માનવકેન્દ્રી ધર્મનો ઢંઢેરો

માનવકેન્દ્રી ધર્મનો ઢંઢેરો

–યાસીન દલાલ

ક્યારેક નાનકડાં સામયીકોમાં એવી સામગ્રી રજુ થાય છે, જે મહત્ત્વની દૃષ્ટીએ અને માહીતીની દૃષ્ટીએ મોટી હોય છે. ગુજરાતી ભાષામાં આવાં કેટલાંક લઘુ સામયીકો ઉપર નજર ન કરીએ તો ઘણી બધી ઉપયોગી માહીતી અને જાણકારી ચુકી જવાય. ‘ભુમીપુત્ર’થી માંડીને ‘નયા માર્ગ’, નીરીક્ષક’, ‘સ્વસ્થ માનવ’, ‘વૈશ્વીક માનવવાદ’, ‘સત્યાન્વેષણ’, ‘આપણું સ્વાસ્થ્ય’ જેવાં માસીકો કે પખવાડીકો ક્યારેક વૈચારીક દૃષ્ટીએ સ્ફોટક સામગ્રી રજુ કરી જાય છે. બુદ્ધીવાદની વીચારધારા ઉપર કેન્દ્રીત થયેલું આવું એક સામયીક છે, રૅશનાલીસ્ટ પત્રીકા’ જે અજય અને કીરણ નામના બે પ્રખર બુદ્ધીવાદી યુવામીત્રો બહાર પાડે છે. રૅશનાલીસ્ટ પત્રીકાના અંકમાં છપાયેલો એક લેખ આપણા દેશની વર્તમાન પરીસ્થીતીના સન્દર્ભમાં સૌ પ્રબુદ્ધ નાગરીકોએ વાંચવા જેવો છે.

અમેરીકાની બફેલો યુનીવર્સીટીના પ્રો. કુપ્સે માનવકેન્દ્રી ધર્મનો એક ઢંઢેરો તૈયાર કર્યો છે, જેમાં આજના ક્રીયાકાંડકેન્દ્રી સંગઠીત ધર્મોથી અલગ પડીને માનવધર્મની વાત કહેવામાં આવી છે અને એ માનવધર્મના પાયાના નીયમો મુકવામાં આવ્યા છે. આ લેખનો અનુવાદ બીપીન શ્રોફે આ સામયીકમાં રજુ કર્યો છે.

એમ. એન. રોયના ગતીશીલ માનવવાદને મળતી આવતી આ વીચારધારા છે છતાં એમાં કેટલાક મુદ્દા અલગ પડે છે. હાલ જે બીનસામ્પ્રદાયીકતાના સીદ્ધાન્તની આસપાસ આપણે ત્યાં આટલો વીવાદ ચાલે છે એના પાયામાં પણ આમ તો આજ વાત કહેવામાં આવી છે; પણ અહીં પણ એક મુળભુત ફરક એ છે કે સંગઠીત ધર્મો ઈશ્વર અને દૈવી શક્તીઓને જ કેન્દ્રમાં રાખીને ચાલે છે અને એના અતીરેકમાં માણસ જ ભુલાઈ જાય છે, ગૌણ બની જાય છે એમ જ બીનસાંપ્રદાયીકતાના ખ્યાલમાં એથી વીરુદ્ધ વૈજ્ઞાનીક વીચારધારાને મુખ્ય બનાવીને ધર્મને માણસના અંગત જીવનનો પ્રશ્ન બનાવાયો છે.

આ માનવકેન્દ્રી ધર્મમાં પણ એના ઢંઢેરાની પ્રથમ જ કલમમાં વીજ્ઞાન અને તર્કને ટોચનું પ્રાધાન્ય અપાયું છે. એમાં કહેવાયું છે, ‘અમે સ્પષ્ટ રીતે માનીએ છીએ કે વીજ્ઞાન અને કાર્યકારણથી આ વીશ્વ અને બ્રહ્માંડને સમજી શકાય છે, અને માનવજાતના પ્રશ્નો તેના દ્વારા જ ઉકેલી શકાય તેમ છે.’ એની બીજી કલમમાં આગળ વધીને કહેવાયું છે કે આ વીચારધારામાં મૃત્યુ પછીના જીવનના ખ્યાલનું કોઈ સ્થાન નથી. બધો ઝોક આ જગત, આ જન્મ અને આ વીશ્વ ઉપર જ છે. જગતની ઉત્પત્તીની આધીભૌતીક અને ઈન્દ્રીયાતીત કલ્પનાઓને એ નકારી કાઢે છે.

આ ઢંઢેરાની ચોથી કલમ ધાર્મીક કટ્ટરવાદીઓને ખુલ્લા પડકાર સમાન છે. અત્યારે ઘણા દેશો અને ઘણી પ્રજાઓમાં ધાર્મીક અસહીષ્ણુતા જોવા મળે છે અને પ્રચલીત ધર્મની માન્યતાને પડકારનાર વ્યક્તીને પરેશાન કરાય છે. (તસલીમા નસરીન એનો તાજો દાખલો છે.) ત્યારે માનવધર્મની આ કલમ કહે છે કે, ‘ખુલ્લો અને વીવીધ મતમતાંતરવાળો સમાજ મહત્તમ લોકોને સ્વાતન્ત્ર્ય અને વીકાસની તકો પુરી પાડે છે તેમજ આવી સમાજરચના જ આપખુદશાહી અને સરમુખત્યાહશાહીની ઢાલ છે.’

આપખુદશાહી માત્ર રાજકીય હોતી નથી. ધાર્મીક આપખુદશાહી તો એનાથી બદતર છે. એ તો વ્યક્તીનું સ્વતન્ત્ર વ્યક્તીત્વ જ હણી લે છે અને એને ધર્મના આદેશોનું પાલન કરનાર એક કઠપુતળી બનાવી દે છે. એકબાજુ દેશમાં લોકશાહી રાજ્ય વ્યવસ્થા હોય અને બીજી બાજુ પ્રજાના છીન્નભીન્ન વર્ગો ધાર્મીક આદેશોને પડકારનાર વ્યક્તી સામે અસહીષ્ણુ બનીને એની સામે આપખુદશાહી ચલાવે એમાં મોટો વીરોધાભાસ છે. કાગળ ઉપર રાજ્યસત્તા ઉપર ધર્મનું કોઈ વર્ચસ્વ ન હોય પણ વ્યવહારમાં જરીપુરાણા ધાર્મીક આદેશોને પડકારનારને શીક્ષા કરવામાં આવતી હોય, ત્યારે એ લોકશાહી નીરર્થક બની જાય છે. ખરેખર તો અલગ અલગ ધાર્મીક માન્યતાવાળા લોકોએ એકબીજા પ્રત્યે સહીષ્ણુ બનીને આ જગતને વધુ જીવવા જેવું બનાવવું જોઈએ. આ ધાર્મીક ક્રીયાકાંડોથી ઉપર સત્ય અને ન્યાયના ઉચ્ચતમ સીદ્ધાંતો રહેલા છે.

ધાર્મીક કટ્ટરવાદ બળ અને હીંસાને ઉત્તેજન આપે છે ત્યારે માનવવાદ પ્રેમ અને સહીષ્ણુતા પ્રેરે છે. ધર્મના બધા આદેશોનું અર્થઘટન એકસરખું થઈ શકતું નથી. અલગ અલગ વીદ્વાનો એનું અલગ અલગ અર્થઘટન કરતા હોય છે. એનું નીરાકરણ શાંતીમય ચર્ચા અને વીચારવીમર્શ દ્વારા જ આવે. બધાં જુથો એમ કહે છે કે અમે કહીએ એ જ અર્થઘટન સાચું તો ઝઘડાનું નીરાકરણ થાય જ નહીં અને કડવાશ તથા વેરવૃત્તી જ વધે.

મનુષ્યમાં અપ્રતીમ સર્જનશક્તી અને મૌલીક આવીષ્કાર રહેલાં હોય છે. પણ ક્યારેક જડ ધાર્મીક આદેશો એની વીકાસયાત્રામાં અવરોધરુપ બને છે. વીજ્ઞાને જ્યારે હરણફાળ ભરી અને બ્રહ્માંડના અનેક કોયડાને ઉકેલી આપ્યા, ત્યારે ખબર પડી કે ધર્મગ્રંથોમાં જે લખેલું હતું, તે બધું સાચું નહોતું, બલ્કે અમુક વાતો તો મુળથી જ ખોટી હતી. ધાર્મીક વડાઓએ આ નવાં સત્યો અને તથ્યોને ખુલ્લા દીલે સ્વીકારી લેવાં જોઈતાં હતાં, પણ એમણે તો સંઘર્ષનો માર્ગ અપનાવીને વૈજ્ઞાનીકોને પરેશાન કર્યા. સદીઓ પછી, પોપ પોલે સ્વીકાર્યું કે વીજ્ઞાનની શોધખોળો બદલ ગેલેલીયો જેવા વીદ્વાનને જે સજા થઈ એ પગલું ખોટું હતું. જે ખેલદીલી ખ્રીસ્તી વડાએ બતાવી એ બીજા ધર્મોના વડાઓ બતાવી શકતા નથી.

કોઈપણ વીચારધારા જડ અને બન્ધીયાર બની જાય, ત્યારે એનો વીકાસ અટકી જાય છે, અને સ્થગીત બની જાય છે. જ્ઞાન અને સંશોધન કદી કોઈ જગ્યાએ અટકી જતાં નથી, પણ એમની યાત્રા સતત ચાલતી રહે છે. માનવવાદના ઢંઢેરામાં કહેવાયું છે તેમ, ‘અમે નવા વીચારો માટે મનને ખુલ્લું રાખીએ છીએ અને અમારી વીચાર પ્રક્રીયામાં નવાં પ્રસ્થાનો અને વલણોને આવકારીએ છીએ.’

સંગઠીત ધર્મોએ કદી નવા વીચારો અને નવાં મુલ્યોને ખેલદીલીથી આવકાર્યા નથી બલ્કે હીંસક બનીને એનો વીરોધ કર્યો છે. એક ધર્મ બીજા ધર્મ પ્રત્યેના વલણમાં પણ આવો જ અસહીષ્ણુ રહ્યો છે. પરીણામે ધાર્મીક પ્રચાર વડે લોકોમાં વટાળવૃત્તી ચલાવવામાં આવે છે અને સમ્પ્રદાયનું સામ્રાજ્ય વીસ્તારવા માટે નાણાં અને બીજી લાલચો પણ અપાય છે. આ ધાર્મીક બર્બરતાએ જ ભારત–પાકીસ્તાનથી માંડીને બોસનીયા અને આરબ–ઈઝરાયલ જેવી સમસ્યાઓ સર્જી, જેમાં લાખો નીર્દોષ માણસો હોમાઈ ગયા. એને બદલે માનવજાતે આ માનવકેન્દ્રી વીચાર અને માનવધર્મ અપનાવી લીધો હોત તો અત્યારની દુનીયા જેટલી સુખી છે એનાથી અનેકગણી વધુ સુખી હોત એમાં શંકા નથી.

અત્યારે માણસ સંગઠીત ધર્મોનું પાલન કરે છે તે ભય અને લાલચથી કરે છે કે આત્મપ્રતીતીથી તે પ્રશ્ન મહત્વનો છે. એના મનમાં ઠસાવી દેવાયું છે કે આ ઈશ્વરી આદેશ છે. એમાં શંકા કરશો તો નરકમાં જશો. ઈશ્વરનો કોપ તમારી ઉપર ઉતરશે. આ ભયનો પ્રેર્યો માણસ વીધી  ધર્મોના બધા આદેશોને સ્વીકારી લે છે. બીજી બાજુ આ વીધી ધર્મના અનુયાયીઓ જ મોટા પાયે કરચોરી કરે છે. દાણચોરી કરે છે, શસ્ત્રોની હેરાફેરી કરે છે, હત્યાઓ પણ કરે છે.

મતલબ કે સંગઠીત ધર્મ માણસને સારો માણસ બનાવવામાં સદન્તર નીષ્ફળ ગયો છે. મોટા ભાગના દાણચોરો અને માફીયા સરદારો પણ ઘરમાં પુજાપાઠ અને પ્રાર્થના કરતા હોય છે એ હકીકત જ બતાવે છે કે એમને માટે ધર્મ એ એક માત્ર ક્રીયાકાંડ છે, દમ્ભ છે, એમનાં કૃત્યોને ઢાંકવાનું આવરણ છે. એમને દેશવીરોધી અને સમાજવીરોધી કૃત્યો કરવામાં કોઈ અધર્મ દેખાતો નથી. ભ્રષ્ટાચારી લોકો પણ દેવદેવીઓની માનતા કરતા હોય છે. આ ધાર્મીક આડંબર સારો કે માનવકેન્દ્રી બુદ્ધીવાદ સારો એ નક્કી કરી લેવાનો સમય છે. માણસજાત જો વીધી–ધર્મોના સકંજામાં જ સપડાયેલી રહેશે તો બધી બાજુએથી એનું પતન ચાલુ જ રહેવાનું છે.

આ ઢંઢેરાની બારમી કલમ વ્યક્તીના ખાનગી જીવનના અધીકાર ઉપર ભાર મુકે છે. દરેક પુખ્ત ઉમ્મરની વ્યક્તીને તેની ઈચ્છાઓ મુજબનું જીવન જીવવાની સ્વાતન્ત્ર્તા હોવી જોઈએ. અલબત, એ જીવન કોઈ બીજી વ્યક્તીના સ્વાતન્ત્ર્ય કે સમાજના કોઈ વર્ગ માટે અન્તરાયરુપ ન હોવું જોઈએ, પણ ધાર્મીક આદેશો કે ખોટાં સામાજીક મુલ્યોને નામે વ્યક્તીના વ્યક્તીગત સ્વાતન્ત્ર્યને કચડી નાખવાનો પ્રયત્ન પણ ન જ થવો જોઈએ. જાતીય સમ્બન્ધોની બાબતમાં આપણે જે કૃત્રીમ બન્ધનો અને જડ વ્યવસ્થા લાદી છે, એનો અહીં વીરોધ કરાયો છે અને બે વ્યક્તીના પરસ્પર પ્રેમ સમ્બન્ધમાં અન્તરાયરુપ બનવાનો કોઈને અધીકાર નથી એવું પ્રતીપાદીત કરાયું છે.

માણસને ગૌરવરુપ જીવવાની તેમ જ ગૌરવરુપ અને ઈચ્છા મુજબ મરવાની પણ છુટ હોવી જોઈએ એવો સીદ્ધાન્ત પણ બીલકુલ યોગ્ય રીતે જ આ માનવ ઢંઢેરામાં વણી લેવાયો છે. એ વીધી ધર્મોએ ચીંધેલા કૃત્રીમ નૈતીક મુલ્યોને બદલે બન્ધુત્વ, જવાબદારી અને વીવેક ઉપર ભાર મુકે છે. નીતી એ કોઈ ઈશ્વરી કે ધાર્મીક ભેટ નથી પણ માણસે પુરી વીચારણા પછી વીકસાવેલા સામુહીક મુલ્ય છે. માણસ પરસ્પર વ્યવહારમાં સરળતાથી ટકી શકે એ માટે નીતીમત્તા ઘડાઈ છે.

પ્રો. પોલ કુપ્સના આ નવા માનવધર્મમાં માણસને એના સંકુચીત વાડાઓમાંથી બહાર નીકળીને બ્રહ્માંડના નાગરીક બનવા માટે આહ્વાન કરાયું છે. માણસે અણુ અને પરમાણુનું પૃથક્કરણ કરીને બ્રહ્માંડના ઉદભવ અને વીકાસનાં ઘણાં રહસ્યો ઉકેલ્યાં છે. ચન્દ્ર અને તારાઓ વીશે પણ જાણકારી મેળવી છે. દુર રહેલી આકાશગંગા અને ગ્રહો વીશેની જાણકારી ચરમસીમાએ પહોંચી છે ત્યારે મન્ત્રતન્ત્ર, જ્યોતીષ કે ધાર્મીક ક્રીયાકાંડનું કોઈ ઔચીત્ય જ રહેતું નથી. છતાં માણસને સ્થાપીત હીતો દ્વારા ગુમરાહ કરવામાં આવે છે, જેથી એ આત્મવીશ્વાસ ગુમાવીને સાધુબાવાઓ કે ધર્મગુરુઓ કહે એમ કરતો રહે.

અત્યારે આપણી પાસે જાત જાતના સંગઠીત ધર્મો છે જે કાગળ ઉપર તો ઉચ્ચ આદર્શો, માનવતા, કરુણા અને પ્રેમની હીમાયત કરે છે; પણ એમના અનુયાયીઓ સદીઓથી અસહીષ્ણુ બનીને વેરઝેર, ઈર્ષ્યા અને હીંસાનું જ આચરણ કરતા આવ્યા છે. પરીણામે વીરોધનો સ્વર જ દબાઈ જાય એવી સ્થીતી નીર્માણ પામી છે. આ સંગઠીત ધર્મો મોટું સ્થાપીત હીત બની ચુક્યા છે. એમણે જંગી સમ્પત્તી એકઠી કરી છે અને વીરોધી સ્વરને દબાવી દેવાની તાકાત પણ એમની પાસે છે. આ ભય અને દબાણનું વાતાવરણ વધુ તો એશીયન અને આફ્રીકન તથા આરબ પ્રજાઓમાં જોવા મળે છે. આ દેશોની ગરીબી અને પછાતપણાનું એક મોટું કારણ આ ધાર્મીક કટ્ટરતાનું જ છે. આપણે પણ બીનસામ્પ્રદાયીક લોકશાહી દેશ હોવા છતાં એમાંથી મુક્ત રહી શક્યા નથી.

આ કલુષીતતા અને ધાર્મીક બળપ્રદર્શનનો વીકલ્પ આ નવો માનવધર્મ છે. એનો ઢંઢેરો સ્પષ્ટ કરે છે તેમ એમાં ક્યાંય માણસને ભોગે ધાર્મીક માન્યતાઓને પોષવાની વાત નથી. ધર્મોનું મુળ ધ્યેય પણ માનવના કલ્યાણનું જ હતું. પણ એ મુળ ધ્યેય ભુલાઈ ગયું અને દેવ–દેવીઓની આરતી ઉતારવામાં જ માણસનું શ્રેય છે એવી ખોટી માન્યતા ઠોકી બેસાડાઈ.

–યાસીન દલાલ

લેખક સમ્પર્ક : ડૉ. યાસીન દલાલ, માનદ્ સંપાદક, ‘સૌજન્ય માધુરી’ માસીક, ‘આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ–360 007 ફોન : (0281) 257 5327 .મેઈલ : yasindalal@gmail.com

અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો વગેરેનાં તાળાં ખોલવા માટે રૅશનાલીસ્ટ ઈન્દુકુમાર જાની દ્વારા સમ્પાદીત પુસ્તક રૅશનાલીઝમ : નવલાં મુક્તીનાં ગાન(પ્રકાશક : ‘નયા માર્ગ ટ્રસ્ટ’, નયામાર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ 380 027 ફોન : (079) 2755 7772 પ્રથમ આવૃત્તી : નવેમ્બર 2007, પાન : 80, સહયોગ રાશી : રુપીયા 40/–)માંથી લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00  અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 17/06/2019

2 Comments

  1. Great. Wonderful. Hearty. Truthful. Reality of today’s world. Who can be convinced and changed ? Higher education doesn’t mean that the person is intelligent and intellectual.
    Humanity is the best way of life.
    This article of Shri Yasin Dallas be adopted as a regular educational course for middle school children in Gujrat ,
    Compulsory.
    Thanks Yasinbhai and Govindbhai. Very enlightening .

    Liked by 1 person

  2. નમસ્તે મારુ સાહેબ.
    ખુબ સરસ અપ્રતિમ પરમ સત્ય એક એક શબ્દ સુવર્ણ જડીત છે ખુબ ખુબ શુભેચ્છા સાથે અભિનંદન 👌👌👌❤️🙏❤️ધન્યવાદ સાહેબ

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s