વૈજ્ઞાનીક અભીગમનો ઉલ્લેખ ભારતીય બન્ધારણમાં શા માટે?

ભારતીય બંધારણના અનુચ્છેદ 14, 15 અને 51–Aમાં શું છે? ભારતમાં યોજાતી ચુંટણીઓના ઉમેદવારના વીજય પરાજય સાથે કાર્યકારણનો કોઈ સમ્બન્ધ હોય છે? જો કોઈ ઉમેદવાર પોતાની જીત માટે ઈશ્વર, દરગાહ કે પીરની ઉપાસના કરે તો તેનાથી બંધારણનો ભંગ થાય?

વૈજ્ઞાનીક અભીગમનો ઉલ્લેખ
ભારતીય બન્ધારણમાં શા માટે?

–અશ્વીન ન. કારીઆ

ભારતીય બંધારણમાં 42મો સુધારો થયા પુર્વે વૈજ્ઞાનીક અભીગમનો કોઈ ઉલ્લેખ હતો નહીં. પાંચમી સંસદે બંધારણના 42મા સુધારાથી ભાગ : IV–Aનો ઉમેરો કર્યો. જો કે તેમાં 51–A નામનો એક નવો અનુચ્છેદ આમેજ કરાયો છે. આ ભાગમાં ભારતીય નાગરીકોની મુળભુત ફરજો નીયત કરવામાં આવેલ છે. અનુચ્છેદ 51–A(h) જણાવે છે કે ભારતના નાગરીકની વૈજ્ઞાનીક અભીગમ, માનવવાદ અને તપાસ તેમ જ સુધારક વલણ કેળવવાની ફરજ છે. ભારતનો સાચો અને સારો નાગરીક વૈજ્ઞાનીક અભીગમ કેળવવાનો હમ્મેશાં પ્રયત્ન કરશે. કારણ કે દરેક નાગરીક ભારતીય બંધારણને વફાદાર છે. આપણામાંના ઘણા નાગરીકો પોતાની આ મુળભુત ફરજથી અજાણ છે.

ભારતમાં દર પાંચ વર્ષે યોજાતી ચુંટણીઓનો જ આપણે દાખલો લઈએ, તો જણાશે કે ચુંટણીઓના સમયમાં બીનવૈજ્ઞાનીક અભીગમ અને ચમત્કારોમાં વીશેષ શ્રદ્ધા જોવા મળે છે. બંધારણના કારણે અસ્તીત્વમાં આવેલ સંસદ કે વીધાનગૃહમાં જઈને લોકોની સેવા કરવા માટે ચુંટાયેલા ઉમેદવારો ઈશ્વરના નામે સોગંદ લે છે. ઉમેદવારીપત્ર ભરવા જતા પુર્વે મુહુર્ત કઢાવે છે અને દાન–દક્ષીણા કરીને દર્શને પણ જાય છે. કેટલાક ઉમેદવાર ચુંટણી અગાઉ અને કેટલાક ઉમેદવારો જ્યોતીષીઓ પાસે જઈને ઉમેદવારીપત્ર ભરવા માટેનો યોગ્ય સમય મેળવે છે. કોઈ પણ માણસ સમજી શકે તેવી વાત છે કે ઉમેદવારને પોતાનું ઉમેદવારીપત્ર મંજુર થાય છે કે કેમ તેટલું જ જોવાનું હોય છે. ઉમેદવારીપત્ર ભરવાના સમય સાથે ઉમેદવારના વીજય પરાજય સાથે કાર્યકારણનો કોઈ જ સમ્બન્ધ હોતો નથી. જો કોઈ ઉમેદવાર પોતાની જીત માટે ઈશ્વર, દરગાહ કે પીરની ઉપાસના કરે તો તેનાથી બંધારણનો ભંગ થાય છે. ઈદી અમીન જેવા સરમુખત્યાર એમ કહી શકે કે દેશના પ્રમુખ તરીકે અલ્લાહે તેને આ ધરતી પર મોકલ્યો છે; પરન્તુ લોકશાહી, બીનસામ્પ્રદાયીક પ્રજાસત્તાક રાજ્યમાં જો કોઈ ઉમેદવાર એમ જાહેર કરે કે ઈશ્વરકૃપાથી પોતે વીજયી થયા છે, તો તે બંધારણનું સરાસર અપમાન છે. સંજીવ રેડ્ડીએ 1980માં જ્યારે એમ જાહેર કર્યું કે તીરુમલાઈના ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદથી પોતાનો વીજય થયો છે, ત્યારે બંધારણીય હોદ્દા પર ચુંટાયેલ આ રાષ્ટ્રપતીએ બંધારણના અનુચ્છેદો 54થી 60ની ઉપેક્ષા કરી એમ કહેવું જોઈએ. નવાઈની વાત એ છે કે પરાજીત થયેલા ઉમેદવારોએ પણ આ જ રીતે જ્યોતીષીઓ પાસે મુહુર્ત કઢાવેલ હોય છે અને કોઈ બાબાના આશીર્વાદ પણ મેળવેલ હોય છે. તાજેતરના ઈતીહાસ તરફ નજર કરીએ તો ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે કેશુભાઈ પટેલે જ્યોતીષ પાસે મુહુર્ત જોવડાવીને સવારમાં 12-39નો સમય નક્કી કર્યો હતો. આમ છતાં ટુંક સમયમાં જ તેમને પદ છોડવું પડ્યું હતું. કહેવાનું તાત્પર્ય એ છે કે આવા મુહુર્તો મુજબ કરેલ કામ માનવજીવન પર હકારાત્મક કે નકારાત્મક કોઈ પણ પ્રકારની અસર જન્માવી શકતા નથી.

સંસદ કે વીધાનગૃહોની ચુંટણી બીનસામ્પ્રદાયીક બાબત છે. બંધારણની જોગવાઈ મુજબ લોકો પોતાના મનથી સંસદ અને વીધાનગૃહોમાં પોતાના પ્રતીનીધીઓ ચુંટીને મોકલે છે. આનો અર્થ એ થાય કે મતદારોએ કોઈ પણ જાતની અસર હેઠળ આવ્યા સીવાય મુક્ત રીતે ચુંટણીમાં પોતાનો મત આપવો જોઈએ. ચુંટણીમાં લોકોનું સાર્વભૌમત્વ ખાસ અગત્યનું છે.

જો ઉમેદવાર મુક્ત ચુંટણીમાં માનતા હોય (અને તેમણે માનવું જ જોઈએ) તો તેમણે ઈશ્વર, પીર, ઓલીયા, દરગાહના નામે અપીલ કરવાનું કે મત માગવાનું બંધ કરવું જોઈએ. જો તે એમ માનતો હોય કે ઈશ્વરની ભક્તી કરવાથી કે પુજાપાઠ કરવાથી મતદારો પર અસર થશે, તો તે બંધારણનું અપમાન કરે છે.

ભારતીય બંધારણના આમુખમાં જણાવ્યું છે કે ભારત બીનસામ્પ્રદાયીક પ્રજાસત્તાક રાજ્ય રહેશે. બીનસામ્પ્રદાયીકતા વૈજ્ઞાનીક અભીગમનું એક મહત્ત્વનું પાસું છે. દરેક નાગરીકની બીનસામ્પ્રદાયીક રહેવાની ફરજ છે. બીનસામ્પ્રદાયીકતા એટલે દેશનાં શાસનમાં કોઈ પણ ધાર્મીક કે આધ્યાત્મીક સત્તાનો ઈન્કાર. આપણા જીવનને અસરકર્તા કાયદો ધર્મથી મુક્ત હોવા જોઈએ. જે કોઈ વ્યક્તી જે કોઈ ધર્મ પાળતી હોય તે તેની અંગત બાબત છે.

ભારતીય બંધારણના અનુચ્છેદ 51–A(h) ને અનુચ્છેદ સાથે નીસ્બત છે. અનુચ્છેદમાં રાજ્યને સમાન નાગરીક ધારો (Uniform Civil Code) ઘડવા આદેશ આપવામાં આવેલ છે. લગ્ન, લગ્નવીચ્છેદ, દત્તકવીધાન વગેરે બીનસામ્પ્રદાયીક બાબતો છે. આ બાબતો અંગેના કાયદાઓ ધાર્મીક ગ્રન્થોથી શાસીત થવા જોઈએ નહીં. આમ છતાં લગ્ન, લગ્નવીચ્છેદ, દત્તકવીધાન અને વારસો કે ઉત્તરાધીકાર જેવી બાબતો અંગેના કાયદાઓનાં મુળ ધાર્મીક ગ્રન્થોમાં રહેલા છે. હવે જ્યારે સંસ્કૃતીનો આટલો બધો વીકાસ થયો છે ત્યારે આવી બાબતો બીનસામ્પ્રદાયીક કાયદાઓથી જ શાસીત થવી જોઈએ. જો આપણે હીંદુલગ્ન ધારો, મુસ્લીમ શરીયત ધારો, પારસી લગ્ન ધારો તરફ નજર નાખીએ તો જણાશે કે આ દરેક કાયદો પુરુષ અને સ્ત્રી વચ્ચે અસમાન વર્તાવ રાખે છે. આ તમામ કાયદાઓમાં સ્ત્રીઓને અન્યાય થયો છે. આજે એકવીસમી સદીમાં સ્ત્રીઓ સાથેનો અસમાન કાયદાકીય વ્યવહાર બીલકુલ ચલાવી લઈ શકાય નહીં. બંધારણના અનુચ્છેદ 14માં સમાનતાનો સીદ્ધાન્ત વણી લેવાયો છે. એટલું જ નહીં, અનુચ્છેદ 15 મુજબ રાજ્ય કોઈનીયે સાથે ધર્મ, જ્ઞાતી, જાતી, લીંગ કે જન્મસ્થાનનાં કારણસર ભેદભાવ કરી શકે નહીં; જ્યારે આપણા દેશમાં અન્ય તમામ કાયદાઓ બીનસામ્પ્રદાયીક છે, અંગત નથી, તો લગ્ન, દત્તકવીધાન, વારસો કે ઉત્તરાધીકાર જેવી બાબતોમાં અંગત કાયદાઓ કેવી રીતે અને શા માટે પ્રવર્તતા હોવા જોઈએ તે સમજી શકાતું નથી. તાર્કીક રીતે સમાન નાગરીક ધારાની તરફેણમાં અને વીરોધમાં પણ દલીલો કરી શકાય; પરન્તુ ધાર્મીક આદેશો અનુસાર રચાયેલા કાયદાઓનું શાસન વ્યક્તીના જીવનની લગ્ન, વારસો કે ઉત્તરાધીકાર જેવી બાબતોમાં ચલાવવું તે બંધારણના ઉઘાડા ભંગ સમાન છે. આપણે બંધારણ હેઠળના તમામ અધીકારો અને વીશેષાધીકારો જોઈએ છીએ; પરન્તુ બંધારણના અન્ય આદેશોનો ભંગ કરીને સ્ત્રી–પુરુષ વચ્ચે સમાનતા સીદ્ધ થવા દેવામાં એકમત થવું નથી તે અત્યન્ત વીચીત્ર બાબત છે.

–અશ્વીન ન. કારીઆ

લેખક : અશ્વીન ન. કારીઆ, (નીવૃત્ત પ્રીન્સીપાલ, લૉ કૉલેજ) 16, શ્યામવીહાર એગોલા રોડ, પાલનપુર 385001 સેલફોન : 93740 18111

અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો વગેરેનાં તાળાં ખોલવા માટે રૅશનાલીસ્ટ ઈન્દુકુમાર જાની દ્વારા સમ્પાદીત પુસ્તક રૅશનાલીઝમ : નવલાં મુક્તીનાં ગાન (પ્રકાશક : ‘નયા માર્ગ ટ્રસ્ટ’, નયા માર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ 380 027 ફોન : (079) 2755 7772 પ્રથમ આવૃત્તી : નવેમ્બર 2007, પાન : 80, સહયોગ રાશી : રુપીયા 40/–)માંનો આ 15મો લેખ, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તના ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00  અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 08/07/2019

9 Comments

    1. સજાની જોગવાઈ તો છે જ ; પરન્તુ બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી જેમની છે એ જ બંધારણનો છડેચોક ભંગ કરી રહ્યા છે. તો પછી સજાનો અમલ કોણ કરાવશે/કરશે?

      Like

  1. ખુબ સરસ લેખ આભાર અશ્વીનભાઈ અને ગોવિંદ ભાઈ. આપણા સાહેબે ૨૦૧૪ ની જીતની ઉજવણી બનારસ માં ગંગા માં એક લાખ દીવડા ની આરતી ઉતારેલી તો એમના પર તો ૫૧ AH નો ભંગ અને Potution Act નો ભંગ બે ગુના લાગુ પડે.

    Liked by 1 person

  2. નમસ્તે અશ્ર્વિનભાઇ,
    મને એવું લાગે છે કે પ્રજા માટે ઘર્મ ને કાયદા વચ્ચે મોટુ અંતર છે.એમ જોઇએ તો આપણો ઘર્મ માત્ર ક્રિયાકાંડ, જપતપ ને યજ્ઞયાગ, પુજાપાઠ ને મંદિર કે કથાકિર્તનમાં જ સમાઇ જાય છે. નીતિનિયમોને રોજ બરોજના નિયમો સાથે કોઇ મેળ નથી. કહેવાય કે હાથીના દેખાડવાના જુદા ને ચાવવાના જુદા. કોઇએ સાચું જ કહ્યુ છે કે આપણે ઘાર્મિક છીએ પણ નૈતિક નથી. એટલે તો ચુંટણી સમયે ઉમેદવારો જે તે દેવદેવતાના ચરણોમાં ‘માથુ’ ટેકવે છે.મંદિરમાં પુજાકરે છે ને પછી ચુંટણીપ્રચારમાં નીકળે. જીતવા માટે માનતા પણ રખાય. લોકો આનાથી પ્રભાવિત તો થાય જ ને. ‘મહાજનો ગતા યેન પંથા’ જેવી વાત છે. મતદાન પણ ઉમેદવારના ઘર્મને અનુસરીને અપાય. બંધારણ જે કહેતું હોય તે. બાકી માણસ કોઇ ધર્મનો સિક્કો માથા પર લગાડીને અવતરતો નથી.જે તે પરિવારમાં જન્મે એ એનો ધર્મ બને છે.

    Liked by 1 person

  3. Indian constitution recommends scientific attitude and vision along with rational and humanistic thinking. But there is no provision in the constitution and in any penal or civil code for any kind of retribution or punishment. Also the same constitution provides for the free expression of thoughts and speech.
    Nonetheless every citizen should thrive to be as science oriented and rational as possible and give up blind faith and the so called traditional and religious and quasi religious rituals which are not conforming to the scientific behaviour and which are absolutely irrational.
    Many thanks to Professor Ashwinbhai Karia for this article, and congratulations to Govinbhai Maru for publishing on this blog.

    Liked by 1 person

  4. સ્નેહીશ્રી અશ્વિનભાઇ, ગોવિંદભાઇ,
    ખૂબ સરસ માહિતિ પ્રાપ્ત થઇ. ખૂબ આભાર . ભારતના બંઘારણની ઉંડી વિગતો આજના વિષય માટે મળી. ભારતમાં રીસર્ચ કરવા જેવી છે કે મહાભારત અને રામાયણને કેટલાં ટકા નાગરીકોઅે વાંચ્યું છે કે ક્યાંતો સાંભળ્યુ છે. અને કેટલાં નાગરીકોઅે ભારતનું બંઘારણ વાંચીને અભ્યાસ કર્યો છે કે કોઇના મોઢે બોલાયેલું સાંભળ્યું છે ? સવાલ ભારતનું બંઘારણ નાગરીકના દૈનીક જીવનને અસર કરે છે કે પછી મહાભારત કે રામાયણ ? ભારતમાં અભણતા કેટલી છે ? કેટલાંને ખબર છે કે ભારત દેશનું સંવિઘાન…બંઘારણ કે જે દરેક નાગરીકને માટે જીવન કાયદાઓ છે ?
    અભીવ્યક્તીને અભિનંદન.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  5. કેટલા વાંચકો ને આ માહિતી છે કે અમેરિકા જેવા પ્રગતિશીલ દેશ ના સરકારી ચલણ ડોલર ની નોટ માં આ લખાણ જોવા મળે છે: .

    IN GOD WE TRUST

    આ પર થી શું અંદાજો લગાવી શકાય છે?

    Liked by 1 person

  6. મિત્રો,
    હિન્દુઓના ઘર્મમાં વર્ણવ્યવસ્થાઅે જે જીવન જીવવાના નિયમો ઘડેલાં છે…તે બઘા મનુસ્મૃતિમાં લખાયેલાં છે.
    આ વર્ણવ્યવસ્થા…મૂળે કૃષ્ણઅે પાડી હતી.
    ભગવત ગીતાના અઘ્યાય : ૪ અને શ્લોક : ૧૩માં કૃષ્ણ કહે છે કે…..

    ચાતુવૅણયૅં મયા સૃષટં ગુણકર્મવિભાગશ:
    તસ્યંકર્તારમપિ માં વિદ્દયકર્તારમવ્યયમ્.
    અર્થાત……ગુણો તથા કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણો ઉત્પન્ન કર્યા છે. તેના કર્તા છતાં તું મને અકર્તા ને અઘિકારી જાણ.

    અમૃત હઝારી.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s