વૈવીધ્યસભર દર્દો

સુરતના એક ભગત પાસે દર્દીઓ સાવ અક્કલ વગરના સવાલો લઈને આવ્યા હતા. જેમાં (1) કૌટુમ્બીક સવાલો, (2) શારીરીક રોગના સવાલો, (3) આર્થીક સવાલોઅને (4) શારીરીક રોગના સવાલો હતા. દર્દીઓના દ્વેષ, લાગણી અને મનપ્રદેશની વીગતો જાણવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવી જ રહી..

4

વૈવીધ્યસભર દર્દો

        –પ્રા. સુર્યકાન્ત શાહ

(આ પુસ્તકનો ત્રીજો લેખ https://govindmaru.com/2019/06/10/suryakant-shah-8/ ­­­­­­­ના અનુસન્ધાનમાં..)

માણસના જીવનમાં આકાંક્ષા, સમસ્યા અને પ્રતીકુળ પરીસ્થીતી પેદા થાય છે. આ અંગેના ઉપચાર માટે તેઓ ભગત–પીરને ત્યાં જાય છે. એમના કોઈ પણ સવાલનો જવાબ ભગત–પીર આપી શકશે જ એવું તેઓ દૃઢતાપુર્વક માને છે. મળેલા ચોપડાનો અભ્યાસ કરતાં સમજાય છે કે આ પ્રકારના સવાલોનું વર્ગીકરણ થઈ શકે તેમ છે. દરેક દર્દીનો સવાલ અનોખો હોતો નથી. એમના ઘણા સવાલો સમાન લક્ષણો ધરાવતાં દેખાયાં છે, આથી આ 771 દર્દીઓના સવાલોનું વર્ગીકરણ થઈ શક્યું છે, જે આ પ્રમાણે છે :

કોઠો–3
સુરતના એક ભગતના દર્દીઓના સવાલોનું વર્ગીકરણ
(ઈ.સ. 2001)

ક્રમાંક

સવાલોનો વર્ગ

દર્દીઓની સંખ્યા

1

કૌટુમ્બીક

307

2

આર્થીક

225

3

શારીરીક રોગો

239

કુલ સરવાળો

771

કૌટુમ્બીક સવાલો

771માંથી સૌથી વધારે એટલે કે 307 સવાલો, કૌટુમ્બીક સવાલો છે. સમાજનો બહુ મોટો ભાગ નાની મોટી કૌટુમ્બીક સમસ્યાઓ ઉભી કરે છે અથવા એમાં ફસાયેલો હોય છે.

આ સમસ્યાઓમાંથી મુક્ત થઈને કાર્યો કરવાનો સમય આવા માણસોને મળતો નથી. કૌટુમ્બીક સવાલોમાં મુખ્યત્વે છોકરીના લગ્ન ‘સારા’ ઘરમાં થાય, સગપણમાં, સમ્બન્ધમાં અને પ્રેમમાં નામુકરર જતી વ્યક્તીઓ, તડપતું માતૃત્વ, પુત્ર આકાંક્ષા, મોટા ભાગના કીસ્સાઓમાં પતી અને થોડા કીસ્સામાં ભાઈ અને પીતાની દારુની લત, પતી અથવા પત્ની સાથે મનમેળનો અભાવ, પ્રેમી/પ્રેમીકા તરફથી સ્વયંભુ સમર્પણની આકાંક્ષા, રખાત અથવા પરપુરુષ સાથેના જીવનસાથીના સમ્બન્ધો, ત્યક્તાની પતીગૃહે પુન: પ્રવેશની આકાંક્ષા, ઘર છોડી ગયેલી પત્ની પુન: શ્વસુરગૃહે આવે તેવી પતીની આકાંક્ષા, જેવા સવાલોનો સમાવેશ થાય છે. એક પુરષે એની પત્નીના અન્ય પુરુષ સાથેના સુંવાળા સમ્બન્ધોની ચર્ચામાં પરપુરુષને ‘રખાત’ તરીકે ઓળખાવ્યો છે.

કૌટુમ્બીક સમસ્યાઓ માણસને ખુબ સતાવતી હોય છે.

કેટલાક માણસો તો સમસ્યાઓને પરીણામે લાગણીની એટલી બધી ઉત્કટતા અનુભવે છે કે જાણે ઘેલા બની જાય છે. આ પ્રકારની સમસ્યાઓના ઉકેલ માટે તેઓ ખુબ જ નાણાં અને સમય ખર્ચી નાંખે છે. કૌટુમ્બીક મોરચે માની લીધેલા દુશ્મનને ખતમ કરી નાંખવા સુધીની વેરવૃત્તીના વરવા પ્રદર્શન કરતો એક પત્રને જોઈએ.

આ પત્ર લેખકે બે મહીનાના ટુંકા ગાળામાં ભગતને લાંબા લાંબા પાંચ પત્રો લખ્યાં છે. આ દર્દી ભગતનો ખુબ લાડકો ‘ભાણીયો’ થઈ ગયો હતો. ભ્રામક ઉપચાર કરાવવા માટે આ દર્દીએ ભગતને ‘પુ. મામા’થી સમ્બોધન કરીને જે પત્રો લખ્યા છે, તેમાંથી પાંચ પત્રો સત્યશોધક સભા અને તેના સહમન્ત્રી માધુભાઈને હાથ લાગ્યા છે. તેમાં વ્યક્ત થતી વેરની લાગણીની ઉત્કટતા દર્શાવતા કેટલાક અંશો આ પ્રમાણે છે :

– આગળવાળાનું મગજ એવું બનાવી દો કે અમે કહીએ તે કરે… અમે એને અમારા ઘરમાં પગ મુકવા દેવા બીલકુલ રાજી નથી. તેથી તેનું મગજ ફેરવી નાંખો…

– આ ત્રણે જણને તાત્કાલીક લકવા અવસ્થા ધારણ કરાવો. તાત્કાલીક જીન્દગીભર માટે પથારીવશ કરો.

– મારી જેઠાણીનો આજીવન માટે પેશાબ તથા ઝાડો બન્ને હમ્મેશ માટે બન્ધ કરી દો અને મરેલા મુડદા સમાન આંગળી પણ ઉંચી ન થાય એટલી અશક્તી તેનામાં દાખલ કરો. હમ્મેશ માટે.

– મારો નાનો ભાઈ (અને અન્યો) રહેવા આવવાના છે, તો તેઓને રાત્રી સમયમાં એમના પર તમાચાનો માર પડે તેમ જ તેઓ બન્ને ભેગા થાય (સમ્ભોગ કરે –સુ.શા.) ત્યારે શરીરમાં ખોટી અસર ચાલુ થઈ જાય… ‘મામા દેવા’ તમારા હવનમાં મારા બન્ને ભાઈઓને તેમ જ બન્ને ભાઈઓની પત્નીઓનો ભોગ લઈ લો. (હવનની ધાર્મીકતાનો વાસ્તવીક મર્મ આ માંગણીમાં વ્યક્ત થાય છે. –સુ.શા.)

– મારી અગાઉ લખેલી તમામ પ્રાર્થના તાત્કાલીક અત્યારે પુરી કરવા મહેરબાની કરશો.

        આ પત્ર વાંચતા દરેકને સમજાવું જોઈએ કે આપણા સમાજમાં ‘અકથીત રોગ’ કેટલો ઉંડો અને વ્યાપક પ્રસરેલો છે. ભગત માંડ માધ્યમીક શીક્ષણ પુરું કરી શક્યો છે. દર્દી સ્નાતક થયેલો દેખાય છે. દર્દીના મનપ્રદેશમાં ભાઈઓ અને ભાભીઓ વીરુદ્ધ પ્રમાણ બહારનો દ્વેષ પેદા થયો છે, આ દ્વેષનો ઉકેલ એને મળતો નથી. એ માટે અધીકૃત મનોચીકીત્સક પાસે જતો નથી; પરન્તુ હજારો રુપીયા ખર્ચીને ખોટા ઉપાય માટે ખોટા માણસ પાસે જાય છે. એને પુજ્ય માને છે. એ ‘ભગત–મામાને દેવ’ માની એની પાસે બધા ઉકેલ માંગે છે.

કૌટુમ્બીક સમસ્યોમાં જે મુખ્ય પ્રશ્ન બાળક પ્રાપ્તીનો છે તે માટે એક મુસ્લીમ બાઈ અંગે ભગતે એના ચોપડામાં નોંધ લખી છે કે, એક છોકરી પછી પુત્રફળ નથી, માસીક સરખું આવતું થાય અને પુરા માસે બાળક આવે તેવી મનની ઈચ્છા પુરી થાય. (ભગતે ત્યાર બાદ બાઈને ‘કરવા’ માટે બોલાવેલી, બાઈ ગઈ હતી કે કેમ તેની નોંધ ચોપડામાં નથી.)

આર્થીક સવાલો

કુલ 771 સવાલોમાંથી ભગતને સૌથી ઓછા એટલે કે 225 આર્થીક સવાલો મળ્યા છે. એમાંના પચાસ ટકા સવાલો તો વળી પાછા કૌટુમ્બીક ઝઘડામાંથી પેદા થયેલા છે. આમ આપણા સમાજમાં મુખ્ય સમસ્યા તો કુટુમ્બમાંથી જ પેદા થાય છે. આર્થીક સવાલોમાં મુખ્યત્વે કુટુમ્બના સભ્યો વચ્ચે મીલક્તોની વહેંચણી, મીલક્તોનું અને તેમાંયે મકાનનું વેચાણ, ધંધો વધારવો, હરીફને મહાત કરવો, દેવા નાબુદી, પરદેશથી વરદીઓ મેળવવી, ગામ છોડીને આવેલાઓની ગામની મીલક્તોમાં અહીં બેઠા ભાગ મેળવવા, જેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે. ભગતના ચોપડાઓનો અભ્યાસ કરતાં માલુમ પડે છે કે બહારગામથી આવતા દર્દીઓની મુખ્ય સમસ્યા આર્થીક બાબતોની છે. ખુબ આશ્ચર્યકારક રીતે એ હકીકત પ્રકાશમાં આવે છે કે સ્થાનીક દર્દીઓ પૈકી ઘણી મહીલાઓ ભગત પાસે આર્થીક પ્રશ્નો લઈને આવી હતી. કુટુમ્બની આર્થીક પરીસ્થીતી માટે ભલે પુરુષપ્રધાન સમાજમાં પુરુષનું ઉત્તરદાયીત્વ હોય છતાં એનાં પરીણામ મહીલાએ ભોગવવાના છે, તેથી એની તીવ્ર ઈચ્છા હોય છે કે કુટુમ્બની આર્થીક સમતુલા જળવાય. ભગતના ચોપડાઓની નોંધો વાંચતા સ્પષ્ટ થાય છે કે મોટા ભાગની સ્ત્રીઓ આર્થીક પરીસ્થીતી સુધારવા પોતાનો સીધો ફાળો આપી શકતી નથી. સામાજીક અને કૌટુમ્બીક પરીસ્થીતી એમને સક્રીય થવા દેતી નથી. આથી તેઓ મુંઝાય છે. પરીણામે ભગત મારફતે આર્થીક પરીસ્થીતી સુધારવાનો મીથ્યા પ્રયત્ન કરીને તેઓ કંઈક કર્યાનું આશ્વાસન લે છે. આ બધા જ પ્રકારના સવાલો ‘અકથીત રોગ’ની ચાડી ખાય છે; છતાં એ દર્દના મુળમાં કંઈક કર્યાનું આશ્વાસન મેળવવાની તાલાવેલી પણ દેખાય છે.

બહારગામથી સુરતમાં આવતા પુરુષો મહદઅંશે આર્થીક પ્રવૃત્તીઓ માટે આવતા હોય છે. એ જ પ્રવૃત્તીઓને લગતી સમસ્યા એમને સતાવતી હોય છે. આથી બહારગામથી આવતા દર્દીઓ પૈકી મોટા ભાગના પુરુષો આર્થીક સમસ્યા માટે ભગત પાસે આવે તે સમજી શકાય તેવું છે. મુળભુત રીતે તો કૌટુમ્બીક વારસાને લગતા પ્રશ્નોમાંથી મીલક્તોની વહેંચણીના આર્થીક પ્રશ્નો પેદા થાય છે, જે ભગતને મળેલા દર્દીઓની કથનીઓમાંથી સ્પષ્ટ થાય છે. એવા એક દર્દીની કથની આ પ્રમાણે છે (અસલ ઓળખાણ ગુપ્ત રાખીને) :

–જય ગુરુદેવ

–અડધો ભાગ ભાઈ પાસે છે. એને જરુર ન હોવા છતાં હેરાનગતી કરવા આપતો નથી. તેને ભાગે પડતા પૈસા ચુકવવા છતાં પણ ના પાડે છે.

–પુરો ભાગ મળી જાય તો મકાન માલીક પાસેથી આ દુકાન વાજબી ભાવે વેચાતી લઈ શકાય.

–મારા દીકરાને લગભગ સાત મહીના પછી ઘાત છે એવું જ્યોતીષીએ કહેલું તેનું રક્ષણ થાય તેવું યોગ્ય કરશોજી.

–ધંધાની તથા બીજી ઉઘરાણી આવતી નથી.

આમ, આ ધંધાદારી ભગત પાસે કેટલીયે અપેક્ષા રાખે છે. (1) કૌટુમ્બીક ભાગનો પ્રશ્ન નીર્વીધ્ને પાર પડે. (2) નવી દુકાન ખરીદી શકાય. (3) બીલકુલ અવૈજ્ઞાનીક એવા જ્યોતીષીએ છોકરા પરની આવનાર ઘાતનું એના મગજમાં ઘાલેલા ભુતને દુર કરવાનું અને (4) બધી ઉઘરાણીનાં નાણા મેળવવાના. અમદાવાદની ‘ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઑફ મેનેજમેન્ટ’ના સ્નાતકો ધંધાનું કાર્યક્ષમતાપુર્વક સંચાલન કરવા માટે આખી દુનીયામાં જાણીતા છે. એ બીચારાઓને પણ આ ચાર સમસ્યાઓના એકી સાથે ઉકેલ લાવવા માટે રોકીએ તો એમને પણ પસીનો પડી જાય. આવા મુશ્કેલ સવાલોનો ઉકેલ ભગત ચપટી વગાડતા આપી દેશે. આવું માનવું શું એ પોતે એક રોગ નથી? વધારામાં રોગનો રોગ તો એ છે કે એક લેભાગુએ દીકરા પર આવનાર ઘાતનું ભુત દર્દીના મનમાં ઘાલ્યું છે. ત્રણ ત્રણ વીકટ આર્થીક સમસ્યાના ચપટીમાં ઉકેલ લાવનાર ભગતને માથે આ ચોથી સમસ્યાનો ઉકેલ પણ ડાબા હાથનો ખેલ છે, માનનારો શું એક રોગી નથી?

શારીરીક રોગના સવાલો

કૌટુમ્બીક સવાલો પછી સૌથી વધારે સવાલો એટલે કે 239 સવાલો ભગતને શારીરીક રોગોના પુછવામાં આવ્યા છે. દર્દીઓની શારીરીક રોગની સમસ્યા માટે પણ ભગત–પીર પર વીશ્વાસ મુકવામાં આવે છે, ત્યારે તો આપણા સમાજ માટે ખુબ ચીંતા પેદા થાય છે. શારીરીક રોગના ઉપચાર માટે અધીકૃત ડૉક્ટરો છે અને તે સમ્પુર્ણ વૈજ્ઞાનીક ઢબે નીદાન કરીને શક્ય તે ઉપચાર કરે છે, એની માહીતી ભગત પાસે આવતા દર્દીઓને હોય જ. આમ છતાં, તેઓ ભગત–પીર પાસે જાય અને તેના કોઈ પણ અગડમ બગડમ ઉકેલને આપણો સમાજ સ્વીકારે એ માનસીક ‘અકથીત રોગ’ જ છે. એક ભગત પાસે શારીરીક રોગના વર્ષે 239 દર્દીઓ આવે અને રોગને વકરાવે તેવો સમાજ શારીરીક રીતે તંદુરસ્ત રહે એ માનવું વધારે પડતું છે. આપણો સમાજ અબજો રુપીયા ખર્ચીને લાખો ડૉક્ટરોને તૈયાર કરે છે. એમાંનો મોટો ભાગ સુરત જેવા શહેરી વીસ્તારોમાં પોતાનો વ્યવસાય કરે છે; છતાં એક જ ભગત પાસે વર્ષે બસ્સોથી પણ વધારે માણસો શારીરીક રોગના ઉકેલ માટે જાય તે હકીકત જ કોઈ પણ સમાજને માટે શરમજનક છે.

મોટાભાગની મહીલાઓ બાળક મેળવવા માટે ભગત પાસે જાય છે. તેનું કારણ એ છે કે તે સમાજમાં અને કુટુમ્બમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા માંગે છે. કુટુમ્બમાં સૌથી દુ:ખદાયી દરજ્જો વીધવાનો છે. ત્યાર બાદ વાંઝણીનો છે અને ત્યારબાદ પુત્રીની માતાનો છે. આથી બાળક મેળવવા માટે ભગત પાસે આવતી મહીલાઓની સમસ્યા શારીરીક રોગની નથી, તે એક કૌટુમ્બીક સમસ્યા છે. આથી તેવા દર્દીઓને કૌટુમ્બીક સમસ્યા હેઠળ સમાવવામાં આવી છે. ઉપરાંત બાળકનું હોવું કે નહીં હોવું તે માટે એકલી પત્નીનું શરીર જવાબદાર હોતું નથી, પતીનું શરીર પણ જવાબદાર હોય છે. આથી આ શારીરીક રોગોને લગતી સમસ્યાઓમાં ક્ષય, પેટમાં ચુંક, પેઢામાં દુ:ખાવો, અનીન્દ્રા જેવા રોગોને સમાવવામાં આવ્યા છે.

આ દર્દીઓ ભગતમાં એટલી શ્રદ્ધા ધરાવે છે કે તેઓ દ્રઢતાપુર્વક માને છે કે ભગત મીલક્તના વેચાણથી માંડી અનીન્દ્રા સુધીની સમસ્યાના ઉકેલ આપી શકશે! બીજી બાજુ તબીબી વીજ્ઞાનમાં એટલું બધું વીશીષ્ટીકરણ આવી ગયું છે કે ક્ષયની સુશ્રુષા કરનાર તબીબ અનીન્દ્રાની સુશ્રુષા કરવા માટે પોતાની અશક્તી જાહેર કરે છે. આવા એમ.ડી. સુધી ભણેલાઓ આ ભગત પાસે, ભગતને ત્યાં જાણે પાણી ભરતા હોય તેમ આ દર્દીઓ પોતાના શારીરીક રોગોની સમસ્યા લઈને ભગત પાસે જાય છે!

 આ ‘અકથીત રોગ’ના દર્દીઓને ભગતમાં કેટલી બધી શ્રદ્ધા છે તે માટે આ એક પત્ર (અસલ ઓળખ છુપાવીને) વાંચવો પુરતો છે.

‘ઉંઘ ઘણી જ ઓછી આવે. કોઈ જાતનું ચેન પડે નહીં. મન મુંઝાયા કરે છે. છાતીએ ભારને ભાર રહે છે. કોઈ જાતનું ભાન રહેતું નથી. આંખો ઉપર ભાર, અંધારા, ચક્કર જેવું રહે છે. સુનમુન બેસી રહી કોઈની સાથે બોલવા ચાલવાનું ગમે નહીં. જીવ આકુળ–વ્યાકુળ થયા કરે. હાથે અશક્તી, વધારે ખાવા–પીવાનું ભાવે નહીં. શરીરમાં ઝીણો તાવ રહ્યા કરે. દવા–દારુ ગુણ કરતાં નથી. લોહી ચુસાઈ ગયેલું બતાવે છે. આમને આમ 23–12–2000ના રોજ બપોરથી શરીરમાં પ્રવેશ કરેલો છે, ત્યારથી આજદીન સુધી કોઈના સાથે બોલવા ચાલવાનું ગમે નહીં. કોઈ કોઈ વાર ઘરમાંથી નાસી જવાનું ભાગી જવાનું, આપઘાત કરવાનું મન થાય, છોકરા–છોકરી સાથે પણ બોલવા–ચાલવાનું ગમે નહીં.

આવી બીલકુલ સામાન્ય કહી શકાય તેવી શારીરીક અશક્ત અને એનીમીયા જેવા રોગની ફરીયાદ લઈને આ દર્દી ભગત પાસે આવેલ. દર્દી પોતે જે વર્ણન કરે છે તે જોતાં એણે એમ.ડી. થયેલા ડૉક્ટરને પણ મળવાની જરુર નથી. એના જ વીસ્તારમાં કોઈ પણ એમ.બી.બી.એસ. પદવીધારી ડૉક્ટરને મળીને તે આ રોગનું નીદાન અને ઉપચાર કરાવી શકતે. એનો રોગ પણ મટતે અને ભગતને જે રકમ આપી તેના કરતાં ઓછા ખર્ચમાં તે નીરોગી બની જાત. ભગતે આ બાઈનું જે વર્ણન કર્યું છે તે જોતાં એણે માધ્યમીક શીક્ષણ લીધેલું હોય એવું માલુમ પડે છે. એટલે કે, એના વર્ણન પ્રમાણેના રોગનું નીવારણ એમ.બી.બી.એસ. પદવીધારી ડૉક્ટર કરી શકે તે બાબત એ જાણતી હોવી જ જોઈએ. પોતાના વીસ્તારના એવા ડૉક્ટરને મળવાને બદલે એના ઘરથી પાંચ કીલોમીટરથી પણ વધારે દુરના એવા ભગતને તે મળવા ગઈ એ હકીકત જ સુચવે છે કે પોતાના શારીરીક રોગની સમસ્યાના ખોટા ઉકેલને મેળવવા માટે ખોટા માણસ પાસે ગઈ કે જે એનો ‘અકથીત રોગ’ છે એ સ્પષ્ટ થાય છે. એના જેવા બીજા 238 શારીરીક રોગવાળા પણ આ ‘અકથીત રોગ’થી પીડાતા હતા એ ખાતરીપુર્વક કહી શકાય.

અન્ય

આ ત્રણ પ્રકારના સવાલો લઈને આવેલા દર્દીઓ ઉપરાંત કેટલાક દર્દીઓ સાવ અક્કલ વગરના સવાલો લઈને ભગત પાસે આવ્યા હતા. એક દર્દી એવો આવ્યો હતો કે જે એવી ફરીયાદ કરતો હતો કે ગળામાં વાયુ ભરાઈ ગયો છે! ભગત તે કાઢી આપે એવી એની અપેક્ષા હતી. બીજો દર્દી એવી ફરીયાદ લઈને આવેલો કે રાત્રે પાણી ભરેલો ટાંકો સવારે ખાલી થઈ ગયો હતો. એનું કારણ ભગત શોધી આપે! વળી, ત્રીજો દર્દી એવો હતો કે જે ભગત પાસે ગયો હતો તેનું માહીતી ભગત પુર્વેના સાચા ચીકીત્સક એમ.બી.બી.એસ. પદવીધારી ડૉક્ટરને મળી. આથી આ ભલા ડૉક્ટરે ભગતને સીધું લખ્યું કે એને ત્યાં આવેલ દર્દી લોહીના ઉંચા દબાણથી પીડાય છે. એને નીયમીત લેવાની દવા લખી આપવામાં આવ્યાનું પણ ભગતને જણાવ્યું. એ દવા દર્દી પાસે હોવાનો અને નીયમીત સેવનથી રોગ અંકુશમાં રહેવાનો દાવો પણ ડૉક્ટરે ભગતને લખી જણાવ્યો. ભગતે આ પત્ર દર્દીને વંચાવ્યો પણ ખરો. આમ છતાં; એ એમ.બી.બી.એસ. પદવીધારીને મહામુર્ખ ગણી આ ભગત–દર્દીની બેલડીએ શારીરીક રોગને એમની આગવી રીતે ખેંચી કાઢવાનું નક્કી કર્યું હતું! આવા નીર્ણયો લેનારા સાચે જ ‘અકથીત રોગ’થી પીડાય છે. એક દર્દીના કીસ્સામાં એવી રમુજ થઈ કે ભગતના ‘પ્રયત્નો’થી એક બાઈને માસીક ધર્મ આવતો બંધ થઈ ગયો. આથી, બન્નેએ સાનન્દ સ્વીકારી લીધું કે બાળક આવશે. બન્નેના આશ્ચર્ય વચ્ચે એ બાઈને છ મહીના પછી પુન: માસીક ધર્મમાં બેસી એવી ફરીયાદ લઈને બાઈ એ જ ભગત પાસે પુન: ‘આવી’ હતી! આ ભગતને ફરીયાદ સમજવા માટે જન્માક્ષરની ખુબ ઓછી જરુર પડે છે. 771માંથી માત્ર છ જ વ્યક્તીના જન્માક્ષર એણે જોયા. બીજી બાજુ, એવા કેટલાયે બાવા અથવા તો જોશીઓ એવા છે કે જે જન્માક્ષર વીના ફરીયાદો–દર્દો સમજી શકતા નથી. આટલી બધી વીસંગતતાઓ છે તેથી જ આ આજની ભુવા–પીર–સાધુ–બાવા–મૌલવી–પાદરીઓની જમાત અવૈજ્ઞાનીકતાની પ્રવર્તક છે એમ કહી શકાય. 771 વ્યક્તીઓના સવાલોમાં એક પણ સવાલ શૈક્ષણીક બાબતોનો નહોતો એ ખુબ જ આશ્ચર્યકારક ઘટના છે. બાળકોનો કે પોતાનો પ્રવેશ, પરીક્ષાના પરીણામની સાથે સાથે વર્ગ કે ક્રમાંક જેવા અનીશ્ચીતતાથી ભરપુર પ્રશ્નો 771માંથી કોઈને પણ સતાવતા નહોતા! શું આ ભગતને એવા વર્ગમાંથી ઘરાકી જ નહીં મળી એવું ઘારવું કે સમાજમાં શીક્ષણની કોઈ અગ્રીમતા જ નથી એમ ધારવું? આ પ્રશ્નો વધારે સંશોધન માંગે છે. અન્ય કોઈ ભગતના ચોપડાના અભ્યાસની આ મુદ્દા પર તો જરુર છે જ. આ ભગત પાસે રાજકારણીઓ પણ આવ્યા નથી. આરંગેત્રમ જેવી સાંસ્કૃતીક પ્રવૃત્તીથી માંડી ખેલકુદ જેવી પ્રવૃત્તીની સમસ્યા કોઈ પણ દર્દીને સતાવતી નહોતી! રાજકારણ તો બીલકુલ અનીશ્ચીત એવો ધંધો/વ્યવસાય છે તેથી રાજકારણીઓનો મોટો ભાગ કોઈને કોઈ ભુવા–પીર પાસે જાય છે. આ બીચારા ભગતને ત્યાં આવો કોઈ ઘરાક આવ્યો જ નહોતો, એવું મળેલા ચોપડાના આધારે કહી શકાય. સાંસ્કૃતીક, બૌદ્ધીક, ખેલકુદ, સાહસને લગતી પ્રવૃત્તીઓ આપણા માંદલા સમાજમાં કોઈ સ્થાન ધરાવતી જ નથી, એથી એને લગતી કોઈ સમસ્યા આપણા સમાજની કોઈ વ્યક્તીને સતાવતી હોય એવું વીચારવું તે બીલકુલ અવાસ્તવીક છે!

(ક્રમશ:)

પ્રા. સુર્યકાન્ત શાહ

લેખક પ્રા. સુર્યકાન્ત શાહનું પુસ્તક આપણો માંદો સમા (પ્રકાશક : સત્યશોધક સભા, C/o શ્રી શં.ફ. અગ્રવાલ ટ્રસ્ટ, 8/1308, રંગીલદાસ મહેતાની શેરી,  ગોપીપુરા, સુરત  395 001 પાનાં : 66, મુલ્ય : રુપીયા 30/)માંનો આ ચોથો લેખ, પુસ્તકનાં પાન 20થી 27 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : પ્રા. સુર્યકાન્ત શાહ, 17, ગાયત્રી ગંગા નગર, મકનજી પાર્ક પાસે, અડાજણ, સુરત–395009 સેલફોન : 98793 65173 ઈ.મેઈલ : suryasshah@yahoo.co.in

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 01–07–2019

5 Comments

 1. ‘ બિચારા‘ ભગત (?) ના ચોપડામાં લખેલી માહિતીઓનું પૃથ્થકરણ વાંચ્યું.
  પૃથ્થકરણ ઇપરછલ્લુ લાગ્યુ.
  સમાજને જાગૃત કરવાની ક્ષમતા આ પૃથ્થકરણમાં દેખાઇ નહિ. વિગતો અને રોગનિવારણના ભગતે લીઘેલાં પગલાઓનો ઉલ્લેખ ખૂબ મદદ કરતે. અેક વખતના વાંચને વાચનારને જો પોતાનો પ્રશ્ન દેખાતે તો નિવારણ પણ દેખાતે.
  પ્રયત્ન ખૂબ સારો બની રહ્યો છે.
  અભિનંદન.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 2. લોકો ઓછી મહેનતે અને ઓછા ખર્ચે સુખ મેળવવા જાય છે અને આવા ભગતો પાછળ એવા અંધ બની જાય છે કે તેની ઘેલછા માં પોતાનું તેમજ પરિવાર નું આર્થિક,સામાજિક અને શારીરિક શોષણ થવા સુધ્ધાં તેઓ અન્ય લોકોની વાત સાંભળવા કે સ્વીકારવા તૈયાર નથી અને ઉપર થી બીજા આવા અસહાય લોકો ને આવા ભગત ની ચુંગાલ માં ફસાવે છે. આ બાબતે સમાજે જાગૃત થવા ની જરૂર છે. આપના જેવા વિચારકો જ સમાજ ને જાગૃત કરી શકે. આપના આવા પ્રયત્ન બદલ આભાર

  Liked by 1 person

 3. ધન્યવાદ પ્રા સુર્યકાંતભાઇને’ વૈવીધ્યસભર દર્દો’ અંગે અભ્યાસપૂર્ણ લેખ માટે . –
  ‘દર્દીના મનપ્રદેશમાં ભાઈઓ અને ભાભીઓ વીરુદ્ધ પ્રમાણ બહારનો દ્વેષ પેદા થયો છે, આ દ્વેષનો ઉકેલ એને મળતો નથી. એ માટે અધીકૃત મનોચીકીત્સક પાસે જતો નથી’
  ‘બીજી બાજુ તબીબી વીજ્ઞાનમાં એટલું બધું વીશીષ્ટીકરણ આવી ગયું છે કે ક્ષયની સુશ્રુષા કરનાર તબીબ અનીન્દ્રાની સુશ્રુષા કરવા માટે પોતાની અશક્તી જાહેર કરે છે. આવા એમ.ડી. સુધી ભણેલાઓ આ ભગત પાસે, ભગતને ત્યાં જાણે પાણી ભરતા હોય તેમ આ દર્દીઓ પોતાના શારીરીક રોગોની સમસ્યા લઈને ભગત પાસે જાય છે!’ ‘આજની ભુવા–પીર–સાધુ–બાવા–મૌલવી–પાદરીઓની જમાત અવૈજ્ઞાનીકતાની પ્રવર્તક છે એમ કહી શકાય”આપણા સમાજની કોઈ વ્યક્તીને સતાવતી હોય એવું વીચારવું તે બીલકુલ અવાસ્તવીક છે!
  આ બધી વાતો સંપૂર્ણ તર્કશુધ્ધ નથી. આ અંગે તટસ્થતાથી વિચાર કરતા પ્રબુધ્ધ વિચારકોને આવા વ્યાધિના પરીણામોની દ્રષ્ટિએ લગભગ સરખા પરિણામો મળ્યા છે! ઘણા આવા વ્યાધી માનસિક રોગો ગણે છે અને આમા દવાઓ સામે પ્લેસીબો અસરવાળી વાતો વધુ અસરકારક લાગી છે. તેમા પ્રબુધ્ધ વિચારકની વાત સમજીએ…
  વિચાર મનનો ધર્મ છે, વિચાર, વાણી અને વર્તન વ્યક્તિની અધોગતિ કે ઊર્ધ્વગતિનું કારણ છે. ફેહમી બદાયૂંનો એક સીધોસાદો શેર છે,
  પહલે ખુદ કો ખાલી કર, ફિર ઉસકી રખવાલી કર તથા સનાતન ધર્મની વાત
  ‘તદેવ રમ્યં રુચિરં નવં નવમ્ તદેવ શશ્વન્મનસો મહોત્સવમ્ । તદેવ શોકાર્ણવશોષણં નૃણામ્ યદુત્તમ શ્લોક યશોડનુગીયતે ।। બીજી તરફ પશ્ચિમના વિદ્વાનોએ ઠરાવ્યું કે માનવ-સ્વભાવને બદલી શકાતો નથી. માનવ સમાજમાં રહે છે તેથી તેનું મનસ્વી વર્તન ચલાવી લેવાય નહિ અને તેના સ્વભાવને બદલાવી શકાતો નથી – આ બે અંતિમો વચ્ચેનો મધ્યમ માર્ગ ત્યાંના જ વિદ્વાનોએ સૂચવ્યો અને તે માનવ વર્તનને નિયંત્રિત કરવાનો. ભય અને લાલચ, ઈનામ અને સજા આ બે માનવ વર્તનને નિયંત્રિત કરનારા પરિબળો તરીકે સ્વીકરવામાં આવ્યા. આપણે ત્યાં આ બે પરિબળો પશુવર્તનને નિયંત્રિત કરવા માટે સ્વીકારાયા છે. આથી સાબિત થાય છે કે પશ્ચિમના વિદ્વાનો માનવ અને પશુ વચ્ચે કોઈ ફરક જોતા નથી. વૈદિક વિચારધારા સ્વીકારે છે કે માનવસ્વભાવ બદલી શકાય છે. ગીતા કહે છે: વિચાર અને પ્રેમ – આ બે પરિબળો દ્વારા માનવસ્વભાવને બદલી શકાય છે. પ્રેમથી માનવને પોતાનો કરવાનો અને જીવનને ઉર્ધ્વગતિ બક્ષે તેવો વિચાર સહજ રીતે તેને આપવાનો. આ પ્રકારે પ્રાપ્ત વિચારના સંપર્કમાં આવેલો માણસ તેના પર ચિંતન-મનન કરીને તેનું સેવન કરે-તેને અપનાવે ત્યારે તે વિચારને આત્મસાત કરે છે. અને આમ તેનું જીવન બદલાય છે.આવું સમાજસેવક સાચા ભગતમૌલવીઓ માને છે અને આવા સારા પરિણામોને લીધે કેટલાક તબીબો પણ તેમની સેવા લેતા જોયા છે!આને તબીબો ખોટા છે તેમ અમારું કહેવું નથી.

  Liked by 2 people

 4. માણસ જાત નું માનસ એવું છે કે એને વગર મહેનતે વગર કાર્યકારણ નો નિયમ લાગે એમજ ચમત્કારિક રીતે એનું કલ્યાણ થઇ જાય એની સમસ્યા દૂર થઈ જાય એને લાભ થઈ જાય એવું એ ઈચ્છે છે. એનું કારણ છે ધર્મ.કોઈ પણ વ્યક્તિ ધર્મ માં જન્મે છે એને ધર્મ ની ક્રિયાઓ જોય છે.એના સંસ્કારો એના ઉપર પડે છે. ધર્મ માં કે બહેન વ્રત ઉપવાસ રહેતા હોય એની કથા વાંચતા હોય એમાં આવી ચમત્કારો ની વાતો આવતી હોય એનાથી બાળપણ થી માનસ જ એવું નિર્માણ થાય છે.બાળક માં નાનપણ થી જ વૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવવી જોઈએ કાર્યકારણ નો નિયમ સમજાવવો જોઈએ

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s