વૈજ્ઞાનીક થવાની ક્ષમતા ધરાવતા કુમળા માનસનેવૈરાગ્યની ધુન લગાડવાનું કામ થઈ રહ્યું છે

આપણા યુવાનોમાં વૈજ્ઞાનીક થવાની ક્ષમતા છે; પણ તે સાધુ થઈ જાય છે. અધ્યાત્મના નામે તેઓ યુક્તી–પ્રયુક્તીથી વીજ્ઞાનનો વીરોધ કરવામાં લાગી જાય છે અને પ્રજાને, ભક્તને પશ્ચીમના ભૌતીકવાદ પ્રત્યે ઘૃણા કરાવીને પશ્ચીમ કે અન્ય કોઈ પણ વીકાસશીલ દેશોને માગ્યા વીનાના ત્રણ લાભો થાય છે. આવો આ અંગે સ્વામી સચ્ચીદાનંદના ચીન્તનને સમજીએ….

વૈજ્ઞાનીક થવાની ક્ષમતા ધરાવતા
કુમળા માનસને
વૈરાગ્યની ધુન
લગાડવાનું કામ થઈ રહ્યું છે

–સ્વામી સચ્ચીદાનંદ

‘‘તેમનું અનાજ અને આપણું પેટ, તેમની દવા અને આપણા રોગો, તેમનાં મશીનો અને આપણાં કારખાનાં, તેમનાં પુસ્તકો અને આપણું જ્ઞાન, તેમના પૈસા અને આપણી લોનો, તેમની ટેક્નોલૉજી અને આપણાં મગજો, તેમનાં શસ્ત્રો અને આપણી સીમાઓ, અમારાં જહાજો અને તમારા સમુદ્રો, અમારાં કમ્પ્યુટર અને તમારી પ્રગતી, અમારા સ્પેરપાર્ટ્સ અને તમારાં મશીનો, અમારાં વીમાનો–ઉપગ્રહો–રૉકેટો અને તમારું અંતરીક્ષ.’’

આ શબ્દો ખરેખર ધ્યાનથી વાંચવા જેવા છે. એક નહીં, બે વાર વાંચવા જેવા છે અને એટલે જ આજે એનું પુનરાવર્તન કર્યું છે. ભારોભાર અભીમાની લાગે એવા આ શબ્દોમાં નરી વાસ્તવીકતા છે અને આ જ હકીકત છે. જો તમને એ માન્યામાં ન આવતું હોય તો તમે ચારે તરફ દૃષ્ટી દોડાવો. તમારા દેશમાં એકેએક જગ્યાએ લગામ પકડીને એ લોકો બેઠા છે અને આપણને એ દેખાય પણ છે. થોડા સમય પહેલાં કહ્યું હતું કે આપણે હજી પણ આયુર્વેદના ફાંકડામાંથી ઉંચા નથી આવતા. આસ્થાને આપણે ચરમસીમા પર રાખીએ છીએ; પણ વીજ્ઞાન પર શ્રદ્ધા રાખવાનું આવે ત્યારે આપણને એવું લાગે છે કે આપણે પાપ કરીએ છીએ. તેમને ત્યાં વીજ્ઞાન–શીરોમણી છે તો આપણે ત્યાં દરેક વાતમાં ધાર્મીકતાનો ઉકાળો આવી જાય છે.

ઓવર–ધાર્મીકતા :

ઓવર–ધાર્મીકતાને કારણે જ આપણે એકવીસમી સદીમાં પ્રવેશી ગયા પછી પણ હજીયે મોટા ભાગના ક્ષેત્રમાં પરાવલમ્બી છીએ. આ જ કારણોસર મને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરેલું ‘મેક ઈન ઈન્ડીયા’ કૅમ્પેન ગમ્યું છે. અહીં બનાવો, ઘરમાં બનાવો, જે બનાવવું હોય એ બનાવો પણ એ આ દેશના આંગણામાં બનાવો. બહુ સરસ અને ઉમદા વીચારોને કલાત્મક રીતે રજુ કરવામાં આવ્યા છે, પણ એ વીચાર વીશે વાત કરવાને બદલે મને અત્યારે આપણી ઓવર–ધાર્મીકતા વીશે વાત કરવી છે. આપણી ઓવર–ધાર્મીકતા આપણને વીશ્વની દોડમાં વીકાસલક્ષી થવા નથી દેતી. આપણા યુવાનોમાં વૈજ્ઞાનીક થવાની ક્ષમતા છે પણ તેમના કુમળા માનસને વૈરાગ્યની ધુન લગાડી દેવામાં આવે છે એમાં તે સાધુ થઈ જાય છે એટલું જ નહીં, વીજ્ઞાનવીરોધી પણ થઈ ગયા છે. અધ્યાત્મના નામે તેઓ યુક્તી–પ્રયુક્તીથી વીજ્ઞાનનો વીરોધ કરવામાં લાગી જાય છે અને પ્રજાને, ભક્તને પશ્ચીમના ભૌતીકવાદ પ્રત્યે ઘૃણા કરાવીને અજાણતાં જ પશ્ચીમના દેશોને એક નહીં ત્રણ લાભ કરાવી જાય છે.

પશ્ચીમ કે અન્ય કોઈ પણ વીકાસશીલ દેશોને પહેલો લાભ એ થાય છે કે આપણે આપણા જ આઈન્સ્ટાઈનની પ્રતીભા વીકસે અને એ તેમની સામે હરીફાઈમાં આવે એ પહેલાં જ તેમને મોરનાં પીંછાં જેવી રુપાળી આધ્યાત્મીક નીષ્ક્રીયતા આપી દઈએ છીએ. બીજો લાભ, માણસ જો નીષ્ક્રીય થાય તો એ સમજી શકાય. આ યુવાન નીષ્ક્રીય નથી થતો; પણ ધર્મપ્રચારક બનીને ભૌતીકતા અને વીજ્ઞાનના વીરોધને પ્રાથમીકતા આપવામાં લાગી જાય છે જેને લીધે નવા આઈન્સ્ટાઈનો ઉત્પન્ન થતા અટકે છે અને પ્રજા પણ તેમનો ઉપદેશ સાંભળીને અવૈજ્ઞાનીક બનવાની દીશામાં આગળ વધવા માંડે છે. આ લાભને કારણે પણ પશ્ચીમ અને અન્ય દેશો વીજ્ઞાનની દોટમાં આગળ નીકળી જાય છે. ત્રીજા નંબરનો જો કોઈ લાભ થતો હોય તો ધર્મ અને આધ્યાત્મીકતાના નામે આગળ વધનારાઓ એ હદે અન્ધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરે છે કે અન્ય સમ્પ્રદાયના બુદ્ધીશાળી યુવાનો પણ પોતાનો અને પોતાની બુદ્ધીનો ઉપયોગ સારા માર્ગે કરવાને બદલે ધાર્મીકતામાં ખર્ચવામાં કરવા માંડે છે.

આ ત્રણ માગ્યા વીનાના લાભોને કારણે અમેરીકા અને યુરોપના દેશો આગળ નીકળવા માંડ્યા છે. એ દેશોમાં જે ટૅક્નોલૉજી ખતમ થઈ જવાની અણી પર પહોંચે છે એ આપણે અહીં વાપરવાની શરુ કરીએ છીએ. આજે અમેરીકામાં જઈને જુઓ તો ખબર પડશે કે આપણા કરતાં તેમનું મોબાઈલ–નેટવર્ક કેવું મજબુત છે. તેમનું વાઈ–ફાઈનું નેટવર્ક પણ એકદમ સરસ છે અને તેમનું કેબલ–નેટવર્કનું પ્રસારણ પણ કલ્પના ન કરી શકો એ સ્તર પરનું ઉત્તમ છે. આ જ અમેરીકા આપણને ટૅક્નોલૉજી આપે છે; પણ એ બધી જ ત્યાં વપરાઈ ગઈ છે અને ત્યાંના લોકોએ એ હાંકી કાઢી છે. એમ છતાં આપણે એ ટૅક્નોલૉજીનો હોંશભેર ઉપયોગ કરીએ છીએ, કારણ કે આપણે તો એ બધું જોયું જ નહોતું એટલે આપણને સારા અને ખરાબની ખબર જ નથી. આ તો હવે વીશ્વની બધી વાતો તાત્કાલીક બીજી જગ્યાએ પહોંચી જાય છે એટલે આપણે સમજવા માંડ્યા. બાકી પાંચ–સાત વર્ષ પહેલાં તો આપણને એવી કંઈ ખબર નહોતી પડતી.

જ્યાં સુધી આપણે પરાવલમ્બી હોઈશું ત્યાં સુધી કોઈની આંગળી પકડીને ચાલવું પડશે અને આંગળી પકડીને ચાલવું પડતું હશે તો આપણે એ જે આપે એ વાપરવું પડશે; પણ જો પરાવલમ્બીપણું નહીં હોય તો ન્યાય યોગ્ય રીતે થશે. પરાવલમ્બીપણું છોડવા માટે પણ આપણે ઓવર–ધાર્મીકતા ત્યજવી પડશે. 

–સ્વામી સચ્ચીદાનંદજી (દંતાલીવાળા)

મુમ્બઈના દૈનીક ‘મીડ–ડે’ (તા. 15 અને 16 જુન, 2016)માં પ્રગટ થયેલી એમની લોકપ્રીય કટાર ‘એક ચપટી ધર્મ’માંથી.. સ્વામીજીના અને ‘મીડ–ડે’ના સૌજન્યથી સાભાર…

સમ્પર્ક : સ્વામી શ્રી સચ્ચીદાનંદજી, ભક્તીનીકેતન આશ્રમ, પો.બો.નં. 19, પેટલાદ – 388 450 ભારત ફોન :  (02697) 252 480

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ    ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 28–06–2019

11 Comments

 1. જે દેશમાં અંધશ્રદ્ધાને સરકારી પ્રોત્સાહન મળતું હોય તે દેશ કદાપી મહાસત્તા બની શકે નહીં; પણ વિશ્વગુરુ બનવાનો દંભ કરી શકે. જે દેશનો વડો ગંગા આરતીના નામે ગંગામાં લાખ દિવડા અને પુષ્પો વહેવડાવે અને પાછો ગંગા શુધ્ધીકરણના નામે પ્રજાના ટેક્ષના પૈસાનું પાણી કરે તે દેશની પ્રજાને કોઈના સુધારી શકે.

  Liked by 1 person

 2. MAKE IN INDIAનું પ્રતિક પણ ભારતમાં નથી બન્યું. વિશ્વ યોગ દિવસ માટે ચટ્ટાઈનો order Chinaને આપવામાં આવેલો. ગુજરાતી શાળાઓમાં ઘણાં અવૈજ્ઞાનિક પુસ્તકો ભણાવવામાં આવે છે. લેખક વાત વ્યાજબી કરે છે, ખોટા વ્યક્તિની મોટી બડાશોની વાત કરીને!

  Liked by 1 person

 3. એમા ય જૈનોમાં તો અંધશ્રદ્ધા નો જે ઉછાળ આવ્યો છે ( હું પોતે જૈન છું )
  એણે તો દાટ વાળ્યો છે
  સંસારની ખાટી મીઠીનો અનુભવ કર્યા વગર – અંતરમાં વૈરાગ્યનો અનુભવ
  કર્યા વિના -માસૂમ બાળકોને જે રીતે ધકેલી દેવામાં આવે છે -એમા આવા
  રતન ચિંતામણિ જેવા ધર્મની પણ નિંદા થાય છે

  Liked by 1 person

 4. ગૂઢ ચિંતન
  સામાન્યતયા મનુષ્ય પ્રકૃતિ શોધક અને માન્યતા ધરાવનાર હોય છે.પૂ સ્વામી સચ્ચીદાનંદજી આપણા સંતો જેમ શોધક (seeker) વધુ અને માન્યતાઓમા પણ શ્રધ્ધા અને અંધ શ્રધ્ધા વચ્ચે ભેદ પારખનાર સંત છે.ઘણીવાર ધુતારા ઠગોને પારખી ન શકનારને સંતને નામે બદનામ કરાય છે અને કેટલીક વાર રેશનલીસ્ટો પણ આવા સંતોને અન્યાય કરે છે.
  સાંપ્રતસમયે ખૂબ જરુરી સંશોધન=”વૈજ્ઞાનીક થવાની ક્ષમતા ધરાવતા કુમળા માનસને વૈરાગ્યની ધુન લગાડવાનું કામ થઈ રહ્યું છે’ પર ન કેવળ ઉપદેશમા કહ્યું પણ રાજકારણીયોને પણ ઠસાવ્યું અનેવૈજ્ઞાનિકોને પ્રાધાન્ય આપ્યું.સાથે સનાતનધર્મને અનુસરી યુધ્ધમા કે રાજ્ય સંચાલનમા ખૂબ જરુરી માનસિક સ્વસ્થતા માટે ધર્મને અનુસરવાનું જરુરી જણાવ્યું.
  ધન્યવાદ આવા ચિંતનાત્મક લેખ માટે

  Liked by 2 people

  1. ભારત ની સઁસ્ક્રુતી ની તમને શુ ખબર પડે ? તમે અમેરીકા મા રહો અહી કોઈ જરૂર નથી ભારત વિશ્વ ગુરુ હતુ અને હંમેશા રહેશે

   Like

 5. When a man of religion himself says that we are overdoing religion, should we not believe in him?
  Let us stop all the big non-sense that is going on in India today in the name of religion.

  It is the fundamental nature of Religion to discourage Buddhi and encourage Shraddhaa.
  As a result, our culture encourages us to give up our Intelligence.
  We must change that through science and education. —Subodh Shah, USA.

  Liked by 1 person

 6. ‘ ઓવર ઘાર્મિક્તા ‘
  બસ આ અેક શબ્દકપલે ભારતની સાચી પહેચાન પૂ. સ્વામીજી સચ્ચિદાનંદજીઅે કરાવી દીઘી.
  યુરોપમાં ઓવર ઘાર્મિક્તા જ્યારે હતી ત્યારે ચર્ચના દબાણ હેઠળ યુરોપ પાછળ હતું. વૈજ્ઞાનીકો આવ્યા અને પ્રજાને સમજાવી શક્યા…અને પ્રજા પણ સમજીને સાથ આપવા લાગી….તેને પરિણામે….ઇતિહાસ..‘ રેનેશા અને રેફરમેશન ‘ ભણવા માંડયો. આપણે ફક્ત પોપટની જેમ શાળાના ક્લાસમાં તે સબ્જેક્ટ ભણીને ફક્ત પાસ થયા…બુઘ્ઘિ આવી નહિ.
  સ્વામીજીઅે પોતાના જીવનને ખુલ્લું કરીને પુસ્તકો લખેલા છે. પોતે સસન્યાસ લીઘો છે પરંતું તેઓ સન્યાસનો વિરોઘ કરે છે. જે સચ્ચાઇની સાબિતિ છે.
  હું અેક કન્સલ્ટીંગ કેમીસ્ટ. મારા અનુભવો કહે છે કે…આ લેખનો પહેલો પેરેગ્રાફ લખેલો છે તે ભારતને માટે અેક લાખ ટકા સાચો રીપોર્ટ છે.
  ફાર્માસ્યુટીકલ ઇન્ડસ્ટરીમાં કે કેમિકલ મેન્યુફેક્ચરીંગના બિઝનેસમાં ભારત પાસે પ્રાઇવેટ કે સરકારી રીસર્ચ લેબ જે કાંઇ છે તે નવી નવી દવા કે નવા નવા કેમીકલોને જન્મ નથી આપતા. ફાઇનલ પ્રોડક્શનની પ્રોડક્ટ ક્યાં તો પરદેશથી વેચાતી લાવવી પડે છે અથવા તો પ્રોસેસ જો ચોરીનો માલ તરીકે મળતી હોય તો તે પણ બને છે. સ્વામીજીઅે લખ્યુ છે તેમ આ બઘી પ્રોસેસો ત્યાં અેબન્ડન્ડ થનાર હોય તેવી હોય છે. તેઓ મોસ્ટ રીસન્ટ ટેક્નોલોજી પોતાને ઘરે વાપરતા હોય છે.
  ભારત પાસે ખૂબ ઇન્ટેલીજન્ટ છોકરાઓ….સ્ટુડન્ટો મોટી સંખ્યામાં હોય છે પરંતું પરદેશીઓ તે હીરાઓને ઓળખીને પોતાના બનાવી લે છે. આપણે ત્યાં ઇન્ટરનલ પોલીટીક્સ ઇન્ટેલીજન્સને મારનારું સાબિત થયેલું હતું. આજની પરિસ્થિતિનું મને નોલેજ નથી.
  આપણને પારકે નાકે સ્વાસ લેવાનું ફાવી ગયેલું છે. અને તેનું કારણ પણ ‘ ઓવર ઘાર્મિકતા ‘ છે. દેશના મોટામાં મોટા ચાલકો પણ ઘાર્મિક. લશ્કરનો વડો લડાઇની સ્ટીમરને સર્વીસમાં મકવાના દિવસે પહેલાં ઘાર્મિક પૂજા કરાવશે. ચાંદલા કરાવશે. પણ ભારતના ઇન્જનીયરો કે જેમણે આ લડાયક સ્ટીમર બનાવી તેમની વાહ વાહી નહિ કરે. રાજકારણીઓ તો સ્વાર્થી હોવાના જ…તેમને તો રાજકારણને લઇને પૈસાવાળા બનવું છે. દેશસેવા કદાચ અેક ટકો પોલીટીશીયન કરતો હશે.

  અભણતા અને અંઘશ્રઘ્ઘા બન્ને ‘ ઓવર ઘાર્મિકતા‘ ના જનક હોય છે.

  ઓવર પોપ્યુલેશન , યુરોપીયન વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિનને ખરો સાબિત કરે છે. ભારત તેની સાબિતિ તરીકે પ્રુવ થયેલું છે.
  ” Struggle for Existence.”…….is the law.
  Thanks, friends,
  Amrut Hazari.

  Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s