વીજ્ઞાનમાં નવજાગૃતી કાળ અને આધુનીક યુગનો આરંભ

ગેલેલીયો (1564–1642)

આઈઝેક ન્યુટન (1642)

4

વીજ્ઞાનમાં નવજાગૃતી કાળ અને આધુનીક યુગનો આરંભ

–ડૉ. બી. એ. પરીખ

(આ લેખમાળાનો તૃતીય લેખ https://govindmaru.com/2019/06/03/dr-parikh-10/ ના અનુસન્ધાનમાં..)

પરમ્પરાવાદ, ધર્મ–ચર્ચના આગ્રહો વીરુદ્ધ નવા વીચારોના પ્રભાવની શરુઆત એ રીતે થઈ કે 15મી સદીમાં ટોલેમી ખગોળશાસ્ત્રી અને ભુગોળ વીજ્ઞાની માનતો હતો કે આ પૃથ્વી ઉપર ત્રણ જ ભુખંડો છે. યુરોપ, આફ્રીકા અને એશીયા. ચર્ચનું પણ આ મતને સમર્થન. તે સમયમાં ખગોળ તેમ જ ગણીતનો વીકાસ થયો. અને વીશ્વની સફરે નીકળેલા જહાજીઓએ મેળવેલી અને આપેલી માહીતી ઉપરથી સંકુચીત માનસ તેમ જ અજ્ઞાનતાના અન્ધકારને ધક્કો લાગ્યો. વળી આ સમયગાળો જે નવજાગૃતીકાળ (Renaissance) તરીકે સાચી રીતે ઓળખાય છે, તેમાં બૌદ્ધીક પ્રવૃત્તીઓ જોરદાર રીતે વધવા માંડી અને તેનો પ્રભાવ પડવા માંડ્યો. એરીસ્ટોટલના સમયના તેના તત્ત્વજ્ઞાનના સીદ્ધાંતો જે દરેક વીષયના ક્ષેત્રમાં આજદીન સુધી હાવી હતા તેમનો વીરોધ, પ્રતીકાર થવા માંડ્યો. હરમીસ (Hermes) નામના વીદ્વાને તે સમયમાં પ્રભાવી જાદુ–ટોણાં ધાર્મીક વીચારો તેમ જ આ સૃષ્ટી ઈશ્વરનું સર્જન છે જેવા ખ્યાલોના પ્રતીવાદ, વીરોધ કરવા માટે વીજ્ઞાનીઓમાં નવી રીતે વીચારવાની હીમ્મ્ત પ્રગટાવી. આ નવજાગૃતીકાળના આરમ્ભના વર્ષોમાં લીયોનાર્ડો–દ–વીન્ચી (1452–1519) જેવા કલાકાર ઈજનેર, વીજ્ઞાની તેમ જ આલ્બ્રેટ ડ્યુરર(1431), ગણીતશાસ્ત્ર, એન્ડ્રીયાસ વીસેલીયસ (1519) તબીબ અને અંગછેદનના અભ્યાસી વગેરે જેવા અનેકોએ જ્ઞાનના વીવીધ ક્ષેત્રોમાં નવેસરથી ક્રાંતીકારી, નવીન વીચારણાઓનો પાયો નાંખ્યો. વળી આ નવજાગૃતીકાળમાં રસાયણ શાસ્ત્રમાં સંશોધનની શરુઆત થઈ. લોખંડમાંથી સોનું બનાવવાની પારસવીદ્યા(Alchemy) તેમ જ અમૃત (Elixir)ની શોધ કરવાના પ્રયોગો કરવામાં આવ્યા. સાથે સાથે જર્મની, ફ્રાંસ, ઈટાલી વગેરે દેશોમાં તબીબીવીજ્ઞાન, રસાયણશાસ્ત્ર, ભુસ્તરવીદ્યા, ભૌતીકશાસ્ત્ર, વીદ્યુત અને લોહચુમ્બક, પ્રકાશ, ખનીજ વગેરે ક્ષેત્રોમાં નવીન રીતે શોધ અને સંશોધન થતાં હતા.

આ પંદર સદી સુધીનો ગાળો આધુનીક વીજ્ઞાનના આરમ્ભનું પ્રભાત, પુર્વકાળ કહેવાય. ખરેખર અર્થમાં આધુનીક વીજ્ઞાન યુગ નીકોલાસ કોપરનીક્સ (1473–1543)થી શરુ થયો. કોપરનીક્સનું ક્રાંતીકારી સંશોધન તે ખગોળશાસ્ત્રમાં તેણે વેધશાળામાં નીરીક્ષણ પછી જાહેર કર્યું કે આ બ્રહ્માંડમાં પરમ્પરાગત મનાતું હતું કે પૃથ્વી કેન્દ્રસ્થાનમાં છે એ હકીકત ખોટી છે અને બ્રહ્માંડમાં સુર્ય કેન્દ્રસ્થાને છે. પૃથ્વી સહીત તમામ ગ્રહો સુર્યની આસપાસ પરીભ્રમણ કરે છે. આ ઘટના કોપરનીક્સ ક્રાંતી તરીકે ઓળખાય છે. આ નવીન વીચારોની પરીપાટીમાં ફ્રાન્સીસ બેકને (1562­–1626) વૈજ્ઞાનીક સંશોધનની પદ્ધતી કેવી હોય છે તે વીશે સમજ આપી તેમ જ આ પદ્ધતીથી જ સાચું સંશોધન, જ્ઞાનપ્રાપ્તી, સમસ્યા ઉકેલો મળી શકે એવું ભારપુર્વક કહ્યું.

સ્વાભાવીક છે કે નવજાગૃતીકાળમાં ચીલાચાલુ ધર્મના પ્રભાવક પ્રચલીત ખ્યાલો છોડી નવા વીચારો, નવા જ્ઞાન તરફ વળવા માટે ધર્મસંસ્થાઓ, ચર્ચ, પાદરીઓ તરફથી સતત વીરોધ, દબાણ, શીક્ષા–બહીષ્કાર, ધમકી વગેરે સાધનો અજમાવાતાં. આમ વર્ષો સુધી વીજ્ઞાન તેમ જ ખ્રીસ્તી ધર્મ વચ્ચે જીવલેણ સંઘર્ષો ચાલુ રહ્યા, તેમ છતાં નવા જ્ઞાન, વીજ્ઞાનનો પ્રચાર ઉપયોગ તો થતો જ રહ્યો, વધતો રહ્યો.

એક નવાઈ જેવી ઘટના છે કે ‘રેનેસાં કાળ એટલા માટે નામકરણ થયું છે કે એક સાથે નવજાગૃતી, જ્ઞાનની શોધના કેટલાક પ્રવાહો આ સમયગાળામાં ઉદ્ભવ્યા હતા. ખ્રીસ્તી ધર્મના પોપની સરમુખત્યારશાહી સામે જર્મનીમાં એક અવાજ ઉઠ્યો, માર્ટીન લ્યુથર (1483–1546) તેણે પોપનો એવો અને એટલો વીરોધ(Protest) કર્યો, જેના પરીણામે તેમાંથી સુધારણાવાદી પ્રોટેસ્ટંટ સમ્પ્રદાયની સ્થાપના થઈ. વળી લોકોની નવું જાણવાની જીજ્ઞાસા અને નવું કરવાનું સાહસની પ્રેરણાએ સાહસીક નાવીકોને દરીયામાર્ગે વીશ્વના વીશાળ વીસ્તારોની ખોજ કરવા પ્રેર્યા. આવા અનેક સાહસીકોમાં ક્રીસ્ટોફર કોલમ્બસે (સ્પેન) – 1492માં નવા દેશ અમેરીકાની ધરતી પર પગ મુક્યો. 1498માં પોર્ટુગલના વાસ્કો–દ–ગામાએ લાંબી દરીયાઈ સફર પછી ભારતના કોચીન બંદરે ઉતરાણ કર્યું. આ નવા નવા દરીયાઈ માર્ગોથી ભારત–મધ્ય એશીયા, આફ્રીકા, યુરોપની પ્રજાઓ પરસ્પર સમ્પર્કમાં આવવા માંડી અને પછીનો ઈતીહાસ જાણીએ છીએ કે યુરોપના અનેક દેશોની વેપારી સંસ્થાઓ ભારતમાં આવી ચઢી. આ ભૌતીક પ્રગતીની સાથે વૈચારીક રીતે પણ નવા નવા પ્રવાહો એરીસ્ટોટલ તેમ જ ખ્રીસ્તી ધર્મના વીરોધ, પ્રત્યાઘાત રુપે યુરોપના અન્ય દેશો ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રીયા, ઈંગ્લૅન્ડ વગેરેમાં ફેલાયા. ફ્રાન્સના મોટા ગજાનો–તત્ત્વવીજ્ઞાની રેને દકાર્ત (1596–1650) ઘનભુમીતી (Solid Geometry)નો પીતા કહેવાય છે. તેણે ધાર્મીક, એરીસ્ટોટેલીયન વીચારધારાથી સાવ ભીન્ન રીતે કહ્યું છે : જ્ઞાન (Knowledge) એક જ રીતે મળે, I doubt therefore I exist : મને મારા અસ્તીત્વનું ભાન, અસ્તીત્વની ઓળખ એટલા માટે થાય છે કે હું શંકા કરું છું, જ્ઞાનપ્રાપ્તીનો માર્ગ વૈશ્વીક ચીન્તન, તર્કશુદ્ધ દલીલો દ્વારા જ કરાય છે. દકાર્તની ફીલસુફીને Rationalism બુદ્ધીવાદ કહે છે. આ તર્કપ્રધાન બુદ્ધીવાદી વીચારધારા બરુચ સ્પીનોઝા (ઓસ્ટ્રીયા 1632–1673) તેમ જ જર્મનીના ગોટફ્રેડ લાઈબનીત્ઝે (1646–1716) આગળ વીસ્તારી. આજ સમયગાળામાં દકાર્તની બુદ્ધીવાદી ફીલસુફીથી જુદી રીતે વીચારનારી ફીલસુફી અનુભવવાદ (empiricism)નો પુરસ્કાર ઇંગ્લૅન્ડમાં જ્હોન લૉકે (1632–1774) કર્યો. લૉકે કહ્યું કે ઈન્દ્રીય અનુભવ અને માત્ર અનુભવ જ કોઈ પણ પ્રકારનું જ્ઞાન મેળવવાનો રસ્તો છે. જન્મસમયે બાળકનું મગજ તો કોરી સ્લેટ(Tabula Rasa) જેવું હોય છે. જેમ જેમ તેને ઈન્દ્રીયો દ્વારા અનુભવો થતા જાય છે તેમ તેમ તેવું જ્ઞાન, માહીતી વધે છે, વીસ્તરે છે આ અનુભવના સંસ્કારોને ચીંતન, મનન વધારે સમૃદ્ધ બનાવે છે. લૉકની અનુભવવાદી ફીલસુફી, જ્યોર્જ બર્કલે (1685–1713) તેમ જ ડેવીડ હ્યુમે (1711–1776) આગળ વધારી, વીકસાવી.  આમ વૈજ્ઞાનીક સંશોધન પદ્ધતીના બીજ ફ્રાન્સીસ બેકને વાવ્યાં, તેને રેને દકાર્ત તેમ જ જ્હોન લૉકની ફીલસુફીઓએ વધારે તાત્ત્વીક અને સમૃદ્ધ બનાવી. હવે આ અનુભવ ઉપર આધારીત તેમ જ તર્ક, બુદ્ધી, દલીલો દ્વારા પ્રમાણીત જ્ઞાન એ જ સાચું, યથાર્થ જ્ઞાન છે. એ જ જ્ઞાન સંશોધનની પદ્ધતી છે એ નીશંક પુરવાર થયું. તેથી વીચાર–જ્ઞાનના સંશોધનમાં, અભ્યાસમાં ધર્મ, ધાર્મીક આદેશો ધર્મગ્રંથોના બોધનો એકડો સાવ નકામો ઠર્યો. ભુંસાઈ જવા માંડ્યો.

રેનેસાં નવજાગરણના આ સમયસત્ર દરમીયાન ઉત્પન્ન થયેલો બૌદ્ધીક પુનરુત્થાનનો પ્રવાહ ચાલુ રહ્યો અને ઉત્તરોત્તર જોરદાર મજબુત બનતો ગયો. આ પ્રવાહ માત્ર યુરોપ પુરતો જ સીમીત રહ્યો. વીશ્વના અન્ય દેશોમાં નવજાગૃતી તો ત્યાર પછી કેટલાય વર્ષો પછી આવી. ભારતમાં તો અંગ્રજોના આગમન પછી રાજા રામમોહનરાયના સમયથી નવજાગૃતીના કંઈ અંશે આમતેમ પ્રવાહો શરુ થયા. ગુજરાતમાં કવી નર્મદના જમાનાથી નવો પ્રવાહ શરુ થયો એમ કહી શકાય. આ નવ જાગરણ તો હજુ સુધી ચાલ્યા કરે છે, ખરેખર વીજ્ઞાનની હવા લહેરો તો વીસમી સદીમાં શરુ થઈ.

કોપરનીક્સે સુર્યકેન્દ્રીત સીદ્ધાંત રજુ કર્યો હતો. તે હજી પુરેપુરો સ્થાપીત થયો ન હતો. બ્રહ્માંડની રચના તેમ જ ગતીવીધી વીશેના આ નવ સીદ્ધાંતને ટાયકો બ્રાહ્મી – ખગોળશાસ્ત્રી (1546–1601), જોહાનીઝ કેપલરે (1571–1670) મજબુત બનાવવા તરફ ફાળો આપ્યો; પરન્તુ પૃથ્વીકેન્દ્રીત સીદ્ધાંતને જાહેરમાં રજુ કરવાની હીમ્મ્ત તો ગેલીલીયો ગેલીલી (1564–1642)એ બતાવી. ગેલીલીયોએ તેણે બનાવેલા ટેલીસ્કોપનો ઉપયોગ કરવા ઉપરાંત ઉંચેથી નીચે પડવાની ગતીનો નીયમ, સ્થાપીત કર્યો તેમ જ ગણીતશાસ્ત્ર, યન્ત્રવીજ્ઞાન, દ્રવ્યસ્થીતી વીજ્ઞાન (Hydrostatics)માં પ્રદાન કર્યું છે. ગેલીલીયો, આધુનીક વીજ્ઞાનનો, ગાણીતીક ભૌતીકશાસ્ત્રનો પણ પીતા કહેવાય છે.

હવે તો વૈજ્ઞાનીક પદ્ધતીથી જ્ઞાન મેળવવાની દીશામાં યુરોપના દેશોના વીદ્વાનોમાં જાણે નવો પવન ફુંકાયો અને 17મી–18મી સદીમાં તો જુદાં જુદાં ક્ષેત્રોના અનેક વીજ્ઞાનીઓ પ્રગટ્યા, જ્ઞાન–વીજ્ઞાનના નવાં નવાં ક્ષેત્રો ઉદ્ભવ્યા અને જ્ઞાન–માહીતીમાં પ્રચંડ વધારો થતો ગયો. વીજ્ઞાનના સીદ્ધાંતોનો વ્યવહારીક લોકોપયોગ પણ થવા માંડ્યો અને  વીજ્ઞાન આધારીત સાધનો ટૅકનોલૉજીનો ઉદય અને વીકાસ થવા માંડ્યો. યુરોપ, અમેરીકા, રશીયા વગેરે દેશોમાં હજારો વીજ્ઞાનીઓ પાક્યા છે, જુના વહેમો–પુજા માન્યતાઓ, પરમ્પરાગત ખયાલો, રુઢીઓનું, વહેમ–અન્ધશ્રદ્ધાનું ખંડન થયું છે, થાય છે. અને હવે તો વીજ્ઞાન યુગ જ જડબેસલાક સ્થાપીત થયો છે.

આમ તો જ્ઞાન–વીજ્ઞાનનો સર્વદેશીય વીકાસ થયો છે; પરન્તુ આપણે રેનેસાના પ્રવાહમાં જે અનેક વીજ્ઞાનીઓએ જ્ઞાન શોધમાં ફાળો આપ્યો છે. તેમાંના કેટલાક નામો જાણીએ.

આઈઝેક ન્યુટન (1642) ગુરુત્વાકર્ષણનો સીદ્ધાંત, ગતીના સીદ્ધાંતો, સાઈમન પીયરી લેપલેસ (ફ્રાન્સ 1749–1827), ખગોળશાસ્ત્ર, એન્ટોઈન લોરેન્સ લોવોઝીઅર (1743–1794), રસાયણશાસ્ત્ર, એન્ટોન વોન લ્યુવેનહોક (1632) જીવવીજ્ઞાન, વીલીયમ હારવે (1578–1657), લોહીનું પરીભ્રમણ, એડવર્ડ જેનર (તબીબી વીજ્ઞાન) શીતળા પ્રતીરોધક રસી, કાર્લ વોન સીન્ને સીનેયસ (1707–1778) વનસ્પતીશાસ્ત્ર, ચાર્લ્સ ડાર્વીન (1809–1882) જીવવીજ્ઞાન, ઉત્ક્રાંતીવાદ, થોમસ હક્સલે, લુઈ પાશ્વર (1822–1895) પેસ્ચ્યોરાઈઝેશન, હમ્ફ્રી ડેવી, માઈકલ ફેરેડે, મેડમ ક્યુરી (1867–1934). નીકોલાસ ટેસલા (1856–1943) થોમસ આલ્વા એડીસન (1847–1931), આલ્બર્ટ આઈન્સ્ટાઈન (1879–1955) વગેરે વગેરે. ભારતીય વીજ્ઞાનીઓમાં સી. વી. રામન, શ્રીનીવાસ રામાનુજમ, જગદીશચન્દ્ર બોઝ, સત્યેન્દ્રનાથ બોઝ, હોમી જહાંગીર ભાભા, સલીમઅલી, વીક્રમ સારાભાઈ વગેરેનો સમાવેશ થાય છે. આ યાદી ઘણી લંબાવી શકાય, અને આ વીજ્ઞાનના ક્ષેત્રમાં અણુવીજ્ઞાન, અવકાશ વીજ્ઞાન, ભૌતીક–ખગોળશાસ્ત્ર, જનીનશાસ્ત્ર વગેરે જેવાં અનેક નવાં નવાં શાસ્ત્રોનો ઉમેરો થયો છે, અને જ્ઞાનનો મહાસાગર રોજબરોજ વીસ્તરતો જાય છે.

આ જ્ઞાનના નવા પ્રવાહો તેમ જ ટાંકણીથી માંડીને શરુ થયેલો ટૅકનોલૉજીનનો યુગ આજે રોબોટ, ટેલીવીઝન, સેલફોન, અવકાશમાં છોડાતા ઉપગ્રહો, અણુશસ્ત્રો ક્યાં ક્યાં નહીં, ક્યાં સુધી પહોંચી ગયો છે.

આ વીજ્ઞાન ટૅકનોલૉજીના જમાનામાં જીવતા અને તેનો ભારોભાર રોજીન્દા જીવનમાં ઉપયોગ કરતા લોકમાં હવે ‘ઈશ્વરીય શાખ’ પ્રકૃતીથી પર એવાં પરીબળો, શક્તી, દૈવી કોપ કે આશીર્વાદ, ઈશ્વરનો, અલ્લાહ–ગૉડનો ડર, તેમની પુજા, કર્મકાંડ, વ્રત, ઉત્સવો વગેરે જેવી બાબતો હાવી ન થવી જોઈએ એમ માનીએ; પરન્તુ વાસ્તવમાં તેમ થયું નથી, તેમ થતું નથી. તેવું પુરેપુરું થવાનું પણ નથી. એ માનવમનની નબળાઈ, માણસની ઘણે અંશે ચીલાચાલુ, બંધીયાર, વીચારસરણીનું પરીણામ છે. આજે પણ વીશ્વમાં મોટાભાગની પ્રજા અને ભારતમાં તો ઘણા મોટા ભાગના લોક આ વીજ્ઞાન યુગમાં હજી અન્ધશ્રદ્ધા, કર્મકાંડો, ધામોની યાત્રા, બાધા, માનતા, બાવા–ગુરુદેવની પરમ્પરામાં અટવાય છે. ભારતમાં આજે વીજ્ઞાન ઉપર ધર્મ હાવી છે. આવા ભારતમાં વીજ્ઞાન કેવું હતું અને આજે કેવું છે તે હવે તપાસીએ.

(ક્રમશ:)

–ડૉ. બી. એ. પરીખ

લેખક ડૉ. બી. એ. પરીખનું  વૈજ્ઞાનીક વલણ ધરાવતું પુસ્તક વીજ્ઞાનવીકાસ અને ભારતમાં વીજ્ઞાન(પ્રકાશક : સાહીત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત – 395 001 ફોન નંબર : (0261) 259 7882/ 259 2563 મેઈલ : sahityasangamnjk@gmail.com પાનાં : 80, મુલ્ય : રુપીયા 80/-)માંનો આ ચોથો લેખ, પુસ્તકનાં પાન 20થી 24 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક ડૉ. બી. એ. પરીખ, 154, સર્જન સોસાયટી, પાર્લે પોઈન્ટ, સુરત–395 007 સેલફોન : 99241 25201 મેઈલ : bhanuprasadparikh@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00  અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 24/06/2019

10 Comments

  1. Very good information.There is still irony that many people believe in superstition & not developing scientific approach.There are two pen mistakes in year of Columbus (1942) & Vascoda Gama(1948) mentioned above article.Pl correct it

    Liked by 1 person

  2. મા પરીખ સાહેબનો અભ્યાસપૂર્ણ લેખ…
    તેમના વિચાર ‘ભારતમાં તો ઘણા મોટા ભાગના લોક આ વીજ્ઞાન યુગમાં હજી અન્ધશ્રદ્ધા, કર્મકાંડો, ધામોની યાત્રા, બાધા, માનતા, બાવા–ગુરુદેવની પરમ્પરામાં અટવાય છે. ભારતમાં આજે વીજ્ઞાન ઉપર ધર્મ હાવી છે. ‘ એ અર્ધસત્ય છે.
    આ રીતે ધર્મ અને સંતોગુરુઓને અન્યાયકર્તા છે. વિજ્ઞાન એ આપણી આસપાસના ભોૈતિક જગતનું સત્ય જાણવા થશે માટે જરૂરી છે. જયારે ધર્મ અને આધ્યાત્મ એ આંતરિક જગતનું સત્ય જાણવા માટે જરૂરી છે.

    Like

  3. સ્નેહી ગોવિંદભાઇ,
    સરસ, રસપ્રદ આર્ટીકલ. ટૂંકો લાગ્યો. વિગતોથી ભરપુર હોત તો વઘુ આનંદ થતે. બે ભૂલો ઘ્યાનમાં આવી છે.
    (૧) ક્રીસ્ટોફર કોલંબસ અમેરીકા ૧૪૯૨ માં આવેલો…નહિ કે ૧૯૪૨માં
    અને
    (૨) વાસ્કો દી ગામા ભારત ૧૪૯૭માં આવેલો…નહિ કે ૧૯૪૮માં.
    ભારતના અંઘારયુગનો સમય બ્રિટીશ રાજ સુઘી ચાલેલો….રામાનુજ ,.પ્રફુલ્લચંન્દ્ર રોય જેવા વિજ્ઞાનીઓઅે શરુઆત કરેલી…..ઘીમે ઘીમે વિજ્ઞાનનો પ્રોગ્રેસ થયો….આજે ૨૧મી સદી સુઘીમાં સેંકડો વિજ્ઞાનીઓ ભારતે જન્માવ્યા પણ ભારત તેમને પાળી શક્યુ નહિ….પશ્ચિમના દેશોઅે તેમને પાળ્યા, પોષ્યા અને મહાન બનાવ્યા. ભારતે પરદેશમાં મોટા થયેલાં પોતાના બાળકોના નામે ચરવાનું શોઘ્યુ. બણગા ફૂક્યા.
    આશ્રમયુગમાં રીસર્ચ થતી હતી અને દુનિયા તેનો સદ્ઉપયોગ કરતી….પછી અંઘારયુગે ભારતીઓને વર્ણવ્યવસ્થાના ચક્કરમાં નાંખી દીઘા…જેના થકી વિજ્ઞાન માટે ભારતે બ્રિટીશો ઉપર આઘારીત જીવન જીવવું પડેલું…..જે આજે પણ , પરદેશથી ટેકનોલોજી વેચાતી લાવીને ઘર ચલાવવું પડે છે.
    સત્ય કબુલ કરતા ભારતીયોને નથી આવડતું. દેશના લોકોની પરિસ્થિતિને ઘ્યાનમા લઇને ગાંઘીજીઅે પરદેશી માલનો વિરોઘ કરીને ચરખો ચલાવવાનું કહેલું. પારસી…વિરલાઓઅે ભારતને ઇન્ડસ્તરિલાઇઝ કરવામાં અગ્રેસર ફાળો આપ્યો….જેમાં જમશેદજી ટાટા પણ અેક હતાં.
    ભારત હજી કહેવાતા હિન્દુઘર્મના, ઇસ્લામના કે બીજા કોઇ ઘર્મના વાડામાંથી બહાર નથી નીકળવા માંગતું…….આજ પરિસ્થિતિ…રેનેશાં અને રેફરમેશનના વખતે યુરોપમાં હતી…ચર્ચનું રાજ ચાલતું…….
    પોલીટીશીયનો પોતાનો સ્વાર્થ સાઘવા કહેવાતા ઘર્મને નામે ચરી ખાય છે……..વિજ્ઞાન……વિશેષ જ્ઞાન…….અને તે તેની સચ્ચાઇની સાબિતિ સાથે આપણી સેવા કરી રહ્યુ છે. વિજ્ઞાનીઓ સાચા જીવતા જાગતા દેવો છે…પત્થરના નથી.
    ગોવિંદભાઇ, આવા જ આર્ટીકલો વઘુ છાપો………
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

    1. વહાલા વડીલ અમૃતભાઈ,
      બન્ને ભુલો સુધારવામાં આવી છે. ભુલો પ્રત્યે ધ્યાન દોરવા બદલ ખુબ ખુબ આભાર..
      –ગોવીન્દ મારુ

      Like

  4. The article by Mr Parekh is really interesting.

    Right now I am reading a book ‘The Enlightement’ published by Green heaven Press. It’s a part of essays written and published under the title of Turning point in World History. The period of Enlightenmet is also known as the Age of Reasoning.

    You will wonder that elite women of the era played an imortant role in spreading the new knowlede. These women used to discuss ‘Philosophes’ (Thinkers-cum-politicians) in ‘Parisaian Salons (Coffee shops) in Berlin, london, Vienna, Venice, Amsterdam and other European countries and spread mesages. Philosophes were directly challenging blind beliefs by the Church (Read Religion).

    Liked by 1 person

  5. વઘુ અેક વિચાર……
    ૧૪૦૦ના વરસોની આસપાસ યુરોપમાં મસાલાઓની જરુરીઆત, ઇસ્ટંબુલના પતનની સાથે ઉભી થઇ. મસાલા ભારતથી યુરોપ આફઘાનના ( ખૈબરઘાટી )રસ્તે જતાં. મસાલા મેળવવાના બિજા રસ્તાની શોઘે તેમને દરિયામાર્ગનો રસ્તો દેખાડયો.
    ૧૪૯૨માં ક્રિસ્ટોફર કોલંબસ ભારત આવવા નિકળ્યો અઅને પહોંચ્યો…અમેરિકા.
    ૧૪૯૭માં વાસ્કો દી ગામા ભારત આવવા નિકળ્યો અને પહોંચ્યો ભારત જ…..કોચીન બંદરે.
    શોઘ યુરોપના લોહીમાં હતી.. ભારતમાં જ્યારે અંઘારયુગ ( વર્ણવ્યવસ્થા ….બ્રાહ્મણ સૌથી વઘુ શક્તિશાળી. ઇવન રાજા રજવાડાઓમાં પણ તેમનું જોર.)ચાલતો હતો ત્યારે યુરોપ જુદા જુદા વિષયોમાં રીસર્ચ કરતું હતું….ચર્ચને અવગણીને…….ચર્ચની બીકને અવગણીને.
    બેસીક રીસર્ચોની આંગળી પકડીને નવી નવી રીસર્ચ શક્ય બની…જે યુરોપે આપી અને તેને સહારે આઘુનીક વૈજ્ઞાનીક યુગમાં આપણે જીવી રહ્યા છીઅે.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  6. એ અત્યંત દુઃખ ની વાત છે કે દરેક ધર્મમાં ધર્મના નામ થકી પોતાના પાપી પેટને ભરનારાઓ ડગલે અને પગલે વૈજ્ઞાનિક શોધો અને સુવિધાઓ નો ઉપયોગ કરે છે, પરંતુ ચમત્કાર નામની કોઈ વસ્તુ (જે વાસ્તવિક રીતે વિજ્ઞાન ની બાબત હોય છે), તેને ધર્મની સાથે જોડીને અંધશ્રદ્ધાળુઓ માં પોતાનો વટ કાયમ રાખે છે. આ બાબત દરેક ધર્મને લાગુ પડે છે.

    Liked by 1 person

  7. I am glad to note that many people are interested and have appreciated my articlesfrom my Monograph– Vignan Vikas ane Bharatmon Vignan.’ put by Govindbhai Maru in his Blog.
    I thank Shri Kasim Abbas, Firoz Khan.Dr Aswin Shah, Amrut Hazari Pranganju and others. I wish they keep in touch with me on Phone, preferably by Email.
    B.A.Parikh

    Liked by 1 person

  8. લોકભારતીમાં મારા અધ્યાપક ઇસ્માઇલ દાદા કહેતા કે વિજ્ઞાનના યુગમાં–જમાનામાં ક્યારેય આ બે વાક્યો ન જ બોલાય : “આમ જ હોય; આ જ સાચું” અને “આવું તે હોતું હશે ? સાવ ખોટી વાત છે…આવું કદી ન બને !” ગેલિલિયોની પહેલાં આ બીજું વાક્ય જોર કરતું હતું. આજે આપણે ત્યાં ધર્મને નામે પહેલું વાક્ય જોર કરી રહ્યું છે !!

    હજારીસાહેબે કહ્યું તેમ આશ્રમયુગમાં સંશોધનો થયેલાં છે. આરોગ્યશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર એનાં મોટાં ઉદાહરણ છે. પરંતુ આપણે ત્યાં કેટલાંક લેભાગુ તત્વોએ ઘણું બધું ગુંચવી માર્યું. ઘણું બધું આક્રમણકારોએ સળગાવી માર્યું. ધાર્મિક વાર્તાઓ કે જે ખરેખર તો સમાજશાસ્ત્રની હતી ને જેના યોગ્ય અર્થો તારવવાના હતા તેને રિચ્યુઅલ્સમાં ફેરવી નાખીને પાપી પેટ માટેનાં સાધનો બનાવી દેવાયાં…..

    વિજ્ઞાન પાસે આજે કલ્પી ન શકાય એવાં સાધનો આવી ગયાં છે છતાં ઓછાં–અધૂરાં છે. હજી ઘણું ઘણું બાકી છે. મન અને ચીત્તની શક્તીઓનો તાગ હજી મળ્યો નથી….ને જે મળ્યું છે તેનો અત્યંત દુરુપયોગ શરુ પણ થઈ ગયો છે !! પેલી શક્તીઓનો તાગ મળે તે પહેલાં તો આપણે પૃથ્વીને દોહી લીધી હશે !! કુદરતી આફતોને નોતરનારા આપણા બેફામ બની રહેલા વ્યવહારો ક્યાં જઈને અટકશે તે ખબર નથી !

    આજે આટલું વીકસેલું વીજ્ઞાન આ બેફામ વ્યવહારોને રોકી શકતું નથી કારણ કે વીજ્ઞાનને ચાવીને ખાઈ જનારા શાસકો બધા દેશોમાં બેઠા છે. આપણી વાર્તાઓ કેટલી સાચી હતી તેનું ઉદાહરણ ભસ્માસુરની આજે સાચી પડી ચુકેલી વાર્તા છે !!! આ શાસકોને પોતાને તો કોઈ વરદાન મળ્યું નથી પણ વીજ્ઞાનીઓએ મેળવેલા મહામુલા વરદાનોનો દુરુપયોગ તેઓ સત્તાના જોરે કરી રહ્યા છે. (કોઈ દેશ કે કોઈ નેતાનાં નામ આપવાની જરુર છે ખરી ?!!)

    સરસ મજાનો લેખ આપવા બદલ લેખકશ્રી અને ગોવીન્દભાઈનો આભાર.

    Liked by 1 person

Leave a comment