પ્રાચીનકાળમાં વીશ્વના દેશોમાં વીજ્ઞાન કહેવાય તેવું જ્ઞાન

પ્રાચીન કાળમાં લોકો માહીતી કેવી રીતે મેળવતા હતા? Astrology, જ્યોતીષ, કુંડળી બનાવવી અને શુકન–અપશુકન વગેરે માન્યતાની શરુઆત કયા સમયગાળામાં થઈ? વીજ્ઞાનનો મુખ્ય પાયો અને જ્ઞાનપ્રાપ્તીની દીશામાં નવાં બીજ ક્યારે નંખાયા? ભારતીય ગણીતમાં શુન્ય (Zero)ના ખ્યાલનો પશ્ચીમમાં પ્રસાર કોણે કર્યો હતો? કોના ડરથી વીદ્વાનો પોતાના મંતવ્યો જાહેરમાં મુકવાની હીમ્મત કરતા નહીં?

3

પ્રાચીનકાળમાં વીશ્વના દેશોમાં વીજ્ઞાન કહેવાય તેવું જ્ઞાન

–ડૉ. બી. એ. પરીખ

(આ પુસ્તકનો બીજો લેખ https://govindmaru.com/2019/05/13/dr-parikh-9/ ના અનુસન્ધાનમાં..)

પુરાણા સમયમાં પુરાણી સંસ્કૃતીઓમાં વીજ્ઞાન કહેવાય તેવી માહીતી હતી કે નહીં તેવી શોધના અભ્યાસને Proto science કહે છે. પ્રાચીન કાળમાં જે માહીતી, સમજણ લોકો મેળવતા તે માત્ર મૌખીક જ રહેતી. એ મુખોપમુખ માહીતી પછીની પેઢીને પસાર થતી. આ જ્ઞાન વૈયક્તીક તેમ જ નાના સમુહમાં સીમીત અનુભવો પર આધારીત હતું; પરન્તુ લેખનકળા અને છાપકામની કળા વીકસી ત્યાર પછી જ જ્ઞાનનો સંચય થયો, ગ્રંથસ્થ થયું અને પેઢી દર પેઢી તે જ્ઞાન વારસામાં આપવું તે સહજ, સરળ બન્યું. વળી સમયાંતરે લોકોએ ખેતી કરવાના કામમાંથી નવરાશનો સમય મળવા માંડ્યો અને તેથી જ્ઞાન ખાતર જ્ઞાનની શોધને વેગ મળ્યો.

 ઈ.સ. પુ. 3500ની આસપાસ સુમેર (ઈરાક)માં મેસોપોટેમીયન પ્રજાએ આકાશમાં ગતીવીધીઓની નોંધ રાખવાનું શરુ કર્યું; પરન્તુ તેને વૈજ્ઞાનીક નીયમો કહી શકાય નહીં. પાયથાગોરસ(ઈ.સ. પુ. 570 to 495)એ ગણીત અને ભુમીતીમાં પ્રદાન કર્યું છે. ‘પાયથાગોરસ પ્રમેય’ બહુ જાણીતું છે. ખગોળીય અભ્યાસ, નીરીક્ષણ એ બધું સહજ, સરળ હોવાથી તે ઘણો પ્રાચીન અભ્યાસ છે. આ રીતે તમામ પુરાણી સંસ્કૃતીઓમાં ખગોળ, નભદર્શન, તારા, નક્ષત્રો, ગ્રહોની ઓળખ તેમ જ તેમની ગતીવીધીઓનાં અભ્યાસ થતા હતા. આ માહીતી ઉપરથી પૃથ્વીની ધરી, ગતીવીધી વીશે પણ માહીતી મેળવાતી હતી. હવે ખગોળનો અભ્યાસ કરવા સાથે ગણીત તો જોડાયેલું હોય. તેથી ગણીતશાસ્ત્રનો પણ જરુરી અભ્યાસ થતો હતો. આજ સમયગાળામાં મેસોપોટેમીયામાં Astronomy ખગોળ સાથે કેટલીક માન્યતાઓ, વહેમો ઉદ્ભવ્યા અને તેમાંથી Astrology, જ્યોતીષ, કુંડળી બનાવવી અને શુકન–અપશુકનમાં માન્યતાની શરુઆત થઈ.

પ્રાચીન ઈજીપ્તના પીરામીડ

ઈજીપ્ત : પ્રાચીન કાળના ઈજીપ્તમાં ખગોળ, ગણીત તેમ જ ઓષધ–તબીબીના ક્ષેત્રોમાં જાણકારી મેળવવાના પ્રયાસો થયા હતા. ભુમીતી તેમ જ કાટખુણો ત્રીકોણ (Right Triangle)  વીશે જાણકારી હતી અને તેનો ઉપયોગ બાંધકામ, સ્થાપત્યમાં થતો હતો. ઈજીપ્તમાં ધ્વની ઉપરથી મુળાક્ષરો ઉપજાવી તેમ જ લેખનમાંથી હીબ્રુ, ગ્રીક, લેટીન, એરેબીક મુળાક્ષરો રચવામાં આવ્યા છે. પુરણા ઈજીપ્તમાં ઔષધશાસ્ત્ર (Pharmacology) હતું; પરન્તુ તે બહુ અસરકારક નહીં.

પર્શીયા : ઈ.સ. 226થી 652ના ગાળામાં પર્શીયામાં Sassanid યુગમાં ગણીત તેમ જ ખગોળ પ્રત્યે ઘણું ધ્યાન અપાતું હતું. તે સમયમાં ખગોળીય કોષ્ટકો રચવામાં આવ્યાં હતા. વેધશાળાઓ સ્થાપવામાં આવી હતી અને મધ્યયુગમાં ઈસ્લામીક ખગોળશાસ્ત્રીઓએ આ માહીતીને સ્વીકારી આગળ કામ કર્યું હતું. ગ્રીક સમયમાં ગ્રીસના પતન પછી ત્યાંના વીદ્વાનોએ ઈજીપ્ત, પર્શીયામાં સલામતી શોધી અને અહીં જ્ઞાન સાધના ચાલુ રાખી.

ગ્રીક–રોમન સમય : જ્ઞાન–વીજ્ઞાન–તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં ગ્રીસ દેશ તેમ જ તેના વીદ્વાનોનાં નામ બહુ જાણીતાં છે. ઈ.સ. પુર્વે છઠ્ઠી સદીમાં સોક્રેટીસ, ઈ.સ. 385માં પ્લેટોએ ત્યાર પછી એરરીસ્ટોટલે આજના વીજ્ઞાનના બીજ રોપનાર તરીકે આદી વીદ્વાન ગણાય છે. આ ગ્રીક સમયમાં જ સોક્રેટીસની પુર્વેના દાર્શનીક થેલ્સે (Thales) કહ્યું હતું કે વીજળી, ધરતીકમ્પ જેવી ઘટનાઓ તેમ જ બ્રહ્માંડ (Cosmos)માં દેખાતી વ્યવસ્થા કોઈ નીયમસરની છે. એ કંઈ દૈવી નથી. પ્રાકૃતીક નહીં એવા પરીબળોથી ઉપજતી નથી. પ્રકૃતીમાં બનતી ઘટનાઓ પ્રાકૃતીક બળોથી જ ઉપજે છે એવી સમજુતી આપનાર થેલ્સ (Thales) વીજ્ઞાનનો આદી પીતા (Fore Father of Science) કહેવાય છે. આ ગ્રીક સમયના વીદ્વાનો, વીચારકોએ શરીર રચનાશાસ્ત્ર (Anatomy), વનસ્પતી, ધાતુ, ભુગોળ, ગણીત, ખગોળ વગેરે ક્ષેત્રોમાં માહીતી મેળવી ઘણી સમસ્યાઓ આજે વૈજ્ઞાનીક કહેવાય એ રીતે ઉકેલી છે, સમજાવી છે. આ ગ્રીક પરમ્પરાને મધ્યયુગમાં ઈસ્લામી વીજ્ઞાનોએ આગળ વધારી. ગ્રીક યુગમાં હીપારક્સ (Hipparchus) (ઈ.સ. પુ. 190–120), હીપોક્રેટ્સ (ઈ.સ. પુ. 460–370), ગેલન (ઈ.સ. 129–200) તબીબી ક્ષેત્રોમાં, સર્જરીમાં મુળભુત પ્રદાન માટે, યુક્લીડ (Euclid) ભુમીતીમાં તેમ જ આર્કીમીડીસ ગણીતશાસ્ત્ર અને વીશીષ્ટ ઘનતાનો સીદ્ધાંત માટેના પ્રણેતા તરીકે જાણીતા છે. તેમનું પ્રદાન આજે પણ પુરેપુરું સ્વીકારાયું છે. થીયોક્રેસ્ટસે (Theophrastus) વનસ્પતી તેમ જ પ્રાણીઓનું વર્ગીકરણ કરવાની શરુઆત કરી.

ચીન અને પુર્વના દેશો : ચીનમાં પહેલવહેલા સુર્યગ્રહણ થવા વીશેનું ધ્યાન અને નોંધ ઈ.સ. પુ. 1054માં લેવાઈ છે. ચીનમાં પુરાણી શોધોમાં પડછાયા ઉપરથી ઘડીયાળ–સમયની ગણતરી કરવાની રીત શોધાઈ હતી. ટૅકનોલૉજીની દૃષ્ટીએ ચીન કોમ્પાસ, ગન પાવડર, પેપર–કાગળ બનાવવા તેમ જ છાપકામનો આરંભ કરનાર કહેવાય છે. આ શોધોની જાણકારી યુરોપમાં મધ્યયુગમાં પહોંચી. અલબત્ત ચીનના કેટલાક વીદ્વાનોની ધાર્મીક તેમ જ તત્ત્વજ્ઞાનીય માન્યતાઓ એવી બાધક હતી કે તેઓ પ્રકૃતી–કુદરતના નીયમનો સ્વીકાર કરવા તૈયાર ન હતા.

મધ્યયુગમાં વીજ્ઞાન

ઈસવીસનના આરંભમાં ખ્રીસ્તી ધર્મ તેમ જ ઈસવીસનની 7મી સદીમાં ઈસ્લામ ધર્મની સ્થાપના પછી જ્ઞાનની શોધ, જ્ઞાનસાધનાની જંજાળમાં ધર્મના આદેશો, ધર્મગુરુઓની દખલગીરી, અવરોધ તેમ જ કનડગત અનીવાર્ય પાસું બની ગયાં. ખ્રીસ્તી ધર્મગુરુઓ, પાદરીઓ કહેતા કે, ‘બાઈબલમાં જે જ્ઞાન આપેલું છે તે જ સાચું અને સમ્પુર્ણ છે. આ યુગમાં વીદ્વાન કહેવાય તેવી વ્યક્તીઓ કેવળ પાદરીઓ–ધર્મગુરુઓ જ હતા અને પ્રકૃતીનો અભ્યાસ તેમના માટે ઘણો ગૌણ હતો, તેઓને આવા અભ્યાસનો નીષેધ, વીરોધ પણ હતો. ઈ.સ.ની દસમી–અગીયારમી સદીમાં ગ્રીક તેમ જ એરેબીક ગ્રંથોના અનુવાદ થવા માંડ્યા. આથી જ્ઞાનસાધનાની પ્રવૃત્તીને વેગ મળ્યો. ઈટાલી, ફ્રાન્સ, ઈંગલેન્ડ, સ્પેનમાં યુનીવર્સીટીઓ સ્થાપવાની પ્રવૃત્તી શરુ થઈ. આ જ સમયગાળામાં રોજર બેકન અને બીજા અનેક વીદ્વાનોએ બૌદ્ધીક વીચારણા અને તર્ક પદ્ધતીથી અનુભવમાં આવતી ઘટનાઓનો અભ્યાસ કરવાનું વલણ ઉપર ભાર મુક્યો. આમ જે વીજ્ઞાનનો મુખ્ય પાયો કહેવાય તે અનુભવવાદ (Empiricism)ની શરુઆત થઈ અને જ્ઞાનપ્રાપ્તીની દીશામાં નવાં બીજ નંખાયા. આ યુગમાં વીદ્વાનો એરીસ્ટોટલનાં કથનો, સીદ્ધાંતો વીશે શંકા કરવા લાગ્યા. ઈ.સ.ની ચૌદમી સદીમાં ઘણા વીદ્વાનો પાક્યા, વીલીયમ ઑફ ઓકામ (Occam)ના પ્રદાનથી જાણીતો લાઘવતાનો નીયમ (Law of parsimony) ઓકામની તલવાર (Occam’s Razor) તરીકે જાણીતો છે. આ મધ્યયુગમાં જ જ્ઞાન–વીજ્ઞાનના ઘણાં ક્ષેત્રોમાં અનેક વીદ્વાનોએ પ્રદાન કર્યું છે. અને વીજ્ઞાન યુગ આવવાના એંધાણ દેખાયાં. આ મધ્યયુગમાં બીઝેન્ટાઈન સામ્રાજ્યમાં મુસ્લીમ વીદ્વાનોએ ખગોળ તેમ જ ગણીતના ક્ષેત્રમાં ઘણું પ્રદાન કર્યું છે. વળી આ જ સમયગાળામાં ભારત, એરેબીક દેશો તેમ જ યુરોપના દેશો વચ્ચે આદાનપ્રદાનની શરુઆત થઈ અને જ્ઞાનની નીકાસ થવા માંડી. મધ્યયુગમાં આરબ વીજ્ઞાનીઓએ, વેપારીઓએ ભારત તેમ જ ગ્રીસમાં વીચારાએલા ગણીતના ખ્યાલોને પશ્ચીમ યુરોપમાં પહોંચાડવાનું કાર્ય કર્યું. સાથે સાથે બીજગણીત તેમ જ ત્રીકોણમીતીના ક્ષેત્રમાં કેટલુંક મૌલીક પ્રદાન થયું છે. ભારતીય ગણીતમાં શુન્ય (Zero)ના ખ્યાલનો આરબોએ પશ્ચીમમાં પ્રસાર ન કર્યો હોત તો આધુનીક ગણીતશાસ્ત્રની આજે આટલી પ્રગતી ન થઈ હોત.

આ મધ્યયુગમાં જ્ઞાનસાધના–વીજ્ઞાન વીકાસમાં વીદ્વાનો, સંશોધનો તેમ જ ધર્મગુરુઓ, ધર્મના આદેશો વચ્ચે વારંવાર વીવાદ, સંઘર્ષ થવાના કીસ્સા બન્યા છે. અલબત્ત આ સંજોગોમાં સંશોધન કરતા, નવી રીતે વીચારતા વીદ્વાનો પણ સમ્પુર્ણપણે ઈશ્વર (God)ના પ્રભાવથી મુક્ત રહી શકતા ન હતા. ખ્રીસ્તી ચર્ચ અને ઈસ્લામના ફતવાના ડરથી ઘણા વીદ્વાનો પોતાના મંતવ્યો જાહેરમાં મુકવાની હીમ્મત કરી શકતા ન હતા. આ બ્રહ્માંડનું સર્જન ઈશ્વરે કર્યું છે, એટલે વીજ્ઞાન પણ આ ઈશ્વર (God)નું જ સર્જન છે એવું ધર્મપ્રભાવીત વીદ્વાનો માનતા.

–ડૉ. બી. એ. પરીખ

લેખક ડૉ. બી. એ. પરીખનું  વૈજ્ઞાનીક વલણ ધરાવતું પુસ્તક ‘વીજ્ઞાનવીકાસ અને ભારતમાં વીજ્ઞાન’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત – 395 001 ફોન નંબર : (0261) 259 7882/ 259 2563 –મેઈલ : sahityasangamnjk@gmail.com પાનાં : 80, મુલ્ય : રુપીયા 80/-)માંનો આ ત્રીજો લેખ, પુસ્તકનાં પાન 16થી 19 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સંપર્ક :

ડૉ. બી. એ. પરીખ, 154, સર્જન સોસાયટી, પાર્લે પોઈન્ટ, સુરત–395 007 સેલફોન : 99241 25201 મેઈલ : bhanuprasadparikh@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00  અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 03/06/2019

11 Comments

  1. Vigyan Na niyamo to bhrhmand ma ena sarjan sathe j astitvama aavya chhe.Ne manas ene ukelava praytno karto avyo chhe.Jene Fundamental science kahe chhe.Ne ene ansarine j manas ni tklifo dur karva praytna karechheJene applied science kahe chhe.Pan tamara jeva rationalists,charvak ne chhodine aagal nathi vadhi shakata Anya dharmiko ni jem j.

    Liked by 2 people

      1. વહાલા તુષારભાઈ,

        મારા બ્લૉગ ‘અભીવ્યક્તી’ના તમે પ્રતીભાવક છો. તમારા પ્રતીભાવોથી મને મીનરલ્સ અને વીટામીન્સ મળે છે. જો તમે રસ લેશો તો ઝટ ગુજરાતીમાં લખતા થઈ જશો એવો મને વીશ્વાસ છે.. ‘લખે ગુજરાતી’ની લીંક http://lakhe-gujarat.weebly.com/index.html તથા ત્રણ પીડીએફ્સ ડોક્યુમેન્ટ (ઈ.મેઈલ દ્વારા તમને મોકલી છે) થકી તમે ઝટ ગુજરાતીમાં લખતા થઈ જશો.

        સુરતના મારા ફ્રેન્ડ, ફીલોસોફર અને ગાઈડ શ્રી ઉત્તમભાઈ ગજ્જર (ઈ.મેઈલ: uttamgajjar@gmail.com) ને આ મેઈલની નકલ મોકલું છું. નીચે નીર્દેશેલ સરનામે લખશો/ફોન કરશો તો તમે લખતા શીખી જાઓ ત્યાં સુધી તેઓ તમારી સાથે જ રહેશે…
        Shri Uttam & Madhu Gajjar, 53-Gurunagar, Varachha Road, SURAT-395 006-INDIA. Phone-(0261)255 3591 મેઈલ: uttamgajjar@gmail.com

        ધન્યવાદ..

        –ગોવીન્દ મારુ

        Like

  2. મિત્રો,
    ડો. પરીખે મહાન વિષયને અેક પાનામાં સમાવીને આ આર્ટીકલ લખ્યો છે.
    ભારતમાં થયેલા વૈજ્ઞાનિક સંશોઘનો વિષે વઘુ લખ્યુ હોત તો ગમતે. સમયના રેફરન્સ સાથે……
    આર્ટીકલનો છેલ્લો પેરેગ્રાફ જે કાંઇક કહેવા માંગે છે…..ઇશુ ના ફોલોઅર્સ…ચર્ચના પાદરીઓ કે તેમનાથી મોટી પોઝીશનવાળા પોપ સુઘીના ઘાર્મિક લોકો જે રીત રસમો કે ઘાક ઘમકીનું સામ્રાજ્ય ફેલાવીને બેઠા હતાં તેના જ જેવું સામ્રાજ્ય આજે ભારતમાં…ઇસ્લામીક દેશોમાં ફેલાયેલું નજરે આવે છે…..પરંતું લોકજાગ્રુતિને કારણે ઘીમી પડી છે. અંઘશ્રઘ્ઘાળુઓ હજી પણ કહેવાતા ઘર્મની પકડમાંથી છુટા થયા નથી અને પોતાની નવી પેઢીને પણ તેમાં નાંખતી રહી છે.
    લેખ ગમ્યો પરંતું તેની ટૂકાણ ગમી નહિ.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  3. Satoj C. Desai ને ટ્રીપલ તલાક જેમ આપેલો પતિભાવ ગમ્યો

    ડૉ. બી. એ. પરીખ સાહેબનો અભ્યાસપૂર્ણ સુંદર લેખ
    આ પુસ્તકની ઇ આવૃતિ હોય તો જણાવવા વિનંતિ

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s