઓ જો આવા કર્યો કરેતો ગામડાના ભોળા અને અભણ માણસો બાવા સાધુઓના ચરણો માં પોતાના દુઃખ દર્દો દૂર કરવા જાય તો નવાઈ પામવા જેવું નથી..
LikeLiked by 1 person
દીનેશભાઈ શાહ, બહુ સારા લખ્યું તમે. જૈન કે દરેક ધર્મમા ડોકટરો તેમજ વડીલો બીમાર માણસ માટે પ્રભુ પાસે દુઆ માગે છે. અને એ દુઆ બીમાર માણસને સાતા ઉપજાવી શકે. માટે દુઆ એ આસ્થા મનુષ્ય જીવન માટે આવશક્ય છે. જીવન મરણ એ તો કર્મને આધીન છે. જન્મ, જરા, મરણનો કોઈ ટાઇમ નથી. હોસ્પિટલ શા માટે ના જોઈએ એનું કોઈ કારણ ખરું? જયજીનેન્દ્ર
LikeLike
સમયની સાથે સાથે આયુર્વેદ નું મહત્ત્વ તો વધ્યું જ છે પરંતુ લેભાગુ તત્વો અને આપણી અણસમજને લીધે … આવી અતિશય સેવા ભાવના અને એના પરિણામો એ બધા એટલા અતિશયોક્તિથી ભરેલા હોય કે એના આધારે આયુર્વેદ બદનામ થાય જ.
સંપ્રાતસમયે યુકિતવ્યાપશ્રય ચિકિત્સા વધુ પ્રચલિત છે.જેમાં મુખ્યત્વે ૧.શોધન ચિકિત્સા ર.શમન ચિકિત્સા નો સમાવેશ થાય છે .શોધન ચિકિત્સા સામાન્ય રીતે પંચકર્મ તરીકે ઓળખાય છે જેમાં સ્નેહન ,સ્વેદન કર્યા બાદ વમન,વિરચન,બસ્તી ,નશ્ય વડે શરીરના વિકૃત દોષોને બહાર કાઢી પ્રાકૃતવસ્થામાં લાવવામાં આવ છે .જયારે શમન ચિકિત્સામાં રોગનુ નિદાન કર્યા બાદ રોગીની પ્રકૃતિને અનુસાર ઔષધીના પંચભૌતિક સંગઠનના આધારે ચિકિત્સા કરવામાં આવે છે આ ઉપરાંત સ્વાસ્થયરક્ષલુમા દીનચર્ચા,ઋતુચર્ચા તથા આહારનુ મહત્વ પણ આપવામાં આવ્યુ છે. તંદુરસ્ત જીવનશૈલી થી શરીરનુ વ્યાધિક્ષમત્વ વધે છે તેથી રોગો થતા અટકાવી શકાય છે.
આમ આયુર્વેદ સંપ્રાત ચિકિત્સા પદ્ધતિથી કાંઈ વિશેષ આરોગ્યશાસ્ત્ર છે . આજના યુગમાં સંપુણ સ્વાસ્થ્ય મેળવવા અમૃત સમાન છે.આ ગાંડાભાઈ વલ્લભના બ્લોગ પરની માહિતી અમારા કુટુંબ અને સ્નેહીજનોને અસરકારક લાગી છે અને અમેરીકા જેવા દેશમા જ્યાં ત્રીજા મૃત્યુના કારણમા મૅડીકલ મીસ્ટેક આવે છે અને ખૂબ ખર્ચાળ પધ્ધતિને બદલે આ ગાંડાભાઈની માહિતી આશીર્વાદ રુપ છે
LikeLiked by 1 person
ગુજરાત માં ફેન્કુલોજી ઉપર કૈક લખાય તો એને પણ ક્રાંતિ સમજવી જોઈએ, વાત માત્ર સાધ્વી ની જ થઇ પણ આપણા ફેન્કેશ્વર પણ ઉતરતા નથી, આજના માનવ સંસાધન મંત્રી એવા બનાવ્યા છે જેમની વાતો સાંભળી ને હસવું કે રડવું http://bit.ly/2EXSGA8. મોટી સમસ્યા સાધ્વી નથી, પણ સાધ્વી ને ખભે બંદુક મુકીને ફોડવા વાળા સંઘો અને એમના સંચાલકો છે.
LikeLiked by 1 person